(તા.01/01/2021ના અંક નં. 1828થી ચાલુ….)
6. ગુજરાતમાં નિયંત્રિત બજાર સમિતિના કાયદામાં અગાઉ શા ફેરફાર થયા છે?
ગુજરાતમાં પોતાની ખેત-પેદાશ વેચવા સંબંધે ખેડૂતો ઉપર વિશેષ કરીને કોઈ જાતનું બંધન કે ટેક્ષ લાગ્યા નથી. તેમને APMCની બહાર માલ વેચવાની અને રાજ્ય બહાર માલ લઈ જવાની પણ છૂટ આ નવા કાયદા આવતાં પહેલેથી હતી જ. ગુજરાત બહારના ખેડૂતો પણ ગુજરાતમાં આવીને માલ વેચતા જ હતા. APMCના કાયદાથી જે બંધનો હતાં તેે વેપાર અને વેપારીઓ ઉપર હતાં. તેની આડકતરી અસર હેઠળ ખેડૂતોને મળતી તકોની મર્યાદા રહેતી. છપ્પન વરસના ગાળા દરમ્યાન વાહતૂક, સંદેશાવ્યવહાર, ખેતીની તરાહ, પાકો, મૂલ્યવૃદ્ધિની જરૂરિયાત અને તકો, ગ્રાહકોની જરૂરિયાતો, માંગ-પુરવઠો-નિકાસ વગેરે જેવાં ખેત-ઉત્પન્ન બજારને અસર કરતાં પરિબળોમાં ધરખમ ફેરફારો થયા છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી APMCની મર્યાદા પર સૌનું ધ્યાન ગયેલું. વિવિધ રાજકીય પક્ષો, વેપારીઓ અને કિસાન સંગઠનો દ્વારા APMC એક્ટમાં ફેરફાર લાવવાની માંગ થતી રહેતી. પરિણામે બદલાતા સમય-સંજોગો પ્રમાણે કાયદામાં અનેક વખત સુધારા થયા છે.
ગુજરાતમાં 1985માં સ્ટેટ એગ્રી માર્કેટિંગ બોર્ડ અને ફંડની રચના કરાઈ અને નિયમન માટે જરૂરી નાણાં અને સરકારી ગ્રાંટની વ્યવસ્થા કરાઈ. 1993માં બજાર સમિતિઓ સામાજિક કામો માટે દાન પણ આપી શકે તેવી છૂટ અપાઈ. કેન્દ્ર સરકારે 2000ની સાલથી સુધારા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. સરકારની વિવિધ સમિતિઓએ તે માટેની ભલામણો પણ કરી હતી. ભારત સરકારે 2003માં એક મૉડેલ એક્ટ બહાર પાડેલો જેને આધારે 2007માં અને તે પછી ગુજરાત સરકારે કાયદામાં નીતિ વિષયક એવા કેટલાક ક્રાંતિકારી ફેરફારો કરી માત્ર APMCના સહકારી બજારને બદલે ખાનગી બજાર, APMCના કંપાઉન્ડની બહાર માલ ખરીદવાની છૂટ, એક જ લાયસન્સ પાંચ APMCમાં ચાલે, ખાનગી માર્કેટ, ખેડૂત-ગ્રાહક માર્કેટ, કોન્ટ્રાક્ટ ખેતી, પ્રક્રિયા-નિકાસ કરવા સીધી ખરીદી, ઈ-ટ્રેડીંગ, ખેડૂતના ખેતરેથી સીધી ખરીદી, ખેડૂત-ગ્રાહક બજારને બજાર ફીમાંથી સંપૂર્ણમુક્તિ, એક જ વખત સેસ ભરવો જેવી સગવડો વેપારીઓને કરી જ આપેલી. 2006માં દૂધ અને દૂધની બનાવટો અને 2015માં શાકભાજી-ફળને નિયંત્રણમુક્ત કરવામાં આવ્યાં. આ બદલાવ પાછળનો હેતુ એ જ હતો કે ખાનગીકરણથી હરીફાઈ વધે, કાર્યક્ષમતા આવે, બગાડ ઘટે, ખેડૂતોને નવી ટેક્નોલોજી મળે, મૂલ્યવર્ધન અને નિકાસ વધે જેનાથી ખેડૂતોને ઊંચા ભાવનો લાભ મળે. ગુજરાતમાં આટલી તકો ઊભી કરાયા પછી હાલમાં 31 ખાનગી બજારોને મંજૂરી અપાઈ છે. તેમણે કેટલે અંશે હેતુ પાર પાડ્યો તે સંશોધનનો વિષય છે.
અલબત્ત, ખાનગીકરણ તરફના આ પગલા દરમ્યાન એ વાતનું સુપેરે ધ્યાન રખાયું કે ખેત-પેદાશોના બજાર ઉપર સરકારનું નિયંત્રણ અને નિગરાની રહે. તે માટે લાયસન્સ લેવું, રિન્યૂ કરવું, ખાનગી માર્કેટ ખોલવું હોય તો બેંક ગેરન્ટી, ગુજરાત સરકારના બોર્ડને સેસ ભરવો, હિસાબો અને અહેવાલો સરકારમાં રજૂ કરવા જેવાં નિયંત્રણો રાખવામાં આવેલાં. સુચારુ વહીવટ થાય, ખેડૂતોનું શોષણ અટકે અને સરકારને તથા બજાર-સમિતિને આવક પણ મળી રહે તે માટે આવું નિયંત્રણ જરૂરી લાગેલું. વળી પાછો કેન્દ્ર સરકારે 2017માં નવો મોડેલ એક્ટ પણ બહાર પાડ્યો અને અનેક સુધારા સૂચવ્યા. 2019માં ગુજરાતમાં APMCને પ્રોસેસિંગ કરવાની છૂટ પણ અપાઈ. છેલ્લાં વરસોમાં અન્ય કેટલાંક રાજ્યોએ પણ સુધારાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. છેલ્લે છેલ્લે સપ્ટેમ્બર, 2020માં ગુજરાતે APMC કાયદામાં ફેરફાર કરીને તેનું નામ પણ બદલી નાંખ્યું છે. પરંતુ નોંધનીય એ છે કે એકેય રાજ્યમાં વેપારીઓને એવી અમર્યાદ છૂટ ન હતી જેવી આ નવા ત્રણ કાયદાએ આપી છે. કહેવાય છે કે આ નવા કાયદામાંના લગભગ 80% ફેરફારો મોટાભાગનાં રાજ્યો કરી જ ચૂક્યાં હતાં. દેશમાં ધીમે ધીમે ખાનગી બજારનું પ્રભુત્વ વધતું જ ગયું છે. એક અંદાજ મુજબ દેશની કુલ પેદાશના માત્ર 35% જ APMC દ્વારા ખરીદાય છે. ત્રણેય નવા કાયદાની મુખ્ય જોગવાઈઓને સમજીએ.
7. પ્રથમ કાયદો – ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસીલિટેશન) એક્ટ, 2020ની જોગવાઈઓ શું છે?
એ નોંધવું જોઈએ કે, આ કાયદાના નામમાં પખેડૂતની પેદાશ’ (પખેતર’ની કે પખેતી’ની નહીં)ના પવેપાર અને વાણિજ્ય’ના પપ્રોત્સાહન અને સરળીકરણ’ જેવા શબ્દપ્રયોગો થયા છે. કાયદાને સમજવા તેની વ્યાખ્યાઓને પહેલાં સમજવી પડે. અલબત્ત, નીચેની રજૂઆત એ કાયદાનું અક્ષરશ: ભાષાંતર નથી, લેખક્નું અર્થઘટન છે.
ખેડૂત (Farmer) : જાતે કે ભાડૂતી મજૂરો કે અન્ય કોઈ રીતે પખેડૂતની પેદાશ’ પેદા કરતી કોઈપણ વ્યકિત (Individual) કે ખેડૂત-ઉત્પાદક સંગઠન (FPO).
ખેડૂતની પેદાશ (Farmer’s Produce) : માનવ ઉપયોગના હેતુ માટે વપરાતાં ઘઉં, ચોખા અથવા અન્ય જાડાં ધાન્યો, કઠોળ, ખાદ્ય તેલીબિયાં, તેલ, શાકભાજી, ફળો, નટ્સ, મરી-મસાલા, શેરડી અને મરઘાંપાલન, ડુક્કરપાલન, બકરીપાલન, મત્સ્યોદ્યોગ, ડેરીનાં ઉત્પાદનો સમેતના ખાદ્ય પદાર્થો (Food Stuffs)તેના કુદરતી અને પ્રક્રિયા કરેલ રૂપમાં. આ ઉપરાંત ખોળ અને દાણ સમેતનો પશુચારો, જીનીંગ કર્યા વિના કે જીનીંગ કરેલ કપાસ, કપાસિયાં તથા કાચા શણનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
વ્યક્તિ (Person) : કોઈપણ વ્યક્તિ, પાર્ટનરશીપ પેઢી, કંપની, મર્યાદિત જવાબદારીવાળી કંપની, સહકારી મંડળી, સોસાયટી, વ્યક્તિઓનું કોઈપણ સંગઠન કે જે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય કે હાલમાં ચાલતા કોઈ કાર્યક્રમ હેઠળ હોય.
વેપાર વિસ્તાર (Trade Area) : ભારતની સરહદમાં પખેડૂતની પેદાશ’નો પવેપાર’ થતો હોય તેવું કોઈ પણ સ્થળ, ઉત્પાદનની જગ્યા, એકત્રીકરણ સ્થાન જેવાં કે, ખેતરનો પ્રવેશ, ફેક્ટરી વિસ્તાર, વેર હાઉસ, સાઈલો, કોલ્ડ સ્ટોરેજ કે અન્ય કોઈપણ માળખું કે સ્થળ.
પરંતુ આ કાયદા હેઠળના પવેપાર વિસ્તાર’માં APMC દ્વારા સંચાલિત મુખ્ય બજાર, પેટા બજાર યાર્ડ અને બજારના સબ-યાર્ડની ભૌતિક સરહદો કે APMCના લાયસન્સ ધારક દ્વારા સંચાલિત ખાનગી બજાર યાર્ડ, ખાનગી બજાર સબ-યાર્ડ અને સીધા બજારના એકત્રીકરણ કેન્દ્રો, ખાનગી ખેડૂત-બજાર અથવા કોઈ વેર હાઉસ, સાઈલો, કોલ્ડ સ્ટોરેજ કે અન્ય માળખું કે જે
બજાર તરીકે નોટીફાય થયેલ હોય તેનો કે ડીમ્ડ માર્કેટનો સમાવેશ થતો નથી.
એટલે કે APMC દ્વારા સીધા ચાલતા કે તેના લાયસન્સ ધારક દ્વારા ચાલતા કોઈપણ ખાનગી બજાર વિસ્તાર કે જગ્યા સિવાયના વિસ્તારને જ આ કાયદા હેઠળ પબજાર વિસ્તાર’ ગણવામાં આવે છે.
ખેડૂતની શિડ્યૂલ્ડ પેદાશ (Scheduled Farmers’ Produce): કોઈપણ રાજ્યના APMC કાયદામાં નિયમન માટે નિયત કરેલ કૃષિપેદાશ.
વેપારી (Trader) : આંતરરાજ્ય કે રાજ્યની અંદરના વેપાર કે તેના મિશ્રણ થકી પોતા માટે કે બીજા એક કે વધુ વ્યક્તિ માટે જથ્થાબંધ વેપાર, છૂટક વેચાણ, અંતિમ ઉપયોગ, મૂલ્ય-વૃદ્ધિ, પ્રક્રિયા, ઉત્પાદન, નિકાસ કે વપરાશ કે અન્ય તેવા હેતુ માટે પખેડૂતની પેદાશ’ ખરીદનાર કોઈપણ પવ્યક્તિ’.
હવે આ કાયદા હેઠળની કેટલીક મહત્ત્વની જોગવાઈઓ સમજીએ.
- કોઈપણ પાન (PAN)ધારક પખેડૂત’, પવેપારી’ કે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ અને આપ-લે પ્લેટફોર્મને રાજ્યની અંદર કે આંતરરાજ્ય (અન્ય રાજ્યમાં) સ્તરે કોઈપણ રાજ્યના APMC કાયદામાં જણાવેલ કૃષિ પેદાશ (Scheduled Agricultural Produce)નો પવેપાર વિસ્તાર’ની અંદર વેપાર અને વાણિજ્ય કરવાની છૂટ રહેશે. ખેડૂત-ગ્રાહક સંગઠન (FPO) કે કૃષિ-સહકારી મંડળી પાન ન હોય તો પણ વેપાર કરી શકશે.
- ખેડૂત સાથે વેપાર કરનાર દરેક વેપારીએ વધુમાં વધુ ત્રણ દિવસમાં ખેડૂતને ચૂકવણું કરવાનું રહેશે.
- આવા વેપાર અને વાણિજ્ય ઉપર રાજ્યના APMC કે કોઈપણ કાયદા હેઠળ માર્કેટ ફી કે સેસ લાગશે નહીં.
- આવા વેપારમાં વિવાદ થાય તો તે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા નિમાયેલ 2 થી 4 સભ્યોની લવાદ સમિતિથી ઉકેલવાનો રહેશે. આ લવાદ સમિતિના અધ્યક્ષ SDM નીમશે. લવાદ સમિતિથી ઉકેલ ન આવે તો SDM ઓથોરીટી ઉકેલશે. તેનાથી ન ઉકેલે તો એપેલેટ ઓથોરીટી તરીકે કલેક્ટર કે અધિક કલેક્ટર નીવેડો લાવશે. SDM ઓથોરીટી કે એપેલેટ ઓથોરીટીનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા અને સિવિલ કોર્ટના હુકમ જેટલો શક્તિશાળી રહેશે. આ રીતે આવેલ ચુકાદા હેઠળ જો રકમ ચૂકવવાની થશે તો તે રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ થશે. જો આ ચુકાદાથી અસંતોષ થાય તો કેન્દ્ર સરકારના અધિકૃત જોઈન્ટ-સેક્રેટરી સમકક્ષ અધિકારી પાસે દાદ માંગી શકાશે. આ કાયદા સંબંધી વિવાદમાં કોઈ સિવિલ કોર્ટ દખલ કરી શકશે નહીં.
- જો કોઈ રાજ્યના APMC કાયદા કે અન્ય કાયદા સાથે આ કાયદા થકી વિસંવાદિતા ઊભી થાય તો કેન્દ્ર સરકારનો આ કાયદો ઉપરવટ ગણાશે.
ટૂંકમાં, કોઈપણ જાતના નિયંત્રણની ખાતરી વિના કોઈપણ વ્યક્તિને માત્ર પાનકાર્ડને આધારે, માર્કેટ ફી કે સેસ ભર્યા વિના, ત્રણ દિવસમાં ચૂકવણી કરવાની શરતે દેશભરમાંથી માલ ખરીદવા અને વેપાર કરવાની છૂટ.
વ્યાખ્યાઓ અને જોગવાઈઓના અર્થઘટન અટપટી બાબત છે. તેમ છતાં પહેલી નજરે ગૂંચવાડા દેખાય છે. જેમકે,
- રેશમ અને મધમાખી પાલનની પેદાશોનો ઉલ્લેખ કેમ નથી?
- ખેડૂતની પેદાશ’માં પ્રક્રિયા કરેલ ખાદ્ય સામગ્રી તરીકે ખારીશીંગ, અથાણાં, પાપડ, ખાંડ, બિસ્કિટ, આઈસક્રીમ જેવી પેદાશોને પણ પખેડૂતની પેદાશ’ કહેવાય? શું આવી પેદાશો બનાવનાર પણ ખેડૂત કહેવાશે? આવી વ્યાખ્યાનો અર્થ શો? જો બાકીની ખેત-પેદાશો ઉપર પ્રક્રિયા કરેલ પેદાશોને છૂટ હોય તો કપાસની પેદાશ તરીકે સુતરાઉ કાપડને છૂટ કેમ નહીં?
- વેપારી’ શબ્દની વ્યાખ્યામાં પઅંતિમ ઉપયોગ’ અને પવપરાશ’ શબ્દોનો ઉલ્લેખ શું એમ સૂચવે છે કે કોઈ પાનકાર્ડ ન ધરાવતી ગૃહિણી પોતાના ઘર વપરાશ માટે સીધી ખેડૂત પાસેથી બાજરી ખરીદે તો ગેરકાયદે કહેવાય અને સજાપાત્ર ગુનો બને ?
- ગુજરાતમાં ફળ-શાક અને દૂધની પેદાશોને આવી શિડ્યૂલ યાદીમાંથી મુક્ત કરવામાં આવી છે. દરેક રાજ્યમાં આવી યાદીમાં ફેરફાર હોય તો આખરે શું માનવું? કે કોઈપણ રાજ્યની યાદીમાં નામ હોય એટલે પૂરતું ગણાશે એમ માનવું ?
- ખેડૂત-ગ્રાહક સંગઠન (FPO) કે કૃષિ-સહકારી મંડળીને પાનકાર્ડ વિના વેપારની છૂટ હાસ્યાસ્પદ છે, કારણ કે બીજાં કેટલાંક વિધિ-વિધાનો પૂરાં કરવા પાન લેવો લગભગ અનિવાર્ય થઈ ગયો છે.
- ગુજરાત સરકારે તાજેતરમાં APMC કાયદામાં સુધારા કર્યા પછી પણ કેટલીક વ્યાખ્યાઓમાં તફાવત રાખેલ છે. તેને કારણે એક જ રાજ્યમાં રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળના APMC કાયદા મુજબના એક, અને કેન્દ્ર સરકારના આ નવા કાયદા હેઠળના APMCની બહાર નિયંત્રણ-મુક્ત બીજા -એમ બે ખેત-ઉત્પન્ન બજારમાં બે અલગ-અલગ વ્યાખ્યાઓ અને નિયમોેથી વેપાર ચાલશે, એમ? આનાથી અરાજક્તા નહીં ઊભી થાય?
આ કાયદા દ્વારા ખેત પેદાશોના ખરીદ-વેચાણ બજાર પરનું નિયંત્રણ હટાવી લેવાયું છે. દેશનો ગમે તે પવેપારી’ ગમે તે ખેડૂત પાસેથી ગમે ત્યાં જઈને માલ ખરીદી શકશે અને ખેડૂત તે રીતે વેચી શકશે. નામ ભલે ખેડૂતોનું લેવાય, હકીકતે વેપારીઓને લાયસન્સ લેવાની ઝંઝટમાંથી અને સ્થાનિક APMCને કોઈ પણ જાતનો સેસ ભરવામાંથી મુક્તિ અપાઈ છે. કેટલાક લોકો આને કાયદાને APMC બાયપાસ એકટ’ પણ કહે છે.
તમને આ પણ વાંચવું ગમશે
8. આ APMC બાયપાસ એકટ’ના ફાયદા શું? તેની તરફેણ શા માટે કરાય છે?
સૌથી પ્રથમ તો સરકાર ખેત-પેદાશોના બજારને મુક્ત કરવા માંગે છે. હંમેશાં સરકારી હસ્તક્ષેપ અને અમલદારશાહીને ઘટાડવા માટે અને હરીફાઈ દ્વારા કાર્યક્ષમતા વધારવા માટે નિયંત્રણમુક્તિ લાવવાનો દાવો કરવામાં આવે છે. તેનાથી ખાનગીકરણ વધે છે અને કોર્પોરેટાઈઝેશનને મોકળું મેદાન મળે છે. ખાનગીકરણ દ્વારા વિકાસનો મૂડીવાદી પવન દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે અને ચીન જેવો સામ્યવાદી દેશ પણ તેની અસરથી મુક્ત રહ્યો નથી. ભારતમાં વાહનવ્યવહાર, રેલવે, માઈનિંગ, શસ્ત્રોત્પાદન, બેંકિંગ અને વીમા જેવી સેવાઓનું ખાનગીકરણ થવા માંડ્યું છે.
ક્યાંક જંગલોની અમુક સેવાઓનું ખાનગીકરણ કરવાની વાત પણ ચાલે છે. એરપોર્ટનું મેનેજમેન્ટ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે અનાજ સંઘરવાના કામનું પણ ખાનગીકરણ થઈ ચૂક્યું છે. દેશની પ્રજાનું પોત જ એવું છે કે જાહેરક્ષેત્રને નફાકારક બનાવી શકાતું નથી. તેમાં વળી રાજકારણીઓ અને અમલદારોના ભ્રષ્ટાચાર ભળે. આ કાયદાની તરફેણ કરનારની દલીલ એવી છે કે ખેતી સિવાયનાં ક્ષેત્રોમાં જે થયું તેે હવે ખેતીક્ષેત્રમાં પણ થવું જોઈએ. ખાનગીકરણના આ વાયરામાં ખેતીને પણ હવે સામેલ કરી દેવાઈ છે. સરકારને એવી સલાહ માફક આવી લાગે છે કે બજારને નિયંત્રણ-મુક્ત કરવાથી હરીફાઈ વધશે, કાર્યક્ષમતા વધશે, બગાડ અટકે, વાહતૂક ખર્ચ ઘટશે, ભ્રષ્ટાચાર ઘટશે, ખેડૂતને માલ વેચવાની તકો વધશે, જે સરકારથી થતી નથી તેવી માળખાકીય સુવિધાઓ ઊભી થશે અને પરિણામે ખેડૂતને વધુ ભાવ મળશે.
એક મહત્ત્વનો ફાયદો એ ગણાવાઈ રહ્યો છે કે, કેટલાક વેપારીઓ આડતિયા કે કમિશન એજન્ટ તરીકે ખૂબ કમાણી કરે છે તે બંધ થશે અને તેનો ફાયદો ખેડૂતને મળશે. અર્થશાસ્ત્રની ભાષામાં આવા ફેરફારને ઉદારીકરણ, ખાનગીકરણ અને વિશ્ર્વીકરણ (LPG) કહેવાય છે. વળી, આ કાયદો આખા દેશને લાગુ પડતો હોઈ જે કેટલીક રાજ્ય સરકારોએ હજી ખાનગીકરણ તરફના અમુક ફેરફારો કરવાના બાકી રાખ્યા છે તેમને પણ ફરજ પડશે. અલબત્ત, આ ખાનગીકરણનો ફાયદો નાના વેપારીઓ, સહકારી મંડળીઓ અને ખેડૂત-ઉત્પાદક સંસ્થાઓ પણ લઈ શકે; જો તેમનામાં કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવાની તાકાત હોય તો, જેમ કે દૂધ ક્ષેત્રે અમૂલ.
તે તો હવે જગજાહેર છે કે ચૂંટણી ફંડો આપનાર કૉર્પોરેટનાં દબાણોને ય સરકારોએ વશ થવું પડે છે. વિશ્ર્વબજારમાં સરકાર એવી છાપ ઊભી કરવા માંગતી હોય કે ભારતમાં વેપાર કરવાની તકો વધારવામાં આવી છે. આંતરરાષ્ટ્રિય દબાણો ય કામ કરતાં હોય તો શી નવાઈ?
9. આ APMC બાયપાસ એકટ’નાં જોખમો શાં છે?
- ગુજરાતના ખેત-ઉત્પન્ન બજાર બાબતે રાજ્યમાં હવે બે બજાર ચાલશે. એક ગુજરાત સરકારના કાયદા પ્રમાણે APMCની અંદર લાયસન્સ અને સેસવાળું નિયંત્રિત બજાર અને બીજું કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે APMCની બહાર અનિયંત્રિત બજાર. આ બે બજાર વચ્ચે હરીફાઈ થશે અને લાયસન્સ અને સેસ ભર્યા વગરનું અનિયંત્રિત બજાર APMCને ગૌણ બનીને મૃતપ્રાય બનાવી દેશે. ધીમે ધીમે તે અસર દેખાવા માંડી છે. આ હરીફાઈમાં ન ટકનાર કેટલીક APMCની આવક ઘટી ગઈ છે અને APMCની અંદરના બજારને હવે કર્મચારીઓના પગાર કરવાની ય તકલીફ પડે છે.
- જેમ જેમ નિયંત્રિત બજાર મૃતપ્રાય બનશે તેમ તેમ અનિયંત્રિત મુક્ત બજાર મજબૂત બનશે અને નિયંત્રિત બજારનો લાભ (હરાજી આધારિત ઊંચા ભાવ, સાચો તોલ અને રોકડ નાણાં) ખેડૂતને ન મળે તેવું બને.
- નવા કાયદા પ્રમાણે કોઈપણ પાનકાર્ડ ધારક ખેડૂત પાસેથી માલ ખરીદી શકશે. જો તે લેભાગુ હોય તો ખેડૂત છેતરાઈ શકે.
- વિવાદ વખતે તો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે તેના નિયુક્ત સરકારી અમલદારના વડપણવાળી સમિતિ પાસે દાદ માંગવી પડે અને વધારાની જોખમી બાબત એ છે કે કોઈ સિવિલ કોર્ટમાં ફરિયાદ કરાય જ નહીં. એટલે ન્યાય મેળવવાની સહકારી, સ્થાનિક, ખેડૂતના વર્ચસ્વવાળી અને ન્યાયતંત્રની વ્યવસ્થાને બદલે સરકારી અમલદારો પાસે જવું પડે. સરકારી અમલદાર પાસે આવા કેસ માટે સમય હોય? અને હોય તો ય અમલદારો તો સત્તાધારીઓના હાથા જેવા હોય ! તેમના ભરોસે ન્યાય તોળાય? અમલદારો વગવાળા વેપારીઓના પક્ષ લે તેવી શક્યતા ઘણી વધુ છે. ખેડૂતો માટે ન્યાય તોળવાનું કામ સરકારી અધિકારીઓને આપવું કેટલું વાજબી ગણાય?
આવી દહેશતો નકારતાં સરકાર, કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ખાનગી
કંપનીઓનો અભિપ્રાય એવો છે કે વેપારીઓની સંખ્યા મોટી હોવાથી કોઈ ઈજારાશાહી કે જોહુકમી ઊભી નહીં થાય. મુક્ત બજાર હરીફાઈ વધારશે અને તેનો ફાયદો ખેડૂતને થશે. અલબત્ત, આ વિચાર સંપૂર્ણપણે મૂડીવાદી છે અને આ અંગે ધારણા બાંધતા પહેલાં ભૂતકાળના અનુભવો ચકાસવા જોઈએ. પહેલી નજરે શોધતાં આ ત્રણ કાયદાથી ગુજરાતના ખેડૂત માટે તો એકેય નવો ફાયદો દેખાતો નથી.
10. સરકારની આ કલ્યાણકારી વાતમાં ખેડૂતોને ભરોસો કેમ પડતો નથી?
દાયકાઓથી ખેડૂતોને તો જોઈએ છે પોતાની ખેત-પેદાશનું વાજબી વળતર. એ નોંધવું જોઈએ કે 2014ની લોકસભાની ચૂંટણી પહેલાંના ઢંઢેરામાં હાલના સત્તાધારી પક્ષે “take steps to enhance the profitability in agriculture, by ensuring a minimum of 50% profits over the cost of production”ની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે 2015માં સર્વોચ્ચ અદાલત સમક્ષ એફીડેવિટ કર્યું છે કે “prescribing an increase of at least 50% on cost may distort the market.” એટલે કે ખેતી ખર્ચ ઉપર 50% વધુ આપવાથી ખુલ્લા બજારમાં વિકૃતિઓ આવશે. ટેકાના ભાવની ખાતરી આપવાને બદલે આ કાયદા ખેડૂતોને ખુલ્લા બજારના હવાલે મૂકી જાતે ઊંચા ભાવ મેળવી લો તેમ કહે છે.
કલ્પના કરો કે, પેઢીઓથી આખા પરિવારને દૂધ આપતી એક ગાય સતત પૂરતા પોષણની માંગ કર્યા કરે છે. જવાબમાં એમ કહેવાય છે કે,નમારા હાથમાં ઘરનો વહીવટ આવશે ત્યારે આપીશું. આખરે તેને જંગલનો રસ્તો બતાવીને કહેવું,નજંગલમાં ઘણો ચારો છે, ત્યાં હવે બધાંને મુક્તિ છે, કોઈ બંધન નહિ. તે મુકિતનો લાભ તને ય મળશે. મનફાવે ત્યાં ફરજે અને મનફાવે તેવું અને તેટલું ચરી લેજે. હાલની સરકારે ટેકાના ભાવે ખરીદી બાબતે આશાસ્પદ પગલાં ભર્યાં હોવા છતાં ખેડૂતોને લાગે છે કે આ કાયદાથી આવકની ખાતરી કરતાં અસલામતી વધુ છે. અત્રે એ નોંધનીય છે કે આમ છતાં ખેડૂતો માને છે કે ત્રણેય કાયદાને સામૂહિક રીતે જોવાની જરૂર છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ઉત્પાદન, નિયંત્રણ વગરની ખરીદી, અમર્યાદ સંગ્રહ અને ન્યાયતંત્રની બહાર સરકારી અમલદારો દ્વારા ન્યાય! ખેડૂતો સવાલ પૂછે છે કે માંગ્યું હતું શું અને મળ્યું શું? તેમને આમાં તક કરતાં જોખમ વધુ લાગે છે.
ખેડૂતોને ભરોસો એટલા માટે પણ નથી પડતો કે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન, દેશના 60% લોકોનો રોજગાર જેમાં છે તેવા ખેતી વ્યવસાયને અસર કરનારા આ કાયદા લાવવા માટે ખેડૂત સંગઠનો સાથે, APMC સાથે, (ખેત-પેદાશોનું બજાર એ રાજ્યનો વિષય હોવા છતાં અને રાજ્યોની આવક પર મોટી અસર થનાર હોવા છતાં) રાજ્યો સાથે, વિવિધ મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે તથા આમ જનતા સાથે કાયદાના મુસદ્દા ઉપરનો વિચાર-વિમર્શ ચૂકી જવાયો. નિયંત્રિત બજારના કાયદાઓમાં ફેરફાર જરૂરી હતો અને તે થવા પણ માંડેલો.
પણ સરકારને એવી તો શી ઉતાવળ હતી કે કોરોનાકાળમાં, બીલ ઉપર આમ જનતાના અભિપ્રાય માંગવાની પ્રક્રિયાને બાજુએ મૂકી, રાજ્યસભામાં મૌખિક મતદાનનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને, સિલેક્ટ સમિતિને પણ મોકલ્યા વિના, વહીવટી ગૂંચવાડાવાળો કાયદો ધડાધડ બનાવી દેવાયો ! આ કાંઈ કોરોનાની રસી જેવી કટોકટી ન હતી કે વટહુકમો બહાર પાડવા પડે. વટહુકમો બહાર પાડ્યા પછીના ત્રણ માસ દરમ્યાન ઘણાં સંગઠનોએ કેટલાક ફેરફાર સૂચવ્યા હતા તે તમામને ધરાર અવગણવામાં આવ્યા. સત્તાધારી પક્ષનો સહોદર ભારતીય કિસાન સંઘ પણ કહે છે કે, નઅમને પૂછયું નથી, અમે માંગ્યું નથી અને આ કાયદા ખેડૂત માટે નહીં કંપનીઓ માટે છે.સ્ત્ર કાયદો બન્યા પછી દેશભરમાં ખેડૂત આંદોલન થયા તેને ય અવગણવામાં આવ્યા.
વિરોધનો ત્રીજો મુદ્દો રાજ્ય સરકારોની સત્તા છીનવાઈ જવાનો પણ છે. કેટલાક નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને આ કાયદો ઘડવાના અધિકાર પર પણ સવાલ ઉઠાવ્યા છે. જે તે રાજ્યમાં પોતાની ખેતી-સંસ્કૃતિ અને અસ્મિતા સમેતની આગવી બજાર વ્યવસ્થા ચાલે છે. રાજ્યોને તે બાબતે પોતાના કાયદા ઘડવાની છૂટ હતી તેની પર હવે મર્યાદા આવી ગઈ. કેટલાંક રાજ્યોએ ખેડૂતોના હિતમાં APMCની બહારના બજાર માટે પણ અસરકારક પગલાં ભર્યાં છે. હવે આવાં પગલાં પર સીધી અને આડકતરી રોક લાગશે. સમવાયતંત્રમાં આ પ્રકારનું કેન્દ્રીકરણ કેટલું યોગ્ય? અગાઉની જેમ મોડેલ એક્ટ બહાર પાડી રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણયો લેવા દીધા હોત તો શો વાંધો આવત? જો કેન્દ્ર સરકાર આ રીતે કાયદા ઘડવા માંડશે તો શું સૂચિત મોડેલ એગ્રીકલ્ચરલ લેન્ડ લીઝીંગ એક્ટ, 2016ના પણ આવા જ હાલ-હવાલ થશે?
વળી, ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં જે બન્યું તેનું નાટક જોઈ લીધું છે. બહુ ગાઈ વગાડીને મુકાયેલી આ યોજનામાં ખેડૂત કરતાં વધુ મોટી રકમનું પ્રિમીયમ સરકારે ભર્યું. વીમો પાકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ખેડૂતોને ટટળાવવામાં આવ્યા અને બજેટમાં ફાળવાયેલી ખેડૂત કલ્યાણ માટેની રકમ આડકતરી રીતે વીમા કંપનીઓ ચાઉં કરી ગઈ ! ગુજરાત સરકારે હાલમાં જ આ યોજના પડતી મૂકી.
આ ઓછું હોય તેમ કેટલાક પ્રધાનોના વિધાનો અને નીતિ વિષયક ભલામણોનો ઇતિહાસ એવી શંકા પેદા કરે છે કે જાણે સરકાર ટેકાના ભાવે ખરીદી, સંગ્રહ, જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) વગેરેમાંથી છૂટવા માંગે છે. તેમાં ઘણો બગાડ થાય છે. બની શકે કે સરકાર ગરીબોનાં ખાતાંમાં નાણાં આપી દે અને જાહેર વિતરણ વ્યવસ્થા સમેટી લે. તો પછી આજે ટેકાના ભાવે ખરીદીનો જે 5-10% લાભ ખેડૂતોને મળે છે તે ય બંધ થઈ જાય અને સમગ્ર બજાર ખાનગી વેપારીઓના ભરોસે ચાલવા માંડે તો?
સરકાર દેશભરમાં ટેકાના ભાવે જે આછી-પાતળી ખરીદી કરે છે તે APMCની વ્યવસ્થાને આધારે જ કરે છે. બીમાર પડીને બંધ થયેલી APMC વ્યવસ્થા અને ટેકાના ભાવે ખરીદવાની ઝંઝટમાંથી છૂટવાની સરકારની ઇચ્છા ખેડૂતોને ભરોસો પડવા દેતી નથી. અલબત્ત, સરકાર આંદોલન શરૂ થયા પછી તેવી ખાતરી વારંવાર આપતી રહી છે કે હાલ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી ચાલુ રહેશે પણ ખેડૂતો કહે છે કે જેમ જૂનું ચાલે છે તેમ જ ચલાવવાનો શો અર્થ? તે તો અપૂરતું અને વાંધાજનક છે. એમને તો તમામ પાકો ટેકાના ભાવે જ ખરીદાય તેવી કાયદાકીય વ્યવસ્થા જોઈએ છે.
પણ આ બધાથી વિશેષ, મુક્ત વેપારથી ખેડૂતોનું દળદર ફીટ્યું છે ખરું? LPGનું સૂત્ર છે, ‘Go Big or Go Out’ એટલે કે મોટાં બનો નહીં તો ફેંકાઈ જાવ. મુક્ત બજારમાં અગ્રેસર અમેરિકાના ખેડૂતોએ સતત સરકારી રાહતો પર જ જીવવું પડે છે. વર્ષ 2020માં કોરોનાની અસરમાં અને પછી ચૂંટણી પહેલાં એમ બે વખત ત્યાંના ખેડૂતોને અબજો ડોલરની રાહતો અપાઈ છે. ભારતના કેટલાક ખેડૂતોને ડર છે કે શું તેઓ પણ આ ખાનગીકરણની આગમાં હોમાઈ જશે? અલબત્ત, સરકાર આ અંગે ચિંતિત હોય તેની બે સાબિતી આપણી સમક્ષ છે. એક તો 2017માં ન્યુઝીલેન્ડથી આવનારા સસ્તા દૂધને રોકી દેવા એક સમજૂતિ જૂથ (RCEP)માંથી ભારતને ફારેગ કરવાનો હિંમતપૂર્વકનો નિર્ણય લીધો. તે પછી અમેરિકાએ દૂધ અને તેની બનાવટો ભારતમાં ઠાલવવા પ્રયત્નો શરૂ કર્યા છે પણ તે હજી સુધી તો શક્ય બન્યું નથી અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખે જાહેર ભાષણમાં કહેલું કે, ભારતના વડાપ્રધાન મચક આપતા નથી. ભૂતકાળમાં સરકારે લીધેલાં આ પગલાં દાદ માંગે તેવાં છે.
તેમ છતાં આવડા મોટા વિવાદ અને આંદોલનને ઉકેલવા સહાનુભૂતિપૂર્વક સંનિષ્ઠ પ્રયાસ કરવાને બદલે ખેડૂતો સાથે અણછાજતો વ્યવહાર, તેમને બદનામ કરવાના પ્રયાસો, આક્ષેપો, વિલંબ, ભાગલાવાદી રાજરમત, કાયદાના બચાવ માટે અસત્યોના આધારે દુષ્પ્રચાર કરીને સરકાર પોતાનો રાજધર્મ ચૂકી ગઈ હોવાનું ઘણાને લાગે છે. અધૂરામાં પૂરું સર્વોચ્ચ અદાલતની સમિતિએ એવા સભ્યો નીમ્યા કે જે ચારે ય LPGમાં શ્રદ્ધા રાખતા હોય અને અગાઉ આ ત્રણેય કાયદાની તરફેણ કરી ચૂક્યા હોય. અલબત્ત, તેમાંના એક્નો અંતરાત્મા જાગ્યો અને સમિતિમાંથી ફારેગ થયા છે.
(વધુ આવતા અંકે) – જગત જતનકર