આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે ગાંધીજીની હત્યા બાદ સેવાગ્રામમાં 11 થી 15 માર્ચ 1948માં મળેલ સંમેલન અંગેની વિગતો નોંધી હતી. દેશભરમાંથી આવેલા 500 જેટલા કાર્યકરોને વિનોબાજીએ માર્ગદર્શન આપ્યું હતું. સામૂહિક સ્તરે વિચારમંથન પણ સારા એવા પ્રમાણમાં થયું હતું.
સંમેલનમાં સુચેતા કૃપાલાનીએ રજૂ કરેલાં મંતવ્ય પર ધ્યાન આપીએ –
ભારત-પાક્સ્તિાનના ભાગલા પડ્યા પછી ભારતમાં આવેલા શરણાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવવો તે સ્વરાજ્ય પછીનું સૌથી પહેલું મુખ્ય કામ છે. શરણાર્થીઓનું લોહી ઊકળી રહ્યું છે. તેઓ બદલો લેવા માટે ઊકળી ઊઠ્યા છે. શરણાર્થીઓ ગાંધીજીને અને નેતાઓને ગાળો દે છે. આપણે શરણાર્થીઓને માટે ઘરોની વ્યવસ્થા ન કરી શકીએ તો દેશમાં શાંતિ સ્થાપવાનો પ્રશ્ર્ન ઉકેલી ન શકાય.
આ ઉપરાંત સુચેતાજી કહે છે – અશાંતિનું ખરું કારણ રાજનૈતિક છે. વાતાવરણમાં બળજબરીથી ઝેર ફેલાવવામાં આવ્યું છે. આ જ ઝેરને કારણે બાપુજીની હત્યા થઈ. સરકાર આ ઝેરને હઠાવે પણ કેવી રીતે ? સરકારી નોકરીઓમાં આર.એસ.એસ.ના માણસો છે. આર.એસ.એસ.ના સામાન્ય કાર્યકરોને જેલમાં મોકલવામાં આવ્યા છે, પણ એમના ઘણાખરા મુખ્ય માણસો સરકારી નોકરીઓમાં બેઠા છે. સરદાર પટેલે પોતે કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીમાં કહ્યું કે, આર.એસ.એસ.વાળા સરકારી નોકરીઓમાં પણ ઘૂસી ગયા છે.
આપણે મજબૂત શાંતિસેના ઊભી કરીએ. શાંતિનું કામ અને શરણાર્થીઓનું કામ સાથે સાથે ચાલવું જોઈએ. શાંતિપ્રચારનું કામ સામાન્ય સ્વયંસેવક નહીં કરી શકે. આર.એસ.એસ. સર્જિત સમસ્યાનો મુકાબલો કરવા વિનોબાજી જેવી કોઈ મહાન વ્યક્તિ મળે, તો આ કામમાં જાન આવી શકે છે.
સંમેલનમાં જવાહરલાલજીએ પણ કહ્યું હતું, આપણી સામે મોટી સંખ્યામાં આવેલા શરણાર્થીઓનો પ્રશ્ર્ન તેમજ કોમી હુલ્લડોનો પ્રશ્ર્ન છે તેમજ આંતરબાહ્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લશ્કરની વ્યવસ્થા પણ કરવાની છે.
વિનોબાજીએ સંમેલનમાં કહ્યું હતું, આપણે જવાહરલાજીની મુશ્કેલીઓ સમજવાની છે. આપણે તે દૂર કરવા સહયોગ આપવાનો છે. સરકાર સાથે હળીમળીને કામ કરવાનું છે. સેવાગ્રામ સંમેલન પછી જવાહરલાલજી વિનોબાજીને શરણાર્થીઓના પુનવર્સન માટે તેમજ શાંતિ સ્થાપવા માટે આમંત્રણ આપે છે અને 30 માર્ચ 1948માં વિનોબાજી દિલ્હી પહોંચે છે. વિનોબાજીએ ત્યાં કરેલાં કામો તરફ નજર નાંખીએ તે પહેલાં ભાગલા અંગે થોડી ભૂમિકા અને ભાગલાએ સર્જેલી સ્થિતિને સમજીશું.
હિંદના ભાગલા : એક લોહિયાળ ઘટના થાય છે – જિગરમાં જખમો
કેટલાક લોકોનાં મનમાં એક ગેરસમજ છે, ગાંધીજીએ જ દેશના ભાગલાને મંજૂરી આપી. કેટલાક એમ પણ કહે છે, ગાંધીજીએ ભાગલા રોકવા આમરણ ઉપવાસ કેમ ન કર્યા ?
ગાંધીજી 15 ઑગસ્ટ 1947ના રોજ કલકત્તામાં હતા. નારાયણ દેસાઈ લખે છે – “સ્વાતંત્ર્ય દિને ગાંધીજીએ ઉપવાસ કર્યો. એમની આંખો અંદર ભણી વળી હતી. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિને ટાણે ઉત્તર ભારતના ખાસા મોટા હિસ્સાને હિંસામાં ચકચૂર થયેલો જોઈને ગાંધીજી ખિન્ન હતા. હિંસાનું તાંડવનૃત્ય ચાલતું જોઈ ગાંધીજીના જિગરમાં જખમો થતા હતા. લાખો માસૂમોની કતલ જોઈને ગાંધીજી વલોવાતા હતા. દિલ્હી, અમૃતસર, લાહોર, કરાંચીમાં થતી કત્લેઆમથી જાણે ગાંધીજીના હૃદયમાંથી રક્ત ટપકતું હતું.
શ્રી નારાયણભાઈ દેસાઈએ તેમના જીવનના અંતિમકાળમાં પુસ્તક લખ્યું, ‘જિગરના ચીરા – હિંદના ભાગલા અને ગાંધીજી’ (યજ્ઞ પ્રકાશન). આશિષ નંદી લખે છે – આ પુસ્તક ગાંધીપુરાણના અંતિમ પર્વના એક ભાગ તરીકે લખાયું છે. એનો હેતુ સીમિત છે. તે કાળનાં તમામ મુખ્ય પાત્રોની છાની સમજૂતી થકી નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગાંધીજીને કેવી રીતે અપ્રસ્તુત બનાવી દીધા હતા, તેના સાક્ષી બનીને નારાયણ દેસાઈ વાત કરે છે; પણ તેમ કરતાં એ વાત ગાંધીજીના રાજનૈતિક જીવનની પણ વાર્તા બની રહે છે. અને રખે એ સમજવામાં ચૂક થાય કે એ વાર્તામાં ભવ્ય શોકાંતિકાનાં બધાં તત્ત્વો સમાયેલાં છે. ગાંધીજીને કાળજીપૂર્વક એકલા પાડી અને યુક્તિપૂર્વક ઉપેક્ષિત રાખી, નિર્ણય કરવાની પ્રક્રિયામાંથી એમને ખરેખર બહાર રાખવામાં આવ્યા હતા. એમના સૌથી નજીકના અનુયાયીઓ – જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલે પણ ભગ્ન-હૃદયી ગાંધીને દુ:સ્વપ્નોના ઓથારમાં ભટકતા અને નવી અનુભવેલી મનો-શારીરિક વ્યાધિમાં ઘેરાઈને એકલા-અટૂલા મરવા દીધા હતા.
ધીરૂભાઈ ઠાકર પુસ્તકમાં નોંધે છે- ‘ભલે પડ્યા ભૂમિના ભાગલા, હૈયાંના ભાગલા ન પડવા દેશો.’ ગાંધીના આવા આર્તનાદ છતાં ભાગલા રક્તરંજિત થયા વગરના રહ્યા નહિ. ગાંધીનાં કંઈ કેટલાંયે સ્વપ્નો દેશના ભાગલાએ રોળી નાખ્યાં. ‘મારા શરીરના ટુકડા થશે પણ હિંદના ટુકડા નહીં થવા દઉં’ -આવા મતલબનું કહેનાર ગાંધી લાચાર બને છે. ગાંધીજીએ માઉન્ટ બેટનને ચેતવ્યા હતા કે વસ્તીની ફેરબદલી કરશો તો લોહીની નદીઓ વહેશે. ગાંધીજીની આગાહી કમનસીબે સાચી પડી.
દ્વિરાષ્ટ્ર : કોની ધૂન ?
નારાયણભાઈ દેસાઈ લખે છે : સૈદ્ધાંતિક દૃષ્ટિએ કહેવાય છે કે, દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતે દેશનું વિભાજન કરાવ્યું. તે સિદ્ધાંતનું પ્રતિપાદન મુસ્લિમ લીગે 1940ની લાહોરની તેની કાઉન્સિલની બેઠકમાં કયુર્ં હતું. પરંતુ અગાઉ એ જ વિચારની પુષ્ટિ 1923માં શ્રી સાવરકરે ‘હિન્દુત્વ’ નામના પોતાના ગ્રંથમાં કરી હતી. અને પાછળથી હિન્દુમહાસભાના પ્રમુખ તરીકે એકથી વધારે વાર જાહેરમાં તેમણે એ સિદ્ધાંતનું અનુમોદન કર્યું હતું. આ બે ઘટનાઓ કરતાં ત્રીજી એક ઘટના ઓછી જાણીતી છે તે એ કે, લાહોરની લીગની કાઉન્સિલના ઠરાવનો ખરડો, વાઈસરોય લોર્ડ લિનલિથગોના આદેશથી તેમની કાઉન્સિલના એક મેમ્બરે ઘડી મોકલ્યો હતો. 1947માં ભાગલા અંગે પાકો નિર્ણય થઈ ગયા પછી પણ ગાંધીજીએ એ નિર્ણયનો અમલ કરતી વખતે અંગ્રેજોની હાજરી ન હોય અને દેશના આગેવાનો જ આપસમાં સમજી લે એવો આગ્રહ કર્યો હતો. પણ કોંગ્રેસ આગેવાનો સહિત સૌએ તેને અવ્યવહારુ માન્યો હતો.
નારાયણભાઈ એક અતિ મહત્ત્વની વાત પુસ્તકમાં નોંધે છે – “આપણા દેશમાં હિંદુઓ અને મુસલમાનોના સહવાસના સેંકડો વર્ષના ઇતિહાસમાં જેને કોમી હુલ્લડ કહેવાય છે તેવાં હુલ્લડો અંગ્રેજોના ભારતમાં આવ્યા પછી જ થયાં છે, તે પહેલાં નહીં. અથડામણો થતી, યુદ્ધો પણ થતાં, પણ તે આજે જેને કોમી હુલ્લડ તરીકે ઓળખવામાં આવે છે તેવાં નહીં. અંગ્રેજોએ ‘ભાગલા પાડીને રાજ કરો’ની નીતિ અપનાવી તે અંગે પુસ્તકમાં વિગતે વાત કરી છે. રસ ધરાવતા મિત્રો ‘જિગરના ચીરા’ – નારાયણ દેસાઈ, પૃષ્ઠ 212, મૂલ્ય રૂ. 120. યજ્ઞ પ્રકાશન, વડોદરા-1. ફોન : 0265-2437957 પર સંપર્ક કરી પુસ્તક મેળવી શકે છે.
વણઝાર – શરણાર્થીઓની
ભાગલા પાડવાથી જે દારૂણ ચિત્ર સર્જાયું હતું તેમાં કેટલા લોકોનું લોહી રેડાયું તેમજ કેટલા લોકોની એક દેશમાંથી બીજા દેશમાં આવન-જાવન થઈ, તેના સ્પષ્ટ આંકડા ઉપલબ્ધ નથી. શ્રી નારાયણભાઈ ‘મારું જીવન એ જ મારી વાણી’ – ચતુર્થ ખંડમાં નોંધે છે –
“27મી ઓગસ્ટ 1947થી છઠ્ઠી નવેમ્બર 1947 વચ્ચે 27 લાખ, 99 હજાર નિરાશ્રિતોને હિંદમાં લાવવા અને સરહદની પેલી બાજુ લઈ જવા 973 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી અને 42 લાખ, 27 હજાર હિંદુ તથા શીખોનું અને 2 લાખ, 17 હજાર મુસ્લિમોનું સ્થળાંતર મોટર-લારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેને માટે લશ્કરી અને મુલ્કી વાહનોનો ઉપયોગ થયો હતો. 15મી સપ્ટેમ્બર અને 7મી ડિસેમ્બર 1947 વચ્ચે 27 હજાર નિરાશ્રિતોને 962 ઉડ્ડયનો મારફત હવાઈ માર્ગે હિંદ લાવવામાં આવ્યા હતા.
મૃત્યુઆંક 2 લાખથી 20 લાખ સુધીનો માનવામાં આવે છે. કુલ વિસ્થાપિતોની સંખ્યા 1 કરોડ 40 લાખની માનવામાં આવે છે. બળાત્કાર અને અપહરણના 1 લાખ કેસો બન્યા હશે. ભારત પાકિસ્તાન વચ્ચે 1700 કિ.મી.ની લાંબી સરહદ છે. પહેલાં તો ભલભલાએ એમ માન્યું હતું કે સરહદની આસપાસ બંને બાજુએ દસવીસ માઈલના લોકોને કદાચ સ્થળાંતર કરવાનું હશે પણ જ્યારે અમૃતસર મુસલમાનોથી અને લાહોર હિંદુઓથી ખાલી થવા માંડ્યું, ત્યારે વહીવટકર્તાઓને થોડો અંદાજ આવ્યો કે વસ્તીની ફેરબદલી એટલે સો-બસો લોકોની નહીં, પણ લાખો લોકોની એક ઠેકાણેથી સેંકડો માઈલ દૂર સુધીની ફેરબદલી હતી. પોતપોતાની પાસે જે કંઈ ઘરવખરી, નગદ નાણાં કે ઘરેણાં હતાં તે લઈને પોતાનાં કપડાંમાં, કે અંગ પર, કે જોડાના તળિયામાં છુપાવીને તેમણે ચાલવા માંડ્યું.
કોઈ કોઈ ઠેકાણે તો બંને બાજુ સામસામી દિશામાં જતાં ગાડાં, ગધેડાં, ઊંટ, ટટ્ટુઓ, સાઈકલો અને સૌથી વધારે તો પગપાળા હિજરત કરનારાઓની પચાસથી સાઠ માઈલ લાંબી લંગાર લાગી ગઈ હતી. કોઈ વાર એ લંગાર પર આસપાસનાં ગામડાંના લોકો ભાલા, બરછી, છરા કે લાઠીઓ વડે હુમલો કરતા. ક્યારેક સામસામે આવતી લંગારો પણ પાસપાસે આવી જતી તો એકબીજા પર તૂટી પડતી. સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવતી, જુવાન છોકરીઓને ઉપાડી જઈને બળજબરીથી એમનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. ક્યાંક બળજબરીથી એમને વેચવામાં આવી હતી અથવા જાહેરમાં એમની લહાણી કરવામાં આવી હતી. કેટલાંક ગામોમાં સ્ત્રીઓએ એકસાથે કૂવામાં પડી સામૂહિક આત્મહત્યા કરી હતી. કેટલાંક સ્થળોએ મોટા પ્રમાણમાં ધર્માંતરો કરાવવામાં આવ્યાં હતાં.
તમને આ પણ વાંચવું ગમશે
દિલ્હી શહેર કબરસ્તાન જેવું દેખાતું હતું – ગાંધીજી
દેશની રાજધાની દિલ્હી શરણાર્થીઓ માટે છેલ્લો આશ્રય હતો. દિલ્હી આખી જ જાણે નિરાશ્રિત છાવણી બની ગઈ હતી. વસ્તીમાં ચાર લાખનો વધારો થયો હતો. કેટલાક પોતાના સંબંધીઓના ઘરે ગયા. ધરમશાળાઓ ઊભરાઈ ગઈ. મસ્જિદો અને મજારોમાં નિરાશ્રિતોએ અડ્ડો જમાવ્યો. સલામતી માટે કેટલાક મુસ્લિમ પરિવારો મસ્જિદ કે મદ્રેસાઓમાં ભેગા થયા હતા. ત્યાં નિરાશ્રિતોએ બળજબરીથી કબજો લેવા પ્રયત્ન કર્યો ત્યારે તેમાંથી હુલ્લડો ફાટી નીકળ્યાં. પોલીસ કાં અસહાય હતી, કાં ઈરાદાપૂર્વક ઊભી ઊભી તમાશો જોતી હતી અને કેટલાક પ્રસંગોએ તો એ પણ લૂટફાટમાં સક્રિય રીતે ભળતી હતી. સમાજદ્રોહી તત્ત્વો બહાર નીકળી પડ્યાં હતાં.
નિરાશ્રિત પોતાની સાથે સૌથી ભયંકર કોઈ વસ્તુ લાવ્યા હોય તો તે પોતાની વિતકકથાની દાસ્તાન હતી. વરસોથી એકબીજાને ઓળખતા અને ખભેખભો મેળવીને કામ કરતા લોકોએ એકબીજાને માર્યા હતા. ધાવણાં બાળકોને માતાની કૂખમાંથી છીનવી લઈ માતાની આંખ સામે એનાં માથાં જુદાં કરીને ભાલા પર રાખી સરઘસો કાઢવામાં આવ્યાં હતાં. ભારતથી પાકિસ્તાન તરફ જતી ટ્રેનોના મુસ્લિમ પેસેન્જરોની અમૃતર સ્ટેશન પર ને પાકિસ્તાનથી ભારત આવતી ટ્રેનોના હિંદુ પેસેન્જરોની લાહોર કે તે પહેલાંનાં સ્ટેશનો પર વીણી વીણીને કતલ કરવામાં આવી હતી. ભયાનક હકીકતોની આટલી સામગ્રી ક્રોધ, વેર, ભય અને વિદ્વેષના વાવાઝોડાએ ચડી, અનેક પ્રકારની ભીષણ અફવાઓનું સ્વરૂપ ધારણ કરતી હતી.
1947ના સપ્ટેમ્બર માસની 9મીએ ગાંધીજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે તેમને સ્ટેશને લેવા આવેલા ઘણાબધા પરિચિત ચહેરા પર વિષાદની છાયા જોવા મળી. સરદારનો ચહેરો ગંભીર હતો. બીજાં સૌ પણ જાણે સ્મશાને જતા ડાઘુઓ ન હોય, એવાં લાગતા હતાં. છેલ્લા પાંચ દિવસથી રાજધાનીમાં કોમી હુલ્લડો ચાલતાં હતાં. આખું દિલ્હી જાણે સ્મશાન-ભૂમિ બની ગયું હતું. ચોવીસે કલાકનો કર્ફ્યૂ હોવા છતાં ઠેકઠેકાણે ખાનગી સ્થળોમાંથી છૂટાછવાયા ગોળીબારો થયા કરતા હતા. માપબંધીના અનાજની દુકાનો લૂંટવામાં આવી હતી. શહેરની લગભગ બધી મસ્જિદોનો નિરાશ્રિતોએ કબજો લઈ લીધો હતો. દુષ્ટોએ આખા શહેરમાં અરાજકતા ફેલાવી હતી. સ્વરાજ પહેલાં નોઆખલી કે બિહારમાં થઈ એના કરતાં ઘણી વધુ હિંસા સ્વરાજ મળ્યા પછી, ખાસ કરીને વિભાજિત દેશની સરહદો અંકાઈ ત્યાર પછી થઈ હતી.
ગાંધીજીનો અંતિમ કપરો કાળ
ગાંધીજીના જીવનમાં 9 સપ્ટેમ્બર 1947થી 30 જાન્યુઆરી 1948ના બલિદાન દિવસ સુધીના દિવસો ખૂબ જ કપરા હતા. ભાગલા પછી દેશની અને ખાસ રાજધાની દિલ્હીની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં હતી.
અંગ્રેજ સરકારે બીમાર ગાંધીને 6 મે 1944ના રોજ એટલા માટે જેલમુક્ત કર્યા કે તેઓ જેલમાં મૃત્યુ પામે તો વિશ્ર્વમાં અંગ્રેજોની છાપ ખરાબ થાય. પણ ગાંધીએ જેલમુક્તિ પછી દેશસેવામાં જીવનની બચેલી ક્ષણો પણ વાપરી નાંખી. નોઆખલી, કલકત્તા, બિહાર, કશ્મિરના સળગતા પ્રશ્ર્નો ઉકેલવા 77 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સક્રિય રહ્યા. દિલ્હીમાં કોમી હુલ્લડોને શાંત પાડવા દિલ્હી આવ્યા પછી બીજા જ દિવસથી ગાંધીજીએ શહેરના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફરવા માંડ્યું. તેમણે જોયું કે ઝાકરી હુસૈન સાહેબ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે પણ બચવું મુશ્કેલ થઈ ગયું હતું. શહેરમાંની તેમજ હિંદના જુદા જુદા ભાગોમાંની મોટા ભાગની હિંસા પાછળ આર.એસ.એસ.નો હાથ હતો, તેવી ઘણાની માન્યતા હતી. ગાંધીજીને મળવા આવેલા આર.એસ.એસ.ના વડા તેનો ઇન્કાર કરતા હતા. ગાંધીજીએ તેમને સલાહ આપી કે તમે જાહેર નિવેદન બહાર પાડીને તમારી ઉપરના આક્ષેપોનો ઇન્કાર કરો. શહેરમાં મુસલમાનોની થયેલી કતલ અને કનડગતોને વખોડી કાઢો. પણ તેમ કરવા તેઓ તૈયાર ન થયા.
ગાંધીજી શરણાર્થીઓની છાવણીઓની પણ મુલાકાત લે છે. અનેક ઠેકાણે ‘ગાંધી મુર્દાબાદ’થી શરૂ થયેલા દેખાવો ગાંધીના જય જયકારના નાદોમાં ફેરવાઈ જતા. ગાંધીજીના રોજના 18 થી 20 કલાક કાંઈક ને કાંઈક જાહેર પ્રવૃત્તિમાં જતા હતા. મોટા પાયે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે પ્રાર્થના પ્રવચનો રેકોર્ડ થઈને આકાશવાણી મારફત પ્રસારિત કરવામાં આવતાં હતાં. ઊભરાતા નિરાશ્રિતોેના પુનર્વાસના પ્રશ્ર્ન, ખાવાપીવાની સગવડ કરવી, આરોગ્યની સમસ્યા ઉપરાંત મોટી સમસ્યા માનસિક હતી. સદીઓ જૂનાં મૂળિયાંમાંથી જે ઊખડી ગયાં હતાં, જેમણે પોતાની નજર સામે પોતાનાં પ્રિયજનોની કતલ થતી જોઈ હતી, જેમની મા, પત્ની, બહેન કે દીકરીઓનાં અપહરણ થયાં હતાં તેમનાં મનને શાંત પાડવા ગાંધી રોજ રોજ નિરાશ્રિતોની શિબિરોમાં જતા હતા. પોતાનાં આંસુને અટકાવી બીજાંનાં આંસુ લૂછતા હતા. સ્વરાજ પછીની દેશની પરિસ્થિતિ વિશે ગાંધીજીના મનમાં ભારોભાર દુ:ખ હતું. મિત્રોને લખેલા પત્રોમાં તેમજ વાતોમાં તે પ્રગટ થયું છે.
- અંગ્રેજો સામેની લડત દરમ્યાન આપણને લાગતું હતું કે આકરી લડત છે, પણ આજે આપણી સામે જે લડત છે તેને મુકાબલે તો એ બચ્ચાના ખેલ જેવી હતી.
- દેશમાં આજે માણસ માણસથી ડરે છે. પાડોશી પાડોશીનો ભરોસો કરતો નથી. સ્વતંત્ર હિંદનું પાટનગર કબ્રસ્તાન જેવું ભાસે છે. અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવનાર દેશની શાંતિ હિંસાના રક્ષણ નીચે જ જાળવી શકાય એમ માનવામાં આવે છે, એ કેટલું વિચિત્ર છે !
- હું ભઠ્ઠીમાં પડ્યો છું. ફરતે બધે આગ ભડકે બળી રહી છે. માનવતાને આપણે પગ નીચે ચગદી રહ્યા છીએ.
- હું તો ચિતા પર બેઠો છું. સપાટીની નીચે અગ્નિ ધખી રહ્યો છે. કોઈ પણ પળે તે દાવાનળના રૂપમાં ફાટી નીકળવાનો સંભવ છે.
અહિંસાનો પૂજારી લોકોના આત્માને જગાડવા ઉપવાસ પર ઊતરે છે
કોમી હુલ્લડોને લીધે ગાંધીજી 13-1-1948 થી 17-1-1948 સુધી ઉપવાસ પર ઊતરે છે. આ એમના જીવનના છેલ્લા ઉપવાસ હતા. તેઓ પોતાને ‘ઉપવાસના કલાકાર’ તરીકે ઓળખાવતા હતા. આપણે ઉપવાસ દરમ્યાનની સમગ્ર ગતિવિધિને અહીં રજૂ નથી કરતા. રસ ધરાવનારે નારાયણ દેસાઈ લિખિત પુસ્તક ‘મારું જીવન એ જ મારી વાણી’ ચતુર્થ ખંડના પાન નં. 419 થી 435 ઉપર નજર નાંખવી રહી.
દિલ્હીના આગેવાનો અને નાગરિકો ગાંધીજીના ઉપવાસ કેમ છૂટે એની ફિકરમાં હતા. “ગાંધીજીને ખોવા તે હિંદના આત્માને ખોવા સમાન હતું. તેઓ દેશની આધ્યાત્મિક તાકાતની પ્રતિમા સમા હતા. એક પેગંબરની જેમ તેઓ પામી ગયા છે કે કોમી લડાઈ તત્કાળ અટકાવવામાં નહીં આવે તો સ્વતંત્રતાનો અંત આવશે. આ હતા જવાહરલાલજીના શબ્દો. ગાંધીજીને જ્યારે પૂછવામાં આવ્યું કે કેવું વાતાવરણ સજાર્ય તો આપ ઉપવાસ છોડો ? તેના જવાબમાં ગાંધીજી કેટલીક શરતો જણાવે છે, જેનો મુખ્ય ભાવ આ પ્રમાણે હતો.
- ખ્વાજા કુત્બુદ્દીનની મજાર મુસલમાનો માટે સુરક્ષિત હોવી જોઈએ. ત્યાંના ઉર્સ-મેળામાં મુસલમાનો ભળી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ.
- દિલ્હીની 117 મસ્જિદોનો અત્યારે હિંદુ અથવા શીખ શરણાર્થીઓએ કબજો લીધો છે, અથવા તેને મંદિરમાં ફેરવી નાખી છે, તે તમામ મુસલમાનોને પાછી મળવી જોઈએ. કોઈ જોખમ વગર મુસલમાન તેમાં ઈબાદત કરવા જઈ શકે.
- જે મુસલમાનો ત્રાસીને પાકિસ્તાન ગયા છે તેમનામાંથી કોઈ જો પાછા આવવા ઇચ્છતા હોય, અહીં વસવા ચાહતા હોય તો કોઈ હિંદુ કે શિખ તેમને ન રોકે.
- ટ્રેઈનોમાં મુસલમાન કોઈ પણ પ્રકારના ખતરા વિના હરી ફરી શકે. મુસલમાનની દુકાનોનો બહિષ્કાર ન કરવામાં આવે. કરોલબાગ, સબ્જીમંડી અને પહાડગંજમાં મુસલમાન સ્વતંત્રતાથી આવજા કરી શકે, એમના જાનને કોઈ ખતરો ન હોવો જોઈએ. તેમજ દિલ્હી શહેરના જે ભાગોમાં મુસલમાન રહે છે ત્યાં હિંદુ અને શીખોના વસવાટનો પ્રશ્ર્ન મુસલમાનોની રજામંદી પર છોડવામાં આવે.
સામાન્ય રીતે ઉપવાસ દરમ્યાન વ્યક્તિનું વજન ઘટે છે. આ ઉપવાસમાં ગાંધીજીનું વજન 108 પાઉન્ડમાંથી 111-112 પાઉન્ડ થયું, કારણ કે પેટમાં જેટલું પાણી જતું હતું તે પેશાબમાં નીકળી જતું ન હતું. દાક્તરોને ચિંતા થઈ. મૂત્રાશય કામ કરતું નથી. 17 જાન્યુઆરી 1948ના રોજ તબિયત બગડવા માંડી. કિડનીને સક્રિય કરવા બાહ્યોપચાર માટે પણ ગાંધીજીએ ના પાડી. તેમણે જણાવ્યું, એક માત્ર રામનામ જ મારો કુદરતી ઉપચાર છે. ઉપવાસના પાંચમા દિવસ પહેલાં સ્નાન પછી ગાંધીજી થોડીક ક્ષણો બેભાન પણ થઈ ગયા હતા.
18 જાન્યુઆરી 1948ના રોજ શહેરનાં સઘળાં મહત્ત્વનાં જૂથો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓએ એક પ્રતિજ્ઞા પત્ર પર સહી કરી, જેમાં લખવામાં આવ્યું હતું,
“અમે જાહેર કરીએ છીએ કે હિંદુઓ, મુસલમાનો, શીખો તથા બીજી કોમોના માણસો દિલ્હીમાં ફરીથી એક વાર ભાઈઓની જેમ અને પૂરેપૂરા મેળથી રહે, એ અમારી હૃદયપૂર્વકની ઇચ્છા છે. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે મુસલમાનોનાં જાન, માલ-મિલકત તથા ધર્મનું રક્ષણ કરીશું અને દિલ્હીમાં બનવા પામ્યા છે એવા બનાવો ફરીથી બનશે નહીં. 18 જાન્યુઆરી 1948ના દિવસે બપોરે ગાંધીએ ઉપવાસનાં પારણાં કર્યાં અને ઘેર પાછા ફર્યા. જવાહરલાલ ગુપ્ત રીતે 3 દિવસથી ઉપવાસ પર હતા. ગાંધીજીએ તેમને પણ ઘરે પહોંચ્યા પછી ચિઠ્ઠી લખી મોકલી – “ઉપવાસ છોડો…. બહુત વર્ષ જીઓ ઔર હિંદ કે જવાહર બને રહો…. બાપુ કે આશીર્વાદ. કલકત્તાના યુરોપિયન માલિકીના છાપા ‘ધ સ્ટેટ્સમેન’ના તંત્રી આર્થર મૂરે પણ ઉપવાસ રાખ્યા હતા. ગાંધીજીએ તેને પણ ઉપવાસ છોડવા જણાવ્યું.
દિલ્હીના બે લાખ લોકોએ શાંતિની પ્રતિજ્ઞા પર સહી કરી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
સફળતા માટે વિનોબા વિદ્યાર્થીઓને શું સલાહ આપે છે?
વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)
વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?
(ભૂમિપુત્રના આ જ અંકમાં પાન નં. 4 પર પ્રગટ કરેલ લેખ ‘અંતરનો અવાજ’ રસ ધરાવતા મિત્રો વાંચે તેવી આશા રાખવામાં આવે છે.)
આપણે જાણીએ છીએ કે ઉપવાસનાં પારણાંના 12 દિવસ પછી 30 જાન્યુઆરી, 1948ના દિવસે ગાંધી ગોળીનો શિકાર બની શહીદ થાય છે. વિનોબાજી ત્યારબાદ બે મહિના પછી પુનર્વસન અને શાંતિ સ્થાપવાના કામ માટે 30 માર્ચ 1948ના રોજ દિલ્હી પહોંચે છે. આપણે જોયું કે ગાંધી આખરી દમ તક કેવા ઝૂઝતા રહ્યા છે. તેઓ ઉપવાસ દરમ્યાન પ્રાર્થના પ્રવચનમાં કહે છે – “મારા બાળપણથી જ ‘હિંદુ મુસ્લિમ ઐક્ય’ એ મારા જીવનનો અનુપમ શોખ રહેલો છે, અને તે મારી જીવનઉષાની ઉત્કંઠા જીવન-સંધ્યામાં પૂર્ણ થશે તો એક નાના બાળકની માફક નાચીશ અને આનંદિત થઈશ. મારું આ સ્વપ્ન સિદ્ધ થયે જ આપણને સાચું સ્વરાજ પ્રાપ્ત થવાનું છે.
વિનોબાજી યથાશક્તિ સાચા સ્વરાજની પ્રાપ્તિ માટે બાપુની ગેરહાજરીમાં પગલાં ભરે છે. વિનોબાજી સાથે શ્રી ક્રિષ્નદાસ જાજૂ અને જાનકીદેવી બજાજ પણ દિલ્હી આવે છે. રાજઘાટ સમાધિ પાસેના એક સાદા આવાસમાં રહે છે.
‘હિંદુ રાષ્ટ્ર’ની વાત મગજમાંથી દૂર કરો : વિનોબા
દેશના ભાગલા પછી પણ ભારતમાં 4 કરોડ મુસ્લિમો ભારતમાં રહ્યા હતા. તેમણે ભારતને પોતાનો દેશ ગણ્યો હતો. કેટલાક લોકો એવું ઇચ્છતા હતા કે તેમનું સ્થાન હવે ભારતમાં ન હોવું જોઈએ. આ તો હવે હિંદુરાષ્ટ્ર છે, મુસ્લિમો માટે તો પાકિસ્તાન છે.
વિનોબાજીએ રાજઘાટ પર જાહેર જનતાને અપીલ કરી કે આપણે હવે મનની સમતુલા જાળવવાની છે. ભૂતકાળ ભૂલી જવાનો છે. આપણે ‘હિંદુ રાષ્ટ્ર’નું ગાણું ગાવાનું પણ બંધ કરવું પડશે. હિંદુ ધર્મ આપણને સાંકડા મનની દીવાલો તોડીને સર્વ-સ્વીકૃતિનો પાઠ ભણાવે છે. સાંકડું મન આપણને તો નુકસાન કરે જ છે, સાથે સાથે રાષ્ટ્રને પણ નુકસાન કરે છે. ધર્માચરણ એ વ્યક્તિગત બાબત છે, તે રાજકારણ ખેલવાનું સાધન નથી. આપણે સર્વ મત-મતાંતરો, વાદો, વિચારો, પંથોને માનભરી નજરે જોવાનાં છે. રાષ્ટ્રની એકતાને જાળવી રાખવા માટે આમ કરવું જરૂરી છે. દેશની આઝાદી આપણે અહિંસક આંદોલન દ્વારા શાંતિ પથ પર ચાલતાં પ્રાપ્ત કરી છે. આપણે હવે નફરત અને હિંસાને જરા સરખું પણ સ્થાન આપવું ન જોઈએ. લાંબા સંઘર્ષ બાદ મેળવેલી રાજકીય સ્વતંત્રતા ટકાવી રાખવા આમ કરવું જરૂરી છે.
વિનોબાજી ગાંધીજીની જેમ શરણાર્થી કેમ્પસ કાલકા, જૂનો કિલ્લો, બેલા રોડ, તીસ હજારી, તેમજ હરિજન કોલોની પાસે કિંગ્સવે વગેરે સ્થળોની મુલાકાત લે છે. વિનોબાજી રામેશ્ર્વરી નહેરૂના માર્ગદર્શન દ્વારા ચાલતી નઈ તાલીમની સંસ્થા (બેઝીક સ્કુલ)ની મુલાકાત પણ લે છે. આ શાળાનું સંચાલન ‘મનિસ્ટ્રી ઓફ રિલીફ અને રીહેબીલીટેશન’ દ્વારા કરવામાં આવતું હતું. વિનોબાજી સેન્ટ્રલ પીસ કમિટીની મિટિંગના કર્મચારીઓ સંબંધો છે તેમજ તેમને જરૂરી સૂચનાઓ આપે છે. લાખો શરણાર્થીઓને રાહત આપવાનું કામ જલદીમાં જલદી પતાવવાનું કહે છે. ખાસ કહે છે, હવે આપણે પાકિસ્તાન સરકારના વાંક, ગુનાઓ તરફ નજર નાંખવાનું છોડી દેવું પડશે. આપણે શું કરવાનું છે તે તરફ ધ્યાન આપવું જરૂરી છે.
વિનોબાજી 12 એપ્રિલ 1948ના રોજ દિલ્હી પાસેના ગામમાં આવેલ જામિયા મિલીયા ઇસ્લામિયાની મુલાકાત લે છે. આ સંસ્થાની સ્થાપના ડૉ. ઝાકીર હુસેન સાહેબે કરી હતી. પાસે આવેલા શરણાર્થી માટેની બેઝીક એજ્યુકેશન સ્કુલમાં પણ જાય છે. કોમી તોફાનોમાં બેથી ત્રણ લાખ રૂ.નાં પુસ્તકો સળગાવી નાંખવામાં આવ્યાં હતાં. ડૉ. ઝાકીર હુસેન બેઝીક એજ્યુકેશન – નઈ તાલીમ શિક્ષણ પ્રથાના હિમાયતી હતા. વિનોબાજીએ સ્કૂલના કર્મચારીઓને કહ્યું કે નઈ તાલીમના શિક્ષણનું કામ એક ‘મિશન’ માનીને કરવું જોઈએ.
શ્રમ કરનાર ભોજનનો અધિકારી છે, શ્રમ વગરનું ભોજન પાપ છે
વિનોબાજી 8 એપ્રિલ 1948ના રોજ કુરુક્ષેત્ર વિસ્તારમાં આવેલા શરણાર્થી કેમ્પમાં જાય છે. વિનોબાજી આ વિસ્તારનો ઇતિહાસ કહે છે. શ્રીકૃષ્ણ અર્જુનને અહીં જ ગીતાનો ઉપદેશ આપે છે. ગીતાના દર્શનની સમજ આપીને કર્મનું, શ્રમનું મહત્ત્વ સમજાવે છે.
શરૂઆતના સમયમાં રાહત છાવણીમાં સૌને સહજ ભોજન મળે તેવું અવશ્ય કરવું જોઈએ પરંતુ હવે સગવડોમાં સ્વાવલંબન સધાવું જોઈએ. આવી વાત કરવાનું વિનોબાજીને જ સૂઝે. વિનોબાજી કહે છે, રાહત છાવણીમાં સેંકડોની સંખ્યામાં પથ્થર-ઘંટીઓ આપવી જોઈએ. સૌએ પોતાનું અનાજ દળી લેવું જોઈએ. આ ઉપરાંત છાવણીઓમાં તેલની ઘાણીઓ ચાલુ કરવી જોઈએ. સ્વાવલંબી ધોરણે તેલનું ઉત્પાદન કરવું જોઈએ. આ ઉપરાંત કાંતણ-વણાટ દ્વારા વસ્ત્ર ઉત્પાદન કરવું જોઈએ. સ્વાવલંબનમાં સ્વમાન જળવાય છે.
વિનોબાજી આ વાત પૂર્વપંજાબમાં આવેલી રાહત છાવણીઓમાં પણ કરે છે. આ માટે સક્રિય જૂથોની રચના કરવી જોઈએ. સહયોગ દ્વારા નવસર્જન કરવું જોઈએ. ‘God Helped those who helped themselves’.
વિનોબાજીનો શરણાર્થીઓ માટેનો સેવાયજ્ઞ માત્ર દિલ્હી પૂરતો મર્યોદિત ન રહેતાં આજુબાજુનાં રાજ્યોમાં ચાલવા લાગ્યો. જવાહરલાલજી પણ જ્યાં કોમી રમખાણોનું વાતાવરણ સર્જાતું દેખાય ત્યાં વિનોબાજીને પહાેંંચી જવાનું સૂચન કરવા લાગ્યા. ભૂદાનયજ્ઞ પહેલાંનો આ કાળ હતો, જેમાં વિનોબાજી મોટેભાગે રેલવેમાં પ્રવાસ કરે છે. વર્ધાથી દિલ્હી, દિલ્હીથી પૂ.પંજાબ, 11 એપ્રિલ 1948 બીબી નૂરના ઉર્સમાં જાય છે. બિકાનેર જાય છે, અજમેર જાય છે. મધ્ય ભારતમાં આવેલા રાઉ ગામે સર્વોદય સમાજના પ્રથમ સંમેલનમાં હાજરી આપે છે. ત્યાંથી હૈદરાબાદ જાય છે. ઔરંગાબાદ, જાલના, નાંદેડ, વડોદરા જાય છે. ત્યારબાદ 13 એપ્રિલ 1949ના રોજ વેડછી આશ્રમમાં એક અઠવાડિયું રોકાઈને કેરાલા જાય છે. ત્યાંથી દિલ્હીમાં તાકિદની મિટિંગમાં હાજરી આપવા પાછા આવી જાય છે. જુલાઈના શરૂઆતના દિવસોમાં જાણીતા સિંધી કવિ શ્રી દુખાયલજીના આગ્રહને માન આપીને ઓગસ્ટ 28 થી 30 1949ના શરણાર્થી સિંધી કેમ્પની મુલાકાત લે છે. દુખાયલજી 12 વર્ષ ભૂદાનયાત્રામાં વિનોબાજીની
સાથે રહે છે. 31 ઓગસ્ટને રોજ મુંબઈમાં ઝીણા હોલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપે છે.
વિનોબાજી સતત પ્રવાસના કારણે થાકી ગયા હતા. આરોગ્ય પણ કથળ્યું હતું. 1 નવેમ્બરના રોજ મુંબઈમાં ડૉક્ટરોએ ડિઓડિનલ અલ્સરની બીમારીનું નિદાન કર્યું.
વિનોબાજીએ આ સમગ્ર યાત્રામાં પોતાના કામનો અભિગમ સ્પષ્ટ કરી લીધો હતો. આપણે શરણાર્થીઓનાં દુ:ખદર્દોને દૂર કરવાનાં જ છે. પરંતુ દેશમાં નફરત અને કડવાશનું વાતાવરણ છે, તેના સ્થાને શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ પણ સર્જવાનું છે. લોકો એકબીજાને પ્રેમ કરતા થાય તેવો માહોલ રચવો જોઈએ. સરકાર આ કામ નહીં કરી શકે. માત્ર જાગૃત નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જ આ કામ કરી શકશે.
વિનોબાજી પ્રાર્થના પ્રવચનોમાં, ઉર્સમાં, મસ્જિદમાં, ગુરુદ્વારાઓમાં જ્યાં જ્યાં લોકસંપર્કનો અવસર મળતો ત્યાં ત્યાં વિવિધ ધર્મોમાંના ચિંતનમાં પાયાની સમાનતા રહી છે તે અંગે સમજ આપતા હતા. દરેક ધર્મ સેવા અને સ્વાર્પણની વાત કરે છે. કોઈનું પણ નુકસાન ન થાય તેની કાળજી રાખવાનું કહે છે. સંગીતની મઝા બધા સ્વરોની સંવાદિતામાં રહેલી હોય છે. હિંદુ, મુસ્લિમ, ઇસાઇ ધર્મમાં આરાધનાના વિવિધ માર્ગો છે, જે આખરે તો એ ઈશ્ર્વરની જ આરાધના કરે છે, જે સત્ય સ્વરૂપે છે, પ્રેમ સ્વરૂપે છે અને કરુણા સ્વરૂપે છે. જેમ સમુદ્રમાં વિવિધ નદીઓનાં જળ આવીને મળે છે તેમ ભારતમાં વિવિધ ધર્મો આવ્યા અને ફૂલ્યા-ફાલ્યા. ભલે દેશના ભાગલા પડ્યા પણ આપણી ગંગા-જમની સંસ્કૃતિ ચાલુ રહેવાની છે. એક સ્થળે વિનોબાજી કહે છે, મેં જેટલા રસથી હિંદુ-શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તેટલા જ રસથી કુરાનનો પણ અભ્યાસ 9 વર્ષ સુધી કર્યો છે. મેં પહેલાં કુરાનનો અંગ્રેજીમાં અનુવાદ વાંચ્યો પણ મને સંતોષ ન થયો. મેં અરબી ભાષાનો અભ્યાસ કર્યો, જેથી કુરાન તેની મૂળ ભાષામાં વાંચી શકું. આના કારણે ઇસ્લામ ધર્મને હું સારી રીતે સમજી શકું છું. ઇસ્લામ માણસ-માણસ વચ્ચે ભેદ નથી જોતો. સૌને સમાન નજરે જુએ છે. કુરાન વિવિધ સ્થળે વિવિધ સમયે અવતરતા પૈગંબરો વચ્ચે પણ તફાવત નથી જોતું. તે જ પ્રમાણે શીખ ધર્મમાં ‘ગ્રંથ સાહેબ’ પણ ધાર્મિક સહિષ્ણુતા અને સંવાદિતા શીખવે છે.
વિનોબાજીએ મેઓ જાતિના લોકોનાં દુ:ખ દર્દને પણ સાંભળ્યાં. કહેવાય છે, મૂળમાં તે રાજપૂત લોકો હતા. પાછળથી તેઓ મુસ્લિમ ધર્મ સ્વીકારે છે. દેશના ભાગલા પડ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા. પરંતુ ત્યાં ગયા પછી તેમને લાગ્યું કે ખોટું પગલું ભરાયું છે, તેથી તેઓ ભારતમાં પાછા આવે છે. પરંતુ ત્યાં સુધીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ મેઓની જમીન પર તેમજ ઘર પર કબજો જમાવી લે છે. વિનોબાજી સરકારની મદદ લઈને મેઓને તેમનાં ઘર તેમજ જમીન પાછાં મળે તે માટે પ્રયત્ન કરે છે, જેમાં મહદઅંશે સફળતા મળે છે.
કોમી રમખાણો વચ્ચે બિકાનેરમાં દલિતો અને અસ્પૃશ્યતાનિવારણનું કામ કરનારા સામાજિક કાર્યકરો માટે મંદિર પ્રવેશનો નિષેધ જાહેર કરવામાં આવ્યો. વિનોબાજી ત્યાં જઈ ચાર દિવસ રોકાય છે. કાર્યકરોને કહ્યું, જ્યાં સુધી દલિતો સાથે આપને પ્રવેશ ન કરવા દે ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. જ્યાં સૌને પ્રવેશ ન મળતો હોય ત્યાં મૂર્તિ માત્ર પથ્થર જ ગણાય. તેમાં પ્રભુનો વાસ ન હોય. વિનોબાજીની હાજરીએ વાતાવરણમાં પરિવર્તન આણ્યું અને મંદિરપ્રવેશ પરનો નિષેધ ઊઠી ગયો.
અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહના વહીવટકર્તાઓએ ગાંધીજીને અજમેર ઉર્સમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પણ ગાંધીજી તો પ્રભુના દરબારમાં પહાેંંચ્યા હતા. વહીવટદારોએ ગાંધીને સ્થાને વિનોબાજીને દરગાહના વાર્ષિક ઉર્સમાં આવવા આમંત્રણ આપ્યું. 14 મે શુક્રવાર 1948ના રોજ વિનોબાજી ત્યાં નમાઝમાં હાજર રહે છે. ત્યારબાદ ટૂંકું પ્રવચન આપ્યું. તેમાં કહ્યું –
ગાંધીજીએ આજના પ્રસંગે આવવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું હતું. પરંતુ પ્રભુની કોઈ અલગ મરજી હશે. ગાંધીનું સ્થાન શોભાવવાની મારી લાયકાત નથી. પરંતુ હું માત્ર મારી લાગણીને અભિવ્યક્ત કરી શકું. હું તો માત્ર પ્રભુનો નમ્ર સેવક છું. કુરાનમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર સાગર શાહીનો ખડિયો બની જાય, અને બધાં વૃક્ષોની કલમ બનાવવામાં આવે તો પણ પ્રભુનું સંપૂર્ણ વર્ણન લખી શકાય તેમ નથી. સંસ્કૃતમાં પણ આવો જ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કુરાનમાં કહેવામાં આવ્યું છે, સારાં કર્મોનું ફળ સારું હોય છે, બૂરાં કર્મોનું ફળ ખરાબ હોય છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી જાતિ-જાતિના ઝઘડાઓ થયા તેનું પરિણામ ખરાબ જ આવવાનું છે. એમાં કોને દોષ દઈએ ને કોને ન દઈએ ? આપણે આવાં કર્મો માટે પ્રભુની માફી માંગવાની છે. આપણે તો એકબીજા પર પ્રેમ વરસાવવાનો હોય, નફરત નહીં. આપણે સૌ આ જ માટીમાંથી પેદા થયા છીએ અને આ જ માટીમાં ભળી જવાના છીએ.
વિનોબા થોડા ઊંચા આસને બેઠેલા હતા. સેંકડો મુસ્લિમભાઈઓ, યુવાનો, બાળકો, સૌ તેમની હથેળીને ચૂમવા દોડી ગયા. એક ભાવાત્મક વાતાવરણ સર્જાઈ ગયું હતું. વિનોબા એક અઠવાડિયું અજમેર રોકાયા હતા. સામાન્ય રીતે રામધૂન કે ભજનો દરગાહમાં રટણ કરવાની છૂટ આપવામાં આવતી નથી. પરંતુ મુસ્લિમ બિરાદરોએ વિનોબાજીને દરગાહમાં પોતાની પ્રાર્થના કરવા સૂચવ્યું. છેલ્લાં 300-400 વર્ષમાં આવી ઘટના બની ન હતી.
હૈદરાબાદ રાજ્યમાં રઝાકાર મુસ્લિમોએ શાંતિના વાતાવરણને ડહોળ્યું હતું. વિનોબાજી જવાહરલાલજીની ખાસ સૂચનાથી હૈદરાબાદ પહોંચી જાય છે. ઔરંગાબાદ, જાલના, બિહાર અને હૈદરાબાદ શહેરની મુલાકાત લે છે. વિનોબાજીની પ્રાર્થના અને ત્યાર બાદનાં પ્રવચનો વાતાવરણને શાંત બનાવે છે. સર્વોદય સમાજના દર્શનની વાત સમજાવે છે.
‘Everybody will work according to his capacity and receive consumer goods in accordance with his need’. આપણે સામ્યવાદ નહીં પણ સામ્યયોગ તરફ ગતિ કરવાની છે. શ્રમ આધારિત જીવન જીવવાનું છે. વિનોબાજી ક્યાંક શિક્ષણમાં પરિવર્તન લાવવાની વાત પણ કરે છે. આપણે શ્રમને પ્રતિષ્ઠા આપવાની છે. આજે તો ભણેલી વ્યક્તિ શ્રમિકો પર સાહેબગીરી કરવામાં પ્રેસ્ટીજ અને ડિગ્નીટી જુએ છે. આપણે શિક્ષણ દ્વારા આમાં બદલાવ લાવવાનો છે.
પવનાર પ્રવૃત્તિ : 1938થી 1950 પ્રથમ 12 વર્ષના અંત ભણી
આપણે લેખમાળાના ભાગ-5માં નોંધ્યું હતું – પહેલી જાન્યુઆરી 1950ના રોજ વિનોબાજીના મુખમાંથી શબ્દો સરી પડે છે- “પ્રચલિત અર્થવ્યવસ્થાને તોડ્યા વગર ક્રાંતિ નહીં થાય.
વિનોબાજી કહે છે, સ્વરાજ્ય મેળવ્યા પછી અને ખાસ કરીને ગાંધીજીના નિર્વાણ બાદ આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ એનું મારા અંતરમાં ભારે મંથન ચાલી રહ્યું હતું. એ જ દિવસોમાં મારે ટ્રેનમાં અને તે પણ ગમે તે કારણોસર કેમ ન હોય, તો પણ ઉપલા વર્ગમાં મુસાફરી કરવાનું થયું, જે મારા જીવનમાં પહેલી વાર થયું. અડધા ઉપરાંત હિંદુસ્તાનમાં ફરવું પડ્યું. (વર્ધાથી દિલ્હી-છેક કેરાલા, પાછા દિલ્હી) શું આમ ફર્યા કરવાથી અહિંસાને ગતિ આપી શકાશે ? આખરે એ પ્રવાસનો આધાર પણ અહિંસાનો તો નહોતો જ. રેલવે કેવી રીતે બની ? આવાં ઝડપી સાધનો અહિંસાના પ્રચાર માટે શાં કામનાં ? આ સાધનો દ્વારા શું આપણે આમ જનતા સુધી પહોંચી શકીશું ?
નિરાશ્રિતોના કામ માટે નહેરુએ બોલાવ્યા અને વિનોબાજીએ ઘણું કામ કર્યું. પાકિસ્તાનથી આવેલા તેમાં હરિજનો (દલિતો) વધારે હતા. તેમણે જમીન માંગી. પંજાબ સરકારે જમીન આપવાનું આશ્ર્વાસન આપેલું. લાંબા સમય સુધી જમીનો ન મળતાં દલિતો સત્યાગ્રહ કરવા માંગતા હતા. જેમાં જવાહરલાલે સૂચના આપી હોય તેવાં કામો પણ થતાં ન હતાં.
વિનોબાજી કહે છે – “6 મહિના અમે મજા જોઈ લીધી. તેનું વર્ણન કરવું હોય તો એક ગ્રંથ લખવો પડે. મારે લિયેઝનનું કામ કરવાનું હતું. આપણી ભાષામાં તેને નારદમુનિનું કામ કહી શકાય. એટલે કે અહીંનું ત્યાં પહોંચાડવું અને ત્યાંનું અહીં. નાની નાની બાબતોમાંયે સરકારી તંત્રનું વિચારહીન ને જડસુ વલણ જોવા મળ્યું.
એ દિવસોમાં મેં બહુ મહેનત કરી. પરંતુ મને એ ચીજ ન મળી, જેની ખોજમાં હું હતો. મેં જોયું કે આવી રીતે નારદમુનિ બનીને ‘સર્વોદય’ લાવી શકાશે નહીં. એટલે એ કામ છોડીને હું નીકળી પડ્યો.
વિનોબાજી શરણાર્થીઓ માટેનો સેવાયજ્ઞ પતાવી છેલ્લે પવનાર આવે છે. અને સેવાગ્રામમાં ડિસેમ્બર-જાન્યુઆરી 1950માં ઠજ્ઞહિમ ઙફભશરશતિં ઈજ્ઞક્ષરયયિક્ષભય માં હાજરી આપે છે. વિશ્ર્વના ખૂણેખૂણેથી યુદ્ધવિરોધી શાંતિચાહકો આ સંમેલનમાં આવ્યા હતા. ઇંગ્લાંડ, અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, જાપાન, હોલાન્ડ, ઝેકોસ્લોવીયા, ન્યુઝીલેન્ડ દેશના લોકો આવ્યા હતા. તેઓ ગાંધીજીની સ્મૃતિમાં આવ્યા હતા. રાજેન્દ્રપ્રસાદ પણ આવ્યા હતા.
સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે વિનોબાજીનું પ્રાસંગિક પ્રવચન થયું હતું. વિનોબાજીની રજૂઆતના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે હતા : અહિંસાનો એવો મતલબ નથી કે માત્ર વિનાશકારી પ્રવૃત્તિમાં ભાગ ન લેવો. રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સમાજની સેવામાં આપણો ભાવ અભિવ્યક્ત થવો જોઈએ. અહિંસાની દેવીના હાથમાં પ્રેમનું શક્તિશાળી હથિયાર છે. આપણે ત્રીજા વિશ્ર્વયુદ્ધની વાત સાંભળીએ છીએ. મને તેનો ભય નથી પણ આ નાનીનાની છૂટીછવાઈ થતી અથડામણો અકળાવે છે. આપણે આ અટકાવવાનું છે.
આગળ કહે છે, ભારતની નવી રચાયેલી સરકારની સ્થાનિક વ્યવસ્થાના આયોજનમાં નાની મોટી ઊણપ હશે, પરંતુ જવાહરલાલ નહેરુની સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્ર્વશાંતિને વરેલી છે. બધા દેશોની સ્વતંત્રતાનો તે આદર કરે છે. વિશ્ર્વમાં અહિંસાની નીતિ ફેલાવવામાં ભારત સક્રિય રસ દાખવે છે, જેથી નબળા દેશો ભયમુક્ત થઈ શાંતિથી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. લેખમાળાના આગામી ભાગ-16થી આપણે હવે ભૂદાન-ગંગાના વહેણમાં લાંબી યાત્રાએ નીકળીશું. એક પવિત્ર ઝરણાની મઝા માણીશું. ક્યારેક તેના દર્શનથી, તો ક્યારેક તેમાં ડૂબકી મારીને આપણે પણ પવિત્ર થઈશું.
– રેવારજ