મોટાં શહેરો હવે તૂટવાં જોઈએ. કેમ ?
- તે હવે જીવવાલાયક નથી રહ્યાં.
- તે હવે જીવનને હાડમારી તરફ ધકેલી રહ્યાં છે.
- તે ખોટી રાજ્યસત્તાની અને અર્થસત્તાની જાળમાં ફસાયાં છે.
- તે જાળ સમાજની એકતા તોડે છે.
- સમાજની શાંતિને હણે છે.
- સમાજને મોટા કેદખાના તરફ હડસેલે છે.
- તેણે હવે સ્વસ્થ માનવનું રક્ષણ, પોષણ, શિક્ષણ કરવાનું સામર્થ્ય ગુમાવ્યું છે.
- તે યંત્ર-તંત્ર-મંત્ર બહુજનને ગુલામી તરફ હડસેલે છે. -સં.)
આપણા મનમાં અનેક પ્રકારના વિકારો અને વાસનાઓ હોય છે. આંશિક રીતે તે વાસનાઓની પૂર્તિ કરવી. પણ એ પૂર્તિ કઈ હદ સુધી કરવી, તે વિચારવું જોઈએ. ભૂખ લાગે ત્યારે ખાવાની ઇચ્છા જાગે. પણ જો વધુ ખાઈએ તો બીમાર પડીએ. ખાવાની ઇચ્છાની તૃપ્તિ થવી જોઈએ, પણ અત્યાધિક ન ખાવું. વિકાર અને જીભને કાબૂમાં રાખવાં. તેને આપણે ‘અધ્યાત્મવિદ્યા’ કહીએ છીએ.
એનો અર્થ એ થયો કે માણસે સંયમમાં રહેવું જોઈએ. માણસ ભોગ કરે પણ અતિ ન કરે. વાસના રાખે, તે પણ અધિક ન રાખે. આમ માપમાં રહેવાની હાલતને ‘યોગ’ કહે છે. જે સમાજમાં વ્યક્તિ આ યોગને સાધી લે છે તે સમાજ સુખી હોય છે. માટે સર્વોદય સમાજની કેળવણીમાં અધ્યાત્મવિદ્યાને અગ્રસ્થાને મૂકી છે.
આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગાઈએ છીએ. તેમાં શું છે ? સ્થિતપ્રજ્ઞ તે છે, જે પોતાની ઇન્દ્રિયો પર અંકુશ રાખે છે – બરોબર તેવી જ રીતે, જેવી રીતે કાચબો ખતરાને સમયે પોતાના અવયવો અંદર ખેંચી લે છે અને જ્યાં ખતરો નથી ત્યાં ઇન્દ્રિયોને બહાર ફરવા દે છે. આ ખાસ કંઈ અસાધારણ શક્તિની વાત નથી. જો બાળપણથી જ આવી તાલીમ મળે, તો માણસ માટે પણ આ વસ્તુ સ્વાભાવિક થઈ જાય છે.
ઠંડી લાગે તો તાપ ગમે છે. તાપણે બેસો પણ એટલા નજીક ન બેસો કે જેથી દાઝી જવાય. અગ્નિથી થોડા દૂર બેસો, જેથી તાપ લાગે, પણ દાઝી ન જવાય. ન અતિ દૂર, ન અતિ નિકટ. આ કંઈ બહુ મોટી વાત નથી. એ કૃત્રિમ વસ્તુ નથી. સહજ સમજાય તેવી વાત છે. કારણ કે તેમાં ભલું છે, તે સ્પષ્ટ છે.
જ્યાં કૃત્રિમ સમાજ-રચના હોય છે, ત્યાં બાળકોને માતા-પિતા બૂરી ટેવ પાડે છે. એવું એકપણ બાળક પેદા નથી થતું કે જેને મરચું ખાવામાં રુચિ હોય. બધાં બાળકોને મધુરસ પ્રિય હોય છે. તીખો અને ખારો રસ બાળકોને પ્રિય નથી લાગતો. ગીતા પણ કહે છે કે તીખો તમતમતો ને ખારો રસ ન ખાઓ. મધુરસનું સેવન કરો. પરંતુ માતા-પિતા બાળકોને તીખો અને ખારો રસ ખાવાની ટેવ પાડે છે. બાળકને તીખું ખવડાવશો તો તરત તે ‘ના’ કહે છે. તો પણ મા-બાપ કહે છે, થોડું થોડું તો ખાવું જોઈએ. એ રીતે આદતમાં ફેરફાર કરવામાં આવે છે. અને એ ત્યાં સુધી કે થોડા સમય પછી મરચાં વિનાનું ભોજન બાળકને ભાવતું નથી. એ પછી ગીતાની શીખ અઘરી લાગે છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ગીતા આપણને જે સંયમબોધ આપી રહી છે, તે અઘરો નથી. પરંતુ અવળી તાલીમને લઈને ખરાબ/ખોટી ટેવ પાડવામાં આવે છે તેથી આપણને તે અઘરો લાગે છે.
આંધમ્રાં તમાકુ
આંધ્ર પ્રદેશમાં બાળકોમાં બીડી પીવાની ટેવ પાડવામાં આવે છે, એ મેં જોયું છે. મેં એ પણ જોયું છે કે ત્યાં ઉત્તમોત્તમ જમીનમાં તમાકુ વાવવામાં આવે છે. એટલું જ નહીં, મેં એ પણ જોયું છે કે અમારી પદયાત્રાનું સ્વાગત કરવા લોકો આવે છે તો એમના મોઢામાં બીડી હોય છે. એમને લાગતું જ નથી કે કંઈ ખરાબ કામ થઈ રહ્યું છે. કારણ કે માતા-પિતા બાળપણથી જ એમને બીડી પીતાં કરે છે. મેં આંધ્રમાં તમાકુનાં એટલાં બધાં ખેતરો જોયાં કે તેને ‘આંધ્રકુ’ નામ આપી દીધું. કેમ કે ત્યાંના ખેડૂતોનો પૂરો જીવનરસ તમાકુ વિશે રહ્યો છે. વ્યસન થયું કે તેના વિના ચેન ન પડે. કેટલાક લોકો એવા જોયા છે કે, જેમને ચિંતનની જરૂર હોય તેઓ તુરંત સિગારેટ સળગાવે અને તે અગ્નિ-જ્યોતિના પ્રકાશમાં એમનું ચિંતન શરૂ થઈ જાય !
તમને આ પણ વાંચવું ગમશે
ઇન્દ્રિયોનું નિયમન
ખોટી તાલીમને લઈને વ્યસન છોડવું મુશ્કેલ બની જાય છે. ખોટી આદતને લઈને સંયમ રાખવો અઘરો બને છે, બાકી સંયમ સાહજિક છે. કાચબો જે કરી શકે તે માણસ કેમ ન કરી શકે ? ભૂખ હોય એટલું ખાવું, તરસ હોય એટલું પીવું, ન વધુ ખાવું-પીવું, ન વધુ ઊંઘવું – માપે રહેવું એ શું મુશ્કેલ છે ? શું તેને માટે પ્રયત્ન કરવો પડશે ? પરંતુ સરળ કામ પણ ખોટી તાલીમને કારણે મુશ્કેલ બની જાય છે. તેને લઈને સંયમ-વિદ્યા અઘરી લાગે છે.
સર્વોદય વિચારમાં આ તત્ત્વ મુખ્ય છે કે પોતાના મનને વશમાં રાખવું, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી.
આંધ્ર પ્રદેશમાં અમે લોકોને મૌન-પ્રાર્થના વિશે સમજાવતા તો તેઓ અત્યંત શાંતિપૂર્વક મૌન-પ્રાર્થના કરતા. મૌન-પ્રાર્થનામાં ભારે મોટી શક્તિ છે. તેમાં સંયમની વિશેષ શક્તિ ભરી પડી છે. તેથી શિક્ષણમાં તેની યોજના થવી જોઈએ. આમ થશે ત્યારે સંયમ અઘરો નહીં લાગે, અને મનુષ્યની ઉન્નતિ થશે. એનું નામ છે ‘અધ્યાત્મ વિદ્યા’. તેનાથી મન અને ઇન્દ્રિયો પર અંકુશ રાખી શકાય છે. અહીં ઇચ્છાઓને મારી નાખવાની વાત નથી, તેનો પરિમિત અને સાચો-સારો ઉપયોગ કરવાની વાત છે. જેમ ઘોડેસવાર અંકુશ રાખે છે, તો ઘોડો સારું કામ આપે છે, તેમ ઇન્દ્રિયો પણ આપણને સારું કામ દેશે. તે આપણી મોટી શક્તિ છે. તેને વશમાં રાખવાની વિદ્યા મેળવી લેવી, તે એક કામ છે.
સમાજ
માણસનું બીજું કાર્ય સમાજ પ્રત્યે છે. સમાજમાં અનેક વ્યક્તિ રહે છે, તેઓમાં પરસ્પર વિરોધ ન આવે, એવી જ સમાજ-રચના કરવી પડશે. એકનું સાચું હિત બીજાના સાચા હિતની વિરુદ્ધ ન હોઈ શકે. આ વાત સરળ છે, અઘરી નથી. આપણે જ્યારે સમાજમાં રહીએ છીએ ત્યારે એક-મેકને માટે રહીએ છીએ. માટે આપણે એક-મેકનું હિત જોવું જોઈએ. હિત ટકરાશે તો સમાજનું અહિત થશે. એક માણસ વિદ્વાન બનશે તો સમાજને લાભ જ થશે. એકનું આરોગ્ય સુંદર છે તો કોઈને નુકસાન નહીં થાય. આ રીતે વિચારીશું, તો એકના હિતમાં બીજાનું હિત છે, એ વાત ધ્યાનમાં આવશે. પરંતુ આજ કૃત્રિમ સમાજશાસ્ત્ર આવ્યું છે, જેમાં કહે છે કે એક-બીજાના હિત પરસ્પર વિરુદ્ધ છે. જેવી રીતે ખોટા શિક્ષણથી બૂરી આદત આવી છે, તેવી રીતે ખોટા સમાજ-શાસ્ત્રથી હિતોનો પરસ્પર વિરોધ આવી ગયો છે. આ હાલતમાં સહુનાં હિતોનું રક્ષણ કરવું કપરું કામ થઈ ગયું છે.
ઇંગ્લૅન્ડમાં પહેલાં સ્ત્રીઓને મતાધિકાર નહોતો. ત્યાં પુરુષના હિત વિરુદ્ધ સ્ત્રીઓનું હિત અને સ્ત્રીઓના હિત વિરુદ્ધ પુરુષનું હિત થઈ ગયું. પતિ વિરુદ્ધ પત્નીની ‘ક્લાસ-સ્ટ્રગલ’ (વર્ગ-સંઘર્ષ) પેદા થઈ. પત્નીઓને પોતાના હક માટે પતિ વિરુદ્ધ લડવું પડ્યું. પાર્લામેન્ટમાં જઈને ઈંડાં ફેંકી-ફેંકીને એને મારવાનું મન થયું. છેવટે પતિદેવે પત્નીની વાત સ્વીકારવી પડી અને મતાધિકાર દેવો પડ્યો. આપણા દેશમાં આવો કોઈ ભેદ પ્રગટ ન થયો. આપણને તો કલ્પના પણ ન આવે કે આપણાં માતા અને પિતા વચ્ચે આવી કોઈ લડાઈ થઈ શકે. પરંતુ ત્યાં આવું થયું. આમ પરસ્પર હિત-વિરોધની કલ્પના કરીને આ કૃત્રિમ સમાજશાસ્ત્ર બન્યું છે.
આજે ભાષાવાર પ્રાંતરચના થઈ છે. ભિન્ન ભિન્ન પ્રાંતવાળા એવું વિચારે છે કે એકના હિત વિરુદ્ધ બીજાનું હિત છે. આશ્ર્ચર્યની વાત છે કે એક પ્રાંતના તમામ લોકોનો મત એક છે અને બીજા પ્રાંતના તમામ લોકોના મત તેમની વિરુદ્ધ છે. આવું કેમ થયું ? કારણ કે સમાજશાસ્ત્રમાં આપણને એવું શીખવ્યું છે કે પરસ્પર હિતોમાં વિરોધ છે. પછી હિતોના રક્ષણ માટે અલગ અલગ સંગઠનો બનાવવામાં આવે છે – વિદ્યાર્થી સંઘ, શિક્ષક સંઘ, મજૂર સંઘ, માલિક સંઘ વગેરે.
ચૂંટણી એ વેર-ઝેર ફેલાવતું વૃક્ષ
ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં 600 ગ્રામદાન મળેલાં. એટલાં બધાં ગામોએ પોતાની કુલ જમીનનું દાન દીધું. જેની પાસે 25 એકર જમીન હતી, તેને પાંચ એકર જમીન ભાગે મળી અને તે પણ તેણે રાજીખુશીથી રાખી. જેમને હિસ્સે જેટલી જમીન આવી તેટલી તેમણે લીધી. કારણ કે તેમને સમજાવવામાં આવેલું કે જમીન બધાંની છે. હિતોમાં કોઈ વિરોધ નથી. આજનું આધુનિક સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર છે, તેને એ લોકો જાણતા જ નથી, પરંતુ ગોપબાબુ (ઓરિસ્સા)ની સામે આજે એક મોટી સમસ્યા આવી છે કે ચૂંટણી આવી રહી છે. તેથી જુદી જુદી પાર્ટીના લોકો ગામડામાં જશે, અને પોતાના પક્ષ માટે મત માંગશે. માની લો કે કોઈ એક ગામે એક પાર્ટીને મત આપ્યો અને બીજા ગામે બીજી પાર્ટીને, તો એ બે ગામ વચ્ચે વિરોધ પેદા થઈ જશે. પાર્ટીવાળા લોકો ગામ-હિત અને લોક-હિત નથી વિચારતા.
આ જે ચૂંટણી થાય છે, તેનો પોતાનો અલગ ધર્મ-વિચાર છે. તેમના 3 સિદ્ધાંત છે : આત્મસ્તુતિ, પરનિંદા અને મિથ્યાભાષણ. અગર ગામમાં આને લઈને ફૂટ પડી, તો કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જશે. આગ લગાવવી બહુ સહેલી છે, પરંતુ આગ બુઝાવવી બહુ કઠણ. ભાગવતમાં એક વાર્તા છે કે ગોકુળમાં આગ લાગી, તો ભગવાન અગ્નિ પી ગયા. અહીં તો આગ લગાડનારા ખૂબ છે. ચૂંટણી ટાણે તેઓ ગામેગામ ફરશે અને આગ લગાવશે. પછીથી એ ગામનું શું થશે તે નહીં વિચારે.
આપણે એક નવો સમાજ રચવો છે, જેમાં એ વિચાર હશે કે હિતોમાં પરસ્પર વિરોધ નથી. સહુના ભલામાં આપણું ભલું છે. આ રચના કોઈ અઘરી નથી, પરંતુ આજ સુધી જે ખોટી ધારણા પ્રસરી છે, તેને લઈને સીધી સરળ વાત ગૂંચવાઈ ગઈ છે, કોરાપુટના અભણ લોકો પણ સમજે છે કે હિતોમાં પરસ્પર વિરોધ નથી. તે બિલકુલ સીધી સરળ વસ્તુ છે. પણ આજે તે કઠિન બની ગઈ છે.
‘સર્વોદય’ શબ્દ ઘણા લોકો માન્ય કરે છે. છતાં એમ કહીને ટાળવાની કોશિશ કરે છે કે તે બહુ ઊંચો શબ્દ છે, કદાચ અમે એને ન આચરી શકીએ. કૃત્રિમ સમાજરચનાને લઈને તે દહેશત છે.
સમાજમાં વર્ગોની કલ્પના કરવી તે અયોગ્ય છે. વર્ગોનો આ વિચાર પશ્ર્ચિમથી આવ્યો છે. તેના આધારે પશ્ર્ચિમ જગતે કેટલાયે રાજનૈતિક વિચારો બનાવ્યા છે. પરંતુ રાજનીતિમાં યુરોપના લોકો બહુ અપરિપક્વ છે. તેવી રીતે તેમનું સમાજશાસ્ત્ર પણ ખોખલું છે. તેઓ માનસશાસ્ત્ર પણ વિકસિત કરી શક્યા નથી. તેઓ મનની વિવિધ આકાંક્ષાઓ, તેના વિકારોનું પરીક્ષણ કરે છે અને તેને મનોવિજ્ઞાન કહે છે. પરંતુ તેઓએ મનને જીતવાનું શાસ્ત્ર નથી બનાવ્યું. પરિણામસ્વરૂપ તેમનું સમાજશાસ્ત્ર પણ સમાજને વર્ગોમાં ખંડિત કરે છે. તેમાંથી પરસ્પર હિત વિરોધનો વિચાર પેદા થયો છે. અને તે એટલે સુધી વકર્યો છે કે સૃષ્ટિ સાથે પણ તેમને વિરોધ પેદા થાય છે.
ગાંધીજી ગયા, પણ એમણે આપણને એક શાશ્ર્વત, ચિરસ્થાયી અને મુક્તિદાયી વિચાર દીધો છે, તે છે અહિંસાનો વિચાર. આ વિચાર ચિરકાલ સુધી કામમાં આવશે. અને આખી દુનિયાને મુક્તિ દેનારો છે. અહિંસા આપણા દેશની ભાષા છે. અનેક ધર્મશાસ્ત્રકાર, દર્શનકાર, આચાર્ય, સંત-મહંત, આદિ જેટલા આ દેશમાં થયા તે બધા જ અહિંસા વિશે વિચારતા, લખતા, પ્રવચન દેતા આવ્યા છે. ભારતીયોએ આ વિશે જેટલું લખ્યું છે, એટલું આત્મજ્ઞાન અને ઈશ્ર્વર સિવાય બીજા કોઈ વિષય પર ન તો લખાયું છે, ન તો વિચાર્યું છે, ન બોલાયું છે. અહીંના સાહિત્ય ઉપર તેની અસર છે. જીવનનું એકપણ ક્ષેત્ર તેની અસર વિનાનું નથી. આમ છતાાંયે ગાંધીજીએ આપણી સામે વૈજ્ઞાનિક રીતે અહિંસાને વ્યક્ત કરી.
ઋષભદેવે અહિંસાનો મતલબ સમજાવ્યો છે કે જેટલો પ્રેમ પોતા પર કરો છો, તેટલો પ્રેમ ભગવાનની આ પૂરી સૃષ્ટિ પર કરો. એક વિચાર તરીકે બધા જ આને માને છે. પરંતુ આચરણમાં નથી લાવી શકતા. એટલે શાસ્ત્રકારોએ વચલો માર્ગ શોધ્યો, જેથી લોકોને ધીરે ધીરે સહુ પર પ્રેમ કરવાની તાલીમ મળે. જેમ આપણું શરીર છે, તે આપણો વિસ્તાર છે, ખુદ નહીં. આપણે તો શરીરની અંદર રહેનારા, અંતરાત્મામાં રહેનારા અને ઇન્દ્રિયો વડે કામ લેનારા. તનુનો વિસ્તાર એ જ તનય છે. સંતાન શબ્દ પણ તનુમાંથી બન્યો છે. જેમ, સંતાન તનુનો વિસ્તાર છે, તેમ સમાજ પણ આપણો જ વિસ્તાર છે. આ સમજીએ અને સમાજને પ્યાર કરતાં શીખીએ.
અહિંસાનો અર્થ શું છે ? आत्मवत् सर्व भूतेषु – સહુ પર એટલો પ્યાર કરો, જેટલો જાત પર કરો છો.
જે આત્મા મારામાં છે, તે જ તમારામાં છે. આ રીતે આત્માની વ્યાપકતાનું જ્યાં દર્શન થાય છે, ત્યાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે. ગીતામાં અહિંસા વિશે કહ્યું છે કે આત્માને બધાં જ ભૂતોમાં સમાનરૂપે જોવાથી પરમેશ્વરની વ્યાપક સત્તાનું ભાન થાય છે. પછી આત્મા આત્માની હિંસા કરી જ નથી શકતો. આપણે પોતાની હિંસા નથી કરી શકતા. તે અહિંસાની પ્રતિષ્ઠા.
અહિંસા એટલે હિંસા ન કરવી, એટલો અભાવાત્મક અર્થ નથી. તેના ત્રણ અર્થ છે – નિર્ભયતા, બીજો અર્થ છે – પ્રેમ અને સહયોગ કરવો, અને ત્રીજો અર્થ છે – રચનાત્મક કાર્યમાં શ્રદ્ધા રાખવી. જો આપણે નિર્ભય બનીએ, આત્મશક્તિ ઉપર વિશ્વાસ રાખીએ, પ્રેમ અને સહયોગ કરીને પૂરેપૂરા સમાજને એકત્ર કરીએ તથા રચનાત્મક કામમાં લાગીએ ત્યારે સાચા અર્થમાં આપણી શક્તિ વધશે.
સામૂહિક અહિંસા
જ્યારે હિંદુસ્તાનની આધ્યાત્મિક સંસ્કૃતિ પર પશ્ચિમના વિજ્ઞાનનો રંગ ચડ્યો, ત્યારે જ તેમાં એક નવો વિચાર ઉદ્ભવ્યો, જેને આપણે ‘સામૂહિક હિંસા’ કહીએ છીએ. તે હિંદુસ્તાનના આધ્યાત્મિક વિચાર અને પશ્ચિમના વિજ્ઞાનના સંયોગથી થયું. જ્યારે આત્માનું દર્શન થાય છે ત્યારે આપણા જીવનમાં ન્યુનાધિક પ્રમાણમાં અહિંસા આવી જ જાય છે. આમ છતાંયે અત્યાર સુધી તે સામૂહિક નહોતી થઈ શકી. કારણ કે વિજ્ઞાનને કારણે આજ માનવસમાજ એક-બીજાથી જેટલો જોડાઈ ગયો છે, એટલો પહેલાના જમાનામાં નહોતો જોડાયો.
પશ્ર્ચિમના વિજ્ઞાન અને ભારતના અધ્યાત્મના સંયોગથી સામૂહિક અહિંસાનો આવિર્ભાવ થયો અને આપણે અહિંસાથી સ્વરાજ્ય મેળવ્યું. હવે પૂર્વે પશ્ચિમ સુધી સામૂહિક અહિંસાનો વિચાર પહોંચાડવાનું કામ કરવાનું છે.
તમને આ પણ વાંચવું ગમશે
સફળતા માટે વિનોબા વિદ્યાર્થીઓને શું સલાહ આપે છે?
વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?
અહિંસાનું રહસ્ય
‘હું કોણ છું’ આ સવાલ છે. આપણા પૂર્વજોએ કહ્યું – ‘હું બ્રહ્મ છું.’ આ જે વ્યાપક અનુભૂતિ છે તેને ‘વેદાન્ત’ કહે છે. હવે જો હું ‘બ્રહ્મ’ છું તો મારી કોશિશ હોવી જોઈએ કે બધાની સાથે સમાન-રૂપે વ્યવહાર કરું. તેને જ ‘અહિંસા’ કહે છે. અહિંસા એક આચાર- પદ્ધતિ છે અને વેદાન્ત એક ચિંતનપદ્ધતિ છે. લોકોને એ જ સમજાવવાનું છે કે આપણે સહુ એક છીએ અને વ્યવહારમાં સમાનતાની કોશિશ કરવાની છે.
પર્વત જેવા અપરિગ્રહી
અહીં મારી ચારેતરફ નાના-મોટા પર્વત છે. તે શું કરે છે ? પોતાની પાસે કશું નથી રાખતા. જે પાણી વરસે છે, તે પહાડને કારણે વરસે છે. વધુમાં વધુ વરસાદ પહાડ પર વરસે છે, છતાંયે પહાડ બધું જ પાણી નીચે રેલાવી દે છે તો, નદી વહે છે.
પરમેશ્ર્વરની કૃપા જેના પર વરસી, તેઓનો ધર્મ પહાડ જેવો છે. જેની પાસે અધિક બુદ્ધિ છે, જેને અધિક શક્તિ મળી છે, તેમનું એ કામ છે કે પોતાની બુદ્ધિ અને શક્તિ બીજાને આપી દે. એમ થશે તો તેમની ઊંચાઈ વધશે. જો આ પહાડ બધું પાણી પોતાની પાસે જ રાખી લેત, તો આપણને એટલી અદેખાઈ થાત કે પછી તેને ખોદી-ખોદીને તેનું પાણી લઈ લેત. પરંતુ પહાડ તો પોતાની ઊંચાઈનો લાભ આપણને આપે છે, તેથી તેના દર્શનથી આપણને આનંદ થાય છે. પહાડ જેટલું આપે છે તેટલું પામે છે. એમ માનવના હૃદયમાં જેટલી ઉદારતા વધશે તેટલું તેનું જીવન સંપન્ન થશે.
ઉદારતાને જ અપરિગ્રહ કહે છે. લોકો સમજે છે કે અપરિગ્રહનો અર્થ બીજો જ છે. અપરિગ્રહનો અર્થ છે કે જે કંઈ હાથમાં આવ્યું – ન આવ્યું કે તરત બીજાની પાસે પહોંચાડી દેવું. લક્ષ્મી પ્રવાહિત રહે છે, ત્યાં અપરિગ્રહ રહે છે. ખૂબ પેદા કરો, તેવું વ્રત લો. अन्नं बहु कुर्वीत, तद व्रतम् એમ ઋષિ કહે છે. આ ઉપનિષદના ઋષિ કહે છે, જે અપરિગ્રહના આચાર્ય છે.
પૂછવામાં આવે છે કે સર્વોદય સમાજમાં ઉપલો, મધ્યમ અને નીચલો એવા ત્રણ વર્ગો નહીં રહે ? જવાબ છે કે જો વર્ગની ભાષામાં જ બોલવું હોય તો વર્ગ રહેશે, પરંતુ તે પૈસા કે જમીનના આધાર પર નહીં હોય. તે નીતિમત્તાના આધાર પર હશે. સર્વસામાન્ય વર્ગ હશે, જે સામાન્ય ધર્મનું આચરણ કરશે; મધ્યમ વર્ગ એ હશે, જે તેનાથી અધિક ધર્મનું આચરણ કરશે; અને ઉચ્ચ વર્ગ એ હશે, જે સહુથી વધુ ત્યાગી હશે. આજ તો એવું છે કે જે લોકો બીજાને લૂંટે છે, તે ઉપરના વર્ગમાં આવે છે.
આપણે તેનાથી ઊલટું સમજીએ છીએ કે જે જનતા માટે વધુમાં વધુ ત્યાગ કરે, તે સહુથી ઊંચો છે; જે અમુક હદ સુધી ત્યાગ કરે છે તે મધ્યમ છે; અને જે દુનિયામાં મદદ કરવામાં સામાન્ય ત્યાગ કરે છે, તે સર્વસામાન્ય છે. જેવી રીતે પરિવારમાં સૌથી નાનાં બાળક હોય છે, તે સર્વસામાન્ય ધર્મ પાળે છે, મોટા ભાઈ હોય છે તે, નાના માટે ત્યાગ કરે છે, તે મધ્યમ છે; અને માતાપિતા છે તે સર્વસ્વ ત્યાગ કરે છે તે ઉત્તમ હોય છે. સમાજમાં પણ આવા નાના, મધ્યમ, ઉચ્ચ ત્યાગી હોય છે. સમાજમાં આવો ભેદ રહેશે પરંતુ કોઈ પોતાને બીજા કરતાં ઊંચા નહીં માને. માતાપિતા પોતાને ઊંચાં નથી સમજતાં, તે પોતાનાં બાળકોને હરિસ્વરૂપ સમજે છે અને તેમની સેવામાં તન્મય રહે છે.
ભારતીય સમાજશાસ્ત્રનો એક બહુ મોટો ગુણ છે કે તેમાં માનવનો માનસિક વિકાસ કેવી રીતે થાય, તેનું માર્ગદર્શન સારી રીતે કર્યું છે. મનુષ્યનું જીવન બાળપણથી મૃત્યુ સુધી વિકસિત થતું રહે છે. મનુષ્ય- જીવનની કેટલીયે અવસ્થા હોય છે. શેક્સપીયરે જ્ઞાન-અવસ્થા માની છે. ભાગવતમાં પણ માનવજીવનની ભૂમિકાઓનું વર્ણન જોવા મળે છે. તેને શાસ્ત્રીય રૂપ દેવાનું કામ આપણા શાસ્ત્રકારોએ કર્યું છે. તેઓએ એની જ અવસ્થાઓ માની છે અને દરેક અવસ્થાના ધર્મ બતાવ્યા છે. એ ધર્મોની સ્થાપના માનવના વિકાસ માટે બહુ લાભદાયી છે. બાળપણમાં બ્રહ્મચર્ય, વેદાધ્યયન, ગુરુસેવા, તેને બ્રહ્મચર્યાશ્રમ કહ્યો. યુવાવસ્થામાં ગૃહસ્થાશ્રમ, ગુરુસેવા, કર્મયોગ, યજ્ઞ-દાન-તપ આદિ. એ પછી વાનપ્રસ્થ એટલે કે ગૃહમુક્ત સેવા અને આગળ જતાં કેવળ ઈશ્વરચિંતન-સંન્યાસ !
આજે આ આશ્રમોનું નામનિશાન નથી. પણ આશ્રમ-વ્યવસ્થાનો એક મુખ્ય વિચાર એ રહ્યો છે કે મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય ભોગવિલાસ નહીં, વિશ્ર્વસેવા છે, સંયમ સાધીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે.
આજે દુનિયાભરમાં સર્વત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. મારું માનવું છે કે આ બધું નવા યુગના આગમનનાં એંધાણ છે, પ્રસવવેદના છે. મારું માનવું છે કે એ કામમાં વિજ્ઞાન આપણને મદદ કરશે. જેમજેમ વિજ્ઞાન વિકસતું જશે, તેમતેમ આજની પદ્ધતિનાં વિશાળકાય શહેરો ટકી નહીં શકે. વિજ્ઞાનની જ એ માંગ રહેશે કે વસ્તી ગીચોગીચ ન વસે. આજે વિજ્ઞાને મૂડીવાદ સાથે સહયોગ કર્યો છે તેથી અતિકેન્દ્રિત વ્યવસ્થા બની છે. પરંતુ આવતીકાલ તેનાથી ભિન્ન એવી વિકેન્દ્રિત જીવનની માંગ ઊભી થશે તો વિજ્ઞાન એ દિશામાં કામે લાગશે.
વેદમાં ઇન્દ્રને માટે પુરંદર શબ્દ આવે છે. પુરંદર એટલે શહેરોને તોડનારો…. ઘણાં નગરો અનાર્યો દ્વારા બીજાને લૂંટવા, તેમનું શોષણ કરવા અને ભોગ ભોગવવા બનાવેલાં. તેવાં 100 નગરો તોડ્યાં. તેથી ઇન્દ્રને પુરંદર કહ્યા.
વેદમાં બે વાતો સાથોસાથ કહી છે. એક તરફ કહ્યું, ગામડાંને પુષ્ટ કરો. બીજી તરફથી નગરોનું વિદારણ કરવા કહ્યું. અને કહ્યું, મારા ગામમાં પરિપુષ્ટ વિશ્વનું દર્શન થાય.
આજે પણ આ બંને કામો કરવાનાં છે.
(સંકલિત) વિનોબા