કિસાન આંદોલન : દેશની કાયાપલટ કરવાનું પ્રથમ પગલું

કિસાન દિવસ

આ લેખ લખું છું ત્યારે આજે છે – કિસાન દિવસ. એક વખતના વડાપ્રધાન તેમજ કિસાન નેતા ચૌધરી ચરણશિંગનો જન્મદિવસ 23 ડિસેમ્બર 1902, 29મે 1987ના રોજ તેમની પુણ્યતિથિ. અન્નદાતાની અસ્મિતાને ઓળખીને સન્માન આપવાનો આજે દિવસ છે.

દેશમાં ચાલતા કિસાન આંદોલનનો આજે 28મો દિવસ છે. આંદોલન દરમ્યાન 40 ઉપરાંત કિસાનો મૃત્યુ પામ્યા છે, તેથી કિસાનો આજે શહીદ દિવસ ગણીને એક ટંકનું ભોજન છોડવાના છે. આંદોલનને ટેકો આપનારા પણ ભોજન છોડી રહ્યા છે.

ભૂમિપુત્રનો આ અંક આપના હાથમાં 16 જાન્યુઆરી 2021 પછી આવશે. ત્યાં સુધી આંદોલનની શું સ્થિતિ હશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. આ આંદોલનની સાથે સાથે ખેતી, ખેડૂત, બજાર અને સરકાર વિષે સારું એવું વિચાર-વલોણું ચાલ્યું છે. માત્ર દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ખેડૂતોની થઈ રહેલી દુર્દશા અંગે પણ કેટલીક રજૂઆત સમાચાર- માધ્યમોમાં થઈ. ભલે આજે ભારતમાં ઉગ્ર આંદોલન ચાલતું હોય, પરંતુ કહેવાનું મન થાય છે કે સમગ્ર વિશ્ર્વના ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કરીને પોતાની અસ્મિતા પુન: સ્થાપિત કરવાની છે.

આંદોલનથી આરોહણ સુધી

કોઈપણ આંદોલન સતત ચાલતું નથી. જે સતત ચાલે તેને લોકો આંદોલન તરીકે ગણે પણ નહીં. આંદોલન તેની તીવ્રતાની ટોચે પહોંચીને કંઈક મેળવે છે અને પછી ધીરે ધીરે મંદ ગતિ તરફ જાય છે. જો આંદોલન-કર્તામાં વ્યાપક દૃષ્ટિ હોય અને જે કંઈ પામ્યા, ન પામ્યા તે અંગે પુન:ચિંતન કરે તો તે પછી એક આરોહણનો, લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવાનો અને તેના અમલીકરણનો અવસર આવે છે.

ખેડૂતો દિલ્હીમાં રામલીલા મેદાન પર પહોંચવા માંગતા હતા. સરકારે હાઈવે ખોદી નાંખ્યા, વજનદાર કોંક્રેટ બ્લોક, કાંટાળા તાર રસ્તા પર મૂક્યા, પરંતુ ખેડૂતો તેને પાર કરીને દિલ્હીની સરહદે પહોંચી ગયા. ખેડૂતો જેને કાળો કાયદો કહે છે, તેને તેઓ દૂર કરાવીને જ જંપશે, તેવી આશા જરૂરથી રાખવી રહી. પરંતુ માત્ર નકારાત્મક પાસામાં જ આંદોલન સમાપ્ત થતું નથી, તેની હકારાત્મક બાબતો જેમ કે, ભાવ, બજાર અને સરકારની જવાબદારી અંગેની વાત પણ ખરી કરાવવાની છે.

આપણે એટલું સમજવું જરૂરી છે કે ખેતીની વર્તમાન સ્થિતિ અને ખેડૂતોની કપરી હાલત માટે આપણે ઘણાબધા મુદ્દાઓ અને ઘણાબધા વિષયો અંગે પણ વિચારવું પડે. આવી લાંબી પહોળી વાત કરીને આપણે જવાબદાર સરકાર કે સત્તાનો ખોટો ઉપયોગ કરનાર સરકારને માટે માફી-નામું લખતા નથી. માત્ર સમગ્રતાના આકલન દ્વારા પ્રશ્ર્નોનાં મૂળિયાં તપાસવા માંગીએ છીએ. બહુ જૂના ભૂતકાળની વાતો છોડીએ પરંતુ છેલ્લાં 60-70 વર્ષનો વિચાર અવશ્ય કરવો રહ્યો. વધુમાં વધુ ભારત આઝાદ થયું ત્યારનું હિંદુસ્તાન અને આજના ભારતનો વિચાર કરવો પડે.

આપણે કૃષિક્ષેત્રના પાયાના પ્રશ્ર્નોને સમજવા માટેના વિવિધ મુદ્દાઓ અહીં નોંધીએ છીએ.

  • સમાજની વિકાસની વિભાવના
  • આ વિભાવનાને ચરિતાર્થ કરવા કરેલા માર્ગની પસંદગી
  • જરૂર પડે કોઈના ભોગે કોઈકનો વિકાસ
  • રાજ્ય સત્તા અને તેનું કાર્યક્ષેત્ર, તેમજ તેની ફરજો
  • ખેતીની તરાહ, ખેતી સાથે સંકળાયેલાં એન્વાયરમેન્ટ અને ઇકોલોજીનાં વિવિધ પાસાંઓ
  • કુદરત કે માનવસર્જિત આપદાઓ સામે રક્ષણનું આયોજન
  • વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપક પ્રભાવ
  • નિષ્ણાતોનો એક નવો સમૂહ, ટેકનિકલ ક્ષેત્રે, અર્થવ્યવસ્થાના ક્ષેત્રે, બજાર ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે
  • મૂડીવાદ અને માર્કેટનો પ્રભાવ
  • ઉપભોક્તા – ગ્રાહક, નબળો અને સબળો.
  • હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે સમાજની અને સરકારની સંવેદના.

આશરે 15 કિ.મી.થી પણ વધારે લંબાઈમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતોએ પાઘડીપને એક આંદોલન નગર ખડું કર્યું છે. આ આંદોલનને બદનામ કરવા જાતજાતના પેંતરા રચવામાં આવ્યા છે. સરકાર પણ સત્ય, અર્ધસત્ય તો ક્યારેક ખોટી વિગતો રજૂ કરે છે. આમાં સત્ય શું છે તે વાત લોકો સુધી પહોંચાડવા ઘણા બધા યુવાન કાર્યકરો તૈયાર થયા છે. અત્યારે સ્થળ પર નાની લાયબ્રેરી પણ ખોલી છે, જ્યાં આંદોલનકર્તા આવે છે, વાંચે છે-વિચારે છે-ગ્રુપચર્ચા પણ કરે છે. આ કાર્યકરો ભવિષ્યમાં ખેતી સાથે સંકળાયેલાં ઘણાં બધાં પાસાં અંગે ચોક્કસ વિચાર કરશે. કદાચ જો આંદોલન લંબાય તો નજીકના ભવિષ્યમાં આ અંગે વિચારે પણ ખરા. આજના સમાચાર પ્રમાણે પંજાબ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો પણ પોતાનો ટેકો જાહેર કરવા આંદોલન સ્થળે આવ્યા હતા.

તા. 16-11-2020ના ભૂમિપુત્રમાં ‘કૃષિ વિધેયક સરકાર લાવી શરમ ! શરમ્’ તથા તા. 1-12-2020ના અંકમાં ‘કરાર આધારિત ખેતીની કુદરતી સંસાધનો પર અસર’ લેખ જોયા હશે. ભૂમિપુત્ર તા. 1-1-2021માં ‘કિસાન આંદોલન : એક માનવીય વિચાર સામેનો માનવીય પ્રતિકાર’ તેમજ વિવાદાસ્પદ ત્રણ કાયદાની આસપાસ લેખો પણ આપ સૌએ વાંચ્યા જ હશે.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે

આ લેખોથી વર્તમાન કૃષિઆંદોલન અંગેની કેટલીક પાયાની સમજ આપણે કેળવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ દિલ્હી આસપાસના ધર્મક્ષેત્ર – કુરુક્ષેત્રમાં આંદોલનના જે પડઘમ વાગે છે તે સમજવા એક વ્યાપક યુદ્ધક્ષેત્રમાં પ્રવેશ કરવો પડે.

શ્રી કાંતિભાઈ શાહ વારંવાર કહેતા હતા કે, આ લડાઈ વિચાર સામે વિચારની છે, ફિલસૂફીની લડાઈ છે. પરંતુ આજે તો એમ કહેવાનું મન થાય છે, માત્ર ફિલસૂફીથી આગળ વધીને એક એવી ફિલસૂફીની લડાઈ છે, જેમાં એક તરફ એવા મોભીઓ, તેમજ માલેતુજાર પૈસાદાર લોબી હોય અને તેની સામે ખુલ્લા આકાશ તળે તડકા-છાંયડામાં, ઠંડી-ગરમીમાં વરસતા વરસાદ વચ્ચે રાત-દિવસ મથનારો ખેડૂત હોય, જેનું તત્ત્વદર્શન તેને શ્રમઆધારિત જીવન જીવી ગામડામાં કુદરતના ખોળામાં જીવવાનું કહેતું હોય.

કીડી પર કોશના ઘા

નિષ્ણાત કહે છે, ‘ખેડૂતો, તમારી સંખ્યા દેશની કુલ વસ્તીના આશરે 50 ટકા જેટલી છે. પરંતુ રાષ્ટ્રના કુલ સકલ ઘરેલુ ઉત્પાદન જી.ડી.પી.માં તમારો ફાળો તો માત્ર 15 ટકા માંડ છે. તમે ગરીબના ગરીબ રહ્યા. તમે મોટા પાયે શહેરમાં જતા રહો. તો જ ગામડામાં બચેલાની આવક વધે.’ પછી બચેલા ખેડૂતોને કહેવામાં આવશે, લે ભાઈ ! તારી પાસે મૂડી નથી, તને જ્ઞાન નથી, તારી પાસે ટેકનોલોજી નથી; હાલમાં જમીન તારા નામે છે. અમે તને બધું જ્ઞાન આપીએ, તારે તારી ઉપજ અમને આપવાની. ખેડૂત કહે છે, વર્ર્ષો પહેલાં કેટલાક બાબુઓ અમારા વડવાને બીજ આપી ગયા, અમારા ગામડામાં તૈયાર થયેલ ખાતરને બદલે કારખાનામાં તૈયાર થયેલું રાસાયણિક ખાતર આપી ગયા. સાથે સાથે પાક પર છાંટવા માટે ઝેરી રસાયણ પણ આપી ગયા. ગામડેથી માંડી દિલ્હી સુધી બધા તેને હરિયાળી ક્રાંતિ Green Revolution કહેતા હતા.

તમે સાહેબ આવું જ કંઈ કહો છો, લે ભાઈ ! હવે હરિયાળી ક્રાંતિનો આ નવો બીજો અવતાર પણ તારા માટે જ છે. પણ આજનો ખેડૂત તેમની સલાહ માનવા તૈયાર નથી.

નવા બાબુઓ તેમજ તેમના સલાહકારો ઊકળી ઊઠ્યા.

  • આ તો આપણા દેશમાં વધુ પડતી લોકશાહી છે. ખેડૂત બચ્ચો ના કહેવાની હિંમત કેવી રીતે કરી શકે ? India is too much of democracy.
  • એક નિષ્ણાત તો તાડૂકી ઊઠ્યા : ખેડૂત બચ્ચો ના કહે છે ? સરકારે તેનો લોખંડી પંજો વાપરી આવા લોકોને કચડી નાંખવા જોઈએ; પણ પંજો દેખાય નહીં, અને ખેડૂતને ખબર પડે નહીં તે રીતે, મખમલી મોજાં પહેરી લઈને ! સાહેબ તો અંગે્રજી વાળા.

–              Farmer agitation : use iron fist in a velvet glove.

–              ભાઈ, આવું તો ભારતમાં ચાલે, ચીનમાં જો આવાં નખરાં કર્યાં હોત તો તેમના ચૂરેચૂરા કરી નાંખ્યા હોત.

–             Autocracies like china would smash such agitations. But democracies do not shoot agitators.

  • ખેડૂત ભાઈઓ, આભાર માનો કે, સરકારે અત્યાર સુધી બંદૂક વાપરી ટીયર ગેસના શેલનો મારો લગાવ્યો છે, ગોળીઓ દાગી નથી !

બીજા કેટલાક નિષ્ણાતો પણ સરકારને સલાહ આપી ચૂક્યા : ‘Center must not yield to ‘Mandatory MSP demand’ આ સાહેબ, બિચારી કેન્દ્રની સરકારને કહે છે : જો જો, ભોળાભાવે આ આંદોલન કરનારાઓની ખેતપેદાશના લઘુતમ ટેકાના ભાવ આપવા જોઈએ તેવી કાયદાની જોગવાઈ કરવાની વાત સાંભળતા નહીં.

  • બીજા એક સરકારના શુભેચ્છક સલાહકારે ચેતવણીરનો સૂર છેડતાં કહ્યું : “Rolling back Reform will encourage vested interests to strike down all Reform”.

ગંગાજળ અને ગાયમાતા જેવા પવિત્ર શબ્દો Reformની ગરિમા જાળવીને જે કૃષિ કાનૂનો રચ્યા છે તે ભૂલેચૂકે પણ પાછા ન લેતા, નહીં તો અત્યાર સુધી રચેલો Reformનો મહેલ તોડનારા આવી ચઢશે.

આવું બધું સાંભળી સરકારની પ્રચારસેના ગેલમાં આવી ગઈ અને અટપટી ભાષામાં, અઘરા અઘરા શબ્દો વાપર્યા વગર એકસામટી બધી જ દિશામાંથી ખેડૂતો પર એક પછી એક વાક્બાણ છોડવા લાગી. અને ભારતની જનતા જનાર્દનને જાગ્રત કરવા લાગી.

પ્રચારની ભરમાળ

  • ભલા ભોળા ખેડૂતોને ભ્રમિત કરવામાં આવ્યા છે. ખોટી સમજણ આપી રહ્યા છે. વિરોધપક્ષ તેમને ખોટા રવાડે ચઢાવે છે.
  • પાકિસ્તાન અને ચીનનો, વિદેશી તાકાતનો આની પાછળ હાથ છે.
  • પાઘડીવાળા શીખોને જોઈને કહે છે, આ તો ખાલિસ્તાની છે.
  • લાલ ઝંડી જોઈને કહે છે, આ તો કોમરેડ છે. એક જવાબદાર કેન્દ્રીય મંત્રીએ કહ્યું, માઓવાદી અને નકસલીઓ આંદોલન ચલાવી રહ્યા છે. તેઓ આંદોલનના નેતા બની ગયા છે. તેઓએ આંદોલનને હાઈજેક કર્યું છે, બાકી સમગ્ર દેશ નવા કૃષિ કાનૂનોથી ખુશ છે.
  • કેટલાક પ્રચારકોએ બેફામ મારો ચલાવ્યો : આ તો ટુકડે ટુકડે ગેંગવાળા છે, દલાલ છે.
  • આ તો માત્ર પંજાબના પૈસાદાર ખેડૂતોનું આંદોલન છે, બાકી તો દેશના ખેડૂતો ખુશ છે.
  • રીફોર્મ વાતનો પર્દાફાસ

કેટલીક પ્રચારસામગ્રીનો મુદ્દાવાર જવાબ આપી શકાય. કેટલાક લોકો આપી પણ રહ્યા છે. ધરાતલ સાથે સંકળાયેલા જાણકારો કહેવાતા reformની હવા કાઢી રહ્યા છે પણ તેમને કોણ સાંભળે છે ?

સરકારમાં આર્થિક સલાહકારના પદે રહી ચૂકેલા, તેમજ વિશ્ર્વબેંકના પણ સલાહકાર શ્રી કૌશિક બસુ કહે છે :

“I have now studied India’s new farm bills and realize they are flawed and will be detrimental to farmers. our agriculture regulation needs change but the laws will end up serving corporate interests more than farmers. Hats Off to the sensibility and moral strength of India’s farmers.”

બસુ સાહેબ કહે છે, ખેતીને લગતા કાયદા કાનૂનમાં ફેરફારની જરૂર છે પરંતુ હાલમાં લાદેલા કૃષિ કાયદાઓ ખામીભર્યા તેમજ ખેડૂતનું નુકસાન કરનારા છે. હાલના કાયદા ખેડૂતના ભલામાં નથી, કોર્પોરેટ કંપનીના ભલામાં છે.

એક આક્ષેપ એવો કરવામાં આવે છે કે, આ તો પૈસાદાર પંજાબના ખેડૂતોને મળતા આર્થિક લાભને ટકાવવા માટે જ સમાજવાદીઓની ભાષા બોલાઈ રહી છે. આ તો – Socialism for rich Farmersની વાત છે. સ્વતંત્ર સંશોધક બહેન નવસરણશિંઘ પંજાબમાં ખેડૂતોની જમીન ધારણ સ્થિતિ શું છે તે અંગે નોંધતાં કહે છે –

વર્ષ 2015-16માંના સંશોધનના આધારે આશરે 33 ટકા ખેડૂતો બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવે છે. બીજા 33 ટકા 2 થી 4 હેક્ટર જમીનવાળા છે. 28 ટકા, 4 થી 10 હેક્ટર જમીનવાળા છે. માત્ર 5 ટકા ખેડૂતો જ 10 થી વધુ હેક્ટર જમીન ધરાવનારા છે.

વર્ષ 2018ની વિગતો પ્રમાણે પંજાબના ખેડૂતોનું કુલ દેવું રૂ. 80,000 કરોડ છે. તો પછી કોઈ એવો આક્ષેપ કરે કે આ આંદોલન તો પંજાબના પૈસાદાર ખેડૂતોનું છે ! તે વાત કેમ મનાય ?


તમને આ પણ વાંચવું ગમશે


પહેલાં ઊંધા રવાડે ચઢાવ્યા નિષ્ણાતોએ, પણ દોષનો ટોપલો ખેડૂતો પર

ખેડૂતો પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ પરિવર્તનનો વિરોધ કરે છે. વર્ષ 1965માં ભારતમાં અનાજની ભારે તંગી હતી. અમેરિકાથી Public law 480 અંતર્ગત અનાજ મંગાવવું પડ્યું, જેને PL-480 થી ઓળખવામાં આવે છે. આશરે 1 કરોડ મેટ્રીક ટન અનાજ મંગાવવામાં આવ્યું. ત્યારબાદ ભૂખી જનતાનું પેટ ભરવા પંજાબ-હરિયાણાના ખેડૂતોને ગ્રીન રીવોલ્યુશનના નામે વધુ ઉત્પાદન માટે નવાં બિયારણ, રાસાયણિક ખાતર, તેમજ છોડના રક્ષણ માટે ઝેરી રસાયણો આપવામાં આવ્યાં. ખેડૂતના ઉત્પાદનને સારો ભાવ મળશે તેની ખાતરી આપી. ખેડૂતોએ 10-15 વર્ષમાં તો અનાજના ભંડાર ભરી નાંખ્યા.

હવે આ જ ખેડૂતને તળનાં પાણી ઊંડાં જવા માટે તેમજ પ્રદૂષણ વધારવા માટે ગુનેગાર ગણવામાં આવે છે. સમાજના જાગૃત નાગરિકોએ પંજાબમાં ફેલાતા કેન્સરના રોગ માટે ચિંતા વ્યક્ત કરી. તેને નાથવા માટે પ્રબળ પુરુષાર્થની જરૂર છે તેમ પણ કહેવાયું. પણ પંજાબ તેમજ દેશમાં સર્જાયેલા પ્રશ્ર્નો સામે આંખમીંચામણાં કર્યાં.

પણ જ્યારે ખેડૂત હવે પોતાની પેદાશના વાજબી ભાવ મળે તે માટે કાયદો રચવાની વાત કરે છે, ત્યારે પર્યાવરણના પ્રશ્ર્નને ઉજાગર કરીને ખેડૂતને બદનામ કરવામાં આવે છે. વર્ષ 1991માં વંદના શિવાએ ‘The Violence of the Green Revolution’ ઉપરાંત 1993માં

 Mono-culture of the Mind પુસ્તક પણ લખ્યું હતું.

સરકારે 30 વર્ષમાં આ પ્રશ્ર્ને પૂરતી જાગૃતિ દાખવી છે ? પ્રખર વિજ્ઞાની ફ્રિટજોફ કાપ્રા તેમના પુસ્તક The Systems view of Lifeમાં લખે છે –

Industrial agriculture originated in the 1960’s when petrochemical companies introduced new methods of intense chemical farming…. immediate effect was spectacular improvement in agricultural production. ….chemical farming was hailed as the ‘Green Revolution’. But a few decades later, the dark side of chemical agriculture became painfully evident. …. Green Revolution has helped neither farmer, nor the land, nor the consumer.

New chemicals, farming became mechanized and energy-intensive, favoring large corporate farmers with sufficient capital and forcing most of the traditional single family farmer to abandon their land.

આજે આપણા નિષ્ણાતો ખેડૂતના માથે ઠીકરી ફોડે છે. કહે છે, પંજાબના ખેડૂતોને વીજ વપરાશમાં રૂ. 8275 કરોડની અને ખાતરમાં 5000 કરોડની સબસિડી આપવી પડે છે. ઉપરાંત ઓછા વ્યાજે લોન આપવી પડે છે. પાછા એમ પણ કહે છે, એટલું બધું અનાજ ઉગાડે છે કે ગોડાઉનોમાં સંઘરવું મુશ્કેલ થઈ પડ્યું છે, ઉંદરો ઉજાણી કરી જાય છે. પંજાબે એવી ચીજો ઉગાડવી જોઈએ, જેની લોકોમાં માંગ હોય. પરંતુ આ માટે બિચારા ખેડૂતે પોતાની જમીન Agri-professionals ને લીઝ પર આપવી જોઈએ અને Second Green Revolution માટે માર્ગ કરી આપવો જોઈએ.

આપણને પ્રશ્ર્ન કરવાનું મન થાય છે કે, આ Second Green Revolutionની સમજ આપણી કૃષિ યુનિવર્સિટીઓ ખેડૂતને શીખવાડી ન શકે ? તેની પર્યાવરણ પરની આડઅસરો તો તપાસી લીધી જ હશે. તેમાં ધારો કે પૈસા વધારે રોકવા પડે તો બેંક લોન ન આપી શકે? કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આ માટે સક્રિય ન થઈ શકે ? ખેતીમાંથી ખેડૂતનો આંકડો કાઢીને આપણે શું મેળવવું છે ? આને આપણે reform કહીશું ? આ ખેડૂત ક્યાં જશે ? પોતાના ખેતરમાં મજૂર તરીકે કામ કરશે ?

ખેતીનું નવું વિજ્ઞાન-લોકવિજ્ઞાન બનવું જોઈએ. રીફોર્મના નામે જીનેટિકલ જાતો દાખલ કરવાની કોઈ ચાલ તો નથી ને ? જેમના પગ ધરતી પર નથી તેવા અર્થશાસ્ત્રીઓ સરકારના માર્ગદર્શક બની ગયા છે.

શ્રી અરુણ માઈરા પ્લાનિંગ કમિશનના સભ્યપદે રહી ચૂક્યા છે તેઓ કહે છે : કૃષિમાં reform દાખલ કરતાં પહેલાં – Go back to the Drawing board પુન: પાયામાંથી ચિંતન કરવાની જરૂર છે. તેઓ ચેતવણી આપતાં કહે છે, નિષ્ણાતો ખેડૂતોને શહેરમાં ધકેલી દેવાની વાત કરે છે. પણ લોકોએ જાણી લેવું જોઈએ કે ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રે કોઈ મોટી રોજગારી આપી શકશે તેવું ચિત્ર દેખાતું નથી. કામદારોની સંખ્યા ઘટે તેવી ટેકનોલોજી આવી રહી છે.

બીજી મહત્ત્વની વાત કરે છે – આજ કાલ Productivity -ઉત્પાદન ક્ષમતા વધારવાની વાત કરવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આનાથી Ecological Balance ખોરવાશે. બાયો ડાવયર્સિટીને નુકસાન પહોંચશે, જમીનો બગડશે, પાણી વધારે વપરાશે. વિજ્ઞાની જેમ્સ સી. સ્કોટના લખાણ ‘History of Scientific forestry in Germany’ માંની વાત કરતાં તેઓ કહે છે : When man tries to overcome Nature with his science and industry, without understanding how Nature functions, he harms Nature and ultimately himself.

એક બાજુ ધાનના ઢગલા અને બીજી બાજુ ભૂખી જનતા !

એક આક્ષેપ એવો છે કે, ખેડૂત તો અનાજ પેદા કર્યા કરે છે. આટલું બધું અનાજ ક્યાં રાખવું ?

વર્ષ 2011થી વર્ષ 2017 સુધીમાં 62000 ટન અનાજ Food Corporation of India (FCI) ના ગોડાઉનમાં બગડ્યું હતું. કેટલાક આનાથી મોટો આંકડો કહે છે. અનાજ બારોબાર વગે પણ થઈ જાય છે.

એક કૃષિ અર્થતંત્રના નિષ્ણાત સાહેબે તો ત્યાં સુધી કહી દીધું, સરકાર દેશની સરહદોનું રક્ષણ કરવા તરફ ધ્યાન આપે કે અનાજ ખરીદવા-સંઘરવા અને વિતરણનું કામ કરે ! આ બધું ખાનગી કંપનીઓ સક્ષમ રીતે કરી શકે. અનાજના કારોબારમાંથી સરકારે નીકળી જવું જોઈએ.

આપણે જોઈએ The Global Hunger Index – 2020 શું કહે છે – કુપોષણમાં ભારતનો નંબર 107 દેશોમાં 94મો છે. બાંગલાદેશ, પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ ભારત ઘણું પાછળ છે.

United Nations Food and Agri. Organisation (UN FAO)ના અહેવાલ પ્રમાણે ભારતમાં 19 કરોડ 40 લાખ લોકો ભૂખ્યા રહે છે. આટલી કંગાલ સ્થિતિ જોતાં સુપ્રીમ કોર્ટે અન્ન પ્રાપ્ત કરવાના હકને – Right to food ને બંધારણની કલમ-21 અંતર્ગત બંધારણીય હક માન્યો છે. આપણા ખેડૂતભાઈઓએ પૂરા ભારતની પ્રજા ભરપેટ જમી શકે છતાં વધે તેટલું અનાજ વર્ષ 2018-2019માં પેદા કર્યું હતું.

વર્ષ 2018-19માં 283.37 મિલીયન ટન અને વર્ષ 2019-20માં 295.67 મિલીયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું.

સરકાર શિક્ષણમાંથી, આરોગ્યમાંથી, રેલવેમાંથી, માળખાગત સગવડોમાંથી, જાહેર સેવાઓમાંથી હાથ ખેંચી રહી છે. તો પછી સહેજે પ્રશ્ર્ન થાય કે સરકાર પાસે કયું મહત્ત્વનું કામ હાથ પર રહેશે ?

સરકાર ગરીબી રેખા નીચેના લોકો માટે PDS – સસ્તા અનાજ વિતરણ / વેચાણ કેન્દ્રો ચલાવે છે. તેમજ બાળકો માટે Mid day Meal, અન્નપૂર્ણા સ્કીમ જેવી અન્ય યોજનાઓ પણ ચલાવે છે. આ માટે આશરે 100 લાખ મેટ્રિક ટન અનાજ જોઈએ છે.

ખેડૂતો પાસેથી અનાજ કોર્પોરેટ કંપનીઓ પાસે જાય પછી સરકાર તેની પાસેથી ખરીદે તેમ કરે તે સારું, કે સરકાર સીધું ખેડૂત પાસેથી ખરીદીને રાખે તે સારું ? અત્યારે PDS ની સગવડ આશરે 6 કરોડ લોકોને ધ્યાનમાં લઈને યોજી છે. પણ આગળ જોયું તેમ 19 કરોડ, 40 લાખ લોકો ભૂખે મરે છે, તેને ધ્યાનમાં લેતાં ઘણું વધારે અનાજ સરકારે ફાળવવું પડે. શું કોર્પોરેટ સેક્ટર પોતાનો નફો ઓછો કરીને સરકારને અનાજ આપશે ? આમ સરકારે અનાજ ખરીદી, અનાજ જાળવણી અને અનાજ વહેંચણી સુચારુરૂપે કરવી જ પડે.

સરકાર પરના ભારણનું ગણિત અને રજૂ થતી ચિંતા

અત્યારે મનાય છે કે સરકાર ઉત્પન્ન થતા અનાજનો ખૂબ જ ઓછો ભાગ ખરીદે છે. જો સરકાર સમગ્ર અનાજનું ઉત્પાદન ખરીદે તો તેના પર કેટલું ભારણ પડે ? ખેતી, જંગલની પેદાશ અને મત્સ્ય ઉદ્યોગની કુલ ઉપજ આશરે રૂ. 19 લાખ કરોડ જેટલી છે. માત્ર અનાજની કિંમત આશરે રૂ. 17 લાખ કરોડની આસપાસ છે. દેશનું ગયા વર્ષનું બજેટ 24 લાખ કરોડનું હતું પણ આશરે રૂ. 28 લાખ કરોડ વપરાશે એવો અંદાજ છે. આ જોતાં સરકાર સંપૂર્ણ ખરીદી ન જ કરી શકે. પણ સરકારની ખરીદી પછી બાકીનું અનાજ ખાનગી કંપનીઓ ખેડૂતો પાસેથી એમ.એસ.પી. કરતાં ઓછા ભાવે ન ખરીદે તેવું તો કરી જ શકે. માની લો કે સરકાર સંપૂર્ણ અનાજની ખરીદી કરીને પછી વેપારીઓને જથ્થાબંધ વેચે તો તેની આવક પણ પાછી થાય. આમ રૂ. 17 લાખ કરોડનું સમગ્ર ભારણ સરકાર પર ન રહે.

વડાપ્રધાને તાજેતરમાં જણાવ્યું કે ખેતપેદાશના અર્થતંત્રમાં ડેરી પેદાશનો ફાળો 25 ટકા જેટલો છે, જે આશરે 8 લાખ કરોડનો છે. કો-ઓપરેટીવ કંપનીઓ દૂધ ખરીદે છે, વેચે છે અને આવક કરે છે. અનાજ માટે પણ એવી સગવડ કલ્પી ન શકાય ?

કહે છે : જુઓ, દૂધનો વ્યાપાર ખાનગી ધોરણે કેવો સરસ ચાલે છે !

દૂધના ધંધામાં સહકારી મંડળીઓ પણ છે અને ખાનગી ડેરીઓ પણ છે. કુરીયને વર્ષો સુધી મહેનત કરીને અમૂલનું મોડેલ બનાવ્યું છે. પ્રમાણમાં સફળતા મળી છે. પરંતુ પશુપાલકોને તેમની મહેનતનું પૂરતું વળતર મળતું નથી. ભૂમિપુત્રમાં આપણે આ અગાઉ વિગતો રજૂ કરી હતી. જે ખેડૂતને પોતાનું ખેતર છે અને ઘાસચારો ઉપલબ્ધ છે તેને પ્રશ્ર્ન ઓછો નડે છે. પરંતુ જમીનવિહોણા, ગામડાંમાં રહી પશુપાલન આધારિત જીવવાવાળા માટે ટકવું મુશ્કેલ બને છે. પશુ કંઈ બારેમાસ દૂધ ન આપે. દૂધ ન આપે તે ગાળામાં પણ ખાણ કે ઘાસચારો ખવડાવો પડે. હવે ગોચરો તેમજ ખેતીની જમીન પણ ઘટતી જઈ રહી છે. એક ખેડૂતભાઈ જણાવે છે કે, 1 ગાય રોજનું રૂ. 300નું ઘાસ-ખાણદાણ ખાય છે. જો તે 10 થી 12 કિલો દૂધ આપે તો તે વેચતાં રૂ. 280 આવક થાય છે. ખેડૂત ક્યાં તો ઘાસનો ચારો પોતાના ખેતરનો વાપરે અથવા શક્ય હોય ત્યાં જંગલ કે ગોચરમાંથી વાઢીને લાવે. પોતાની અન્ય મજૂરીનો દાવો પણ છોડી દે તેવું બને. કેટલીક વખત દૂધના ભાવ ન મળતાં ટેંકરોના નળ ખોલીને સડક પર ફેલાતા દૂધના ફોટા કે દૃશ્ય છાપામાં કે ટી.વી.માં જોવા મળતાં હોય છે.

સમજમાં નથી આવતું કે, કૃષિના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ ડેરીનું ઉદાહરણ આપીને કેવી રીતે અનાજનો કારોબાર ખાનગી કંપનીઓના હાથોમાં સોંપવાનું વાજબી દર્શાવે છે ?

અનાજ સંગ્રહ અને ખાનગી કંપનીઓ

FCIનો વર્ષ 2017-18માં અનાજ સંગ્રહ કરવાનો ખર્ચ રૂ. 2713.4 કરોડ થયો હતો. હાલમાં તે 877.37 લાખ ટન અનાજનો સંગ્રહ કરી શકે છે.

હવે ખાનગી કંપનીઓ મોટા મોટા Silos – ઊભાં નળાકાર પતરાંનાં સંગ્રહાલય બનાવીને અનાજનો સંગ્રહ કરે છે. આ Silosમાં સરકારનું અનાજ પણ ભાડું લઈને સંગ્રહ કરવામાં આવે છે. અદાણી કંપની આ Silos બનાવવા પાછળ 700 કરોડનું રોકાણ કરી રહી છે. અત્યારે આશરે 12 લાખ 75000 મેટ્રીક ટન અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા છે.

સરકારે ખાનગી કંપનીઓ સાથે કરાર કરીને કુલ 141.82 લાખ ટન અનાજ સંગ્રહ કરી શકાય તેવી સગવડ કરી છે. દેશનાં અલગ અલગ રાજ્યોમાં જશહજ્ઞત દેખાઈ રહ્યાં છે.

ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ર્ન એ છે કે સરકાર જે રીતે ખાનગી કંપનીએાને અમર્યાદ જથ્થામાં અનાજ સંગ્રહ કરવાની છૂટ આપે છે, તેમજ નવા કૃષિ કાનૂન પ્રમાણે કંપનીઓ અનાજનો કરોબાર કરે તો તો સંગ્રહખોર વેપારી ખેડૂત પાસેથી અનાજ ખરીદવામાં તેમજ બજારમાં માલ વેચવામાં પોતાની નફાખોરીને જ ધ્યાનમાં રાખે અને અનાજ વાપરનારા સમગ્ર ભારતના ગ્રાહકો માટે પણ આ પ્રશ્ર્ન અતિ ગંભીર બની શકે છે. તેથી કોઈપણ વેપારી કે સરકાર એમ.એસ.પી. કરતાં ઓછી કિંમતે અનાજ ખરીદી ન શકે તેવી કાયદાકીય જોગવાઈની માંગ કિસાન આંદોલન દ્વારા આજના ખેડૂતો કરી રહ્યા છે.

દેશમાં એક નવો ટ્રેન્ડ : સરકાર હસ્તક બધું ભ્રષ્ટાચારવાળું, બગાડ કરનારું, કાર્યક્ષમતા વગરનું, ખર્ચાળ – ઉકેલ છે છયરજ્ઞળિ : ખાનગી કંપનીઓના હવાલે બધું કરી દો!

હકીકતો ડરાવનારી હોઈ શકે, પણ શું ઉકેલ સાચો છે ? ભ્રષ્ટાચારની સ્થિતિ સમજવા માટે વિશ્ર્વસ્તરે Global Corruption Indexની વિગતો જાહેર કરવામાં આવે છે. આમાં 100 તરફ જતો આંક સ્વચ્છતાવાળો – ઓછા ભ્રષ્ટાચારવાળો ગણાય, જ્યારે શૂન્ય તરફ જતો આંક વધુ ભ્રષ્ટચાર વાળો ગણાય. ડેનમાર્ક, ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્વિડન, સિંગાપુર, સ્વિત્ઝરલૅન્ડઆ 6 દેશો ઓછામાં ઓછા ભ્રષ્ટાચારવાળા છે.

ભારતનો આંક 80મો છે. માટે ચોક્કસ આપણા માટે આ શરમજનક છે. આપણે Right to Information Actને મજબૂત કરવો રહ્યો, પરંતુ સરકાર આમાં તો પાછાં પગલાં ભરી રહી છે – ખાવું નહીં અને ખાવા દેવું નહીં, તે વહીવટનો રોજિંદો મંત્ર બનવો જોઈએ. મોટાં કોર્પોરેશનો દૂધે ધોયેલાં નથી, સરકાર આંખમીંચામણાં કરે તો જ તે ન દેખાય. ભ્રષ્ટાચારથી નાસીને કોર્પોરેશનના ખોળામાં દેશને મૂકી દેવો તે ઉકેલ ક્યારેય માન્ય ન કરાય. કોર્પોરેશનનું કોઈ જ કાર્યક્ષેત્ર ન હોય તેવું પણ ન હોવું જોઈએ પણ તે મોનોપોલી સર્જી શકે તેવું મોકળું મેદાન પણ ન હોવું જોઈએ.

કમનસીબે Reformના ચાહક, ભક્ત, અર્થશાસ્ત્રીઓ બધાં જ ક્ષેત્રે ખાનગીકરણ ચાહે છે અને કોર્પોરેટ ગૃહો સારું એવું ચૂંટણી ફંડ કે અન્ય ફંડ આપીને જે પક્ષ સત્તા પર હોય કે સત્તા ભણી જઈ રહ્યો છે, તેને મસમોટી ધનરાશિ આપીને પોતાની મુરાદો પૂરી કરી શકે છે.

સામાન્ય પ્રજા સામેના વ્યાપક પડકારને ઓળખો

હાલનું કિસાન આંદોલન વ્યાપક પડકારનો એક ભાગ છે. આપણે સમજી લેવાની જરૂર છે કે, સરકાર કૃષિ આંદોલનને કચડી નાંખવા માંગે છે. ઝીણવટથી જોનાર સમજી શકે છે કે સમગ્ર ભારતની પ્રજાનો અવાજ દબાવી દેવા માંગે છે. ભૂતકાળમાં કૉંગ્રેસે આવું જ કર્યું હતું. પ્રજા તેની સાન ઠેકાણે લાવી હતી. આજે પ્રજાનું ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર એક મોટા મેદાનમાં લડાઈ રહ્યું છે. પ્રજા એક પક્ષે છે. સરકાર, કોર્પોરેટ, વર્તમાન સરકારની વિચારસરણીને જબરજસ્ત ટેકો આપનાર, એક જ ધર્મનો એજન્ડા લાગુ કરાવવા મથનાર એક મોટું સંગઠન બળ તેની સાથે છે.

આ દેશમાં નોકરી માંગનાર, મજૂરો માટે ન્યાય માંગનાર, સારી શિક્ષણવ્યવસ્થા માંગનાર, સારી આરોગ્ય વ્યવસ્થા માંગનાર, છેવાડાના માણસ, આદિવાસીઓના માટે હક માંગનાર, માનવ અધિકારો પર લગાવવામાં આવી રહેલી તરાપો સામે સંઘર્ષ કરનાર, નજીવા પગારે સરકારી સેવાઓ કરનાર પૂરા પગારની માંગણી કરનાર સૌ કોઈને દબાવી દેવામાં આવી રહ્યા છે. ખેડૂત મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એમ.એસ.પી. માંગે છે અને બાકી બધા પરિવારના પેટનો ખાડો પૂરવા અને પાયાની જીવન જરૂરિયાતો સંતોષી શકે તેટલી આવક મળી રહે તેની માંગણી કરી રહ્યા છે. કમનસીબે દેશમાં લડતી વખતે ચોક્કસ વ્યવસાયની વ્યક્તિ હોય છે પરંતુ મત નાંખતી વખતે કોઈ ચોક્કસ ધર્મની વ્યક્તિ બની જાય છે. આજે ધાર્મિક ઉન્માદ ફેલાવી મતપેટી કેમ છલકાવવી તેની વિશિષ્ટ આવડત કેટલાક લોકોએ હાંસલ કરી લીધી છે.

કેટલાકે તટસ્થતાનો વાઘો પહેરી લીધો છે. આ તો રાજકારણનો ખેલ છે, એમ કહીને આંખો મીંચી દેનાર, આત્મ સાક્ષાત્કાર નામે કોઈએ પીવડાવેલા પ્રવાહીને પીને વર્તમાન પરિસ્થિતિમાંથી પલાયન કરનાર, ચંપારણ સત્યાગ્રહના બાપુને ભૂલનાર અને; હવે તો આપણું રાજ્ય છે માટે સંઘર્ષ નહીં પણ રચનાત્મક કામ એ જ આપણો જીવનમંત્ર, તેવું અપ્રસ્તુત ગાણું કટાણે ગાનારા સર્વ સજ્જનોએ જાગવું જરૂરી છે, સમજવું જરૂરી છે.

You can kill me, But…….

કિસાન  આંદોલને માત્ર સરકારી મંડી કે ખાનગી મંડી, કૃષિ ખેતી કે કોર્પોરેટ ખેતીના દ્વંદ્વ ઉપરાંતના માહોલને સમજવાની જરૂર છે. સરકારે તો આ સમજી લીધું છે. માટે તો પોતાના સમગ્ર લાવ લશ્કર સાથે પૂરા ભારતમાં તેની તાકાતનો પરચો બતાવી રહી છે. વડાપ્રધાને પોતાનું પ્રવચન 19000 ટી.વી. સ્ક્રિન લગાવીને ખેડૂતો, લોકોને પહોંચાડ્યું છે. જરૂર પડે ધાકધમકી, તોડફોડ, સ્થળ પર જઈ હુમલા કરવા, સરકારી તંત્ર દ્વારા દરોડા પડાવવા, ધરપકડ કરવી, ફૂટ પડાવવી જેવાં અનેક પગલાં ભરાઈ રહ્યાં છે.

પ્રજા પોતાના પરના ખતરાને સમજી શકે તે પહેલાં સરકાર પોતાના તરફ આવતા ખતરાને સમજી ગઈ છે. માટે આંદોલનને ભાવ ન આપી મહિના સુધી લંબાવી ફિઝલ આઉટ કરવા પ્રયત્ન કરી રહી છે. કિસાનોએ પણ લાંબા સંઘર્ષની તૈયારી કરી લીધી છે. કપરી પરિસ્થિતિમાં પણ આંદોલન અહિંસક રહ્યું છે. જરા પણ હિંસા થતી દેખાય તો કરનાર સામે કડક પગલાં ભરાશે તેવી જાહેરાત આંદોલનના પ્રવક્તા વારંવાર કરતા રહે છે. 4 ડિગ્રી અને કદાચ આગામી દિવસોમાં હજુ પણ વધુ ઠંડી પડે તો પણ ટકી રહેવાની તૈયારી આંદોલન કર્તાઓએ રાખી છે.

દિલ્હીની બોર્ડર પર આવેલાં અલગ અલગ પ્રવેશદ્વાર પર જ્યાં ખેડૂતોને અંદર પ્રવેશ કરતાં અટકાવ્યા છે તે બધાનો સંપર્ક જળવાઈ રહે તે માટે ‘ટ્રોલી ટાઇમ્સ’ છાપું ચાલુ કયુર્ં છે. પોતાનું મીડિયા સેલ ચાલુ કર્યું છે. જાણવા મળ્યું છે કે આ વિશિષ્ટ આંદોલન પર પુસ્તકો પણ લખવાની તૈયારી થઈ રહી છે. પત્રકાર-સંપાદક વિનોદ અગ્નિહોત્રી પુસ્તક લખી રહ્યા છે. કદાચ વિશ્ર્વના પત્રકારોની નજર પણ આ આંદોલન પર હશે.

યોગેન્દ્ર યાદવની એક વાત યાદ કરવાનું મન થાય છે. અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતો, કોલમ-લેખકો કૃષિ કાયદાને વાંચે છે પણ કિસાન તેને સૂંઘે છે, ને તેના મર્મને સમજી જાય છે. આ આંદોલનને કદાચ સ્થળ પરથી હટાવી દેવામાં આવે, દબાવી દેવામાં આવે પણ કિસાનોનો હાલનો સ્પિરીટ જોતાં એવું લાગે છે કે તેઓ જાણે બોલી રહ્યા છે –

‘You can kill us, but you will never destroy us.‘

સાથીઓને સલામ !

– રાજુ રૂપપુરીઆ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s