(ખેડૂતોના સવાલો પર કાલ્પનિક મોદી-ખેડૂત સંવાદ. ખેડૂત મોદીજીને મળીને આ બધું પૂછવા માગે છે…)
દેશને પોતાના મનની વાત સંભળાવીને અને બનારસમાં ભાષણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દિલ્હી પાછા આવી રહ્યા હતા. રસ્તામાં તેમને એક ખેડૂત મળી ગયો. મોદીજી બોલ્યા, “તમે ‘મન કી બાત’ સાંભળો છો ? ખેડૂત સાચું બોલનારો હતો, કહ્યું, “તમે મોટી વ્યક્તિ છો. તમારા મનની વાત તો દર મહિને સાંભળું છું. આજે ખેડૂતના મનની વાત સાંભળો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ :
મોદીજી : તમને ખબર છે, અમારી સરકાર ખેડૂતો માટે ઐતિહાસિક પગલું ભરી રહી છે ?
ખેડૂત : હવે શું બંધ કરી રહ્યા છો જી ? ખોટું ન લગાડતા, તમે જ્યારે-જ્યારે કોઈ વાતને ઐતિહાસિક જણાવો છો, ત્યારે ડર લાગે છે ! પહેલાં ઐતિહાસિક નોટબંધી, પછી કોરોનામાં દેશબંધી, હવે ખેડૂતો માટે શું બંધ કરશો ?
મોદીજી : હું તો એ ત્રણ ઐતિહાસિક કાયદાની વાત કરતો હતો, જે સરકાર લઈને આવી છે.
ખેડૂત : સાંભળો જી, સોગાત એ હોય છે જે કોઈએ માગી હોય કે તેની જરૂર હોય કે તેના કોઈ કામની હોય, આ ત્રણ કાયદા શું ખેડૂતોએ કે તેમના નેતાઓએ માગ્યા હતા ? તેમને લાવતા પહેલાં તમે એક પણ ખેડૂત સંગઠનની સલાહ લીધી હતી ? જો આ સોગાત છે તો દેશનું એક પણ ખેડૂત સંગઠન તેને ટેકો કેમ નથી આપી રહ્યું ?
મોદીજી : તેઓ તો વિરોધી છે, વિરોધ કરવો તેમની ટેવ છે.
ખેડૂત : ચાલો, વિરોધીઓને ભૂલી જાઓ ! તમારા 50 વર્ષ જૂના સહયોગી અકાલી દળે આ કાયદા વિરુદ્ધ તમારો સાથ કેમ છોડ્યો ? તમારું પોતાનું ભારતીય કિસાન સંઘ આ કાયદાને કેમ ટેકો નથી આપતું?
મોદીજી : તમે સમજતા નથી. આ કાયદાથી તમને આઝાદી મળશે. જ્યાં ઇચ્છો ત્યાં પાક વેચી શકશો.
ખેડૂત : આવી આઝાદી તો પહેલાં પણ હતી. ગામમાં વેચું, મંડળીમાં વેચું, ગમે ત્યાં લઈ જઈને વેચું; કહેવા માટે તો બધી આઝાદી હતી, પરંતુ મંડળીથી દૂર ક્યાં જાઉં ? કેવી રીતે જાઉં ? અરે ! બીજું રાજ્ય છોડો, બીજા જિલ્લામાં જવું પણ મને મોંઘું પડે છે. આવી આઝાદીનું શું કરું?
મોદીજી : તેના માટે વ્યવસ્થા કરી છે. હવે સરકારી મંડળીમાં પાક વેચવો જરૂરી નથી. પ્રાઈવેટમાં મંડળી ખૂલશે.
ખેડૂત : તમે મંડળી વ્યવસ્થાને સુધારો તો મારા જેવા બધા ખેડૂત તમારી સાથે છે. તમે તો તેને જ બંધ કરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. મંડળીમાં જઈને હું બૂમો પાડું છું તો મારી વાત પણ સાંભળે છે. પ્રાઈવેટમાં કોણ સાંભળશે ?
મોદીજી : આવું કોણે કહ્યું કે, મંડળી બંધ કરી રહ્યા છીએ ? અમે તો માત્ર બીજો એક વિકલ્પ આપી રહ્યા છીએ !
ખેડૂત : સરકારી મંડળી આમ પણ બંધ થઈ જશે, જેવી રીતે એક કંપનીના મોબાઈલે બાકી કંપનીઓને બંધ કરી દીધી. એ મોબાઈલ શરૂ થયો ત્યારે કહ્યું, જેટલી ઇચ્છા થાય તેટલા કોલ કરો, હંમેશાં ફ્રી રહેશે. બધા તેની સાથે જોડાઈ ગયા. બાકી કંપનીઓ ઠપ થઈ ગઈ. પછી તેણે ભાવ વધારી દીધા. પ્રાઈવેટ મંડળીમાં પણ આવો જ ખેલ થશે. પહેલાં એક-બે સિઝન ખેડૂતોને 100 રૂપિયા વધારે આપશે. એટલામાં સરકારી મંડળી બેસી જશે, વચેટિયાઓ ત્યાં દુકાન બંધ કરી દેશે. પછી પ્રાઈવેટ મંડળીવાળા 500 રૂપિયા ઓછા આપશે તો પણ ખેડૂતે મજબૂરીમાં ત્યાં જઈને પોતાનો પાક વેચવો પડશે.
મોદીજી : મેં વારંવાર કહ્યું છે, લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા ચાલુ રહેશે. તમને મારા પર વિશ્ર્વાસ નથી ?
ખેડૂત : હજુ પણ વિશ્ર્વાસ મૂકવા તૈયાર છું. માત્ર તમે લખીને આપી દો. જેવી રીતે ત્રણ કાયદા બનાવ્યા છે, એવો ચોથો કાયદો પણ બનાવી દો કે, સરકાર જે એમએસપી જાહેર કરશે, ખેડૂતને ઓછામાં ઓછો એટલો ભાવ તો મળશે જ. આ કાયદાઓમાં જ લખી નાખો કે મંડળી સરકારી હોય કે પ્રાઈવેટ, સરકાર દ્વારા નક્કી કરેલા ભાવથી ઓછા ભાવમાં કોઈ સોદો નહીં થાય. મને તો ખબર નથી, પરંતુ માસ્ટરજી કહેતા હતા કે તમે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2011માં તમે વડાપ્રધાન મનમોહન સિંઘને પત્ર લખીને માંગણી કરી હતી કે, એમએસપીની કાયદાકીય ગેરન્ટી આપવામાં આવે. હવે તો તમે પોતે જ વડાપ્રધાન છો. તમે પોતાની જ વાત સ્વીકારી લો ને !
મોદીજી : ઓછામાં ઓછું વચેટિયાથી તો છુટકારો મળશે ?
ખેડૂત : એ કેવી રીતે ? જો અંબાણી કે અદાણી પ્રાઈવેટ મંડળી ખોલશે તો તેઓ કયાં સામે ચાલીને ખેડૂતનો પાક ખરીદશે ? તેઓ પણ એજન્ટ જ લાવશે. એકના બદલે બે વચેટિયા થઈ જશે. એક નાનો એજન્ટ અને તેના ઉપર અંબાણી કે અદાણી, બંને ભાગ પડાવશે. આજે વચેટિયા જેટલું કમિશન લે છે, ત્યારે બંને વચેટિયા મળીને તેનાથી બમણું લેશે.
મોદીજી : તમને અમારી બધી ભૂલો જ દેખાય છે ? કોંગ્રેસના રાજમાં શું ખેડૂતો ખુશ હતા ?
ખેડૂત : જો ખેડૂતો ત્યારે ખુશ હોત તો આજે તમે આ ખુરશી પર ન બેસતા. ખેડૂતો દુ:ખી હતા એટલે જ કૉંગ્રેસને ખુરશીમાંથી ઉતારી છે. તમે તો છાપરું પણ ખેંચી રહ્યા છો અને કહો છો કે તેનાથી તમને ખુલ્લું આકાશ દેખાશે, ચાંદ-તારા દેખાશે ! છાપરા વગર જીવવાની આઝાદી અમને જોઈતી નથી….
ખેડૂતની નજર આકાશથી નીચે આવી તો જોયું કે મોદીજી થેલો લઈને જતા રહ્યા હતા. એટલે ખેડૂત પણ ટ્રેક્ટર ટ્રોલી લઈને દિલ્હીમાં ભેગા થયેલા ખેડૂતોમાં સામેલ થવા નીકળી પડ્યો.
(સૌજન્ય : દિવ્યભાસ્કર) – યોગેન્દ્ર યાદવ
Featured Image by ಪಿಮಹಮ್ಮದ್ Mahamud