પ્રેમની રીત સર્વ સેવા

મેં એક વાર કહ્યું છે કે ગામડાના લોકો પરમેશ્ર્વરની સેવા કરે છે અને નગરવાસીઓએ તેમની સાથે સંબંધ રાખવો જોઈએ. ગામડાના લોકો સાક્ષાત્ ઈશ્ર્વરની સેવા કરે છે. ઈશ્ર્વરના સેવકોની સેવા નાગરિકોએ કરવી જોઈએ. આ રીતે નાગરિકો અને ગ્રામજનોની વચ્ચે પ્રેમસેતુ બનશે તો ભારતમાં એકરૂપતા, એકરસતા નિર્માણ થશે.

જે ગુણ ગામમાં છે, તેનો અભ્યાસ નાગરિકોએ કરવો જાઈએ. ગ્રામજનોને શરીરશ્રમની આદત હોય છે, નાગરિકોને નથી હોતી. દરેકને શરીર-પરિશ્રમની જરૂર છે, વ્યાયામની જરૂર છે. વ્યાયામ વિના ખાધેલું પચતું નથી. તેથી શહેરોમાં વ્યાયામશાળા (જીમ) ખોલવામાં આવે છે. ત્યાં લોકો દસ-પંદર મિનિટ દંડ-બેઠક કરે છે, જેમાં પરસેવા સિવાય બીજું કોઈ ઉત્પાદન નથી થતું. તેથી સમજવું જોઈએ કે તમે એવો વ્યાયામ કરો કે જેથી ઉત્પાદન થાય.

આમ નાગરિકો અને ગ્રામજનોના જીવનમાં ફરક છે. શહેર-વાસીઓએ એવું નક્કી કરવું જોઈએ કે વ્યાયામ માટે ઉત્પાદકીય શરીર-પરિશ્રમ કરે.

ઉત્પાદન સિવાયના વ્યાયામને અમીરી કામ, ઈજ્જતનું કામ ગણવામાં આવે છે. પણ વિચારવા જેવું છે કે જો આપણે ઉત્પાદકીય શરીર પરિશ્રમ કરીશું તેથી મજૂર કહેવાશું, તો તેનાથી શું બગડશે ? પરંતુ મજૂરો વિશે એટલી ઘૃણા છે કે તેમનું નામ સુધ્ધાં લેવાનું પસંદ નથી કરતા. જે કામ કરે છે તેને નીચા માનીએ છીએ.

જે ગંદકી કરશે, તે ‘નાગરિક’ કહેવાશે અને જે સાફ કરશે તે ‘અછૂત’ કહેવાશે ! આ વૃત્તિ નાગરિક છોડે અને ગ્રામજનોના સેવક બને.

ગ્રામીણો સીધી પરમેશ્ર્વરની ઉપાસના કરે. તેઓ સવાર થતાં જ સૂર્યનારાયણની ઉપાસના કરતાં કરતાં ખેતરમાં કામ કરે અને આપણે (નાગરિકો) તેની સેવા કરીશું, ત્યારે થશે ‘સર્વોદય’.

સર્વ સેવા :

આ ‘સર્વ સેવા’ શું છે ? આમ તો લોકો કંઈ ને કંઈ સેવા કરતા હોય છે, પરંતુ તે સેવા ‘સર્વ સેવા’ નથી હોતી. ઘણા લોકો ‘અસર્વ’ની સેવા કરે છે. જે જ્ઞાતિવાદી છે તે ‘અસર્વવાદી’ છે. કોઈ કહે છે, અમે બ્રાહ્મણોની સેવા કરીશું.

કોઈ કહેશે, અમે મુસલમાનોની સેવા કરીશું, તેમનું ભલું અમે ઇચ્છીશું. આમ નાની-નાની જમાતોની સેવામાં જેઓ લાગ્યા છે, તે લોકો કોમ્યુનાલીસ્ટ. તેઓ પણ ‘અસર્વ-વાદી’ છે. તેઓ માને છે કે સમાજમાં બે વર્ગ છે : એક સસરો અને બીજો જમાઈ.

એ બંનેમાં પરસ્પર વિરોધ માનીને આપણે એક વર્ગની સેવા કરવાની છે. આ રીતે તેમના હૃદયમાં સમાજના બે ટુકડા છે. તેઓ સેવાભાવથી કામ કરે છે. તેમના હૃદયમાં પ્રેમ છે. સદ્ભાવ પણ છે. પરંતુ તેઓ સમાજનું વિભાજન કરે છે અને એક પક્ષના પક્ષપાતી બનીને કામ કરે છે.

બીરબલ અને બાદશાહની એક વાર્તા તમે જાણતા હશો. બાદશાહે હુકમ કર્યો કે જેટલા જમાઈ હોય તે બધાને ફાંસીની સજા દેવી. બીરબલે લોઢીની ઘણી શૂળી બનાવી અને સાથોસાથ એક ચાંદીની ને બીજી સોનાની શૂળી બનાવી.

બાદશાહે પૂછ્યું : ‘શું તૈયારી થઈ ગઈ ?’ બીરબલે કહ્યું : હા, ‘તૈયારી થઈ ગઈ.’ તેણે બાદશાહને શૂળીઓ દેખાડી. બાદશાહે પૂછ્યું : ‘એક ચાંદીની ને બીજી સોનાની શા માટે બનાવી ?’ બીરબલે ધીરેથી કહ્યું : ‘ચાંદીની મારે માટે અને સોનાની આપને માટે, કારણ કે આપણે બંને પણ કોઈના તો જમાઈ છીએ ને !’


તમને આ પણ વાંચવું ગમશે


આસક્તિ છોડીએ :

આ રીતે જે લોકો માલિકો પ્રતિ દ્વેષ કરે છે, તે પોતે માલિકી ઇચ્છે છે. માલિકો મોટી મિલકત છોડવા તૈયાર નથી તેમ નાના લોકો નાની માલિકી છોડવા તૈયાર નથી. નાના લોકો મોટા માલિકોનો દ્વેષ કરે છે, પરંતુ પોતાની માલિકી સાથે વળગેલા રહેવાની ઇચ્છા ધરાવે છે.

એમને એ સમજાતું નથી કે પોતે જે ચીજ અંગે મોટાનો દ્વેષ કરે છે, તે ચીજોએ જાતે પણ વળગી રહ્યા છે. એકને લંગોટીની આસક્તિ છે, બીજાને ધોતિયાની. એકને મહેલનું મમત્વ છે તો બીજાને ઝૂંપડીનું.

તેથી આપણે તો ઇચ્છીએ છીએ કે નાના લોકોએ પોતાની માલિકી-ભાવનાની આસક્તિ છોડવી જોઈએ. ત્યારે જ મોટાની માલિકી છૂટશે.

ધનિકોની સેવા કેવી રીતે ?

સર્વ-સેવા સંઘનો સિદ્ધાંત છે કે ‘સર્વ સેવા’ કરવી. માલિકો-મજૂરો, ગરીબ-ધનિક, તમામની સેવા કરવી જોઈએ. બંનેમાં સંઘર્ષ ન રહે. લોકો પૂછે છે કે ‘શ્રીમાનોની સેવા શી રીતે કરીશું ?’ તેમની સેવા તેમને સંપત્તિથી મુક્ત કરવાથી થશે.

એક શરીરે દુબળો-અશક્ત માનવ હતો – શુષ્ક શરીર ! તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તેને પોતાની પાસે રાખ્યો. રોજ દવા પીવડાવે, કારણ આજકાલ દવા પીવડાવ્યા વિના લોકોને વિશ્ર્વાસ નથી બેસતો. દવાની સાથોસાથ તેને લાડુ ખવડાવે, દૂધ-ઘી પાવા લાગ્યો.

ડોક્ટરની ખ્યાતિ ફેલાણી કે લાડુ ખવરાવીને દરદી સાજો કર્યો. એ સાંભળીને એક એવો બીમાર ડોક્ટર પાસે પહોંચ્યો, જે જાતે ઊભો થઈ શકતો નહોતો, હાંફતો હતો. ડોક્ટરે તેને પણ પોતાને ત્યાં રાખ્યો.

ઉપચાર શરૂ કર્યો. ડોક્ટરે કહ્યું : એક પથ્યનું નિશ્ર્ચયપૂર્વક પાલન કરશે તો તું સાજો થશે. બીમારે કહ્યું : ‘આપ અમને જીવનદાન દેનારા છો, આપને વચન દેવામાં શું હરકત હોય ?’ ડોક્ટરે કહ્યું : ‘ઘી, સાકર અને લોટ, ત્રણેય તમારે માટે વર્જ્ય છે.

તમને માત્ર શાકભાજી ખવડાવીશું !’ તે બીમાર બહુ નારાજ થયો. બોલ્યો : ‘માત્ર શાકભાજી ખાવી તે શું, હું કંઈ ભેંસ છું ? બીજાને લાડુ ખવરાવો તો મને કેમ નહીં ? હું તો આશા લઈને આવેલો. ડોક્ટરે કહ્યું : ‘હું તમારા બંનેનો મિત્ર છું. તેથી હું તમને પૂછું છું કે તમારે જીવતા રહેવું છે કે મરવું છે ? જીવતા રહેવું હોય, તો પચીસ રતલ વજન ઘટાડવું પડશે.

નહીં તો વજનની સાથે મરવું પડશે. જે કમજોર છે તેને ખવડાવવું તે તેના પર પ્રેમ કરવો છે. જેનું વજન બહુ વધી ગયું છે, તેનું વજન ઘટાડવું એ તેના પર પ્રેમ કર્યો કહેવાય.’

પ્રેમથી લૂંટીએ…

તેથી આપણે કહીએ છીએ કે ‘શ્રીમાનો ઉપર પ્રેમ કરવાનો છે,’ તો કોમ્યુનિસ્ટો કહે છે : ‘તેમનો દ્વેષ કરવો જોઈએ.’ આપણે કહીએ છીએ : ઘી, સાકર, રોટી બંધ કરવી એ પ્રેમ છે. ‘પ્રેમ’ને તમે ‘દ્વેષ’ નામ કેમ આપો છો ? બાબામાં અને તમારામાં આ જ ફરક છે.

બાબા ઘરે-ઘરે જાય છે. અને દિવસે દહાડે લૂંટે છે. જેને લૂંટે છે તેઓ બાબાને માનપત્ર આપે છે.

અમને આજ સુધીમાં પાંચ લાખ દાનપત્રો મળ્યા છે. અને માનપત્રો પણ બહુ મળ્યા છે. જેઓએ દાન દીધું છે તેમને માનપત્ર મળવો જોઈએ, પરંતુ અહીં તો ઊલટું થાય છે. કારણ કે બાબાએ એમનું વજન ઘટાડ્યું.

પાંચસોમાંથી સો એકર. હવે તેઓ જેટલું જીવશે, સહુ તેને આશીર્વાદ દેશે. તેથી બાબાને માનપત્ર મળે છે. હમણાં એક ગામમાં એક કોમ્યુનિસ્ટ મિત્ર મારી પાસે આવ્યો.

તેણે મારું વ્યાખ્યાન સાંભળ્યું. પછી મને કહેવા લાગ્યો : ‘અમે જો આવું વ્યાખ્યાન કરીએ, તો સરકાર અમને જેલભેગા કરે.’ મેં કહ્યું : આ જ મારા અને તમારામાં ફેર છે. તમે રાતમાં શા માટે લૂંટો છો ? બાબાની યુક્તિ જૂઓ. શ્રીમાનો પર પ્રેમ કરો. પ્રેમપૂર્વક એમનું વજન ઘટાડો.

બે ભાઈઓ ભેટ્યા :

હું તેલંગણામાં ફરતો હતો. ત્યારે જોયું કે સરકારી સિપાઈ લોકોને ખૂબ લૂંટતા હતા. કહેતા હતા કે ‘તમે કૉમ્યુનિસ્ટોની મદદ કરો છો, તેથી જેલમાં ચાલો.’ બિચારા બંને બાજુથી પીસાતા હતા. રાતે કોમ્યુનિસ્ટો ધમકાવતા હતા ને દિવસે સરકારી પોલીસો સતાવતા હતા.

અમે જોયું, બે ભાઈઓમાં દ્વેષ હતો. એક હતો કોંગ્રેસી અને બીજો હતો સામ્યવાદી. જમીનનો અડધો ભાગ બેઉ પાસે હતો. બંને જવાબદાર હતા. મેં એ બેઉને સમજાવ્યા. સમજી ગયા.

બંનેએ એકબીજાના હાથ પકડ્યા. અને સહુની વચ્ચે કહ્યું કે, ‘આજથી અમે પરસ્પર પ્રેમ કરીશું.’ બંનેએ ભૂદાન પણ આપ્યું. જે કંજુસ કહેવાતો એણે પણ દાન આપ્યું. પછી તો એમના મિત્રોએ પણ દાન આપ્યું.

મેં કહ્યું : ‘હું દિવસે લૂંટું છું, તમે રાતે લૂંટો છો. લૂંટવામાં શાને ડરો છો ? તમે તમારા માટે તો ચોરી નથી કરતા. ભગવાન કૃષ્ણ બીજા માટે ચોરી કરતા હતા.

ભાગવતમાં કૃષ્ણની ચોરીનું વર્ણન છે. લોકો એમને 5000 વર્ષથી વાંચતાં આવ્યા છે. કૃષ્ણે ખૂબ માખણ ખાધું.

તેથી તેઓ મજબૂત બન્યા અને કંસને હંફાવ્યો.

યશોદાએ એમને પૂછ્યું કે : ‘તું માખણ કેમ ખાય છે ?’ તો કહે : ‘તો શું છાણ ખાવું જોઈએ ? હું તે એકલો નથી ખાતો, મારા માટે ચોરી નથી કરતો.’ ચોરીની પણ પ્રશંસા થાય છે – શરત એટલી કે તે બીજા માટે હોય. પ્રેમપૂર્વક દિવસે લૂંટ કરવાની કળા છે.

જે કામ કળાથી થાય તે પ્રેમથી પણ નથી થતું. અને તેથી જ બાબા સહુને સમજાવે છે કે કળાથી કામ કરો.

બાબા જમીન મેળવીને શું કરે છે ? શું તે માત્ર જમીનનું જ દાન દઈ રહ્યા છે ? ના. બાબા તો જમીનની માલિકી, સ્વામિત્વ હટાવવા માગે છે. જેમ પાણી, હવા, સૂર્ય-પ્રકાશની માલિકી નથી તેમ જમીનની પણ માલિકી ન હોવી જોઈએ.

ગામોગામ, ઘર-ઘર ફરીને બાબા આ જ વાત સમજાવી રહ્યા છે. લોકો સાંભળે છે અને દાન દે છે. કેટલાક લોકો મોહવશ દાન નથી દેતા. પરંતુ એવો કોઈ માનવ નથી મળ્યો કે જે કહે કે તમારી વાત ઠીક નથી. હું તો દાવો કરું છું કે હું ગરીબો ઉપર પ્યાર કરું છું તેમ અમીરો પર પણ પ્યાર કરું છું.

જેવી રીતે તુલસીદાસ કહે છે કે : ‘આ રામના પ્રેમની રીત છે. તેઓ મોટાની મોટાઈ અને નાનાની નાનપ દૂર કરે છે.’ તેથી આ વાત હું કોઈ નવી નથી કરી રહ્યો. જે નીચે છે તેને ઉપર ચઢાવવાનો છે અને જે ઉપર છે તેને નીચે લાવવાનો છે. બંનેનો મેળાપ કરવો.

હિંદુસ્તાનનો દરેક ખેડૂત બાબાની વાત સમજે છે. જે ખેતરમાં ખાડા-ટેકરા હોય ત્યાં પાક કેમ પાકે ? તેથી ખેડૂત ખેતરને સમતલ કરે છે. આ વાત તમામ ખેડૂત જાણે છે. તેને જ ‘સામ્યયોગ’ કહે છે. પરંતુ આ લોકો તેને ‘સામ્યવાદ’ કહે છે. ‘વાદ’માં વિરોધ થાય છે. ‘યોગ’માં વિરોધ નથી થતો – જોડાણ થાય છે. ‘સામ્યયોગ’નો અર્થ છે : ‘દરેક વ્યક્તિ પોતાની શક્તિ સમાજને અર્પણ કરે છે અને સમાજ તરફથી જે મળે તેને પ્રસાદ રૂપે તે ગ્રહણ કરે છે.

હવે સર્વોદયનો આધાર જોઈએ. માણસનો જન્મ થાય તેની સાથે ત્રણ ચીજો સંબંધમાં આવે. એક તેનું શરીર, જેના આધારે તેનું પૂરું જીવન ચાલે છે. જેને તે પોતાનું વ્યક્તિત્વ કહે છે. તેની સાથે જ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પણ જોડાયેલાં છે.

આ તેનું બાહ્યરૂપ છે. તે ઉપરાંત તેનો સંબંધ સમાજ સાથે પણ છે. તેમાં તેનાં માતા-પિતા આવે, પછી તેનો સંબંધ સૃષ્ટિ – કુદરત સાથે પણ છે. એ ઉપરાંત તેનો સંબંધ સરકાર સાથે પણ આવે છે.

સરકાર કોઈ નૈસર્ગિક વસ્તુ નથી. બનાવટી વસ્તુ છે. પરંતુ આજ હાલત એ છે કે જેવો મનુષ્યનો જન્મ થયો કે લાગલો સરકારનો અંકુશ આવી જાય છે.

સરકારની શક્તિ એવી વ્યાપક થઈ ગઈ છે કે જીવનનાં તમામ અંગોને તે સ્પર્શે છે. તેથી એ કૃત્રિમ હોવા છતાં તેના વિશે વિચારવું પડે.

આ ચારેય બાબતો વિશે વિચારવું જરૂરી છે.

વિનોબા

(‘સર્વોદય કે આધાર’માંથી)          – સંકલિત


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s