બાડીપડવાની દુર્ઘટનાની આસપાસ

ગુજરાતને મળેલ કુદરતી વૈવિધ્ય પૈકી ભાવનગર જિલ્લાના દરિયા- કિનારાના ભાવનગરથી મહુવા સુધીના દરિયાકિનારાની ખેતી અને જમીન અણમોલ છે. અહીંનાં શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, વિસ્તારના નામથી પ્રખ્યાત છે. ત્યારે કુદરતી બીજી વિવિધતા નામે કોલસો (લિગ્નાઈટ) પણ આ વિસ્તારમાંથી જ મળી આવે છે.

ઘોઘા અને ભાવનગર તાલુકાનાં 12થી વધુ ગામોમાં ભૂતળમાં રહેલ કોલસાના ખનન માટે સરકારના ખાણ ખનીજ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિ.એ વિભાગે વર્ષ : 1995થી પદ્ધતિસર પર્યાવરણીય અભ્યાસો કર્યા વગર તબક્કાવાર જમીન સંપાદન કરી છે. અને લોકોની આજીવિકાની પરવા કર્યા વગર લોકોના વિરોધ વચ્ચે ખનનની કામગીરી ચાલુ રાખી છે.

સ્થાનીય લોકોના કહેવા મુજબ જમીનમાંથી કોલસો કાઢી લેવાથી ભૂતળમાં મીઠા પાણીનાં તળ ઊંડાં જાય છે. અને ઉપલા સ્તરમાં દરિયાનું ક્ષારયુક્ત પાણી આવી જવાથી તેમજ ખાણનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી છોડવામાં આવતું હોવાથી 12 ગામો ઉપરાંત નજીકનાં બીજાં 8 કરતાં વધુ ગામોનાં જમીન-પાણી બગડ્યાં છે. પાંચથી વધુ ગામોમાં પાણી પીવાલાયક રહ્યાં નથી, આ પાણીથી ચા પણ બનતી નથી. મોટાભાગના કૂવા અને બોરના પાણીથી સિંચાઈ કરવાથી નુકસાન થાય છે.

બાડી, સુરકા, ખડસલિયા, પડવા, રામપર, થોરડી, તગડી, ખડસલિયા ગામના ઘણા વિસ્તારોમાં મગફળી, ડુંગળીના પાકોનું વાવેતર સદંતર બંધ થઈ ગયું છે. જેની અવારનવાર રજૂઆતો ગામલોકો દ્વારા સંબંધિત વિભાગોને કરવામાં આવી હતી. ખનનની શરતોનું પાલન કરવા, ખનન બંધ કરવા માટે સ્થાનિક સમુદાય અને ખેડૂત સંઘર્ષ સમિતિ બાડી-પડવા, ભાવનગર જિલ્લા ગામ બચાવો સમિતિ : મીઠીવીરડી અને બીજાં સામુદાયિક સંગઠનો દ્વારા અનેક વાર લેખિત રજૂઆતો, લોક આંદોલન કરવા પછી પણ પરિણામ શૂન્ય રહ્યું હતું. અને નિયમોને નેવે મૂકીને દયાવિહીન તંત્ર જાણે કે, કુદરતી સંસાધનોનો દાટ વાળવા પ્રતિબદ્ધ હતું !

દુનિયામાં જવલ્લે જ બનતી એક વિશેષ, અતિ ગંભીર અને તાત્કાલિક ઉકેલ માગતી દુર્ઘટના :

તા. 16-11-2020 સોમવારના રોજ, સવારે 9.00 વાગ્યાની આસપાસ જ્યારે હોઈદડ, સુરકા, બાડી, ખડસલીયા ગામોના લોકો તેમના સગાં વ્હાલાં-મિત્રોને સાલ મુબારક કરવા નીકળ્યા ત્યારે ગામ હોઈદડ, સર્વે નં 49/1, 49/2, 47, 48, 23 (ગૌચર), તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગરની સીમમાં માઈનિંગના પહાડ જેવા મોટા ઢગલાને અડકીને અચાનક જમીન 30-40 ફૂટ જેટલી ઊંચી થયેલી જોઈ હતી. આ દુર્ઘટના જોઈ ગ્રામજનો હેબતાઈ ગયા હતા. આ ઊંચકાઈ ગયેલી જમીનની લંબાઈ અંદાજે 600 ફૂટ જેટલી છે અને તેમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળ્યો છે. માઈનિંગનો પહાડ જેવો મોટો ઢગલો પણ જમીનમાં નીચે ઊતરતો માલૂમ પડ્યો હતો, હજુ પણ તે જમીનમાં નીચે ઊતરી રહ્યો છે. એક અંદાજ મુજબ જમીનના નીચેના સ્તરમાં ફળદ્રુપ ખેતીલાયક જમીન પછી તુરંત પોચી છંદણી (બેંટોનાઈટ)નું સ્તર આવેલું હોવાથી માઈનિંગ વિસ્તારની જમીનની ક્ષમતા કરતાં વધુ જથ્થામાં માટીનો ઢગ કરવામાં આવ્યો. પરિણામે જમીનની ક્ષમતા કરતાં વધુ વજન આવવાથી ઢગ જમીનમાં બેસી જવાનો અને સમતલ જમીન ઊંચકાઈ જવાની દુર્ઘટના બની હોઈ શકે. શક્યતા તો એ પણ નકારી ન શકાય કે, ભૂતળની બેંટોનાઈટનું પોચું સ્તર ક્યાં, ક્યારે, ઊંચકાઈ શકે તેના કોઈ અભ્યાસ કે નકશા અસ્તિત્વમાં નથી. ત્યારે કયાંય પણ જાન-માલની હાનિ થવાની દહેશત રહેલી છે. આ વિસ્તારમાં ૠીષફફિિં ઙજ્ઞૂયિ ઈજ્ઞિાજ્ઞફિશિંજ્ઞક્ષ કશળશયિંમ ના કોન્ટ્રાક્ટરો 2018થી માઈનિંગ કરી રહ્યા છે.

ઉપરોક્ત બાબતની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કોઈક પગલાં ભરવાની દૃષ્ટિએ તા. 17-11-2020ના રોજ ગામ બાડી-હોઈદડ ખાતેની આ ગંભીર દુર્ઘટના અંગે ખેડૂત સંઘર્ષ સમિતિ બાડી-પડવાના પ્રતિનિધિએ પર્યાવરણ સુરક્ષા સમિતિને જાણ કરી હતી. પ.સુ.સમિતિના રોહિત પ્રજાપતિએ તાત્કાલિક ભાવનગર કલેક્ટર વિભાગને આ બાબતની ગંભીરતા ધ્યાને લેવા જણાવ્યું. ત્યારબાદ ગ્રામજનો અને પર્યાવરણ સુરક્ષા સમિતિએ તા. 24-11-2020ના રોજ એડિશનલ કલેક્ટર શ્રી ઉમેશભાઈ વ્યાસને રૂબરૂ મળી આ દુર્ઘટનાની વિગતે માહિતી આપી હતી. એડિશનલ કલેક્ટર શ્રીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજ્યોનલ ઓફિસર, મામતલદારશ્રી ઘોઘા, અને ખાણ અને ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી સાથે તત્કાલ અમારી હાજરીમાં જ ટેલીફોનિક વાતચીત કરી તા. 25-11-2020ના રોજ સવારે 11.00 વાગે સ્થળ તપાસ કરી અહેવાલ તૈયાર કરવાનો અને તત્કાલ જે કોઈ પગલાં લેવાં પડે તે લેવાની સૂચના અધિકારીઓને આપી હતી. એડિશનલ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તેઓ આ દુર્ઘટનાથી અજાણ હતા.

ગામના લોકો અને માઈનિંગ કંપનીના મુખ્ય અધિકારીઓના કહેવા મુજબ આવી જ દુર્ઘટના ડિસેમ્બર 2019માં પણ થોરડી ગામના ઈટાલીયા વિઠ્ઠલભાઈ લવજીભાઈની વાડીની બાજુમાં સર્વે નંબર 119/1 ખાતે બની હતી. જ્યાં 100 મીટર કરતાં વધારે લંબાઈમાં જમીન ઊંચી થયેલી, જે આજે પણ જોઈ શકાય છે. આ દુર્ઘટનાની કબૂલાત કંપનીના અધિકારીઓએ તા. 25-11-2020ના રોજની સ્થળ મુલાકાતમાં આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી પુષ્પ લતા સમક્ષ પણ કરી છે.

તા. 25-11-2020ના રોજ માઇનીંગ દુર્ઘટના સ્થળ પર આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી, તાલુકા મામલતદાર શ્રી, ગુજરત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર અને તેમની ટીમ, ખાણ અને ખનીજ વિભાગના શ્રી ગુંજનભાઈ શર્મા અને તેમની ટીમ, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજર શ્રી દેવેન્દ્ર ખોટ અને તેમની ટીમ, અને પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ, તથા ભાવનગર જિલ્લામાં પાણી અને સજીવ ખેતીના મુદ્દે કામ કરતા ભરત જાંબુચાએ મુલાકાત લીધી હતી.

તપાસ ટીમે

(1) ગામ બાડી – હોઇદડ દુર્ઘટના સ્થળ,

(2) બાડી – હોઇદડ માઇનીંગ ચાર રસ્તા,

(3) બાડી માઇનીંગ સ્થળ,

(4) થોરડી ગામમાં ડિસેમ્બર 2019ના રોજ બનેલ દુર્ઘટના સ્થળ,

સર્વે નંબર-119/1 ઇટાલીયા વિઠ્ઠલભાઈ લવજીભાઈની વાડીની મુલાકાત લીધી હતી. તેમાં હોઈદડ ગામના તલાટી કમ મંત્રી સુશ્રી, જ્યોતિબેન જેઠવા પણ હાજર રહ્યાં હતાં. મોટી સંખ્યામાં ‘ખેડૂત સંઘર્ષ સમિતિ’ બાડી પડવાના કાર્યકરો, તથા ગામ બાડી, સુરકા, પડવા, હોઇદડ, થોરડી, રામપરના ગ્રામજનોએ હાજર રહી પોતાની રજૂઆત કરી હતી. તેમાં ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જમીન સંપાદન, જમીન, ખેતીને નુકસાન, હવા અને ભૂગર્ભજળના પ્રદૂષણ, સ્વાસ્થ્યને નુકસાન જેવા અન્ય અનેક ગંભીર પ્રશ્ર્નોનો તેઓ વર્ષોથી સામનો કરી રહ્યા છે. તત્કાલ બનેલ દુર્ઘટનાના સંદર્ભમાં આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીના વડપણ હેઠળની તપાસ સમિતિ સમક્ષ ગ્રામજનોએ કરેલ મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે :

  1. આ વિસ્તાર ધરતીકંપની ફોલ્ટ લાઈનનો વિસ્તાર છે. ફોલ્ટ લાઈન વિસ્તારમાં માઇનિંગની મંજૂરી આપતી વખતે આવી દુર્ઘટના બાબત ધ્યાનમાં કેમ લેવામાં ન આવી ? એના માટે કોણ જવાબદાર છે ? જે કોઈ લોકોએ આ બાબત છુપાવી હોય, તેમની સામે કાયદાકીય પગલાં ભરવાની સાથે સાથે, માઇનિંગનું કામ તાત્કાલિક રોકી દેવાનો આદેશ આપવામાં આવે. ભાવનગરની નજીક તા. 25-11-2020ના રોજ સવારે 4.00, 4.02 વાગ્યે ભૂકંપ નોંધાયો છે.
  2. આ માઇનિંગ વિસ્તારની આસપાસ 12થી વધુ ગામો આવેલાં છે, જેમાં આશરે 30,000 લોકો વસે છે અને ભાવનગર શહેર જે અહીંથી માત્ર 18 કિ.મી. દૂર આવેલું છે. માઇનિંગ જો ચાલુ રાખવામાં આવે અને કોઈ મોટી ભૂકંપની ઘટના ઘટે તો ખૂબ મોટા પ્રમાણમાં લોકોનાં જાન-માલની હાનિ થવાની શકયતાઓ વધી જાય તેથી પણ માઇનિંગ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે.
  3. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડએ ડિસેમ્બર 2019 અને તા. 16-11-2020ની ગંભીર દુર્ઘટનાની જાણ ‘ડીસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ’ના અધ્યક્ષ – કલેક્ટરશ્રી, ભાવનગર, ખાણ અને ખનીજ વિભાગ, અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરી નથી. આ અતિ ગંભીર બાબત કહેવાય. જેથી કંપનીના તમામ જવાબદાર અધિકારી સામે કાયદા હેઠળ દાખલારૂપ કાર્યવાહી કરવી.
  4. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ સામે પર્યાવરણીય મંજૂરીના ભંગ બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ધી એન્વાયરન્મેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, 1986 હેઠળ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
  5. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની આસપાસ કંપનીએ ફેન્સીંગ કરી “આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે, આપની સુરક્ષાને ખતરો છે એવું બોર્ડ તાત્કાલિક લગાવી સિક્યુરિટી ગાર્ડ મૂકવા જોઈએ.
  6. ઊંચી થઈ ગયેલી જમીન ઉપર અને આસપાસ દેખાય છે એટલી જ તિરાડો ના પણ હોય, ઊંડાણમાં આ તિરાડો તો છેક દરિયા સુધી લંબાઈ હોય તો દરિયાનું પાણી પણ મોટા પ્રમાણમાં અંદરના વિસ્તારમાં ધસી આવી લાંબાગાળે આખા વિસ્તારને રણમાં ફેરવી શકે. તેથી, આખાય વિસ્તારનું છેક દરિયાકાંઠા સુધી સ્કેનિંગ કરી, તિરાડોની ચોક્કસ લંબાઈ, પહોળાઈ અને સંભવિત તમામ અસરોનો વિગતવાર અભ્યાસ થવો જોઈએ.
  7. તેમજ આ સમસ્યાને લગતા બીજા ભૂસ્તરીય અભ્યાસ તાત્કાલિક હાથ ધરવા.
  8. માઇનીંગની આસપાસ આવેલ અસરગ્રસ્ત ગામોના તમામ કૂવાઓ તથા બોરવેલના પાણીની ગુણવત્તા અને જથ્થા બાબતે હાલ તત્કાલ, અને ત્યાર બાદ દર મહિને તપાસ અહેવાલ કરવો જોઈએ. આ રિપોર્ટના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નક્કર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
  9. આ બધા પ્રશ્ર્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડનું માઇનીંગનું કામ અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પો.લિ.નું કામકાજ સ્થગિત કરી દેવું.

સમિતિની સ્થળ મુલાકાત અને સમુદાયની માંગણીઓને ધ્યાને લઈ કલેક્ટર શ્રીએ સંબંધિત વિભાગોમાં ખાસ કરીને આફત વ્યવસ્થાપન વિભાગ, ભૂસ્તરશાસ્ત્ર, માઇનિંગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સિંચાઈ, ઇત્યાદિની તાકીદની બેઠક બોલાવીને તાત્કાલિક જરૂરી અભ્યાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જેના અનુસંધાનમાં તા. 2-12-2020 બુધવારના રોજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ પ્રાકૃતિક ખેતી જૂથ મીઠીવીરડી (ભાવનગર), પર્યાવરણ સુરક્ષા સમિતિ-વડોદરા અને અસરગ્રસ્ત ગ્રામજનોને સાથે રાખીને તાત્કાલિક ધોરણે 7 ગામોના 16 ભૂજળના રેંડમ સેમ્પલ લીધા હતા.

ગામલોકોની રજૂઆત અને ગંભીરતાને ધ્યાનમાં લઈ દુર્ઘટના સંદર્ભે ભૂસ્તર નિષ્ણાતો દ્વારા વિગતવાર અભ્યાસ કરવા જરૂરી સલામતીનાં પગલાં ભરવા સહિત કામચલાઉ ધોરણે તાત્કાલિક ખાસ ખોદકામ બંધ કરવા પર્યાવરણ સુરક્ષા સમિતિ વડોદરાએ સંબંધિત વિભાગોને પત્ર લખ્યો છે. આશા રાખીએ કે ભવિષ્યમાં તંત્ર આવી દુર્ઘટનાઓ રોકવામાં વધુ સક્ષમ ભૂમિકા નિભાવે. મીઠીવીરડી         

– ભરતભાઈ જાંબુચા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s