કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્ર્નો, પ્રયાસો અને પડકારો

ભાગ -૨

આવાસ :

વર્ષો પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા “નમક મજદૂર આવાસ યોજના અમલમાં હતી. પણ તેમાં અગરિયાઓએ પોતાનું ગામ છોડી એક કોલોનીમાં રહેવા આવવાનું તેવી શરત હતી, જે શક્ય ન હતું. કારણ અગરિયા સમુદાય 4 માસ માટે પોત-પોતાના ગામમાં વસે છે. તેમને ત્યાં ઘર બાંધવા ટેકો મળે તો જ ઉપયોગી થાય. આ યોજના ખાસ સફળ ન થઈ. રણમાં અગરિયાના આવાસ માટે કોઈ યોજના નથી. અગરિયા જાતે ઝૂંપડું ઊભું કરે છે. થોડાં વર્ષો પહેલાં સરકારના ટેકાથી સંસ્થા દ્વારા ડોમ, ચોરસ એવા અલગ અલગ પ્રકારના મકાનના ઢાંચા અંગે પ્રયોગ થયો હતો. પણ પછી સરકારે આગળ કશું વિચાર્યું નહીં. આ વિષયમાં નિષ્ણાતોએ આગળ આવી રણને માફક એવાં ઘર, અને સંડાસ માટેની ડિઝાઈન કરવી પડે, તો સરકાર તેનો અમલ કરશે.

પંચાયત વિભાગ તેમાં રસ દર્શાવે તો આ આયોજન થાય. પણ રણ એ કોઈ પંચાયતનો ભાગ છે જ નહીં એટલે વિભાગ રસ લેતો નથી. આ માટે એમ્પાવર્ડ કમિટીની અગાઉની બેઠકમાં ગુજરાત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડને બજેટ ફાળવી પ્રાયોગિક ધોરણે ફોલ્ડિંગ – હંગામી આવાસ રણમાં બનાવવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષિત ઘર, પૂરતું પાણી, સંડાસની સુવિધા આ એકદમ પાયાના પ્રશ્ર્નોમાં સરકાર પાસે પૈસા હોવા છતાં આયોજન અને અમલીકરણ માટેની તત્પરતાના અભાવે કાર્યક્રમો વિલંબમાં પડે છે, અને અગરિયા પીડાય છે.

આજીવિકા :

રણનું મીઠું 22 પૈસાથી 35 પૈસા પ્રતિ કિલો લેખે વેચાય છે. આ વર્ષે 35 પૈસાનો ભાવ મળ્યો છે. મોટા ભાગના અગરિયાઓ એડવાન્સ રકમ લઈ ભાવ નક્કી કરે. 8 મહિના માટે જે ખર્ચ આવે તે વેપારી ઉપાડ તરીકે આપે છે. કૃષિકાર્ડ, કિસાન ક્રેડિટકાર્ડ જેવી કોઈ યોજના અગરિયા માટે નથી. એટલે ધિરાણ માટે માત્ર ખાનગી ક્ષેત્ર પર નિર્ભર રહેવું પડે છે. વળી મીઠા માટે ટેકાના ભાવની કે પાક-વીમા જેવી કોઈ વ્યવસ્થા પણ નહીં. એટલે તમામ જોખમ લઈ અગરિયાએ મીઠું પકવવાનું. રણની અંદરનું મીઠું બહાર લાવવા માટે પણ મોટો ખર્ચ થાય. એટલે અગરિયા મીઠું પાટામાંથી બહાર કાઢે, પછી તેનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ જાતે કરી શકે તેવી પરિસ્થિતિમાં હોતા નથી. એટલે ઉત્પાદનથી આગળ એક ડગલું પણ ‘વેલ્યૂ એડિશન’ તરફ તેઓ આગળ વધી શક્યા નથી.

ઉત્પાદનમાં સૌથી મોટો ખર્ચ ડિઝલનો. તે ખર્ચ ઘટાડવા સોલર વોટર પંપ સિસ્ટમની યોજના આજે અમલમાં આવી છે. 2008થી સંસ્થાઓ દ્વારા પ્રયોગો કર્યા બાદ મંચ દ્વારા સરકારમાં રજૂઆત, હિમાયત બાદ 4 વર્ષથી આ યોજના અમલમાં છે. 80% સબસિડીથી વોટર પમ્પિંગ સિસ્ટમ અગરિયા મેળવી શકે છે. હવે અનેક સોલર કંપનીઓ રણ સુધી પહોંચી છે. સારા-નરસા અનુભવો વચ્ચે 3000 પંપ હવે રણ અને દરિયાકાંઠે લાગી ચૂક્યા છે. જે અગરિયાઓએ સોલર સિસ્ટમ વસાવી તેઓની વાર્ષિક રૂપિયા 60 હજાર જેટલી બચત થવા માંડી કારણ આખો દિવસ ડિઝલથી પાણી ખેંચીને મીઠું બનાવતા, તેના બદલામાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 સુધી સોલર પાવરથી પાણી કાઢવામાં આવે છે. ડિઝલનો વપરાશ 80% જેટલો ઘટી ગયો. આ યોજના આજીવિકામાં મૂળભૂત ફેરફાર લાવવાવાળી સાબિત થઈ છે. રણમાં સોલરનો મોટો વેપાર દેખાતાં અનેક કંપનીઓ અને સંસ્થાઓ હવે સોલર પંપના વેપારમાં આવી છે.

CSMCRI અને રાજ્ય સરકારની મદદથી મીઠું પકવ્યા બાદ વધેલા (બિટર્ન) રેચના પાણીમાંથી મેગ્નેશિયમ કલોરાઈડ જેવાં ખનીજો મેળવવાની તાલીમ, ઉદ્યોગને જોઈએ તેવું 99% સોડિયમ હોય તેવું મીઠું કેવી રીતે બનાવવું તેવી તાલીમો પણ અપાઈ છે. રણમાં બહુ જ ઓછા અગરિયા મેગ્નેશિયમ ક્લોરાઈડ બનાવે છે. કારણ તે કરવા મૂડી જોઈએ અને બજારની ગેરંટી. બંને અગરિયા પાસે નથી. તેમ છતાં જેમણે મીઠું પકવ્યા પછીના રેચના પાણીમાંથી મેગ્નેશિયમ ક્લોરાઈડ પકવ્યું તે તમામ દેવા-મુક્ત થયા. સરકારના “મિશન મંગલમ જેવા કાર્યક્રમ થકી અથવા MSME જેવા કાર્યક્રમ થકી અગરિયા તેમની કંપની બનાવે, સરકાર તેમને ધિરાણ આપે, અને બજાર માટે ટેકો કરે તો અગરિયાઓની આજીવિકામાં ધરખમ ફેરફાર થઈ શકે.

અગરિયા સમુદાયની ઓળખ, અસ્તિત્વ અને આજીવિકાના અધિકારનો સંઘર્ષ :

ઉત્પાદક હોવા છતાં બ્રિટિશ શાસન, રાજાઓનું શાસન, અથવા વેપારીના હાથ નીચે રહી મીઠું પકવતા અગરિયા સમુદાયને એમની સ્વતંત્ર ઓળખ થાય તે માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. હજુ પણ કેટલાય દસ્તાવેજોમાં તેમનો ઉલ્લેખ મીઠા કામદાર તરીકે કરવામાં આવે છે. 2006 થી 2008 દરમ્યાન સ્વરોજગાર પ્રાપ્ત અગરિયાને ઓળખ કાર્ડ આપવામાં આવ્યાં. ત્યારબાદ અનેક યોજનાઓનો અમલ આ કાર્ડના આધારે નક્કી કરવામાં આવ્યો.

એક બાજુ અભયારણ્યને લગતા પ્રશ્ર્નો, ‘રણ સરોવર’ જેવી યોજનાઓનો આડેધડ વિચાર, અને નર્મદા વિભાગ દ્વારા અવારનવાર વધારાનું પાણી રણમાં છોડી દેવાની ઘટનાઓ અગરિયાની આજીવિકાને ખતરારૂપ બની ગઈ છે. નરેગા જેવી યોજનાઓ અગરિયા સમુદાય માટે વરદાન રૂપ બની શકે, 2 મહિનાનું માટીકામ તેમાં લઈ શકાય. પણ રણ “સર્વે નંબર ઝીરો હોવાથી, ચારેય જિલ્લાના DRDAને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર આયોજન કરવા આગળ વધ્યું નહીં. આ મુદ્દાઓ રાજ્ય સ્તરે લેવા જોઈએ.

આજે સરકારે આખા રણને ભુજ કલેક્ટરના તાબામાં મૂકી દીધું છે ખરું, પણ પાટડીનાં ગામોમાંથી રણમાં જતાં અગરિયાની ચિંતા સુરેન્દ્રનગર જિલ્લા તંત્રે કરવી પડે, તે ભુજથી શક્ય નથી. પાંચ જિલ્લાના લેાકો એક પ્રદેશમાં 8 માસ માટે જતાં હોય, અને એ પ્રદેશ “સર્વે નંબર ઝીરો હોય, અભયારણ્ય હોય, એવી પરિસ્થિતિ ભાગ્યે જ કોઈ જગ્યાએ હશે. આ એક જુદા જ પ્રકારની પરિસ્થિતિ છે. અને એટલે સમગ્ર દૃષ્ટિકોણથી રાજ્ય સ્તરેથી આ મુદ્દાઓમાં ગંભીરતાપૂર્વક વિચારવું પડે.


તમને આ પણ વાંચવું ગમશે


અગરિયા સમુદાયની મુખ્ય માંગણી :

  • અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજનાઓના અમલ માટે દરેક વિભાગે (આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પાણી, પંચાયત) 8 માસ માટે રણમાં સ્થળાંતર કરતા લોકો માટે અલાયદું આયોજન, અને તેનું અમલીકરણ કરવું પડે. તે માટે આજની યોજનાઓમાં જરૂરી ફેરફાર કરી રણની પરિસ્થિતિ અનુસાર તેનો એક સમયમર્યાદામાં અમલ કરવો પડે.
  • અનુભવ પરથી ઊભા થતા મોડલ બસમાં ‘રણશાળા’, રણ-આંગણવાડી જેવાનું દસ્તાવેજીકરણ કરી તેને કાયમી વ્યવસ્થાનો ભાગ બનાવી દેવાની જરૂર છે, જેથી કરીને દર વર્ષે સિઝન શરૂ થાય ત્યારે જે તે વિભાગ આપમેળે તેમના આયોજનમાં આગળ વધી શકે.
  • રણ 600 ઉપરાંત વર્ષોથી અગરિયા સમુદાયની આજીવિકાનો આધાર છે. એટલે વન અધિકાર કાયદા અંતર્ગત સમુદાયના 8 માસ માટે રણનો ઉપયોગ કરવાના અધિકારને (Seasonal Community User Rights) માન્યતા આપવાની પ્રક્રિયા સરકારી સ્તરે પડતર છે, તેનો જલદી નિકાલ લાવવો જોઈએ.
  • મીઠું એક ખાવાની વસ્તુ છે. તેને ટેકાનો ભાવ, પાક વીમાનું રક્ષણ મળવું જરૂરી છે. તો પ્રાથમિક ઉત્પાદક તરીકે અગરિયાને રક્ષણ મળે. આજે રણમાં કુદરતી આફત આવે કે માનવસર્જિત આફત આવે, આખું નુકસાન અગરિયાના માથે હોય છે.

સદીઓથી અગરિયા સમુદાય મીઠું પકવે છે. દક્ષિણ કોરિયાના સ્ટેટ મ્યુઝિયમમાં બાવડાના જોરે કરવામાં આવતી વિશ્ર્વની સૌથી જૂની ‘ઉત્પાદન પ્રક્રિયા’ તરીકે કચ્છના નાના રણમાં માત્ર બાવડાના જોરે પાકતા મીઠાના અગરને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. પણ સરકાર અને સમાજ તરીકે આપણે સૌ અગરિયા સમુદાયને ન્યાય આપવામાં ઊણા ઊતર્યા છીએ.

રણમાં દિવસ અને રાતના તાપમાનમાં શિયાળા અને ઉનાળાની બે સિઝનમાં 45 ડિગ્રીનો ફેર હોય છે. ગરમી, ઉનાળા દરમ્યાનની ધૂળની ડમરીઓ વધુ અસહ્ય હોય છે. એટલે રણની અંદર સતત સેવા આપવી, કામ કરવું અઘરું છે. કાંધી ઉપરનાં ગામોમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ છે. પણ રણમાં અગરિયાઓ 8 માસ માટે લગભગ એકલાં હોય છે. હવે તેમનું સંગઠન બન્યું છે, તેઓ જાગૃત થતાં જાય છે. અગરિયા જાતે તાલુકા, જિલ્લામાં ફરિયાદો કરતાં થયાં છે. સરકારી તંત્રને બોલાવતાં થયાં છે. રણના જુદા-જુદા વિસ્તારોમાંથી 150 ઉપરાંત અગરિયા સાથે તાલુકા અને જિલ્લા તંત્ર હવે સંકલન કરે છે, અને સાથે રાખી આયોજન કરે છે.

આગેવાન અને તાલુકા વહીવટી તંત્ર સાથે મળી યોજનાઓનું મોનિટરિંગ કરતાં થયાં છે. સતત જંગલખાતાના ડરમાં જીવતા અગરિયા આજે તેમના ઉપરના અન્યાય માટે બોલતાં થયાં છે. તેમના યુવાનો ફેસબુક, અને વ્હાટ્સએપ દ્વારા તેમના પ્રશ્ર્નો સમાજ સામે મૂકતા થયા છે. પ્રસાર માધ્યમો પણ અગરિયાના પ્રશ્ર્નોમાં દિલથી જોડાઈ મદદ કરે છે. તેનાથી સમાજ અગરિયાના પ્રશ્ર્નો, તેનાં મૂળ કારણોથી વાકેફ થાય છે.

પડકારરૂપ ભૌગોલિક (આકરી) પરિસ્થિતિ, સરકાર સ્તરે રણને અનુરૂપ નીતિ/યોજનાઓ અને ઇચ્છાશક્તિના અભાવને લીધે ઉપરોક્ત દરેક મુદ્દામાં આટલાં વર્ષોમાં માત્ર ક્યાંક શરૂઆત જ થઈ છે. 4 કરોડનું વેલ્ફેર બજેટ આજે 38 કરોડ પર પહોંચ્યું છે. રણકાંઠાની પંચાયતો, PHC, નિશાળોને પણ 8 કરોડ જેટલું બજેટ મળ્યું છે. તેથી આ માળખાકીય સુવિધામાં સુધારો આવ્યો છે. હવે કેટલાક યુવક યુવતીઓ કોલેજ, મેડિકલ, નર્સિંગ, વિજ્ઞાન, આર્ટસમાં, આઈટીઆઈમાં દેખાવા માંડ્યાં છે.

આ તો માત્ર શરૂઆત છે….સદીઓથી સમાજથી અળગા રહેલા અગરિયા સમુદાયે હવે તો ક્યાંક સપનાં જોવાનાં શરૂ કર્યાં છે.

– પંક્તિ જોગ

‘અગરિયા હિત રક્ષક મંચ’ અગરિયા અને તેમની સાથે નિસબત ધરાવતા લોકોનો મંચ છે. અગરિયાને સ્વમાનભેર જીવન મળે તે માટે તેમને ટેકો કરે છે. સરકાર સાથે સંકલન કરે છે. જરૂર પડે કાયદાકીય મદદ, તાલીમ આપે છે. અગરિયા સમુદાયમાં આગેવાની ઊભી થાય, તેઓ જાતે તેમના પ્રશ્ર્નો માટે લડતા થાય તેવાં કામ કરે છે. મંચ રજિસ્ટર્ડ સંસ્થા છે. અગરિયા સમુદાયના શોષણ અને ગરીબીમાંથી મુક્તિ મેળવવા બહારથી આવેલ કોઈ રેડિમેડ ઉકેલ ચાલશે નહીં, પરંતુ આંતરિક પ્રયાસો જોઈએ. તે માટે અનુકૂળ વાતાવરણ અને ટેકો કરવો જોઈએ. સંસ્થા દ્વારા અગરિયા સમુદાય માટે કોઈ પ્રોજેક્ટ કરવામાં આવતા નથી. સતત સાથે રહેવા અને જરૂર પૂરતો ટેકો કરવાનું કામ ચાલુ રહે તે માટે અમો સમાજને દાન આપવા હાકલ કરીએ છીએ. આ દાનને કોર્પસ તરીકે ફિક્સ કરી તેમાંથી સંકલન, તાલીમ અને સમુદાયની આગેવાનીનાં કામોને ટેકો થશે.

મદદ કરવા માંગતા સૌએ

‘અગરિયા હિતરક્ષક મંચ’ના નામે ચેક અથવા ડી.ડી. મોકલવો. સંપર્ક સરનામું : અગરિયા હિત રક્ષક મંચ, હરિણેશ પંડ્યા, બી-3, સહજાનંદ ટાવર, જીવરાજ પાર્ક ચાર રસ્તા, અમદાવાદ-380051. ફોન : 079-26821553,


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s