34 વર્ષે જૂની શિક્ષણનીતિને બાજુએ મૂકીને હવે નવી શિક્ષણ- નીતિને અમલમાં લાવવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે. દેશ આખાનાં આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રોમાં ખાનગીકરણનું આધિપત્ય છે, તે હવે શિક્ષણક્ષેત્રમાં પણ વધુ ને વધુ પગપેસારો કરતું જાય છે. આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી 50,000 સંસ્થાઓ છે. તેમાં 3 કરોડ, 50 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. સમાનતાની વાતો ભલે થતી રહે, હકીકત એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ.આઈ.ટી.માંથી 2400 વિદ્યાર્થીઓ ખરી પડ્યાં તેમાંનાં લગભગ અડધોઅડધ વિદ્યાર્થીઓ દલિત તેમજ આદિવાસી હતાં. શ્રી હંસરાજ ગંગારામ આહિર જેઓ કેન્દ્રીય મંત્રી છે, તેમણે આપેલ માહિતી મુજબ 2014-16નાં બે વર્ષ દરમ્યાન 26,500 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ અંગે અભ્યાસ કરવા માટે રચાયેલા થોરાટ કમિશનના અહેવાલ પ્રમાણે દલિત તેમજ આદિવાસી વિદ્યાર્થીઓની આત્મહત્યા કરવાની સંખ્યા પ્રતિ વર્ષ વધી રહી છે. પરંતુ આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
છેલ્લે રોહિત વેમુલાની આત્મહત્યાનો કિસ્સો બહુ ચર્ચિત બન્યો ખરો પરંતુ તે પછી પણ નીતિગત ફેરફારો કરવામાં આવ્યા નહીં. દુર્ભાગ્યે આ નવી નીતિમાં પણ આવા ત્રણ મુદ્દાઓ અંગે મૌન જ સેવાયું છે. હકીકત તો એ છે કે સ્વકેન્દ્રી અને જ્ઞાતિ પ્રત્યે વફાદાર એવા સંકુચિત માનસવાળા યુવકો તૈયાર કરવાનું કામ જ આજનું શિક્ષણ કરી રહ્યું છે. તેમનામાં વ્યાપક રાષ્ટ્રીય સમાજ પ્રત્યેની વફાદારી કેળવવાનું છોડી જ દેવાયું છે. પ્રતિ વર્ષ ગટર સાફ કરવામાં 600 લોકો મૃત્યુ પામે છે. આવી ગંભીર ઘટનાઓ અંગે કોઈ નીતિ ઘડનારાઓનું ધ્યાન જ જતું નથી. આ શ્રેષ્ઠ ગણાતી આઈ.આઈ.ટી. જેવી સંસ્થાઓમાં આવા કોઈ પ્રશ્ર્નો પર ગંભીરતાથી વિચારવાનું થતું નથી. અને જે લોકો પાયાનાં કામો, સફાઈનાં કામો કરે છે તેમની એક રીતે હત્યા થાય છે, તેને અંગે પણ કોઈ સંવેદનશીલતા જણાતી નથી.
આખી વ્યવસ્થાની રચના જ એવી છે કે જાતિકેન્દ્રી અભિગમ સજ્જડપણે પકડી રાખવામાં આવ્યો છે. કૉલેજો, હૉસ્ટેલો, શાળાઓનાં નામ જુઓ – વૈશ્ય કૉલેજ, રાજપૂત હોસ્ટેલ, રેડ્ડી શાળા, પટેલ છાત્રાલય વગેરે. આવી નામધારી શાળા-કૉલેજોમાં ઊછરનારાં બાળકો પોતાની કોમનાં હિતોનું રક્ષણ કરવામાં જોતરાય એમાં શી નવાઈ ? શિક્ષણમાત્રનો મુખ્ય ઉદ્દેશ માનવતાના ગુણો કેળવવાનો અને દેશના તમામ નાગરિકો પ્રત્યે સદ્ભાવના કેળવવાનો અને તેમનાં સુખદુ:ખમાં ભાગીદાર થવાનો છે. આ ઉપરાંત, કોઈને પણ વિશેષાધિકાર કે ઊંચા ગણવાના વિચારોમાંથી મુક્ત થઈ સમાનતાની ભૂમિકા સમાજમાં સ્થાપિત કરવાનો છે. નવી શિક્ષણનીતિ આ બધી બાબતોનો ઉલ્લેખ જરૂર કરે છે પરંતુ તેને માટે કોઈપણ માળખાગત ફેરફારોની વાત ક્યાંય દેખાતી નથી.
ઓક્સફામ (ઘડ્ઢરફળ)એ તૈયાર કરેલ અહેવાલ પ્રમાણે જે 60 લાખ બાળકો દર વર્ષે શાળાઓમાંથી ખરી પડે છે, તેમાંનાં 75% બાળકો હાંસિયામાં મુકાયેલી કોમોનાં હોય છે. (32.4% દલિત, 25.7% મુસ્લિમ, 16.4% આદિવાસી). કેરળ, પંજાબ અને સિક્કીમ એ ત્રણ રાજ્યોને બાદ કરતાં બધાં રાજ્યોની ગ્રામીણ શાળાઓ નિમ્ન કક્ષાની હોય છે. મધ્યાહ્ન ભોજન યોજના દ્વારા દરરોજ 12 કરોડ બાળકોને ભોજન આપવામાં આવે છે. ઉત્તરપ્રદેશની એક ગ્રામીણ શાળાનું મેં ઊંડાણથી અવલોકન કર્યું. બાળકો ઘેરથી સ્ટીલની થાળીઓ લઈને જાય છે. જમીન પર બેસીને તેમણે ભોજન લેવાનું હોય છે. ભોજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. બાળકો વધુ ભોજનની માંગણી કરે તો પણ તેમને બીજી વાર પીરસવામાં આવતું નથી. બાળકો બિચારાં થાળી ચાટીને ઊભાં થઈ જાય છે. ભોજન રાંધવાવાળા જો કહેવાતી નીચલી કોમના હોય તો ‘ઉપલાવર્ગ’નાં બાળકો ભોજનનો તિરસ્કાર કરે છે.
તમને આ પણ વાંચવું ગમશે
નવી નીતિ એવું વિધાન કરે છે કે સંસ્થાઓને તજ્જ્ઞો, કૉલેજના પ્રાધ્યાપકો તેમજ શિક્ષણપ્રક્રિયામાં ઇચ્છિત છૂટછાટ લેવાનો અવકાશ આપવામાં આવ્યો છે. હકીકતમાં તો આ નીતિ દ્વારા આવું બૌદ્ધિક સ્વાતંત્ર્ય જોખમમાં નાંખવામાં આવ્યું છે. નવી નીતિમાં આ શૈક્ષણિક સ્વાતંત્ર્યની સંપૂર્ણપણે બાદબાકી જ થયેલી જોવા મળે છે. વિવેકકુમાર, ઘનશ્યામ શાહ, રોમિલા થાપર, એમ.એન.પાનીની, નિવેદિતા મેનન, સતીષ પાંડે જેવા પ્રખ્યાત બુદ્ધિજીવીઓ જેમાં ભાગ લેવાનાં હતાં તેવા લગભગ 300 જેટલા કાર્યક્રમો રદ કરી દેવાયા અથવા તેમાં ખલેલ પહોંચાડવામાં આવી, કારણ કે આ શ્રેષ્ઠિઓ જ્ઞાતિભેદના વિરોધમાં પોતાના વિચાર રજૂ કરતાં રહ્યાં છે.
નવી શિક્ષણનીતિ દ્વારા સરકાર નવી શોધો, પ્રયોગો, વૈવિધ્ય દ્વારા મુક્ત વિવેચન કે ટીકાઓ કરવાનો અવકાશ સૌને માટે પૂરો પાડશે એવું કહેવાયું છે. પરંતુ મજાની વાત તો એ છે કે સામાજિક ચળવળો, સમવાય તંત્રની વ્યવસ્થા, નાગરિકતા, રાષ્ટ્રીયતા, ધર્મ નિરપેક્ષતા વગેરે બાબતોની 11મા ધોરણના અભ્યાસક્રમમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. પોલિટિકલ સાયન્સનાં પાઠ્યપુસ્તકોમાંથી પણ આ મુદ્દાઓની બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને ‘નીચલી જાતિ’ના સમાજસુધારકોનાં નામ પણ આ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાંખવામાં આવ્યાં છે.
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાનો મહત્ત્વાકાંક્ષી વિચાર નવી શિક્ષણનીતિમાં મૂકવામાં આવ્યો છે. આમ તો આ વિચાર સારો છે. પરંતુ, હકીકતમાં આ બાબત ગામડાની શાળાઓ અને શહેરની શાળાઓ વચ્ચેની ખાઈને વધુ પહોળી બનાવશે. હિંદી, અંગ્રેજી, હીંગ્લીશ જેવા માધ્યમમાં ચાલતી શાળાઓને કારણે આજ સુધી હાંસિયામાં રહેલાં લોકોનાં બાળકોને નુકસાન જ થયું છે. માત્ર વાતો થાય છે. પરંતુ જરૂરી માળખાગત સુધારા કરવામાં આવતા નથી. અલબત્ત, સાચો માનવતાવાદ અને જીવનોપયોગી અભિગમ કેળવવો એ કંઈ ખાવાના ખેલ નથી. માત્ર ચંદ્ર સામે જોયા કરવાથી કશું નહીં વળે, ઊલટું, તેને કારણે ધરતી પરના જે ખાડાઓ છે તે પણ નજરઅંદાજ કરી દેવાય છે.
– ગૌરવ પથાનિયા
(લેખક જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી, વોશિંગ્ટનના પ્રાધ્યાપક છે. ઇન્ડિયન એક્સપ્રેસમાંથી અનુવાદિત)