પુસ્તક સંસ્કારના અનોખા પ્રસારક : જયંત મેઘાણી

ગુજરાતના એક સ્નેહશીલ ગ્રંથવિદ્ અને મેઘાણી-સાહિત્ય માટેની  અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ 4 ડિસેમ્બર 2020ના રોજ મોડી સવારે 83 વર્ષની વયે ભાનગરના તેમના નિવાસસ્થાને આ દુનિયાની વિદાય લીધી. જયંતભાઈએ ઝકઝોળી દે તેવાં પુસ્તકો દ્વારા  પિતા ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને વાચકો સમક્ષ મૂક્યું. આ રીતે પુસ્તકો તૈયાર કરવાનું, એટલે કે મેઘાણીસાહિત્યના સંપાદનનું, આગવી સૂઝથી કરેલું કામ તે જયંતભાઈનું ચિરંજીવી પ્રદાન છે. તેની ગુજરાતી વિવેચનમાં નહીંવત્ કદર થઈ છે.  

ઉત્તમ પુસ્તકોના  વિક્રેતા, પ્રકાશક અને  પ્રસારક જયંતભાઈને મળનાર વ્યક્તિ માટે તેમનાં સૌજન્યશીલ  વાણીવર્તન તેમ જ ‘પ્રસાર’ નામના તેમના પુસ્તક ભંડારની મુલાકાત બંને હંમેશાં પ્રસન્નતાકારક રહેતાં. તેઓ કેટલાંક વર્ષો માટે કર્મભૂમિ ભાવનગરના ‘ગાંધી સ્મૃતિ ગ્રંથાલય’ના સમર્પિત ગ્રંથપાલ પણ હતા. રવીન્દ્રનાથ ટાગોરના ભાવક જયંતભાઈએ કવિવરની રચનાઓના અનુવાદનાં બે પુસ્તકો આપ્યાં છે. વળી, ‘ઉદ્દેશ’, ‘શબ્દસૃષ્ટિ’ માસિકો અને મુખ્યત્વે ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિકમાં આવેલા તેમના લેખમાંથી ગ્રંથ સૂચિ સંબંધિત લેખો અભ્યાસ અને નવા દૃષ્ટિબિંદુથી પ્રભાવિત કરે છે. વ્યક્તિઓ તેમજ પુસ્તકો પરના, મુલાયમ અને લાગણીસભર શૈલીથી રસાયેલા લેખો વારંવાર વાંચવાનું મન થાય તેવા છે.

કિશોરો  માટે ગુજરાતી તેમ જ  અંગ્રેજી ભાષામાં તેમણે લખેલી ‘ગાંધી ચિત્રકથા’  (નવજીવન ટ્રસ્ટ, 2016 ) બંને ભાષાઓના  સરળ, સુરેખ ગદ્યનો નમૂનો બની રહે છે. સહુથી વધુ તો, બહુ  સુઘડ ચિત્રાંકનોને  સમાંતરે અહીં જયંતભાઈ ઊગતા વાચકો માટે ‘સત્યના પ્રયોગો’માંથી જે સહજતાથી અવતરણો વણી લે છે તે બેનમૂન છે ! આખરી દિવસોમાં જયંતભાઈ કર્મશીલ મિત્તલબહેન પટેલે લખેલાં ‘સરનામાં વિનાનાં માનવીઓ’ નામના પુસ્તક્નો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યા હતા. (ઉમાશંકર જોશીની ‘શ્રાવણી મેળો’ વાર્તાનો તેમનો અંગ્રેજી અનુવાદ કવિતા જેવો ભાસે છે!) વિચરતા અને વિમુક્ત સમુદાયોનાં વીતક વર્ણવતા આ કરુણતાભર્યાં પુસ્તકને અંગ્રેજીમાં લઈ જવા પાછળની જયંતભાઈની સંવેદના સમાજે તરછોડેલા લોકોના ઉત્થાનના કાર્યમાં પોતાની રીતે સહયોગ આપવાની હતી.

જયંતભાઈનું ચૂકી જવાય  તેવું એક પાસું એ કે તેમણે ગુજરાતભરના કેટલાક લેખકો, ચિત્રકારો,વાચનપ્રેમીઓ, ગ્રંથપાલો અને રસિકજનોને મૂલ્યવાન માહિતી, સહજ માર્ગદર્શન, દિલાવર કદરબૂજ કે આયોજન-સહાય થકી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, પણ વ્યક્તિઓને તેનો ભાર લાગવા દીધો ન હતો, કે પોતે ય તે રાખ્યો ન હતો. પ્રશંસા કે પ્રસિદ્ધિ તો દૂરની વાત, આ  ગ્રંથનિષ્ણાત તો મંચથી પણ દૂર રહેતા. ફૂલહાર લેતા, સન્માન સ્વીકારતા કે મંચ પરથી ભાષણ કરતા જયંતભાઈનો ફોટો મેળવવો લગભગ અશક્ય ! આમ, ઝાકળ જેવા અણદીઠ રહેનાર જયંતભાઈ અનેક સહૃદયોનાં  જીવનમાં એક પ્રેમાળ સંસ્કારશિલ્પી તરીકેનું સ્થાન પામ્યા હતા. 

જયંતભાઈએ 2004ની શરૂઆતમાં આ લખનારને તેની વિનંતીથી તેમનો સ્વપરિચય લખી મોકલ્યો હતો. જે શબ્દશ: આ મુજબ છે :

જન્મ : બોટાદ, ઑગસ્ટ  1938. અભ્યાસ: બી.કોમ. માંડ માંડ, જરાય રસ વિના, 1960. ગ્રંથાલય વિજ્ઞાનનો ડિપ્લોમા, ખૂબ રસપૂર્વક, વડોદરા 1962. કામકાજ : કૉલેજકાળનાં ચાર વર્ષ સવારે ભણીને બપોર પછી લોકમિલાપ કાર્યાલયમાં એપ્રેન્ટિસશીપ. બી.કોમ. પછી ગાંધી સ્મૃતિના ગ્રંથાલયની જવાબદારી. પુસ્તકોમાં રસ કેમ પડ્યો ? યાદ આવે છે કે મારાં બા અમને પાંચ ભાંડરાંને ઉછેરતાં, અર્થોપાર્જનની પ્રવૃત્તિ પણ કરતાં અને બાકીનો સમય પુસ્તકોનો ભરપૂર સંગ સેવતાં. ભાવનગરનાં ત્રણ મુખ્ય પુસ્તકાલયોમાંથી દસ-પંદર પુસ્તકોનો થેલો લઈને ચાલતાં આવતાં આજેય નજર સમક્ષ તરવરે છે. પુસ્તકોથી ભર્યું ઘર, બાની વાતો, એમાં પુસ્તક-સંસ્કારનું બીજારોપણ હશે. કોલેજના ફાજલ સમયમાં મારા બરનાં ન હોય એવાં પણ થોથાં અને સામયિકો ઊથલાવ્યા કરતો, તેમાંથી ઉતારાઓ કરતો. તેના પર પછી પડ ચડ્યું મહેન્દ્રભાઈના સાન્નિધ્ય અને તાલીમનું. આવી ભૂમિકા સાથે 1961માં ગ્રંથાલય વિજ્ઞાન ભણવા વડોદરા ગયો.

મહેન્દ્ર ભાઈ મેઘાણી અને જયંતભાઈ મેઘાણી

વડોદરા ઓતપ્રોત થઈને ભણ્યો ખરો, પણ ઘણું ખૂટતું લાગતું. હવે ગાંધીસ્મૃતિ ગ્રંથાલયનું કામ કંઈક સમજપૂર્વક કરતો થયો. દરેક બાબતને અવળસવળ કરીને તપાસવાની અને અભિનવ અજમાયશો કરવાની લગની સેવતો. ગ્રંથાલય પ્રયોગશાળા બન્યું. જે છ-સાત વર્ષ કામ કર્યું એ સુવર્ણકાળ ઠર્યો. આ પ્રયોગશાળાએ મને ઘડ્યો. ગ્રંથાલયને અદકો ઘાટ આપવા મથ્યો – પણ બધું અભાનપણે. વાંચવાનો આનંદ ભરપૂર માણ્યો, એક ‘પેશન’ બન્યો.

ગ્રંથાલયમાં જેને વિસ્તરણ પ્રવૃત્તિ કહે છે તેવા કાર્યક્રમો અજમાવ્યા: પ્રદર્શનો, સાહિત્યિક કાર્યક્રમો, સંગીત-શ્રવણના કાર્યક્રમો. આજે હવે પ્રચલિત બની ગયેલી ગ્રંથગોષ્ઠીની પ્રવૃત્તિનો પ્રયોગ ત્યારે કરેલો. અરે, વિદ્યાર્થી-વાચકોનો પ્રવાસ પણ કર્યાનું યાદ છે ! – આ બધું ચાર દાયકા પહેલાં.

ગ્રંથાલયનું કાર્યક્ષેત્ર છોડીને 1968માં લોકમિલાપ ટ્રસ્ટમાં ગયો. એ કાળ હતો મહેન્દ્રભાઈના એક સ્વપ્નસમી ‘ભારત-દર્શન’ પુસ્તક પ્રદર્શનોની ગાંધીશતાબ્દી યોજનાની તૈયારીનો. ભારત વિશેનાં પુસ્તકોનો એક ચુનંદો સંગ્રહ અનેક દેશોમાં પ્રદર્શિત કરવાની યોજના હતી. યુરોપ અને અમેરિકાના દેશોમાં પ્રદર્શન લઈને મહેન્દ્રભાઈ ગયા હતા. મારે ભાગે ઑસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ-ફિજી હતા.

દેવરાજ પટેલ નામના એક મિત્ર સાથે 1977માં યુરોપના પંદરેક દેશોમાં બે મહિના સુધી રખડપટ્ટી કરી.

વ્યાવસાયિક ત્રિભેટે આવીને ઊભો રહ્યો તે 1972માં. લોકમિલાપ છોડવાનું થયું. ગ્રંથાલય ક્ષેત્રે પાછા ફરવાની એક મોટી તક હજુ હતી. અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ અને આસિસ્ટન્ટશીપ મારી રાહ જોઈ રહ્યાં હતાં. મોટી મુરાદ હતી કે ઇન્ડિયન સ્ટડીઝનો  એક વિશિષ્ટ ગ્રંથપાલ બનું, નિર્ણય કરવાનો હતો. અમેરિકા ભણવા જવું યા તો ‘પ્રસાર’ નામે પુસ્તકોની હાટડી શરૂ કરવી. છેવટે ‘પ્રસાર’નો વિકલ્પ અપનાવ્યો. ટેબલ, ટાઇપરાઇટર, બુકશેલ્ફ ને સાઇકલ સાથે 1972ની અધવચ્ચે ‘પ્રસાર’નો આરંભ કર્યો. યોગાનુયોગ એ આંતરરાષ્ટ્રીય પુસ્તકવર્ષ હતું.

ગ્રંથાલય વિજ્ઞાનનું ભણતર અને પુસ્તક-પ્રસારનો અનુભવ એ બંનેના સંચિત થયેલા સંયોજને ‘પ્રસાર’ને એક જુદેરો ઘાટ આપ્યો. અહીં પણ ગ્રંથગોષ્ઠીના વાર્તાલાપો થતા. ‘પ્રસાર’નું જેવું સ્વરૂપ ઝંખતો હતો એવું જ એક અનોખું પુસ્તકતીર્થ પેરીસમાં સીન નદીને તીરે પાંગર્યું છે એ જાણ્યું. ઑક્સફર્ડમાં આવેલો વિખ્યાત ‘બ્લેકવેલ’ પુસ્તક-ભંડાર પણ મારો બીજો એક આદર્શ.

ઉપરોક્ત સ્વકથનમાં જયંતભાઈએ ફ્રાન્સના જે પુસ્તકતીર્થનો ઉલ્લેખ કર્યો છે તે ‘શેક્સપિયર ઍન્ડ કંપની’. તેના વિશે જયંતભાઈએ પુસ્તકભંડારના  સ્થાપક જ્યોર્જ વ્હિટમેનને શ્રદ્ધાંજલિ નિમિત્તે એક સુંદર લેખ ‘ઉદ્દેશ’ માસિક (જાન્યુઆરી 2012)માં લખ્યો છે. તેનું શીર્ષક જયંતભાઈના જીવનકાર્યને પણ લાગુ પડે છે – ‘પુસ્તક સંસ્કારના અનોખા પ્રસારક’.

પુસ્તકધામ ‘પ્રસાર’નો જયંતભાઈએ  સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં સંકેલો કર્યો. તે વખતે તેમણે એક નોંધ મિત્રોને મેઇલ કરી હતી :    

 પ્રથમ સંતાન જેટલું પ્રિય પ્રસાર આજે વિરમે છે. પુસ્તક-વેચાણનો વ્યવસાય આવી પડ્યો એ એક સંયોગ હતો :  કામ પસંદગીનું નહોતું. ‘વેચવા’નું કામ કદી રુચ્યું નહીં, તેથી તે વિસ્તાર વ્યાપારના સીમાડાઓની તમા રાખ્યા વિના થતો ગયો. મેઘાણી-સાહિત્યના સંપાદન અને પ્રકાશનની કામગીરીએ આપેલી અપૂર્વ સંતૃપ્તિએ આ ચાર દીવાલોમાં પ્રાણનો સંચાર કરેલો. અવનવા પ્રયોગો કરવાનો આનંદ પણ મેળવ્યો. નોખી ભાતનાં સૂચિપત્રો પણ બનાવ્યાં. દેશ અને વિદેશનાં ગ્રંથાલયો ગુજરાતી પુસ્તકો વસાવવા માટે પ્રસારની પસંદગી પર આધાર રાખતાં.

એક કાળે અહીં દર મહિને ગ્રંથગોષ્ઠીના કાર્યક્રમો થતા : અવનવાં પુસ્તકો વિશે વાતો કરવા અહીં મૂળશંકર મો. ભટ્ટ, મીરા ભટ્ટ, ભોળાભાઈ પટેલ અને નરોત્તમ પલાણ જેવાં માનવંતાં વાચકો આવી ગયાં. પછી તો ગુજરાતમાં અન્યત્ર પણ ગ્રંથગોષ્ઠી-પ્રવૃત્તિ શરૂ થયેલી. એલ્વિન ટોફલરના પુસ્તક ‘ધ થર્ડ વેવ’ વિશે તો એક પરિસંવાદ ત્રણ કલાકે અધૂરો રહ્યો ને બીજે અઠવાડિયે તેની પુરવણી-બેઠક કરવી પડેલી એ એક રોમાંચક સાંભરણ છે. આવા ગંભીર પુસ્તક વિશે ચર્ચા સાંભળવા ભાવનગરના સરદારસ્મૃતિનો સભાખંડ નાનો પડેલો. પ્રસારે અણમૂલ મૈત્રીઓ અપાવી છે. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, હરિવલ્લભ ભાયાણી, નિરંજન ભગત, જયંત પાઠક, જયંત કોઠારી અને મધુસૂદન ઢાંકી જેવા વરિષ્ઠ વિદ્યાપુરુષોને આવકારવાનો લહાવો પ્રસારને મળ્યો છે. સુરેશ દલાલે પ્રસારને ભાવનગરનું એક તીર્થસ્થાન માનેલું. એક વાર

અમેરિકાની કોલંબીઆ યુનિવર્સિટીના ઇતિહાસજ્ઞ, મૂળ ગુજરાતી, મહમૂદ મામદાણી અચાનક આવેલા. સાથેનાં સન્નારીનો પરિચય આપતાં કહે, મારાં પત્ની મીરા નાયર… : ઓહો ! એક ખ્યાતિવંત ફિલ્મ-સર્જક આંગણે અતિથિ હતાં! યાદ કરવા બેસીએ તો નગીનદાસ પારેખ, પ્રદ્યુમ્ન તન્ના, નગીનદાસ સંઘવી, વીરચંદ ધરમશી, જયંત કોઠારી, જયંત પાઠક, રઘુવીર ચૌધરી, ધીરેન્દ્ર મહેતા, સિતાંશુ યશશ્ર્ચંદ્ર… એ સહુ એકદા પુસ્તકોની આ નાનકડી દુનિયાની મિટ્ટીમાં પદચિહ્ન મૂકી ગયેલાં. દીપક મહેતા અને જિતેન્દ્ર દેસાઈ, એ બે પુસ્તકવિદો પ્રસારના મિત્રો રહ્યા. ‘દર્શક’  અહીં આવીને પુસ્તકોનો સંગ કરતા કે મૂળશંકર મો. ભટ્ટ વારંવાર ચોપડીઓ જોવા આવતા એ દિવસો સ્મરણીય છે. પ્રકાંડ અમેરિકન

ભારત-નિષ્ણાત યુજીન સ્મિથ પાંત્રીસેક વરસ પહેલાં અમેરિકાના રાષ્ટ્રીય ગ્રંથાલયને ગુજરાતી પુસ્તકો મોકલવાની કામગીરી પ્રસારને સોંપવા અર્થે આવેલા. મધ્યકાલીન ગુજરાતના ફ્રેન્ચ અભ્યાસી ફ્રાંસવા માલિસોં,  જર્મન ભારતવિદ્ જ્યોર્જ બાઉમન, ગુજરાત-અભ્યાસીઓ રોહિત બારોટ, ડેવીડ હાર્ડીમન, પરિતા મુક્તા, વિપુલ કલ્યાણી,અજય સ્કારીઆ, અને અપર્ણા કાપડીઆના મૈત્રીભાવ થકી પ્રસાર ભીનું છે. ભારતનો પ્રકાશક મહાસંઘ દર વરસે દરેક ભાષાના એક પુસ્તક-ભંડારને સન્માને છે;  એક વાર એ સન્માન પ્રસારને ભાગે આવેલું.

પુસ્તક-વિક્રયનો પણ અનેરો આનંદ હોય છે. પુસ્તક-પ્રસારની એવી આકંઠ તૃપ્તિ સાથે વ્યવસાયમાંથી વિદાય લેતી વેળા નિવૃત્તિનો સ્વાભાવિક, સહજ ભાવ છે. કાળના વિશાળ પટમાં આ પ્રવાસ હતો; પિસ્તાલીસ વરસે એ પ્રયાણ પૂરું થાય છે. આરંભ હોય છે તેનો વિરામ પણ હોય છે- આવો નરવો ભાવ જ સહાયક છે. આ સફરના સાથીઓ-સંગીઓ-સદ્ભાવીજનોને સલામ પાઠવવાની આ વેળ છે.’    

‘પ્રસારે’ જયંતભાઈને લખતાં-વાંચતાં જનોના એક વર્ગને પ્રિયપાત્ર બનાવ્યો. કૃત્રિમ ન લાગે તે રીતે સજાવેલી આ નાનકડી દુકાનમાં અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુ વાચકો, ગૃહિણીઓ અને બાળકો માટે ચૂંટેલાં પુસ્તકોનું નાનું ઝરણું અહીં નિરંતર વહેતું રહેતું. ગામડાંગામનો કોઈ ગ્રંથપાલ અહીં આવીને પુસ્તકો વીણતો જોવા મળે. દેશ-વિદેશની કેટલીક શિક્ષણ-સંશોધન સંસ્થાઓ અને લાઇબ્રેરીઓ માટેનાં પાર્સલો પણ અહીંથી રવાના થતાં હોય, એક તબક્કે તો ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ માટેનાં પણ !

પુસ્તકો ઉપરાંત લોકકલા-હસ્તકલાની વસ્તુઓ, કલાત્મક કાગળો, સુશોભિત સ્ટેશનરી, ગ્રીટિન્ગ કાર્ડસ, ડાયરીઓ, સુગમ  તેમ જ શાસ્ત્રીય સંગીતની કેસેટો અને સી.ડી. જેવું વસ્તુવૈવિધ્ય પ્રસારના કલા-હાટમાં સુલભ હોય. માહોલમાં કલાસ્પર્શ અનુભવાય.

 જયંતભાઈના મોટા ભાઈ મહેન્દ્રભાઈની ભાવેણાની પુસ્તકોની દુકાન ‘લોકમિલાપ’, તેમનાથી  નાના ભાઈ દિવંગત નાનકભાઈની અમદાવાદની દુકાન ‘ગ્રંથાગાર’ અને જયંતભાઈની દુકાન ‘પ્રસાર’. ત્રણેય ‘બુકસેલર’ મેઘાણીપુત્રોએ,  તેમના પિતાએ 16 જૂન 1934ના ‘જન્મભૂમિ’માં લખેલા શબ્દોને સાર્થક કર્યા છે : ‘બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે.’

‘પ્રસાર’ પુસ્તકપ્રસાર અને વેચાણ ઉપરાંત પ્રકાશનમાં પણ વિસ્તર્યું. મેઘાણીભાઈનાં પુસ્તકો ઉપરાંત, ગુજરાતી વાચકોમાં ‘પ્રસાર’નું હંમેશ માટે યાદગાર  બની રહેલું પુસ્તક તે ‘સળગતાં સૂરજમુખી’ (1994). તેમાં જયંતભાઈના મોટા ભાઈ વિનોદ મેઘાણીએ વિખ્યાત અમર ચિતારા વિન્સેન્ટ વાન ગોગનું જીવન આલેખતી, અમેરિકન લેખક  અરવિન્ગ સ્ટોનની નવલકથા ‘લસ્ટ ફોર લાઇફ’ને ગુજરાતીમાં ઉતારી છે. વાચક પર ભારે અસર ઉપજાવનાર અનુવાદ ઉપરાંત દુર્લભ  ચિત્રોનું ઉત્તમ પુનર્મુદ્રણ આ પુસ્તકની જણસ  છે.


તમને આ પણ વાંચવું ગમશે


‘પ્રસાર’ના બુકસેલરને તો બેવડો ફાયદો હતો તે ‘લોકમિલાપ’ની તાલીમ અને ગ્રંથાલય વિજ્ઞાનના ડિપ્લોમા ધરાવવાનો. ભાવનગરના ‘ગાંધી સ્મૃતિ ગ્રંથાલય’માંની અત્યાર સુધીની સક્રિયતા 1962માં ગ્રંથપાલ તરીકેની નિમણૂકમાં પરિણમી હતી. જયંતભાઈ ગ્રંથાલયને અદકો ઘાટ આપવા લાગ્યા. કબાટોનાં તાળાં દૂર કરી દીધાં. ગ્રંથાલયને  ઓરડાઓમાં વહેંચનારી દીવાલોને દૂર કરીને તેને એક વિશાળ રૂપ આપ્યું. વાચકોને ડગલે ને પગલે આત્મીયતાથી મદદ કરી. ભારતીય ગ્રંથાલય વિજ્ઞાનના પ્રણેતા એસ.આર.રંગનાથનને અભિપ્રેત ‘ગ્રંથાલયી સદાસેવી પંચસૂત્રી-પરાયણ’ વૃત્તિથી જયંતભાઈએ ગ્રંથાલય સંભાળ્યું. 

પુસ્તકાલયના સંકુલમાં પુસ્તક પ્રદર્શન, ગ્રંથગોષ્ઠી અને સંગીતની મહેફિલો જેવા કાર્યક્રમો યોજ્યા. કેટલાંક પીઢ ભાવેણાવાસીઓને રસિક વાચકો માટેના પુસ્તકબાગની ઉજાણી જેવાં અને સંશોધકો માટેના સુવર્ણકાળ જેવાં એ વર્ષો સાંભરે છે. એ સંભારણાં કેટલાંક વિદ્વાનોએ આ લખનારને 2004ના વર્ષની શરૂઆતમાં લખી મોકલ્યાં હતાંં. તેમાં ગાંધીવિચારનાં અભ્યાસી દક્ષાબહેન પટ્ટણી, અર્થશાસ્ત્રના અધ્યાપક બદરીપ્રસાદ ભટ્ટ, વિખ્યાત ચિત્રકાર ખોડીદાસ પરમાર, સંસ્કૃતના અધ્યાપક રશ્મીકાન્ત મહેતાના પત્રોનો  સમાવેશ થતો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રંથાલય વિભાગના અધ્યક્ષ તરીકે જયંતભાઈની જ નિમણૂક થશે એવું લગભગ ધારી લેવામાં આવેલું. પણ ગાંધીસ્મૃતિ સંસ્થામાંના રસ અને લગાવને કારણે જયંતભાઈએ અરજી સુધ્ધાં ન કરી.

સમગ્ર મેઘાણી સાહિત્યનું જયંતભાઈનું સંપાદનકાર્ય એ ગુજરાતી સાહિત્યના પુસ્તક સંપાદનક્ષેત્રે અત્યારના સમયમાં કદાચ એક સર્વોચ્ચ શિખર છે. ઘણાં લોકો  નિવૃત્ત થાય તે વયે એટલે કે અઠ્ઠાવનમા વર્ષે જયંતભાઈએ  સમગ્ર મેઘાણી સાહિત્યની દસ હજાર પાનાંની યોજના મેઘાણી જન્મશતાબ્દીના 1996ના વર્ષમાં ઉપાડી અને પછીની જ સાલમાં અસલ સોના જેવું ‘સોના-નાવડી’ આપ્યું.

સમગ્ર મેઘાણી સાહિત્યના ગ્રંથો

મેઘાણી પરિવારની આ યોજનાનો મુખ્ય હેતુ લેખકના સાહિત્યની પ્રમાણભૂત વાચના લોકો સમક્ષ મૂકવાનો હતો. આ જરૂરી પણ હતું. અનેક કારણોસર મેઘાણીનું સર્જન-સંશોધન પુસ્તકો, તેમની અનેક આવૃત્તિઓ, અખબારી લખાણો, સંશોધનનાં ટાંચણો, વ્યાખ્યાનો જેવાં કેટલાંય સ્વરૂપે અસ્તવ્યસ્ત  હતું. પ્રકાશનસાલ, તખલ્લુસો વચ્ચેથી લેખકની ઓળખ, લખાણોમાં લેખકે પોતે કરેલા સુધારા-વધારા,પુસ્તકોની પછીની આવૃત્તિઓમાં સંપાદકો થકી ઉમેરણો-બાદબાકીઓ, પ્રસ્તાવનાઓ અને ટિપ્પણો જેવા સંખ્યાબધ પ્રશ્ર્નો જયંતભાઈએ તર્કપૂર્ણ રીતે હલ કર્યા છે. અગ્રંથસ્થ લખાણો ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ’ અખબારોની જૂની ફાઇલો ઉપરાંત સામયિકોના અંકોમાંથી શોધ્યા છે.આ બધાં થકી જયંતભાઈએ મેઘાણી-સાહિત્યનો અધિકૃત પાઠ તૈયાર કર્યો છે. આ પ્રક્રિયાની માહિતી તેમણે જે-તે ગ્રંથમાં ટૂંકાં, તટસ્થ નિવેદનોમાં આપી છે. તેમાંના પડકારો સંશોધકે બિટ્વિન ધ લાઇન્સ વાંચવા પડે છે.

સંશોધક ન હોય એવા વાચનપ્રેમી માટે સહુથી નોંધપાત્ર બાબત તે જયંતભાઈના પુસ્તકનિર્માણની સૌંદર્યદૃષ્ટિ. રેખાંકનો અને તસવીરોની તેમની સૂઝ જાણીતી છે.પૂરક સામગ્રી તરીકે મેઘાણીના હસ્તાક્ષરનો ઉપયોગ વાચકને રોમાંચિત કરી દે છે. શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થ પણ કેટલાક ગ્રંથોમાં છે. પુસ્તકને શક્ય એટલું યુઝર-ફ્રેન્ડલિ બનાવવા માટે જયંતભાઈ જે સૂચિઓ આપે છે તે એમની અનોખી સિદ્ધિ છે. તેમને હાથે તૈયાર થયેલી સ્થળસૂચિ,પાત્રસૂચિ, ગીતો/કવિતાઓની સ્મરણપંક્તિઓની સૂચિ,અનુકૃતિઓની તેમ જ તેમની મૂળ કૃતિઓની સૂચિ અને ઉલ્લેખસૂચિ ખાસ અભ્યાસવા જેવી છે. જયંતભાઈનું સંપાદનકાર્ય પિતૃતર્પણથી આગળ વધીને સાહિત્ય માટેનો ઊંડો લગાવ, સંપાદનકળાની જાતે કેળવેલી સમજ અને વંદનીય કર્તવ્યનિષ્ઠા બતાવે છે. ઔપચારિક અર્થમાં જયંતભાઈ સાહિત્યના અધ્યાપક કે સંશોધક નથી. પણ તેમના સંપાદનમાં વૈજ્ઞાનિકતા, વ્યાપ અને વ્યાસંગ વિરલ છે.

સમગ્ર મેઘાણી સાહિત્યનાં જયંતભાઈ દ્વારા સંપાદિત કેટલાંક પુસ્તકો પ્રસાર અને ગુર્જર પ્રકાશનોએ બહાર પાડ્યાં હતાં. તેમને આમેજ કરીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ નામે  19 ગ્રંથોની યોજના કરી. તેમાં લેખકનાં પંચ્યાશી જેટલાં પુસ્તકોમાંથી છેંતાળીસ પુસ્તકોના પંદર ગ્રંથો જયંતભાઈની હયાતીમાં પ્રસિદ્ધ થયા. નવેક પુસ્તકોને સમાવનાર ચાર ગ્રંથો પર હજુ જયંતભાઈ કામ કરી રહ્યા હતા. તેમાં મેઘાણીભાઈએ સર્જેલી નવલકથાઓ ઉપરાંત ચરિત્ર, ઇતિહાસ, પત્રકારત્વ અને અંગ્રેજી લેખોના પુસ્તકોનો સમાવેશ થતો હતો. ઓગણીસમા ક્રમનો ગ્રંથ ‘મેઘાણી-સંદર્ભ’ નામનો ખૂબ વિશિષ્ટ શાસ્ત્રીય ગ્રંથ તરીકે પ્રયોજ્યો હતો. તેની અજોડ સામગ્રી આ મુજબ હતી : જીવનક્રમ, છબિ-સંગ્રહ, મેઘાણી-ગ્રંથસૂચિ, મેઘાણી વિષયક સાહિત્ય સૂચિ, રચનાક્રમ-આલેખ, સમગ્ર મેઘાણી-સાહિત્યની પાત્રસૂચિ અને સ્થળસૂચિ, મેઘાણીના જીવન અને સાહિત્ય વિષયક નકશા.

સંપાદક જયંત મેઘાણીની પોતીકી સમજ અને માવજતની મુદ્રા સાથેનાં 7674 પાનાંની આ ગ્રંથમાળામાં ખાસ ધ્યાન દોરવા જેવી  બાબત એ છે કે  જયંતભાઈએ આ કામ એકંદરે અનામી  રહીને કર્યું છે. જયંતભાઈની મહત્તા તેમની નમ્રતા અને શાલીનતા હેઠળ હંમેશાં ઢંકાતી રહી છે. બધા જ ગ્રંથોમાં જયંતભાઈનું નિવેદન મીતભાષી અને ઊઘડતા જમણા પાને નહીં પણ ડાબા પાને છે. તેમનું નામ નાના ફોન્ટમાં આછી છપામણીમાં જોવા મળે છે. આમ તો જયંતભાઈ એ મૂકવાનું જ પસંદ ન કરે. પણ બંધુવર્ય મહેન્દ્રભાઈની વાત માની લીધી કે પ્રસિદ્ધિ તરીકે નહીં પણ જવાબદારી તરીકે પણ નામ મૂકવું પડે !     

વર્ષોના પુસ્તક-સંગાથે જયંતભાઈને ‘બુકમેન’ બનાવ્યા. પુસ્તકમાં જેનો જીવ હોય અને પુસ્તક જેની જિંદગી હોય તેવા પુસ્તકોના માણસનું – બુકમેનનું કુળ આપણે ત્યાં દોહ્યલું છે.પુસ્તકની ગુણવત્તા ઉપરાંત તેની માંડણી, છપામણી, બાંધણી, ગોઠવણી, સારણી, સાચવણી, વહેંચણી જેવી બાબતો વિશે જયંતભાઈ જેટલું જાણનારા ઓછા મળે. મુદ્રણ અને પ્રકાશન, ગ્રંથવ્યવસાય તેમ જ ગ્રંથાલય પ્રવૃત્તિના ઇતિહાસ તેમ જ વર્તમાન એ જાણે, ગ્રંથસંગ્રાહકો અને ગ્રંથઘેલાઓને પિછાણે. પુસ્તકોની દુનિયાનાં અનેકવિધ પાસાં વિશેનાં ‘બુક્સ અબાઉટ બુક્સ’ તરીકે ઓળખાતાં દુર્લભ પુસ્તકોનો જયંતભાઈ પાસે સંગ્રહ હતો.

આવા ગ્રંથજ્ઞ જયંતભાઈ વર્ષો સુધી એક મહત્ત્વનું વ્યાવસાયિક કામ કરતા હતા. અમેરિકાના વોશિન્ગટન ડી.સી.ખાતેના દુનિયાના સહુથી મોટા ગણાતા ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ ગ્રંથાલયમાં ગુજરાતી પુસ્તકો વ્યાવસાયિક ધોરણે પૂરાં પાડવાનું કામ ‘પ્રસાર’ ત્રણેક દાયકાથી કરતું રહ્યું છે. લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસની મહત્તા જાણનાર સહુને સમજાય કે આપણા એક પુસ્તક વિક્રેતાની આ ઘણી મોટી સિદ્ધિ હતી.

ગ્રંથોમાંની સૂચિઓ ઉપરાંત વાચકોને પુસ્તકો અંગે માહિતી માટેની ઝંખનાથી બહાર પાડેલાં  નમણાં અને ગ્રંથનામ સભર સૂચિપત્રો (કેટલોગ્સ) જયંતભાઈની ઉપલબ્ધિ. તેમાં  બે-ત્રણ લીટીમાં પુસ્તકોનો લઘુ પરિચય આપવાની જયંતભાઈની હથોટી.

નિર્મળતા અને નમ્રતા, સંસ્કારિતા અને સંકોચશીલતા જયંતભાઈના રોમેરોમમાં હતી. ઓછાબોલા અને અતડા હોવાની છાપ ઝડપથી ભૂંસાઈ જતી, અને તેમના વ્યક્તિત્વની હૂંફ અનુભવાતી. માત-પિતાના લાડકા ‘બંટુ’ અને સ્વામી આનંદના ‘બંટુ દોસ્ત’ની મોટી મિરાત મૈત્રીની હતી. મિત્રો સાથે ઘણા પ્રવાસ કરેલા. મિત્રોને પોતે બનાવેલાં પી-નટ બટર, બુક માર્કસ, અનોખા  વોલ પીસેસ, દુર્લભ પુસ્તકોની મૂળ કદમાં કઢાવેલી ઝેરોક્સ પ્રત જેવી  ભેટ આપે. પ્રસંગે તેમણે લખેલા પત્રો ફરી ને ફરી વાંચવાનું મન થાય.  સ્વતંત્રપણે કરેલા અતિ મૂલ્યવાન કામ વિશે અભિમાન નહીં, બલકે અલ્પતાનો અહેસાસ. પોતાની જાતને ઓછી મહત્ત્વની માને. નામ કરતાં કામ વિશે વાત કરવાનું વારંવાર કહે. ‘પુસ્તકપ્રસારના કામ પાછળ રસ અને મહેનત ચોક્કસ છે’ એ જણાવીને સ્પષ્ટ કરે કે એમનો એ વ્યવસાય છે, મિશન નથી. તેમના કામ માટેનું શ્રેય તેમના ઉછેર, સંજોગો અને ભાવનગરને આપે. તે કહેતા : બબ્બે ગ્રંથભંડારો ચલાવનારા આ નાનકડા શહેર ભાવનગરના લોકોને ધન્ય છે.

જયંતભાઈએ ખુદ વિશેની એક નોંધમાં લખ્યું છે : ‘મિત્રો, પુસ્તકપ્રેમીઓ, જ્ઞાનરસિકો મને બુકમેન તરીકે ઓળખે છે. એથી વધુ આકાંક્ષા નથી. આ બુકમેન-પણાએ મને કેટલાક સરસ મિત્રોનું વૃંદ આપ્યું છે. જગતનાં ઉત્તમ પુસ્તકોની સોબત આપી છે – પછી એમ થાય કે બસ, બીજું કાંઈ નથી જોઈતું.’       

– સંજય સ્વાતિ ભાવે


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s