માનવતાની ઉપાસના

સહુ પહેલાં આપણે માનવ. અને માનવતાને નાતે આપણું જે કર્તવ્ય છે; તે આપણું પ્રથમ કર્તવ્ય. ઉપાસનાને નાતે જે કર્તવ્ય આવે તે ત્યાર પછીનું કર્તવ્ય હશે. દર્શન, સંપ્રદાય વગેરે થકી આવનારાં કર્તવ્યો તે પછીનાં છે. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ એક-બીજાના ચર્ચમાં નથી જતા. એટલે કે ઉપાસનામાં પણ દર્શન-ભેદ, સંપ્રદાય-ભેદ છે. હિંદુઓમાં પણ રામાનુજ સંપ્રદાયના લોકો શંકર સંપ્રદાયના ગ્રંથ વાંચતા નથી. તેઓના સ્તોત્ર અલગ અલગ છે. મેં એવા લોકોને જોયા છે કે જેઓએ શંકરપંથની બધી ટીકાઓ વાંચી છે પરંતુ રામાનુજનું ગીતાભાષ્ય જોયું સુધ્ધાં નથી. એકને તો મેં પૂછેલું પણ ખરું કે રામાનુજનું ભાષ્ય કેમ નથી વાંચ્યું ? તો કહે, અલગ સંપ્રદાયનું છે તેથી નથી વાંચ્યું. આમ કોઈ કોઈ જગાએ દાર્શનિક-ભેદ અથવા સંપ્રદાય-ભેદને લઈને પણ ઉપાસનાભેદ આવે છે. આ ભેદો એક બાજુ રાખીને માનવતાને ખોયા વગર ઉપાસના કરવી જોઈએ.

ઉપાસના એટલે ‘માનવતા પ્લસ (+) કંઈક’ હશે. ઉપાસના એટલે ‘માનવતા માઈનસ (ઓછા) કંઈક’ એવું ન હોવું જોઈએ. આજકાલ તો એવું છે કે હિંદુ એટલે માનવતાથી કંઈક ઓછું અને મુસ્લિમ એટલે માનવતાથી કંઈક ઓછું; પરંતુ થવું તો એવું જોઈઅ કે માનવતા વધતા કંઈક એટલે હિંદુ, માનવતા વધતા કંઈક એટલે મુસલમાન, માનવતા વધતા કંઈક અટલે ઈસાઈ. આવું થશે ત્યારે ઉપાસના-ભેદ, દાર્શનિક-ભેદ રહેશે પરંતુ તે ગૌણ હશે. રીત-રિવાજોના ભેદ તો સાવ જ સ્થ્ૂળ ગણવાના છે. તેથી ગૌણ છે. કુરાનમાં પૈગમ્બર સાહેબે કહ્યું છે કે તમે પ્રાર્થના સમયે આ દિશામાં કે તે દિશામાં મુખ રાખો, તેનો ઈશ્ર્વરની ઉપાસના સાથે કોઈ સંબંધ નથી, ધાર્મિકતા એટલે સચ્ચાઈ, ઈશ્ર્વરભક્તિ. કુરાનના આ વચન છતાં દિશા વિશે એમનો વિશેષ આગ્રહ છે. આ બધા રીત-રિવાજ ગૌણ છે અને તે જવા જોઈએ.

શંકરાચાર્યે જોડવાનું કામ કર્યું. તેઓ હતા અદ્વૈતમાં માનનારા. તો પણ એમણે પંચાયતન-પૂજા શીખવાડી. અદ્વૈતમાં પંચાયતન ન આવે. પરંતુ એમણે જોયું, તે સમયે પાંચ પંથ હતા. તો પંચાયતનના રૂપે સહુને એકત્ર કરી શકાય છે. માનવતા હોય ત્યારે જ આવા પ્રયત્ન થઈ શકે છે.

ભારતના આપણે સહુએ આ ભૂમિકા લેવી જોઈએ. ઉપાસના-ભેદ અને દાર્શનિક-ભેદ, જે વૈચારિક ચિંતનનો વિષય છે, તે ભેદોને એકઠા કરીને એક પરિપૂર્ણ દર્શન રચી શકાય છે. તેથી જ ધર્મ એટલે માનવતા પ્લસ કંઈક. માનવતા નહીં રહે તો ધર્મ નહીં ટકે. ભારતના તમામ લોકોએ – હિંદુ, મુસલમાન, ઈસાઈ વગેરે જેઓ માનવતામાં માને છે તે બધાએ મળીને પરસ્પર વિચાર-વિનિમય, ચર્ચા કરીને એકબીજાના વિચારો સમજીને બધા વાદો ખતમ કરવાને હિતકર સંવાદ આપણે ચલાવવો જોઈએ. ઓછામાં ઓછું એટલું તો થવું જોઈએ કે માનવતામાં માનનારા આપણે સહુ એક છીએ.

દરેક ગામમાં નામઘર

આસામમાં વરસાદ ખૂબ થાય છે. વરસમાં છ મહિના વરસાદ હોય. ગામડાં નાનાં-નાનાં. પરંતુ એવાં ગામડાં નહીં હોય કે જ્યાં નામઘર ન હોય. નામઘર એટલે ઈશ્ર્વરની પ્રાર્થના કરવાનું સ્થાન. એક વિશાળ જગ્યા અને ઉપર છાપરું. ચારેકોરથી ખુલ્લું. કૂતરાં ન પ્રવેશે તેવી વ્યવસ્થા હોય. એ નામઘરમાં ભજન સિવાય બીજો કોઈ કાર્યક્રમ નથી થતો. બપોરે બહેનો અને સાંજે પુરુષો ભજન વગેરે કરે છે. ત્યાં મૂર્તિ નથી હોતી. ભાગવત પાઠ થાય છે. ગામમાં આવું નામઘર હોય તો ધૂળમાં બેસવું નથી પડતું. નામઘરની સામે સુંદર લીપેલું આંગણ હોય છે. વરસાદ ન હોય ત્યારે આંગણામાં બેસે, નહીં તો અંદર. પ્રાર્થના અને ગામની સભા ત્યાં થાય; ઝઘડાની સભા નહીં, પ્રેમની સભા થાય.

નામઘરની રીત ફેલાય તો ગામમાં પ્રેમ વધશે. પ્રાર્થનામાં આપણે ઈશ્ર્વર સમીપે બેસીએ છીએ. વૃત્તિ અંતરર્મુખ હોય છે. ત્યાં ન કોઈ મંત્રી હોય છે, ન કોઈ પંડિત, ન શ્રીમાન, ન કોઈ ઊંચી કે નીચી જાતિ. તમામ ભેદ ઈશ્ર્વર સામે ખતમ થઈ જાય છે. નામઘર થકી નામસ્મરણ થાય છે અને દોષ દૂર થઈ જાય છે. તેનાથી ગામની શક્તિ બને છે. તેની અસર અન્ય યોજના પર પણ થશે.

મન અને સૃષ્ટિ

અંતર્બાહ્ય સર્વ એક છે. મનની શરીર પર અસર થાય છે અને શરીરની મન પર. મનમાં ઉચાટ હશે તો પાચનક્રિયા પર તેની વિપરીત અસર થશે. આ જેમ દેહ વિશે છે – મનની શરીર પર અને શરીરની મન પર અસર થવી – તેવી રીતે મનની સૃષ્ટિ પર અને સૃષ્ટિની મન પર અસર થાય છે. હવે જો મનમાં જે કલ્પનાઓ ઊઠે છે તેને જો રોકી દેવામાં આવે તો સૃષ્ટિ નહીં રહે. સૃષ્ટિ કલ્પનાથી નિર્માણ થાય છે. જેવી કલ્પના સમાપ્ત થઈ કે સૃષ્ટિ સમાપ્ત થઈ જાણવી. આ કલ્પનાવાદી છે.

આનાથી ઊલટું. મન કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. સૃષ્ટિની જ મન પર અસર થાય છે અને તેથી મન બને છે. પર્વતીય વિસ્તારના રહીશનું મન અલગ, ફળદ્રુપ જમીન વિસ્તારમાં રહેનારનું મન અલગ, સુમદ્રતટે રહેનારનું અલગ. આમ સૃષ્ટિને કારણે મનની રચના થાય છે તેવું કેટલાક લોકો માને છે. તેઓ વસ્તુવાદી કહેવાય છે. માકર્સ, શંકર વસ્તુવાદી છે.

બંને બાબતો સાચી છે. મન અને સૃષ્ટિને અલગ અલગ માનવાથી નહીં ચાલે. મન સૃષ્ટિનો જ હિસ્સો છે. તેથી તેને કાલ્પનિક નહીં માની શકાય. તો વસ્તુવાદીઓને – માકર્સ વગેરેને – એટલે કે ડાયલેક્ટિકલ મટીરિયલીઝમને કેટલાક લોકો ભૌતિકવાદ કહે છે, પરંતુ તે ઉચિત નથી. સૃષ્ટિ અને પદાર્થનું સ્વરૂપ શું છે, તે પરમાણુજનિત છે કે ક્વૉન્ટમરૂપ, તે વિશે ડાયલિક્ટિક મટીરિયાલીઝમમાં વિચાર કરાયો નથી. લેનિને તો કહી દીધેલું કે સૃષ્ટિના સ્વરૂપ વિશે આપણે કોઈ લેવા-દેવા નથી. એ વિષય આપણે શાસ્ત્રજ્ઞોને સોંપીએ. પરંતુ સૃષ્ટિ મૂળ છે એમ પાકું માનીએ. શંકરાચાર્ય આ વસ્તુવાદીઓથી એટલે અંશે અલગ છે કે તેમણે સૃષ્ટિને મિથ્યા માની છે અને બ્રહ્મને સત્ય માન્યું છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે સૃષ્ટિ છે જ નહીં, તેવું શંકરાચાર્ય કહે છે. સૃષ્ટિનો આકાર બદલાતો રહે છે અને તે બદલનાર વસ્તુ બ્રહ્મ છે, એવું તેઓ માને છે. તથા બ્રહ્મ ચેતના છે તેમ તેઓ માને છે. મને પણ વિચાર અને અનુભવથી તેમની વાત માફક આવે છે.

કેટલાય લોકો ઈશ્ર્વરને માનતા નથી. સૃષ્ટિ કોઈએ બનાવી છે તેવું તો શંકરાચાર્ય પણ નથી માનતા. ‘पत्युरसमंजस्यात’ એવું એમનું સૂત્ર જ છે. (બ્રહ્મસૂત્ર 2-2-37) સૃષ્ટિ અંતરાત્માથી ભિન્ન છે. કુંભાર જેમ માટલું બનાવે છે તેમ ઈશ્ર્વરે સૃષ્ટિ બનાવી, એ કલ્પના ઈસાઈ ચર્ચવાળાની છે. વેદાંતમાં આવી કલ્પના નથી.

ઈશ્ર્વર છે જ નહીં એવું ભૌતિકવાદી કહે છે. પરંતુ તેમની આ વાત વધુ પડતી કહેવાશે. ઈશ્ર્વર છે કે નહીં તેનો નિર્ણય નથી થયો, એટલું તેઓ કહી શકે. સૃષ્ટિથી ઈશ્ર્વર આવતા નથી. સૃષ્ટિનું મન પર અને મનની સૃષ્ટિ પર અસર થાય છે.

ઈશ્ર્વર અને સૃષ્ટિના વિશે ચર્ચા કરનારાઓને ગૌડપાદે “સૃષ્ટિ ચિંતક નામ આપ્યું છે (માંડૂક્ય કારિકા 1.7) અને આ સૃષ્ટિ-ચિંતાને મુક્તિ માર્ગમાં બાધક માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધે એ જ રૂખ લીધો છે. બાદરાયણે रचनानुपपत्तेश्च नानुमान्म् – ઈશ્ર્વરની રચનાનો તાગ મેળવવો અનુમાનનો વિષય નથી – આવા શબ્દોમાં સૃષ્ટિ-ચિંતનાનો નિષેધ કર્યો છે. સૃષ્ટિ-ચિંતાના આ ભ્રમને જે છોડી શકે છે એ પોતાને જાણી શકે છે. આ વિષે બુદ્ધ અને બાદરાયણ, ગૌડપદ અને તુલસીદાસ એકમત છે.

કોઉ કહ સત્ય, ઝૂઠ કહ કોઉ, જુગલ પ્રબલ કોઉ માનૈ

તુલસીદાસ પરિહરે તીનિ ભ્રમ, સો આપન પહિચાને.

અને લેનિને પણ કહ્યું છે કે, “સૃષ્ટિના સ્વરૂપનો નિર્ણય વિજ્ઞાન પર છોડવો જોઈએ, વિજ્ઞાન જે ફેંસલો આપે તે માનવામાં આવે. પરંતુ કમબખ્ત વિજ્ઞાન હજુ સુધી ફેંસલો આપી શક્યું નથી.

ભગવાને ગીતામાં ममवांशो जीवलोके जीवभूत: सनातन: (15-7) આ શબ્દોમાં જીવેશ્ર્વર સંબંધ વર્ણવ્યો છે. હવે આ અંશ એટલે શું, એ વાદ-વિષય છે. આ વાદ-વિષય જ બને કારણ કે એ નિર્વિવાદ વિષય નથી. કારણ કે તેમાં અનુભવનો સવાલ છે. અને ઈશ્ર્વર-તત્ત્વનો અનુભવ એક જ રીતે થાય તેવો એકાંગી નથી. જીવ પરિશુદ્ધ થઈ મુક્તિમાં ઈશ્ર્વરસેવા કરનારા અલગ રહેશે અથવા ઈશ્ર્વરમાં લીન રહેશે, એ ચર્યા વૈદિક, અવૈદિક, અન્ય-વૈદિક એવા ત્રણેય પ્રકારના દાર્શનિકોમાં ચાલે છે. અદ્વૈતીઓના પણ અનેક પંથ છે. કોઈ બ્રહ્મમાં લીન થવા ચાહે છે, કોઈ ‘બ્રહ્મ-ભાવ’ પસંદ કરે છે, કોઈ “બ્રહ્મરૂપેણ અવસ્થાન માન્ય કરે છે. ગીતાએ ‘બ્રહ્મનિર્વાણ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો બુદ્ધે બ્રહ્મનો ભાર કાઢી નાખીને કેવળ ‘નિર્વાણ’થી જ સંતોષ માન્યો છે. કબીર ‘અપને’માં મસ્ત છે. અને ચૈતન્ય મહાપ્રભુ તો નીલસાગરને ભગવાનનું રૂપ સમજીને તેમાં ડૂબીને દેહ-વિસર્જન કરી દે છે. ગીતાએ 14મા અધ્યાયમાં આરંભે मम साधमर्यम् કહ્યું. અને સમાપ્તિ “मद् भावम्” શબ્દથી કરી. એક જ ગ્રંથમાં આવી દ્વિધા છે. તુલસીદાસજીની રુચિ આ બાબતે ખૂબ જ વિનોદમય ભાષામાં બતાવી છે. ભગવાન ભક્ત પર ખિજાય તો તેને મુક્તિ માટે મોકલી દે છે. અને રીઝાય તો તેના વશમાં આવી જાય છે.

પ્રશ્ન સનતકુમારનો

સનતકુમાર મહાજ્ઞાની હતા. એમણે બ્રહ્મદેવને પ્રશ્ર્ન પૂછેલો. સવાલ કઠણ હતો. પ્રશ્ર્ન વિષ્ણુ પાસે ગયો. પ્રશ્ર્ન પૂછેલો કે, આ જે ત્રિગુણાત્મક સૃષ્ટિ (ઓબ્જેક્ટીવ વર્લ્ડ – જે ઇન્દ્રિયોનો, વિજ્ઞાનનો વિષય) છે, તેનાથી ચિત્ત બન્યું છે કે ચિત્તથી ત્રિગુણાત્મક સૃષ્ટિ બની છે ? એટલે કે ચિત્તની અસર સૃષ્ટિ પર થાય છે કે સૃષ્ટિની અસર ચિત્ત પર થાય છે ? બિલકુલ માર્ક્સિસ્ટ થિયરીનો સવાલ છે. માકર્સે કહ્યું છે કે આપણી કલ્પના, ચિત્ત (માઇન્ડ) પૂરું આ સૃષ્ટિથી બનેલું છે. તેથી સૃષ્ટિમાં પરિવર્તન કરીશું તો ચિત્તનું પરિવર્તન થશે. ચિત્ત બન્યું છે આસપાસની પરિસ્થિતિ અને વાતાવરણથી. એ પરિસ્થિતિને બદલીશું તો ચિત્ત બદલાઈ જશે.

પહેલાંના વખતમાં દૂરસ્થ પુત્રનો પત્ર જો 4-6 મહિને મળે તો યે સમાધાન થઈ જતું. હવે 6-7 દિવસે પણ પત્ર આવે તો યે સમાધાન નથી થતું. અઠવાડિયે બે પત્રો મળવા જોઈએ. ખબર મળવી જોઈએ, એવું લાગે છે. પહેલાં 4-6 મહિને પત્ર મળતાં સમાધાન થતું. હવે તો છ માસ એ દિર્ઘકાળ બની ગયો ! ચિત્તમાં ચંચળતા પેદા થઈ, તે આ નવાં સાધનો બન્યાં તેનાથી થઈ. એટલે કે પરિસ્થિતિમાં પરિવર્તન થયું તેનાથી ચિત્તમાં પરિવર્તન થયું, માકર્સનો આ સિદ્ધાંત હેગેલના આધારે છે કે સૃષ્ટિનું ચિત્ત બન્યું છે. તેને અહીં ત્રિગુણ કહ્યું છે, તેનાથી ચિત્ત બન્યું છે.

આનાથી ઊલટું માનનારા કહે છે, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. મારા ચિત્તમાં અપ્રસન્નતા હોય ત્યારે સૃષ્ટિ પ્રસન્ન હોય તોયે મને અપ્રસન્ન લાગશે. પુત્ર મરી ગયો તો સૃષ્ટિ શૂન્ય લાગે છે. સૃષ્ટિ તેને આનંદ દેવા અસમર્થ છે. ચિત્તની જ સૃષ્ટિ પર અસર થાય છે તેવું માનનારાને આયડિયાલિસ્ટ – ધ્યેયવાદી કહે છે અને સૃષ્ટિની ચિત્ત પર અસર થાય છે તેવું માનનારને રિયાલિસ્ટ-વાસ્તવવાદી કહે છે.

અહીં સનતકુમારને જવાબ મળે છે – આ ‘બિંબ-પ્રતિબિંબ’ છે. બંનેની પરસ્પર અસર થાય છે. પરંતુ સમજવાની વાત એ છે કે આપણે એ બંનેથી અલગ છીએ. આપણે ત્રીજા છીએ. માકર્સ આ ત્રીજાને નથી જાણતો. કોની અસર કોના પર થાય છે એ વસ્તુ ગૌણ છે. એ બંનેથી આપણે ભિન્ન છીએ એ વાત મહત્ત્વની છે.

ત્રૈગુણ્ય વિચાર

સાંખ્યોએ વિશ્ર્લેષણ કરીને પ્રકૃતિના ત્રણ ગુણો બતાવ્યા છે. સાંખ્યોએ કેવળ સમાજનું વિશ્ર્લેષણ નથી કર્યું, બલ્કે સૃષ્ટિનું પણ વિશ્ર્લેષણ કર્યું છે. સમાજ, સૃષ્ટિ અને ચિત્ત – એ ત્રણેયનું વિશ્ર્લેષણ કરી એ દરેકમાં ત્રિગુણોની ઉપપત્તિ શોધી કાઢી છે. આ ઉપપત્તિઓ આપણે માટે દરેક પ્રકારે લાભદાયી છે. સમાજવ્યવહારમાં ચિત્તને પ્રસન્ન રાખવામાં, ચિત્તનો ઉપયોગ કરવામાં, તેના પર અંકુશ રાખવામાં અને સૃષ્ટિનાં મૂળભૂત તથ્યોને શોધવામાં આ ત્રૈગુણ્ય વિચાર બહુ જ લાભદાયી છે.

સાંખ્યોએ જે ત્રૈગુણ્ય-સિદ્ધાંતનું વર્ણન કર્યું છે, તે ત્રણ ગુણ ચિત્ત, સમાજ અને સૃષ્ટિમાં પોતાની રીતે રહેલા છે. આ સિદ્ધાંત જ્યારથી સામે આવ્યો ત્યારથી કાયમ છે. તે વેદાંતમાં બેજોડ સાબિત થયો. તેનું ખંડન ન થયું, ન થઈ શકે. તેનું સ્થાન કોઈ બીજો લઈ શકે તેમ નથી.

ત્રૈગુણ્યની આ ઉપપત્તિ અદ્ભુત છે. પેન, પુસ્તક, મૂર્તિ આ બધામાં સત્ત્વ-રજ-તમ ત્રણેય ગુણો ભર્યા છે. આ સૃષ્ટિગત ચીજો છે તેથી જડ માનવામાં આવે છે. પરંતુ આ જડ દેખાતી વસ્તુઓમાં પણ આ ત્રણેય ગુણ ભરેલા છે. આપણા મનમાં જે ભાવનાઓના તરંગો ઊઠે છે, તે કોઈ વ્યાખ્યાતાના વ્યાખ્યાન કરતાં ઓછા નથી. ‘ગુરુબોધ’ તો  જડ છે, પણ એને વાંચવાથી જે જ્ઞાન મળે છે, તે અદ્ભુત જ છે. આ પેન દેખાય છે જડ. એમાં ચૈતન્ય નથી તે કબૂલ નથી. શેક્સપિયરની પેન ઇંગ્લેન્ડમાં રાખી છે. લોકો તેને જોવા આજે પણ જાય છે. શા માટે જાય છે ? એટલા માટે કે એ પેનમાં કંઈક તો અવશ્ય હશે. આમ સૃષ્ટિમાં સત્ત્વ, રજ, તમોગુણ ભરેલા છે.

મનન

મનન કરનાર પુરુષ કેટલો ઊંચો ચઢે છે, તેની ગતિનું કોઈ માપ નથી. મનન કરનારની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે. તેની સીમા નથી. મનનની હદ આવી ગઈ, એવું નહીં કહી શકીએ. એકાગ્ર મનનનું સ્વરૂપ અંકિત કરવા, કોઈ ચર્ચામંડળ બેસશે તો કાગળ, શાહી, લેખનહાર, પૂરા નહીં પડે. ભગવાનનું આવું ‘નિરંજન’ નામ છે, કે કોઈ વિરલા જ એ જાણી શકશે, જેણે મનન કરવાની કળા હાંસલ કરી છે. મનન કરનારનો આ સૌથી મોટો મહિમા છે, કે તે ભગવાનના નામને જાણશે.

મનન કરવાથી, આખાયે વિશ્ર્વની ખબર મળી રહે છે. જે ભગવાનનું મનન કરે છે, તેને ભગવાનની વિભૂતિઓ વિશ્ર્વમાં ફેલાયેલી છે, તેવું જ્ઞાન થાય છે. પછી વિશ્ર્વનું અલગ મનન કરવાની જરૂર નથી રહેતી. તેને માટે વિશ્ર્વનું રાજ ખૂલી જાય છે.

મનન કરનારના માર્ગમાં રૂકાવટ નથી આવતી. મનન કરનાર મનુષ્ય પંથોના રસ્તે નહીં ચાલે. તે પોતે ધર્મતત્ત્વ સમજી લેશે. મનન કરવાથી ગુરુ ખુદ તરે છે અને શિષ્યને પણ તારે છે. નાનક કહે છે, મનન કરવાથી દુનિયામાં ભીખ નહીં માંગવી પડે. એટલે કે મનન કરનારે ભવસાગરમાં ચક્કર નહીં મારવા પડે. નાનક જપુજીમાં કહે છે – ધૌલુ ધરમું દઈઆ કા પૂતુ, સંતોખુ થાપિ રખિઆ જિનિ સૂતિ જે કો બુઝૈ હોવૈ સચિઆરુ. ધવલૈ ઉષરિ કેતા ભારુ. અહીં નાનકે સૃષ્ટિરચનાનું એક સૂત્ર જ કહી દીધું છે. ધર્મ ધવલ, સફેદ રંગનો એક બળદ છે. મહાભારતમાં કહ્યું છે, धर्मो वृष: . તે કૃતયુગમાં ચાર પગ વાળો હોય છે, ત્રેતાયુગમાં તેનો એક પગ કપાઈ જાય છે.

દ્વાપરમાં બે પગ કપાઈ જાય છે અને કળિયુગમાં માત્ર એક પગ પર ચાલે છે. આ ધર્મરૂપી બળદ આખી દુનિયાનો ભાર સંભાળી રહ્યો છે. કયો છે આ બળદ જે પૃથ્વીનો બોજ ઉઠાવી રહ્યો છે ? તે ધર્મ છે, જે દયાનો પુત્ર છે. ગાય બળદની જનની છે. તો અહીં દયાને ગાયનું રૂપ આપ્યું છે. દયારૂપી ગૌમાતાનો પુત્ર બળદ છે, ધર્મ છે, જેણે સંતોષ દ્વારા, પરસ્પર સંતોષના આધાર પર દુનિયામાં ‘સૂતિ’ એટલે સુવ્યવસ્થિત યોજના, રચના, સુસંગતિ, સુસંવાદ બનાવ્યો છે. તેણે સંતોષથી દુનિયામાં એકતાનતા, એકરસતા પેદા કરી છે. મૂળમાં દયા, પરમેશ્ર્વરની કરુણા, ઉત્પન્ન થઈ, ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ, અન્યથા તે હતી જ સ્વયંભૂ. પરંતુ કરુણાને લઈને સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને ધર્મે તેનો ભાર ઉઠાવ્યો. આ રાજાનો વજીર સંતોષ છે, જેના વિના સૃષ્ટિ-વ્યવસ્થા, અસંભવ. તેને લઈને જ એકસૂત્રતા, એકરસતા ઉત્પન્ન થઈ.

ધરતીની ઉપર ધરતી છે. ખગોળશાસ્ત્ર શીખીશું, ત્યારે ધ્યાનમાં આવશે કે ઉપર ને ઉપર કેટ-કેટલું છે. વેદમાં ‘અધમર્ષણ સૂક્ત’ છે, જે સંધ્યોપાસનામાં બોલાય છે. વેદના એકએક મંત્રનો ઉપયોગ, ભિન્ન ભિન્ન પાપોને નાશ કરવા માટે થાય છે. પરંતુ અધમર્ષણ સૂક્ત બધાં પાપોને ધૂએ છે. આ સૂક્તમાં પાપ વિનાશનનો કોઈ ઉલ્લેખ નથી, બલ્કે તેમાં એવું બતાવાયું છે કે સૃષ્ટિ કેવી રીતે બની. પરમેશ્ર્વરે આરંભે જપ કર્યો, તો એમને સૂઝ્યુ નહીં કે સૃષ્ટિ શી રીતે બને. પછી એમણે તપ કર્યું, ચિંતન કર્યું. સર્જન માટે જ્ઞાનયુક્ત તપ કર્યું. એમણે ચિંતન કરીને ‘ઋત’ અને ‘સત્ય’ આ બે તત્ત્વ મેળવ્યાં. પછી તેમાંથી દિવસ, રાત્રિ, સૂર્ય, ચંદ્ર, કાળ વગેરે ઉત્પન્ન થયા. તેમાં સૃષ્ટિ-રચના કરવાનું, તેની વિશાળતાનું, તેના મૂળમાં જઈને સંશોધન કરવાનું તત્ત્વ સમજાવ્યું છે. તેના પરિણામ સ્વરૂપે ચિત્તમાં અહંકાર રહી ન શકે. આ શરીરની શુદ્રતા પ્રતિક્ષણ પ્રતીત થશે, તો એવા મનુષ્યથી પાપ નહીં થાય. વેદના સૂક્તમાં આ જે કહ્યું છે તે જ નાનકે થોડામાં અહીં કહ્યું છે, કે જે આ સૃષ્ટિ-રચનાને સમજશે, તે સત્યસ્વરૂપ બનશે. જે એના વિશે વિચારશે, તેના ધ્યાનમાં આવશે કે ઉપર ઉપર કેટકેટલું છે. પૂછવામાં આવ્યું છે કે ધર્મરૂપ બળદ જે આ બધો ભાર ઉઠાવી રહ્યો છે, તેની નીચે કયું બળ છે ? બધાનો આધાર ધર્મ (ધારણ કરનાર) છે, પરંતુ આખરે તો ધર્મનો પણ કોઈ આધાર હોવો જોઈએ. ધર્મનો કોના પર આધાર છે ? એ વિશે વિચારતાં વિચારતાં પરમેશ્ર્વરની પાસે પહોંચી જઈએ છીએ.

દુનિયામાં અનેક જીવ, અનેક જાતિ-પ્રજાતિ, અનેક રંગ અને તેનાં નામ, તે બધું ભગવાનના લેખનમાં અંકિત છે, જે એક ચાલી આવેલા લેખનપ્રવાહમાં અથવા ચાલુ કલમથી સતત લખાઈ રહ્યું છે. એનો હિસાબ બીજો કોણ લખી શકશે ? કોઈ લખવા બેસશે તો તે કેટલો મોટો હશે? ભગવાનનું બળ કેટલું અપાર છે ? એનું રૂપ કેટલું સુંદર છે ? તેની દેણ કેટલી છે, તેની શક્તિનો, તેના ઔદાર્યનો, તેના સૌંદર્યનો, પૂરેપૂરો હિસાબ કેવી રીતે બતાવી શકાશે ? તેનો વિસ્તાર કેટલો બધો છે ? ટૂંક સંક્ષિપ્તમાં ઉત્તર છે – ‘એક શબ્દ’. બાઇબલમાં આવે છે કે આરંભમાં શબ્દ હતો. સૃષ્ટિ શબ્દ-પ્રસવા છે. અહીં પણ એ જ કહ્યું છે. આરંભમાં પરમેશ્ર્વરનો એક જ શબ્દ હતો. તે એક ઉદ્ગમ સ્થાનમાંથી લાખો નદીઓ પ્રગટી છે. એટલે કે એક જ શબ્દમાંથી લાખો વિચાર-પ્રવાહ ફૂટી નીકળ્યા છે.

પરમેશ્ર્વરને શું પસંદ હશે તેનો અંદાજ શુદ્ધ વ્યક્તિને હોય છે. હૃદયશુદ્ધિ પછી અંતરાત્મામાં તેનો અણસાર આવે છે.

વિનોબા

(‘મનન’ નામનું લખાણ ગુરુ નાનકના જપુજીમાંથી  લીધુ છે.)              – સંકલિત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s