આ ગ્રેટા થનબર્ગ કોણ છે?

વિશ્વભરમાંથી ખેડૂત આંદોલન માટે સમર્થન તો આવી જ રહ્યું હતું અને છે. પરંતુ અમેરિકન પોપ સ્ટાર રિહાના દ્વારા ટ્વીટ થયું અને મહાભારત શરુ થઇ ગઈ. આજ દિવસે જલવાયુ પરિવર્તન અંગે જાગૃતિનું કામ કરતા કર્મશીલ ગ્રેટા થનબર્ગ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા. જ્યારે દિલ્હી પોલીસના સાઇબર સેલ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં વિદેશી ષડયંત્ર અને અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

ગ્રેટાએ મંગળવારે રાત્રે ખેડૂતોના સમર્થનમાં પ્રથમ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂતઆંદોલનના સમર્થનમાં છીએ.

તો અહીં જાણો આ ગ્રેટા કોણ છે? અને તેમણે શું કામ કર્યું છે?

– સંપાદક
ગ્રેટા થનબર્ગ

સોમવારને ર૦ ઓગસ્ટ, ૨૦૧૮નો દિવસ. સ્વીડનમાં શાળાના નવા સત્રનો પ્રથમ દિવસ. બધા બાળકો શાળાએ જઈ રહ્યાં હતાં. પરંતુ બે ચોટલાવાળી એક ગોળમટોળ છોકરી રાજધાની સ્ટૉક હોમના સંસદ ભવનની દિવાલને ટેકે બેઠી કોઈ મુદ્દે ધરણાં કરી રહી છે. પાસે દફતર પડેલું છે. છોકરીનાં હાથમાં એક પોસ્ટર છે. તેમાં લેટિનમાં મોટા અક્ષરે લખેલું છે કે “જળવાયુ (પરિવર્તન)ને મુદ્દે શાળામાં હડતાળ.’

શુક્રવાર : ભવિષ્ય કાજે

આ વાત છે…. આજે જગ પ્રસિદ્ધ થઈ ગયેલી ગ્રેટા થનબર્ગેની જે ૧૬ વર્ષની છોકરી છે(વર્ષ ૨૦૧૯માં). ૩ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ જન્મેલી ગ્રેટા થનબર્ગ ગ્લોબલ વોમિંગના જોખમો સામે લડત આપતી આંદોલનકારી છે.

ગ્રેટા સ્ટૉકહોમમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. અત્યાર સુધી શાળામાં છેલ્લી પાટલીએ બેસતી ગ્રેટા આજે પર્યાવરણ જાગૃતિ માટે આગેવાની કરી રહી છે. બર્કિલી ઠંડીના પ્રદેશ સ્વીડનનું વાતાવરણ ગમે તેવું હોય. ર૦ ઓગસ્ટ, ૨૦૧૮થી ગ્રેટા દરેક શુક્રવારે શાળાએ જવાનું છોડી જળવાયુ પરિવર્તન અંગે પગલાં લેવાની અરજ કરતી તકતી હાથમાં લઈ સંસદ ભવન સામે પ્રદર્શન કરે છે.

એકલા હાથે શરૂ થયેલાં આ અભિયાનમાં ટૂંક સમયમાં જ ગ્રેટા એકલી ન રહી. જોત જોતામાં ન સ્વીડન કે યૂરોપ પરંતુ સમગ્ર દુનિયામાં બાળકો તેની સાથે જોડાવા લાગ્યા. અભિયાન શરૂ થયું ‘ફ્રાઈડઝ ફોર ફ્યુચર’. આજે આ આંદોલન એક રીતે વિશ્વવ્યાપી બની ગયું છે. દુનિયાભરના અનેક દેશના બાળકો – લાખો બાળકો દર શુક્રવારે શાળાએ જવાને બદલે રસ્તા પર પ્રદર્શન કરે છે. ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન અંગે લોકોને જાગૃત કરવા અને સરકારનું ધ્યાન ખેંચવા.

આબે ગ્રેટાને અનેક વૈશ્વિક સંમેલનોમાં વ્યાખ્યાન આપવા આમંત્રણમળી રહ્યાં છે. અનેક સન્માનો એ એવોર્ડ મળવાની સાથે ૨૦૧૯નાં શાંતિના નોબેલ પુરસ્કાર માટે પણ તેનું નામ સૂચવવામાં આવ્યું છે. જર્મની સહિતના દુનિયાભરના રાજકારણીઓ ગ્રેટાની પ્રશંસા કરી રહ્યાં છે તો વિશ્વભરનાં મીડિયા સંસ્થાનો ગ્રેટાનો ઈન્ટરવ્યુ લઈ રહ્યાં છે. પરંતુ પોતાના નામ અને પ્રસિદ્ધિ પાછળ ન દોડતી ગ્રેટા પોતાના કામમાં જ મગ્ન રહે છે.

અભિયાનની શરૂઆત અંગે ગ્રેટા કહે છે કે, “સાચું કહું તો મને એમ હતું કે મારા આ પગલાંને કારણે શક્ય છે કે કોઈ મીડિયામાં જળવાયુ પરિવર્તન અંગે કશું લખાય. આંદોલન ઉભું કરવા અંગે મેં કંઈ વિચાર્યું ન હતું. પરંતુ હુ માત્ર પહેલો દિવસ જ એકલી રહી. બીજા જ દિવસથી લોકો મારી સાથે જોડાતા ગયા અને આંદોલન ઉભું થઈ ગયું…

પહેલાં સ્વીડનના અન્ય શહેરો, યુરોપ અને પછી તો સમગ્ર વિશ્વમાં. એવી વિગતો છે કે હમણાં સુધીમાં લગભગ ૧૬ લાખ ૩૦ હજાર બાળકો જળવાયુ રક્ષણ માટે હડતાળ પાડી ચૂક્યા છે.

આઠ વર્ષથી જળવાયુ રક્ષણની ધૂન

“હું લગભગ આઠ વર્ષની હતી ત્યારે શાળામાં કહેવામાં આવ્યું કે જળવાયુમાં પરિવર્તન માનવીય પ્રવૃત્તિને કારણે થઈ રહ્યું છે. મને થયું કે આ ઘણી વિચિત્ર બાબત છે. આપણા અસ્તિત્વનું જ જોખમ હોય તે સંકટ દરેક વ્યક્તિના ધ્યાનમાં પ્રથમ ક્રમે હોવું જોઈએ. પરંતુ તેના વિશે કોઈ ચર્ચા કેમ નથી કરતું ?! તેના બદલે લોકો આલતુ-ફાલતુ બાબતોમાં જ વ્યસ્ત રહે છે.’ ગ્રેટા કહે છે. જળવાયુ પરિવર્તનની વાત સમજાતા જ ગ્રેટાએ આઠ વર્ષની ઉમરથી જ અભિયાન શરૂ કરી દીધું હતું. શરૂઆત વીજળી બચાવવાના અભિયાનથી થઈ. જ્યારે જરૂરી ન હોય તે સ્વીચ બંધ કરવી અને બીન જરૂરી બેટરી ચાર્જ ન કરવી. ટૂંક સમયમાં ગ્રેટાએ પેટ્રોલ-ડીઝલથી ચાલતી ગાડીઓ અને વિમાનમાં બેસવાનું બંધ કરી દીધું. માતા-પિતાને બેટરીથી ચાલતી ગાડી ખરીદવા ફરજ પડી.

ગ્રેટાએ લાંબા પ્રવાસો પણ ટ્રેનમાં કરવાનું શરૂ કર્યું. સમગ્ર પરિવારે પોતાની રહેણીકરણી અને ખોરાક સંપૂર્ણ રીતે બદલવાના શરૂ કર્યા.

ત્રણ વર્ષ પહેલાં સમગ્ર પરિવાર શાકાહારી બન્યો. માતા વિશ્વ પ્રસિદ્ધ ઓપેરા ગાયિકા છે. તેમણે પણ તેમના વિમાન પ્રવાસ બંધ કર્યા. ગ્રેટા કહે છે કે, “હું બધી બાબતોને સ્પષ્ટ કાળુ અથવા સફેદ જ જોવા પ્રયત્ન કરું છું. મારી દષ્ટિએ ટકાઉ રસ્તે આગળ વધવું અને કેટલુંક તો ચાલશે તે બે વાત એક સાથે થઈ જ ન શકે. લોકો પ્રવાસમાં જવા વિમાનનો ઉપયોગ કરે છે. પરંતુ હું તેમ કરવા ઇચ્છતી નથી. હું એવું જીવન ન જીવી શકું કે જેમાં હું વિમાનમાં ઉડતી ફરું અને લોકોને કહું કે વિમાનમાં ન બેસો.’

આ અંગે વધુમાં ગ્રેટા નવા કપડાં ખરીદતી નથી અને ક્રીસમસમાં ભેટ સૌગાદોની આશા રાખતી નથી. ગ્રેટા ઉમેરે છે કે, “હું બીજાને આગ્રહ નથી કરતી કે મારી જેમ જ જીવે. હું જે કહું છું અથવા કરું છું એનો ઉદ્દેશ એ છે કે જળવાયુ પરિવર્તનને લઈને લોકોની ચેતના જાગ્રત થાય. તેઓ પોતે જ સમજે કે પરિસ્થિતિ કેવી છે, શા માટે છે, સત્યો શોધે.

આ બધા પછી પોતે જ નકી કરે કે તેમણે શું છોડવાની જરૂર છે. અને શું એ ત્યાગ કરવાની તેમની તૈયારી છે ? મારી સામે તો દર વખતે વધતાં તાપમાનનો ગ્રાફ રહે છે. મને થાય કે આ માટે જવાબદાર વાયુઓની માત્રામાં ઘટાડો કઈ રીતે કરી શકાય.

માતા-પિતા સહમત ન હતા.

ગ્રેટાએ જ્યારે પોતે સંસદ સામે બેસીને દેખાવ કરવાના નિર્ણય અંગે માતા-પિતાને કહ્યું ત્યારે તેમની સંમતિ ન હતી. “મારે જ્યારે તેમને પ્રથમ વખત કહેવાનું હતું ત્યારે મેં તૈયારી કરી કે તેમની સામે વાત કઈ રીતે મુકીશ. એ મારી સાથે સહમત ન હતા. તેઓ માનવા તૈયાર ન હતા કે મારા આ પ્રયત્નથી બધાનું હિત કઈ રીતે થશે. તેમણે મને પ્રશ્નો પુછ્યા કે મને પૂરતો વિશ્વાસ છે કે નહીં, બીજું કોઈ કામ હું કેમ ન કરી શકું. મેં કહ્યું કે હું તો આ જ કરવાની. તેમણે સમજવા પ્રયત્ન કર્યો. છતાં માતા-પિતા તરીકે તેઓ માનતા નથી. કે હું જે કરું છું તે યોગ્ય છે.’

ગ્રેટા પર અનેક આક્ષેપો પણ થયાં છે તેમ છતાં આ બધા વચ્ચે પણ તેનું અભિયાન ચાલુ છે. ‘ફ્રાઈડઝ ફોર ફ્યુચર’ અંતર્ગત અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન ૧૫ માર્ચ ૨૦૧૯ના રોજ યોજાયું. ભારત સહિત વિશ્વના ૧૦૦ જેટલા દેશોના ૧૭૦૦થી વધુ શહેરોમાં બાલવાડીથી લઈ પ્રાથમિક-માધ્યમિકના મળી કુલ ૧૪ લાખ લોકો આ અભિયાનમાં જોડાયા.

યુરોપના ૨૦ હજાર વૈજ્ઞાનિકો પણ બાળકોના સમર્થનમાં આગળ આવ્યા. ‘ફ્રાઈઝ ફોર ફ્યુચર’ આંદોલનથી ઉત્સાહિત બાળકો જળવાયુ પરિવર્તન ઉપરાંત રાજકીય અને સામાજિક પ્રશ્નોમાં પણ રસ લઈ રહ્યાં છે. એમનું કોઈ સંગઠન નથી. સ્વાયત રીતે ઇન્ટરનેટ પર, Social Media દ્વારા અને વિવિધ માધ્યમો દ્રારા વાતચીત-સંવાદ કરી બાળકો/કિશોરો પોતાના વિચારો વ્યક્ત કરે છે.’

ક્લાઈમેટ એક્શન સમિટ 2019 માં ગ્રેટા થનબર્ગ

બાળકોની સાથે હવે તેમના માતા-પિતા અને પરિવારના સભ્યો જોડાઈ રહ્યાં છે. તેમણે “પેરેન્ટસ ફોર ફ્યુચર’ નામે સંગઠિત થવાનું શરૂ કર્યું છે. તેઓ એ પણ માંગણી કરી રહ્યાં છે કે દર શુક્રવારે જે બાળકો અભિયાનમાં જોડાય છે તેમને કોઈ શિક્ષા કરવામાં ન આવે. બાળકો મોજ-મસ્તી કે તોફાન કરવા નહીં પરંતુ સમાજને જાગૃત કરવા અને ભવિષ્ય માટે આ પગલાં લઈ રહ્યાં છે. વળી જળવાયુ પરિવર્તન અતિશય ભયંકર સંકટ છે જે મનાવજાતિનો નાશ કરી શકે છે, આજે તે વાત નકારી શકાય તેમ નથી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ સહિતની અનેક સંસ્થાઓ આજે જળવાયુ પરિવર્તન અંગે જાગૃતિ લાવવા કરોડો રૂપિયા ખર્ચીને અભિયાન ઊભા કરે છે. ત્યારે આ શાળાએ જતી બાળકીએ લોકોની ચેતના જગાડવાનું પાયાનું કામ કર્યું છે અને લોકો સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. ખાસ કરીને બાળકો. બાળકો ભવિષ્ય અંગેની પોતાની ચિંતા અને નિસબત વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે આપણે આવનારી પેઢી માટે કેવું વિશ્વ આપીને જઈશું તે આપણે વિચારવાનું રહ્યું.

– સંકલિત રજૂઆત : પાર્થ ત્રિવેદી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s