પૂર્વભૂમિકા :
દેશના મીઠાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 74% મીઠું ગુજરાત બનાવે છે. ગુજરાતમાં મીઠું દરિયાકાંઠે અને કચ્છના નાના રણમાં પાકે છે. દરિયાકાંઠે માત્ર કરકચ પ્રકારનું મીઠું પાકે છે, જે અગરિયા દ્વારા અને નાની, મધ્યમ અને મોટી કંપનીઓ દ્વારા પકવવામાં આવે છે. મધ્યમ અને મોટી કંપનીઓમાં યાંત્રિક પદ્ધતિથી મીઠું પકવવામાં આવે છે, જ્યારે નાના એકમોમાં હજુ પણ બાવડાના જોરે અગરિયા મીઠું પકવે છે. કચ્છના નાના રણમાં મીઠું માત્ર બાવડાના જોરે અગરિયાઓ દ્વારા પારંપરિક પદ્ધતિથી પકવવામાં આવે છે.
કચ્છનું નાનું રણ 5000 ચો.મી.ના ત્રિકોણાકાર વિસ્તારમાં ફેલાયેલું છે, રણની ફરતે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લા આવેલા છે. આ જિલ્લાનાં લગભગ 108 ઉપરાંત ગામોમાંથી અગરિયા સમુદાય દર વર્ષે 8 માસ માટે મીઠું પકવવા રણમાં આવે છે. આશરે 6000 જેટલા પરિવારો રણમાં સ્થળાંતર કરે છે, કેટલાંક અગરિયા કચ્છ અને ભરુચના દરિયાકાંઠે મીઠું પકવવા જાય છે. રણની ગરમી, ઠંડી, ખારા પવન, અને પાયાની સુવિધાઓનો અભાવ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે આ કોમ વર્ષોથી મીઠાની ખેતી કરે છે. અગરિયા હિતરક્ષક મંચ તરીકે એમની વચ્ચે છેલ્લા દોઢ દાયકાઓથી કામ કરતાં આ પરિસ્થિતિ, તેના કારણો, સરકારની નીતિઓ, પડકારો, આવેલા બદલાવ વગેરેને જોવાનો પ્રયાસ આ લેખમાં કર્યો છે.
સમુદાયના જીવનમાં કોઈ બદલાવ આવ્યો છે ? તે કેટલો ટકાઉ છે ? શું કરવું જોઈએ ? કેમ કરવાથી અગરિયાનું જીવનધોરણ સુધરશે? આ બધા પ્રશ્ર્નોને સમજવા (ઉકેલ નહીં…!!), નીચેના મુદ્દાઓને સરકારના કાર્યક્રમો, નીતિઓ, થયેલા પ્રયાસો અને પડકારોના દૃષ્ટિકોણથી સમજવા પડે. રણ 4 મહિના પાણીથી ભરેલું અને 8 મહિના માટે સૂકી ભટ જમીન હોય છે. એટલે જે કોઈ આયોજન થાય તે માત્ર 8 માસ માટે, અને તે પણ દર વર્ષે નવેસરથી કરવાનું. પાછું રણ સૂકું થવાની પ્રક્રિયા સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ક્યારેક નવેમ્બર સુધી ચાલે. એટલે રણના જુદા-જુદા ભાગમાં તેનો સમયગાળો પણ જુદો-જુદો હોય છે.
પાણી :
અગરિયા રણમાં જાય ત્યારે તેમની સાથે પાણી ભરવા મોટી, નાની ટાંકીઓ, ડબ્બાઓ લઈને જાય. જતાં જે ટાંકી ભરીને લઈ જાય તેમાં શરૂઆતના કેટલાય દિવસો કાઢવાના હોય છે. ટેન્કરો તો રણ સૂકું થાય ત્યારે આવે. 2008-09 સુધી, રણમાં તમામ અગરિયાઓ વેચાતું પાણી લઈને વાપરતા. પણ રાજ્યની એમ્પાવર્ડ કમિટીમાં ખૂબ જ ચર્ચા અને દબાણ બાદ સરકાર રણમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા માટે તૈયાર થઈ. હવે ચાર જિલ્લાની પાણી પુરવઠાની કચેરીઓ રણમાં પાણી પહોંચાડવાનું આયોજન કરે છે. બ્રિટિશરાજ વખતે તો અહીં પાઈપલાઈનથી પાણી પૂરું પાડવામાં આવતું. પણ અત્યારે બહુ ઓછા વિસ્તારમાં પાઈપલાઈન છે. એટલે ચાર જિલ્લાના પાણી પુરવઠા વિભાગો દ્વારા કોન્ટ્રેક્ટર દ્વારા અથવા સીધી રીતે ટેંકરોથી પાણી પૂરું પાડે છે. લગભગ 3 કરોડ રૂપિયા ઉપરાંત ખર્ચ સરકાર પાણી પૂરું પાડવા માટે કરે છે. ટેંકરોની અનિયમિતતા, પાણીની ગુણવત્તા આ પ્રશ્ર્નો સતત નડે.

એટલે અઠવાડિયે પાણી મળે તો નસીબ. અને તેમાં ઉનાળો આવે એટલે 10 દિવસે. પરિવારો પાસે પાણી સાચવવા ટાંકીઓ નહીં. સાંતલપુર રણમાં ટ્રેક્ટર ઉપર માઉન્ટ કરેલા નાના ટેંકરોની વ્યવસ્થા કરી છે. રણમાં પાણી પૂરું પાડવા બાબત પાણી પુરવઠા વિભાગ અને ઉદ્યોગ વિભાગ વચ્ચે બજેટને લઈને હજુ પણ સહમતી નથી. પાણી પુરવઠા વિભાગના નિયમિત બજેટમાં અગરિયા માટે પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને ખર્ચને લઈને કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો. અપૂરતી પાણીની ઉપલબ્ધતાને લીધે અગરિયા સમુદાય, ખાસ કરીને બહેનોને સ્વચ્છતા અને આરોગ્યની ખૂબ જ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. દરેક અગરિયા પરિવાર કમ સે કમ પીવાના પાણી માટે આત્મનિર્ભર બને તે માટે નવા પ્રયોગો થવા જોઈએ. વર્ષો પહેલાં સેન્ટ્રલ સૉલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, ભાવનગર ડી-સેલિનેશન યુનિટ કરેલા. પણ તે બહુ ચાલ્યા નહીં.
આરોગ્ય :
અગરિયામાં વ્યાવસાયિક (એટલે ખારાં પાણી, ખારી હવા, તડકો વગેરેના કારણે થતા) રોગો જેવા કે ચામડી, આંખોની તકલીફ, બીપી વગેરે તકલીફો ઉપરાંત કુપોષણ, ટીબી, બહેનોના પ્રજનન સ્વાસ્થ્યના સવાલો ખૂબ જ ગંભીર છે. માતામૃત્યુ, બાળમૃત્યુ થાય છે. કમળો, પેટનો દુ:ખાવો, મલેરિયા, ઝાડા-ઊલટી, બાળકોમાં ગુમડાં વગેરે અનેક આરોગ્યની તકલીફો મોટા પ્રમાણમાં છે. કાંધી પર આવેલા PHC માંથી આરોગ્ય વાન દ્વારા રણની મુલાકાત લઈ આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની કોશિશ થાય છે. રુટ પ્લાન મુજબ રણના જુદા-જુદા ભાગમાં આ ગાડી જાય છે. પણ તેમાં કાયમી ડૉકટર હોતા નથી. મહિલા નર્સ હોતાં નથી. જીપની અંદર બહેનોની તપાસ કરવી શક્ય હોતી નથી. લોહીની તપાસ થાય તેવી કોઈ સુવિધા હોતી નથી. ક્યારેક રણમાં આરોગ્ય કેમ્પો થાય તો ક્યારેક નહીં. કારણ રણ જે “સર્વે નંબર ઝીરો તરીકે ઓળખાય છે, તે તેમના રેગ્યુલર આયોજનનો ભાગ જ નથી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) જ્યારે જિલ્લાનું બજેટ બનાવે ત્યારે રણમાં જતા લોકો માટે કશું ખાસ વિચારતા નથી.
આઠેક વર્ષ પહેલાં એક વખત 4 જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ સાથે મળીને રણ માટે 2 કરોડનું આરોગ્યનું બજેટ બનાવેલું. પણ અધિકારીઓ બદલાય એટલે પહેલાંનું કશું આગળ ચાલે નહીં. ‘નવી ગિલ્લી, નવો દાવ’ની જેમ દર વર્ષે એકડ એકથી રજૂઆતો કરવી પડે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રણમાં જતાં અગરિયાના આરોગ્યની કોઈ ખાસ જવાબદારી લેવા માંગતો નથી. આરોગ્ય વિશે જાગૃતિ લાવવાના વિષય પર તો હજુ વિચારાયું પણ નથી. આશાવર્કર રણમાં કેવી રીતે જશે? કુટુંબ નિયોજન, રસીકરણ, પોષણ, આ બધી વાતોથી લોકોને વાકેફ કોણ કરશે ? આ બાબતે સરકારે ક્યારેય વિચાર્યું નથી.
રણઆશા, આરોગ્ય વર્કરની નિમણૂક માટે ઘણા પ્રયત્નો ચાલુ છે. રણઆશા તો માત્ર ખારાગોઢા રણમાં એક વર્ષ માટે નિમાયા હતા. આ વર્ષે સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા રણઆશાની નિમણૂક માટે કહ્યું છે. પણ તે તંત્રમાં કેટલું આગળ વધશે તેની કોઈ ખાતરી નહીં. 10 પાસ બહેન રણમાં મળશે નહીં. કેસ ઉપર મહેનતાણું નક્કી કરીએ તો તે શક્ય નથી. આ બધા માટે ગાંધીનગર સ્તરે નિર્ણયો લેવા પડે. રણ જેવી પરિસ્થિતિને અનુરૂપ કશુંક નવતર કરવા માટેની પહેલ ન તો જિલ્લા આરોગ્ય અધિકારી લે છે, કે ન જિલ્લા આરોગ્ય સોસાયટી. આ વિસ્તારોમાં ડોક્ટર, નર્સ, અન્ય સ્ટાફની પણ અછત. કોઈ કામ કરવા ઝટ તૈયાર થતા નથી.
આરોગ્ય તંત્રમાં માણસો ન હોવા, એક મોટી મુશ્કેલી બની રહી છે. 3 વર્ષ પહેલાં સંજીવની વાન (મીની હોસ્પિટલ જેવું મેડિકલ યુનિટ) રણમાં શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય એમ્પાવર્ડ કમિટીમાં લેવાયો. પૈસા પણ આરોગ્ય વિભાગને મળ્યા. પણ 2 વર્ષે આરોગ્ય વિભાગે પૈસા પાછા આપી દીધા. હવે રણના કેટલાય ભાગમાં ભાડાની ઈકો ગાડીમાં દવા મૂકી “હેલ્થવાન તરીકે ચલાવવામાં આવે છે. 8 માસ માટે હજારો માતાઓ, સગર્ભા બહેનો આરોગ્ય સેવાઓના અભાવે વેદનાઓમાં જીવન વ્યતીત કરે છે.
તમને આ પણ વાંચવું ગમશે
કુપોષણ :
આજે દરેક ગામમાં આંગણવાડી છે. દૂરના ફળિયા હોય તો ત્યાં મીની આંગણવાડીની સુવિધા હોય છે. પણ રણમાં 6000 પરિવારો વચ્ચે કોઈ આંગણવાડી જ નથી. આંગણવાડી પર સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ, અને 0 થી 6 વર્ષ સુધીનાં બાળકો તમામની આરોગ્ય, અને પોષણની કાળજી રાખવામાં આવે છે. રણમાં 8 માસ માટે આ સેવા જ નથી. પૂરક પોષણ આહારના પેકેટ પહોંચાડવાનું આયોજન રણના કેટલાક વિસ્તાર માટે ક્યારેક થાય છે. તેમાં કોઈ આયોજન કે નિયમિતતા નથી. પહેલાં સરકારે કેટલીક સંસ્થાઓને મોબાઈલ આંગણવાડી ચલાવવા આપેલી. તે પણ રણમાં પહોંચી નથી. આ અંગે યુનિસેફ, IIPH જેવી સંસ્થાઓએ પણ સરકારને પ્રતિભાવ આપ્યો છે. અનેક વાર રજૂઆત કરી છે. આ વર્ષે ખારાગોઢા રણમાં રણ-આંગણવાડી માટે અલાયદું બજેટ ફાળવાયું છે. અને પહેલી વાર વિભાગે રણને તેમના આયોજનમાં લીધું છે.
ટેન્ટમાં અગરિયાના બહેનને રણ સિઝન પૂરતી નિમણૂક આપીને રણ-આંગણવાડી, પૂરક પોષણ, રણમાં મમતા દિવસની ઉજવણી આ બધું જ પહેલી વાર વિભાગ કરશે. કેવી રીતે કરવું ? તે કરતાં કરતાં શીખવાનું છે, કારણ આવી પરિસ્થિતિ કોઈ બીજી જગ્યાએ નથી. એટલે કોઈ મોડલ કોપી કરી શકાય નહીં પણ રણનું પોતાનું મોડલ ઊભું કરવું પડે. આ અંગે પોષણ અભિયાન દ્વારા આગેવાની લેવામાં આવી છે. અત્યાર સુધી 3 આયોજન બેઠકો થઈ છે. ડિસેમ્બરના આખર સુધી કદાચ પ્રથમ વાર રણ આંગણવાડી શરૂ થશે. બાળકોને ગરમ ગરમ ખાવાનું પીરસાશે. માતાઓને પૂરક આહારનો ટેકો મળશે. આઝાદી બાદ પહેલી વાર “રણના અગરિયા પરિવારોમાં વસતી મહિલાઓ અને બાળકો વિકાસવિભાગના આયોજનમાં આવ્યાં છે. અત્યાર સુધી કાંધી પરનાં ગામોમાં જે આંગણવાડીઓ છે, તેની સંખ્યા દર્શાવીને, અમો તમામ અગરિયાઓને સેવાઓ આપીએ છીએ, એવું વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સાચી રીતે આંગણવાડી આ વરસે શરૂ થશે, તેવી અપેક્ષા.
શિક્ષણ :
રણમાં દર વર્ષે હજારો બાળકો હોય. તેમના શિક્ષણ માટે પહેલાં સંસ્થાઓ દ્વારા નિશાળો અને હોસ્ટેલો ચલાવવામાં આવતી હતી. 2006માં શિક્ષણ વિભાગે કામની જગ્યાએ શાળા, અને ગામમાં હોસ્ટેલ એવી યોજના ઘડી કાઢી. શિક્ષણ વિભાગે તે માટે બજેટ ફાળવ્યું. પણ જવાબદારી વિભાગ લેવા તૈયાર ન હતું. કોઈ સંસ્થા દરખાસ્ત મૂકે તો સરકાર મોડા મોડા પૈસા આપે. પરિણામે આ યોજના ખાસ ચાલી નહીં. વખતો વખત ઊઠતી માંગ જોઈ સરકારે સર્વ શિક્ષા અભિયાનને જવાબદારી સોંપી. શિક્ષા અભિયાન એ શાળામાંથી બહાર ધકેલાઈ ગયેલાં બાળકો સાથે 2 કલાક પ્રવૃત્તિ કરી તેમને ફરી મુખ્ય શાળામાં લાવવા માટેનો કાર્યક્રમ છે. SSA ના સ્ટાફને રણમાં નિશાળ (આખા દિવસની) ચલાવવાનો અનુભવ ક્યાંથી હોય ? વળી બજેટ ? મધ્યાહ્ન ભોજન ? કોઈ આયોજન ન હતું.
અગરિયા હિતરક્ષક મંચ અને અન્ય સંસ્થાઓ પોતાનાથી બનતો થોડો ટેકો કરતી. ફરજિયાત શિક્ષણ ધારો આવ્યા બાદ આ મુદ્દાઓને કાયદાકીય ટેકો મળ્યો. રણનાં બાળકો “ડ્રોપ આઉટ/શાળા છોડી ગયેલાં બાળકો નથી, પણ તેઓ રણમાં સ્થળાંતર કરે છે, અને ત્યાં શાળા નથી, અને તે RTEનો ભંગ છે, તે વાત ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી. રણ શાળાને શિક્ષણ વિભાગે અપનાવી. વચ્ચે એક બે વર્ષ બાળકો નિશાળ વગરનાં, શિક્ષક વગરનાં રહ્યાં, કારણ, શિક્ષકો રણમાં જઈ ભણાવવા માટે તૈયાર ન હતા. તે માટે ઓફ સિઝન દરમ્યાન મંચની ટિમ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા શિક્ષકો સાથે સંવાદ કર્યો. તેમાંથી સંવેદનશીલ શિક્ષકો મળ્યાં.
ત્યાર પછીના વર્ષે ટેન્ટમાં શાળા પર મુખ્ય ધારાના શિક્ષકો આવે, નિશાળમાં મધ્યાહ્ન ભોજન મળે તેવું સત્તાવાર આયોજન, અને બજેટની જોગવાઈ થઈ. બે વર્ષ પહેલાં વાવાઝોડા દરમ્યાન જ્યારે ટેન્ટ તૂટ્યા, ત્યારે જૂની બસમાં ફેરફાર કરી તેમાં સ્માર્ટ કલાસ બનાવીને નિશાળ ચલાવવાનો વિચાર આવ્યો અને તે શિક્ષણમંત્રીશ્રી દ્વારા તરત ઝીલી લઈ અમલમાં મુકાયો. નિયામક પ્રાથમિક શિક્ષણ, SSA, ટ્રાન્સપોર્ટ વિભાગના અનોખા સંયુક્ત પ્રયોગ તરીકે રણ બસ શાળાનું આ બીજું વર્ષ હોત, પણ કોરોનાના કારણે નિશાળો બંધ છે. પણ હવે બસ રણ શાળા સરકારના આયોજનનો હિસ્સો છે.
સાથે-સાથે એમ્પાવર્ડ કમિટીમાં કાંધી પર હોસ્ટેલ બને તે માટે જજઅ દ્વારા દરખાસ્તો મૂકવા માટે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા હિમાયત કરી એમ્પાવર્ડ કમિટીમાં બજેટ મંજૂર કરાવ્યું. લગભગ 8 કરોડના ખર્ચે 7 હોસ્ટેલ બની છે. તેમાં 5 ધોરણથી ઉપરનાં બાળકો રહી ભણે છે (આ વર્ષે નિશાળ, હોસ્ટેલ કશું જ શરૂ કરાયું નથી). આ હોસ્ટેલનું વ્યવસ્થાપન SMC, SSA, નિશાળ, ગામ બધાં મળીને કરે છે. બાળકોને ભાવે તેવો નાસ્તો, મેનૂ, બધી વ્યવસ્થા અગરિયાનાં બાળકોને માફક આવે તેવી થાય તે માટે પણ ઘણા પ્રયત્નો થયા.
સાંતલપુર તાલુકામાં આવેલ હોસ્ટેલમાં સરકારે નક્કી કરેલ રેગ્યુલર મેનૂ કરતાં રણશાળા અને હોસ્ટેલમાં અગરિયા સમુદાયનો જે ખોરાક છે, તે પ્રકારનો મેનૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેવું ખાવાનું બનાવી શકે તેવા સ્થાનિકને શોધી તેમની નિમણૂક કરવામાં આવી. હજુ પણ ખારાગોઢાની હોસ્ટેલમાં આવી વ્યવસ્થા માટે સંકલન બાકી છે. રણ શાળાઓમાં અગરિયા પતિ-પત્નીની મધ્યાહ્ન ભોજન રસોઈયા તરીકે 8 માસ માટે નિમણૂક આપવામાં આવે છે, જેથી કરીને બાળકોને તેમને ભાવતું જમવાનું મળે. રણની અંદર ગરમ-ગરમ જમવાનું મળવાથી અગરિયાનાં બાળકોના મુખ પરની લાલાશ વધી છે. તેમને નિશાળ ગમે છે.
(ક્રમશ:)
અગરિયા હિત રક્ષક મંચ – પંક્તિ જોગ