શૂલપાણેશ્ર્વર અભયારણ્ય વિસ્તારમાં ’ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામાને ધ્યાનમાં લઈને સરકારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્ર્વર તાલુકાનાં 12 ગામોની તમામ જમીનો એટલે કે ખાતેદારની જમીન,ગામનું ગોચર – જંગલ- જંગલ ગોચર-પડતર-ખરાબા વગેરેની તમામ જમીનોના સર્વે નંબરોમાં હક્ક ફેરફારની પાકી નોંધ તા:21-12-2020ના રોજ પાડી દીધી. તલાટીને નોટિસ આપ્યાની તારીખ તેમાં લખી નથી, એટલું જ નહીં, નોટિસ બજાવ્યાની તારીખ, નોટિસ લખ્યાની તરીખને જ ગણી છે અને તલાટીએ જુદાં જુદાં ગામોના ગ્રામજનોને ખૂબ મોડી નોટિસો આપી છે. જોવાની ખૂબી એ છે કે સમયમર્યાદામાં વાંધા અરજી આપ્યા છતાં તેને ધ્યાનમાં લીધા સિવાય નોંધ પાકી કરવી એ યોગ્ય ગણાય? આ તો સ્વચ્છ વહીવટ અને લોકશાહીની વાતનો છેદ ઊડી ગયો !
ગરુડેશ્ર્વર તાલુકાનાં 12 ગામોની તમામ ગ્રામસભાઓમાં, આ પાકી નોંધને રદ કરવા અને ‘ઇકો સેન્સિટિવ ઝોન’નો જોરદાર વિરોધ કરતા ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. જેનો પડઘો રાજ્ય સરકારના મોવડી મંડળમાં પડ્યો. આનંદ-આશ્ર્ચર્યની વાત એ છે કે લોકોનો આ અવાજ શાસને સાંભળ્યો અને સરકારને અન્યાયી નોંધ રદ કરવા તા: 31-12-2020ના રોજ અધિકારીઓને સૂચના આપવાની ફરજ પડી. કલેકટર શ્રીના પત્રમાં જણાવ્યા મુજબ ‘ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામામાં રેવન્યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા અંગે કોઈ જોગવાઈ થયેલ નથી, તેથી તેને રદ કરવા હુકમ કરેલ છે.
આ સમાચારથી આદિવાસી સમાજને રાહત તો થઈ, પરંતુ ‘ઇકો સેન્સિટિવ ઝોન’નો ફાંસો હજી નર્મદા જિલ્લાનાં 121 આદિવાસી ગામો પર લટકતો છે. હવે જોવાનું એ રહે છે કે બંધારણીય જોગવાઈ અનુસાર પાંચમી અનુસૂચિમાં આવતા આ વિસ્તારના આદિવાસીઓની સંસ્કૃતિને નુકસાન થતું રોકવામાં શાસન કેટલી પ્રતિબદ્ધતા બતાવે છે. એટલુંજ, નહીં સામુદાયિક વન અધિકાર કાયદો-2006 અને નિયમો-2008 તથા ગ્રામસભાની સ્વાયત્તતા માટે ‘પેસા’ કાયદાનો અમલ થાય તેવાં પગલાં સરકાર ભરશે?
– ધીરેન્દ્ર સોનેજી
સાકવા, પો-સમારિયા,
વાયા ભાણદ્રા,
તા. ગરુડેશ્ર્વર,
જિ.નર્મદા – 393145.
Featured Image from Indian Express.