દેશના યુવાઓને વિનોબાએ લખેલો પત્ર
ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ ત્યારથી શાળાઓમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે, તે અમે પણ ભણ્યા હતા. મારું મન કહ્યા કરતું હતું, કે આ અંગ્રેજો ભણાવે છે તે ઇતિહાસ ક્યાં સુધી ભણતા રહીશું ? આપણે પોતે કોઈ ઇતિહાસ રચીશું કે નહીં ? જો કે ‘ભારત છોડો’ આંદોલન – 1940થી 1945 દરમિયાન – દ્વારા આપણે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે.
નેતાવિહોણા લોકોનું ઉત્સાહવર્ધક આંદોલન
આનું શ્રેય આમજનતાને, ખાસ કરીને વિદ્યાર્થીઓના ફાળે જાય છે. એ વખતે સરકારે મોટા ભાગના નેતાઓને જેલોમાં પૂરી દીધા હતા. એ કારણે જનતાને પોતાની સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરવાનો મોકો મળી ગયો હતો. આ પણ ઈશ્ર્વરની એક કૃપા જ હતી. આ સ્વતંત્ર રીતે ચાલવામાં કેટલાક લોકોએ કાંઈક ભૂલો પણ કરી હતી. જો કે ભૂલો કરવાનો અધિકાર એ પણ સ્વરાજનો જ એક અર્થ છે. કેટલાક લોકો એ ભૂલો અંગે ખેદ પણ વ્યક્ત કરતા રહ્યા. જો કે એ કોઈ મોટું કારણ નહોતું. આગળ યુદ્ધ અધિક સારી રીતે લડીશું; વધારે ભૂલો કર્યા વિના લડીશું. પાછલાં ત્રણ વર્ષમાં નેતાઓનું માર્ગદર્શન નહોતું, તેમ છતાં લોકોએ જે કાંઈ પણ કર્યું તેનો સમગ્ર દૃષ્ટિથી વિચાર કરીએ તો એ આનંદપ્રદ અને પ્રશંસનીય છે. વિશાળ ગંગા નદીમાં કોઈક નાનું નાળું આવીને ભળી જાય તો એથી કાંઈ પાવનગંગા અપવિત્ર બની જતી નથી. આવડા મોટા આંદોલન દરમિયાન, વિશાળ ભારતભરના લોકોએ આંદોલન ચલાવ્યું, એક પ્રચંડ સત્તા સાથે ટક્કર ભીડી, એ આવતી પેઢીઓ માટે પણ ઉત્સાહવર્ધક બીના છે – ભલે ક્યાંક કંઈક ભૂલો થઈ હોય તો પણ.
આ આંદોલન ભારતની બહુ મોટી કમાણી
સરકારે દમન કરવામાં કોઈ કસર રાખી નહોતી. જો કે બિચારી સરકારને પણ શો દોષ દઈએ ? આપણે જોઈએ છીએ કે ગભરાયેલો માણસ બધી મર્યાદાઓનું ઉલ્લંઘન કરતો રહે છે. જોકે સરકાર ધૈર્યવાન હોત તો, એણે જે આચરણ કર્યું, એનાથી જુદી રીતે વર્તી હોત. પરંતુ ડરી ગયેલી સરકાર પાસેથી આનાથી જુદી રીતના વર્તાવની અપેક્ષા જ શી રીતે રાખી શકાય ? તેથી હું સરકારને દોષ દેતો નથી. પરંતુ આટલું બધું દમન સહન કરવા છતાં જનતામાં એટલો બધો ગભરાટ દેખાતો નથી. માટે હું માનું છું કે પાછલાં ત્રણ વર્ષ દરમિયાન હિંદુસ્તાને મોટી કમાણી કરી છે.
આ આંદોલને દેશનું આરોગ્ય સુધાર્યું
ડોક્ટર દર્દીને શીશીમાં દવા આપે છે. એ શીશીમાં ઉપર પાણી તરી આવે છે. દવા નીચે બેસતી હોય છે. એટલે દવા લેતી વખતે શીશીને બરાબર હલાવવી પડે છે. હલાવવાથી દવા એકાકાર થઈ જાય છે. સમાજની સ્થિતિ પણ આવી જ છે. વચ્ચે વચ્ચે સમાજને પણ હલાવતા ના રહીએ તો ઉપર પાણી તરી આવે છે. એથી સમાજની શક્તિ ઘટી જાય છે. આ આંદોલને સમાજને સારી પેઠે હલાવ્યો, એથી દેશનું આરોગ્ય સુધર્યું પણ ખરું.
તમને આ પણ વાંચવું ગમશે
આ આંદોલનથી દેશમાં નિર્ભયતા વધી
પહેલાં દેશની જનતામાં જે સ્વમાન દેખાતું નહોતું, ક્રાંતિ દેખાતી નહોતી, એ હવે દેખાય છે. પહેલાં કરતાં વિદ્યાર્થીઓમાં નિર્ભયતા અને સ્વમાનની ભાવના વધી છે. સર્વગુણોમાં નિર્ભયતાનો ગુણ મહત્ત્વનો છે. નિર્ભયતા આવી જાય તો બીજા કોઈ હથિયારની જરૂર ના રહે. અને નિર્ભયતા વગર બીજાં બધાં હથિયાર બેકાર છે. આ આંદોલને નિર્ભયતાનું નિર્માણ કર્યું એ મહત્ત્વની વાત છે. ત્રીજી બાબત એ છે કે છેવાડાનાં ગામડાંનો સમાજ, જે બીજી રીતે જાગૃત થાત કે કેમ, તે પણ હવે જાગી ગયો છે. આ ત્રણ બાબતનો જો એકસાથે વિચાર કરીશું તો આ ત્રણ વર્ષની ઘટનાઓનો ઇતિહાસ ઉત્સાહવર્ધક છે.
હું જેલમાં હતો ત્યારે વિચારતો હતો કે અમે જેલમાંથી બહાર નીકળીશું ત્યારે અમારી હાલત કેવી થશે ? પરંતુ સમય વીતતો ગયો તેમ જોવા મળ્યું કે જેલમાંથી છૂટીને આવેલા લોકો મજબૂત બનીને આવ્યા છે. જેલમાંથી છૂટેલા લોકો ઢીલા બનીને આવ્યા હોત તો સરકારે ભારે વિજય હાંસલ કર્યો છે એમ હું માનત. પરંતુ એવું થયું નથી, ઊલટું બન્યું છે. સરકારે અમને જુદી જુદી જેલોમાં રાખ્યા હતા. પરંતુ બધે અમારી વિચાર-શિબિરો ચાલી. જેલો સમૂહમાં વિચારો સમજવાની જાણે સંસ્થાઓ ખડી થઈ ગઈ. જેલોમાં વ્યાખ્યાનોનો મોટો મોકો મળ્યો, અધ્યયનની સારી તક મળી. એની સાથે સાથે સંગઠન ખડું થતું ગયું. ત્રણ વર્ષ પહેલાં આપણે સરકારને જેટલા ભારે પડતા હતા, એથી દસ ગણા ભારે હવે બની ગયા છીએ. આ પરિણામ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આ બધી આ આંદોલનની નિષ્પત્તિ છે. માટે આજનો દિવસ મને આનંદદાયી લાગે છે.
રામરાજ્ય જવાબદાર છે
રામાયણમાં એક કથન છે. રામરાજ્યમાં કોઈક નાગરિકનો દીકરો નાની ઉંમરમાં મરી ગયો. એ મરેલા દીકરાના શબને લઈને એનો પિતા રામના દરબારમાં ગયો. રામની સામે શબ મૂકીને બોલ્યો કે આના મરણનું પાપ તમારા માથે છે. રામે એનું શું કર્યું, એ અહીં કહીશ નહીં. પરંતુ મારે એ કહેવું છે કે આપણા ભોળા લોકોનો એ ખ્યાલ છે કે આવાં અકાળ મૃત્યુ માટે રાજ્યસત્તા દોષી છે, રાજ્યસત્તા જવાબદાર છે. અને આજે તો આપણી આંખો સામે લાખો લોકોને ભૂખે મરતાં જોઈએ છીએ.
આપણા ભલા-ભોળા લોકોની વાત એક બાજુ રાખો. પરંતુ આ બાબતમાં આપણા રાજનીતિના પંડિતોનું શું કહેવાનું છે, એ હું જાણવા માગું છું. આમ લોકો ભૂખે મરે તો એની જવાબદારી રાજ્યસત્તાની છે કે નહીં, એ રાજનીતિના પંડિતોને પૂછું છું. રાજનીતિનાં તત્ત્વોના આધાર પર એમનો શો જવાબ છે ? જો તેઓ ‘હા’ કહેતા હોય તો પછી એમને પૂછીશ કે અમે ‘ક્વિટ-ઇંડિયા’ના મંત્રની ઘોષણા કરી એમાં શી ભૂલ કરી હતી ? ક્યાં ભૂલ હતી ? આ મંત્રની આવશ્યકતા નહોતી એ બાબત આ ત્રણ વર્ષ દરમ્યાન પણ એમણે સાબિત કરી બતાવી હોત તો પણ અમે સ્વીકારી લેત કે આ મંત્ર બોલવાની જરૂર નહોતી. હવે તો આ મંત્રનું તત્ત્વ કઈ રીતે પૂર્ણ કરવું એનો જ સારી પેઠે વિચાર કરવો જોઈએ.
મોટી ફળશ્રુતિ : નવા નવા કાર્યકર્તા મળ્યા
નદીઓમાં પૂર આવે છે પછી ખૂબ બધો અમૂલ્ય કાંપ કિનારા પર જામી જાય છે. પૂર તો ઓસરી જાય છે, પણ આ જામી ગયેલો કાંપ કીમતી હોય છે. એનાથી પાક સારો ઊતરે છે. ગંગા-જમના એ બે નદી વચ્ચેની જમીન ખૂબ ઉપજાઉ છે. એનું કારણ આ છે. આ ફળદ્રુપ કાંપની માટી વેડફી નાખવી એ દુર્ભાગ્યનું લક્ષણ છે. એનો ઉપયોગ કરવાથી દેશનું નવનિર્માણ થાય છે, રાષ્ટ્ર લક્ષ્મીવાન બને છે. એ રીતે આ આંદોલન દરમિયાન લોકજાગૃતિનું જબરદસ્ત પૂર આવ્યું હતું. એનાથી ખાસ્સી ઉપજાઉ માટી આવીને એકઠી થઈ છે. આ આંદોલનથી કેટલાંયે નવાં નવાં કાર્યકર્તા આવ્યાં. પહેલાં દેશ એમને પહેચાનતો નહોતો. એમને પ્રકટ થવાનો આવો મોકો પહેલાં આવ્યો નહોતો. આ દેશને નવાં કાર્યકર્તા આ આંદોલને આપ્યાં એને હું આ આંદોલનની સૌથી મોટી ફળશ્રુતિ સમજું છું.
કાર્યકર્તાઓની આ નવી ફસલ મળી છે. એમનું સારું સંગઠન કરવું જોઈએ. એમની કતૃત્વશક્તિનો વિકાસ કરવો જોઈએ. ઉત્સાહના જોશમાં ક્ષણિક ત્યાગ કરવો સહેલો હોય છે. ઉત્સાહની એ પૂંજીનો ઉપયોગ કરીને એની વૃદ્ધિ કરવાનું કામ કઠિન છે. હવે એ કામ કરવાનો વખત આવી ગયો છે. માટે મારે આપને કહેવાનું છે કે જે ઉત્સાહથી તમે આ ઓગસ્ટ ક્રાંતિની લડતમાં ભાગ લીધો હતો, એવા જ ઉત્સાહથી હવે રચનાત્મક કામોમાં લાગી જશો.
કહેવાનો મુદ્દો છે : હૃદયમાં ધગધગતો અગ્નિકુંડ અને માથા પર હિમાલયનો શીતળ બરફ રાખીને આ કામમાં લાગી જશો અને એની તપસ્યા કરતા રહેશો તો આ આંદોલનનો પૂરેપૂરો લાભ મળ્યો એમ મનાશે. ઈશ્ર્વરની કૃપાથી ભારત કૃતકૃત્ય થશે એમાં મને જરાય સંદેહ નથી.
પાછલાં આંદોલનોમાં જે હુતાત્માઓએ બલિદાન આપ્યાં છે એમને શ્રદ્ધાંજલિ આપવાનું આપણું કર્તવ્ય છે, એ કર્તવ્ય આપણે બજાવીએ.
– વિનોબા (દેશના યુવાધનને વિનોબાએ લખેલા હિંદી પત્રનો અનુવાદ : અમૃત મોદી)