ભૂદાનગંગાની ગંગોત્રીના દર્શન
આ લેખમાળાના પ્રથમ લેખ (ભૂ.પુત્ર 16-09-2019)માં આપણે વિનોબાજીના જીવનના મહત્ત્વના સમયગાળા અંગે લખ્યું હતું –
- ગાંધીજીને મળ્યા તે પહેલાંનો સમય ગાળો : વર્ષ 1895થી 1916 સુધી.
- ગાંધીજી સાથેનો સમય ગાળો : 1916થી 1948 સુધી.
- ગાંધીજીની શહાદત પછીનો ભૂદાનયાત્રાનો સમયગાળો વર્ષ 1951થી 1966 સૂક્ષ્મ કર્મયોગ આરંભ સુધીનો.
- જે.પી. આંદોલન આસપાસનાં વર્ષો: 1976 સુધી – કર્મમુક્તિની જાહેરાત સુધીનો સમયગાળો.
- અંતિમપર્વનાં વર્ષો 1982 સુધી.
આપણે હવે વિનોબાજીના જીવનના એક સુવર્ણકાળને સમજવાનો પ્રયત્ન કરીશું. ગંગોત્રી અને ગંગાનું દર્શન કરીશું.
વિનોબાજીએ 28-4-1952ના રોજ દેશવાસીઓને અપીલ કરતી નોંધ લખી હતી જે 17-5-52માં હરિજનબંધુમાં પ્રગટ થઈ હતી. વિનોબાજી લખે છે – ગાંધીજીના નિર્વાણ પછી અહિંસાના પ્રવેશને માટે હું રસ્તો ખોળી રહ્યો હતો. મેઓ મુસલમાનોને વસાવવાનો સવાલ આ જ વિચારથી મેં હાથમાં લીધો હતો. તેમાં થોડો અનુભવ મળ્યો. તે જ આધાર પર મેં તેલંગણામાં જવાનું સાહસ કર્યું. ત્યાં મને ભૂદાનયજ્ઞના રૂપમાં અહિંસાનો આવિર્ભાવ થયેલો જોવા મળ્યો.
વિનોબાનું અહિંસા-રટણ
- વિનોબાને 1941માં પ્રથમ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પસંદ કર્યા તે પ્રસંગની નોંધ અગાઉ આપણે લીધી હતી. ત્યારબાદ વિનોબાજી યુદ્ધ વિરોધી સત્યાગ્રહી તરીકે પ્રજાજોગ નિવેદનમાં લખે છે – “યુદ્ધ માનવતાને શોભા નથી આપતાં. આધુનિક સાધનો દ્વારા લડાતાં યુદ્ધો તો નિર્દયતાની હદ વટાવી જાય છે. કોંગ્રેસે છેલ્લાં 20 વર્ષ અહિંસાની શક્તિ નિર્માણ કરવામાં પસાર કર્યાં છે. હિંદુસ્તાન તેના વડે સ્વરાજ્ય માંગે છે.
- વર્ષ 1940-1942ના ગાળામાં વિનોબાજી સ્વરાજ્યશાસ્ત્ર નામનું નાનું પણ મહત્ત્વનું પુસ્તક લખે છે. તે પુસ્તક અંગે આપણે લેખમાળાના 3 ભાગો 6 – 7 અને 8મા ભાગમાં લખ્યું છે. વિનોબાજી અહિંસાના રાષ્ટ્રવ્યાપી પ્રયોગની વાત કરે છે, તેમજ અહિંસક રાષ્ટ્રની આચાર-સંહિતાની પણ વાત કરે છે. વિનોબાજી કહે છે, અહિંસક રાષ્ટ્રનું દરેક ગામડું પરિશ્રમનિષ્ઠ અને સ્વાવલંબી હશે. આંતરરાષ્ટ્રિય સ્તરની વાત કરતાં ત્યાં સુધી કહ્યું કે પાડોશી દેશ પાસે જમીન ઓછી હોય અને જનસંખ્યા વધારે હોય અને આપણી પાસે જમીન વધારે હોય ત્યારે આપણે તેમનું સ્વાગત કરીએ, અને આપણી વ્યવસ્થામાં ગોઠવાઈ જવાનું કહીએ.
- ગાંધીજીની શહાદત પછી શ્રાદ્ધના 13 દિવસોમાં આપેલાં પ્રવચનો અંગે લેખમાળાના ભાગ 13માં વિનોબાજી અહિંસા અને કર્મયોગ-નિષ્ઠા તેમજ સામુદાયિક અહિંસાના વિચાર પર શ્રદ્ધાની વાત કરે છે. વિનોબાજી નોંધે છે, ગાંધીજીને હિંદુસ્તાનની સંસ્કૃતિ પર તેમજ પ્રજાના સંસ્કારો પર ભરોસો છે તેમજ સ્વતંત્રતા માટેના આંદોલનનાં 25-30 વર્ષોમાં અહિંસાનો જે કંઈ ભાંગ્યો તૂટ્યો પ્રયોગ થયો તેનાથી કેટલાક લોકોમાં અહિંસાના વિચારમાં શ્રદ્ધા બેઠી છે.
ભૂમિહીનોને જમીન મળે તેવી યુક્તિ શોધી કાઢવી જોઈએ
વિનોબાજી જવાહરલાલજીના કહેવાથી હિંદના ભાગલા પડવાથી પશ્ર્ચિમ પાકિસ્તાનથી આવેલા શરણાર્થી કહો કે નિરાશ્રિતો કહો તેમની વચ્ચે જાય છે. વિનોબાજી એપ્રિલ 1948ના ગાળાના કામ અંગે કહે છે – “પશ્ર્ચિમ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓમાં હરિજનો વધારે હતા. હરિજનોએ જમીન માંગેલી, પંરતુ એ માંગણી મંજૂર નહોતી થયેલી. એ અંગે ચર્ચા થઈ, છેવટે પંજાબ સરકારે આશ્ર્વાસન આપેલું કે અમે હરિજનો માટે કેટલાક લાખ એકર જમીન કાઢીશું ….. પરંતુ બે મહિના પછી સાંભળ્યું કે આ નહીં થઈ શકે. ગમે તે કારણો હશે પણ આથી હરિજનો ખૂબ દુ:ખી થયા. રામેશ્ર્વરી નહેરુને પણ તીવ્ર વેદના થઈ. મને કહ્યું કે આ મુદ્દા પર હરિજનો સત્યાગ્રહ કરવા માંગે છે. હુંં વિચારમાં પડી ગયો. ….મારા મનમાં ઊંડે ઊંડે આ ભાવના રહી કે ભૂમિહીનોને જમીન મળે એવી કોઈ યુક્તિ શોધી કાઢવી જોઈએ.
વિનોબાજીને આ સાથે એમ પણ લાગે છે કે ગાંધીજીની નજીકના રચનાત્મક કાર્યકરોની જમાત હવે હિંમત હારી બેઠી છે. તેમને લાગે છે કે ગ્રામ સ્વાવલંબન, અન્ન સ્વાવલંબન ને વસ્ત્ર સ્વાવલંબનની ગાંધીજીની વાતો લોકાએ ન માની તો હવે આપણું કોણ સાંભળશે ? હવે દેશ આઝાદ થયો છે, તો હવે આપણે વોર-પોટેંશિયલ (યુદ્ધ-ક્ષમતાવાળા) ઉદ્યોગોનો વિકાસ કરવો પડશે.
વિનોબા કહે છે- એમના આ ‘વોર-પોટેંશિયલ’ શબ્દ પર હું વિચારતો રહ્યો કે દુનિયામાં યુદ્ધક્ષમતા વાળા ઉદ્યોગો કરતાં શાંતિક્ષમતાવાળા ઉદ્યોગોની વધારે જરૂર છે. આવા પીસ પોટેંશિયલ ધંધા અંગે વિચારતાં મેં નક્કી કર્યું કે આ માટે એક વાર ભારતની પદયાત્રા કરવી પડશે. આ નિશ્ર્ચય મેં મનોમન કર્યો હતો પણ એને જાહેર નહોતો કર્યો.
વિનોબા સામેનો એક પડકાર, જેની તેમને આગોતરી જાણકારી હતી
વર્ષ 1951માં કિશોરલાલ મશરૂવાલાનું પુસ્તક ‘ગાંધીજી અને સામ્યવાદ’ નવજીવન પ્રકાશન મંદિરે પ્રગટ કર્યું. 124 પાનાંના આ પુસ્તકમાં વિનોબાજીએ 28 પાનાંની નોંધ ‘ભૂમિકા’ પેટે 25-11-50ના રોજ પવનારથી લખી છે. આમાં વિનોબાજી માકર્સ કૃત ’ઈફાશફિંહ’ પુસ્તકની વાત કરે છે. કોમ્યુનિસ્ટોના તત્ત્વજ્ઞાનની વાત કરે છે, ક્રાંતિ માટે હિંસાનાં સાધન વાપરી શકાય તેવી એક માન્યતાની સમીક્ષા કરે છે. કોઈ આપદ્ ધર્મ તરીકે હિંસક સાધનો વાપરીએ તો તેને અધાર્મિક વાત ન ગણાય તેમ માનવા-વાળાની વાત કરે છે. માકર્સના માર્ગે ચાલનાર લેનિનની વાત કરે છે. ગાંધી-વિચાર અને સામ્યવાદમાં કોઈ સમાન અંશ હોય તો તે છે ગરીબોની તરફદારી કરવી, તેમ વિનોબાજીને લાગે છે.
વિનોબાજી લખે છે – ‘ભારતવર્ષની અજ્ઞાન પ્રજાની દશા આજે સ્વરાજપ્રાપ્તિ પછી પણ અત્યંત અનુકંપનીય છે. એટલે તે ગમે તે રસ્તે છુટકારો મેળવવા ઇચ્છે છે. જુદા જુદા વાદો માટે વિચાર કરવાની શક્તિ જ નથી. ફુરસત પણ નથી. ‘ભોગ ચડાવવા માટે સહેજે મળી આવે તે દેવ’ એવી સ્થિતિ છે. નોંધમાં આગળ લખ્યું છે –
સદ્ભાગ્યથી આટલી આપત્તિમાં પણ પ્રજાનું હૃદય હજુ સાબૂત છે. ગામડાના લોકોને હજુ એવી શ્રદ્ધા છે કે અમારો છુટકારો કદી થવાનો જ હશે તો તે ગાંધીજીને રસ્તે થશે.
વર્ષ 2010માં શ્રી પરાગ ચોલકરે હિંદીમાં પુસ્તક ‘सबै भूमि गोपाल की -भूदान-ग्रामदान आंदोलन की कहानी’ ત્રણ ખંડોમાં લખ્યું છે. ‘ભૂમિ સમસ્યા : ઇતિહાસ અને સ્વરૂપ’ તેમજ ‘ભૂમિ સમસ્યા સમાધાનની ખોજ’ પ્રકરણોમાં ભૂદાન આંદોલન પહેલાં દેશમાં શું સ્થિતિ હતી તે અંગે સારો એવો પ્રકાશ ફેંક્યો છે. વિશ્ર્વમાં ચાલતા બળવા, આંદોલન, ક્રાંતિના પ્રવાહોની અસર ભારતમાં વર્તાતી હતી. 1917થી 1923 ચાલેલા Russian Revolution થી ભારત કેમ અલગ રહી શકે ? બિપિનચંદ્ર પાલ અને બાલગંગાધર તિલકે રશિયન ક્રાંતિ માટે લેનિનના વખાણ કર્યાં. ભારતના કેટલાક સાથીઓ રશિયા જઈને લેનિનને અભિનંદન પણ પાઠવી આવ્યા.
વર્ષ 1925માં Communist Party of India ની રચના થઈ તે પહેલાં ભારતમાં પહેલા વિશ્ર્વયુદ્ધની અસરના કારણે જીવન જરૂરિયાતની ચીજોમાં ભાવ વધારો થયો. 1920માં All India Tread Unionની સ્થાપના થઈ. મુંબઈમાં 1921માં ડાંગેએ એક પત્રિકા તૈયાર કરી. શીર્ષક આપ્યું – Gandhi Versus Lenin – ગાંધી વિરુદ્ધ લેનિન. વર્ષ 1946માં તેલંગણામાં રીબેલિયન, બળવો કરનારા, ક્રાંતિ માટે મથનારા ગ્રુપ બનવા લાગ્યા. 4000 જેટલાં ગામેામાં જાગીરદારો સામે સંઘર્ષ છેડવામાં આવ્યો. સંઘર્ષરત 4000 ખેડૂતોનાં મૉત પણ, પોલીસ સામે કે નિઝામના લશ્કર સામે લડતાં લડતાં થયાં. કેટલાંક મૉત કોમ્યુનિસ્ટ લોકોના હાથે પણ થયાં. પોલીસને બાતમી આપનારા છે તેવી શંકાના આધારે ખેડૂતોને મારી નાંખવામાં આવતા હતા.
કોમ્યુનિસ્ટ લેાકોએ 4000 ગામોમાં 10 લાખ એકર જમીન ખેડૂતોને વહેંચી. એક આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો કે જરૂરિયાતવાળા ખેડૂતોની જગ્યાએ કોમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોને જમીન આપવામાં આવી. પાછળનાં વર્ષોમાં રાજ્ય શક્તિશાળી બનતાં વેચેલી જમીન પરનો કબજો જૂના માલિકોના હાથમાં પાછો આવવા લાગ્યો.
લોહીથી ખરડાયેલા આ ઇતિહાસથી વિનોબા સારા એવા પ્રમાણમાં પરિચિત પણ હશે.
ભૂદાનગંગાનો ઉદ્ગમ
વર્ષ 1951માં વિનોબાજી કહે છે – હૈદરાબાદ પાસેના શિવરામ-પલ્લીમાં સર્વોદય સંમેલન થવાનું હતું. ટ્રેનમાં વર્ધાથી એક રાતમાં પહોંચી જવાય પરંતુ મેં પગપાળા જવાનું નક્કી કર્યું…. એક સજ્જને મને કહ્યું કે એક દિવસના કામ માટે તમે એક મહિનો લગાડશો તો કાર્યક્રમ શો રહેશે ? મેં જવાબ આપેલો કે – હું પોતે હરિનામ લઉં અને બીજાને પણ એ લેતાં કરું, એ જ મારો કાર્યક્રમ !
વિનોબાજી 8 માર્ચ 1951ના રોજ પવનારથી ચાલતા નીકળી પડ્યા. વર્ધામાં લક્ષ્મીનારાયણ મંદિરમાં એક નાનકડી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનોબાજીએ સૌની વિદાય માંગતાં કહ્યું – હવે તો આ છેલ્લી મુલાકાત જ સમજો ! ફરી ક્યારે મળીશું, કોને ખબર !
વિનોબાજીના મનમાં હતું, સર્વોદય સંમેલનમાં 7થી 14 એપ્રિલમાં મળ્યા પછી, તેલંગણાનાં ગામોમાં ફરવું, કમ્યૂનિસ્ટ મિત્રોને મળવું. ત્યાંના સામ્યવાદીઓની પ્રવૃત્તિઓ અંગે વિનોબાજી લગાતાર માહિતી મેળવતા રહેતા હતા. ત્યાંના ખૂનામરકીના સમાચાર તેમને મળતા રહેતા હતા. માટે તો તેમણે વર્ધાવાસીઓને કહ્યું હતું – આ છેલ્લી મુલાકાત જ સમજો !
તમને આ પણ વાંચવું ગમશે
શિવરામપલ્લી સર્વોદય સંમેલન
વિનોબાજી સંમેલનમાં જવા પગપાળા નીકળી પડ્યા હતા. વિનોબાને લાગ્યું કે જો તેઓ પગપાળા ન નીકળ્યા હોત તો દેશનું જે દર્શન થયું તે વાહનયાત્રામાં ન થયું હોત. પદયાત્રામાં પ્રકૃતિ અને લોકોનું નિકટથી દર્શન થાય છે. વિનોબાજી કહે છે –
ગામડાંના લોકોમાં એક વિશેષ ભાવના જોવા મળી. ત્યાં હું નાનાં નાનાં ગામોમાં રહ્યો. ઘેર ઘેર ફર્યો. હું જે કાંઈ તેલુગુ જાણતો હતો તો પ્રેમભાવ વધારવામાં કામ લાગ્યું… હું તેલુગુમાં જ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બોલતો તે એમનાં હૃદયમાં સીધાં પહોંચી જતાં હતાં તેવું લાગ્યું. લોકોએ ખૂબ ભાવપૂર્વક અમારું સ્વાગત કર્યું.
સંમેલનમાં વિનોબાજીએ પાંચ પ્રવચનો કર્યાં હતાં પવનારમાં તેમણે 1949-50ના ગાળામાં ધનમુક્તિ, નાણાં મુક્તિ, કાંચનમુક્તિના પ્રયોગો ચાલુ કરી દીધા હતા. સાર્વજનિક સંસ્થાઓ પણ અપરિગ્રહી બને, પૈસાનો ‘છેદ’ જ ઊડી જાય તે માટે જીવન બદલવાની જરૂર છે, તેવું તેમને લાગતું હતું. વિનોબાજીએ જાહેર કર્યું કે આજના સમાજમાં વિષમતા અને ઉત્પાતનું મુખ્ય કારણ છે – પૈસો. પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે. જીવનમાંથી પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે. આ માટે વિનોબાજીએ સ્વાવલંબનના પ્રયોગ ચાલુ કર્યા હતા. આશ્રમની જરૂરિયાત માટે શાકભાજી વાવવાનું ચાલુ કર્યું. થોડી જમીન લીધી, કૂવો બનાવ્યો, બળદની મદદ વગર ઋષિખેતી ચાલુ કરી. જો કે વિનોબાની ઋષિ-ખેતીને ઋષભ ખેતી સાથે કોઈ વિરોધ ન હતો.
વિનોબાજી કહે છે, મારો આ પ્રયોગ આશ્રમ પર્યંત સીમિત નહોતો. તેમની ઇચ્છા તો ગામડે ગામડે આ પ્રયોગથી આખા દેશ સમક્ષ તેનાં પરિણામો ધરીને રામરાજ્ય સ્થપવાની હતી.
આ બધા વિચારોની અસર વિનોબાના, શિવરામપલ્લી સર્વોદય સંમેલનમાં આપેલાં પ્રવચનોમાં દેખાતી હતી. દેશભરમાંથી આવેલા રચનાત્મક દિશામાં કામ કરનારા સેવકો સમક્ષ વાત કરતાં વિનોબાજીએ નીચેની કેટલીક વાતો પર ભાર આપ્યો હતો.
- શ્રમનિષ્ઠા કેળવો અને કૃષિ ક્ષેત્રમાં મન દઈને કામ કરો.
- પોતપોતાની સંસ્થાઓને સ્વાવલંબી બનાવો. પૈસાનો ઉપયોગ ટાળો.
- અહિંસાના આચરણ સાથેની શાંતિસેના દરેક ગામમાં રચો.
- ગાંધી નિર્વાણ દિવસે સૂતાંજલિનો કાર્યક્રમ રાખો.
- બાથરૂમ-સંડાસની સફાઈ માટે પગારદાર માણસ ન રાખો. જાતે સફાઈ કરો, કચરો વાળવાનું પણ જાતે કરો. સંસ્થાના સાથીઓને સફાઈનું વિજ્ઞાન શીખવો.
- ખેત-ઉત્પાદનને યોગ્ય ન્યાય આપવા, તેમજ તેની માંગ વધે તે માટે કામદારોને મજૂરી પેટે રોકડ રકમ આપવાના સ્થાને અનાજ આપો. નાણાંના સ્થાને દાણા આપો. સરકારે પણ જમીનનું મહેસૂલ નાણામાં ન લેતાં અનાજના સ્વરૂપમાં લેવાનું ચાલુ કરવું જોઈએ.
- રાજ્યે પુખ્ત ઉંમરની વ્યક્તિને કાંતણકામ શીખવવું જોઈએ. તેમજ રાજ્યે તૈયાર થયેલા સૂતરને વિના મૂલ્યે વણાવી આપવાની જવાબદારી પણ ઉપાડવી જોઈએ. આમ કરવાથી ખાદી વપરાતી થશે અને પ્રચલિત પણ થશે.
પ્રવચનમાળાના છેલ્લા પ્રવચનમાં સૂત્રાત્મક રીતે સમગ્ર વાતને પાંચ મુદ્દામાં રજૂ કરતાં કહ્યું – अंतः शुद्धि, बहिर शुद्धि, श्रमः, शांतिः, समर्पणम्
0 આંતર્શુદ્ધિ 0 ગ્રામસફાઈ 0 શ્રમનિષ્ઠા 0 શાંતિ સેના 0 કાંતણકામ (ખાદી ઉત્પાદન).
વિનોબાજીએ સંમેલનમાં જાહેર કર્યું કે તેઓ હવે તેલંગણાનાં ગામોમાં યાત્રા કરશે. આ વિસ્તારમાં એક બાજુ કોમ્યુનિસ્ટ સંગઠન છે અને બીજી બાજુ લશ્કર છે. આના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. વર્ધા પાછા જતાં પહેલાં લોકોને મળીને સ્થિતિનું આકલન કરશે. આ પ્રવાસ દરમ્યાન અને પ્રવાસ પછી શું થશે તે તો માત્ર ઈશ્ર્વરને જ જાણ હશે.
15 એપ્રિલ 1951ના રોજ રામનવમીના પવિત્ર દિવસે વિનોબાજી શાંતિયાત્રાએ નીકળી પડ્યા હતા. તેમની સાથે દામોદરદાસ, મહાદેવીતાઈ અને મદાલસાદેવી તેમજ કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ હતા.
વાતાવરણ એવું હતું કે વિનોબાજી પર કોઈ હુમલો પણ કરે. સરકારે આ માટે વિનોબાજીના રક્ષણ માટે પોલીસ તેમજ લશ્કરના માણસો રાખવા વિચાર્યું. પરંતુ વિનોબાજીએ આવી કોઈ વ્યવસ્થા સ્વીકારવાની સ્પષ્ટ ના કહી. વિનોબાજી 15 એપ્રિલ 1951થી સવા બે માસ ઉપરાંત તેલંગણાની પદયાત્રા કરી. વર્ધા થઈ 17 જૂન 1951ના રોજ પવનાર પાછા આવ્યા.
ગંગોત્રી પ્રગટી પોચમપલ્લીમાં
વિનોબાજી પોતાની સમગ્ર ઊર્જા સાથે દેશમાં સામાજિક અને આર્થિક ક્રાંતિનું કામ હાથ પર લેવા માટે તૈયાર થઈ રહ્યા હતા. સ્વરાજ્ય મેળવ્યા પછીનું આ પાયાનું કામ ઘણું મુશ્કેલ છે પણ આપણે પાર પાડવાનું છે.
વિનોબાજી રામનવમીના દિવસે હૈદરાબાદ જેલમાં કોમ્યુનિસ્ટ નેતાઓને મળે છે. ત્યારબાદ ફરતાં ફરતાં પોચમપલ્લી જિ. નલગુંડા – તેલંગણા ગામે તા. 18 એપ્રિલ 1958ના રોજ પહોંચે છે. ગ્રામજનો સાથેના સંવાદમાં કહે છે – “મેં સાંભળ્યું છે કે તમારા મુલકમાં કોમ્યુનિસ્ટોને લીધે ઘણી તકલીફ છે. પણ આપણે તો કોમ્યુનિસ્ટોથી ડરતા નથી. કોમ્યુનિસ્ટ કાંઈ રાક્ષસ નથી. આપણા જેવા જ તેઓ છે. બધા એમ કહે છે કે એમણે અહીં બહુ ત્રાસ વરતાવ્યો છે. પણ જો આ ગામના ગરીબ અને શ્રીમંત લોકો સંપીને રહે તો ગામને કાંઈ દુ:ખ ન રહે.
“હું આ ગામના સૌ લોકોને કહું છું કે તમે એક થઈ જાઓ. ગામમાં કેટલાક લોકો દુ:ખી છે, તો વળી કેટલાક સુખી પણ છે. જે લોકો સુખમાં છે એમને અમે વિનંતિ કરીએ છીએ કે તમે જરા તમારા ગામના દુ:ખી લોકોની ચિંતા કરો. આપણને ગાંધીજીએ એક મોટો ઉપાય બતાવ્યો છે કે આપણે કોઈને કશી તકલીફ નહીં આપીએ. જે દુ:ખી છે તેમણે સબૂરી રાખવી જોઈએ. આપણે સહન ન કરીએ તો આપણું કામ નહીં થાય. આપણાં દુ:ખ અને આપણી તકલીફોને સજ્જનોની સામે રજૂ કરવાં જોઈએ. બોલવામાં જરાય ડર ન રાખવો. અસત્ય કદી ન બોલવું. વાત વધારીને કદી ન કહેવી. જેવું હોય તેવું જ કહેવું. આમ જો ગરીબ-દુ:ખી લોકો હિંમત રાખે, અને સુખી લોકો દયાભાવ રાખે તો તમારા ગામમાં કોમ્યુનિસ્ટોનો કોઈ ઉપદ્રવ નહીં થઈ શકે.
વિનોબાજી દલિત (હરિજન) વાસમાં લોકસંપર્ક કરી રહ્યા હતા. ત્યાં દિલતોએ વિનોબાજીને કહ્યું, અમે લોકો ખૂબ દુ:ખી છીએ. હાથમાં કોઈ કામ ધંધો નથી. અમને થોડી જમીન અપાવો તો અમે ખૂબ મહેનત કરીને જીવીશું. વિનોબાએ તેમને તેમના સ્કુલના ઉતારા પર બપોરે બોલાવ્યા. ત્યાં નાની સરખી સભા જેવું વાતાવરણ હતું. 40 દલિત પરિવારો આવ્યા હતા. તેમણે પરિવાર દીઠ 2 એકર જમીનના હિસાબે કુલ 80 એકર જમીન માંગી.
વિનોબાજીએ દલિતોને આશ્ર્વાસન આપ્યું કે હું સરકારમાં વાત કરીને તમને જમીન આપવા માટે ભલામણ કરીશ. પરંતુ વિનોબાજીને થયું – લાવને જરા અન્ય હાજર ગ્રામજનોને પૂછી લઉં કે આ દલિત પરિવારોને કોઈ જમીન આપી શકે તેમ છે ? તેટલામાં સ્થાનિક કાર્યકર ભાઈ શ્રી રામચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે મારા પિતાશ્રી મને યોગ્ય વ્યક્તિને અમારી 200 એકર જમીનમાંથી 100 એકર દાનમાં આપવાનું કહી ગયા છે. પરંતુ આ કામ મારાથી થયું નથી. આજે અનેરો અવસર આવ્યો છે. આપને વિનંતી છે કે આપ આ 100 એકર જમીનનો સ્વીકાર કરીને દલિત પરિવારોને આપો. વાતાવરણ એકદમ ભાવુક બની ગયું. વિનોબા આંખો બંધ કરીને એકદમ ઊંડાણમાં ઊતરી ગયા. આંખો ભીની થઈ ગઈ. રામચંદ્ર વિનોબા સામે બે હાથ જોડીને, રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે વિનોબા આપેલી જમીનનો સ્વીકાર કરે.
વિનોબાએ દલિત પરિવારો તરફ દૃષ્ટિ કરી. તેઓ તો માત્ર 80 એકર જ જમીન સ્વીકારવાની વાત કરી રહ્યા હતા. વિનોબાજીએ જમીનનો સ્વીકાર કરીને દલિતો માટે ફાળવી. દલિતો રામચંદ્રજીને પગે લાગ્યા. વિનોબાજીએ દલિતોને ખેતીનાં જરૂરી સાધનો અને થોડી આર્થિક મદદ કરવા પણ રામચંદ્રને સૂચવ્યું, જેનો તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો.
આ પળ હતી – ભૂદાન ગંગોત્રીના પ્રગટીકરણની !
ગંગોત્રીથી ગંગા ભણી
વિનોબાજી આ યાદગાર દિવસ અંગે કહે છે-
પોચમપલ્લીમાં પહેલું ભૂદાન મળ્યું એ રાતે મને ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવી. આ શું થઈ ગયું ? હું વિચારતો રહ્યો. મારી ભગવાન પર શ્રદ્ધા છે અને બીજા નંબરે ગણિતશાસ્ત્ર પર વિશ્ર્વાસ છે. તો મારું ગણિત ચાલ્યું. દેશના બધા ભૂમિહીનો માટે જમીન માંગવાની હોય તો પાંચ કરોડ એકર જમીન જોઈએ. શું આટલી જમીન આમ માંગવાથી મળશે ? પછી સાક્ષાત્ ઈશ્ર્વર સાથે સંવાદ ચાલ્યો.
જેવી રીતે અહીં સામેના સાથે વાત કરું છું, એવી જ વાતો થઈ. એણે કહ્યું, ‘જો આમાં ડરીશ અને શંકા રાખીશ તો તારા અહિંસા વગેરે પરના વિશ્ર્વાસને હરાવવો પડશે. તારે અહિંસાનો દાવો છોડી દેવો પડશે. એટલે શ્રદ્ધા રાખ અને માંગવા મંડ !’ અને પછી એક વાત કહી – ‘જેણે બાળકના પેટમાં ભૂખ રાખી છે, એણે માનાં સ્તનમાં દૂધ પણ રાખ્યું છે. એ અધૂરી યોજના નથી બનાવતો.’ હવે મારું સમાધાન થઈ ગયું અને બીજા દિવસથી મેં માંગવાનું શરૂ કર્યું.
18 એપ્રિલ 1951નો દિવસ સુવર્ણ અક્ષરે ઇતિહાસના પાનામાં નોંધાઈ ચૂક્યો હતો. તે દિવસે મળેલા ભૂમિના દાનને, ઋષિ વિનોબાએ ‘ભૂદાનયજ્ઞ’ નામ આપ્યું. વિનોબાજીએ તો ત્યાં સુધી કહ્યું, ‘આ સામાન્ય યજ્ઞ નથી. આ યુગમાં બનેલી આ ઘટના પણ નિ:શંક સામાન્ય ઘટના નથી, કારણ કે એમાં લોકોએ જે દાન આપ્યાં છે, તેની પાછળ લોકોની ભારે મોટી સદ્ભાવના છે; એનો હું સાક્ષી છું.
વિનોબાજીએ પવનાર પાછા પહોંચતાં પહેલાં જે ગામો રસ્તામાં આવ્યાં ત્યાં ભૂદાનગંગાના અમૃતનું પાન સૌને કરાવતા રહ્યા. વિનોબાજીએ આપેલાં નાનાં નાનાં પ્રવચનોમાંની મુખ્ય વિગતો પર નજર નાંખીએ.
ળ પોચમપલ્લી ગામમાં 3000 લોકો વસે છે. ગામની જમીન છ હજાર એકર. તેમાં સારી નરસી પણ હોય. આમ માથા દીઠ સૌને ભાગે એક એકરથી વધારે જમીન ન આવે. આટલામાંથી આખા વર્ષના રોટલા, કપડાં, લત્તા વગેરે ન મળી શકે. જુઓ, અહીં સૌએ કપડાં પહેર્યાં છે. ગામમાં કપાસ થાય છે. સૂતર કાંતીને કપડાં બનાવી લો. આનાથી વણકર જીવતો થશે.
- આ બાજુ જોઉં છું. હજારો લોકો દારૂ-તાડી પીએ છે. આનાથી તમારી અક્કલ બેર મારી જશે. આવાં વ્યસન હિંદુ ધર્મ તેમજ મુસ્લિમ ધર્મની વિરુદ્ધ છે.
- હું એક નાનકડા ગામથી અહીં આવ્યો છું. ત્યાં 50 એકર જમીન એક શ્રીમાન ભાઈ પાસેથી ગરીબોને અપાવી. એના પહેલાં પણ 8 ગામોમાંથી 95થી 100 એકર જમીન લોકો પાસેથી લીધી અને ગરીબોને આપી. કૉમ્યુનિસ્ટ લોકો કહેશે કે પાંચ પાંચ હજાર એકરવાળા સો એકર જમીન આપે તો એનાથી શું વળશે ? હું કહું છું કે જરા ધીરજ રાખો. હમણાં પાંચ હજારમાંથી જે સો આપે છે, તે જો પ્રેમથી આપે છે તો હું લઈશ. લોકો જોશે કે આપણે ગરીબોને જમીન આપીએ છીએ, તેના બદલામાં આપણને એમનો પ્રેમ મળે છે, ત્યારે એ લોકો જાતે જ કહેશે કે હજુ પણ લો. આવું સાંભળી કૉમ્યુનિસ્ટ લોકો કહેશે : કેવા ભોળા માણસ છે! પણ હું એમને કહીશ કે હું ભોળો નથી. એક વાર થોડું વાતાવરણ થવા દો કે ગરીબોને જમીન આપવામાં લાભ છે. વાતાવરણ તૈયાર થઈ જાય ત્યારે તો ફાયદો કરાવી જ લઈશ.
- જમીન તો આધાર છે. પણ સૌને જમીન મળી જાય તો મામલો ઊકલી જાય., અને સૌ સુખી થઈ જાય તે ખ્યાલ ખોટો છે. જમીનની વહેંચણી જરૂર થવી જોઈએ, પણ એટલાથી જ દેશ સુખી નહીં થાય. જે દેશમાં ઉદ્યોગ નથી એ દેશમાં લક્ષ્મી નથી હોતી.
- અહીં કૉમ્યુનિસ્ટોનો ઉપદ્રવ છે. તેથી એનો બંદોબસ્ત કરવા સરકારનું લશ્કર આવ્યું. જે પોતાની પાસે હજારો એકર જમીન રાખે છે તે કોમ્યુનિસ્ટોને પેદા કરે છે. સમજવાની વાત એ છે કે સંગ્રહ કરવાની વૃત્તિ પાપ છે. કતલથી કોયડો ઊકલી નહીં શકે. કાયદાથી પણ બહુ થોડું કામ થઈ શકે છે. કાયદો મારી માફક ગરીબો પાસેથી જમીન નહીં લઈ શકે. એની એક મર્યાદા હોય છે. પણ જ્યાં હૃદય-પરિવર્તન થાય છે ત્યાં સર્વસ્વ ત્યાગ કરનાર ફકીર નીકળે છે.
- આ જે દાન આપવામાં આવે છે તેથી કોઈની ઉપર કાંઈ ઉપકાર થતો નથી. આપણા શાસ્ત્રકારોએ ‘દાન’ની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે दानं संविभाग: સમાજમાં સમાન વિભાજન કરવાની વાત દાનમાં છે.
- મારી પ્રાર્થના છે કે હવે આપવાનો જમાનો આવ્યો છે. એટલે તમે સૌ દિલ ખોલીને આપો. આપવાથી દૈવી સંપત્તિ નિર્માણ થાય છે. એની સામે આસુરી સંપત્તિ ટકી ન શકે.
વિનોબાજીને પવનાર પહોંચતાં પહેલાં યાત્રા દરમ્યાન લગભગ સવા બે મહિનામાં 12000 એકર જમીન ભૂમિદાનમાં મળી.
તેલંગણા યાત્રાનો સાર : ભગવાન કલ્પતરુ છે
વિનોબાજી કહે છે – “મારી આ યાત્રા ભગવાને સુઝાડી હતી. મહિના પહેલાં મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ગામેગામ, ઘેરેઘેર ફરવાનું કામ મારે કરવું પડશે. એવા કામ માટે ભગવાન મને નિમિત્ત બનાવશે. પરંતુ પરમેશ્ર્વરની કાંઈક એવી યોજના હતી, જેથી આ કામ મને સહેજે સ્ફુર્યું અને તદનુસાર થવા પણ લાગ્યું. આ એક યુગપુરુષની માગ છે, આવી ભાવના લોકોના હૃદયમાં જાગી. એનું પ્રતિબિંબ મારા અંતરમાં પણ ઊઠ્યું – પરિણામે હું તેલંગણાની યાત્રા પૂરી કર્યા પછી ચોમાસું વર્ધામાં વીતાવવા પરંધામ પહોંચી ગયો. બે-અઢી મહિના ત્યાં રહીને ફરી પાછો નીકળી પડ્યો.
લેખમાળાના આગળના ભાગમાં આપણે વિનોબાજીની દિલ્હી યાત્રા તેમજ ઉત્તર ભારતની યાત્રા વિષે વિચાર કરીશું. પંડિત નહેરુએ વિનોબાજીને યોજનાપંચના સભ્યો સાથે ચર્ચા કરવા દિલ્હી બોલાવ્યા હતા. વિનોબાજી પદયાત્રા કરતાં કરતાં દિલ્હી પહોંચે છે.
– રેવારજ