મીરાંનો મર્યાદાશ્રેષ્ઠ વિદ્રોહ

(મીરાંની તપસ્યાનું નિરાળું વિશ્ર્લેષણ કરતા આ લેખમાં શ્રી મહાદેવી વર્માની આધ્યાત્મિક ગરિમાનાં દર્શન થાય છે.)

હું મારી જાતને એટલે કે મને મીરાંની ઉપાસિકા માનું છું. મને યાદ આવે છે કે મારા નાનપણમાં મારી મા મીરાંનું એક પદ ગાતી, ‘સુનિ મૈં હરિ કી આવાજ.’

મીરાંનું આ પ્રસિદ્ધ પદ એ વારેવારે ગાતી. એક વાર મેં મારી માને પૂછેલું કે તને આ અવાજ સંભળાય છે ખરો ? ત્યારે તેણે જવાબ આપેલો કે ‘આ સાંભળવા માટે તો ચિત્ત એકદમ શાન્ત અને એકાગ્ર કરવું પડે.’

આ સાંભળીને તો હું આંખો બંધ કરીને બેઠી રહી, પણ મને તો કંઈ આ અવાજ સંભળાયો નહીં. મેં આ બાબતે માને ફરિયાદ કરી કે મને તો કાંઈ અવાજ સંભળાતો નથી ત્યારે માએ કહેલું કે તને આગળ જતાં ભવિષ્યમાં આ અવાજ સાંભળવા મળશે. અને ખરેખર મારી માએ આપેલા આશીર્વાદ સાચ્ચા પડ્યા.

જ્યારે મારું મન એકદમ શાંત અને એકાગ્ર હોય છે ત્યારે મને જરૂર આ અવાજ સંભળાય છે.

મીરાં શાશ્ર્વત નારીનું પ્રતીક છે. મીરાં સનાતન ભારતીય નારીની કથા છે. મીરાંના જીવનના પ્રત્યેક ડગલે ને પગલે સંઘર્ષની વાર્તા છે.

મીરાંએ પોતાના અભીષ્ટ કર્તવ્ય માટે પેાતાના દૃઢ સંકલ્પ બળે આવનારી બધી જ વિપરીત વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અને તત્કાલીન સમાજ સામે એણે પોતાનું તેજસ્વી વિદ્રોહિણી સ્વરૂપ દેખાડેલું.

મીરાં મધ્યયુગની નારી છે. મધ્યયુગ એટલે ઘોર અંધકાર અને આલોકના મિશ્રણવાળો યુગ. આ કાળમાં મહિલાઓની સ્થિતિ ચિંતાજનક હતી. એ સમયે નારી પાસે પોતાનો સ્વતંત્ર અવાજ નહોતો. એના માટે કહેવા-સાંભળવા તથા વાક્-અભિવ્યક્તિ માટે કોઈ પ્રકારની સ્વતંત્રતા જ નહોતી.

મધ્યયુગીન નારી એક એવી મૂક નારી હતી કે જેનું કોઈ ચિત્ર નહોતું બનતું. એ યુગમાં નારીની જાણે કોઈ સ્થિતિ જ નહોતી. ચૂપચાપ એ પોતાના જીવનનું બલિદાન આપી દેતી.

મીરાં આવા ઘોર અંધકારપૂર્ણ યુગમાં જન્મી. અત્યંત કાળમીંઢ પાષાણોના બનેલા દુર્ગના કાંગરાઓની વચ્ચે એને સુખ-સગવડતાનાં પ્રલોભનકારી સાધનો આપવામાં આવેલાં. પરંતુ મીરાંનો જન્મ ભૌતિક રાજસી સુખસુવિધાઓને ભોગવવા માટે થયો નહોતેા.

મીરાંએ તો એ રાજસી સુખના ખડકલામાંથી પોતાના પરમ આરાધ્ય ‘ગિરિધર ગોપાલ’નો હાથ પકડેલો. અને એટલે જ તે બધા પ્રકારનાં રાજસી સુખ-સુવિધાઓ તથા તત્કાલીન બંધનો અને મર્યાદાઓને અતિક્રમી જઈ સામાન્ય લોકોની વચ્ચે આવી પહોંચેલી. પોતાના તંબૂરા પર ‘ગિરિધર ગોપાલ’ની અલખ જગાડનાર મીરાં કંટક પથ પર આગળ વધતી રહી. આ પરમ વિદ્રોહિણી ભક્તશ્રેષ્ઠનાં જ્યાં જ્યાં કદમ પડ્યા, ત્યાં ત્યાં ભક્તિનાં પવિત્ર ફૂલ ખીલવા લાગેલાં.

મને ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોમાં ભક્તિભાવનાં દર્શન થયાં છે અને મીરાંનાં પદોમાં આ સામ્ય જોતાં આશ્ર્ચર્ય થાય છે કે ભક્તવાણી પણ ઋષિઓની ઋચાઓ સમાન મર્મસ્પર્શી છે. આપણાં ઋષિગણોએ જ્ઞાનના માધ્યમથી જે સંકેત આપેલા છે. (એ સંકેતો) ભકતજનો ભાવના દ્વારા એ જ સત્યને પ્રકટ કરે છે.

મને એવું પ્રતીત થાય છે કે ભક્તિ આંદોલનનો જન્મ તો વરુણ સૂક્તોથી ચાલ્યો આવે છે. આપણે ચેતના અને વિરાટ ચેતના વચ્ચેના તાદાત્મ્યની શોધમાં લાગ્યા છીએ. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં ભક્તિ-આંદોલનનો બહુ મોટો પ્રભાવ દેખાય છે. આ ભક્તિ- આંદોલનમાં મીરાંની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

મીરાંના પદ આત્મતાદાત્મ્યક છે. સ્વયં મીરાં તો સાક્ષાત્ સાકાર પ્રેમમયી છે. એ સાકાર પ્રેમની જ્વાળા છે, જ્યોતિ છે, જેમાં કાલિમા, કટુવચન, બૂરાઈઓ માટે કોઈ અવકાશ જ કેવી રીતે રહી શકે ? એ તો બિલકુલ જ્યોતિર્મયી છે.

એના કાવ્યમાં એક આલોક છે, એક વિદ્યુત છે. એનામાં ક્યારેય કોઈના વિષે કોઈ દુર્ભાવના નથી. જો કે સંતોએ ક્યારેક ક્યારેક સમાજ અને શાસ્ત્રો માટે કડવું સત્ય કહ્યું પણ છે. પરંતુ મીરાંએ તો કેવળ મધુર રસ ફેલાવ્યો છે. બલ્કે એની પાસે માધુર્ય સિવાય બીજુ કાંઈ છે પણ નહીં. મીરાં તો માધુર્યસંપન્ન શ્રેષ્ઠ ભક્ત નારી છે. સર્વાંગ પ્રેમમયી, મધુર સાક્ષાત્ રાધા સ્વરૂપા.

મીરાંનું ગીત છે, “કોઈ કહે મીરાં ભઈ રે બાવરી, કોઈ કહે કુલનાસી રે. લોકોએ મીરાં માટે શું નહીં કહ્યું હોય ? છતાંય મીરાંએ કોઈના પણ માટે ક્યારેય ખરાબ વાત કરી નથી. એની વિશેષતા એ રહી કે એની સામે જ્યારે જ્યારે જે કાંઈ આવ્યું એ બધાંનો, શ્રીકૃષ્ણનો પ્રસાદ સમજીને, સ્વીકાર કરી લીધેલો.


તમને આ પણ વાંચવું ગમશે


મીરાં તો પ્રેમરસ સભર વાદળી છે. એ પ્રાણવાન વાદળીએ હમેશાં પ્રેમરસની જ વર્ષા કરી છે. મીરાં પાસે પ્રેમ સિવાય બીજો કોઈ ભાવ જ નહોતો.

મીરાંએ પ્રભુપ્રાપ્તિના માર્ગમાં આવનારા તમામેતમામ અંતરાયો, મર્યાદાઓ, અવરોધો અને ઔપચારિકતાઓ સામે મધુર બગાવતનો બંડ પોકાર્યો છે. એ મૂળત: વિરહિણી છે. એનું લક્ષ્ય તો ફક્ત ગિરિધર ગોપાલની પ્રાપ્તિ જ છે. એનું વિદ્રોહી સ્વરૂપ તો આ પરમ લક્ષ્યની પ્રાપ્તિમાં આવતા અંતરાયો સામે છે. આમ, મીરાંનો વિદ્રોહ અનુપમ છે. અદ્વિતીય છે.

એણે ગોપાલતાદાત્મ્યની મોટી મર્યાદાની રક્ષા કરવા માટે રસ્તામાં આવનારી નાની મોટી અનેક અડચણો સામે મધુર વિદ્રોહ પ્રકટ કર્યો છે. એટલા માટે જ મીરાંના આ વિદ્રોહને આપણે ‘મર્યાદા શ્રેષ્ઠ વિદ્રોહ’ કહી શકીએ છીએ. મીરાંએ સનાતન નારીની મર્યાદાઓનું સહજ ભાવે પાલન કર્યું છે. એણે એના જીવનમાં પ્રેમ, કરુણા, ભક્તિ, કર્તવ્ય, બ્રહ્મચર્ય, સંયમ તથા અપરિગ્રહ જેવા ઉદાત્ત ગુણોને આત્મસાત્ કરી ઉતાર્યા છે. વળી અત્યંત સાહસિકતાથી, ધૈર્યપૂર્વક તથા અદ્વેષભાવથી તત્કાલીન બધા જ અભિશાપોને હસતાં હસતાં સહન કર્યા છે.

મધ્યયુગના જડ પાષાણવત્ યુગમાં મીરાં મેવાડની રાજનંદિની હતી. યશસ્વી મેવાડના રાજઘરાનાની તે પુત્રવધૂ હતી.

મર્યાદા, લોકબંધન તથા અતિશય કટ્ટરચુસ્ત સમાજમાં મીરાંનું હાથમાં કરતાલ લઈને રાજમહેલમાંથી બહાર નીકળીને સમાજના લોકો સાથે મળીને પ્રિયતમ ગિરિધર ગોપાલના પ્રેમનો ઢંઢેરો પીટવો, તે સૂચવે છે કે એ વખતના તત્કાલીન સમાજની વિરુદ્ધ એકદમ ભીષણ અને ગંભીર બળવો હતો.

મીરાંએ ઝેર અપનાવી લીધું, દેશવટો ભોગવી લીધો, એણે ઘણા સંઘર્ષો સામે ઝૂઝવું પડ્યું. આ બધા વિષમ સંજોગોમાં પણ તે એના આરાધ્યમાં તલ્લીન રહી. આવી કોઈ સમર્થ વીરાંગના, વિદ્રોહિણી નારી મને અત્યાર સુધી મળી નથી.

મધ્યયુગમાં મીરાંની આ અહિંસક લડત અદ્ભુત હતી. મીરાંએ સંપૂર્ણ સમાજ સામે પડકાર ફેંકેલો. એ આખા યુગની સામે લડી પણ પૂર્ણ માધુર્ય સાથે લડી. આમ મીરાંની લડત ઇતિહાસમાં બેનમૂન અને અદ્વિતીય છે. એની ભક્તિમાં એક એવા પ્રકારના માધુર્યનું સામર્થ્ય હતું કે જેના દ્વારા એ વખતના શક્તિના અધિષ્ઠાતાઓ મૌન થઈ ગયેલા.

જે લોકો ફક્ત જ્ઞાનને જ મહત્ત્વ આપે છે એ બધાંને મીરાંએ એની ગિરિધર ગોપાલની પ્રીતિમાં એટલા બધા આપ્લાવિત (રસમગ્ન) કરી દીધા કે વાસ્તવિક રીતે કોઈ આ સમજી ન શક્યું કે મીરાં શું કહે છે અને તેના કથ્યમાં શું નવીન છે ? મીરાંકાવ્યની વિશેષતા પણ એ જ છે કે મીરાંએ ભાવની અભિવ્યક્તિ માટે બીજા કોઈ માધ્યમની જરૂર જ ન અનુભવી. વળી મીરાંએ એના માટે કોઈ નવા માધ્યમની શોધ પણ ન કરી. એને માધ્યમની જરૂરિયાત પણ હતી કે કેમ ? કેમ કે એણે તો ગિરિધર ગોપાલ કૃષ્ણને પોતાની આંખોમાં, વાણીમાં અને હૃદયમાં આત્મસાત્ કરીને વસાવી દીધેલા.

જેના શિરે મોરમુકુટ છે, હાથમાં વાંસળી છે, એવા આ કૃષ્ણને સાથે લઈને કરતાલ વગાડતાં વગાડતાં મીરાં નાચી પણ ખરી અને મીરાંની સાથે કૃષ્ણ પણ વાંસળીવાદન કરતાં મીરાં સાથે નાચી રહ્યા છે.

મીરાં- કૃષ્ણનું આ સહનૃત્ય મીરાંના કાવ્યમાં દેખાય છે. મને તો આ પ્રકારની અલૌકિક તન્મયાવસ્થાનાં દર્શન મીરાં સિવાય અન્ય કોઈ કાવ્યમાં થયાં નથી. માટે જ મારી દૃષ્ટિએ મીરાંની સાધના અદ્વિતીય છે.

કૃષ્ણસંગ અને કૃષ્ણની વાંસળી મીરાંની સાથે જ છે. ભક્ત ભગવાનના આંગણામાં નાચ્યા છે. પરંતુ પ્રેમાળ મીરાંએ તો ભગવાનને જ પોતાની સાથે નચાવ્યા છે અને એણે તો કૃષ્ણની વાંસળીમાં પોતાનો શ્ર્વાસ ફૂંકીને, પ્રાણ રેડીને સૂર રેલાવ્યો છે.

મીરાંએ ભલે આખા મધ્યયુગની સામે પડકાર ફેંકેલો પણ એણે કોઈ નવો ધર્મ કે નવા પંથની પહેલ શરૂ કરી નથી. મીરાંના કાર્યક્ષેત્ર (રાજસ્થાન, વ્રજ, અથવા કાઠિયાવાડ)માં કોઈ મીરાંપંથ મળ્યો નથી. એને ક્યાં કોઈ પંથ બનાવવાની ફુરસદ પણ હતી ? જે વ્યક્તિ અણિયાળા પત્થરોમાં રસ્તો બનાવતી હોય, કાંટા પર ચાલતી હોય, જેનું જીવન સતત સંઘર્ષરત રહ્યું હોય અને જેને પ્રેમની તન્મયતા સિવાય બીજો કોઈ ભાવ જ શેષ રહ્યો ન હોય, એ વ્યક્તિ કેવી રીતે પંથ બનાવી શકે ? મીરાંનું પ્રત્યેક પદ પડકારરૂપ છે.

મીરાંએ આખા ભક્તિ-આંદોલનને પ્રભાવિત કર્યું છે. આ ભક્તિ- આંદોલન ભારતવર્ષના પૂર્વ-પશ્ર્ચિમ, ઉત્તર-દક્ષિણ સુધી વ્યાપ્ત હતું. આ મહાન નારી દ્વારા પ્રભાવિત થયેલ સમસ્ત ભક્તિઆંદોલનમાં ફ્કત મીરાં જ એક એવી સ્ત્રી હતી જેણે ભક્તિની મર્યાદા બતાવી અને પડકાર ફેંકયો.

મીરાંના પદ દેશકાળની સીમાઓ વટાવી જઈ જ્યાં-ત્યાં અને જ્યારે-ત્યારે લોકોનાં હૃદયના હાર જેવા બની ગયા. એ ગુજરાતમાં વ્યાપ્ત છે. સુદૂર પૂર્વ બંગાળ મીરાંને સ્વીકારવા માટે વ્યાકુળ છે.

દક્ષિણ ભારતમાં પણ મીરાંનાં પદ લોકપ્રિય છે. આખો દેશ મીરાંને પોતાનો માને છે. આ જ મીરાંની મહત્ વ્યાપકતાનું એક તથ્ય છે.

મીરાંને અપનાવવા  માટે આખો દેશ તત્પર છે કેમ કે ભારતીય જનમાનસે મીરાંનાં પદોને આત્મસાત્ કરી લીધેલાં છે. એટલા માટે મીરાં આપણા દેશની અત્યંત પવિત્ર ધરોહર છે. દેશની અણમોલ સંપદા છે. ભારતની ગૌરવાન્વિત ભકત મહિલા છે.

મીરાંની પ્રેમસાધના નિરાળી છે, એકાકી છે, અદ્વિતીય છે. એ આકાશની જેમ વ્યાપક છે. એનામાં જૌહર છે, સંઘર્ષ છે, જ્ઞાન છે, વિજ્ઞાન છે, યોગ છે, સાધના છે. બધા જ સદ્ગુણોનો સમાવેશ મીરાંમાં છે. એનાં તમામ મધુર પદોમાં આ બધા ભાવ, અનુભવ અને ભાવનાઓનાં દર્શન થાય છે.

બધી સાધનાપદ્ધતિઓને પાર કરીને જે દિવ્ય, અલૌકિક અને વિશુદ્ધ આનંદની ઉપલબ્ધિ મળતી હોય છે, તેનો રસાસ્વાદ મીરાંના પ્રત્યેક પદથી સહજ કરી શકાય છે. હું બંગાળ ગયેલી. ત્યાં મેં બાઉલોનાં ગીત સાંભળેલાં.

એ ગીતોમાં મીરાંનાં ગીતોનો પ્રતિધ્વનિ સંભળાતો હતો. જ્યારે મેં એમને મીરાંનાં કેટલાંક પદો સંભળાવ્યાં તો તેઓ એ સાંભળીને નાચી-ઝૂમી ઊઠેલાં.

કલ્પના કરો કે મીરાંનાં પદ સમય-સ્થળને પાર જઈ ચૂક્યાં છે. મધ્ય-યુગીન ચુસ્ત, કટ્ટર, કઠોર સામંતશાહીએ મીરાંને કેદમાં જકડી રાખવા પ્રયત્ન કરેલો પરંતુ આ મહાન ઓજસ્વી પ્રેમદિવાની મીરાંનો સ્વર તો આજે લગભગ સાડા ચારસો વર્ષો પછી પણ એ કાળમીંઢ દીવાલોને ઉલ્લંઘી જઈને દેશ આખામાં ભક્તજનોનાં હૃદયમાં અને કંઠોમાં પ્રતિધ્વનિત થઈ રહ્યો છે.

આ કાંઈ નાનોસૂનો જાદુ નથી. પણ એવી કોઈ તાકાત છે જે આખા દેશમાં આટલાં વર્ષો બાદ પણ આજે વ્યાપ્ત છે.

પવિત્ર ભાવની પ્રેમભાવના જ મીરાંનો પ્રસાદ છે. હું કહું છું, મીરાં જ રાધા છે. અર્થાત્ એવી રાધા કે જે કૃષ્ણમાં એકરૂપ થઈ ગયેલી છે અને ભિન્ન પણ છે.

એ ચોક્કસરૂપે શાશ્ર્વત નારીની માતૃશક્તિ છે. એટલા માટે જ મીરાંનાં ગીતોમાં સર્જનની ધ્વનિ પ્રકટી છે. જે પ્રત્યેકના હૃદયને સ્પર્શે છે અને જે મંગળ આનંદ અને પ્રેમના તત્ત્વનો ઉદ્ભવ કરાવવામાં સમર્થ છે.

શૌર્યનાં વાદળોમાં મીરાંનું ભક્તિજળ છે. જે વાદળામાં પાણી નથી હોતું એનાથી વીજળી નિષ્પન્ન નથી થતી. પાણી ભરેલ વાદળ જ વીજળીની દાહકતાને સંભાળી શકે છે.

આ ભૂમિને મીરાંના વ્યક્તિત્વ દ્વારા સાધન, પ્રેમ અને ભક્તિનું સંબલ મળ્યું છે.

(‘મીરાં શ્રદ્ધાંજલિ’માંથી)

(અનુવાદ : અમી ભટ્ટ)           – મહાદેવી વર્મા


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s