પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય MoEF, દિલ્હીએ ભારતમાં કુલ 553 વન્યજીવ અભયારણ્યોમાંથી 275ની આસપાસ ઈકો સેન્સિટિવ ઝોન બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. આમાંથી 215 ઈકો સેન્સિટિવ ઝોનના ભારતીય રાજપત્ર દ્વારા જાહેરનામાં બહાર પડ્યાં છે, જેમાંનાં 183 કાચા ખરડાના સ્વરૂપે છે. અને 32 અંતિમ ખરડાના સ્વરૂપે છે.
ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો (નેશનલ પાર્ક) અને 23 વન્યજીવ અભયારણ્યો જાહેર કરેલાં છે. તેમાંથી છને ઇકો સેન્સિટિવ ઝોનમાં પરિવર્તન કરવા માટેની મંજૂરી અપાઈ છે, તે નીચે મુજબ છે :
- મરીન વન્યજીવ અભયારણ્ય : બેટ દ્વારાકાથી કચ્છનો દરિયા વિસ્તાર.
- ગિરનાર વન્યજીવ અભયારણ્ય : જૂનાગઢ જિલ્લો.
- નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય : કચ્છ જિલ્લો.
- પૂર્ણા વન્યજીવ અભયારણ્ય – સોનગઢ પાસે, જિ.તાપી.
- વાંસદા વન્યજીવ અભયારણ્ય – વાંસદા. જિ.ડાંગ.
- થોળ વન્યજીવ અભયારણ્ય – કડી પાસે, જિ.ગાંધીનગર.
‘ઇકો સેન્સિટિવ ઝોન’નો ઉદ્દેશ
મોટા ભાગનાં અભયારણ્યો જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલાં છે, જ્યાં ખનીજ સંપત્તિ મોટા જથ્થામાં રહેલી છે. શહેરી સંસ્કૃતિને પોષનારી આ ખનીજ સંપત્તિનું ખનન મોટા માફિયાઓ – રાજકારણીઓની સાંઠગાંઠથી કરતા રહ્યા હતા. આના અંકુશ માટે ‘ઇકો સેન્સિટિવ ઝોન’ રચવાની માંગણી અસ્તિત્વમાં આવી. કારણ કે પર્યાવરણની સાથે સ્થાનિક વસ્તીના જીવનયાપનનો પ્રશ્ર્ન ઉદ્ભવ્યો હતો.
છેલ્લાં દસ વર્ષથી સમગ્ર દેશમાં વિભિન્ન અભયારણ્યોની ફરતે અડીને આવેલા વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની શરૂઆત થઈ. કેટલીક જગ્યાએ ખાણઉદ્યોગને બાકાત રાખીને ઇકો સેન્સિટિવ ઝોનનો વિસ્તાર જાહેર કરાયો. અભયારણ્યની એક તરફ થતા ખનીજ-ખનનને રોકવા ચારે બાજુનાં ગામોને આવરી લેવાતા ઇકો સેન્સિટિવ ઝોનનો હેતુ સરકારે પર્યાવરણની સુરક્ષા માટે પ્રદૂષણ કરનારા ઉદ્યોગોને રોકવા માટેનો બનાવ્યો છે.
પરંતુ ઝીણવટથી દરેક જાહેરનામાનો અભ્યાસ કરીએ તો પર્યટન વિકાસને પ્રભુત્વ અપાયેલું જોવા મળે છે. આ બધા ઈકો સેન્સિટિવ ઝોનમાં સ્થાનિક વસ્તીને અને વન્યજીવના અસ્તિત્વને રક્ષતા કાયદાઓ હયાત હોવા છતાં, તેનો છેદ ઉડાડે તેવાં જાહેરનામાં તૈયાર કરાયાં છે. જોવાની ખૂબી એ છે કે વિભિન્ન વિસ્તારો હોવા છતાં જાહેરનામામાં શહેરીવિકાસ, પ્રવાસન, નગરપાલિકા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને લોકનિર્માણ વિભાગ (પી.ડબલ્યુ.ડી.) ખાતાઓ ખાસ જોડવામાં આવ્યાં છે. આમ કરવાની સરકારની ઇચ્છા શું છે તે જાણવા માટે રાજસ્થાન રાજ્યના આબુપર્વતનો ઝોનલ માસ્ટર પ્લાનનો અભ્યાસ કરવો જરૂરી છે.
ઇકો સેન્સિટિવ ઝોન અને અસરગ્રસ્ત વસ્તી
મોટા ભાગનાં અભયારણ્યો પ્રાકૃતિક સૌંદર્ય સ્થાનો તરીકે પરાપૂર્વથી જાણીતાં થયેલાં તેમજ યાત્રાધામ તરીકે વિકસેલાં હોય છે. હવે યાત્રાધામોને પ્રવાસધામોમાં પરિવર્તિત કરવાની યોજનામાં સ્થાનિક રહેવાસીઓના અભિપ્રાયનું મૂલ્ય શું ? જેઓ અસરગ્રસ્ત થવાનાં છે તેઓને જાણ કર્યા વગર આવા ઇકો સેન્સિટિવ ઝોન રચવા એ કેટલું વાજબી છે ? જંગલો અને પહાડોનાં અભયારણ્યોનો વિસ્તાર, ભારતીય સંવિધાન મુજબ પાંચમી અનુસૂચિમાં મુકાયેલ, આદિવાસી પ્રજાના રક્ષણ માટે છે. ઉપરાંત વનઅધિકાર કાયદો અને નિયમો અને ગ્રામસભાને સ્વાયત્તતા બક્ષતો પંચાયત કાયદો (PESA) તેમના પારંપરિક અધિકારોનું રક્ષણ કરે છે.
સરકારની ઇચ્છા
‘ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામાના અમલથી આ વિસ્તારની પ્રજાને રક્ષણ પૂરું પાડતા અને સક્ષમ બનાવતા કાયદાઓને લૂલા બનાવવામાં આવ્યા છે. સામુદાયિક વન અધિકાર સમિતિ અને ગ્રામસભાની સ્વાયત્તતા નાબૂદ કરવા, ‘ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામામાં 11 વ્યક્તિઓની મોનિટરિંગ કમિટીની ભલામણ મારફત તમામ સત્તા રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તક રાખવામાં આવી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રાકૃતિક સૌંદર્ય- સ્થાનો, પહાડો, જંગલો, ધોધ, ઝરણાઓ, તળાવો પરથી સ્થાનિક લોકોનો હક્ક છીનવવાની યોજનાઓ બનાવાય છે.
જંગલ, ગોચર, ગામનાં ગોચર, પડતર જમીન, ખરાબા વિસ્તારો પર સરકાર જ્યારે અને જ્યાં ઇચ્છે ત્યાં વાડ બનાવી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરે, જેનાથી સ્થાનિક રહેવાસીઓના અધિકારોનું હનન થાય છે. અને જ્યારે તેઓ આ બાબતે વિરોધ કરવા પ્રયાસ કરે ત્યારે તેમને ડરાવવા-ધમકાવવાનું શરૂ થાય છે. એટલું જ નહીં, તેમાં આગેવાની લેનારાઓના પરિવારોને ત્રાસ આપવાનું શરૂ થાય છે.
ભારતીય બંધારણ પ્રાપ્ત નાગરિક અધિકાર આ બધાં જાહેરનામાઓમાં આવનારાં ગામોનાં નામ – ભૂમી વિસ્તારમાં આંકડાનો ઉલ્લેખ છે. પરંતુ, વસ્તી, પશુ-પંખી-વૃક્ષોની સંખ્યાનો ક્યાંય ઉલ્લેખ નથી. નાગરિક અધિકાર કચડી નાંખવાની આ વાત નથી લાગતી? શહેરી પ્રજાની મોજ-મજા માટે પ્રવાસનધામો અને ભોગ સ્થાનિક વસ્તીનો ? કહે છે કે સ્થાનિક વસ્તીને રોજગારી મળશે.
અરે ભાઈ, જે જળ-જંગલ-જમીને પેઢીઓ પોષી તે આવનારી પેઢીઓને નહીં પોષે ? નોકરી તે પણ ગુલામી જ ને ? માલિક મટીને મજૂર કે ગુલામ બનાવનારા આ ‘ઇકો સેન્સિટિવ ઝોન’ અંગે ફેરવિચારણા કરવી જ જોઈએ. ભારતીય બંધારણ પ્રત્યેક માનવના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે છે. તેમાં અધિનિયમો દ્વારા શહેરી સંસ્કૃતિને પોષવાનું ગાંડપણ ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિને કલંકરૂપ બનશે.
– નિસર્ગદાસ