‘હું શ્રી અરવિંદને મળવા ભારત આવી. હું શ્રી અરવિંદ સાથે રહેવા ભારતમાં રહી ગઈ. જ્યારે તેમણે પોતાનું શરીર છોડી દીધું ત્યારે તેમનું કાર્ય કરવા માટે મેં અહીં રહેવાનું ચાલુ રાખ્યું. અને તે કાર્ય છે, સત્યની સેવા અને માનવજાતિને પ્રકાશિત કરવાનું અને પ્રભુના પ્રેમનું પૃથ્વી ઉપર ઝડપથી શાસન સ્થાપવાનું.’
– શ્રી માતાજી
ભારત આઝાદ થયું તે પહેલાં દેશની અને વિશ્ર્વની પ્રજાને અધ્યાત્મને પંથે ચાલવાની પ્રેરણા આપતું એક મસમોટું અભિયાન ચાલ્યું હતું. આની થોડીપણ ઝલક જેમણે પામવી હોય તેમણે કમસેકમ રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ, શ્રી અરવિંદ અને માતાજી અંગે લખાયેલા, તેમજ તેમના દ્વારા લખાયેલા સાહિત્યનો અભ્યાસ કરવો જ રહ્યો.
ગુજરાતી ભાષા જાણનાર માટે અંગ્રેજીમાં લખાયેલ કેટલુંક સાહિત્ય, કેટલાક સિદ્ધહસ્ત લેખકો, ચિંતકોએ અનુવાદ કરીને અથવા સ્વતંત્ર રચના તરીકે પ્રગટ કર્યું છે. આવી કૃતિઓ થકી ગુજરાતી ભાષા સમૃદ્ધ તો થઈ એટલું જ નહીં, તેનો વિચારવારસો પણ સમૃદ્ધ થયો છે.
શ્રી માતાજી અને શ્રી અરવિંદનું મોટાભાગનું લખાણ અંગ્રેજી ભાષામાં છે. જ્યારે તેમના લખાણો અન્ય ભાષામાં અનુવાદ કરવાનાં હોય ત્યારે માત્ર બે ભાષા જાણવાથી કામ ચાલતું નથી. તેમના દર્શનને સમજવા માટે લેખકે પોતાની ચેતનામાં એક નવી દિશા તરફનો ઉઘાડ પણ કરવો પડે છે. એક યોગીના શબ્દને સમજવા માટે તેમાં રહેલા વ્યાપક સત્યની ઝલક પામવા માટે એક આરોહણ કરવું પડે. ક્યારેક તો એમ લાગે કે લેખક અનુવાદકથી આગળ વધીને રૂપાંતર પામેલી ચેતના બની જાય છે.
ગુજરાતના સદ્નસીબે આપણને શ્રી અંબુભાઈ પુરાણી, શ્રી સુન્દરમ્, પૂજાલાલ જેવા ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો, સાધકો મળ્યા, જેમણે શ્રી અરવિંદ-માતાજીના સમૃદ્ધ દર્શનને આપણી સમક્ષ મૂક્યું. વર્તમાનકાળમાં પણ લોકભોગ્ય શૈલીમાં શ્રી જ્યોતિબહેન, શ્રી અશ્ર્વિનભાઈ કાપડિયા, શ્રી કિરીટભાઈ ઠક્કર આ દર્શનને મૂકી રહ્યાં છે.
એપ્રિલ-2020માં શ્રી જ્યોતિબહેન લિખિત પુસ્તક ‘દિવ્યશક્તિ શ્રી માતાજી’ પ્રકાશિત થયું. પુસ્તકની પ્રથમ આવૃત્તિની 4000 પ્રતોમાંથી ટૂંકા ગાળામાં 3700 પ્રત લોકોના હાથમાં પહોંચી ગઈ. શ્રી જ્યોતિબહેને વર્ષ 1998માં ‘મહાયોગી શ્રી અરવિંદ’ લખ્યું હતું. આ પુસ્તકની 10,000 પ્રત લોકોના હાથમાં પહોંચી. આ પુસ્તકોની લોકચાહના પાછળ લોકભોગ્ય લેખનશૈલી ઉપરાંત પ્રાપ્ત થયેલ આર્થિક સહયોગ પણ છે.
શ્રી જ્યોતિબહેન થાનકી : શ્રી માતાજીના સ્પર્શ થકી ઝંકૃત થયેલી આંતરચેતના
શ્રી જ્યોતિબહેને પોરબંદર ગુરુકુલ મહિલા કૉલેજમાં 39 વર્ષ અધ્યાપિકા તેમ જ ઉપાચાર્ય પદે રહીને સેવા આપેલ છે. વર્ષ 2005માં નિવૃત્તિ પછી ઘણી બધી સંખ્યાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. લેખનકાર્ય પણ ખૂબ કર્યું છે. તેમણે શ્રી અરવિંદ દર્શન, રામકૃષ્ણ વિવેકાનંદ, મા આનંદમયી તેમજ અન્ય વિષયો પર આશરે 84 જેટલાં પુસ્તક-પુસ્તિકાઓ લખી છે. ચરિત્રલેખનમાં તેમની કુશળતા વ્યાપક લોકચાહના પામી છે. તેઓ સફળ વક્તા પણ છે. ઘણીબધી શિબિરોનું પણ સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. ઘણાંબધાં પારિતોષિક પામ્યાં છે. શ્રી અરવિંદ આશ્રમના સાધકો સાથે તેમનો સારો એવો ઘરોબો છે.
પુસ્તક – દિવ્યશક્તિ શ્રી માતાજી
21 ફેબ્રુઆરી 1878માં પેરિસમાં જન્મેલ મીરા આલ્ફાંઝાને શ્રી અરવિંદ ‘મીરા’ કહીને સંબોધતા હતા. પછી ‘મધર’ તરીકે સંબોધવા માંડ્યા. ગુજરાતમાં સૌ સાધકો તેમને ‘શ્રી માતાજી’ તરીકે સંબોધે છે.
લેખની શરૂઆતમાં આપણે શ્રી માતાજી પોતાના સમગ્ર જીવનની વાત માત્ર થોડાંક જ વાક્યોમાં મૂકે છે, તે જોયું. જ્યોતિબહેન ‘દિવ્ય શક્તિ શ્રી માતાજી’ પુસ્તકનાં 292 પાનાંમાં માતાજીના જીવનની ઘણી બધી વાતો ઉજાગર કરે છે. જ્યોતિબહેને માતાજીના જન્મ શતાબ્દી વર્ષે ‘વાત્સલ્ય મૂર્તિ-મા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. શ્રી રણધીરભાઈ ઉપાધ્યાયે વર્ષ 1977માં પુસ્તક “મા તું હૃદયે વસનારી અને શ્રી કિરીટભાઈ ઠક્કરે વર્ષ 1999માં શ્રી વીલફ્રડના મૂળ અંગ્રેજીમાં લખાયેલ પુસ્તકનો અનુવાદ ‘શ્રી માતાજી’ (સંક્ષિપ્ત ચરિત્ર) પ્રગટ કર્યું હતું. જ્યોતિબહેનનું તાજેતરનું પુસ્તક ઘણી બધી સામગ્રીથી સભર છે. જે લોકોને શ્રી અરવિંદ અને માતાજીની સંપૂર્ણ સાધના વિષે વિગતે અભ્યાસ કરવાનું મન થાય તેમના માટે આ બે પુસ્તકો ‘મહાયોગી શ્રી અરવિંદ’ અને ‘દિવ્યશક્તિ શ્રી માતાજી’ પાયાની વિગતો પૂરી પાડે છે.
શ્રી માતાજીના ભારતમાંના સ્થાયી આગમનના શતાબ્દી વર્ષ 2020માં આ જીવનકથા પ્રકાશિત થઈ છે. શ્રી જ્યોતિબહેન લખે છે –
“શ્રી માતાજીનું જીવન ઘણું ગહન અને વ્યાપક છે. એમનું આંતરજીવન અને સૂક્ષ્મ જગતનાં એમનાં કાર્યો, સ્થૂલ દેહમાં પરમાત્માના દિવ્ય પ્રકાશના અવતરણની એમની સાધના – આ બધું એટલું તો સૂક્ષ્મ અને ગહન છે કે આપણું મન ન તો એ સમજી શકે કે ન તો શબ્દોમાં વ્યક્ત કરી શકે, છતાં ભક્તિનમ્ર હૃદયે મેં એમની જીવનકથા લખવાનું સાહસ કર્યું છે. એમની જ કૃપા, પ્રેરણા અને શક્તિથી જે કંઈ લખાયું એ બધું એમનાં શ્રી ચરણોમાં નમ્રભાવે અર્પણ કરું છું.
પુસ્તકમાં શ્રી માતાજીના બાળપણ, કિશોર અવસ્થા, ગુહ્યવિદ્યાનો અભ્યાસ, લગ્નજીવન, પોંડિચેરી આવાગમન, જાપાન પ્રવાસ, શ્રી અરવિંદની સાધનાના સહ-સાથી, આશ્રમ સંચાલન, શ્રી અરવિંદનો દેહત્યાગ, શિક્ષણ સંસ્થાની સ્થાપના, ઓરોવિલ સ્થાપના, શરીરના દિવ્ય રૂપાંતરની સાધના, અને શ્રી માતાજીના જીવનના અંતિમપર્વને મહત્ત્વના 116 વિભોગોમાં વહેંચીને જીવનયાત્રાનો ચિતાર વાચક સમક્ષ મૂક્યો છે. આના કારણે શ્રી માતાજીના જે પાસા તરફ નજર નાંખવી હોય તે પર સરળતાથી નજર નાંખી શકાય છે.
શ્રી માતાજી અંગે વધુ અભ્યાસ કરવા માટે અંગ્રેજીમાં ઘણું બધું સાહિત્ય છે. તેની યાદી આવી થાય.
- Collected works of the Mother : ૧૭ ગ્રંથો
- Mother’s Agenda : ૧૩ ગ્રંથો
- Glimpses of the Mother’s Life The Mother, Past – Present – Future
- The Mother – The Story of Her Life
- The Mother on Herself «> An Early chapter
- in the Mother’s Life.
મા જેમ બાળક માટે સુપાચ્ય ખોરાક તૈયાર કરીને આપે છે, તેમ જ્યોતિબહેને શ્રી માતાજીના વિશાળ સાહિત્યમાંથી ગુજરાતી વાચક માટે ‘દિવ્યશક્તિ શ્રી માતાજી’ પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં શ્રી માતાજીનું જીવન, કાર્ય, દર્શન, યોગ અને આશ્રમપ્રવૃત્તિ અંગેની વાતોને સમાવવામાં આવી છે. સામાન્ય રીતે મહાત્માઓ, વિભૂતિઓ, અવતારી પુરુષો-સ્ત્રીઓ વગેરેના આંતર-બાહ્ય સમગ્ર જીવનનો તાગ મેળવવો મુશ્કેલ હોય છે. પરંતુ તેમનાં વાણી-વર્તન, વ્યવહાર તેમના આંતરજીવનની થોડીક ઝાંખી કરાવે છે.
પુસ્તકમાં વિશેષ સામગ્રી
મહાન વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ અંગે લખેલાં કોઈ પણ પાનાં મહત્ત્વનાં જ હોય છે, પરંતુ આ અગાઉ શ્રી માતાજી અંગે ગુજરાતીમાં લખાયેલાં પુસ્તકો કરતાં કેટલીક વાતો વિગતે આ પુસ્તકમાં લખવામાં આવી છે. 29 માર્ચ 1914ના રોજ પોંડિચેરીમાં શ્રી માતાજી, તે વખતે તો મીરા આલ્ફાંસા, 36 વર્ષની વયે પહેલી વાર શ્રી અરવિંદને મળે છે. મીરાના ત્યાં સુધીના જીવન અંગે પુસ્તકમાં 83 પાનાં ફાળવ્યાં છે. આના કારણે મીરાના જીવનમાં થયેલા આધ્યાત્મિક ચેતનાના વિકાસનો ખ્યાલ આવે છે. અંતરમાં વસતા પ્રભુ સાથે તેમનું એકત્વ સધાઈ ગયું હતું. ગુહ્યવિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આધ્યાત્મિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી લીધી હતી. મીરા પાસે આધ્યાત્મિક માર્ગદર્શન લેવા માટે પણ લોકો આવતા હતા. તેઓ એક અભ્યાસવર્તુળ પણ ચલાવતાં હતાં. અને નૂતન માનવજાતિના આવિર્ભાવની ઘોષણા પણ કરી ચૂક્યા હતા તેમ જ ગીતા, ધમ્મપદ, ઉપનિષદ, પતંજલિનાં યોગસૂત્રો, નારદ ભક્તિસૂત્રોનાં ભાષાંતર વાંચી ચૂક્યાં હતાં.
બે ઘડી માટે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ભવોભવના આંતર- સંબંધોની વાતને ભૂલી જઈએ અથવા બાજુ પર રાખીએ અને આપણે આ 83 પાનાં વાંચીએ તો કહી શકીએ કે તેઓ ભારત ન આવ્યાં હોત તો પણ અધ્યાત્મના ક્ષેત્રે એક મહત્ત્વની વ્યક્તિ તરીકેની ઓળખ મેળવી ચૂક્યાં હોત.
શ્રી અરવિંદે 5 ડિસેમ્બર 1950ના રોજ દેહત્યાગ કર્યો. શ્રી માતાજીએ 17 નવેમ્બર 1973ના રોજ દેહ છોડ્યો. શ્રી અરવિંદના દેહત્યાગ પછી 23 વર્ષ શ્રી માતાજી ભારતમાં જ રહ્યાં, સમગ્ર આશ્રમની પ્રવૃત્તિઓ સંભાળી તેમજ તેનું વિસ્તૃતિકરણ પણ કર્યું. આ અંગેની વિગતો માટે 81 પાનાં ફાળવ્યાં છે. ભારત આઝાદ થયા પછીનો આ સમયગાળો છે. શ્રી જ્યોતિબહેને 81 પાનાઓમાં મહત્ત્વનાં કામોને આવરી લીધાં છે. પણ કદાચ પુસ્તકનું કદ વધુ મોટું થઈ જાય તેમ માનીને કે અન્ય કારણો સર કેટલીક વિગતો છોડી પણ દીધી હોય તેમ લાગે છે.
પરંતુ આ પાનાંમાં દેહના દિવ્ય રૂપાંતરણ અંગેની, શ્રી માતાજીની સાધના અંગેની વિગતો પર સારો એવો પ્રકાશ પાડ્યો છે. આ એક ગહન વિષય છે. પરંતુ શ્રી જ્યોતિબહેને ખૂબ જ સરળ ભાષામાં રજૂઆત કરી છે. સામાન્ય રીતે આ અંગે લખવાનું સાહસ બહુ જ ઓછા લોકો કરે છે.
શ્રી જ્યોતિબહેન લખે છે –
‘શ્રી માતાજીએ ત્રેવીસ વર્ષ સુધી શારીરિક ભૂમિકા પર દિવ્ય ચેતનાને કાર્યરત કરવાની સાધના કરી. આ અનોખી સાધના હતી. પૃથ્વીના આધ્યાત્મિક ઇતિહાસમાં કોઈએ શારીરિક ચેતનાને દિવ્ય બનાવવાનું કાર્ય કર્યું ન હતું.
આ શક્તિ જ્યારે દેહમાં ઊતરે અને કાર્યરત બને ત્યારે શરીરને કેવી અનુભૂતિ થાય છે ? -આવા પ્રશ્ર્નના ઉત્તરમાં શ્રી માતાજીએ કહ્યું હતું –
તે એવી અદ્ભુત ક્ષણો હોય છે કે તેના જેવી સુંદર વસ્તુ બીજી કોઈ મેં જોઈ નથી. આ અવસ્થા કેટલાક કલાક ચાલી હતી. એના જેવું સુખ આ શરીર 91 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યું પણ તેણે કદી અનુભવ્યું નથી. મુક્તિ, પરમશક્તિ, કોઈ મર્યાદા નહીં, કશું અશક્ય નહીં…. અતિમાનસ શક્તિના અવતરણથી શરીરની શક્તિઓ પણ અસીમ બની જાય છે અને સર્વ ભેદો ઓગળી જાય છે. કોઈપણ સાધકને સહેજે પ્રશ્ર્ન થાય, દિવ્ય ચેતનાસભર દિવ્ય શરીર ક્યારે રચાશે ?
શ્રી માતાજી કહે છે, ‘હાલ પૂરતું શક્ય નથી…. અત્યારનું શરીર પૂરેપૂરું બદલાય તો જ આ શક્ય બને. એ માટે ખૂબ મહેનત કરવી પડે. પણ તે અશક્ય નથી…. બધા જ કોષોને નવી શક્તિ માટે તૈયાર કરતાં બસ્સો વર્ષ લાગે.
આ દેહકોષોના રૂપાંતરની સાધના ખૂબ જ કપરી છે. આ અંગે વધુ રસ ધરાવનારાઓએ માતૃવાણીના 11મા ગ્રંથમાં ‘સાધનાની નોંધપોથી’ પર નજર નાંખવી રહી, જેથી શ્રી માતાજીએ કરેલી સાધના અને થયેલી અનુભૂતિની આછેરી ઝલક મેળવી શકાય.
તમને આ પણ વાંચવું ગમશે
વિનમ્રતાસભર શ્રી માતાજી
શ્રી જ્યોતિબહેન લખે છે –
શ્રી અરવિંદ આશ્રમનું સંચાલન, સાધકોની આંતર-બાહ્ય જવાબદારી, સૂક્ષ્મ જગતમાં કરવાનાં કાર્યો અને અતિમાનસ અવતરણ માટેની કઠોર સાધના – આ બધાં જટિલ કાર્યો કે જેની માનવમન કલ્પના પણ ન કરી શકે, એ બધું કરતાં હોવા છતાં એમણે ક્યારેય કહ્યું નથી કે હું મહાન કાર્યો કરી રહી છું…. તેઓ એમ જ કહેતાં કે હું કશું જ કરતી નથી, બધું જ શ્રી અરવિંદ કરી રહ્યા છે.
શ્રી માતાજીએ યુવાન વયે તેમણે દોરેલાં અનેક સુંદર ચિત્રો કે જે બધાં પેરિસમાં વેરવિખેર પડેલાં હતાં, તેના સંગ્રહ માટે શિષ્યે આગ્રહ સેવ્યો, ત્યારે ‘આપણે તો શાશ્ર્વતીમાં જીવીએ છીએ,’ એમ કહીને વાત ટાળી દેતાં હતાં. શ્રી માતાજી એંસીમા વર્ષે પણ પૂરાં કાર્યરત રહ્યાં હતાં. શ્રી માતાજીએ એક શિષ્યને જણાવ્યું હતું કે –
‘એંસીમા વર્ષે હું તમારા કરતાં વધારે યુવાન છું. વર્ષોની સંખ્યા માણસને વૃદ્ધ બનાવતી નથી. પણ જ્યારે તમે પ્રગતિ કરતાં અટકી જાઓ છો ત્યારે વૃદ્ધ બનવા લાગો છો.’
આશ્રમ માટે બધું જ અર્પણ
શ્રી અરવિંદ આશ્રમ ચલાવવા માટે કોઈની પાસેથી ફાળો ઉઘરાવવાની વિરુદ્ધ હતા. પણ કોઈ સ્વેચ્છાએ દાન આપે તો સ્વીકારતા હતા. શ્રી માતાજીએ વર્ષ 1926માં આશ્રમનું સંચાલન હાથમાં લીધું. ધીરે ધીરે સાધકોની સંખ્યામાં 24 જેટલી વ્યક્તિઓનો વધારો થયો. આશ્રમ આર્થિક સંકડામણમાં આવી પડ્યો. તાત્કાલિક નાણાં મેળવવા માટે શ્રી માતાજીએ પોતાનાં સોનાનાં ઘરેણાં વેચવા કાઢ્યાં. ચાંદીની મોટી ઘડિયાળ પણ વેચી. માણેક અને નીલમવાળો સોનાનો મુગટ પણ વેચ્યો. વર્ષ 1949માં સાડીઓ પણ વેચવા કાઢી.
આજે તો આશ્રમ ઓરોવિલની રચના થકી એક વિશાળ પટ પર પ્રસરેલો છે. ઓરોવિલ એવી નગરી છે, જેમાં 50 હજાર માણસો વસવાટ કરી શકે છે. અહીં શૈક્ષણિક, કલાવિષયક, આધ્યાત્મિક, ઔદ્યોગિક, કૃષિવિષયક પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકો પોતાની આંતરચેતનાનો વિકાસ સાધી શકે છે. પોંડિચેરીમાં પણ વિવિધ ઉત્પાદન કેન્દ્રો કામ કરી રહ્યાં છે. હવે કોઈ આર્થિક પ્રશ્ર્ન રહ્યો નથી. જ્યારે માતાજી સ્થાયી વસવાટ માટે પોંડિચેરી આવ્યાં ત્યારે ભારે આર્થિક તંગીના દિવસો હતા.
રસોઈમાં પણ ભારે કરકસર કરવી પડતી હતી. ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ન હતી. બધા વચ્ચે સ્નાન પછી વાપરવા એક જ ટુવાલ હતો. ખુલ્લા નળમાં સૌ વારાફરતી ન્હાઈ લેતાં. શ્રી અરવિંદ છેલ્લે સ્નાન કરી ભીનો ટુવાલ વાપરતા હતા. એક ટેબલ અને બે ખુરશી હતાં. એક કેરોસીનનો દીવો અને એક મીણબત્તી હતાં. શ્રી માતાજી આવ્યા પછી સ્વચ્છતા, સુઘડતા અને વ્યવસ્થા સ્થપાઈ.
શ્રી અરવિંદ અને શ્રી માતાજી એક જ સાધનાપથનાં યાત્રી
જ્યોતિબહેન લખે છે –
શ્રી અરવિંદ અને શ્રીમાતાજીનું યુગકાર્ય એક જ હતું. એમનો સાધનાપથ પણ એક જ હતો. -પરમાત્માની પૂર્ણ ચેતનાના અવતરણ દ્વારા માનવપ્રકૃતિનું દિવ્ય રૂપાંતર કરવું અને પૃથ્વી ઉપર પરમાત્માનું શાસન સ્થપાય તે માટેની ભૂમિકા તૈયાર કરવી.
શ્રી માતાજીના આગમન પછી જ શ્રી અરવિંદનો યોગ માનવ-જીવનમાં ચરિતાર્થ થયો. શ્રી માતાજીએ સ્પષ્ટપણે જણાવ્યું છે –
‘એમના વગર મારું કોઈ અસ્તિત્વ નથી, મારા વગર એમનો આવિર્ભાવ નથી.’
શ્રી અરવિંદે લખેલું મહાકાવ્ય ‘સાવિત્રી’ એમની સાધનાની અનુભૂતિઓની કાવ્યમય અભિવ્યક્તિ છે, સાથે સાથે તે શ્રી માતાજીની સાધનાની અનુભૂતિ પણ છે. બંનેને એકસરખા અનુભવો થતા હતા. બંનેની ચેતનામાં અદ્વૈતપણું હતું. શ્રી અરવિંદ જે સાધના એકાંતમાં કરી રહ્યા હતા, એથી કપરી સાધના નવી દિવ્યચેતનાના અવતરણ માટે પ્રતિનિધિઓને તૈયાર કરવાની, શ્રી માતાજી કરી રહ્યાં હતાં.
5 ડિસેમ્બર 1950ના રોજ શ્રી અરવિંદે દેહત્યાગ કર્યો ત્યારે પાંત્રીસ વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી આધ્યાત્મિક સાથી રૂપે રહેલા દિવ્ય સહયોગીની સ્થૂળ ગેરહાજરી પછી પૃથ્વીના રૂપાંતરના મહાકાર્યને શ્રી માતાજીએ આગળ ધપાવ્યું હતું. તેમ છતાં શ્રી માતાજી એકલાં પડી ગયાં હતાં. તેમના કાર્યને સમજી શકે એવું તો કોઈ જ રહ્યું ન હતું. પરંતુ આંતરિક ભૂમિકાએ શ્રી માતાજીનો શ્રી અરવિંદ સાથેનો સતત સંપર્ક રહ્યો હતો. શ્રી માતાજી કહે છે – ‘શ્રી અરવિંદ જેમને હું જાણું છું અને જેમની સાથે ભૌતિક સ્તરે મેં ત્રીસ વર્ષ ગાળ્યાં છે, તેઓ મને છોડી ગયા નથી. એક ક્ષણ માટે પણ નહીં… અને હજુ તેઓ મારી સાથે જ છે. દિવસ તેમજ રાત્રિ દરમ્યાન – મારા મસ્તિષ્ક દ્વારા તેઓ જ વિચારી રહ્યા છે. મારી કલમ દ્વારા તેઓ જ લખી રહ્યા છે. મારા મુખ દ્વારા તેઓ જ બોલી રહ્યા છે અને મારી સંગઠનની શક્તિ દ્વારા તેઓ જ કાર્ય કરી રહ્યા છે.’
શ્રી માતાજીનું સાચું સ્વરૂપ – ’The Mother’
શ્રી અરવિંદે વર્ષ 1927માં અંગ્રેજી પુસ્તક ’The Mother’ લખ્યું. નાની સરખી 32 પાનાંની આ પુસ્તિકા છે. આજે તો હવે તે free Download પણ કરી શકાય છે. ગુજરાતીમાં આ પુસ્તકનું નામ છે ‘મા’. શ્રી જ્યોતિબહેને 4-5 પાનાંમાં પુસ્તકમાંની મહત્ત્વની વાતો રજૂ કરી છે. મા ભગવતીનાં ચાર સ્વરૂપો – માતા મહેશ્ર્વરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની વાત શ્રી અરવિંદ કરે છે. પુસ્તક વાંચ્યા પછી આશ્રમનાં ઘણાં સાધકોના મનમાં એ પ્રશ્ર્ન ઊઠતો હતો કે શ્રી અરવિંદે ઊર્ધ્વ ભૂમિકામાં રહેલાં મા ભગવતી વિષે આ લખ્યું હશે કે પછી આશ્રમમાં સદેહે વસતાં શ્રી માતાજી વિષે લખ્યું છે ? શ્રી અરવિંદનો જવાબ હતો – ‘એ આપણાં જ શ્રી માતાજીનાં સ્વરૂપો છે.’
સાધકોના મનમાં બીજો પ્રશ્ર્ન હતો – મા ભગવતી તો દિવ્યલોકમાં રહીને પણ આ કાર્ય કરી શકતાં હતાં. દેહ ધારણ કરીને આવવાની શી જરૂર હતી ? શ્રી અરવિંદનો જવાબ હતો – ‘હવે સમગ્ર સૃષ્ટિને પૂર્ણતાવાળી બનાવવા મા ભગવતી પોતે અવિદ્યાના જગતમાં ઊતરી છે, અંધકારની નિમ્ન ભૂમિકામાં તે ઊતરી આવી છે, જેથી તમસને જ્યોતિ પ્રત્યે લઈ જઈ શકે.’
‘શ્રી માતાજી આપણી વચ્ચે અંધકાર અને અસત્ય, સ્ખલન અને મૃત્યુની અંદર આપણા પ્રત્યેના ગહન અને મહાન પ્રેમને લઈને જ ઊતરી આવ્યાં છે. પરમાત્મા આ જગતમાં સાધનાનો પથ બતાવવા માટે માનવતાનો આભાસ ધારણ કરે છે, બાહ્ય રીતની પ્રકૃતિ ધારણ કરે છે, એટલે કંઈ દિવ્ય મટી જતાં નથી.’
આ છે શ્રી માતાજીની અસલી ઓળખ ! શ્રી માતાજીના પ્રતીકમાં બાર પાંખડીઓ દર્શાવવામાં આવી છે. મનુષ્યે શ્રેષ્ઠ જીવન જીવવા માટે આચરવાના ગુણોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે છે –
- સત્યનિષ્ઠા
- વિનમ્રતા
- કૃતજ્ઞતા
- પ્રયત્નશીલતા
- અભીપ્સા
- ગ્રહણશીલતા
- પ્રગતિ
- સાહસ
- શુભભાવ
- ઉદારતા
- સમતા
- શાંતિ.
દિવ્ય જીવનના પથ પર ચાલવા માટે તેમ જ શ્રી માતાજી માટેના આપણા સાચા પ્રેમને અભિવ્યક્ત કરવા માટે ઉપરોક્ત દર્શાવેલા 12 ગુણોનું સહજ આચરણ જરૂરી છે.
શ્રી અરવિંદ અને શ્રી માતાજીની સાધના અંગે તેમણે દર્શાવેલા ઉત્ક્રાંતિના નવા દર્શન અંગે, અતિમનસના અવતરણની વાત અંગે, સમગ્ર માનવજાતિના દિવ્ય રૂપાંતર દ્વારા પાર્થિવ ચેતનામાં દિવ્ય જીવન સ્થાપવાના સ્વપ્ન અંગે ઘણાં બધાં લોકોનાં મનમાં શંકા-કુશંકા થાય છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા સમજવાની થોડી પણ ઇચ્છા થાય તેના માટે સારા એવા પ્રમાણમાં હવે ગુજરાતીમાં સાહિત્ય ઉપલબ્ધ છે. શ્રી જ્યોતિબહેન શ્રી માતાજી પર એક પુસ્તક તૈયાર કરી રહ્યાં છે તેમ જાણ્યા પછી આતુરતા-પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેઓ આપણી આતુરતાનો અંત લાવ્યાં તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો. કોઈ પણ વ્યક્તિ પુસ્તકના વાચનમાંથી પસાર થશે તો તેને ચોક્કસપણે પોતાની ચેતનામાં ઊર્ધ્વગમનની આકાંક્ષા જાગશે.
પુસ્તક પ્રકાશન માટે શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ પુસ્તક લોકસુલભ થાય તે માટે આર્થિક સહાય કરનાર શ્રી રામભાઈ અમીન ટ્રસ્ટના શ્રી જગદીશભાઈ અમીન તેમજ પ્રશાંત ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના શ્રી પ્રકાશભાઈ શાહનો પણ આભાર માનવો રહ્યો.
– રજની દવે
જ્યોતિબહેન થાનકીનો સંપર્ક મો.: 9429335353.
‘દિવ્ય શક્તિ માતાજી’ (કિંમત રૂ. 75/-) પુસ્તક પ્રાપ્તિ માટે
(1) શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, દાંડિયાબજાર, વડોદરા-1. ફોન : 0265-2418978 (2) જિજ્ઞાબહેન દવે. સિદ્ધપુર. મો.: 9898602325.