સીરિયામાં આશાનાં બીજનાં અંકુર

સીરિયાનું નામ સાંભળતાં જ આપણા મનમાં હિંસા, યુદ્ધ અને શરણાર્થીઓ જેવી બાબતોનો વિચાર આવે છે. 2011માં શરૂ થયેલ અસદ સરકારના 50 વર્ષીય સરમુખત્યારશાહી શાસન વિરુદ્ધ ઊઠેલા બળવા બાદ સીરિયાને આજે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અખાડો બનાવી દેવામાં આવ્યું છે. આ ગૃહયુદ્ધમાં પાંચ લાખથી વધુ લોકોનાં મૉત થયાં છે, તો એક કરોડથી વધુ લોકો શરણાર્થીઓ બન્યાં અથવા વિસ્થાપિત થયાં છે. જેમાંથી અડધી સંખ્યા બાળકોની છે. આ બધાની વચ્ચે, સીરિયાના લોકો તેમના સ્વાભિમાન અને સ્વશાસન માટે લડત આપવા માટે તત્પર છે. આની સાથે જ જોડાયેલી છે, ફિફ્ટીન્થ ગાર્ડન નેટવર્કની વાર્તા – જે ભૂખ અને હિંસા વચ્ચે આશા, સમ્માન અને આત્મનિર્ભરતાનાં બીજ વાવવાની વાત લઈને આવે છે.

– સંપાદક

સીરિયન લોકક્રાંતિની શરૂઆત

2010માં અરબ દેશોમાં તાનાશાહી અને ભ્રષ્ટ સરકારો સામે જાહેરમાં બળવાઓ શરૂ થયા. લગભગ આ જ સમયમાં  વર્ષ 2011માં સીરિયાના  દક્ષિણમાં આવેલા દર્રા શહેરમાં બશર અલ-અસદ(રાષ્ટ્રપતિ) વિરુદ્ધ શરૂ થયેલાં જાહેર પ્રદર્શનો,  તુરંત દામાસ્કસ, અલેપ્પો, યરમૂક, ઘૌટા વગેરે શહેરોમાં પણ ફેલાયાં. આ વિરોધ પ્રદર્શનમાં સવા કરોડની વસ્તીવાળા આ દેશમાંથી આશરે ચાળીસ લાખ લોકોએ ભાગ લીધો હતો.

સીરિયામાં મોટી વસ્તી ઘઉં અને કપાસની ખેતી પર આધારિત જીવન ગુજારે. જે લાંબા સમયથી પડેલા દુષ્કાળને કારણે પહેલેથી જ ત્રસ્ત હતી. 2008ની આંતરરાષ્ટ્રીય આર્થિક મંદીને પરિણામે વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને કારણે લોકોની સ્થિતિ વધુ વણસી. દેશના 65 ટકા યુવાઓમાં બેરોજગારી વધી હોવાને કારણે બેચેની વધી હતી. પોતાના પિતા હાફિઝ અલ-અસદના 29 વર્ષના શાસન પછી બશર અલ-અસદ 2010 માં રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે લોકોની ધીરજ ખૂટી. સરકાર વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ થયાં. પરંતુ દેશના સુન્ની, અલવી, કુર્દિશ સમુદાયો વચ્ચેના અગાઉથી ચાલી આવેલા રાજકીય વિવાદોને કારણે તેમજ પડોશી દેશોની દખલગીરી  અને વિરોધી પક્ષોની મદદથી તે તરત જ હિંસક વિદ્રોહમાં ફેરવાઈ ગયાં.

આ પછી, ઇસ્લામિક સ્ટેટ(ISIS)ના  ઉદ્ભવને કારણે યુરોપિયન યુનિયન, સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, ચીન, ઈરાન, સંયુક્ત રાષ્ટ્ર વગેરે તેમાં જોડાતાં, સીરિયા આજે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અખાડો બની ગયું છે. ત્યાંના લોકો દર દર ઠોકર ખાવા મજબૂર બન્યા છે. તેમને બળજબરીથી આંતરરાષ્ટ્રીય સહાય અને રાહત સામગ્રી પર આધારિત જીવન જીવવું પડે છે. આ બધાં વચ્ચે સીરિયન લોકો યુદ્ધના અંતની રાહ જોઈ રહ્યાં છે.

સીરિયા પર એક નજર

સીરિયા એ જોર્ડન, ઇઝરાઇલ, ઇરાક, તુર્કી અને લેબનોન સાથે સરહદ ધરાવતો મધ્ય-પૂર્વ એશિયાનો દેશ છે. જ્યાં હંમેશાં આ વિસ્તારના અન્ય રાષ્ટ્રોની જેમ જ રાજકીય ઊથલપાથલ ચાલતી આવી છે. જોકે 18 મી અને 19 મી સદીમાં સીરિયા, ઓટ્મન સામ્રાજ્યનો ભાગ હતું.  તે સમયે સીરિયા ઘણા સમુદાયોનું આશ્રયસ્થાન બન્યું અને માટે જ વિવિધતાનું પ્રતીક રહ્યું. પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી જ્યારે ઓટ્મન સામ્રાજ્યનું પતન થયું ત્યારે યુરોપિયન સૈન્યએ અલગ અલગ ભાગો કબજે કર્યા, જેમાં લેબનાન અને સીરિયા પર ફ્રાંસનું શાસન રહ્યું. બીજા વિશ્ર્વયુદ્ધ પછી 1945માં સીરિયાએ ફ્રાંસ પાસેથી સ્વતંત્રતા મેળવી.

વિસ્થાપિતોનું શહેર …….જોર્ડન સરહદ પાસે

ફ્રાંસે પોતાના સંસ્થાનવાદી શાસનને ચાલુ રાખવા માટે સીરિયન સમાજ અને દેશને ધાર્મિક તેમજ સામુદાયિક ઓળખના આધારે વિભાજિત કરવાના પ્રયત્નો કર્યા. અને તેમને એકબીજા સામે ભડકાવ્યા તથા એકબીજા સામે લડાવ્યા. 1945માં સ્વતંત્ર થયા પછીનાં થોડાં વર્ષોની રાજકીય અસ્થિરતાના પગલે આરબ દેશોમાં પ્રભાવી એવા આરબ રાષ્ટ્રવાદની અસર હેઠળ સીરિયામાં બાથ પાર્ટીનો ઉદય થયો, જેણે 1963માં સૈન્યની મદદથી સત્તા ઉપર કબજો મેળવ્યો.

આ પ્રદેશની અન્ય સરકારોની જેમ, તેઓ પણ કુર્દ સમુદાયને બિન-આરબ સમુદાયના માનતા હતા. જેના કારણે હંમેશાં પૂર્વોત્તરના કુર્દ સમુદાય સાથે રાજકીય મતભેદો રહ્યા. સામે કુર્દ સમુદાય દ્વારા સ્વાયત્તતાની માંગ કરવામાં આવી. કુર્દિશ લોકો તુર્કી, ઇરાક અને સીરિયા એમ ત્રણ દેશોમાં ફેલાયેલા છે અને નવા કુર્દીસ્તાનની માંગ માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે.

અસદ સરકારની નાકાબંધી અને ભૂખમરો

2011માં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન અને વિરોધી વિસ્તારો પર કબજો કરવા માટે, અસદ સરકારે એક કડક નાકાબંધી અને હવાઈ હુમલાની વ્યૂહરચના અપનાવી. જેમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારો અને શહેરોની બહારનાં સ્થળોએ નાકાબંધી કરવી અને ત્યાંથી પસાર થતા લોકો અને માલસામાનની સખત તપાસ કરવામાં આવતી. સુરક્ષાના હેતુથી શરૂ કરાયેલી આ નાકાબંધી ધીરે ધીરે સામાજિક અને રાજકીય નિયંત્રણમાં ફેરવાઈ ગઈ.

સીરિયન સરકારે આ નાકાબંધી દ્વારા માત્ર લોકોની અવરજવર પર પ્રતિબંધ ન મૂકતાં લોકોની દૈનિક આવશ્યક ચીજો પર પણ પ્રતિબંધ મૂક્યો. જેના કારણે લોકોને ભયંકર ભૂખમરો વેઠવો પડ્યો. હવાઈ હુમલામાં ઘાયલ થયેલા લોકોને આરોગ્ય સેવાઓનો અભાવ હોવાને કારણે ઘણી મુશ્કેલીઓ પડી અને તેને કારણે ઘણાં લોકોનાં મૃત્યુ થયાં. આ નાકાબંધીનું મોડેલ બાદમાં ત્યાંના વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં વિદ્રોહીઓ દ્વારા પણ લાગુ કરવામાં આવ્યું. ‘સીઝવાચ’ સંસ્થાના અહેવાલ મુજબ, 2016માં એક સમયે સીરિયામાં 9 લાખ લોકો જુદા જુદા વિસ્તારોમાં નાકાબંધીમાં હતા. 2017 માં, યુએસ અને સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (એસડીએફ)એ અસદ શાસનના આ નાકાબંધીના મોડેલનો ઉપયોગ ઉત્તર-પૂર્વ શહેર અર-રાકાને ઘેરીને કર્યો, જેના પરિણામે સમગ્ર શહેરનો સફાયો થયો.

નાકાબંધી સામે સ્વશાસન પરિષદની રચના

આ નાકાબંધીએ લોકોને નવી રીતો-ઉપાયો શોધવાની ફરજ પાડી હતી. 2011-12નાં પ્રારંભિક વર્ષો દરમિયાન, જ્યારે વિરોધી પક્ષોએ અચાનક ઘણા વિસ્તારો પર કબજો કર્યો ત્યારે લોકોને સમજાઈ ગયું કે હવે સરકારનું તેમને કોઈ પીઠબળ નથી. આ બધા વચ્ચે જો એક બાજુ મૂળભૂત સુવિધાઓ ચાલુ રાખવી હોય અને બીજી બાજુ નાકાબંધીને કારણે ઊભા થયેલા ભૂખમરા સામે લડત આપવી હોય તો સ્વશાસનની કેટલીક રીતો તુરંત જ નક્કી કરવી પડશે.

સ્થાનિક સ્વ-શાસનનું આવું કોઈ મોડેલ તો હતું નહીં, જે બધે લાગુ પાડી શકાય. આથી જુદા જુદા વિસ્તારોમાં સ્વ-સંગઠન અને સ્વ-શાસનની પોતાની આગવી વ્યવસ્થાઓ ઊભી થઈ. જેમ કે પૂર્વ ઘૌટા અને એલેપ્પોના ગ્રામજનોએ પસંદગી કરીને સ્થાનિક પરિષદ બનાવી. એલેપ્પોનાં ગામડાંના વિસ્તારમાં પ્રભાવશાળી પરિવારોની એક પરિષદ રચવામાં આવી. પરિષદની રચના તો લોકોએ કરી, પરંતુ પછીથી સશસ્ત્ર વિરોધી પક્ષો દ્વારા તેમના ઉપર કબજો કરવામાં આવ્યો હતો. આવું જ સીરિયાનાં જાણીતાં શહેરો ઇદલિબ અથવા યરમૂકમાં પણ બન્યું. ત્યાં 12 સામાજિક અને સામુદાયિક સંગઠનોએ ભેગાં મળીને સ્થાનિક પરિષદોની રચના કરી. આપણે જો વર્ષ 2012થી જોઈએ તો, તે સમયે સીરિયન સમાજમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં આવા ઘણા સામાજિક અને રાજકીય પ્રયોગો થયા છે.

સીરિયન ચિંતક ઉમર અઝીઝ માને છે કે આવા પ્રયોગો જ સીરિયન સમાજની કેન્દ્રિય રાજ્ય વ્યવસ્થાને તોડવામાં સફળ થશે અને તેને માટે અહીંનાં સમાજિક અને રાજકીય માળખાંને પાયામાંથી બદલવાં જરૂરી છે.

ફિફ્ટીન્થ ગાર્ડન નેટવર્ક

આ બધા પ્રયત્નોમાંથી ફિફ્ટીન્થ ગાર્ડન નેટવર્કનો ઉદય થયો. જ્યારે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે સરકાર નાકાબંધી કરીને ભૂખમરાની સ્થિતિનું નિર્માણ કરવા માંગે છે. ત્યારે અલગ-અલગ પ્રદેશોને પોતાને જરૂરી સીધુંસામાન મેળવવાની વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત અનુભવાઈ. 2011 પહેલાં આ જરૂરિયાત ઊભી થઈ ન હતી કારણ કે, સીરિયાની 40 ટકા વસ્તી હજી પણ ખેતી પર આધારિત છે અને શાસક પક્ષે ગ્રામ્ય વિસ્તારોને પોતાની સાથે રાખવા હંમેશાં કેન્દ્રિય સિંચાઈ પ્રણાલીનો વિસ્તાર કર્યો. પરંતુ એંશીના દાયકામાં થયેલી હરિતક્રાંતિને પરિણામે ઘઉં અને કપાસના ઉત્પાદનને બજાર-વ્યવસ્થા સાથે જોડીને આધુનિક ખેતીના નામે નવાં બિયારણ,  ખાતરો અને રસાયણો પર ભારે અવલંબન રાખવાનું શરૂ થયું. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટની અસર તેમના જીવન પર પડવા લાગી, જમીનની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો અને ખેડૂતોએ પરંપરાગત બીજ ગુમાવ્યાં.


તમને આ પણ વાંચવું ગમશે


બિયારણ લાવવાં ક્યાંથી ?

તેથી જ  જ્યારે લોકોએ 2012-13ના વર્ષમાં નાકાબંધી દરમિયાન પોતાના વિસ્તારમાં ખેતીની શરૂઆત કરવાનું વિચાર્યું ત્યારે તેમની સામે સૌથી મોટી સમસ્યા એ આવી કે બિયારણ, ખાતર અને જંતુનાશકો લાવવાં ક્યાંથી? એ બધું જ અસદ સરકારના નિયંત્રણ હેઠળ હતું. હાઇબ્રિડ બીજ ફરીથી વાપરી શકાતાં નથી અને કહેવાતી આધુનિક ખેતી(હરિત ક્રાંતિના)નાં વર્ષો પછી લોકો પાસે પરંપરાગત બી નહોતાં. આ બધાં વચ્ચે 15 માર્ચ, 2014 ના રોજ તુર્કીની સીરિયન સરહદ પર સીરિયાના જુદાજુદા લગભગ પંદર વિસ્તારોમાંથી આવેલા લોકોની એક બેઠક યોજાઈ.  તેનો હેતુ એકબીજાને મદદરૂપ થઈ શકે તેવું ખોરાકનું સાર્વભૌમ નેટવર્ક કેવી રીતે બનાવવું તે હતો.

આ બેઠકમાં સીરિયાની સાથે તુર્કીના, કામિસલો અને આફરીનના સરહદી વિસ્તારોમાંથી પણ લોકો આવ્યા. નાકાબંધી હેઠળના અને શરણાર્થી કેમ્પમાં રહેતા લોકોની સલામતીની ચિંતા તો હતી જ. સાથે બહારથી આવતા રાશન તેમજ રાહત પુરવઠા પર લોકોની વધતી પરાધીનતા પણ ચિંતાની બાબત હતી. તેમને ચિંતા હતી કે તેમનો સમાજ વધુ ને વધુ રાહતસામગ્રી આધારિત જીવન જીવતો સમાજ બની રહ્યો છે અને તે પોતાની આત્મનિર્ભરતા ગુમાવી રહ્યો છે. જેના માટેનું આંદોલન અને દેખાવો 2011માં શરૂ થયાં હતાં. શરૂઆતથી જ આ  નેટવર્કમાં જોડાયેલાં લોકોને લાગ્યું કે તેઓએ ફક્ત સીરિયામાં જ નહીં, પણ પડોશી દેશો અને વિદેશમાં પણ સંપર્ક કરવો પડશે અને સમર્થન મેળવવું પડશે.  કારણ કે સીરિયન શરણાર્થીઓ જોર્ડન, લેબેનોન, તુર્કી અને યુરોપના ઘણા દેશોમાં ફેલાયેલાં છે.

નેટવર્ક દ્વારા સૌ પ્રથમ કેટલાક પ્રોજેક્ટ્સ આફરીન શહેરમાંના આંતરિક વિસ્થાપિત શિબિરોમાં હતા અને ઇદલિબના કેટલાક વિસ્તારો તેમજ લેબનોનના કેટલાક સીરિયન શરણાર્થી શિબિરોમાં શરૂ થયા. પ્રારંભિક તબક્કે લેબનોનમાં બિયારણ મેળવવું સરળ નહોતું કારણ કે ત્યાં પરંપરાગત ખેતી થતી ન હતી અને ત્યાં ફક્ત હાઇબ્રિડ બિયારણ જ ઉપલબ્ધ હતાં.

તેવામાં પેલેસ્ટાઇન અને ઇરાક તેમજ જર્મની, ફ્રાન્સ વગેરેમાંથી પરંપરાગત ખેડૂત સમુદાયો પાસેથી બિયારણ લાવવામાં આવ્યાં. આ કાર્ય લાગે છે એટલું સરળ નહોતું કારણ કે, એક તરફ ચાલી રહેલું યુદ્ધ અને હિંસા,  સરકાર અને સૈન્યની નાકાબંધી, વિવિધ વિસ્તારોમાં સરકારનો અથવા વિવિધ ઉગ્રવાદીઓનો કબજો, પરિવહનનાં પૂરતાં સાધનો અને રસ્તાનો અભાવ. આ બધાં વચ્ચે સ્થાનિક કાર્યકર્તાઓએ જાત-જાતની યુક્તિઓ કરીને આ કામ પાર પાડ્યું. ટૂંક સમયમાં સીરિયન સરકાર પણ સમજી ગઈ કે જો આ બિયારણ લોકોને ઉપલબ્ધ થશે તો તેમની નાકાબંધીની વ્યૂહરચના નિષ્ફળ જશે. આથી સરકારે વધુ કડક નિયંત્રણો લાદ્યાં. તેથી ઘણા વિસ્તારોમાં હથિયારોની દાણચોરી સરળ હતી પરંતુ બિયારણની આપલે નહીં. નેટવર્કના સભ્યોએ સ્થાનિક રીતે બિયારણની દુકાનો તો ખોલી જ, સાથે સાથે આ પ્રવૃત્તિ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાવી અને પરિણામે ત્રણ વર્ષમાં તેઓ જરૂરી બિયારણ પોતાની રીતે મેળવવા લાગ્યાં.

ખેતી ક્યાં અને કેવી રીતે કરવી?

આ અવરોધ તો લોકોએ પાર કરી લીધો. પરંતુ બીજી સૌથી મોટી મુશ્કેલી હતી, ભારે બોમ્બવર્ષા અને યુદ્ધની વચ્ચે ખેતીલાયક જમીન શોધવી.  શહેરોમાં આમ પણ ખેતી માટે જમીન ન હોય અને ત્યાંનાં શહેરોમાં જે ખાલી જમીન હતી તેના પર બોમ્બ ધડાકામાં તૂટેલાં મકાનોના કાટમાળના ઢગલા પડ્યા હતા.  લોકોએ કાટમાળ સાફ કરીને જમીન ખેતીલાયક બનાવી એટલું જ નહીં, આ ઉપરાંત દરેક ખાલી જગ્યા જેમ કે ઘરો અને મકાનોની છત ઉપર પણ ફળો અને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.

ધાબા ખેતી

એક સમયે જ્યાં શાકભાજીનું બજાર ભરાતું હતું તે યારમૂક શહેરની જમીન ખોદીને શાકભાજીનો બગીચો ઉગાડવામાં આવ્યો. ત્યાંના ફૂટબોલ સ્ટેડિયમની જમીનને ખેતીલાયક બનાવી, સિરિયન લોકોએ ત્યાં દેશનું સૌથી મોટું શહેરી ફાર્મ બનાવ્યું. જ્યારે અલેપ્પો શહેરમાં મોટી ઇમારતોની છત પર લોકોએ પ્લાસ્ટિકનાં બોક્સમાં માટી ભરીને વિવિધ શાકભાજીની ખેતી શરૂ કરી. શરણાર્થી શિબિરોમાં પણ  લોકો જ્યાં જગ્યા મળે ત્યાં દરેક ઇંચ જમીનનો ઉપયોગ કરી શાકભાજી ઉગાડવામાં લાગી ગયા. જ્યાં જગ્યા ન હતી ત્યાં ખોરાક(ફૂડ પેકેટ)ના ખાલી ક્ધટેનરનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે કર્યો.

ખેતીલાયક જમીન તૈયાર કરેલી જોઈ શકાય છે.

ફિફ્ટીન્થ ગાર્ડન નેટવર્ક દ્વારા ખેતી કેવી રીતે કરી શકાય તે અંગે લોકોના વર્કશોપ ચલાવવામાં આવ્યા,  નાની પુસ્તિકા બનાવવામાં આવી. આ માટે જરૂરી બાબતો લોકોને શીખવવામાં આવી અને ખેતી માટે જરૂરી સાધનો સુલભ કરવામાં આવ્યાં. આટઆટલા પ્રયત્નો છતાં બહારથી આવતી રાહત સમાપ્ત તો થઈ નથી, તેમ છતાં લોકોમાં આત્મનિર્ભરતા અને આત્મગૌરવની ભાવના પુન:સ્થાપિત થઈ છે. યરમૂક શહેર પોતાની 20 ટકા જરૂરિયાત પૂરી કરી શકતું બન્યું. સાથે સાથે નવી રાજકીય ચેતના અને સમાજમાં ઉત્પાદનની પદ્ધતિ અને વપરાશની નવી રીતો વિકસી, જે લોકોના પરસ્પરના સહકાર પર આધારિત હતી અને શાસક વર્ગ તેમજ મૂડીવાદી પરિબળો માટે એક મોટો પડકાર સાબિત થાય તેમ પણ હતી.

ફિફ્ટીન્થ ગાર્ડન નેટવર્કે આંતરરાષ્ટ્રીય ખેડૂત સંગઠન જેમ કે ‘લા વિયા કમ્પેસિના’ના સહયોગથી  આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર દબાણ કયુર્ંં કે, રાહતની સાથે લોકોને બિયારણ પણ મળે અને કોઈપણ નવા પ્રોજેક્ટમાં રાસાયણિક ખેતી ને બદલે સજીવ(ઓર્ગેનિક) ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે. ખાદ્ય સુરક્ષાથી આગળ વધીને તેમણે ખોરાકના સાર્વભૌમત્વ વિશે વાત કરી,  જે ત્યાંના રાજકીય ઉદ્દેશ્યની પણ નજીક છે. આ કારણોસર, જ્યારે જર્મન સંસ્થા ‘જીઆઈઝેડ’એ ફરીથી તેના રાહત કાર્યમાં રાસાયણિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે સીરિયન ખેડૂતોએ તેનો સખત વિરોધ કર્યો. ખેડૂતોએ કહ્યું કે, ‘આ તેમનો(કંપનીઓનો) નવા સીરિયામાં પણ મૂડીવાદી શક્તિ અને વિકાસના મોડેલને જાળવવાનો પ્રયાસ છે.’

‘આત્મનિર્ભરતા’ એકમાત્ર વિકલ્પ છે : આપણું અન્ન, આપણું શાસન

સીરિયાની પરીસ્થિતિમાં સતત બદલાવો આવી રહ્યા છે. વર્તમાન સમયમાં ઉત્તર-પશ્ર્ચિમ પ્રદેશમાં વિરોધી પક્ષો અને ઉત્તર-પૂર્વમાં કુર્દ પક્ષોનું શાસન છે. આજે ફરી એક વાર આશરે 30 ટકા વિસ્તારોમાં અસદ સરકારનું નિયંત્રણ છે અને 19 જુલાઈ 2020ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય સંસદની ચૂંટણીઓમાં શાસક પક્ષને ભારે બહુમતી મળી છે. 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાશે ત્યારે બશર અલ-અસદ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તે લગભગ નક્કી જ છે. આ ચૂંટણીઓમાં થયેલી ગેરરીતિઓનો દેશ-વિદેશમાં વિરોધ કરવામાં આવ્યો. હાલમાં સીરિયાની જનતા અસદ સરકારની તાનાશાહી હેઠળ જીવવા મજબૂર છે. પરંતુ તેઓ હજી પણ પોતાના હક્કો માટે લડી રહ્યાં છે.

2020ના જુલાઈ માસમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ચીન અને રશિયાના વીટો પછી, ઉત્તર પશ્ર્ચિમના 13 લાખ લોકોને રાહત માટે તુર્કી તરફથી માત્ર એક જ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2020માં ઇરાક અને જોર્ડનના રસ્તાઓ બંધ થતાં, લોકો પાસે આત્મનિર્ભર બનવા અને પોતાના પ્રશ્ર્નોનો ઉકેલ જાતે જ શોધવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. ‘ફિફ્ટીન ગાર્ડન નેટવર્ક’ સીરિયન ક્રાંતિનો એક એવો પ્રયોગ છે જે લોકોને આત્મનિર્ભર બનાવી, સ્વતંત્રતા માટે લડવાની પ્રેરણા આપે છે. સાથોસાથ તે આપણી સામે એક મોડેલની રૂપરેખા આપે છે, જે મૂડીવાદી વ્યવસ્થા સામે લડે અને સ્વશાસનની સ્થાપના કરે.

(‘જનપથ’માંથી સાભાર અનુવાદિત)                         – મધુરેશકુમાર


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s