2016ના ડિસેમ્બરના ટૂંકા દિવસની કોઈ એક સમી સાંજે પડછાયા લાંબા ને લાંબા થઈને અંધકારને બોલાવી રહ્યા હતા ત્યારે ઉંમરવાન અને પ્રકાશવાન 92 વર્ષના ગાંધીજન પ્રા.રામજીસિંહ સાથે હું કદમ મિલાવી રહ્યો હતો અને મને સંબોધીને પણ સ્વગત જ તેઓ બોલી રહ્યા હતા : “બાપુ (ગાંધી) આજ હોતે તો કહાં હોતે ?! અને પછી બોલ્યા : “બાપુ આજ હોતે તો કશ્મીરમેં હી હોતે ! મુઝે ભી વહીં હોના ચહીએ !? અને પછી ધીમા સ્વરે બોલે છે : “ઉમ્ર કે ઈસ મકામ પર મેરા વહાં જા કર કામ કરના અબ સંભવ નહીં લગતા હૈ, લેકિન હાં, આપ લોગ કર સકતે હો, તુલા કો પૂછ લો…. એમના આ સંકેતને – નિયતિના આ સંકેતને હું તરત ઝીલી લઉં છું અને એ જ સાંજે ડૉ. કરણસિંહને ફોન લગાવીને રામજીબાબુને આપું છું.
ડૉ. કરણસિંહ કહે છે : “જહાં સે પોલિટિશિયન ફેઈલ હો જાતે હૈં, વહાં સે ફિલસૂફોં કા કામ શુરૂ હોતા હૈ ! નવા વર્ષના પ્રકાશમાં જાન્યુઆરી મહિનામાં હું છેક દિલ્હી જાઉં છું કારણ કે કશ્મીરની વાત થઈ શકે એવા કોઈ મને ગુજરાતમાં દેખાતા નથી ! ડૉ. કરણસિંહ અને સ્વ. કુલદિપ નાયરને હું તેમના ઘરે મળવા જાઉં છું; તો ગાંધી પીસ ફાઉન્ડેશનમાં પ્રા. રામજીસિંહ, આરિફ મોહમ્મદખાન, દિલિપ સિમિયન, નાસિરા શર્મા, કુમાર પ્રશાંત, કેટલાક કશ્મીરી પંડિત અને કેટલાક ભૂતપૂર્વ આર્મી ઓફિસર્સ સાથે એક સંવાદ થાય છે અને મને તરત જ ખ્યાલ આવે છે કે 2005ના ધરતીકંપ વખતે કશ્મીરના ઉરી ક્ષેત્રનાં ગામડાઓમાં આપણે જે કામ કરેલું ત્યાર પછી તો અહીં ઝેલમમાં ઘણાં જળ વહી ગયાં છે… અને મારી સામે ચિત્ર ખડું થાય છે –
પીરપાંજાલને પગે ઓળંગીને 80 દિવસની પદયાત્રા કરતા મહર્ષિ વિનોબા અને એમની વાણી : “મૈં તુમ્હારા ધર્મ ક્યા હૈ, યહ નહીં જાનના ચાહતા, તુમ્હારે ખયાલાત કયા હૈ, યહ ભી નહીં જાનના ચાહતા, સિર્ફ યહી જાનના ચાહતા હૂં કિ તુમ્હારે દુ:ખ ક્યા હૈ, ઉન્હેં દૂર કરને મેં મદદ કરના ચાહતા હૂં. આ વાતને આપણે આપણા કશ્મીર કામનો મંત્ર બનાવીને ચાલી નીકળીએ છીએ “નેહ કશ્મીરી-નેહ કશ્મીરની તીર્થયાત્રા પર…
નેપોલિયને કહ્યું હતું કે તમે બયોનેટ દ્વારા બધું કરી શકો, માત્ર તેના પર આસન ન જમાવી શકો. આપણે તો કશ્મીરીઓનાં દિલ સુધી જવું હતું અને ત્યાં જ આસન જમાવવું હતું…. વર્ષોથી ચાલતા જુદા જુદા સ્વરૂપના યુવા શિબિરોને લઈને સેંકડો શિક્ષકો સ્નેહને નાતે વિશ્ર્વગ્રામ સાથે જોડાયેલાં છે અને સાથે સાથે કચ્છના ધરતીકંપથી લઈને કેદાર આપદા કે પછી નેપાળના ધરતીકંપમાં શિક્ષણના ક્ષેત્રે વિશ્ર્વગ્રામના વ્યાપક કામના અનુભવને કારણે કશ્મીરના લોકો સાથે સંવાદ કરવાના માધ્યમ તરીકે શિક્ષણનું કામ પસંદ કર્યું. 2020ના ડિસેમ્બરની 22મી તારીખે હું આ લખી રહ્યો છું ત્યારે અનુભવું છું કે લાંબામાં લાંબી રાતના આ દિવસો ચાલી રહ્યા છે અને હવે કશ્મીરના આ નાના-શા કામનાં ચાર વર્ષ વીતવામાં છે ત્યારે આ ચાર વર્ષના કામને આપણી બાજુથી નિહાળતાં અને એમની બાજુથી નિહાળતાં પણ એક આશાવાદ નજરે પડે છે; તેણે જ મને આ લખવા પ્રેર્યો છે.
2005માં કશ્મીરમાં આવેલા ધરતીકંપ વખતે ઉરીના બસગ્રા નામના ગામમાં તંબુ તાણીને અમે રહેલા અને ત્યારે પણ જરૂરી વસ્તુઓ – રાશન આપવાનું, આરોગ્યનું અને શિક્ષણનું કામ જ મુખ્યત્વે કરેલું. એક વાર એક શિક્ષિકા બહેનને ઘરે ચ્હા-નાસ્તા માટે ગયેલા (ઘર તો પડી ગયેલું પણ એમને મળેલા તંબુમાં). તંબુ બહાર બેઠેલાં મોટી ઉંમરનાં માજી અમને સૌને જોઈને બોલેલાં : “યે કૌન લોગ આયે હૈં ?! શિક્ષિકા બહેને એમને પ્રત્યુત્તર વાળેલો કે : “મેરે રિશ્તેદાર આયે હૈં ! રંગેરૂપે શ્યામ એવા અમને સૌને જોઈને તેઓ ધીરેકથી બોલેલાં કે આ કંઈ થોડા રિશ્તેદાર હોય ? ત્યારે પેલાં શિક્ષિકા બહેનનો જરા મોટેકથી જવાબ હતો કે : “ઈતને દૂર સે જો કોઈ હમારી ખિદમત કે લિયે આતા હૈ વો રિશ્તેદાર નહીં તો ઔર કૌન હો સકતા હૈ ?!
આ રિશ્તેદારી નિભાવવા માટે છેલ્લાં 4 વર્ષથી નિયમિત રૂપે ત્રણ અઠવાડિયાં માટે એક મોટી ટીમ સાથે કશ્મીર જવાનું થાય છે (અનંતનાગમાં લગભગ 25, બારામુલ્લા – ઉરીમાં લગભગ 75, તો ડોડામાં લગભગ 50 જેટલા સાથી-કલ્યાણ મિત્ર હતા). કશ્મીર આવનાર કલ્યાણ મિત્રોમાં મોટાભાગના શિક્ષકો હોય છે. અલબત્ત વિશ્ર્વગ્રામની પાઠશાળામાં ઘડાયેલા! કશ્મીર આવતા પહેલાં સૌ એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. કશ્મીર યાત્રા પૂરતી તો સૌની નિષ્ઠા-સમજણ અહિંસા અને માનવતાને વરેલી હોય તે અપેક્ષિત હોય છે ! સૌ સ્વખર્ચે આ કામમાં જોડાય છે. સાંઠેક જણાનું રસોઈનું સીધું-સામાન, વાસણ સઘળું તથા ત્યાંનાં બાળકો સાથેની પ્રવૃત્તિનો સઘળો સામાન અહીંયાંથી જ લઈને જઈએ. અને આ બધું ગુજરાતથી છેક ત્યાં સુધી લઈ જવાનું એટલે કે ઉપાડવાનું – ફેરવવાનું પણ આ પ્રાથમિક શાળાના શિક્ષકોથી લઈને કૉલેજના પ્રાધ્યાપકો જ કરતા હોય છે.
આ આખી યાત્રા આવનાર સૌ માટે એક સમર સ્કૂલ બની રહે છે. અને આમ છેલ્લાં ત્રણ વર્ષમાં (2020ને બાદ કરતાં) આ ત્રણેય જિલ્લાનાં 150 થી પણ વધુ ગામોમાં અને તે ગામોની શાળાઓમાં પહોંચી શક્યા છીએ. ત્યાં ગામોમાં વ્યક્તિગત કે સાવ નાના-નાના સમૂહમાં આપણે સ્નેહ-સંવાદ કરીએ છીએ. તો ત્યાંની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો સાથે નિરાંતની ગોઠડી મંડાય છે અને બાળકો સાથે ખૂબ-ખૂબ બધી સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિ (ઓરિગામી, પેઇન્ટીંગ, કાર્ડ મેકીંગ, પેપરબેગ બનાવવી, રોબોટીક્સ, ગણિત-વિજ્ઞાન, ભાષા, ફલાવર-મેકિંગ, શોર્ટ ફિલ્મ, રમતગમત, પપેટ શો વગેરે જેવી પ્રવૃત્તિઓ) દ્વારા તેમના એ દિવસના આકાશને આનંદ અને વિસ્મયથી ભરી-ભરી દઈએ છીએ. તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સાવ અલગ જ પ્રવૃત્તિ દ્વારા સંવાદ યોજાય છે.
આ પ્રવૃત્તિઓ માટે દરેક શાળામાં 8 થી 9 સાથી મિત્રો જતા હોય છે. ક્યારે ચાલતા-ચાલતા, તો ક્યારેક લોકલ બસમાં કે જીપમાં તો ક્યારેક પ્રાઈવેટ વાહન કરીને. એક વેળા એક ટીમ આ રીતે જીપમાં જઈ રહી હતી ત્યારે તે સૂમો જીપના અજાણ્યા ડ્રાઈવરે એક ફોન કર્યો. ભાષા સમજાઈ નહીં. થોડાક આગળ જઈને જંગલ વચ્ચે જીપ ઊભી રાખી દીધી. સૌ થોડા ગભરાયા. સમય સાથે ગભરાટ પણ વધતો ગયો. કેટલીક વાર પછી ડરથી ભરેલા એક સાથી મિત્ર જીપ ઊભી રાખવાનું કારણ પૂછવા જાય એટલામાં તો રસ્તા પર નાની-શી દીકરી હાથમાં મોટી થેલી લઈને દોડતી-દોડતી આવતી નજરે પડે છે ! હાંફતી હાંફતી પહોંચે છે અને અને નાની-શી દીકરીએ ઉપાડેલી મોટી-શી થેલી સાથીઓને આપતા એ અજાણ્યો ડ્રાઈવર બોલે છે : “સર, યે મેરી ગુડિયા હૈ, આપ સબકે લિયે અખરોટ લેકર આયી હૈ, ફોન કર કર બુલાયા થા. મેરા ઘર રાસ્તે મેં આયે ઔર મહેમાનોં કો ઐસે હી કૈસે જાને દે સકતે હૈં ?! આ કોઈ એકલ-દોકલ અનુભવ નથી. લગભગ દરરોજ આપણી પ્રત્યેક ટીમને આવા અનુભવો થાય – થાય ને થાય જ. એ ડ્રાઈવર હોય કે પછી ગ્રામજન કે પછી શિક્ષક કે બાળક – કશ્મીરીઓના આવા અનેકાનેક અનુભવના કારણે કશ્મીરની ભીતરની સુંદરતાની અનુભતિથી ભીંજાવાનું સતત બનતું રહે !
એ દિવસો તો બુરહાન વાની પછીના તુરંતના દિવસો હતા અને એમાં પણ અમે પાછા અનંતનાગ જિલ્લામાં કામ કરી રહ્યા હતા. (રામ રાખે તેને કોણ ચાખે ?!) આટલા બધા સાથીઓ જ્યારે મારા ભરોસે આવ્યા હોય ત્યારે મને પણ ક્યાંક ભીતરમાં ભાર રહેતો એ મારે કબૂલવું જ રહ્યું !! અમે એ દિવસે અમને સૂચવવામાં આવેલી શાળાએ પહોંચી જઈએ છીએ ને બાળકો સાથે કામ શરૂ કરીએ છીએ. એકાદ કલાક પછી એક શીખ આચાર્યનો ફોન આવે છે કે, “સર, આપ કહાં પર હો ? હમ સબ આપ લોગોં કા ઇંતઝાર કર રહે હૈં… ત્યારે ખબર પડે છે કે આપણે આજે ભૂલથી બીજી જ શાળામાં આવી ગયા છીએ અને એથી રિસેસ પછી અહીંયાંથી કામ આટોપીને સરદારજીની શાળામાં જવાનું નક્કી કરીએ છીએ.
જે શાળામાં પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાંનાં બાળકોને પણ આ વાત કરીએ છીએ ત્યારે ત્રણ-ચાર દીકરીઓ મારી આસપાસ વીંટળાઈને મને આ રીતે અચાનક ના ચાલી જવા માટે કહે છે. હું તેમને કહું છું કે “બીજી શાળાની તમારા જેવી જ દીકરીઓ અમારી રાહ જોઈ રહી છે. તેથી અમારે જવું જ પડશે. આ સાંભળીને એમાંની એક દીકરી મારી ઉપર પ્રેમભર્યો ભારે ગુસ્સો કરે છે ને પછી ચાલી જાય છે !! રિસેસ પડે છે. પણ અમારું મન માનતું નથી અને છેવટે પેલા શીખ આચાર્યને જાણ કરીને અમે અહીંયાં જ રહેવાનું નક્કી કરીએ છીએ. રિસેસ પૂરી થાય છે. સૌ બાળકો ઘરેથી પાછાં આવે છે, એમાં પેલી દીકરી પણ. અમને અહીંયાં જ જોઈને દોડતી આવીને મને વળગીને-બાઝીને જોરથી કહે છે : “રૂકના હી પડા ના ! મૈંને ઘર જાતે વક્ત રાસ્તે મેં હી ખુદા સે માંગ લીયા થા !! શાળા છૂટતી વખતે બાળાઓ ગીત ગાઈ રહી છે : લબપે આતી હૈ દુઆ બનકે તમન્ના મેરી… બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી…
જ્યાં ગોળીબાર અને તોપમારો સ્વાભાવિક ઘટના બની ગઈ છે, એ સરહદ પરના ઉરી ક્ષેત્રની પ્રાથમિક શાળાઓમાંથી ખૂબ જ હોનહાર અને જરૂરતમંદ એવાં 111 દીકરા-દીકરીઓ પસંદ કરી એમના 12 ધોરણ સુધીના અભ્યાસ માટે દર વર્ષે 6000 રૂપિયાનો શૈક્ષણિક સહયોગ આપણે કરી રહ્યા છીએ. આ સૌ બાળકો સાથે, એમના પરિવાર સાથે, એમની શાળા સાથે જીવંત સંબંધ રચાય એ માટેના પ્રયાસો-પ્રયોગો પણ કરી રહ્યા છીએ. આમાં ક્યાંક અનાથ કે સિંગલ પેરેન્ટ બાળકો પણ છે, એની કૉલેજ સુધીની જવાબદારી સ્વીકારવાનું પણ વિચારી રહ્યા છીએ.
સુરતની અસ્પાયર નામની એક શાળાએ પોતાના વિદ્યાર્થીઓ આગળ એક પ્રશ્ર્ન મૂક્યો કે, “કશ્મીરના વિદ્યાર્થીઓના હાથમાં આપણે શું ઇચ્છીએ છીએ, પુસ્તક કે પત્થર ?! સૌનો પ્રત્યુત્તર હતો ‘પુસ્તક’…. અને સૌએ સાથે મળીને એટલે કે વિદ્યાર્થીઓ-શિક્ષકો અને સંચાલકોએ એક પુસ્તકાલય માટેના 25000 રૂપિયા એકઠા કર્યા. આ 25000 રૂપિયા એ કશ્મીરના વિદ્યાર્થીઓને ગાંધીના ગુજરાત તરફથી પાઠવાયેલો પ્રેમપત્ર છે. ગાંધી 151 નિમિત્તે શું ગુજરાતની 151 શાળાઓ કશ્મીરની 151 શાળાઓ સાથે જોડાઈ ન શકે ?! આની નાની-શી શરૂઆતના ભાગરૂપે ત્યાંની 35 શાળાઓમાં – પ્રત્યેક શાળામાં 25000 રૂપિયાનાં પુસ્તકો આપી એક નાનું-સરખું પુસ્તકાલય રચવા જઈ રહ્યા છીએ. આ જ રીતે શું પ્રયોગશાળા પણ ન રચી શકાય ? (કેદાર આપદા વખતે ત્યાંની 50 શાળાઓમાં આપણે આ કામ કરેલું અને ઘણાં સારાં પરિણામ પણ જોવા મળેલ) પુસ્તકાલય – પ્રયોગશાળા અને રમતગમત દ્વારા હૈયું-મસ્તક-હાથને એક નવા જ સ્નેહ સ્પંદનોથી ભરી દઈ શકાય એવું અમને લાગે છે.
બારામુલ્લા જિલ્લાના બુનિયારથી લઈને ઉરી અને એથી પણ આગળના સરહદ પરના વિસ્તારમાં હવે અમે વધુ સઘન રીતે કામ કરી રહ્યા છીએ ત્યારે ત્યાંનાં 15 ગામોમાં લર્નિંગ રિસોર્સ સેન્ટર – LRC બનાવવા-બાંધવા જઈ રહ્યા છીએ. આમાં હુન્નર શાળાની બહુ જ મોટી ભૂમિકા અને સહયોગ રહેશે. ત્યાંનું સ્થાનિક મટિરીયલ – સ્થાનિક ટેકનિક તથા સ્થાનિક કલા-કારીગરોની સાથે આખા દેશમાંથી આવેલા આર્કીટેક્ચર અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરશે અને એક લાંબી પ્રકિયાને અંતે આ LRC તૈયાર થશે. દર વર્ષે ત્રણ LRC આપણે બનાવીશું.
કશ્મીરમાં ઉચ્ચ શિક્ષણમાં ખૂબ જ મર્યાદિત સંભાવનાઓ છે અને ત્યાંના વિદ્યાર્થીઓ પ્રમાણમાં વધારે તેજસ્વી છે ત્યારે શું ત્યાંના તેજસ્વી અને જરૂરતમંદ એવા વિદ્યાર્થીઓને ‘ Be my Guest….’. કહીને ગુજરાત બોલાવીને ભણાવી ન શકાય ?! તેમની સઘળી જવાબદારી અહીંની શૈક્ષણિક સંસ્થાઓ લઈ ના શકે ?! આ વાત અમે ગુજરાતની કૉલેજ-યુનિવર્સિટીમાં કરી અને સઘળેથી પ્રેમાળ પ્રતિભાવ મળ્યો અને કશ્મીરથી એન્જિનિયરિંગ, એમ.બી.એ., ફાર્મસી વગેરે કોર્સ માટે વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. અત્યારે 11 વિદ્યાર્થીઓ અલગ-અલગ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાતની આ સારપની સુવાસ કશ્મીરમાં પહોંચાડી રહ્યા છે. કોઈક GTU માં રેન્કર છે તો કોઈ પોતાના પ્રાધ્યાપક સામે મળે છે તો બોલે છે “જય શ્રી કૃષ્ણ, સર. અને અંતે, દર વર્ષે કશ્મીરના શિક્ષકો, શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓને ગુજરાત બોલાવીએ છીએ.
આ સૌ પણ પોતાના ઘરેથી નીકળી ગુજરાત પહોંચે ત્યાં સુધીનો ખર્ચ તેઓ જાતે જ ઉપાડે એવો આપણો આગ્રહ હોય છે અને ગુજરાતમાં આવી પહોંચે ત્યાર પછી એમણે એમનું ખિસ્સું સીવી લેવાનું ! સામાન્ય રીતે ગુજરાતને એ લોકો સંશયથી જુએ છે અને ગુજરાત આવતાં ડરે પણ છે !! પણ એમની આ 15 થી 20 દિવસની ગુજરાત યાત્રામાં તેઓ જુદા-જુદા ક્ષેત્રના પ્રબુદ્ધજનોને મળે છે – સંવાદ કરે છે. IIM – અમદાવાદથી લઈને ધરમપુરના ડુંગરોની શાળાઓમાં જાય છે. આપણી સેવા સંસ્થાઓ – ઈરમા – અમૂલ ડેરી – APMC ઉંઝા નિહાળે છે. કચ્છનું રણ, તો બીજી બાજુ સૌરાષ્ટ્રનો સાગરકિનારો પણ માણે છે અને અંતે ગાંધી આશ્રમમાં બાપુને મળે છે અને ટ્રેનમાં પરત જવા નીકળે છે ત્યારે એક ગ્રુપને વિદાય આપવા પહોંચેલા આપણા સાથીઓ એમને કાગળ (ન્યૂઝપેપર)માંથી બનાવેલી ટોપી પહેરાવે છે અને ફોટો લે છે. આ ફોટો ત્યાંના શિક્ષક મને મોકલે છે અને કેપ્શનમાં લખે છે : ‘Love You Gujarat’
(નોંધ : નવેમ્બર-ડિસેમ્બરમાં વિશ્ર્વગ્રામના સાથી મિત્રો 17 દિવસ માટે કશ્મીરના શોપીયાં-પુલવામા, અનંતનાગ અને બારામુલ્લા જિલ્લામાં કામના સંદર્ભે જઈ આવ્યા, તે પછીનો લેખ.)
વિશ્ર્વગ્રામ. મો.: 9426388234 – તુલા-સંજય