સ્વતંત્ર ન્યાયતંત્ર લોકશાહીનો આધારસ્તંભ છે. તે સરકાર સહિત રાષ્ટ્રના કોઈપણ તંત્રને તેની બંધારણીય મર્યાદા ઓળંગતાં અટકાવે છે. બંધારણ અર્થઘટન અને બંધારણ રક્ષક તેમ જ વાલી તરીકેની તે ભૂમિકા અદા કરે છે. આપણા દેશના ન્યાયતંત્રે ભૂતકાળમાં ગોલકનાથ, કેશવાનંદ, મેનકા ગાંધી, મિનરવા મિલ્સ, વિશાખા, બંધુઆ મુદિત મોરચા, વિશાખા, એસ.આર. બોમ્બાઈ, એમ.સી.મહેતા, ઉન્ની ક્રિશ્ર્નન, શીલા બાર્સે, હુસેનઆરા ખાતૂન, રાજવીઓનાં સાલિયાણાં, કોમન કોઝ, અરુણા શાનબાગ, ત્રિપલ તલાક, ગુપ્તતાનો અધિકાર, વગેરે કેસોમાં પથદર્શક ચુકાદાઓ જાહેર કર્યા છે અને તેનાથી ન્યાયતંત્રની શાનમાં વધારો થયો છે.
ટૂંકમાં, કટોકટી કાળ સિવાય દેશના ન્યાયતંત્રે નાગરિક સ્વાતંત્ર્યોનું હંમેશાં રક્ષણ કરેલ છે. છેલ્લાં 4-5 વર્ષોથી દેશનું ન્યાયતંત્ર સત્તાધારી પક્ષની તરફદારી કરી રહેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 2 વર્ષ અગાઉ સર્વોચ્ચ અદાલતના 4 તત્કાલીન ન્યાયમૂર્તિઓએ ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ સામે જાહેરમાં પત્રકાર પરિષદ યોજી કેટલાક આરોપો લગાવ્યા હતા. લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોની કરુણ સ્થિતિ સંબંધમાં થયેલ જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. ત્યારબાદ દેશભરમાં ઊહાપોહ થતાં, સર્વોચ્ચ અદાલતે પોતાની મેળે (Suo Moto)ની નોંધ લઈ યોગ્ય હુકમો જારી કર્યા હતા. પરંતુ તે સમયે ‘તબેલામાંથી ઘોડા છૂટી ગયા’ જેવો ઘાટ સર્જાયો.
7 નવે.ના રોજ અર્નબ ગોસ્વામીને વીજળીક ગતિથી જામીન મંજૂર કરાયા. વિવેચકોનો મત છે કે તેને યોગ્ય રીતે જામીન મંજૂર કરાયા છે. પરંતુ સુધા ભારદ્વાજ વર્ષોથી જેલમાં કેદ છે. અવિચારી લોકડાઉનનો ભોગ બનેલ લાખો મજૂરો, લગભગ 1 વર્ષ સુધી ઈન્ટરનેટ સેવાથી વંચિત રહેલા કશ્મીરી નાગરિકોની વ્યથા, 83 વર્ષના સિદ્ધહસ્ત લેખક વરાવર રાવની કેદ, પાર્કિન્સનથી પીડાતા સ્ટેન સ્વામીને પથારી આપવાનો ઇન્કાર, 5 ઓક્ટો.ના રોજ હાથરસ બળાત્કાર કેસનું કવરેજ કરવા જઈ રહેલ પત્રકાર સિદિક કરનની કેદના કેસોની સુનાવણી કરવા ન્યાયતંત્ર રાજી નથી. છેલ્લા 1 વર્ષથી વધારે સમયથી કેદમાં રખાયેલ અનેક કશ્મીરી નેતાઓની મુક્તિ માટેની હેબિયસ કોર્પસ રીટ અરજીઓ સુનાવણી માટે હાથ ધરવામાં આવતી નથી.
અનેક પત્રકારો, વકીલો તેમ જ કર્મશીલોએ ન્યાયતંત્રના આવા વલણ સામે વાંધો અને નારાજગી પ્રગટ કરેલ છે. તા. 16 નવે.ના રોજ સિદિકના કેસમાં સુનાવણી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ એમ કહેલ હોવાનું નોંધાયું છે કે તેઓ અનુ. 32ને પ્રોત્સાહિત કરવાનું વલણ ધરાવતા નથી. કદાચ તેઓ ભૂલી ગયા કે બંધારણ ઘડતરમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ડૉ. આંબેડકરે અનુ. 32ને બંધારણના આત્મા તરીકે સંબોધેલ છે.
અર્નબ ગોસ્વામીના જામીન મંજૂર કરતી વખતે જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું છે કે દેશમાં કોઈપણ સત્તાધીશ કોઈ વ્યક્તિને અદાલતમાં જતા દંડિત કરી શકે નહીં. તો પછી અનુ. 32 શેના માટે છે એવો સવાલ સહેજે ઉઠાવી શકાય. ઇલેક્ટ્રોરલ બોન્ડની બંધારણીયતાની સુનાવણી હજુ સુધી હાથ ધરાઈ નથી. આનંદ તેલતુંબડેના જામીન નકારાયા છે. ઉંમર ખાલિદને થોડી રાહત અપાઈ છે. પરંતુ સુધારા કાનૂનનો વિરોધ કરનાર અનેક યુવાનોને જામીન ન મળવાથી તેમનું ભાવિ હજુ અંધકારમય છે.
– અશ્વિનકુમાર ડી. કારીઆ
(16, શ્યામવિહાર, અંગોલા રોડ, પાલનપુર)
Featured from Telegraph India