ભૂદાન-યાત્રામાં મારું જે અધ્યયન ચાલ્યું, તેનું સ્વરૂપ સંગ્રહનું નહીં, દાનનું હતું. લોકહૃદયમાં પ્રવેશ માટે નિમિત્ત તે તે પ્રાંતની તે તે ભાષાના સાહિત્યનું અધ્યયન મારા પર લાદવામાં આવે, મતલબ એ કે પ્રેમથી તેને હું મારા પર લાદી દઉં છું. ઓરિસ્સાની ભૂદાન-યાત્રા વખતે ઉડિયા ભાષા શીખવાને નિમિત્તે ઉડિયાના ભક્ત શિરોમણિ જગન્નાથદાસ દ્વારા રચિત ભાગવતનું અધ્યયન કરવાનો મોકો મળ્યો. અધ્યયન હેતુ એમનો એકાદશ સ્કંધ અમે પસંદ કર્યો. યાત્રામાં જ અધવચ્ચે કલાક-અડધો કલાક રોકાઈને કોઈ ખેતરમાં એકાંતમાં બેસીને બધા યાત્રીઓ સહ-અધ્યયન કરતા.
