ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર

2020નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોનાં મૉત થયાં. અનેક દેશોનાં અર્થતંત્રોને મોટી અસર થઈ. બેકારી અને ગરીબીમાં વધારો થયો. જો કે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી. મહામારીના પ્રથમ તબક્કામાં એક અંદાજ મુજબ વિશ્ર્વનાં 90 ટકા એટલે કે 1.5 અબજ બાળકો વર્ગખંડના શિક્ષણથી વંચિત રહ્યાં. ઓનલાઈન શિક્ષણની સુવિધા બધાં બાળકો સુધી પહોંચી નથી. દુનિયાનાં 46.3 કરોડ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણની સગવડ નથી. નવેમ્બર 2020 સુધીમાં વિશ્ર્વનાં 60 કરોડ બાળકોને શિક્ષણથી દૂર રહેવું પડ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના એક અભ્યાસ મુજબ મહાનગર અમદાવાદનાં 30 ટકા બાળકો સુધી છેલ્લા નવ મહિનાથી કોઈ પણ પ્રકારનું શિક્ષણ પહોંચ્યું નથી. શાયદ એટલે જ બ્રિટનની સંસ્થા ‘સેવ ધ ચિલ્ડ્રન’ હાલની સ્થિતિને અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટી ગણાવે છે.

એકવીસમી સદીના ત્રીજા દાયકાનો આરંભ થઈ ચૂક્યો છે. દુનિયાના ઘણા દેશોમાં કોવિડ સામે રક્ષણ મેળવવા રસીકરણ પણ થઈ રહ્યું છે. ભય અને દરકાર વચ્ચે માનવજીવન પણ પૂર્વવત્ બની રહ્યું છે. પરંતુ હજુ શાળા-કૉલેજો પહેલાંની જેમ સંપૂર્ણ ધબકતાં થઈ શક્યાં નથી. વિશ્ર્વસ્તરે બાળકોની એક આખી પેઢીનું શિક્ષણ મહિનાઓથી બંધ હોય તેવું માનવ- ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે. અપૂર્વ શૈક્ષણિક કટોકટીના આ માહોલમાં ભારતમાં પહેલાં નવી શિક્ષણ નીતિ આવી અને હવે પોલિસી ઓન સ્કૂલ બેગ-2020ની ઘોષણા થઈ છે.

ભારતમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાાર્થીઓના લલાટે ભણતરનો ભાર લખાયેલો છે. સાવ નીચલા ધોરણમાં ભણતાં બાળકોને પણ આપણે  બેવડ વળી જાય એટલાં ભારેખમ દફતર પીઠ પર લાદીને શાળાએ જતાં જોઈએ છીએ. છ-આઠ કલાકના શાળા શિક્ષણ પછી એટલા જ કલાકનું ગૃહકાર્ય કે પ્રાઈવેટ કોચિંગ એણે કરવાનું હોય છે. આ શારીરિક-માનસિક ભારથી ત્રસ્ત આપણાં બાળકોને બચાવવાં જોઈએ એવું સૌ કોઈ સ્વીકારે છે પણ અમલ ભાગ્યે જ થાય છે. જાણીતા વિજ્ઞાની અને શિક્ષણવિદ પ્રો.યશપાલના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિનો 1993નો  ભાર વિના ભણતર અહેવાલ, ખ્યાતનામ લેખક આર.કે નારાયણનું બાળકો પરના શિક્ષણ બોજ અંગેનું રાજ્યસભામાં અપાયેલું વક્તવ્ય, બિનસરકારી વિધેયક ચિલ્ડ્રન સ્કૂલ બેગ્સ (લિમિટેશન ઓન વેઈટ)  બિલ- 2006, મહારાષ્ટ્ર સરકારની 2015ની ગાઈડલાઈન અને મદ્રાસ હાઈકોર્ટના  29મી મે 2018ના ચુકાદાના અનુસંધાને ભારત સરકારે નવી સ્કૂલ બેગ નીતિ જાહેર કરી છે.

કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે એનસીઈઆરટીના ડિપાર્ટમેન્ટ ઓફ ક્યુરિક્યુલમ સ્ટડિઝનાં વડા રંજના અરોરાના ક્ધવીનર પદે રચેલી સાત  સભ્યોની સમિતિએ નેશનલ કાઉન્સિલ  ઓફ એજ્યુકેશનલ રિસર્ચ  એન્ડ ટ્રેનિંગના સર્વેના આધારે સ્કૂલ બેગ પોલિસી 2020 ઘડી છે. 24મી નવેમ્બર 2020ના ભારત સરકારના  મિનિસ્ટ્રી ઓફ હ્યુમન ડેવલપમેન્ટના અંડર સેક્રેટરીના પત્ર સાથે રાજ્યોને આ નીતિ મોકલવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનકો, દુનિયાના અન્ય દેશોના અનુભવો અને તેમની પ્રવર્તમાન સ્કૂલ બેગ નીતિને અનુસરીને હવેથી ધોરણ 1 થી 12 ના વિદ્યાાર્થીના વજનના 10 ટકા વજનની જ  સ્કૂલબેગ રાખવાની છે..દરેક શાળામાં ડિજિટલ વજન કાંટો રાખીને નિર્ધારિત વજનની જ સ્કૂલ બેગ હોય તેની ખાતરી કરવાની છે.

પ્રકાશકોએ પાઠ્યપુસ્તકોનું વજન છાપવાનું રહેશે. સ્કૂલબેગ વજનદાર ન બની રહે અને બાળકે ઓછાં પુસ્તકો લાવવાં પડે એટલા માટે શાળાએ એક જ વિષયના એકથી વધુ તાસ ભણાવવાના રહે તે પ્રમાણે ટાઈમ ટેબલનું આયોજન કરવાનું રહેશે. બાળકો શાળાની સીડી પૈડાંવાળી સ્કૂલ બેગ લઈને ચઢતાં ઈજાગ્રસ્ત થતાં હોઈ વ્હીલવાળી સ્કૂલબેગ પ્રતિબંધિત કરી છે. દફતરની જેમ  વિધાર્થી પર હોમવર્કનો ભાર ઘટે તે માટે હોમવર્કના કલાકો નિર્ધારિત કરવામાં આવ્યા છે.  ગૃહકાર્ય વિધાર્થીનાં રસ-રુચિને માફક આવે તેવું અને તેના વ્યક્તિત્વને ખીલવે તેવું આપવાનું રહેશે.

એકથી બાર ધોરણના બાળકનું સરેરાશ વજન અને તે પ્રમાણેના તેના દફતરનું વજન સરકારે પોલિસીમાં દર્શાવ્યું છે. પૂર્વ પ્રાથમિકના બાળકનું સરેરાશ વજન 10 થી 16 કિલોગ્રામ હોવાનું જણાવી તેને ‘નો બેગ’ શ્રેણીમાં મૂક્યું છે. ધોરણ 1 અને 2ના બાળકનું વજન 16 થી 22 કિલોગ્રામ  અને તેના દસ ટકા મુજબ દફતરનું વજન  1.6 થી 2.2 કિલોગ્રામ, ધોરણ 3 થી 5ના બાળકનું વજન 17 થી 25 કિ.ગ્રા.અને દફતર 1.7 થી 2.5 કિ.ગ્રા.,  ધોરણ 11-12ના કિશોર વયના વિદ્યાર્થીનું વજન 35 થી 50 કિ.ગ્રા અને  દફતરનું વજન 3.5 થી 5 કિ.ગ્રા. નક્કી કર્યું છે.

પાંચમા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, 2019-20નું તારણ છે કે ઊંચાઈની તુલનાએ ઓછું વજન ધરાવતાં દુનિયાના 4.95 કરોડ બાળકોમાં 2.55 કરોડ ભારતમાં છે. ગુજરાતમાં 5 વરસથી  ઓછી ઉંમરનાં, ઉંમરના પ્રમાણમાં ઓછું વજન ધરાવતાં બાળકોનું પ્રમાણ 39.7 ટકા(ગામડાંમાં 43.5 ટકા) છે. આ સ્થિતિમાં તમામ બાળકોને એક જ લાકડીએ હાંકી દફતરનું વજન નક્કી કરવું કેટલું યોગ્ય છે ? એક જ ધોરણમાં દા.ત. પહેલામાં  કોઈ બાળક 16 કિ.ગ્રા. વજન ધરાવતું હોય તો તેનું દફતર 1.6 કિ.ગ્રા.નું અને તે જ ધોરણના 22 કિ.ગ્રા.વજનના બાળકનું દફતર 2.2 કિ.ગ્રા.નું હોઈ શકશે ?

એક જ વયના અને એક જ ધોરણમાં અભ્યાસ કરતાં પણ જુદી જુદી સામાજિક-આર્થિક સ્થિતિનાં બાળકોનું વજન જુદું જુદું હોય છે. એટલે એક જ ધોરણમાં દફતરનું વજન એકસરખું હશે પણ બાળકનું નહીં હોય ત્યારે આ નિયમનો કઈ રીતે અમલ થશે ? આ સ્થિતિનો સાચો ઉકેલ યશપાલ સમિતિના લર્નિંગ વિધાઉટ બર્ડન રિપોર્ટમાં દર્શાવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, બાળકોને શાળાએ દરરોજ ભારે  દફતર લઈ જવાની ફરજ પાડીને તેમના પર ત્રાસ ગુજારવામાં કોઈ વાજબીપણું નથી. પાઠ્યપુસ્તકોને શાળાની મિલકત ગણવી જોઈએ અને બાળકોને વ્યક્તિગત રીતે પુસ્તકો ખરીદવાની અને રોજ શાળાએથી ઘરે લઈ જવાની જરૂર ન હોવી જોઈએ – તેનો કેમ અમલ થતો નથી ?


તમને આ પણ વાંચવું ગમશે


બાળકોના દફતરના વજનમાં લંચબોક્સ અને વોટર બોટલનો મોટો હિસ્સો છે. 352 શાળાના 3642 વિદ્યાર્થીઓ અને 2992 વાલીઓના સર્વે મુજબ બાળકોના દફતરમાં અનિવાર્યપણે સામેલ પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બાનું સરેરાશ કુલ વજન 400 ગ્રામથી 2 કિ.ગ્રા. છે. એટલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી અને ચા નાસ્તા માટે કેન્ટીનની વ્યવસ્થા કરવાની રહેશે તેમ આ નીતિમાં સરકારે ઠરાવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શાળાઓ ઉપરાંત સવારની માધ્યમિક શાળાઓમાં બાળકો માટે નિ:શુલ્ક નાસ્તાની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરી છે. આ આકર્ષક લાગતી યોજનાઓ સામેની વરવી વાસ્તવિકતા શું સરકાર જાણતી નથી ?

‘રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ની મોજણી તો જણાવે છે કે દેશની 22 ટકા શાળાઓ ર્જીણ મકાનોમાં ચાલે છે, 31 ટકા શાળાઓની ઈમારતોમાં તિરાડો છે, 19 ટકા શાળાઓ રેલવેના પાટા પાસે છે, 43 ટકા બાળકો મધ્યાહ્ન ભોજનની ગુણવત્તાથી સંતુષ્ટ નથી, 51 ટકા શાળાઓમાં દિવ્યાંગ બાળકોને અનુકૂળ સંડાસ નથી. દેશની 98,443 સરકારી પ્રાથમિક શાળાઓમાં એકથી પાંચ ધોરણ વચ્ચે એક જ શિક્ષક છે. 98.8 ટકા શાળાઓ પોતાને ત્યાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હોવાનું એનસીઈઆરટીના સર્વેમાં જણાવે અને એ જ સર્વેમાં 87.2 ટકા બાળકો ઘરેથી પાણી લઈ લાવતાં હોવાનું જણાય તે સ્થિતિમાં બાળકો માટે પીવાના શુદ્ધ પાણીની અને કેન્ટીનની વ્યવસ્થા કરવાની વાત ઠાલું વચન લાગે છે.

સર્વેક્ષણ હેઠળનાં 74.4 ટકા બાળકોને અને 77.7 ટકા વાલીઓને બાળકોનું દફતર ગંભીર સમસ્યા લાગે છે પણ 61.1 ટકા શાળાઓને તેમ લાગતું નથી ! જેમને સ્કૂલ બેગ ગંભીર સમસ્યા લાગે છે તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગ્રત કરવાનું વર્તમાન નીતિમાં જણાવાયું છે. તો જેમને આ સમસ્યા ગંભીર જણાતી નથી તે શાળાઓને મોનિટરિંગની જવાબદારી સરકારે આપી છે. છે ને ચોરના હાથમાં ચાવી થમાવી દેવાનો ઘાટ ?

બાળકોને ભણતરના ભારથી મુક્ત કરવા,  દફતરનો ભાર હળવો કરવા જરૂરી છે કે બાળકોને ઓછાં પાઠ્યપુસ્તકો શાળાએ લાવવાં પડે તે મુજબનું સમયપત્રક ઘડવા આ નીતિમાં શાળાઓને જણાવાયું છે. આ નિયમનો અમલ કરવા માટે શાળાઓએ તેના દૈનિક ટાઈમ ટેબલમાં એક જ વિષયના એકાધિક તાસ  રાખવા પડે. બાળકોને જે રોજિંદી ભણતરની વિવિધતા મળે છે તે આ કારણે ઓછી થશે અને બાળકો જે વિષયમાં નબળા હશે તેના વધુ તાસથી શિક્ષણવિમુખ થશે તે  શક્યતાનો આ સંદર્ભમાં વિચાર કરવો જોઈએ.

સ્કૂલ બેગ નીતિમાં વિવિધ ધોરણમાં વિષયો અને પુસ્તકો  પણ નક્કી કર્યાં છે. સરકારનો આશય વિષયોનું ભારણ ઘટાડી ભણતરના બોજથી બાળકોને આઝાદ કરવાનો છે. પરંતુ પોલિસીમાં ધોરણવાર વિષય અને એનસીઈઆરટીનાં જે પુસ્તકો દર્શાવ્યાં છે તે જોતાં જણાય છે કે ધોરણ 1 થી પમાં 3 વિષય અને 3 પુસ્તકોની સમાન સંખ્યા છે પરંતુ ધોરણ 6 થી 10માં વિષયો તો 6 ભણાવવાના છે પણ બુક્સ તેના કરતાં ઘણી વધારે છે. જેમ કે ધોરણ 6 અને 7માં 10, ધોરણ 8માં 11, ધોરણ 9માં 15 અને ધોરણ 10માં 13 પુસ્તકો છે. વળી ખાનગી પ્રકાશકોની ચિત્રપોથી, પ્રયોગપોથી, નકશાપોથી, આલેખ અને સંદર્ભ પુસ્તકો પણ પ્રતિબંધિત કરાયાં ન હોઈ વિષયોનો બોજ ઘટાડવાથી  પુસ્તકોનો બોજ  ઘટતો નથી. સરવાળે બાળકોને ભણતરના ભારથી મુક્ત કરી શકાશે નહીં.

માબાપ અને વિદ્યાર્થી માટે સૌથી મોટી સમસ્યા શાળા અને ખાનગી કોંચિગ ક્લાસના હોમવર્કનો બોજ છે. ગૃહકાર્યને લીધે બાળકને રમવાનો કે આરામનો સમય ભાગ્યે જ મળે છે. સ્કૂલ બેગ પોલિસીમાં ધોરણ 1 અને 2ના બાળકને કોઈ ગૃહકાર્ય ન આપવાનું, ધોરણ 3 થી 6નાં બાળકોને અઠવાડિયે 2 કલાક, ધોરણ 7-8ને રોજ એક કલાક અને 9 થી 12ને રોજના અધિકતમ 2 કલાકનું હોમવર્ક આપવા જણાવાયું છે. પરંતુ બાળકોના શૈક્ષણિક સત્રમાં 10 દિવસ સ્કૂલ બેગ વિનાના આપવાની જે જોગવાઈ આ નીતિમાં છે તેવી ગૃહકાર્ય વિનાના દિવસની નથી !

બાળકોને મોટેભાગે લેખિત ગૃહકામ આપવામાં આવે છે. તેનું પ્રમાણ ઘટાડીને તેને રચનાત્મક કે સર્જનાત્મક બનાવવાની ભલામણ છે. પોલિસીના પૃષ્ઠ-54 પર શિક્ષકોને  સર્જનાત્મક સ્વાધ્યાય ચીંધતા લખવામાં આવ્યું છે કે ધોરણ 3 થી 5નાં બાળકો કે જેમની વય આશરે 8 થી 10 વરસની હશે તેમને શિક્ષક પૂછશે કે તેમણે ગઈ કાલે શાળા છૂટ્યા પછીની સાંજ કઈ રીતે વિતાવી ? તેઓ સાંજના ભોજનમાં કેટલી વાનગી જમ્યાં ? આ વાનગીઓમાં શું શું નાંખવામાં આવ્યું હતું ? બાળકને જમવામાં શું ગમે છે અને શું નથી ગમતું ? બાળકો ગઈ કાલે રાત્રે કોઈ પાર્ટીમાં ગયાં હતાં કે કેમ ? વગેરે . 

ભારે આર્થિક અસમાનતા ધરાવતા અને ગરીબ તથા નિમ્ન મધ્યમવર્ગની મોટી વસ્તી ધરાવતા દેશમાં શિક્ષકના આવા સવાલો બાળકોની સંવેદનાને હાનિ કરનારા અને શિક્ષકની નિસબતને ડામી દેનારા છે.  વિજ્ઞાન ભણતા ભણતા / ન્યૂટનનું સફરજન પડતું જોઈ/ મને પહેલો વિચાર / એને ખાવાનો આવેલો.  એવી દલિત કવિ નીરવ પટેલની અમર કાવ્યપંક્તિમાં , ન્યૂટનના ગુરુત્વાકર્ષણ કરતાં સફરજનના સ્વાદાકર્ષણમાં જેને વધુ રસ છે એવાં બાળકોની મનોદશા આપણા શિક્ષણનીતિનિર્ધારક પંડિતો શું કદી સમજી શકશે જ નહીં ?

2020ની ન્યૂ એજ્યુકેશન પોલિસીનું ધ્યેય જ્ઞાનઆધારિત સમાજના નિર્માણનું, ન્યાયસંગત અને નિષ્પક્ષ સમાજ રચવાનું, 2030 સુધીમાં સમતામૂલક અને સમાવેશી શિક્ષણ વ્યવસ્થા મારફત સમાનતા નિશ્ર્ચિત કરવાનું છે. પરંતુ સ્કૂલ બેગ નીતિ સામાજિક-આર્થિક અસમાનતાને પોષનારી છે. ‘ભાર વિના ભણતર’ અહેવાલ રજૂ કરતા તત્કાલીન શિક્ષણ મંત્રી જોગ લખેલ 15મી જુલાઈ 1993ના પત્રમાં પ્રો.યશપાલે એ મતલબની નૂકતેચીની કરી હતી કે આપણા શાળાકીય શિક્ષણની સ્થિતિ આપણી સામાજિક વ્યવસ્થાની ઘણી બધી બાબતોને બદલ્યા સિવાય બદલી શકાય તેવી સ્વતંત્ર નથી. 2020ની ‘પોલિસી ઓન સ્કૂલ બેગ’ પ્રવર્તમાન અસમાન શિક્ષણ અને સમાજવ્યવસ્થાને બરકરાર રાખે છે. તે બાળકોના શિક્ષણ પરનો ભૌતિક બોજ થોડો ઓછો કરશે, એથી વિશેષ તેની પાસે કોઈ આશા રાખી શકાય તેમ નથી.

– ચંદુ મહેરિયા


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s