નથી તમે, એ કયમ માન્યું જાય ?

મૃત્યુએ આવીને ધીરેકથી આપણી વચ્ચેથી મેધાણીભાઈને ઉપાડી લીધા છે. એક જ દિવસથી સાધારણ અસ્વસ્થ તબિયત ભોગવી આ માસની ૯મીએ વહેલી રાતે એમણે બોટાદ મુકામે કુટુમ્બીજનોની વચ્ચે દેહ છોડ્યો. એકલાં કુટુમ્બીઓને જ નહિ પણ આખા ગુજરાતને આ ધા લાગશે. એમણે હેજી તો આ ચોમાસે પચાસ પૂરાં કર્યાં. બેક વરસથી સ્વતંત્રપણે વાડ્મય ઉપાસના કરતા હતા. આટલી નાની ઉંમરમાં પણ પંચોતેર ઉપરાંત, વિવિધ વિષયોનાં, રસભર્યાં પુસ્તકો એમણે ગુજર ગિરાતે આપ્યાં હતાં; અને હવે તો એમના સાહિત્યજીવનનો ફસલનો સમય ચાલતો હતો. તે ઉપર ગુજરાત મીટ માંડી રહ્યું હતું. અને થાક ચીજ શું છે તે જાણ્યા વગર તે વાડ્મય સેવામાં ઓતપ્રોત હતા. ત્યાં એકાએક જ મૃત્યુએ એમને પોતાની ગોદમાં ખેંચી લીધા.
મુંબઈમાં ચાર આંકડાના પગારે તેમની સામે ઝગમગ થતા ઊભા જ હતા. પણ વતનમાં સ્વતંત્રપણે રહેવાની એમના જીવનની મુખ્ય કામના હતી. એ કહેતા: કાઠિયાવાડની ધરતીમાં આવીને પાછો રોપાયો છું તો તેનાથી દૂર થવા હવે મન માનવું નથી…..અને એ ધરતીને જ, એણે દીધેલું ખોળિયું એમણે સોંપી દીધું !
પણ પચાસ વરસ સૌરાષ્ટ્રની એ ધરતી મેઘાણીના દેહરૂપે સૌની વચ્ચે વિહરીને પોતાના કેવાકેવા હૈયા-ધખકાર રેલાવી ગઇ !
એ ભૂમિની સૈકાઓની સંચિત થયેલી વેદનાઓ અને યાતનાઓ, એનાં લાજાળ આંસુ, એની મૂગી વીરતા, એનાં ઉન્મત્ત બલિદાન, એના કાલાધેલા આતમબોલ, બધું જ મેઘાણીની વાણીના સ્પર્શથી સજીવન થઈ ને ગુજરાતી ભાષામાં અમરપદને પામ્યું છે.
મેઘાણીના વાડ્મયજીવનમાં જે એક મોટી વસ્તુ તરી આવે છે તે એમની નિષ્ઠા. હૈયાઊકલત પ્રમાણે, અંતરાત્માની પ્રેરણાને વશ વર્તીને, એક વાર જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા, પછી આડુંઅવળું જેવાનું નહિ, -એવી નિષ્ઠાથી લોકસાહિત્ય અંગે પોતે સ્વીકારેલા સ્વ-ધર્મને મેધાણી પ્રત્યેક શ્વાસે વફાદાર રહ્યા છે એ અનેકના અનુભવનો વિષય છે. બુલંદ હલકભર્યા કંઠની એમને બક્ષિસ હતી. ખંતપૂર્વક સંશોધેલ લોકગીતોનું પોતાના કંઠથી અત્યંત આસ્વાઘ્ય રીતે પ્રકાશન કરનાર એ એક વિરલ સાહિત્યવિભૂતિ હતા.
આ લોકસાહિત્યના સમુદ્ધારનું કાર્ય કવિની સૂક્ષ્મ સંવેદનશીલતા વિના થૂવું સુકર ન હતું. તો સાથે એમની કવિતા પણ લોકકવિતાથી ભિન્ન હોય એ અસંભવિત હતુ. પ્રેમાનંદ-દયારામ પછી જો કોઈ ગુજરાતી કવિની કવિતા પ્રજાના વધારેમાં વધારે વર્ગોએ ઝીલી હોય તો તે મેઘાણીની. શિષ્ઠતાને એમણે પ્રજાના નીચલા થરો સુધી પહોંચાડી.
યુગધ્વનિ ઝીલવામાં એ અજોડ હતા. ૧૯૨૯માં મુંબઈ ઇલાકા યુવક પરિષદમાં ગાયેલાં “કવિ તને કેમ ગમે ?” અને “જાગો જગના ક્ષુધાર્ત, જાગે! દુર્બલ અશક્ત!” માં સિંહની ડણક હતી. ૧૯૩૦માં એમને સજા કરનાર ન્યાયાધીશ “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ” ઉપર રડી પડેલ. ૧૯૩૧માં ગોળમેજીમાં જતાં ગાંધીજીએ “છેલ્લો કટોરો” વિષે મહાદેવભાઈ ને કહ્યું કે એમના મનના ભાવ એ કાવ્ય પ્રમાણેના જ હતા. વર્તમાન પ્રસંગ ઉપરની મેઘાણીની કૃતિ તે માત્ર મેઘાણીની વ્યક્તિગત રચના કરતાં સારા લોકસમૂહની રચના જેવી હોય છે. મેઘાણી તો માત્ર વાહક જ છે. એટલી લોકભાવ સાથે એ તદ્રુપતા સાધી શકયા હોય છે. લોકોએ યેગ્ય રીતે જ એમને ‘રાષ્ટ્રીય શાયર’ કહીને બિરદાવ્યા.
સમય જતાં આ જાતની કૃતિઓ ઐતિહાસિક મહત્ત્વ પ્રાપ્ત કરશે. અને કવિએ પોતે પણ એને યુગ-વંદના તરીકે એળખાવી છે. એમની સર્જક પ્રતિભા અનુસર્જનમાં વધુ રાચનારી છે. કેટલીક ઉત્તમ કૃતિઓ પણ ઇતરોત્થ(Derivative) છે. પણ એમની સરસ્વતીના સ્પર્શે મૂળ-ઘણી વાર તો સામાન્ય- વસ્તુમાં કેટલો પ્રાણ સ્ફુરતો ! કયાં ‘કોઈનો લાડકવાયો’ની દાવાનળની ફાળે વધતી લોકપ્રિયતા ને કયાં એનું કોક ચોપડીને ખૂણે પડી રહેલું મૂળ? જેમ મહાન નાટકકારો વસ્તુ કયાંકથી લઈ પોતાના પ્રાણથી એને સજીવ કરે છે, તેમ મેઘાણીએ ઊર્મિગીતો પરત્વે કર્યું છે. પ્રચલિત લોકગીતો ઉપરથી આપણા જૂના કવિઓએ- અર્વાચીનોમાં નાનાલાલે પણ – રચનાઓ બાંધી છે. પણ મેધાણી કલાની નાજુકાઈના મોહમાં ગીતને લોકના ગળાથી વંચિત થવું પડે એ વેઠી લેવા હરગિજ તૈયાર ન હતા. એમ કહી શકાય કે – મેધાણી એટલે વીણા નહિ, પણ એકતારો. મેઘાણીની વાણી એટલે કોઈ એકાન્તવાસમાં વાગતી વીણાના અલંકારભર્યા ઝંકાર નહિ, પણ બારણે બારણે ગુંજતા રાવણહથ્થાના દર્દીલા સરળ સૂર.
એમની લોકસાહિત્યના સમુદ્ધારની સેવા જ ગુજરાતી સાહિત્યમાં એમને અમરસ્થાનના અધિકારી ઠેરવવા બસ છે, પણ તે સેવા પાછળ ધબકતા કવિહૃદય પાસેથી મળેલાં કેટલાંક ગીતો, આધુનિક યુગની ઐતિહાસિક ક્ષણેનાં સચોટ આલેખન, ‘બૂરાઈના દ્વાર ઉપર’ જેવી રત્નસમી વાર્તાઓ, ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘વેવિશાળ’ જેવી સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ, અને ‘જેલ ઓફીસની બારી’ અને ‘માણસાઈના દીવા’ જેવી અનોખી સાહિત્યકૃતિએ એમને ગુજરાતી સાહિત્યમાં સ્થિર યશ અપાવનાર નીવડશે. ગોવર્ધનરામે નરસિંહરાવનો ‘The Poet of the Sun, the Moon and the Stars’, – સૂર્ય, ચંદ્ર અને તારાના કવિ-તરીકે પરિચય આપેલો તેના અનુલક્ષમાં શ્રી મેધાણીને- ‘The Poet of the Soil’ – ધરતીના કવિ-તરીકે જરૂર એળખાવી શકય.
લોકસાહિત્યનું સશોધન અને સ્વતંત્ર સર્જન તે ઉપરાંત પણ મેઘાણીએ લેખનપ્રવૃત્તિ કરેલી છે. તે જોતાં એક સમર્થ રાષ્ટ્રસેવક રૂપે મેધાણી આપણને પ્રતીત થાય છે. ‘કલમકિતાબ’નું પાનું એ વિવેચનના સિદ્ધાન્તો ચર્ચવા માટે નહિ પણ લોકરુચિ ઘડવાની શાળારૂપે ચલાવતા હતા પત્રકારિત્વને એ એમણે ઠીકઠીક વરસો આપ્યાં. તેમાં પણ સચ્ચાઈ, નિર્ભીકતા અને લોકશિક્ષણનો જ આશય દેખાય છે. મેધાણી એક સાહિત્યકાર તરીકે જ નહિ પણ જે મહાજનોના ખમીરથી પ્રજાઓ ઘડાય છે તેમાંના એક તરીકે આદરપાત્ર લેખાશે.
આમ, મેઘાણીના સાહિત્ય અને જીવન ઉપર દ્રષ્ટિપાત કરતાં આપણી નાનકડી દુનિયામાં મેધાણી એક Phenomenon ઘટનારૂપ પુરુષ(વ્યક્તિ) સમા લાગે છે.
આજે એમણે ચારે ખૂણે ગુજરાતીઓમાં જન્માવેલી અંગત શોકની લાગણીનું માપ કાઢી શકવાની જેતે કલ્પનાશક્તિ હોય એવો કોઈ પણ સેવક આવા મૃત્યુને અવશ્ય ઝંખે. કેટલાં બધાં સ્નેહીઓ-જાણીતાં અને અજાણ્યાં- આજે શૂન્યતા અનુભવતાં હશે? કેટલાં બધાંના જીવનમાં મેઘાણી ઓતપ્રોત થઈ ગયા હતા ! એકાએક તાલી આપીને સૌની વચ્ચેથી એ ચાલ્યા ગયા છે. એમના અકાળ મૃત્યુએ આ લખનારની જેમ કેટલાનું જીવવું થોડુંક બેસ્વાદ કરી મૂકયું હશે !
આપણે ભાગે તો એ ધન્ય જીવન ગુજારી જનાર વીર ગાયકને માટે પરમ શાંતિની પ્રાર્થના કરવાની જ રહે છે :
‘માડી, તું તો સોડ્ય લઈ સુવરાવતી રે,
દિનભર રમતે થાક્યાં બાળ,
કે જાવું જગજનનીને ખોળલે રે.’
ઉમાશંકર જોશી
સંસ્કૃતિ : માર્ચ ૧૯૪૭ના અંકમાંથી