અડધોઅડધ આદિવાસી વસ્તી ધરાવતું, અનેક અભાવો વચ્ચે ઊભેલું ગામ સીકરી. જો કે, નાનું હોવા છતાં ગામથી ત્રણેક કિલોમીટર દૂર સાત ધોરણ સુધીની સરકારી શાળા હતી એટલું સારું હતું. સુનિતા અને સંગીતા બેઉ ખાસ બેનપણીઓ. સુનિતાને સુની અને સંગીતાને સંગુ કહીને જ સૌ બોલાવતાં.
‘સુની, તિયાર થેય ગેય? ચાલ, નિહારનો ટેમ થેય ગિયો.’
‘એ આવી સંગુ, તૈયાર જ છું.’
સવારના પહોરમાં આ સંવાદ સંભળાય. બેઉ બેનપણીઓ ભણવામાં હોશિયાર પણ એટલું ખરું કે, પહેલા ધોરણથી માંડીને છઠ્ઠા ધોરણ સુધી પહેલો નંબર સંગુનો અને બીજો સુનીનો આવતો. દર વર્ષે વાર્ષિક પરિણામ જાહેર થાય પછી ઉબડ-ખાબડ રસ્તે બેઉ સખીઓ ઘર ભણી પાછી ફરતી હોય ત્યારે સુનીનો ચહેરો કંઈક ઝાંખો લાગતો. એને ઉદાસ જોઈને સંગુ કહેતી, ‘સુની, તારો બીજો નંબર આવે તે મને ની ગમે પણ હું કરું ?’ એની વાત સાંભળી સુની હસી પડતી અને કહેતી, ‘ના રે ના, હું તો ખુશ છું કે પહેલા નંબર વાળી સંગુ મારી સખી છે.’
સ્કૂલે જતાં ને પાછા ફરતાં બેઉનાં મસ્તી તોફાન અને હસી-મજાક ચાલતાં જ હોય. બંનેના વાળ ખૂબ લાંબા. બેઉ જણીઓ બે ચોટલા વાળીને નિશાળે જાય. ઘણી વખત બંને પોતાનો એક એક ચોટલો બીજીના ચોટલા સાથે બાંધીને હાથમાં હાથ પરોવીને ચાલતી ને ત્યારે એટલું હસતી કે આખો વગડો ગાજી ઊઠે. આમ તો બેઉ વચ્ચે ખાઈ અને પર્વત જેટલું અંતર હતું. સુનિતા ગામના મોભાદાર ઠાકોરની દીકરી અને સંગુ આદિવાસીની. સુનીનો વાન ઊજળો, તો સંગુ હતી શ્યામલ વરણી. સુનિતાના પિતાની ઘરવખરીની ચીજ વસ્તુઓની દુકાન બહુ સારી ચાલતી. સંગુના બાપુના ગયા પછી ઘરમાં એ અને એની મા બે જ હતાં. મા જંગલમાં ભટકીને લાકડાં, ગુંદર અને કંદમૂળ જેવી ચીજો લાવીને હાટમાં જઈ વેચતી ને એમાંથી મા-દીકરીનું ગાડું ગબડતું.
દીકરીને ભણાવવાની તો એની માની મુદ્દલ ઇચ્છા હતી નહીં પણ સુનીની માએ જ એને સમજાવેલી, ‘કમલી, આવડી નાની છોરીને લઈને તું ટાઢ ને તડકામાં ક્યાં ભટકવાની? એની કરતાં નિશાળમાં ભણવા મૂક. મફતમાં ભણવાનું ને વળી સરકાર તરફથી જમવાનું પણ મળશે. સુની ને સંગુ બેય સાથે આવશે ને જશે. ને છોરીને જે કંઈ લખતાં-વાચતાં આવડશે એનો ફાયદો તનેય મળશે જ ને?’ સંગુની માને ગળે વાત ઊતરી ગઈ ને પછી તો કાયમ પહેલો નંબર લાવીને સંગુએ માના નિર્ણયને સાચો પુરવાર કરી બતાવ્યો હતો. સુની અને સંગુ બંનેને પોતાના ચોટલા એટલા પ્રિય હતા કે, વાતે વાતે બેઉ ચોટલાના સોગંદ ખાતી, ‘કાલે કેટલી માથાકૂટ કરી પણ ગણિતનો દાખલો આવડ્યો જ નહીં ત્યારે મેં તને બહુ યાદ કરેલી.’
‘જા જા, તું મને કંઈ યાદ ની કરે. ખોટું બોલતી છે તું.’
‘મારા ચોટલાના સમ, બસ!’ આ સોગંદ ખવાય એટલે પછી વાત પતી જાય.
તમને આ પણ વાંચવું ગમશે
આજે શાળામાં સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું. શાળાએ જતાં રસ્તામાં ઉત્સાહથી ભરી ભરી સુની એકધારી પોતાની વાત કર્યે જતી હતી, ‘સંગુ, ખબર છે? આજે પરિણામ આવી જશે ને પછી શહેરમાં મારા મામાને ઘેર રહીને આગળ ભણવાની. મારા બાપુ કહે કે, છોકરી આટલું સારું ભણે છે તો એને આગળ ભણાવવી જ જોઈએ. તું તો મારા કરતાંય હોશિયાર છે. તું હવે આગળ શું કરીશ?’ સંગુને ગળે ડૂમો ભરાયો હતો. જેમતેમ પોતાનાં આંસુ છુપાવતાં એ બોલી, ‘મારે વળી અગાડી હું કરવાનું? હવે માની હંગાથે જંગલમાં જવાની. માને મદદ કરવાની મજા આવહે એ વિચારીને ખુશ થતી છું. હવે માથી કામ થતું ની મલે એટલે કાલથી જ એની હાથે મને લઈ જહે.’
દર વર્ષની માફક સંગુનો પહેલો અને સુનીનો બીજો નંબર આવ્યો હતો. એકથી સાત ધોરણ સુધી સતત પહેલો નંબર લાવવા બદલ સંગુને શાળા તરફથી ખાસ ઈનામ પણ મળ્યું હતું. શાળાના કંપાઉંડમાંથી બહાર નીકળતી સંગુના પગમાં જાણે મણ મણનો બોજો આવી ગયો હતો. કેટલીય વાર પાછાં ફરી ફરીને એણે પોતાની પ્રિય શાળાનું મકાન જોયા કર્યું. સજળ આંખોને લીધે ધૂંધળું દેખાતું મકાન એ પોતાની આંખોમાં સંઘરી રાખવા માગતી હતી.
બસ આજે છેલ્લી વાર! કાલથી કદી આ રસ્તે આવવાનું નહીં બને. એને મન થતું હતું કે રસ્તે આવતા દરેક ઝાડને બાથમાં લઈ, એમને વહાલ કરીને કહી દે કે, બસ, હવે આપણે નહીં મળીએ. પણ આગળ આગળ દોડ્યે જતી સુનીને આજે બીજો નંબર આવ્યાનો જરાય અફસોસ નહોતો. એ તો પોતાની ધૂનમાં ભાગ્યે જતી હતી ત્યાં સંગુએ બૂમ પાડી, ‘એ ય સુની, આ વડ નીચે જરીક ઊભી રે’ની! તને એક વાત કરવી છે.’ ‘શું છે બોલને જલદી! ને વાત કરવા માટે વળી ઊભા રહેવાની શું જરૂર? ચાલતાં ચાલતાં વાત નથી થતી?’
‘સુની, આજે મારે તારી પાંહે કંઈ માગવું છે. આપહે કે?’
‘ચોક્કસ, બોલને શું જોઈએ છે?’
સંગુએ પોતાના બંને ચોટલા આગળ કર્યા ને સુનીના બે ચોટલા પકડીને ચારે ચોટલા એકમેકને અડાડીને કહ્યું, ‘આ ચાર ચોટલાના હમ ખા કે તું શે’રમાં જઈને બૌ હારું ભણહે. મને વચન આપ કે, તારા ને મારા બેયના ભાગનું તું ભણહે.’ બારમાસીનું ફૂલ તોડીને એના હાથમાં મૂકતાં એ આગળ બોલી, ‘આ ફૂલ તારી ચોપડીમાં રાખીને મને યાદ કરહે ને? હવે તો સુનીનો કોઈ દિ’ બીજો નંબર ની આવહે. મારી સુની બધા કરતાં આગળ જ રે’વાની, પેલ્લી જ રે’વાની. કેમ હાચું કે ની?’ બેઉ સખીઓ એકબીજીને ભેટીને રડી પડી અને ચાર આંખો નીતરી રહી.
(શશિ સિંહની હિંદી વાર્તાને આધારે) – આશા વીરેન્દ્ર