નરવી ટેક્નોલોજીના માણસ : શ્રી છેલભાઈ શુક્લ

કબીરે અધ્યાત્મ સંદર્ભે એક સરસ દોહો રચ્યો છે :

ઊઠા બગુલા પ્રેમ કા, તિનકા ચડા આકાશ;

તિનકા તિનકે સે મિલા, તિનકા તિનકે પાસ.

આવું જ કંઈક ગાંધીયુગમાં પણ બન્યું. ગાંધીએ એક ‘સ્વરાજ’નું વાવાઝોડું ફૂંકેલું અને તેમાં કેટલાંયે તણખલાંઓ ઊડીને આકાશ ચડી ગયાં. એક જબ્બર જુવાળ હતો. લોકો-કાર્યકરો-વિદ્યાર્થીઓ-યુવાનો-યુવતીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીની પરવાહ કર્યા વિના ગાંધીએ બતાવેલા રસ્તે સમાજને તંદુરસ્ત બનાવે – રાખે તેવી કોઈ ને કોઈ પ્રવૃત્તિઓમાં જોડાયાં-જોતરાયાં. આ ગાળો હતો આઝાદી પૂર્વેનાં થોડાં વર્ષોનો અને પછીનાં થોડાં વર્ષોનો. જેમ દયાનંદ સરસ્વતીએ આહ્વાન કરેલું કે, ‘Go back to Vedas’ એમ જ ગાંધીએ પણ નવો વિચાર રજૂ કર્યો કે, ‘Go back to villages’. અંગ્રેજોએ આપણા ઉપર ઠોકી બેસાડેલી શિક્ષણપ્રથા, જીવનશૈલી, રાજનીતિ વગેરેને પડકાર આપી સમાજને તંદુરસ્ત બનાવે તેવા વિચારો પત્રકારત્વનાં જુદાં જુદાં માધ્યમો દ્વારા સમાજ સામે ગાંધીજીએ રજૂ કર્યા. આની એક જબરી અસર સમાજ ઉપર પડી અને ઉપર જણાવ્યું તેમ કેટલાયે કાર્યકરોએ શિક્ષણક્ષેત્રે, ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે, સફાઈ ક્ષેત્રે, અસ્પૃશ્યતા-નિવારણ ક્ષેત્રે, અન્ય રચનાત્મક કાર્યોનાં ક્ષેત્રે પોતાનાં જીવન અર્પણ કરી દીધાં. આમાંના એક તે શ્રી છેલભાઈ શુક્લ.

મારો એમની સાથે પરિચય અમે એક જ ગામ(આંબા-સલડી, જિ. અમરેલી)ના વતની, તે નાતે. એમનું પ્રમુખ કાર્યક્ષેત્ર ગઢડા-ગોપાલધામ. પણ આ કાર્યક્ષેત્રમાં તેઓ આવ્યા તે પહેલાં ઘડાયા, સાવરકુંડલામાં સમાજને બેઠો કરવા પલાંઠી વાળીને બેઠેલી ત્રિપુટી પાસે. આ ત્રિપુટી એટલે કેશુભાઈ ભાવસાર, અમુલખભાઈ ખીમાણી અને લલ્લુભાઈ શેઠ. લગભગ વીશમી સદીના પહેલા દસકાઓમાં આ ત્રિપુટીએ કેટલાયે યુવાનોને ઘડ્યા, તે પૈકીના એક તે છેલભાઈ. છેલભાઈનો કૌટુંબિક વારસો વૈચારિક રીતે બહુ સમૃદ્ધ નહીં પણ સાવરકુંડલા-ખડસલીમાં સમૃદ્ધ વાવેતર થયું અને કેળવણી થઈ. યુવાનીના કાળમાં વળી એમના જેવા અન્ય યુવાનો સાથે સમૂહ ખેતીના પ્રયોગો પણ આદર્યા. સહકારી પ્રવૃત્તિઓ પણ કરી અને એમ એમની કેળવણી થતી રહી. 

ગાંધીજીના નેતૃત્વ હેઠળ જ્યારે દેશને આઝાદી મળી અને સરદાર પટેલે દેશને એક કર્યો તેમાં દેશનાં સાડા પાંચસોથી પણ અધિક રજવાડાઓએ પોતાનું રાજ્ય દેશને શરણે ધર્યું, તેમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પહેલ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી દુરંદેશી અને માણસપારખુ. એમણે પોતાનું રાજ્ય ગાંધીજીને ચરણે ધર્યું તો સાથે જેમ બ્રાહ્મણને દક્ષિણા આપતા હોય તેમ પાંચ લાખ રૂપિયા પણ આ બ્રહ્મ-વણિકના ચરણે ધર્યા અને કહ્યું કે આ રકમ આપ મારા રાજ્યમાં આપની વિચારધારા મુજબની ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ કરવામાં ઉપયોગમાં લેશો. ગાંધીજીએ રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યું અને રૂપિયા પાંચ લાખ ગાંધીયન ઇકોનોમિકના પ્રખર અને અધિકૃત પ્રણેતા અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કે જેમનો અભ્યાસ વગેરે બધું વિદેશોમાં જ થયેલું અને ગાંધીજીના અત્યંત પ્રભાવમાં આવીને નરવા અર્થશાસ્ત્રની હિમાયત કરતા થયેલા તેવા શ્રી જે.સી. કુમારપ્પાને સોંપ્યા.

એ વખતના ગઢડાના નગરશેઠ મોહનલાલ મોતીચંદ શેઠે તક ઝડપી અને એ માટે પોતાના ગામ ગઢડાને પસંદ કરવા અનુરોધ કર્યો. અને આમ સને 1948માં ગઢડામાં ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ શરૂ કરવાનાં મંડાણ થયાં. ગ્રામ ઉદ્યોગો કેવા હોવા જોઈએ, આ માટેનું એક આદર્શ મોડેલ કેમ્પસ કેવું હોવું જોઈએ એ બધું ધ્યાનમાં રાખીને ગઢડા સંસ્થાની રચના અને ગોઠવણી થયેલી. કુમારપ્પાજી તો એ સંસ્થાની રચના પછી દેશ કક્ષાનું કામ સંભાળતા તેથી ગઢડા સંસ્થામાં વધુ સમય ન ફાળવી શક્યા અને કાળબળે લગભગ 1960-61 સુધી સંસ્થાની બહુ પ્રગતિ કે વિકાસ ન થયેલાં. આ સંસ્થાને સંભાળવા માટે જ જાણે કે પેલી ત્રિપુટી છેલભાઈને તૈયાર કરી રહી હોય તેવું થયું. દસ-બાર વર્ષમાં ગઢડા સંસ્થા કંઈ તેના હેતુઓ માટે બહુ કાઠું કાઢી શકેલી નહીં. અમુલખભાઈ અને લલ્લુભાઈ ગઢડા સંસ્થામાં પણ ટ્રસ્ટીઓ હતા. તેમના ધ્યાનમાં છેલભાઈ આ કાર્ય માટે બરાબર વસી ગયા. અને 1961-62ના અરસામાં આ સંસ્થા તેઓએ છેલભાઈને સોંપી. આમ, ગઢડા સંસ્થા અને છેલભાઈનો તાંતણો જોડાયો.  

છેલભાઈ વિચારસરણીથી એવા ઘડાયેલા કે તેમનામાં ખાદી, ગ્રામ- ઉદ્યોગ, એપ્રોપ્રિયેટ ટેક્નોલોજી એ બધાનો સુભગ સમન્વય જોવા મળે. 1962થી 1982ના બે દસકાઓમાં તો એમણે ગ્રામ ઉદ્યોગ મંદિર, ગઢડા સંસ્થાને ગુજરાતની ટોચની સંસ્થાઓની હરોળમાં પ્રસ્થાપિત કરી દીધી. એમણે સંસ્થાનું કાર્ય એવું સુપેરે ગોઠવ્યું કે ગઢડા સંસ્થાની કેટલીયે વિશેષતાઓ ગુજરાત જ નહીં પણ દેશમાં પણ ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે ઊડીને આંખે વળગે તેવી હતી. આમેય જે.સી. કુમારપ્પાજીનું આયોજન અને રચના બહુ આયોજનપૂર્વકની હતી. અને તેમાં સોનામાં સુગંધ ભળે તેમ છેલભાઈની દૂરંદેશી ભળી. હાથકાગળ ઉદ્યોગ, ચુના ઉદ્યોગ, સુથારી-લુહારી વિભાગ, તેલઘાણી વિભાગ, અખાદ્ય તેલની બનાવટનો સાબુ, અંબર પરિશ્રમાલય, અંબર પુણી પ્લાંટ વગેરે તેના ઉત્તમ નમૂના હતા. ગુજરાતમાં હાથકાગળ ઉદ્યોગ બહુ ઓછી સંસ્થાઓમાં ટકી શક્યો છે. આ ઉદ્યોગ શરૂ તો ઘણી સંસ્થાઓમાં થયેલો પણ હાથકાગળ ઉદ્યોગને ટકાવી રાખવો અને જાળવી રાખવો કપરું કાર્ય છે. આ સંસ્થામાં આજદિન પર્યંત હાથકાગળ ઉદ્યોગ શરૂ છે.

આ સંસ્થાના સરંજામ (સુથારી-લુહારી) વિભાગે પણ ઠીક ઠીક કાઠું કાઢેલું. છેલભાઈની એક વિશેષતા કે તેઓ કેવા કાર્યકર પાસેથી કેવું કામ લઈ શકતા તે સમજવા જેવું છે. આ સરંજામ વિભાગના વ્યવસ્થાપક તરીકે એક સાવ અભણ (ભણેલ નહીં, પણ ગણેલ) એવા એક કાર્યકર. નામ એમનું ભીમજીભાઈ મેળકિયા. માંડ લખી-વાંચી શકે. પણ સૂઝ અને આવડત એવી કે ઇજનેરે કરી આપેલાં ડ્રોઇંગને પણ બરાબર સમજી શકે! એક ઉદાહરણ આપું. એ સમયમાં રંઘોળા મુકામે ઠીક ઠીક મોટો કહી શકાય તેવો ડેમ બનતો હતો. તે ડેમના દરવાજાની રચના એવી કે તેને મેન્યુઅલી ઉઘાડ-બંધ કરવાની જરૂર ન પડે. આપોઆપ જ પાણીનું લેવલ વધે અને પાણીનું દબાણ વધે કે દરવાજા આપોઆપ જ ખૂલી જાય, તેવી સિંચાઈના એન્જિનિયરોની ડિઝાઇનને સમજીને તે દરવાજા આ ભીમજીભાઈએ ગઢડાના સરંજામ વિભાગમાં બનાવેલા! શરૂઆતનાં વર્ષોમાં બહેનોનાં અંબર પરિશ્રમાલય સંસ્થાની અંદર એવાં તો ચાલે ! સવારે અને સાંજે સંસ્થામાં કામ કરતી આ બધી બહેનો અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા બીજા કારીગરો નીકળે તો આખું ગામ જોઈ રહે એટલી મોટી સંખ્યા હોય. ગામમાં પણ એવો પ્રભાવ કે આ બહેનું-દીકરિયુંને કોઈ ઇશારો પણ ન કરી શકે. ગામ સાથે પણ ખૂબ ગાઢો સંપર્ક.

ગઢડા ગામમાં ચાલતી હાઇસ્કૂલનું સંચાલન જે તે કેળવણી મંડળે છેલભાઈને પ્રમુખ બનાવીને સોંપેલું અને છેલભાઈએ તો દાતાઓના સહયોગથી બહેનો માટેની મોટી ગર્લ્સ હાઇસ્કૂલ પણ બનાવી દીધી. તદુપરાંત સંસ્થામાં જીવનશાળા નામે એક એવી હાઈસ્કૂલ પણ બનાવી કે તેમાં વિદ્યાર્થી અર્ધો દિવસ ભણે અને અર્ધો દિવસ કોઈ વર્કશોપમાં કૌશલ્ય કેળવવાય તેવું કામ કરે (વિદેશની હાફ હાફ સ્કૂલની સંકલ્પના) અને તેમાંથી કમાણી પણ કરે. 3ઇંની કેળવણી. તદુપરાંત એક ઉત્તમ કક્ષાનું બાલમંદિર પણ બનાવેલું, જે એ સમયમાં બહુ પ્રશંસા પામેલું.   

પોતે માત્ર ઑફિસમાં બેસીને જ સંચાલન કરનારા પૈકીના કાર્યકર નહોતા. એક બનેલો પ્રસંગ રજૂ કરું. આ લખનારે તેના જીવનની કારકિર્દીની શરૂઆત ગઢડાની આ સંસ્થામાં જ છેલભાઈના સીધા માર્ગદર્શન તળે કરેલી. શરૂઆતમાં હું એક ચોથા વર્ગના કાર્યકર તરીકે એ સંસ્થામાં જોડાયેલો. તે વખતે એક દિવસ બહારથી એક ઉચ્ચ અધિકારી ઓચિંતા જ છેલભાઈને મળવા માટે ઑફિસમાં આવ્યા. મારા ઉપરી કાર્યકરે મને તેઓને લઈને છેલભાઈ પાસે જવા સૂચવ્યું. એ અધિકારી ક્યારેય છેલભાઈને અગાઉ મળેલા નહીં, આ પહેલી વખત જ મળવાના હતા. હું એમને છેલભાઈ પાસે લઈ ગયો, જ્યાં તેઓ એક ખાતર ખાડની ઉપર ગોશાળાનાં છાણ-કચરાની ઉપર માટી અને પાણી જાતે જ એક મજૂરની સાથેસાથે ચડાવી રહ્યા હતા-ફોળી રહ્યા હતા. ખાદીની ચડ્ડી, ઉપર ખાદીનો સદરો અને પોતે પૂરેપૂરા છાણ-માટી-પાણીથી ખરડાયેલા! પેલા અધિકારીએ મને બે વખત પૂછ્યું કે આ જ છેલભાઈ છે? આમ, તેઓ પ્રત્યક્ષ કામના માણસ. દિવસનો અર્ધો સમય આવાં કોઈ ને કોઈ કામમાં જ હોય અને અડધો દિવસ ઑફિસમાં બેસી વહીવટી કાર્યો કરે. જીવનની છેલ્લી ક્ષણો સુધી તેઓ પ્રત્યક્ષ કાર્ય કરતા રહ્યા. તેઓના ગઢડાના ખાદી ગ્રામોદ્યોગના પ્રશંસનીય કાર્યથી પ્રેરાઈને વચ્ચે થોડા સમય માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી તરીકે અને અખિલ ભારતીય ખાદીગ્રામોદ્યોગ આયોગની પ્રમાણપત્ર સમિતિના પશ્ર્ચિમ ઝોનના ચેરમેન તરીકેની સેવાઓ પણ લેવાયેલી. 

અખતરાઓ અને પ્રયોગોના આવા માણસ મેં બીજા જોયા નથી. ગ્રામીણ ટેક્નોલોજીના અનેક અખતરાઓ એમણે હાથ ધરેલા. બધા જ અખતરા કંઈ સફળ જ થયા હોય, તેવું ન બને. પણ હાર માને નહીં તેવા. એમને મનમાં અનેક તુક્કાઓ સૂઝ્યા જ કરે. એક વખત એમના મનમાં તુક્કો આવ્યો કે ચાલો વિદેશ ફરવા જઈએ. હવે એ સમયમાં 1972માં વિદેશ જવું એ કેટલું અસંભવિત ગણાય તે સમજી શકાય તેવી વાત છે. અને એ પણ માત્ર કોઈ એક દેશ જઈને પાછા આવી જવું એટલું નહીં, વિશ્ર્વના ઘણા દેશનો પ્રવાસ એમણે ખેડવાનું નક્કી કર્યું. એમના એક મિત્ર સ્વ. કિશોરભાઈ વ્યાસ અમેરિકા હતા.

તેમનો સંપર્ક કરી રવિભાઈ વ્યાસ, છેલભાઈ અને એ મિત્ર સ્વ0 કિશોરભાઈ વ્યાસ એમ ત્રણ જણાએ પૂરા એક વર્ષ સુધી અમેરિકા, કેનેડા, યુરોપના અને પશ્ર્ચિમ એશિયાના ઘણા દેશ એમ વગર પૈસે ફર્યા ! વગર પૈસે એમ એટલા માટે લખું છું કે, લોકમિલાપના મહેન્દ્રભાઈ મેઘાણીનો સહયોગ લીધો અને વિદેશોમાં વેચાણ માટે પુસ્તકો લઈ જઈને તે વેચીને પ્રવાસનો ખર્ચ કાઢ્યો! અને આ વિદેશપ્રવાસ પણ કેવો સાહસિક, ત્યાંની એક જૂની ફોક્સવેગન (સ્ટેશન વેગન ટાઇપની) ગાડી ખરીદી લીધી અને તેમાં પ્રવાસ કર્યો! બધા દેશોમાં આ ગાડીમાં પ્રવાસ કરી વળી એ ગાડી પ્રવાસ પૂરો કરીને ભારત પણ લાવ્યા! વર્ષો સુધી એ ગાડી ગઢડા-ગોપાલધામ સંસ્થામાં અમે બધાએ જોઈ છે, તેમાં બેઠા પણ છીએ! હમણાં જ થોડાં વર્ષ પૂર્વે આ ગાડી ભંગાર તરીકે વેચી! 

તેઓ પ્રવાસના ગજબના શોખીન. 1981ની સાલમાં લલ્લુભાઈ શેઠ અને છેલભાઈ સાથે અમે કાર્યકરો પોતાના પરિવાર સાથે લગભગ અઢારેક વ્યક્તિઓ બે ખખડધજ મેટાડોર અને સ્ટેશન વેગન ગાડીઓ લઈને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, નેપાળ, આસામ, બંગાળ, નાગાલેન્ડ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર એમ લગભગ ચાલીસેક દિવસનો એકદમ સાહસિક અને રોમાંચક પ્રવાસ કરેલો. અમારી બંને ગાડીઓ ઠીક ઠીક જૂની હતી. એક રમૂજી પ્રસંગ બનેલો. અમારી બંને ગાડીઓ છપૈયા થઈ અયોધ્યા તરફ જઈ રહી હતી. હું આ પ્રવાસમાં નક્શા-રૂટની જવાબદારી સંભાળતો હતો એટલે એક ગાડીમાં આગળની સીટમાં ડ્રાઇવરની બાજુમાં હું બેઠો હતો. ત્યાં અચાનક જ મેં અમારી ગાડીની આગળ રોડ પર ગાડીનું એક વ્હીલ દડતું જતું જોયું. મેં અમારા ડ્રાઇવરને કહ્યું કે જુઓ તો આગળ કોઈની ગાડીનું વ્હીલ દડતું જાય છે. અમારો ડ્રાઇવર મને કહે કે એ બીજાની ગાડીનું વ્હીલ નથી આપણી જ ગાડીનું વ્હીલ છે! આમ છતાં અમે તો આવી ગાડીઓમાં અયોધ્યાથી નેપાળના પહાડી વિસ્તારમાં થઈને કાઠમંડૂ પહોંચ્યા જ. અને ત્યાંથી હિમાલયને ક્રોસ કરતાં પાઘડીપને નેપાળને વીંધતાં જનકપુરી થઈને છેક સીલીગૂરી પહોંચેલા. અહીં એ પ્રવાસનું વર્ણન કરવાનો હેતુ નથી તેથી અટકું. આવા બીજા પણ અનેક પ્રવાસો એમણે કર્યા છે. મારામાં જો પ્રવાસના સંસ્કાર પડ્યા હોય તો તે એમને કારણે છે. 

જો છેલભાઈનું માત્ર બે જ શબ્દોમાં વ્યક્તિત્વ વ્યક્ત કરવું હોય તો તે આ લેખનું શીર્ષક છે, તે બે શબ્દો! એમણે એપ્રોપ્રિયેટ ટેક્નોલોજી અંગે એટલા પ્રયોગો કર્યા છે કે એકાદ મોહનભાઈ પરીખ જેવાને બાદ કરતાં અન્ય કોઈ તેના જેવું ઉદાહરણ ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે દેશભરમાં મળવું મુશ્કેલ મને લાગે. તેઓ ખાદી અને ગ્રામોદ્યોગની પરંપરાગત જે ટેક્નોલોજી છે તેના તો પૂરા જાણકાર, પણ તેઓ એટલેથી ક્યારેય અટક્યા નહોતા. તેમને અવારનવાર અનેક નુસ્ખાઓ/ પ્રયોગો કરવાનું અને તેનાં પરિણામો મેળવવાનું કર્યા વિના ચેન ન પડે. આગળ કહ્યું તેમ ગઢડાનું ખાદી-ગ્રામોદ્યોગનું કામ તો ઠીક ઠીક નામના મળી શકે તેવું ગોઠવી જ નાંખેલું. હવે શું? તેઓ બેસી રહે અને ચીલાચાલુ ઘરેડની પ્રવૃત્તિઓ કર્યે જાય તેવો તો આત્મા નહોતો.

ઇંદિરાજીએ 1975-76માં નાંખેલી દેશવ્યાપી કટોકટી વખતે પણ તેઓ બધા જ સર્વોદય વિચારકો/કર્મશીલોની સાથે સાથે કટોકટીના વિરોધમાં ઠીક ઠીક ઝૂઝ્યા હતા અને પછીથી અપાયેલી ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તે માટે એકદમ સક્રિય રીતે ભાગ લીધેલો, જેના પરિણામ સ્વરૂપ એક ચૂંટણી બૂથ ઉપર સારો એવો માર પણ પડેલો. પણ પછીથી જે જનતા સરકાર રચાઈ તેમાં તેઓને ગુજરાત રાજ્યના શીપ એન્ડ વૂલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન પણ બનાવાયા. આ ગાળા દરમિયાન પણ તેઓને દેશનો પ્રવાસ કરવાનું ઠીક ઠીક થયું. આમ, દેશ-વિદેશના પ્રવાસો ખેડ્યા તેથી તેઓની એક વિશેષ પ્રકારની દૃષ્ટિ વિકસી અને ખાસ કરીને એપ્રોપ્રિયેટ ટેક્નોલોજી અને બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે તેઓનું એક વિશેષ પ્રદાન રહ્યું. ગઢડાનું સીમિત કાર્યક્ષેત્ર હવે તેઓને ઠીક ઠીક નાનું પડવા લાગ્યું.

તેઓ પાસે કાર્યકરોની એક સરસ ટીમ પણ તૈયાર થઈ ગઈ હતી. જનતા સરકાર વખતે ગ્રામ વિકાસનાં કાર્યો માટે ઠીક ઠીક જોગવાઈઓ, કાયદાઓની અનુકૂળતાઓ ઊભી થઈ. એથી ગઢડાનું સીમિત કાર્ય સ્થાનિક કાર્યકરોને સોંપી હજી વધુ ઊંડાણનાં ગામડાંઓમાં જવા માટેનું આયોજન વિચારવા માંડ્યું. અને પોતે જ ગામડાંઓની પ્રવૃત્તિઓ સંભાળવા માટે જવા તૈયાર થયા. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ગઢડા-બોટાદને જોડતા રોડની પૂર્વ બાજુનો વિસ્તાર વિકસિત ગણાય અને પશ્ર્ચિમ બાજુનો વિસ્તાર ઘણો જ અવિકસિત અને આર્થિક તથા સામાજિક રીતે પછાત ગણાય. તેમની નજર તો આ દબાયેલા-કચડાયેલા પાંચાળ વિસ્તાર બાજુ જ જાય તે સહજ છે.

ગઢડાથી જસદણ સુધીના વિસ્તારને એક એકમ બનાવીને તેઓએ એક જબરું આયોજન કર્યું. તેમાં સૌ બૌદ્ધિકોનો સહારો પણ લીધો. ભાવનગર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના વિદ્વાનોનો પણ સહયોગ લીધો અને માઇક્રો પ્લાનિંગ કરીને ગ્રામ વિકાસનું મોડેલ કેવું હોય તેનો એક આદર્શ નમૂનો ઊભો કરવા આયોજન કર્યું. એ વખતે એક મોટો જુવાળ ગ્રામવિકાસની પ્રવૃત્તિઓ ઊભી કરવા માટેનો હતો. સરકારે ઇન્કમ ટેક્સની એક 35 સીસીએ કલમ તળે આવાં ગ્રામવિકાસનાં કાર્યો માટે 100% કરમુક્ત દાન આપવાની યોજના બનાવેલી. તે અંતર્ગત ગઢડા તાલુકાના પશ્ર્ચિમ બાજુનાં કેરાળા અને રોજમાળ ગામ અને જસદણ તાલુકાનાં પૂર્વ બાજુનાં આંબરડી, ગોપાલધામ અને છેલ્લે જસદણ એમ એક સાંકળમાં એકસામટી ગ્રામવિકાસની પ્રવૃત્તિઓ, બિનપરંપરાગત ઊર્જાની પ્રવૃત્તિઓ અને નઈ તાલીમ શિક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરવાની અનુકૂળતાઓ એમને દાતાઓના અને સાથીમિત્રોના સહયોગથી ઊભી થઈ.

આ બધું કરવામાં ગુજરાતના રચનાત્મક આગેવાનો, કાર્યકરોનો વિશેષ સહયોગ અને માર્ગદર્શન એમને મળેલાં. એમાં વિશેષ કરીને પૂ. વિમલાતાઈ ઠકારનો વિશેષ સ્નેહ તેમને પ્રાપ્ત થયો છે. ઉપર લખ્યા મુજબ ગોપાલધામ મુકામે ગામડાંના વિકાસ માટે યુવાનોને તાલીમ આપવા, તૈયાર કરવા, સહયોગ આપવા ‘ગ્રામસ્વરાજ શિક્ષણ કેન્દ્ર’ની સ્થાપના એ એમની એક વિશેષ કલ્પના હતી. વિમલાતાઈએ આ કેન્દ્રનો પ્રારંભ કરાવીને આશીર્વાદ આપ્યા. અહીં તાઈની કેટલીયે યુવાશિબિરોના સંચાલન અને આયોજનના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય આ લખનારને પણ મળ્યું છે. ગુજરાતના પાયાના અનેક જૂના કાર્યકરો અને વડીલો રીતસર ગોપાલધામ રહેવા આવતા અને તેઓનો લાભ ત્યાં તાલીમ મેળવતા યુવાનોને મળતો. એ સૂકા અને વેરાન વિસ્તારમાં વૃક્ષારોપણ, જળસંચય-કાર્યક્રમ, શૌચાલય-કાર્યક્રમ, ગોબર ગેસ પ્લાન્ટનું વિસ્તરણ, નિર્ધૂમ ચૂલા, ઊર્જાનાં પ્રદર્શનો-નિદર્શનો જેવા અનેક કાર્યક્રમો/પ્રોજેક્ટ્સ એ વર્ષોમાં બહુ સરસ રીતે અમલમાં મૂકવામાં આવ્યા.  


તમને આ પણ વાંચવું ગમશે

આદિવાસીઓના અધિકાર માટે પ્રવૃત્ત સ્ટેન સ્વામી 

જન જનના કલ્યાણમિત્ર – ‘જનકલ્યાણ’ના દેવેન્દ્રભાઈ

સ્વામી અગ્નિવેશ : આધુનિક આધ્યાત્મિકતાના ખોજી


તેઓ ચીલાચાલુ પ્રવૃત્તિઓ તો કરે જ નહીં. જનતા સરકાર વખતે પુન: પ્રાપ્ય ઊર્જાના પ્રચાર-પ્રસાર માટે આવા સૌ પાયાના કાર્યકરોના સહયોગ અને માર્ગદર્શનથી ગુજરાતમાં GEDA ગુજરાત ઊર્જા વિકાસ નિગમની સ્થાપના પણ થઈ હતી. આ નવો પાંચાળ વિસ્તાર સૂર્ય અને પવનઊર્જા લણવા (Harvesting) માટે અનુકૂળ વિસ્તાર છે તેવું તેમની દૂરંદેશી દૃષ્ટિએ પારખી લીધું અને સૂર્ય અને પવનઊર્જાના અનેક મોડેલ્સ માટે તેમણે નવા નવા આઇડિયા આપ્યા અને સાથી કાર્યકરોએ તેને ઝીલી લીધા.

એ વખતે સૂર્યકૂકરની એકદમ શરૂઆત. બારડોલીના મોહનભાઈ પરીખ અને પ્રયોગ સમિતિના અરવિંદભાઈ દેસાઈએ પણ આ ક્ષેત્રે પ્રારંભ કરેલો. છેલભાઈના માર્ગદર્શન તળે સૂર્યકૂકરનું પેટીટાઇપ લોકભોગ્ય મોડેલ વિકસાવ્યું અને તેની કાર્યક્ષમતા વધારવા અને તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા છેક ISI માર્ક મેળવવા સુધીની પ્રક્રિયા રોજમાળ કેન્દ્રએ દેશમાં સૌ પ્રથમ પૂરી કરી. આ ઉપરાંત સોલાર પાવરનાં બીજાં અનેક સાધનો પણ આ કેન્દ્રમાં વિકસાવાયાં. પાણી ખેંચવાની પવનચક્કી કે જે ખેડૂતોને નાની સિંચાઈ માટે ઉપયોગમાં આવે એવી પવનચક્કીની ડિઝાઇન પણ સુધારા-વધારા કરીને વિકસાવી અને પછી તો GEDAની મદદથી ગુજરાતભરમાં તે પ્રસ્થાપિત કરવામાં આવી.

પણ હવે એક વિશેષ બાબત રજૂ કરું. ફરી કહું, તેઓ આવી ચીલાચાલુ પ્રવૃત્તિ પૂરતા સીમિત રહી શકે તેવા માણસ જ નહીં. તેમણે એક એવી પવનચક્કીની કલ્પના કરી કે જેના રોટરનાં પાંખિયાં રોટર સાથે ફિક્સ કરીને ફિટ કરી નાંખેલાં ન હોય પણ દરેક પાંખિયાને મીજાગરાથી એક સાઈડ જડેલી હોય અને બીજી સાઈડ ખુલ્લી હોય અને એક મોટી એક્સલ સાથે સ્પ્રિંગના દબાણ તળે જોડેલી હોય. જેને કારણે જ્યારે પવનની ગતિ વધારે પડતી વધી જાય ત્યારે પેલી સ્પ્રિંગને પણ અવગણીને પેલાં પાંખિયાંનો રોટર સાથેનો કોણ ઓછો થઈ જવા પ્રયત્ન કરે અને પવનચક્કીના રોટરમાં પવન ભરાઈને રોટરને ફેરવવાની સંભાવના ધીમે ધીમે ઓછી થતી જાય અને પવનચક્કીની ગતિ કાબૂમાં આવી જાય! અને વધારે પડતું નુકસાન થતું અટકી જાય. આ વિષય એટલો અટપટો છે કે આમ લખાણ દ્વારા તેની સંકલ્પના રજૂ કરવી અને વાચકને સમજાવવી અત્યંત કઠિન છે. આમાં પવનની ગતિની અને રોટરનાં પાંખિયાઓના આકાર-કર્વની ડિઝાઇન અંગેની એરોડાયનેમિક ગણતરીઓ પણ અસરકર્તા બને.

આ લખનાર આ બધી પ્રક્રિયામાંથી પસાર થયેલ છે તેથી શક્ય તેટલું વર્ણન કરવાની ગુસ્તાખી કરી છે. આવી મસમોટી પવનચક્કીનો શાફ્ટ-પાવર ઉપરથી શાફ્ટ દ્વારા નીચે લાવીને તેના RPM વધારી-ઘટાડીને તેનો વિધવિધ ઉપયોગ કરવાનો. કેવા કેવા પ્રયોગો કરે, દા.ત. નીચે પવનચક્કીના આ પાવરથી લેથ, ડ્રીલ, ઍર કમ્પ્રેશર, ઘંટી, વોશિંગ મશીન વગેરે ચલાવવા માટે મોટું વર્કશોપ હોય! તેઓના આ ટેક્નોલોજીના પ્રયોગો કોઈ સરકારી અનુદાન મેળવીને બહુ બધી સુવિધાઓ સાથેના હરગિજ નહોતા. તેઓ તો ચારે બાજુથી નકામી વસ્તુઓ/ભંગાર એકઠો કરે અને તેમાંથી અવનવાં સાધનો વિકસાવે. તેઓ જ્યાં રહેવા જાય ત્યાં આ કબાડી ભંગારના ઢગના ઢગ સાથે જ હોય!

આંબરડી ગામે જીવનશાળા નામે નઈ તાલીમની એક શાળા પણ ઊભી કરવામાં આવી, જે આજે ઘેઘૂર વટવૃક્ષ સમાન બની ગઈ છે અને આ વિસ્તારનાં અનેક બાળકો/કિશોર-કિશોરીઓને શિક્ષણ આપે છે. આ શાળા શરૂ કરી ત્યારે આજુબાજુના ચાલીસેક કિ.મી.ના વિસ્તારમાં પ્રાથમિકશાળાથી આગળ અભ્યાસ કરવા માટે એક પણ શાળા ન હતી.

એમના સીધા માર્ગદર્શન અને ગઢડા-ગોપાલધામ સંસ્થાના નેજા નીચે સીધી અને આડકતરી કેટલીયે સંસ્થાઓ નિર્માણ પામી, પનપી, વિકસી, કોઈક બાળ-મરણ પણ પામી. મૂળે ગ્રામ ઉદ્યોગ મંદિર-ગઢડા. તેની શાખાઓ તરીકે ખાદી ગ્રામોદ્યોગ ભવન-બોટાદ, ગ્રામ શિલ્પ ખાદી ભંડાર-રાજકોટ, ખાદી હાટ-ગઢડા, ખાદી ભંડાર-બરવાળા, ગ્રામ સ્વરાજ શિક્ષણ કેન્દ્ર-ગોપાલધામ, ગ્રામ ઇજનેરી વિદ્યાલય-રોજમાળ, શિક્ષણ અને આરોગ્ય કેન્દ્ર-કેરાળા, ખાદી ગ્રામોદ્યોગ ભંડાર-જસદણ, સ્વામીના ગઢડાનો ખાદી ભંડાર-પ્રીતમનગરનો પહેલો ઢાળ-અમદાવાદ અને સાથી સંસ્થાઓ તરીકે જીવનશાળા-ગઢડા, જીવનશાળા-આંબરડી, જીવનશાળા-ગોપાલધામ જેવી સંસ્થાઓ સ્થપાઈ.

એમના જીવનના છેલ્લા એક-દોઢ દસકામાં તેમને પારિવારિક, સામાજિક અને સંસ્થાકીય ક્ષેત્રે બહુ સંઘર્ષ વેઠવો પડ્યો. આ કારણે તેઓ છેલ્લા એક-દોઢ દસકામાં જાહેર કાર્યોથી લગભગ નિવૃત્ત/અલિપ્ત કહી શકાય તેવું જીવન જીવતા હતા. આ બધું વર્ણન અત્રે અપ્રસ્તુત હોઈ, માત્ર ઉલ્લેખ કરી અટકું. તેઓને નર્મદાનું ભારે આકર્ષણ. વચ્ચે કેટલાંક વર્ષ નર્મદા કાંઠે માલસર મુકામે વસવાનો પ્રયોગ પણ કરી જોયો. ત્યાં પણ નિવૃત્તિમાં રહે તો છેલભાઈ શાના? ત્યાં પણ અગાસી ઉપરની ખેતીના પ્રયોગો અને ઊર્જાના પ્રયોગો એકલે હાથે કર્યા. પણ ત્યાં એકલે હાથે ઝૂઝવું મુશ્કેલ બન્યું અને છેલ્લાં વર્ષો તો તેઓએ ગોપાલધામમાં જ વીતાવ્યાં. ગોપાલધામ તેમનું સર્જન. ત્યાંની ગોશાળામાં 86 વર્ષની ઉંમરે પણ ગયા વિના ચાલે નહીં.

ગોપાલધામમાં તેઓએ એક લીમડાવન ઊભું કરેલું. તે તેમને અતિ પ્રિય. સવાર-સાંજ ત્યાં અચૂક ચાલવા જાય. પોતાનાં બધાં જ કામ જાતે કરે. એમનાં ધર્મપત્ની પ્રભાબહેન એકદમ ધર્મપરાયણ. તેમને પણ છેલભાઈ પોતાનાં અંગત કાર્યો ન કરવા દે. પોતે જાતે ચા બનાવીને પી લે, ચાનાં વાસણ પણ પોતે જ સાફ કરી નાંખે. પ્રભાબહેને પણ જીવનભર તેમનાં અનુગામિની બનીને પાતિવ્રત્ય ધર્મ બજાવ્યો છે. અંતિમ પ્રયાણ કરવાનું હતું તે દિવસે પણ પથારીમાં સૂતા રહ્યા નથી.

રાજકોટથી દિલીપભાઈ તે દિવસે મળવા આવેલા. તેમને જતી વખતે વળાવવા છેક ગોપાલધામના દરવાજા સુધી ચાલીને ગયા અને જાણે કે સૂઝી ગયું હોય તેમ કહ્યું કે હવે આવજો, રામ રામ! હજી દિલીપભાઈ રાજકોટ માંડ પહોંચ્યા હશે ત્યાં કોઈપણ જાતની પીડા વિના એકદમ સ્વસ્થ રીતે અંતિમ વિદાય લઈ લીધી. કોરોના સંકટને કારણે અંતિમ યાત્રા બને તેટલી મર્યાદિત રહે તેવો પ્રયત્ન કરેલો. તેમના પ્રિય એવા ગોપાલધામના લીમડાવનમાં અગ્નિદાહ આપવામાં આવ્યો અને તેઓ ગોપાલધામ કે જે એમનું સર્જન હતું, તેમાં જ વિસર્જિત થયા.

એમના જાહેર જીવનના લગભગ સાઠેક વર્ષના સમયગાળામાંથી લગભગ ચાલીશેક વર્ષ આ લખનારને તેઓ સાથે રહીને તેઓના જીવન-કવનના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે અને તેમાં તેનાં કેળવણી અને ઘડતર પણ થયેલ છે. તેથી આ લેખ લખતી વેળા બને તેટલું તાટસ્થ્ય જાળવવા પ્રયત્ન કરેલ છે. છતાં ક્યાંય જો જરાકેય હુંપણાનો ઓછાયો દેખાય તો તે માનવસહજ મર્યાદા સમજી વાચકો દરગુજર કરવા પ્રયત્ન કરે એવી પ્રાર્થના છે. મારા જીવનમાં તેઓની બહુ મોટી અસર અને પ્રભાવ. તેમની સાથે રહીને મારું જે ઘડતર થયું છે તેનું ઋણ ચૂકવવાનું આ લેખ દ્વારા નિમિત્ત બને છે તે મારા જીવન માટે એક બોજામુક્તિનું કારણ બન્યું છે. 

લોકભારતી, સણોસરા. મો. 9428522158       – હસમુખ દેવમુરારી


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s