કિસાન આંદોલન કોઈ સામાન્ય ઘટના નથી. તેને માટે વપરાયેલાં વિશેષણો માત્ર બળાપો દર્શાવનારાં સાબિત થયાં છે. ‘ખાલીસ્તાની’, ‘મુઠ્ઠીભર લોકો’, ‘રાજકીય પક્ષોનું કાવતરું’, ‘અણસમજુઓની ચઢવણી’ વગેરેથી માંડી એક અભિનેત્રીએ ‘સો-સો રૂપિયાવાળી સ્ત્રીઓ’ કહીને બેશરમીની તમામ હદો વટાવી દીધી છે ! આ સમગ્ર લડતનાં કારણો, પદ્ધતિ અને એકંદર પરિસ્થિતિ સાથે શાસન, પત્રકારત્વ, અર્થકારણ અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનાં અનેક પાસાં નજરે ચઢે છે. પણ આ બધા ઉપર આવતા પહેલાં થોડોક ઇતિહાસ તપાસીએ.
(1) 1906-07 – પગડી સમાલ જટ્ટા :
1907માં 1857ના ક્રાંતિયુદ્ધને પચાસ વર્ષ થયાં હતાં. અંગ્રેજ સરકારે પોતાના આપખુદ શાસકીય તૉરમાં, તે સમયે પણ ત્રણ કૃષિ કાયદા દાખલ કર્યા હતા. ત્રણનાં નામ હતાં : ‘દોઆબ-બારી એક્ટ,’ ‘પંજાબ લેન્ડ કોલોનાઈઝેશન એક્ટ’ અને ‘લેન્ડ એલિઅનેશન એક્ટ’. આ કાયદાઓ સામે, શહીદવીર ભગતસિંહના કાકા સરદાર અજિતસિંહે એક રેલી કાઢીને આંદોલનનો પ્રારંભ કર્યો. તેમાં સરદાર કિસાનસિંહ, (ભગતસિંહના પિતા) ઘસીટારામ અને સૂફી અંબાપ્રસાદ પણ સામેલ હતા. આ આંદોલન પૂરા નવ મહિના ચાલ્યું. તે સમયે પ્રચલિત બનેલા ગીત ‘પગડી સમાલ જટ્ટા’ના રચયિતા બાંકે દયાલ, જેઓ ‘જંગ સયાલ’ નામના એક અખબારના તંત્રી હતા. આ ગીત આજે પણ એટલું જ ગુંજે છે.
(2) શ્રદ્ધાનંદ સરસ્વતી – 1932 :
‘પગડી સમાલ જટ્ટા’ આંદોલનમાં પીછેહઠ કરવા છતાં બ્રિટિશ સરકારે પોતાની જીદ છોડી નહીં. ફરીથી લગભગ તે જ પ્રકારે જમીન ખૂંચવી લેવા અને ગરીબ તથા શાંત જીવન જીવતા ખેડૂતને હજુ વધુ લૂંટવા અને બેહાલ કરવાના ઈરાદાથી સરકારે માલગુજારીની પદ્ધતિ દ્વારા ‘લગાન’ વધારવાનો પ્રયાસ કર્યો. તે સમયે સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતી મેદાનમાં ઊતર્યા. 1930-32ના અરસામાં તેમણે આ અંગે ગાંધીજી સાથે પણ વિચાર-વિમર્શ કરી જોયા. પરંતુ ગાંધીજીને તેમાં ખાસ રસ ન પડ્યો. અલબત્ત, 1928માં ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ થયો હતો અને વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ બન્યા હતા. પણ તેથી ય પહેલાં, 1918માં ખેડા સત્યાગ્રહ થયો હતો. શ્રદ્ધાનંદનું આંદોલન સારું જોર પકડતું જતું હતું. પરંતુ 1939માં બીજું વિશ્ર્વયુદ્ધ શરૂ થયું. 1941માં હિટલરે રશિયા ઉપર આક્રમણ કર્યું તે સમયે હિટલરને રોકવો કે હરાવવો તે મુખ્ય મુદ્દો બની ગયો. વળી રશિયા, બ્રિટન સાથેનું એક ‘મિત્ર રાજ્ય’ હતું. તેથી અંગ્રેજોની શક્તિ વેડફાય નહીં તે હેતુથી શ્રદ્ધાનંદનું અંગ્રેજો સામેનું આંદોલન ઠંડું પડ્યું.
1907થી 1941ના સાડાત્રણ દાયકામાં પગડી સમાલ, ખેડા, બારડોલી અને શ્રદ્ધાનંદનાં ચાર મોટાં આંદોલનો થયાં. આ બધા જ સમય દરમિયાન – ખરેખર તો વસાહતવાદી અંગ્રેજ સરકારના બર્બરતાપૂર્ણ વ્યવહારના અનેક વ્યક્તિગત અને સામૂહિક અત્યાચારના બનાવો બન્યા. સરદાર પૃથ્વીસિંહ, ભગતસિંહ, જલિયાંવાલા અને ‘કાળા પાણી’ જેવાં કૃત્યો આ શોષક સામ્રાજ્યવાદના કપાળે, ક્યારેય ભૂંસી ન શકાય તે રીતે લખાઈ ગયાં છે.
પણ આટલો બધો ઇતિહાસ કોણ યાદ રાખે ? શા માટે ‘ગઈ ગુજરીનાં દુ:ખ રોતા રહેવું ?’ બિલકુલ સાચું; તો પછી મહંમદ ગઝની, મહંમદ ઘોરી, બાબર, ઔરંગઝેબ કે ટીપુ સુલ્તાનને કેમ યાદ કરાય છે? ઇતિહાસ વિશે એમ કહેવાય છે કે જે લોકો ઇતિહાસમાંથી શીખતા નથી તેમણે ઇતિહાસને ફરીથી જીવવો પડે છે. જુલાઈ 2020થી શરૂ થયેલું હાલનું આંદોલન, નાસિક-મુંબઈની ખેડૂત કૂચ અને તમિલનાડુના ખેડૂતોના, જાત સાથેની ક્રૂરતાનાં દિલ્હી ધરણાં વારંવાર દર્શાવતાં રહ્યાં છે કે ખેડૂતો પારાવાર સંકટમાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ 2017થી દેશમાં રોજના સરાસરી દસ ખેડૂત આપઘાત કરે છે. 2014થી 2020 સુધીમાં લગભગ એક લાખ ખેડૂતોએ આપઘાત કર્યો છે. 1947માં મળેલી સ્વતંત્રતા કોને માટે સાર્થક થઈ ગણાય ?!
સ્વાભાવિકપણે જ સવાલ થવો જોઈએ કે દેશમાં વારંવાર કહેવાતો ‘વિકાસ’ ખરેખર કઈ બલાનું નામ છે ? આ એક અદ્ભુત અને મૂઢ કરી નાંખનારી વૈચારિક છલના છે. આ ‘વિકાસ’ને જનપોેષક ગણવો કે જન-સંહારક કહેવો તે નક્કી કરવાનું કામ વ્યક્તિના પોતાના ચેતાતંત્ર ઉપર આધાર રાખે છે. દેશના બોલકા અને ફાવી ગયેલા વર્ગને એમ લાગે છે કે મોટાં શહેરો, પૂરપાટ દોડતી ગાડીઓ, ફ્લાય ઓવર્સ, વિમાનો, અત્યંત ઝડપથી દોડતી ટ્રેનો, બાગ-બગીચા અને ફુવારા એટલે વિકાસ. બીજી બાજુ, જે સમજવા ઇચ્છે તેમને આ વિકાસ પાછળની હિંસા, પીડા, વેદના અને અસહાયતાનો ભાવ પણ નજરે ચઢે તેમ છે.
થોડીક વિગતો જોઈએ :
- સરકાર જો ટેકાના ભાવનાં ધોરણોનો સખ્તાઈથી અમલ કરે તો ખેતીક્ષેત્રને વર્ષે (આજના ભાવે) વધારાના રૂપિયા ત્રણ લાખ કરોડ મળે.
- બીજી બાજુ ડીઝલ, વીજળી, સિમેન્ટ, ખાતર અને દવાઓ તથા લોખંડ તથા ખેતીમાં વપરાતાં ટ્રેક્ટર, થ્રેશર, ડ્રીલર વગેરે સસ્તાં મળે તો બીજો એટલો જ લાભ ખેતીક્ષેત્ર અને એકંદર ગામડાંને મળે.
- છેલ્લાં દસ વર્ષની આ બંને પ્રકારની રકમ ગણીએ તો લગભગ રૂ. સાઠ લાખ કરોડ વત્તા સાઠ લાખ કરોડ થાય !
હવે આ નાનકડા ગણિતનો તાળો મેળવીએ.
(1) છેલ્લાં દસ વર્ષમાં લગભગ ત્રણેક લાખ ખેડૂતોએ આપઘાત કર્યા. તેમના પરસેવાની કમાઈ સરકારની આર્થિક નીતિઓના કારણે શહેરો ઝૂંટવી ગયાં ત્યારે ને ! ત્રણ લાખ કુટુંબોની બરબાદીની સામે શહેરોની ઝાકઝમાળનો હિસાબ મૂકવો રહ્યો.
(2) શરદ જોશી, રઘુરામ રાજન, નાણાં ભંડોળ, વિશ્ર્વ બેંક અને લગભગ તમામ અર્થશાસ્ત્રીઓ કહે છે કે દેશની જીડીપીમાં ખેતીનો ફાળો માંડ સત્તર-અઢાર ટકા છે. જો ખેડૂતો પાસે માત્ર બે જ વર્ષ ટકી જવા જેટલા પૈસા હોય અને બે જ વર્ષ ખેતીમાં તાળાબંધી કરી દે તો ? અર્થતંત્ર, માનવજીવન, શહેરો અને જીડીપી- બધાંને એમનું મહત્ત્વ સમજાઈ જાય !
- ખેતીક્ષેત્ર માટે જ ચાલતા ઉદ્યોગો બંધ થઈ જશે.
- સેવાક્ષેત્રમાં રોકાયેલા માણસો પૈકી ઘણા બધાની કામગીરી પણ ખેતીક્ષેત્ર સાથે સંકળાયેલી છે. માલ પરિવહન, ડીઝલ પંપ, વીજળી વગેરે જેવાં અનેક ક્ષેત્રોની સેવા ખેતીક્ષેત્ર દ્વારા ટકી શકે છે.
ખેતી ક્ષેત્રમાં સત્તાવન ટકા વસતી હોવા છતાં માત્ર સત્તર ટકા જીડીપી પેદા કરે છે એવી દલીલ કેટલું વજૂદ ધરાવે છે તે સમજવા જેવું છે. વિકાસની એક પરિભાષા મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્રના દબદબામાં વધારો કરવા રૂપે રજૂ થાય છે. નવી આર્થિક નીતિ (1991) તથા નવ્ય મૂડીવાદ (1978) દ્વારા એક અતિ જોખમી વૈચારિક માયાજાળ ગૂંથવામાં આવી છે. (આધુનિક મૂડીવાદની કલ્પના અને વાસ્તવિકતાની ચર્ચા એક અલગ લેખમાં કરીશું.) આ માયાજાળ એમ કહે છે કે બજાર દ્વારા રચાઈ જતા નિર્ણયો વડે જ અર્થતંત્ર કાર્યક્ષમ રીતે ચાલી શકે. આ વિચારની સામે વાસ્તવિક જગતના અનુભવો ઉપરથી માકર્સે શોષણ અને અસમાનતાનો મુદ્દો ઊભો કર્યો. પણ મૂડીવાદી માયાજાળ પછી પોતાના બચાવમાં એક નવો ‘ઝમણનો સિદ્ધાંત’ (પરકોલેશન થિયરી) લઈને આવ્યો. આ સિદ્ધાંત એમ કહે છે કે ધનકુબેરો જે ખર્ચ કરશે તેનો લાભ તો, વરસાદના પાણીની જેમ ઝમી ઝમીને હેઠે સુધી પહોંચશે.
રૂ. 700 કરોડ ખર્ચીને લગ્ન કરાવાય તો રસોઈયા, શાક સમારનાર, તપેલાં માંજનાર, હાર-તોરા બનાવનારથી માંડી, એનાઉન્સર કે પીરસણીયા તરીકે કામ કરતા ‘સુપર સ્ટાર’ સુધી આ ઝમણ પહોંચશે. આ બધા પણ વળી ખર્ચા કરશે અને તે રીતે ગાડું ગબડતું રહેશે. મૂડીવાદ આ પ્રકારનાં સંશોધનો અને વિચારશૃંખલાઓ રચીને, તેને માફક આવે તેવાં સંશોધનોને પ્રોત્સાહન અને પ્રચારનો ટેકો પૂરો પાડીને જગત ઉપર છવાઈ ગયો છે. આ સમગ્ર માયાજાળમાં નાણાંભંડોળ અને વિશ્ર્વબેંક મોખરે રહ્યાં છે. 1978થી પ્રારંભાયેલા નવા મૂડીવાદ માટે અમેરિકાની શિકાગો યુનિવર્સિટી અને તેના પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેનનાં નામ મોખરે રહ્યાં છે. વિવિધ દેશોમાં ભણવા આવેલાં વિદ્યાર્થીઓને આ ‘શિકાગો મઠ’માં મૂડીવાદી વિચારના તર્કથી પ્રભાવિત કરવામાં આવ્યા. તે પૈકી ઘણાં નાણાંભંડોળ અને વિશ્ર્વબેંક જેવી વિશ્ર્વ-પ્રભાવક સંસ્થાઓમાં મહત્ત્વના સ્થળે પહોંચ્યાં અને પછી આ મતનો પ્રભાવ વધતો જ ચાલ્યો.
આ મૂડીવાદી વિચારની સામે ‘રાજ્યનો હસ્તક્ષેપ’, સબસિડી અને ગરીબ તરફી નીતિઓ ધરાવનાર સમાજવાદ – ‘નહેરુનો સમાજવાદ’ ખોટો હતો એવું આ નૂતન પંડિતોએ ઢોલત્રાંસા વગાડીને કહ્યે રાખ્યું. નહેરુના સમાજવાદની કીમત જ્યારે સમજાય ત્યારે ખરી; પણ હાલ તો સૌથી વિકટ પ્રશ્ર્ન રાજ્ય અને કોર્પોરેટ જગતના મેળાપીપણાનો છે. એ મેળાપીપણાના અનેક દાખલા છેલ્લાં છ વર્ષના શાસનમાંથી સાંપડે છે; તેની સંપૂર્ણ યાદી બનાવી શકાય તેમ છે; પરંતુ માત્ર નમૂના દાખલ થોડાક ઉપર નજર કરીએ.
- લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, સૌરભ ચોક્સી સહિત ઘણાએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લાખો-કરોડોનું દેવું કર્યું, દેશ છોડીને નાસી ગયા, (માલ્યા તો જતાં પહેલાં પાર્લામેન્ટમાં આવી નાણાં પ્રધાન અરૂણ જેટલીને મળીને ગયા !) અને હજુ તે પૈકી કોઈને ય પાછા લવાયા નથી.
- તાતાની નેનો કાર કોઈક મોટી ક્રાંતિકારી પહેલ છે એમ કહી, ગુજરાતમાં પૂરી સુવિધા સાથેની વિશાળ જમીન અપાઈ અને ઉપરથી રાજ્ય તરફથી રૂ. 30,000 કરોડ જેવી માતબર રકમ અત્યંત નજીવા વ્યાજદરે અપાઈ.
- હિંદુસ્તાન એરોનોટિકસ જેવી અનુભવી અને વિખ્યાત કંપનીના કર્મચારીઓના પગાર કરવાનાં ફાંફાં છે પણ રાફેલ વિમાન બનાવવાનું કામ અનિલ અંબાણીની નવજાત કંપનીને સોંપાયું.
આ પણ ખાનગીકરણ અને મૂડીવાદ જ ને ! કિસાન આંદોલનની પાછળના વ્યાપક ચિત્રને સમજવા માટે માત્ર ખાનગીકરણ, બજારનું મહત્ત્વ અને ઉપયોગિતા, આર્થિક કાર્યક્ષમતા, રાજ્યના હસ્તક્ષેપનો ખાત્મો, સબસિડીનું સામ્રાજ્ય બંધ કરવું – વગેરે જેવા શબ્દ ખોખલા સાવ બોદા અને છેતરપિંડીની બદબૂ ધરાવનારા બની રહે છે. આ સમગ્ર વાતાવરણ અચાનક અને જુલાઈ 2020માં જ સર્જાયું છે તેવું નથી. 1950થી આજદિન સુધી ખેડૂતના ભાગે મજૂરી, દયાપાત્રતા અને ઓશિયાળું જીવન, અપમાન અને અવહેલના, ગરીબી અને અભાવનું વાતાવરણ સતત અને નિર્મમ રીતે જાળવી રખાયું છે. 1950 અને 2020 વચ્ચે ખેડૂત મજૂરોની સંખ્યા ખેડૂતોની સંખ્યાના સાપેક્ષમાં બમણાથી વધીને નવ ગણી થઈ ગઈ છે. ખેતરો નાનાં થતાં ગયાં છે, તાજેતરનો કૃષિ સેન્સસ જણાવે છે તેમ લગભગ પંચ્યાશી ટકા ખેડૂતો નાના અને સીમાંત કક્ષાના છે.
સામે પક્ષે ખેતીના આધારે માલામાલ થતા ઉદ્યોગોની સ્થિતિ ઉપર પણ નજર નાખવા જેવી છે. દેશમાં દર વર્ષે લગભગ આઠ લાખ ટ્રેક્ટર વેચાય છે. ખાતર, જંતુનાશક દવાઓ, થ્રેશર, પાઈપો, ડ્રીલિંગ મશીનો, બિયારણ વગેરે અનેક યંત્રો કે સામગ્રીના ઉત્પાદન અને વેપારનો આધાર આ જ ‘ગરીબડી’ અને ‘પછાત’ ખેતી છે.
થોડીક વિગતો નાંધીએ :
- 1980માં ખાતર (મુખ્યત્વે યુરિયા)નો વપરાશ ત્રીસ લાખ ટન હતો તે 2020માં 336 લાખ ટને પહોંચ્યો છે.
- 1950માં વીસ હેક્ટર કે તેથી વધુ જમીનધારકોનું પ્રમાણ કુલ ખેડૂતોમાં 4.9 ટકા હતું. આજે તે પ્રમાણ 0.86 ટકા છે.
- આઝાદી પહેલાંનાં લગભગ પચાસ વર્ષ (1900-1947) ખેતીનો વૃદ્ધિદર 0.5 ટકા હતો. તે પછીના સાત દાયકાની સરાસરી બે ટકા રહી છે.
- આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જીડીપી લગભગ ચોવીસ ટકા ઘટ્યો ત્યારે ખેડૂતોએ કોરોનાની પરવા કર્યા વગર ખેતી કરી અને તે જ ત્રિમાસિક ગાળામાં 3.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો.
- 2008ની વિશ્ર્વમંદીમાં અને કોરોનાના પીડાદાયક પલાયન-કાળમાં ખેતીએ જ કરોડો લોકોને જીવતા રાખ્યા છે.
- માત્ર બિયારણનો વેપાર, 2014-15 અને 2018-19 વચ્ચે રૂ. 20,000 કરોડથી વધીને રૂ. 40,000 કરોડ થયો છે.
- દર વર્ષે ક્રશર, થ્રેશર વગેરેની ખેતીક્ષેત્ર દ્વારા થતી ખરીદી લગભગ એંશી હજાર કરોડ રૂપિયાની છે.
ઓછી જીડીપી, ગરીબો અને સબસિડી ‘મફતનું બંધ કરો’, વગેરે વિશે ગળા ફાડીને સૈદ્ધાંતિક મૂડીવાદની ચર્ચા કરનારાઓએ ક્યારેક વાસ્તવિકતા પણ સમજવી રહી.
– રોહિત શુકલ