પોતે જેને “અંતરનો અવાજ કહેતા હતા તેના આદેશને અનુસરીને ગાંધીજી ઉપવાસ આદરતા હતા. આવો ઉપવાસ જેમ અંત:પ્રેરણાનું પરિણામ હોઈ શકે તેમ “ભ્રમણાનું પણ પરિણામ ન હોઈ શકે ? -એમ પૂછી શકાય. ગાંધીજી ચેતવે છે કે, એમ બનવાનો પૂરો સંભવ છે અને માણસ એની પાસે જેટલી સાવધાની રાખે એટલી ઓછી છે.
“અંતરનો અવાજ વળી શું છે ? એ “સત્યરૂપી ઈશ્ર્વરનો અવાજ છે, પરિશુદ્ધ બુદ્ધિ, અંત:પ્રેરણા, અંત:કરણનો અવાજ છે. પ્રત્યેક વ્યક્તિના દિલમાં એ અવાજ ઊઠે છે પરંતુ એ સાંભળવાની શક્તિ પ્રત્યેક વ્યક્તિ પાસે હોતી નથી. “સત્યની ઈશ્ર્વર તરીકે વ્યક્તિગત રીતે ખોજ કરવાની ઇચ્છા રાખનારાઓએ કેટલાંક વ્રતોના પાલનની પ્રતિજ્ઞા લેવી જોઈએ. દા.ત., સત્યનું વ્રત, બ્રહ્મચર્યનું વ્રત – કેમ કે, સત્ય માટેના અને ઈશ્ર્વર માટેના પોતાના પ્રેમનો સહભાગી માણસ બીજી કોઈ પણ વસ્તુને કરી શકે નહીં – અહિંસાનું વ્રત, ગરીબાઈનું વ્રત અને અપરિગ્રહનું વ્રત આ પાંચ વ્રતોના પાલન વિના કોઈએ પણ એ પ્રયોગ આદરવો ન જ જોઈએ.
ગાંધીજી કહે છે કે, અંતરનો અવાજ યોગ્ય રીતે સાંભળવા માટેના આવશ્યક નિયમો હું નિર્માણ કરી શકું પરંતુ વસ્તુતાએ એ શી ચીજ છે એ હજી હું નથી કહી શકતો. તો પછી સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જાણવાની રીત શી ? “પરિણામ સિવાય દુર્ભાગ્યે બીજી રીત જાણવામાં નથી. “પોતે સરજેલા મનુષ્યોને ઈશ્ર્વર તેની હસ્તીની સાબિતી માટેનો પુરાવો આપે તો ઈશ્ર્વર ઈશ્ર્વર ન રહે. પરંતુ તેના દાસને આકરામાં આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું બળ તે અવશ્ય આપે છે. પરંતુ પોતાના દાખલામાં, “આત્મશુદ્ધિના અવિરત પ્રયાસ પછી ‘અંતરનો મંદ અને શાંત અવાજ’ સાચી રીતે અને સ્પષ્ટપણે સાંભળવાની યત્કિંચિત્ શક્તિ તેમને લાધી હતી, એવો ગાંધીજી દાવો કરતા હતા.
“અંતરનો અવાજ સાંભળવો એ એક નિરાળો અનુભવ છે. “અંતરનો અવાજ અવર્ણનીય છે. એ સ્વત:સિદ્ધ છે. “કેટલીક વાર આપણને લાગે છે કે,…. આપણને અંતરમાંથી પ્રેરણા મળે છે. “આપણા જીવનમાં કેટલીક એવી પળો આવે છે જ્યારે આપણને બહારની સાબિતીની જરૂર રહેતી નથી. આપણા અંતરમાંથી ઊઠતો મંદ અવાજ આપણને કહે છે : ‘તું સાચે રસ્તે છે. તારી ડાબી બાજુ કે જમણી બાજુ ઢળીશ નહીં, સીધા અને સાંકડા માર્ગે જ ચાલ્યો જજે.’ કેટલીક વાર એવી ક્ષણો આવે છે જ્યારે “તમારા સારામાં સારા મિત્રોને તમે સાથે રાખી ન શકો તોયે તમારે પગલું ભર્યે જ છૂટકો. આખી દુનિયાની સામે જઈને પણ તમારે એ પગલું લેવું રહ્યું. માણસ “ખરેખર ઈશ્ર્વરનો અવાજ સાંભળે તો, “એક વાર તરતાં આવડ્યા પછી માણસ તે કદી ભૂલી જઈ શકતો નથી તે પ્રમાણે તેને માટે સરકવાપણું હોતું નથી.
ઈશ્ર્વર નિરાકાર હોવાથી, તેનો અવાજ સાંભળવો એ શારીરિક શ્રવણથી સર્વથા ભિન્ન છે. પરંતુ, એવો “અવાજ સાંભળવાનો એક પ્રસંગ ગાંધીજીએ તાદૃશ વર્ણવ્યો છે. તેઓ 1932ની સાલમાં જેલમાં હતા. યરવડાના ઉપવાસ વખતે તેમણે અસ્પૃશ્યતા નિર્મૂળ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એને પરિણામે, 1935ના હિંદના શાસનધારામાં હરિજનો માટે અલગ મતદારમંડળો દાખલ કરવાના બ્રિટિશ પ્રધાનમંડળના નિર્ણયને ફેરવવો પડ્યો હતો. એ પ્રસંગે ઉપર્યુક્ત કાયદો ઘડાતો હતો. જેલમાંથી વફિઘણ સાપ્તાહિકનું સંપાદન કરવાની ગાંધીજીને છૂટ આપવામાં આવી હતી. વફિઘણ સાપ્તાહિક સર્વથા હરિજનોના ધ્યેયનો પ્રચાર કરતું હતું. પાછળથી એ છૂટ ખેંચી લેવામાં આવી હતી.
હિંદુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવાનું ગાંધીજીએ હરિજનોને વચન આપ્યું હતું. ઉપરની છૂટ ખેંચી લેવામાં આવી તેથી તેમના એ વચનનો અમલ કરવાને તેઓ અશક્ત બની ગયા. “કેટલાક દિવસથી મારા અંતરમાં તોફાન મચી રહ્યું હતું. હું તેની સામે ઝૂકી રહ્યો હતો. ‘હરિજન દિન’ની આગલી સાંજે એ અવાજ વધારે આગ્રહપૂર્ણ બન્યો, અને કહ્યું : ‘તું એ શાને કરતો નથી ?’ મેં તેનો વિરોધ કર્યો. પણ એ વિરોધ મિથ્યા હતો. “એ અનુભવ અસાધારણ હતો. જેમ કોઈ મનુષ્ય આપણને કહેતું હોય એમ આ અવાજ પણ હતો. મને-કમને પણ એ સાંભળ્યા વિના ન જ ચાલે. એમ હું વિવશ થઈ ગયો હતો. એ વખતે મારી સ્વપ્નાવસ્થા ન હતી. હું સાવ જાગ્રત હતો. ખરું જોતાં રાત્રિની પહેલી નિદ્રા લઈને ઊઠ્યો હતો.
હું કેમ ઊઠી ગયો એ પણ ન સમજી શક્યો. અવાજ સાંભળ્યા પછી હૃદયની વેદના શાંત થઈ. મેં નિશ્ર્ચય કરી લીધો, અનશનનો દિવસ ને તેનો કલાક નક્કી કર્યો, મારો ભાર એકદમ હળવો થઈ ગયો અને હૃદય ઉલ્લાસમય થઈ ગયું. આ સમય 11થી 12ની વચ્ચેનો હતો. થાકવાને બદલે હું તાજો થઈ ગયો. એટલે આકાશની નીચે પથારીમાં પડ્યો હતો ત્યાંથી ઊઠી, કોટડીમાં જઈ, બત્તી સળગાવી મારે જે લખવાનું હતું તે લખવા બેઠો. એ લખાણ વાંચનારે જોયું હોવું જોઈએ.
એવા જ અનુભવનું તેમણે પોતે જ આપેલું બીજું વર્ણન આ રહ્યું : “આગલી રાત્રે હું સૂઈ ગયો તે વખતે મને કલ્પનાસરખી નહોતી કે, સવારે ઊઠીને હું 21 દિવસના ઉપવાસનો સંકલ્પ જાહેર કરવાનો છું. પણ મધરાતે એક અવાજે મને જગાડ્યો ને કહ્યું, ‘ઉપવાસ કર.’ મેં પૂછ્યું, ‘કેટલા ?’ જવાબ મળ્યો, ‘21 દિવસ.’ હું તમને કહું કે, મારું મન એ માટે તૈયાર નહોતું, મનને એનો અણગમો હતો. પણ મારી આગળ એ વસ્તુ દીવા જેવી આવીને ઊભી રહી.
પરંતુ, એનો અવાજ ન સાંભળ્યાના પ્રસંગો પણ છે. “1930ની દાંડીકૂચનો દાખલો લો. મીઠાના કાયદાનો ભંગ કેવી રીતે થશે એનો મને બિલકુલ ખ્યાલ નહોતો…. મિત્રો અકળાતા હતા ને એમને ખબર નહોતી કે હું શું કરીશ; અને તેમને હું કશું કહી શકતો નહોતો. કેમ કે મને પોતાને એની કશી ખબર નહોતી. પણ એક ઝબકારાની પેઠે મને સૂઝી ગયું, ને દેશ એક છેડાથી બીજા છેડા સુધી કેવો હાલી ઊઠ્યો એ તમે જાણો છો.
બીજા એક પ્રસંગ વિષે ગાંધીજી કહે છે : “1919ની છઠ્ઠી એપ્રિલને ઉપવાસ ને પ્રાર્થનાના દિવસ તરીકે જાહેર કરવાની કલ્પના મને છેક છેલ્લા દિવસ સુધી બિલકુલ નહોતી. પણ મને એક દિવસે સ્વપ્નું આવ્યું – 1930 કે 1933ની પેઠે એ વખતે અવાજ નહોતો સંભળયો કે કશું દેખાયું નહોતું -ને મને લાગ્યું કે એ જ વસ્તુ બરાબર છે. સવારે મેં એની જાહેરાત દેશ આગળ કરી. એનો દેશે સ્વયંસ્ફૂર્તિથી કેવો અદ્ભુત જવાબ વાળ્યો તે તમે જાણો છો.
આ બધા પ્રસંગોમાં જો કોઈ સામાન્ય બાબત હોય તો તે એ છે કે, બુદ્ધિએ નહીં પણ અંત:સ્ફૂર્તિએ તેમને પ્રેર્યા હતા. 1906ની સાલના અરસામાં “અંતરનો અવાજ ઓળખવાનું તેઓ શીખ્યા હતા એમ તેમણે નોંધ્યું છે. “એને મારો પ્રાર્થનાનો સમય કહી શકાય. પરંતુ એ વખતેયે “ઈશ્ર્વરની ઇચ્છાના વિશિષ્ટ આવિર્ભાવ તરીકે અથવા ઓચિંતા અસાધારણ અનુભવ તરીકે એ વસ્તુ નહોતી આવી. પાછળથી ગાંધીજીએ કહ્યું છે કે, “સમય વીતતાં એ ‘અવાજ’ વધુ ને વધુ સ્પષ્ટપણે સંભળાવા લાગ્યો. પરંતુ એક નમ્ર સત્યશોધક તરીકે, ભ્રમણામાં પડવાની અથવા આત્મવંચનાની શક્યતા તેમણે કદી પણ નકારી કાઢી નહોતી એ ખરું, તેમ છતાં એક મર્ત્ય માનવી કહી શકે એટલા ભારપૂર્વક તેમણે કહ્યું છે કે, મારી અંત:સ્ફૂર્તિએ “મને એક વાર પણ ધોકો દીધો નથી.
1948ના જાન્યુઆરીના ગાંધીજીના દિલ્હીના ઉપવાસ પછીના અઠવાડિયા દરમ્યાન વિન્સન્ટ શીને તેમને પૂછ્યું : “મહાત્માને ‘અંતરનો અવાજ’ જ સંભળાયો હતો એવું ખાતરીપૂર્વક આપ કેવી રીતે કહી શકો, બીજાઓ પણ અંતરના અવાજ સાંભળે છે ખરા, પરંતુ તેમને તો એ અંતરનો અવાજ જ છે એવી ખાતરી હોતી નથી ?
ગાંધીજીએ જવાબ આપ્યો કે, બુદ્ધિ તો સર્વથા એની વિરુદ્ધ હતી, પરંતુ “બુદ્ધિથી સર્વથા પર એવા કાયદાએ બુદ્ધિની વિરુદ્ધ એ માટે આદેશ આપ્યો. એમ થવા પામ્યું ત્યારે મને પાકી ખાતરી થઈ કે, એ “અંતરના જીવંત કાયદાનો આદેશ છે અને તેને નકારી ન શકાય.
તેમણે ગાંધીજીને વધુમાં પૂછ્યું, “પાકી ખાતરી સ્વાર્પણની પહેલાં થાય છે ? બીજા શબ્દોમાં કહીએ તો, એ ઈશ્ર્વરનો અવાજ છે એવી પાકી ખાતરીમાં અંતરના અવાજને શરણે જવાનાં મૂળ રહેલાં હોય છે શું ? એના જવાબમાં ગાંધીજીએ કહ્યું : “ના, સ્વાર્પણ પાકી ખાતરી પહેલાં મોજૂદ હોય છે : એ પછી જ અને સત્યરૂપી ઈશ્ર્વરને પોતે સંપૂર્ણ સ્વાધીન થયા હોવાને કારણે અને પોતાના અલગ સંકલ્પમાત્રનો ત્યાગ કરવાને લઈને, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, પોતે “શૂન્યવત્ બન્યા પછી જ, તેમણે સાંભળેલો અવાજ તેમના જ “અહંકારનો પડઘો નહીં પણ ઈશ્ર્વરનો અવાજ હતો એવી તેમને પાકી ખાતરી થવા પામી હતી.
એટલા માટે જ ગાંધીજીએ કહ્યું છે કે, એની અનેક મર્યાદાઓ હોવા છતાં, “આમરણ ઉપવાસ દ્વારા કરવામાં આવેલા સત્યાગ્રહનો ઝાઝો દુરુપયોગ નથી થઈ શકતો. “એ એવી જલદ પ્રક્રિયા છે કે, સામાન્ય માણસ તો એના વિચારમાત્રથી હબકી જ જાય. એથી કરીને, એ બહુ પ્રચલિત થવાનો અથવા કોઈ અવિચારપૂર્વક એમાં ઝંપલાવે અથવા લાંબા વખત સુધી એને વળગી રહે એનો ઝાઝો સંભવ નથી. અને દંભની બાબતમાં તો, એની સામે દુર્ભાગ્યે કશો ઇલાજ નથી. “ઘણા લોકો એનો ડોળ કરે એટલા માટે સદ્ગુણને દાબી દઈ શકાય નહીં. અને કોઈ પણ સંજોગોમાં, કેટલાક દંભી અને આત્મવંચનાનો ભોગ બનેલા લોકોની ગેરપ્રવૃત્તિથી ઝાઝું નુકસાન થવાનો સંભવ નથી. “દુનિયાને સદાને માટે સફળતાપૂર્વક ઠગી શકાતી નથી. એથી કરીને, દબાણ લાવવા માટેની સઘળી પદ્ધતિઓમાં ઉપવાસની પદ્ધતિ “ઓછામાં ઓછી હાનિકારક છે.
સાભાર : મહાત્મા ગાંધી – પૂર્ણાહુતિ : પુસ્તક ચોથું – પ્યારેલાલ