સંગમાં રાજી રાજી !

અંધ અને મૂક-બધિર બાળકોની શાળા સાથે જ હતી, જેમાં હું અને માર્થા ભણતાં. મને ખબર હતી કે માર્થા જન્મથી અંધ છે છતાં હું એના પ્રેમમાં પડ્યો હતો. અમે બંને રિસેસના સમયે જ્યારે પણ એકલાં પડતાં ત્યારે એ મને બ્રેઈલ લિપિમાં લખીને પૂછતી, ‘તને હું કેમ ગમું છું?’

એની સાથે વાત કરી શકાય એટલા ખાતર જ હું બ્રેઈલ શીખ્યો હતો. હું એની હથેળીમાં લખતો, ‘જેમ મૂક-બધિર હોવા છતાં હું તને ગમું છું એમ.’ એ મીઠું હસી પડતી. હસતી વખતે એના ગાલમાં ખંજન પડતાં અને એ એટલી સુંદર લાગતી કે હું પ્રભુને કહેતો કે, જિંદગીમાં ફક્ત એક જ વાર એ પોતાનો સુંદર, ભાવવાહી ચહેરો જોઈ શકે એટલી દયા તું ન કરી શકે?

                એકમેકને વાત કહેવાની અને એકબીજાની વાત સમજવાની પોતીકી પદ્ધતિ અમે શોધી કાઢેલી. એ જ પદ્ધતિથી એક દિવસ મારા મનની વાત મેં એના સુધી પહોંચાડેલી અને એને સમજાવ્યું હતું કે, મારાં માતા-પિતા એનાં મમ્મી-પપ્પાને મળવા માગે છે. શું અમે તારે ઘરે આવી શકીએ? એ શરમાઈ ગઈ હતી. મારા ખભા પર માથું ઢાળીને ખીલખીલ કરતાં હસીને એણે મારી હથેળી પર લખ્યું હતું- ‘મોસ્ટ વેલકમ’.

                ચારે માતા-પિતાને પોતાનાં દિવ્યાંગ સંતાનોના ભવિષ્યની ચિંતા સતાવતી હોય એ સ્વાભાવિક જ હતું. માર્થાએ મને પછી જણાવ્યું હતું કે ‘મારી મમ્મીએ કહ્યું હતું કે, એ ત્રણ-ચાર વર્ષનો હતો ત્યાં સુધી તો બધું બરાબર હતું પણ એક વખત એટલો બધો તાવ આવ્યો કે અઠવાડિયા સુધી ઊતર્યો જ નહીં. ડોક્ટરે તાવ ઉતારવા એટલી ભારે દવા આપી કે, એની આડઅસરને કારણે એની બોલવા-સાંભળવાની ક્ષમતા કાયમ માટે જતી રહી.’ વડીલોને ફિકર હતી કે, અમારી આ ત્રુટિઓ સાથે અમે સંસાર કેવી રીતે ચલાવી શકીશું? પણ અમને બેઉને એકમેકના પ્રેમમાં એટલી શ્રદ્ધા હતી કે, અમે એમને ખાતરી આપી કે, કશો વાંધો નહીં આવે. જરા કચવાતા મને ચારે માવતરે અમને સંમતિ આપી.

                એક ટેલિફોન બૂથમાં મને કામ મળી ગયું. અમારી જરૂરિયાત પૂરતું મળી રહેતું હતું પણ માર્થાની ખૂબ ઇચ્છા હતી કે એ પણ કંઈક કામ કરીને ઘર ચલાવવામાં મારી સહાય કરે. ઘરની નજીક જ ઈયર ફોન બનાવતા કારખાનાના પેકીંગ ડિપાર્ટમેંટમાં એને કામ મળી ગયું. અમારા દિવસો એટલા આનંદમાં પસાર થતા હતા કે, અમે જાણે સ્વર્ગમાં વિહરતાં હોઈએ એવું અમને લાગતું.

                અમે અન્યોન્યના પૂરક બનીને જીવતાં હતાં. માર્થા હવે મારી નજરે દુનિયા જોઈ શકતી, રંગો પારખી શકતી અને કુશળતાથી ગૃહિણીની તમામ ફરજો બજાવી શકતી. તો વળી એના હોઠનો ફફડાટ અને એનો સ્પર્શ મારે માટે કાન અને જીભ બની ગયાં હતાં. ઘણી વાર અમે વિચારતાં કે, જેમની તમામ ઈંદ્રિયો સલામત છે એવાં યુગલો પણ આપણા જેટલાં ખુશ હશે ખરાં? ક્યારેક મને ડર લાગતો કે, અચાનક કોઈ વિઘ્ન આવીને અમારાં સપનાં છિન્ન-ભિન્ન તો નહીં કરી નાખે ને?

                કદાચ મારી આશંકાએ જ મને વધુ પડતો સાવધ કરી દીધો હતો. માર્થા તો જોઈ શકે એમ હતી નહીં પણ મેં જ્યારે એના ડાબા સ્તન પર એક ગાંઠ જોઈ ત્યારે હું ધ્રૂજી ઊઠ્યો. એને કહેવા ગયો તો એણે વાતને હસવામાં કાઢી નાખી. ‘તું મને બહુ ચાહે છે ને એટલે જ તને આવા નક્કામા વિચાર આવે છે. બાકી મને કંઈ નથી. હું એકદમ તંદુરસ્ત છું.’

                હું એને પરાણે ડોક્ટર પાસે લઈ ગયો. એના મનમાં તો જરાય ડર નહોતો પણ મારું હૈયું જોર જોરથી ધડકતું હતું. ‘શું હશે? એને કંઈ થશે તો હું કેવી રીતે જીવીશ?’ કાળજીપૂર્વકની તપાસ પછી ડોક્ટરે ઈશારાથી મને સમજાવ્યું હતું કે, આમ તો કંઈ ફિકર કરવા જેવું નથી છતાં બાયોપ્સી તો કરાવી જ લેવી જોઈએ. બે દિવસ પછી બાયોપ્સી કરાવવાની હતી. એ બે દિવસ મારે માટે બે જન્મારા જેવા બની રહ્યા. માર્થા તો એટલી શાંત હતી કે જાણે એને આ વાત સાથે કશી નિસ્બત જ ના હોય!

                બાયોપ્સી થઈ ગઈ. અમારા બંનેની મુશ્કેલી સમજીને ડોક્ટરે સહાનુભૂતિથી કહ્યું, ‘ડોન્ટ વરી. તમારે હવે ધક્કો ખાવાની જરૂર નથી. જે રિપોર્ટ આવશે એ હું ફોન પર જણાવી દઈશ.’ મારે માટે તો ફોન કશા કામનો નહોતો તેથી ફોન હંમેશાં માર્થા પાસે જ રહેતો. ત્યારે જિંદગીમાં પહેલી વખત મેં તીવ્રતાથી અનુભવ્યું કે શ્રવણેન્દ્રિય ન હોવી એટલે શું?

                જે દિવસે રિપોર્ટ આવવાનો હતો તે દિવસે હું વારંવાર ફોન સામે જોયા કરતો હતો. સ્ક્રીન પર ડોક્ટરનું નામ દેખાયું કે મેં દોડીને માર્થાના હાથમાં ફોન આપ્યો. વાત કરતાં કરતાં એની આંખોમાંથી અવિરત આંસુઓ વહી રહ્યાં હતાં. એ જોઈને મને થયું, ખલાસ! અમારી ખુશીઓ પર પૂર્ણવિરામ લાગી ગયું. માર્થા વાત પૂરી કરે ત્યાં સુધી જાતને સંભાળવી મારે માટે  મુશ્કેલ બની ગયું. ફોન મૂકીને એણે જોરથી મારો હાથ પકડી લીધો. અમે મધર મેરી અને ઈશુનો ફોટો ટીંગાડેલો એ દીવાલ પાસે એ મને લઈ ગઈ. અમે બંનેએ સાથે પ્રભુને નમન કર્યું અને પછી મારા કાન પાસે હોઠ રાખીને એ જે બોલી એ અક્ષરેઅક્ષર મને જાણે સંભળાયો અને સમજાયો.

                ‘જો, ઈશુ કેટલો દયાળુ છે! એણે આપણો માળો વીંખાવા ન દીધો. મને સાદી ગાંઠ હતી, કેંસરની નહીં.’ એકબીજાને વળગીને અમે પ્રભુનો આભાર માન્યો ત્યારે ચોક્કસ એણે પ્રભુના કરુણામય સ્વરૂપને નિહાળ્યું હશે અને મેં મારા સગ્ગા કાને એનાં આશીર્વચન સાંભળ્યાં હતાં એની મને ખાતરી છે. હું હોઠ ફફડાવીને બોલ્યો હતો,

                ‘હે પરમ પિતા, તારો ખૂબ ખૂબ આભાર.’

(ઓ થિયામ ચિનની સિંગાપોરિયન વાર્તાને આધારે)

– આશા વીરેન્દ્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s