હાથરસની 19 વર્ષની દલિત યુવતી પર બળાત્કાર અને તે પશ્ર્ચાત થયેલ તેણીના મૃત્યુએ દેશમાં કેટલાક રાજકીય અને કાનૂની સવાલો સર્જ્યા છે. કોંગ્રેસે તેને રાજકીય મુદ્દો બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અને અલ્હાબાદ હાઈકોર્ટે આ બનાવની ગંભીર નોંધ લીધી છે અને તેને કાનૂની મુદ્દો બનાવ્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર અને ઉ.પ્ર.સરકારે આ ગંભીર મામલામાં જાતિવાદ પૂર્વગ્રહ (Racial Prejudice) પ્રદર્શિત કરેલ છે.
હાથરસની પીડિત યુવતી માત્ર દલિત નહીં, અતિ ગરીબ કુટુંબની પુત્રી પણ હતી. કથિત બળાત્કાર આરોપીઓ ક્ષત્રિય (રાજપૂત-ઠાકુર) જ્ઞાતિના છે. ઉ.પ્ર. રાજ્યના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ આ જ્ઞાતિના છે – આ બનાવ બનતાં જ રાજ્યતંત્ર આરોપીઓના બચાવ માટે હરકતમાં આવ્યું હતું. નીચેથી ઉપર સુધીનું તંત્ર મુખ્ય મંત્રી તેમ જ તેમની જ્ઞાતિને ખુશ કરવા મથી રહ્યું હતું. પીડિત યુવતીનો મૃતદેહ બાળી તમામ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ થયો. ટોચસ્તરના નેતાના ઈશારા કે સંમતિ સિવાય આ શક્ય બને નહીં. પોલીસ, વહીવટીતંત્ર અને તબીબી શાખાએ એમ બતાવવા કોશિશ કરી કે બળાત્કાર થયો જ નથી. મૃત વ્યક્તિનું શરીર બાળી નાખવાથી તેની સાથેના પુરાવાનો પણ નાશ થાય છે. રાત્રે 3 વાગ્યે માતા-પિતા કે કુટુંબીજનોની સંમતિ વિના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાનું કોઈ કારણ ન હતું. ભવિષ્યમાં રાજ્યતંત્ર માટે કોઈ મુશ્કેલી ન સર્જાય તે જોવાનો તેની પાછળનો હેતુ હતો.
તેલંગણામાં બળાત્કાર કરી હત્યા કરાયેલ સ્ત્રી તબીબ રેડ્ડી શુદ્ર જાતિનાં હતાં. ત્યાંની સ્થાનિક જ્ઞાતિ સારું વર્ચસ્વ ધરાવે છે. રેડ્ડીઓએ સાથે મળી મુખ્ય પ્રધાન પર દબાણ ઊભું કર્યું. આ કિસ્સામાં આરોપીઓએ બળાત્કાર બાદ પીડિતાની હત્યા કરી મૃતદેહ બાળી દીધો હતો. અહીં વહીવટીતંત્રની સંડોવણી ન હતી. આ કિસ્સામાં રાજ્યતંત્રે અસાધારણ પગલું લીધું. બનાવના સ્થળે જ આરોપીઓનો કથિત એન્કાઉન્ટરમાં ખાત્મો કરી દીધો.
તમને આ પણ વાંચવું ગમશે
ત્રીજો મહત્ત્વનો બનાવ 2012નો દિલ્હીનો નિર્ભયા સામૂહિક બળાત્કારનો છે. હાથરસનો બનાવ ઉ.પ્ર.ના એક નાના ગામમાં, બીજો બનાવ હૈદરાબાદ શહેરમાં, પરંતુ નિર્ભયા કાંડ દેશની રાજધાની દિલ્હીમાં બન્યો હતો. તેણી ભૂમિહર નામની ઊંચી જ્ઞાતિની અને સુશિક્ષિત યુવતી હતી. દિલ્હીની આ ઘટના બાદ મધ્યમવર્ગના લોકોએ આંદોલનથી યુ.પી.એ. સરકારને હચમચાવી મૂકી હતી. તેણીને રાજ્યના ખર્ચે સારવાર માટે સિંગાપોર ખસેડવામાં આવી હતી. આ અંગે ખાસ કાયદો પસાર કરાયો અને આરોપીને ફાંસીની સજા પણ ફરમાવાઈ હતી. રાજ્યે કોઈપણ જાતના અપરાધ વિના કેસમાં ન્યાય માટે પૂરો પ્રયત્ન કર્યો. આ ત્રણ બનાવોનો ઘટનાક્રમ એમ સૂચવે છે કે ભારત દેશમાં હજુ પણ વર્ણવ્યવસ્થાના આધારે રાજ્ય-વહીવટીતંત્ર કામગીરી કરે છે. દલિત યુવતીના શરીર કે જીવનની કોઈ કિંમત નથી.
70 વર્ષના આધુનિક લોકશાહી, ધર્મનિરપેક્ષ અને બંધારણથી સ્થાપિત રાજ્યોના આ ત્રણે બનાવોમાં અલગ અલગ મુખવટા જોવા મળ્યા. દેશના વડાપ્રધાન અને ઉ.પ્ર. રાજ્યના મુખ્ય પ્રધાન, બંને એક જ રાજકીય પક્ષના મોટા ગજાના નેતાઓ છે. દેશમાં બળાત્કારોના બનાવોની હારમાળા સર્જાયા બાદ તેમણે નીતિવિષયક એકપણ નિવેદન કરેલ નથી. યોગીએ પોતાની જ્ઞાતિ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે.
રા.સ્વયં સેવક સંઘ છેલ્લાં 15 વર્ષથી એવો પ્રચાર કરે છે કે તમામ જ્ઞાતિઓ હિંદુ ધર્મનો ભાગ છે. પરંતુ તેનું સાહિત્ય અને પ્રવૃત્તિઓ જોતાં એમ જણાય છે કે તેમને ગૌરક્ષા કરતાં નારી સુરક્ષાનું મહત્ત્વ ઓછું છે. તેમણે જ્ઞાતિવાદ, જાતિવાદ કે અસ્પૃશ્યતા નાબૂદી સંબંધમાં નથી કોઈ નિવેદન આપ્યું કે નથી કોઈ સાહિત્ય પ્રગટ કરેલ. કેન્દ્રની અને કેટલાક રાજ્યોની ભાજપા સરકારો માટે જાતિવિષયક નિવેદનો સરસંઘસંચાલક મોહન ભાગવત તરફથી પ્રગટ કરાતાં હોય છે. તેમના તરફથી હાથરસની ઘટના કે દલિતોની સુરક્ષા બાબતે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી. તેમણે જાહેર કર્યું છે કે અનામત પ્રથા પર તેઓ મુક્ત ચર્ચા ઇચ્છે છે. પરંતુ જાતિવાદ, જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતાની કે સ્ત્રી-પુરુષ અસમાનતાની નાબૂદી સંબંધમાં કોઈ નિવેદન તેમના તરફથી પ્રગટ કરાયું નથી. જો તેમનો મુખ્ય એજન્ડા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો હોય, તો સ્ત્રી પુરુષ અસમાનતા, જાતિવાદ, અસ્પૃશ્યતાની નાબૂદી સિવાય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ લાવી શકાય કે કેમ તે યક્ષ પ્રશ્ર્ન છે.
– અશ્ર્વિનકુમાર ન. કારીઆ
(માહિતી સ્રોત : કાંચા ઈલાઈઆહ શેફોર્ડનો ઇન્ડિયન એક્સપ્રેસ તા. 5-11-20માં પ્રગટ થયેલ લેખ)