ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં વિજ્યી થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે , હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઊછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.. વરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે બલ્કે, તેમનું છએક દાયકાનું સમગ્ર જાહેર જીવન, સ્વરાજના નહીં તો સ્વરાજની બાકી રહેલી લડાઈના સિપાઈનું જરૂર છે.
ચિરપરિચિત હાસ્ય સાથે તેઓ કાયમ કહેતા જ હોય છે ને કે સરકારો તો આવે અને જાય, આપણી નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતા માટેની લડાઈ તો કાયમ ચાલુ જ રહેવાની છે. રાજકારણથી પરહેજ રાખ્યા વિનાના નવી દુનિયા માટેના, ન્યાયી સમાજરચના માટેના તેમના પ્રયાસોમાં એક અદના સિપાઈનું કડખેદપણું રહેલું છે.
એકસો પંદર વરસ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે હવે પ્રકાશભાઈ ચૂંટાયા છે એટલે એમની ઓળખમાં પરિષદ પ્રમુખનું છોગું ઉમેરાયું છે. પણ ગાંધી-સર્વોદયવાદી, વિચારક, લેખક, પત્રકાર, અધ્યાપક, કર્મશીલ એવી કોઈ એક કે વધુ ઓળખથી ઓળખાય એવા એ જણ નથી. ખુદ એમના જ શબ્દો છે કે કશામાં બંધાઉં એવું મારું વલણ નથી અને એકેયમાં હું પૂરતો નથી.
શિક્ષણ અને ઘડતર :
બારમી સપ્ટેમ્બર 1940ના રોજ જન્મેલા પ્રકાશભાઈનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ-મણિનગરમાં થયું હતું. એ આઠમા-નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે,1951-52માં, એમના શિક્ષક હરિશ્ર્ચંદ્ર પટેલ (જે પછી બીજેપીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા હતા) એમને આર.એસ.એસ.ની શાખામાં લઈ જતા.
ઝીણાના હિંદુ અડધિયાઓ સાથેનો વણિક પરિવારના કિશોર પ્રકાશનો સંગ પાંચેક વરસનો રહ્યો. ઘરના વાચન -સંસ્કાર, ખુદમાં રહેલું દૈવત-કૌવત અને કૉલેજકાળમાં પુરુષોત્તમ માવળંકરના લેસ્કી ઈન્સ્ટિટ્યૂટના કારણે તેમના જીવનમાં નવો ઉઘાડ થયો.
રાધાકૃષ્ણનનું ‘હિંદુ વે ઓફ લાઈફ’ વાંચતા યુવાન પ્રકાશને જ્યારે આર.એસ.એસ.ના અગ્રણી વકીલસાહેબ(લક્ષ્મણરાવ ઈનામદાર), આમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી : એમ જે કહે છે તે ઝબકારક્ષણ ઝિલાય છે અને પછી ? આજે તો પ્રકાશભાઈ ગુજરાતમાં સેક્યુલારિઝમનું કાયમી સરનામું બની ગયા છે.
તે એટલે સુધી કે બીજા ભલે પ્રકાશભાઈના અમદાવાદના ઘરના સરનામામાં દેરાસર પાસે લખે પ્રકાશભાઈ તો ડાકઘર (અને હવે પોસ્ટ ઓફિસ) પાછળ જ લખે છે !
જાહેર જીવનનાં મૂળિયાં ક્યાં ?
પ્રકાશભાઈના દીર્ઘ જાહેર જીવનના કે તેમના પોલિટિક્સનાં મૂળિયાં ડિસેમ્બર 1960માં તેમણે શ્રેષ્ઠ વક્તાની પસંદગી કરતી પ્રતિષ્ઠિત મહાદેવ દેસાઈ વકતૃત્વ સ્પર્ધામાં આપેલ વક્તવ્યમાં જોઈ શકાય.
એમ.એ.ના પહેલા વરસના યુવાન વિદ્યાર્થી પ્રકાશ શાહે જયંતી દલાલ અને ઈન્દુમતિબહેન શેઠના નિર્ણાયક પદે યોજાયેલી એ સ્પર્ધામાં ‘સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન હોઈ શકે ?’ એવા વિષય પર વક્તવ્ય આપતાં સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંની ભૂમિકાની હિમાયત કરી હતી, તરફેણ કરી હતી.
મહાદેવ દેસાઈ વકતૃત્વ સ્પર્ધામાં ગુજરાતભરમાં પ્રથમ આવી જે સુવર્ણચન્દ્રક મેળવેલો તે પ્રકાશભાઈએ 1962ના ચીનના આક્રમણ સબબ સંરક્ષણફાળામાં અર્પણ કરી દીધો હતો.
રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક થઈને તેમણે 1965 થી 71નાં વરસોમાં અમદાવાદની એચ.કે.આર્ટ્સ કૉલેજમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું. અધ્યાપકની સલામત અને મોભાદાર નોકરી છોડી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીમાં ભોગીભાઈ ગાંધી સાથે સહસંપાદક તરીકે જોડાયા હતા. સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંનો અમલ એ સમયનાં તેમનાં જાહેર કાર્યો અને લેખનમાં જોવા મળે છે.
તમને આ પણ વાંચવું ગમશે
પ્રકાશભાઈનું મિસાવાસ્યમ
કૉલેજના વિદ્યાર્થી તરીકે ભારતના આર્થિક ઇતિહાસના આર.સી.દત્તના પુસ્તકના વાચને ગાંધી રસ્તે નહીં પણ આર્થિક રસ્તે તેઓ આજીવન ખાદી તરફ વળ્યા. ગાંધીજી રાજાને મળવા જનસામાન્યના પહેરવેશમાં ગયા તે ગાંધીજી પ્રત્યેનું પ્રકાશભાઈનું પહેલું આકર્ષણ, પણ લોક સાથેની ગાંધીની એકરૂપતા તેમને વધુ આકર્ષી ગઈ.
રાષ્ટ્રીય કક્ષાએ આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણ સાથે તો પ્રદેશકક્ષાએ લગભગ સઘળા જાહેર જીવનના અગ્રણીઓ સાથે તેમને નાતો. નવનિર્માણ અને જે.પી. મુવમેન્ટમાં ઘણી સક્રિયતા, ગુજરાતમાં જે.પી. અને આંદોલન વચ્ચેની કડી અને, જનતા મોરચાના સહમંત્રી હોવાના કારણે પણ ઈંદિરાઈ કટોકટી વખતે ગુજરાતમાંથી પહેલા જ ઘાણમાં અને સૌથી લાંબો સમય જેલમાં રહેનારા બે પાંચ પૈકીના પ્રકાશભાઈ હતા.
ઈંદિરા ગાંધીએ આંતરિક કટોકટી લાદી અને સઘળા દેશનેતાઓને મિસા હેઠળ પકડ્યા ત્યારે ગુજરાતમાં વિપક્ષી એવી બાબુભાઈ પટેલની સરકાર હતી. પરંતુ તે સરકારનું પતન થતાં 13-14 માર્ચ 1976 થી 21-22 જાન્યુઆરી 1977 સુધી પાલનપુર અને વડોદરા જેલમાં પ્રકાશભાઈ બંધ રહ્યા.
જોકે એ સમયે અને આજે પણ પ્રકાશભાઈનો મનોભાવ તો એકંદરે હળવાશનો અને ‘ચાલો ત્યારે જેલમાં જઈ આવીએ’નો જ રહ્યો છે. પણ જેલ આખરે તો જેલ છે. જેલમાંથી મુક્ત થયા ત્યારે તેમનું શારીરિક જ નહીં, જાહેરજીવનમાં પણ વજન વધ્યું હતું. જેલમાં એમણે મહારાજ લાઈબલ કેસ વાંચેલો.
ઘણું બધું ત્યાં વાંચેલું તેમાં પૂર્વે વાંચેલી અને પહેલી વાર વાંચવાની થઈ એવી ઘણીબધી મહાનવલો હતી. ઘણાં રાજકીય વિચારનાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. મિસાવાસ્યમને કારણે જ પ્રકાશભાઈને એસ.પી.યુનિવર્સિટીએ જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના સહસંપાદક તરીકે છૂટા કરી દીધા હતા. પણ તેની તો જાણે કે પ્રકાશભાઈને કશી વિસાત જ નહોતી.
લોકમોઝાર લોકઆંદોલનોમાં
લોક મોઝાર રહેતી રાજકીય -સામાજિક- નાગરિક ચળવળો અને સંસ્થાઓ સાથે પ્રકાશભાઈનું કાયમનું જોડાણ રહેલું છે. લોકસ્વરાજ આંદોલન, ગુજરાત લોક સંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતા પાર્ટી, લોક સમિતિ, લોકસ્વરાજ મંચ, નાગરિક સમિતિ, સેક્યુલર લોકશાહી આંદોલન અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી – તે પૈકીનાં થોડાં નામ છે.
અમદાવાદ – ગુજરાત અને દેશની ભાગ્યે જ એવી કોઈ નાગરિક ચળવળ હશે જેની સાથે તેઓ જોડાયેલા ન હોય. જેટલી સજ્જતાથી તેઓ વ્યાખ્યાનો આપે છે એટલી જ પ્રતિબદ્ધતાથી હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર આંદોલન માટે પણ ઊતરે છે.
રાજકારણનો પરહેજ નહીં એટલે 1987માં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં નાગરિક સમિતિ વતી ચૂંટણી પણ લડ્યા હતા. જોકે 1975માં જનતા મોરચા વખતે એલિસબ્રિજની વિધાનસભા બેઠક કોઈ અપક્ષ નાગરિક ઉમેદવાર માટે મોરારજીભાઈ દેસાઈ ખાલી રાખવા માંગતા હતા. તેમના મનમાં પ્રકાશભાઈનું નામ હતું.
પરંતુ ભોગીભાઈ ગાંધી સાથે મળીને પ્રકાશભાઈ વગેરેએ જનતા પાર્ટીમાં નહીં જોડાવાનું અને ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું. એટલે એ શક્ય ન બન્યું. જો એમ થયું હોત તો, પ્રકાશભાઈ 1975માં બહુ સહેલાઈથી ધારાસભ્ય થઈ ગયા હોત.
પત્રકાર પ્રકાશ શાહ
ઈમરજન્સી પછી પ્રકાશભાઈના જીવનનો એક બીજો દૌર, પત્રકારત્વનો શરૂ થયો. ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના જનસત્તા પત્રો સાથે તેઓ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા અને 1978 થી 1990નાં પૂરાં બાર વરસ કામ કર્યું. તે દરમિયાન અખબારી કોલમ લેખન, તંત્રીલેખ લેખન અને તંત્રી પાનું સંભાળ્યું.
એ સમયના તેમના તંત્રીલેખો, એડિટ પેજ પરની સમયના ડંકાની નોંધો, દિશાન્તર કોલમ ગુજરાતી પત્રકારત્વમાં નોખી ભાત પાડનાર હતાં. જનસત્તા, અમદાવાદ અને લોકસત્તા – વડોદરામાં રેસિડેન્ટ એડિટરની જવાબદારી પણ નિભાવી. થોડો સમય ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી અખબારના તંત્રી હતા.
2003 થી એકાદ દાયકો નવા ગુજરાતી દૈનિક દિવ્ય ભાસ્કરના એડિટ પેજ એડવાઈઝર અને તંત્રીલેખની કામગીરી બજાવી હતી. દિવ્ય ભાસ્કરમાં કોલમલેખન લગભગ 2019ના મધ્ય સુધી ચાલ્યું. સમકાલીન(1984 થી 2003), ગુજરાતમિત્ર (1992 થી 2003)માં પણ કોલમલેખન કર્યું હતું. પૂર્વે અને આજે ગુજરાત ટુડે દૈનિકમાં સાપ્તાહિક કટાર લેખન કરે છે. વિશ્ર્વ માનવ અને અખંડ આનંદમાં સંપાદન-લેખન કરી ચૂકેલા પ્રકાશભાઈ એપ્રિલ 1993 થી વિચારપત્ર નિરીક્ષકના તંત્રી છે.
પરિષદ અને પ્રકાશભાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે પ્રકાશભાઈનો ભાવનાત્મક સંબંધ તો કિશોરાવસ્થાથી છે. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાથી તેમનું પરિષદ સાથે સક્રિય સંધાન છે. 1990 થી 1998 સુધી પ્રકાશભાઈ પરિષદના મંત્રી અને 1999 થી 2003 સુધી પરિષદના ઉપપ્રમુખ હતા.
પરિષદની મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં તેઓ ચૂંટાતા રહ્યા છે. 1964-65માં સાહિત્ય પરિષદના મુંબઈ અધિવેશનમાં તેમણે ક.મા.મુનશીની નવલકથાઓ અને રાષ્ટ્રચેતના પર લેખ વાંચેલો.
ગુજરાતી નવલકથામાં સ્વરાજચેતના અને સાહિત્ય અને રાષ્ટ્ર વિશે તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિભાગીય અધ્યક્ષ તરીકે વ્યાખ્યાનો આપ્યાં હતાં. હાલમાં 2021 થી 2023નાં ત્રણ વરસો માટે તેઓ સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટેની લડત
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા પરિષદની ચૂંટણીનો મુદ્દો પ્રકાશભાઈને કારણે વિશેષ રૂપે ઊભર્યો હતો. પત્રકાર કે લેખકની જ નહીં માણસમાત્રની સ્વતંત્રતામાં તેઓ માને છે. માત્ર સંસ્થાની સ્વાયત્તતા નહીં, આંતર-બાહ્ય સ્વાયત્તતા પર પ્રકાશભાઈ ભાર મૂકે છે. તેમાંથી તેઓ ખુદ પસાર થઈ ચૂક્યા છે. કટોકટી વખતે જેલવાસને કારણે તેમને જ્ઞાનગંગોત્રીમાંથી છૂટા કર્યા હતા.
તે પછી ગુજરાતમાં અને દેશમાં બિનકોંગ્રેસી સરકારો હતી. ગુજરાતમાં બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં એચ.એમ.પટેલ નાણાંમંત્રી હતા. તેઓ બંને જ્ઞાનગંગોત્રીની હાઈપાવર કમિટીમાં સભ્યો હતા.
ગુજરાત સરકારે કટોકટીના કારણે છૂટા કરેલાને વચ્ચે બ્રેક ગણ્યા વિના નોકરીમાં લેવાનો ઠરાવ કર્યો હોવા છતાં યુનિવર્સિટી અમલ કરતી નહોતી.
ગુજરાતના શિક્ષણમંત્રી નવલભાઈ શાહને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કોઈ કામસર મળવા આવ્યા ત્યારે તેમણે પ્રકાશભાઈના મુદ્દે તેમના વલણ અંગે વાત કરી અને ઉમેર્યું કે યુનિવર્સિટીની સ્વાયત્તતા અને અધિકારોનો વિચાર કરીને અમે કશો આદેશ કરતા નથી.
આમ, યુનિવર્સિટીની સ્વાયત્તતા પ્રકાશભાઈને નોકરી પરત અપાવી ન શકી ! ટાઈમ્સ જૂથના ગુજરાતી અખબારમાં તંત્રી તરીકે જોડાવાનું થયું ત્યારે પ્રકાશભાઈએ તેના માલિકને કહેલું,
બધી જગ્યાએ એડિટોરિયલ ફ્રીડમ (તંત્રીની સ્વતંત્રતાના)ના સવાલો હોય છે અને હું નોકરિયાત માણસ નથી એટલે એ પ્રશ્ર્ન મને વધારે નડે. એ સમયે તો આશ્ર્વાસન મળ્યું પણ બહુ લાંબું ન ટક્યું ને પ્રકાશભાઈએ ટાઈમ્સમાંથી રાજીનામું આપ્યું.
બૌદ્ધિકનો કવિ-અભિગમ
2019ની 20મી જુલાઈએ પ્રકાશભાઈના નાગરિક સન્માનનો એક કાર્યક્રમ નામે પ્રકાશોત્સવ, એમના મિત્રો-ચાહકો અને સમદુખિયા-સહવિચારકોની પહેલથી યોજાયો હતો. કોર્પોરેટ, રાજકીય કે ધર્મસંસ્થાનની સહાય વિનાના કેવળ અને કેવળ નાગરિકોની સહજ પહેલથી યોજાયેલા ‘પ્રકાશોત્સવ’માં પ્રકાશભાઈએ પોતાના ચેતાકાશમાં જેમ સમસંવેદન તેમ નિસબત અને વિકલ્પ શબ્દો કેવા જોડાયેલા છે તે જણાવ્યું હતું.
એ નિમિત્તે પ્રગટ પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી સાથેની દીર્ઘ મુલાકાતના પુસ્તકમાં પ્રકાશભાઈએ તેમના વારસા અંગે કહ્યું છે કે, ચાલુ દુનિયામાં રહીને નવી દુનિયા માટે થોડા જ્વલનશીલ પણ સરખા વિચારો મૂક્યા. એવું કંઈક હું કરી શક્યો હોઉં તો મને ગમે. હા, પ્રકાશભાઈ તમે આવું ઘણું કર્યું છે અને હજુ કરતા રહેવાના છો એની ખાતરી છે. કેમ કે તમે જ તો કહ્યું છે ને કે શ્ર્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે.
કાકાસાહેબ કાલેલકરે ઉમાશંકર જોશીને કહ્યું હતું કે તું કવિ છે પરંતુ તારો અભિગમ બૌદ્ધિક છે. પ્રકાશભાઈ માટે એમ કહી શકાય કે તેઓ બૌદ્ધિક છે પરંતુ તેમનો અભિગમ કવિનો છે. એમની મધુર બેચેની સમજાય છે પણ તેમની ઉદારતા ? ‘નિરીક્ષક’ના તંત્રી અને પરિષદપ્રમુખ તરીકેની જ નહીં, માણસ તરીકેની એમની ઉદારતા મર્યાદા ન બની જાય તેવી આશા સાથે પરિષદના નવા પ્રમુખ પ્રકાશભાઈ શાહને શિવાસ્તે પંથાન.
– ચંદુ મહેરિયા
‘નિરાંત’, 1416/1, સેકટર-2-બી,
ગાંધીનગર-382007
લેખમાં આપેલ તસ્વીરો : ડૉ. અશ્વિનકુમારના સૌજન્યથી
