શિક્ષક પાંચમા ધોરણના વિદ્યાર્થીને પૂછે કે, ગુજરાતમાં એકમાત્ર હવાખાવાનું સ્થળ કયું? બાળકોએ સાપુતારા, ગિરનાર જોયાં ન હોય પણ ભણવામાં આવે એટલે જવાબ આપશે, સાપુતારા. ડાંગ જિલ્લામાં દક્ષિણ-પૂર્વ તરફ મહારાષ્ટ્ર -ગુજરાતની સરહદ પર છેલ્લું ગામ સાપુતારા છે. ડાંગ જિલ્લો નદી, જંગલ અને પહાડોનો બનેલો ગુજરાતનો નાનો જિલ્લો, વસ્તીની ગીચતા ઓછી, ખેતીની ફળદ્રુપ જમીન ખરી પણ નાની સરખી. કુદરતી સંપદાથી ભરપૂર. રૂપિયાની ગરીબી પણ લોકોમાં જીવન જીવવાની કલા આજે પણ અકબંધ છે. કોઈપણ ગુજરાતીને સાપુતારા હવા ખાવા જવું હોય તો વાંકાચૂકા રસ્તે નદી, ઝરણાં પસાર કરવાં પડે.
સાપુતારા ઊંચાઈ પર હોવાથી દૂર દૂરનો પ્રદેશ જોઈ શકાય. કોઈપણ ટોચ પર જઈએ તો ત્યાંથી આજની રંગીન હોટલો, બંગલા દેખાય. સરોવર બનાવ્યાં છે તે પણ નજર લાગે તેવાં છે. સાથે સાથે એક ખૂણામાં વેરાન જગ્યામાં ગીચ નાનાં ઘરોનાં છાપરાં દેખાય. બીજી બાજુ જંગલની વચ્ચે છૂટાંછવાયાં સુંદર ખેતરો-ઘરો જોવા મળે. ડાંગ જિલ્લો પસાર કરીને આવતા પ્રવાસીઓની આંખો ‘ખુલ્લી’ હોય તો આ તફાવત તરત ઊડીને આંખે વળગે. ભાગ્યે જ કોઈ આ બાજુ ફરવા જતા હશે.
હા, આ નવાગામ છે, જ્યાંના લોકો 450 એકરના સાપુતારાના મૂળ માલિક. પરંતુ તેમને પચાસ વર્ષથી સરકારે 4.5 એકરમાં હડસેલી દીધાં છે. ગામતળની જમીન નામે થશે તેની રાહમાં બેઠા છે. એક બાજુ આલીશાન હોટલો, મોજમસ્તી કરવાની અલગ અલગ રાઈડ્સ, સનરાઈઝ-સનસેટ પોઇન્ટ, બોટિંગ, ઘોડેસવારી વગેરે વગેરે.
નાણાં ખર્ચો તે પ્રમાણે મજા મળે. અને પેલા મૂળ માલિકની રીતસરની બાદબાકી. જમીનમાલિકો બની ગયા છે પ્રવાસીઓના સફાઈ કામદાર, ચોકીદાર, વેઈટર, લારીવાળા. કોઈને કાયમી નોકરી નહીં. નવાગામમાં જઈને જોઈએ તો તેમનું રહેઠાણ ઘણી બધી ચાડી ખાય. સરખું મકાન બનાવવું છે પણ જમીનની માલિકી સાપુતારા ઓથોરિટીની એટલે ગમે ત્યારે ખસેડે. તેની ફડકમાં કોઈ વ્યવસ્થિત મકાન બનાવી શકતું નથી.
સરકારને 50 વર્ષ પહેલાં વિચાર આવ્યો કે દેશના માલેતુજાર શહેરમાં કંટાળી જાય કે થાકી જાય તો આરામદાયક જગ્યા અને આંખને આનંદ આપે તેવું કુદરતી સૌંદર્ય નિહાળવાની જગ્યા ગુજરાતમાં હોવી જોઈએ. તે પસંદગી સાપુતારા પર ઊતરી ત્યારથી આ મૂળ માલિકની વિતક કથા શરૂ થઈ. પચાસ વર્ષ પહેલાં નવાગામનાં 40 કુટુંબો 450 એકર જમીનના માલિક હતા. એમને પોતાનું જંગલ હતું. સરકારની કોઈ મદદ વગર પોતાનું રાજા જેવું જીવન જીવતા હતા. પણ આજે શહેરની ઝૂંપડપટ્ટી જેવી હાલતમાં તેઓ વસે છે. પેઢી દર પેઢીની કાયમી રોજગારીનું સાધન ન રહ્યું. ન રહી ખેતીની જમીન કે નથી રહી જંગલની જમીન. પશુપાલન કરવાનો સવાલ જ ઊભો થતો નથી. દરેક ઘરમાં પાણીનો નળ હોય તો મીટર પ્રમાણે પાણીનું બિલ ચૂકવવાનું. આજીવિકાનું એકમાત્ર સાધન પ્રવાસીઓની સેવા કરવી અને છૂટક મજૂરી.
ગામલોકોએ સરકારને વારંવાર વિનંતી કરી, વાટાઘાટો કરી પણ પરિણામ શૂન્ય. લોકોએ સૂચવ્યું કે જેમ હોટલમાં આવીને લોકો રહે છે તેમ અમારા ઘરમાં એક સારો રૂમ બનાવીએ તો પ્રવાસીઓ માટે ત્યાં રાતવાસો થઈ શકે અને પૂરક આવક મળે તેવી ’હોમ સ્ટે’ યોજના બનાવવી. સરકારે યોજના મંજૂર કરી. પરંતુ બેંક લોન લેવા ગયા ત્યારે બેંકવાળાએ કહ્યુ, ‘તમારા નામે જમીન નથી. તેથી બેંક લોન નહીં મળે.’ બીજી બાજુ સાપુતારા ઓથોરિટીએ બહારથી આવેલા જમીનના માલિક બની ગયેલા લોકોને હોમ સ્ટે બનાવવાની છૂટ આપી. તેઓ હોમ સ્ટે યોજનાનો લાભ ખાટી ગયા. ગામલોકો મોઢું વકાસીને જોઈ રહ્યા. ગામના આગેવાનો કહે, ‘અમે છેલ્લાં 30 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ. કોઈ સાંભળતું નથી. સત્તાપક્ષ કહે છે કે તમે અમને મત આપતા નથી તો તમારું કામ કેવી રીતે થાય!? એટલે આ વખતની પેટાચૂંટણીમાં પૂરેપૂરા મત સત્તાપક્ષને આપ્યા. જેથી જમીનની માલિકી પર સહી થઈ જાય.પણ એવું થયું નથી.
‘અમારે તો માત્ર બે જ ચૂંટણીમાં મત આપવાનો હોય છે, ગાંધીનગર અને બીજી દિલ્હી સરકાર માટે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમને મત આપવાનો અધિકાર નથી.’
ઓથોરિટીની જે સમિતિ છે તેમાં બધા બહારના. એટલે અમારો નિર્ણય તેઓ જ કરે. તેથી અમારી માતૃભૂમિમાં અમે ગેરકાયદેસર-બહારના-દબાણ કરવાવાળા. અમારી બે પેઢી થઈ ગઈ, બાળબચ્ચાં વધ્યાં. નાની છાપરી બાંધીએ તો પ્રવાસન ઓથોરિટી વાળા કહે, જેસીબીથી દબાણ હટાવી દઈશું. અમારે કાયમ ફડકમાં જીવવાનું. વિચાર કરો, એક સમયે પોતાનું જંગલ, પોતાનો પહાડ, પોતાનું પાણી, પોતે જમીનમાલિક. ફરવાનું સ્થળ વિકસાવવાના બહાને આ લોકોને હડસેલી દીધા. ક્યાંયના ન રહ્યા. આ તે કેવું લોકતંત્રમાં કે જેમાં એક ગામને વ્યવસ્થિત વસાવીને ન્યાય પણ ન કરી શકીએ? આ એવી વિકાસયોજના નથી જે અનિવાર્ય હોય અને ગુજરાત કે દેશને લાભ મળે. આ છે પર્યટનના નામે વિસ્થાપન.
આજ સુધી દેશના ’વિકાસ’ માટે મોટાભાગે મૂળ માલિકો-આદિવાસીઓનો ભોગ લેવાતો રહ્યો છે. દેશમાં વિવિધ ‘વિકાસ’ યોજનાઓનો લાભ જે સમાજ મેળવી રહ્યો છે તેમણે કોઈ દિવસ મૂળ માલિકની દશાનો વિચાર કર્યો નથી. શહેરી લોકો પોતાને વધારે સુસંસ્કૃત કહે છે, ધર્મની ધજા ફરકાવી તેને ઊંચી રાખે છે તેવું તેઓ માને છે, બંગલા-ગાડી રૂપિયા જેમની પાસે વધારે છે, તેઓ એમ માને છે કે અમે રાષ્ટ્રપ્રેમી-રાષ્ટ્રવાદી છીએ. ભારતે વિશ્ર્વગુરુ બનવું જોઈએ.
તો બીજી તરફ ઊંચી ઊંચી વાત કર્યા વગર પોતાની મહેનતથી આત્મનિર્ભરતાથી જે સમાજ જીવે છે તેમને શાંતિથી જીવવા દે તો પણ પૂરતું છે. પર્યટન થકી રોજગારી ઊભી કરવાની નીતિ ખોટી છે, તે કોરોના કાળ ચાલે છે તેવા સમયે સી પ્લેનમાં ઊભા રહી વિચારવું જોઈએ.
આ દેશમાં આદિવાસી વિસ્તારમાં, ગુજરાતમાં ખાસ કરીને પૂર્વ પટ્ટીમાં હજી પર્યાવરણ બચ્યું છે. તેની સલામતી-જાળવણી આપણી સૌની જવાબદારી છે. કુદરત આપણું રમકડું નથી. ઈકો ટુરિઝમના નામે સરદાર સરોવરની બાજુમાં જે થઈ રહ્યું છે તેનો વિચાર કરવો જોઈએ. બહુ મોડું થઈ જાય તે પહેલાં સૌએ સાથે બેસીને વિચારવાની જરૂર છે.. વિચારશું ને?
– લખનભાઈ