ખેડૂત આંદોલન : તીર્થનગરની યાત્રાએ

26 ડિસેમ્બર 2020ના દિવસે ભાઈ માઇકલ-દિલ્હીની સિંધુ સરહદે ગયો હતો. ત્યાંના વિગતે સમાચાર અને ફોટા તેણે મોબાઈલ પર આપ્યા છે.

મીડિયામાં તો ત્યાં ખેડૂતો ભારત સરકારે કૃષિ પેદાશના વેચાણ અંગેના જે કાયદાઓ ઓક્ટોબર-20માં પસાર કર્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે એવી વાત જણાવાય છે. તે હકીકત પણ છે અને ત્યાં ઘણી મોટી સંખ્યામાં બહેનો-ભાઈઓ, માંદાં/સાજાં બાળકો સ્ત્રીઓ ભેગાં થયાં પણ છે અને એ ત્રણ કાયદાઓ રદ કરવાની માંગણી 32 દિવસથી કરી રહ્યાં છે.

પરંતુ ત્યાં તો તીર્થનગર જ ઊભું કરી દેવાયું છે. શીખ ધર્મનો મુખ્ય મંત્ર છે “નામ જપો તીરથ કરો, બાંટકે ખાઓ બંદે’ ! આ મંત્રને આચરવાની હોડ ચાલી રહી છે. કેટલું ફેલાયેલું હશે આ નગર ? માઇકલની નજરે 8/10 કિલોમીટરમાં ફેલાયેલું તો લાગે છે. પણ જણાવનારા કહે છે કે 23 કિ.મી. સુધી ફેલાયેલું છે !

ધર્માચરણ કરવાની તક પૂરેપૂરી લેવાતી જાય છે. કોઈ ભૂખ્યું ન રહે, દરેક વ્યક્તિને સહજ જીવવાનું મળે એટલું તો ત્યાં થતું રહ્યું છે. પણ તેથીયે વિશેષ તો એ સમજવાનું છે કે કોઈ ટાઢે ઠરે નહીં, માંદા- સાજાની સેવા કરવાનું ભુલાય નહીં તેવું ગોઠવાયું ના હોય ત્યાં વાત અધૂરી ગણાય ને !

મચ્છરદાની કે કપડાં જ નહીં, એકેએક રોજરોજની જરૂરી ચીજો સાબુ કહો કે ટૂથ પેસ્ટ, ‘વિક્સ’ કહો કે કોઈ વિશેષ દવા, તેને માટે દુકાન છે. ત્યાં બધી જ બધી જરૂરિયાતો પૂરી પાડવા માટે સેવકો છે. ત્યાં પૈસાની લેવડદેવડ નથી. તમને ઉપયોગી થવાય છે તેનો લાભ દુકાન ચલાવનારને મળે છે. માંગણી કરો તે વસ્તુ તમારી જ છે, એ લઈ જાવ, એવી રસમ છે.

સફાઈનું કામ નિયમિત થાય છે. તત:પૂરતાં પાયખાનાં પણ ઠીક અંતરે ગોઠવાયાં છે. “છતાં કાંઈ બાકી રહેતું હોય તો જણાવો, મેળવી આપીએ ! એવી સેવકોની સમજણ છે. સેવકો એકલદોકલ નથી જ. બધાં યે બધાં અહીં અન્યની સેવા કરવાને જ એકઠાં થયાં છે.

પૂછનાર આવે છે, સત્યાગ્રહની વિગત સમજનાર, પ્રચાર કરવા માંગનારા ત્યાં આવતા હોય છે. મિડિયાના પ્રતિનિધિઓ ખણખોદ કરી રહ્યા છે.

‘અમારે કશું જોઈતું જ નથી’. વર્ષો નહીં, જમાનાઓથી અમે ધાન્ય પકવીને ભારતના લોકોને ખવડાવી છીએ તેમાં વિઘ્ન ઊભું થાય તે સ્વીકાર્ય નથી.

કોઈ અમને ભાંડે છે, ‘પાકિસ્તાન તરફી છીએ’, તોફાની અને વિઘટનની માંગણી કરનારા ‘ખાલિસ્તાન રચવા નીકળ્યા છે’ અને આગળ વધીને ઠેઠ ‘દેશદ્રોહી’ છે આવું અમારે માટે કહેવાય; તે કહેનારાને શોભતું નથી. અમને રાજકારણની રમતમાં રસ જ નથી.

સુખીથી જીવો અને પરસ્પર એકબીજાને ઉપયોગી થાવ, એ ધર્મ પાળવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. ક્યારેય હલકો શબ્દ કે ગુસ્સો કરીને જવાબ આપનાર ત્યાં મળતાં નથી. દલીલ કરનારા હોય છે તે સૌમ્ય જ શબ્દો વાપરવાનો આગ્રહ રાખે છે.

21મી સદીનું પ્રેમનગર, ધર્મનગર, કહો તીર્થનગર ઊભું થયું છે.

ત્યાં ઘણી વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. તેથી જમાતે દરેક તેવાં કુટુંબને રૂ. બે લાખની સહાય પહોંચાડી છે.

બાંટ કે ખાવાનો મંત્ર વાતાવરણમાં જ ફેલાયેલો છે. તા. 26/12ના રોજ એન.ડી.ટી.વી. પર એક પત્રકારે ઘણા બધા પ્રશ્ર્નો પૂછ્યા પણ ક્યાંય મારે કહેવું છે, મને વધુ સમજાય છે એવી ઉતાવળ પણ કોઈને નથી. નક્કી કરેલી એક 35/40 વર્ષની બહેન એન્કરની પડખે જ ઊભેલી. એને પૂછવા માટે પસંદ કરવામાં આવેલી એમ ‘એન્કરે’ ચર્ચા શરૂ કરતાં જાહેર પણ કરેલું. પણ 35 મિનિટ ચર્ચા ચાલી ત્યાં એ બહેનની સામે જોવાનો પણ તેણે સમય ન લીધો. સ્થિર, સ્વસ્થ, ક્યારેક આનંદિત ચહેરો, દુપટ્ટો સરખો કરતી બહેનને ઉતાવળ નહોતી. અહીં મારું જ સ્થાન મહત્ત્વનું છે એવો દેખાવ ના થાય તેનો પ્રયત્ન કરી રહી ! ધર્મનગરમાં ઊભી છું ને !

બહેનનો વારો આવ્યો ને જે ઉલ્લાસ અને નિર્ધારથી ગીતોની રમઝટ જામી ! જે પડકારો અપાયા ! એક આનંદોત્સવ જ ફેલાવી દીધો. શહેર છે પણ શહેરી વાતાવરણ નથી. ધર્માચરણનો મંગળ મેળો ત્યાં જામ્યો છે.

ચાલો, જશું આ તીર્થનગરે ! ફેલાવશું તેની સુવાસ જગતભર !?

– જ્યોતિભાઈ દેસાઈ

(તા. 4 જાન્યુ. 2021 સુધીમાં 54 લોકો શહીદ થયા છે.)

તસ્વીરો સાભાર : માઈકલ મઝગાંવકર


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s