વાડ જ ચીભડાં ગળે ?

ભારતીય સંવિધાનમાં સરકાર, એ રાજ્યની કે કેન્દ્રની, પ્રજાની સુખાકારી માટે કાર્યક્ષમ, સમુચિત અને ન્યાયી વહીવટ કરવાની જવાબદારી સંભાળશે એવો ઉલ્લેખ છે. તેમજ ભારતીય બંધારણમાં ગુજરાતની પૂર્વમાં સાતપુડા પર્વતમાળામાં વસતી આદિવાસી પ્રજાને પાંચમી અનુસૂચિમાં દર્શાવી વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકાર માન્યતા) ધારો 2006 અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકાર માન્યતા) નિયમો-2008 અંતર્ગત જિલ્લા વન અધિકાર સમિતિએ સામુદાયિક વન અધિકારો માટેના અધિકારપત્રો ગ્રામજનોના આજીવિકાના અધિકાર રૂપે આપવામાં આવેલા છે. ભારતીય રાજપત્રમાં સમગ્ર આદિવાસી વસ્તીને ધારા-73 એએ અંતર્ગત સંરક્ષણ આપવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારની ગ્રામપંચાયતોને સક્ષમ બનાવવા પેસા કાયદો-1996ના 2017ના નિયમો અનુસાર ગામની તમામ જમીનોનો સ્વતંત્ર વહીવટ કરવા દેવા આદેશ આપેલો છે.

આટલા સ્પષ્ટ નિયમો અને આદેશો હોવા છતાં, શૂલપાણેશ્ર્વર અભયારણ્યની ફરતે આવેલા નર્મદા જિલ્લાનાં 121 ગામોના વિસ્તારને કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસાર ‘ઈકો સેન્સિટિવ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રદૂષણ કરતા ઉદ્યોગો આ વિસ્તારમાં આવે નહીં અને અભયારણ્યના રક્ષણ અને સંવર્ધન માટે આ જાહેરનામું સરકારને જરૂરી લાગ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં પેસા કાયદાઓ અને સામુદાયિક વન અધિકાર કાયદાઓનો સાચો અને પ્રભાવી અમલ કરવામાં આવે તો પ્રદૂષણ કરતા ઉદ્યોગો તો આ વિસ્તારમાં આવી જ ના શકે અને લોક ભાગીદારીથી અભયારણ્યનું રક્ષણ અને સંવર્ધન સારી રીતે થઈ શકે તેમાં કોઈ બે મત નથી. તો પછી ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનું સાચું કારણ શું ?

જાહેરનામાની કલમ:3 (3b)માં પ્રવાસન વિકાસના પ્રવાસન તથા વન અને પર્યાવરણ વિભાગો સાથે મળી પ્રવાસન મહાયોજના તૈયાર કરશે એમ જણાવે છે. કલમ : 3 (3c) (i) માં નવું પ્રવાસન કરવાની વાત છે. એવી જ રીતે કલમ : 3 (3c) (ii) માં નવી વાણિજ્યિક હોટલ પર બંધી અને કામચલાઉ આવનારા પ્રવાસીઓ માટે ઈકો-ફ્રેન્ડલી આવાસ નિર્માણને છૂટ આપી દીધી. આવા કામચલાઉ આવાસમાં કલમ 3 (2) (i) માં દર્શાવ્યા મુજબ ટેન્ટ અને લાકડાનાં ઘરો બનાવાશે તેવો ઉલ્લેખ છે. આ જ વિસ્તારમાં બનાવેલા ટેન્ટ સિટિમાં એક જ વર્ષમાં કામચલાઉ આવાસોને કાયમી પાકા આવાસો બનાવવાની ફરજ પડી કારણ કે અહીં વરસાદ અને પવનનું જોર ઘણું છે. લોકવાયકા છે કે ‘ગોરા (ગામ)ના વા (પવન) એટલે બરછી (ધારિયું)ના ઘા.’ મે મહિનામાં એટલો પવન ફુંકાય કે પતરાંનાં છાપરાં ઊડવાની સંભાવના વધે, એમાં ટેન્ટ ટકે ખરા ? ખેર, પર્યાવરણમિત્ર વ્યવસ્થા કરવા આમ જ લખવું પડે ને !


તમને આ પણ વાંચવું ગમશે


  • કલમ : 3 (3) (c) (iii) જણાવે છે કે ‘ઈકો સેન્સિટિવ ઝોન’નો ઝોનલ માસ્ટર પ્લાન, જે જાહેરનામામાં આપેલ નિયમોને વળગી અને સ્થાનિક લોકો સાથે સલાહ મશવરા કરીને, રાજ્ય સરકાર, અંતિમ જાહેરનામાના પ્રકાશનનાં બે વર્ષની અંદરના સમયગાળામાં બનાવશે. (કલમ : 2 (શ)),  આ પ્લાન મંજૂર થાય તે પહેલાં, નિયમન કરનારી કમિટીને, દેખરેખ કરનાર કમિટિની ભલામણથી હાલના અને નવા પ્રવાસન વિકાસને મંજૂર કરવાની સત્તા આપેલ છે. વિચાર કરો, ઝોનલ માસ્ટર પ્લાન માટે લોકોની સલાહ લેવાની વાતનો છેદ જ ઊડી ગયો ને !
  • કલમ : 3(4): આ જ પ્રવાસનના ભાગ રૂપે પ્રાકૃતિક સૌંદર્ય વારસો : પહાડ રચના, ધોધ, ઝરણાં, ગુફાઓ, વિવિધ રાઈડ માટેની જગ્યાઓ વગેરે શોધી, સુરક્ષિત કરી, 6 મહિનામાં (જાહેરનામા પ્રકાશન બાદ) તેનો નકશો બનાવવો, જે ઝોનલ માસ્ટર પ્લાનનો ભાગ ગણાશે (આમાં પણ લોકોની સલાહની વાત ઉડાડી દીધી).
  • જાહેરનામાની કલમ : 3(5) : માનવસર્જિત સૌંદર્ય વારસો, કલમ : 3(6): અવાજ પ્રદૂષણ, કલમ : 3(7) વાયૂ પ્રદૂષણ, કલમ : 3(8) પ્રદૂષિત પાણીનો નિકાલ, કલમ : 3(9) મળ-વિસર્જન, કલમ: 3 (10) હોસ્પિટલનો કચરો, કલમ : 3(11) વાહન માર્ગવ્યવહાર, કલમ:3 (12) ઔદ્યોગિક ગૃહ અંગેની છે. વિગત જોતાં સમજાય છે કે આ બધું પ્રવાસનવિકાસને કેન્દ્રમાં રાખીને લખાયેલું છે.
  • કલમ : 4 : આ કલમમાં પ્રતિબંધિત, નિયંત્રિત અને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે.  પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં નવી ખાણખદાન, નવી સૉમીલ, કોઈપણ નુકસાનકારક પદાર્થોનાં ઉત્પાદન અને ઉપયોગ, પાણી-વાયુ-જમીન અને અવાજ પ્રદૂષણ કરનારા ઉદ્યોગગૃહ, થર્મલ અને હાઈડ્રો-ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ, જલાઉ લાકડાનો વાણિજ્યિક વપરાશ, હવાઈકૂદકો-એરક્રાફ્ટ, હોટ એર બલૂન જેવા રાષ્ટ્રીય પાર્ક વિસ્તાર જેવી પ્રવૃત્તિઓ, જળસંગ્રહ સ્થાનોમાં પ્રદૂષિત પાણી અને ઘન પદાર્થોને પ્રક્રિયા વગર છોડવાં વગેરેનો સમાવેશ થાય છે.
  • નિયંત્રિત પ્રવૃત્તિઓમાં ડુંગરના ઢાળ-નદી કિનારા અને દરિયા- વિસ્તારનું રક્ષણ, પરદેશી જાતિઓને લાવવા, હોટલ અને રિસોર્ટ સ્થાપવા, બાંધકામ પ્રવૃત્તિ, પ્લાસ્ટિક થેલીનો વપરાશ, વાયુ અને વાહન દ્વારા થતું પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ભૂજળ દોહન, વૃક્ષોનો નાશ, જળસંગ્રહનાં સ્થાનોમાં પ્રદૂષિત પાણી અને ઘન પદાર્થોને પ્રક્રિયા કરી છોડવું, હયાત રસ્તાઓ પહોળા કરવા અને નવા બાંધવા, વીજળી-લાઈનોનું ઈન્સ્યુલેશન, હયાત હોટલોની વાડ કરવી, સાઈનબોર્ડ અને હોર્ડીંગ, વાહનવ્યવહાર, કૃષિ પદ્ધતિ કે ભૂઉપયોગ, ભૂજળ અને જળસ્રોતોનું વાણિજ્યીકરણ, લઘુ ઉદ્યોગો.

પ્રવાસનને કારણે આ વિસ્તારમાં આ બધા પ્રશ્ર્નો વધશે અને પછી તેનું નિયંત્રણ કરવામાં આવશે એ નિશ્ર્ચિત છે.

  • કલમ : 5 : જાહેરનામાની આ કલમમાં 11 વ્યક્તિઓની દરેખરેખ કમિટી બનાવવામાં આવી છે. જેમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ છે, જેઓ જાહેરનામાના નિયમોને આધિન થઈ દેખરેખ કરશે.

આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાના કાયદાનો ભંગ કરશે તેના ઉપર પર્યાવરણ (સુરક્ષા) કાયદો 1986ની સેક્સન 19 અનુસાર કેસ લગાવવાની સત્તા નાયબ વનસંરક્ષક, જેઓ દેખરેખ સમિતિના સેક્રેટરી છે અથવા લાગતાવળગતા કલેક્ટરો અથવા પાર્ક નાયબ વનસંરક્ષકને આપવામાં આવેલી છે. ઝોનલ માસ્ટર પ્લાનની દેખરેખ સમિતિ લાગતાવળગતા વિભાગોના નિષ્ણાતો, ઔદ્યોગિક એસોસિએશનનાં પ્રતિનિધિઓને જ્યારે જરૂર લાગે ત્યારે મદદ માટે આમંત્રણ આપી શકે તેવી જોગવાઈ છે.

આ યોજનાને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરવા માટે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તે પ્રમાણે માર્ગદર્શન આપી શકશે. આ જાહેરનામા અંગેનો વાદ-વિવાદ માનનીય સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલને આધિન રહેશે.

સમગ્ર જાહેરનામાનો અભ્યાસ કરતાં સ્પષ્ટ રૂપે જણાય છે કે પ્રવાસન વિકાસ એ આ યોજનાના કેન્દ્રસ્થાને છે. અત્યાર સુધી ઉત્પાદન વધારીને પરદેશી નિકાસને પ્રોત્સાહન આપવામાં આવતું હતું, તેમાં પેટ્રોલ-ડિઝલ માટે વપરાયેલું વિદેશી હૂંડિયામણ કૃષિ કે ઉદ્યોગગૃહોના ઉત્પાદનમાં વધારો કરતું, તે હવે પ્રવાસધામોને વિકસાવવા, વાહનોના બેફામ ઉપયોગ, રસ્તાઓ નિર્માણમાં વાપરવું એ નર્યું ગાંડપણ છે.

એટલું જ નહિ, પરંપરાથી, પેઢીઓથી જળ-જંગલ-જમીનને તથા પ્રાણી-પંખી-અન્ય જીવોને દેવતા માની આરાધના કરનારા વનવાસીઓને તેમના અધિકારથી અળગા કરવા તે હળાહળ અન્યાય છે. આવા પ્રોજેક્ટોની સાચી વિગતો સમાજ પાસે પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. પ્રત્યેક ભારતીય નાગરિક ભારતનું રાજપત્ર નં.: 1092, 05-05-2016 વાંચે, વિચારે અને સમજે કે આપણે કઈ દિશામાં વિકાસ કરી રહ્યા છીએ.

– નિસર્ગદાસ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s