સ્નેહાની વાત સાંભળીને કોઈને પણ થાય કે, અભણ લોકો જ અંધશ્રદ્ધાળુ હોય એવો કોઈ નિયમ નથી. બાકી ગ્રેજ્યુએટ થયેલી સ્નેહામાં એટલી સમજ તો હોવી જોઈએ ને કે, બાધા રાખવાથી, માદળિયાં પહેરવાથી કે ભગવાનને પ્રાર્થના કર્યા કરવાથી ગર્ભમાં રહેલા બાળકની જાતિમાં કંઈ ફેરફાર થવાનો નથી. એને આઠમો મહિનો બેસી ગયો હતો. મંદિરમાં જઈને પહેલાં ભગવાનનાં દર્શન કરવાને બદલે એ સીધી એજંટ, એટલે કે પૂજારીજી પાસે ગઈ. ‘પૂજારીજી, મેં સાંભળ્યું છે કે, અહીંના શિવજી બહુ ચમત્કારિક છે. જે ભાવથી એમની ભક્તિ કરે, માનતા માને એની મનોકામના પૂર્ણ કરે છે. બહુ આશા લઈને આજે એમનાં દર્શને આવી છું.
મને માનતા માનવાની વિધિ બતાવો. હું કંઈ પણ કરવા તૈયાર છું.’ દિવસમાં બે-ચાર આવા ભક્ત-ભક્તાણી મળે એટલે પૂજારીનો તો દિવસ સફળ થઈ જાય. એમણે કહ્યું, ‘બેટા, ભોળા શંભુ સૌની ઇચ્છા પૂરી કરે જ છે. પણ હા, એટલું ખરું કે, માનતા માનવામાં કચાશ ન રાખવી જોઈએ. કહ્યું છે ને કે, જેવી શક્તિ એવી ભક્તિ.’ એમની વાતથી સ્નેહા અભિભૂત થઈ ગઈ. ‘ના ના, મહારાજ, કચાશ શા માટે રાખું? એમની કૃપાથી જો મને પહેલે ખોળે દીકરો અવતરશે તો હું શિવલિંગ પર સોનાનું છત્તર ચઢાવીશ. સવા મણ લાડુનો ભોગ ધરાવીશ. તમને પણ સારામાં સારી દક્ષિણા આપીશ.’
પૂજારીજી હસી પડ્યા. ‘બેન, તારી ભાવના તો ઉત્તમ છે પણ હમણાં જ તારી પહેલાં જે બેન આવી એને દીકરી જોઈએ છે. તું દીકરો ઇચ્છે છે. દરેકની જુદી જુદી માગણી હોય. ઘણી વાર મને વિચાર આવે છે કે, કોને શું જોઈએ છે એ ઉપરવાળો કેવી રીતે યાદ રાખતો હશે?’
સ્નેહા બે હાથ જોડીને બોલી, ‘હા, એટલે જ તો એમને સર્વજ્ઞ કહ્યા છે ને? મને પૂરો ભરોસો છે કે,મારી પુત્રકામના ભોળાનાથ જરૂર પૂરી કરશે. મહારાજ, તમે પણ મને આશીર્વાદ આપો.’ પૂજારીજીએ હાથ ઊંચો કરી ‘તથાસ્તુ’ કહ્યું. સ્નેહાએ ઉતાવળે દર્શન કર્યાં. હોઠ ફફડાવીને પોતાની માનતા જણાવીને, પ્રભુને લાલચ આપીને પછી જલદી મંદિરનાં પગથિયાં ઊતરવા લાગી. એના મનમાં પેલી બહેનને મળવાની ચટપટી હતી. પૂજારીના કહેવા પ્રમાણે એ હમણાં જ મંદિરમાંથી નીકળી છે એટલે આટલામાં જ હોવી જોઈએ. દૂરથી એ બેનને ચંપલ પહેરતી જોઈને એણે ઝડપ વધારી. નજીક જઈને જોયું તો એને લાગ્યું કે એને પણ સાતમો-આઠમો મહિનો જતો હશે. પાસે જઈને એ એની સામે હસી.
‘બેન, મારું નામ સ્નેહા, તમારું નામ શું?’
‘તારા, મારું નામ તારા સે બોન.’
‘તારાબેન, તમને વાંધો ન હોય તો મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જરા વાર અહીં બાકડે બેસીએ?’
‘કરોને બોન, જે વાત કરવી હોય તે કરો. અમારા જેવા હારે વાત કરવા કોણ નવરું હોય? હારા ઘરનાં તમારા જેવા કોઈ અમને બોલાવે ઈ જ ઘણું સે.’
‘તારાબેન, પૂજારીજીએ મને કહ્યું કે તમે ભગવાન પાસે દીકરી માગી છે. આ જાણી મને ઘણી નવાઈ લાગી. મને તમને પૂછવાનું મન થયું કે, આ પહેલાં પણ તમારે કંઈ બાળકો છે?’
‘સે ને, બે સોડિયું સે. મોટી છ વરહની ને બીજી ચારની. હવે આય તે સોડી જ આવી તો મા’દેવજીને 11 રૂપિયા ચઢાવીશ એવી માનતા માનવા આવી સું બોન!’ પોતાના ઊપસેલા પેટ તરફ જોતાં એ બોલી. સ્નેહા અહોભાવથી એની સામે જોઈ રહી. મનમાં ને મનમાં એને થયું પણ ખરું કે, ભલે ગરીબ હોય પણ વૈચારિક દૃષ્ટિએ મારાથી મહાન છે! મારું તો પહેલું જ સંતાન અવતરવાનું છે તોય દીકરી જન્મને પણ હોંશેથી વધાવીશ એમ વિચારવાને બદલે હું પુત્રજન્મની ભીખ માગવા નીકળી છું. જો કે હુંય શું કરું? મજબૂર છું. મારા પતિ અને સાસુ-સસરાએ નક્કી કરી લીધું છે કે, જો દીકરી જન્મશે તો મારે હંમેશ માટે પિયરમાં જ રહેવાનું. સાસુ કહેતાં હતાં – ‘તું નહીં હોય તો મારા રાજકુંવર જેવા દીકરાને એક કહેતાં એકવીસ મળી રહેશે. અમને તો અમારો કુળદીપક જોઈએ એટલે જોઈએ જ.’ પતિમાં તો માની સામે એક હરફ ઉચ્ચારવાનીય હિંમત નહોતી. પોતાના વિચારોમાંથી બહાર આવતાં એણે કહ્યું, ‘તારાબેન, તમે કેટલાં મહાન છો! બે દીકરી હોવા છતાં ત્રીજી માગો છો તો તમને એમ નથી થતું કે, તમારા ઘડપણમાં તમને કોણ સાચવશે? કોણ ઘરમાં કમાઈને લાવશે? કોના થકી તમારો વંશ આગળ ચાલશે?’
‘ઓ બોન, ઈ વંસ ને બંસ અમે કાંઈ ન હમજીએ. અમારી હામે તો રોજ હવાર પડે ને પેટ ભરવાનો સવાલ જ ઊભો હોય.’ ‘એટલે?’ સ્નેહાને કંઈ સમજાયું નહીં.
‘લો, હું તમને હમજાવું. હું ચાર ઘરનાં કચરાં-પોતાં કરીને માંડ માંડ અમારાં ચારનાં પેટ ભરું સું. મારો વર તો દેસી દારૂ પીને પડ્યો રે’સે. હવે દીકરી હોય તો દહ બાર વરહની થાય એટલે માનો હાથવાટકો થાય. ઘરનાં ને બા’રનાં બધાંય કામ કરે. ને દીકરો તો એના બાપની જેમ બીડીયું ફૂંકે ને દારૂ પીને જનેતા પર હાથ ઉપાડે. એના કરતાં તો દીકરિયું હો દરજ્જે હારી!’
તારાબેનની વાત તો સાચી હતી પણ સ્નેહાએ દલીલ કરવા ખાતર કહ્યું, ‘ના, પણ અમારા જેવા લોકોમાં તો…’ ‘રે’વા દો ને બોન, મને બધીય ખબર સે તમારા લોકોની. દીકરો ભણ્યો ન ભણ્યો ને એ…યને વિમાનમાં બેહીને પોંચી જાય અમેરિકા. ઈ ક્યાંથી તમારો વંસ હાચવવાનો?’
વિચારમાં પડેલી સ્નેહાને ઘડીભર તો થયું કે, ફરીથી મંદિરમાં જઈને પોતાની માનતામાં ફેરફાર કરાવી આવે. પણ કોણ જાણે, ભગવાન એવી છેકછાક કરેલી અરજી મંજૂર રાખતા હશે કે નહીં?
ધીમે ધીમે એના પગ ઘર તરફ વળ્યા.
(વૈદ્યનાથ ઝાની હિંદી લઘુ કથા પર આધારિત) – આશા વીરેન્દ્ર