મેઘાણી સાહિત્ય સર્જન કેવી રીતે કરતા? વાંચો તેમના શબ્દોમાં

મેં ‘રસધાર’, ‘બહારવટિયા’ વગેરે લોકદીધા કાચા માલમાંથી જે જે વાર્તા કસબ કર્યો અથવા તો તદ્દન સ્વતંત્ર નવલો લખી તે એક જ વાર લખેલ છે. નવી હસ્તપ્રત બનાવી નથી. છેક-ભૂંસ ઓછામાં ઓછી, પણ પ્રૂફ હું જ વાંચું. ત્રણ વાર પ્રુફો નીકળે એ ત્રણ વાર હું નવેસર પીંછી લગાવતો જ રહું. નવી આવૃત્તિ દીઠ પણ એ જ પ્રમાણેનું સમારકામ ચાલે. જેટલી લાંબી વાર્તાઓ લખી છે તેમાંની અમુક અઠવાડિક હફ્તે છાપામાં મુકાતી મુકાતી લખાઈ.

દર અઠવાડિયે કેટલીક વાર તો છેલ્લા કલાકોમાં, હફતો પડવા ન દેવાય, નહીં તો વાચકોમાં નિરાશા થાય એ એક જ મુખ્ય દબાણ હેઠળ, લખાઈ. ‘વેવિશાળ’ અને ‘તુલસી-ક્યારા’નાં એ રીતે લખેલા પ્રકરણોને લોકોએ ઉત્તમ કહ્યાં. વિવેચકોએ પણ વખાણ્યાં.બીજી છ નવલો, કે જે પણ પ્રશંસાને પામી છે તે, વીસ દિવસથી લઈ ચાલીસ દિવસના ગાળામાં એકધારી પૂરી કરી.

હું કશી જ પૂર્વ યોજનાની રૂપરેખા બાંધ્યા વગર પ્રારંભ કરું છું. પ્રારંભ પૂર્વેની મનોદશા અત્યંત સરળ અકળાવનારી હોય છે : ચેન પડે નહીં. લખવાની ફરમાંથી કોઇપણ વાતે છટકવાની ઈચ્છા થાય. લખવું એ કોઈ સજા કે શાપ સમાન લાગે. લેખનના વ્યવસાયને પણ મનમાં ને મનમાં ગાળો ભાંડી લઉં. પણ પ્રારંભ કરું એટલે એની મેળે જ આકૃતિ ઉપસવા લાગે.

આજે મારી કૃતિઓના પ્રુફ વાંચતા વાંચતા હું પોતે જ વિસ્મય પામ્યો છું કે આવી દ્રષ્ટિ મને સુઝાડી કોણે! પણ તે વિસ્મય ખોટું છે. અકસ્માતો સર્જનની સૃષ્ટિમાં થઈ શકતા નથી. પ્રેરણા જ એકાએક અજવાળાં કરી આપતી નથી. પુષ્પના પ્રાગટ્યની ક્રિયા પ્રકૃતિના તાલબદ્ધ, નિયમબધ્ધ, મહાપ્રયત્નને આધીન હોય છે.

ચોમેર સંજોગો સાનુકૂળ હોય અને દિલ કોઈ ફૂલગુલાબીમાં ડોલતું મસ્તાન બની ગયું હોય તો જ લખાય છે, એવું મેં કદી અનુભવ્યું નથી. છેલ્લા બે મહિનાની વાત કરું. એક તરફથી બોટાદની અસહ્ય ગરમી, બીજી તરફથી એક બાળકને શીતળામાતાએ વાળેવાળ શૂળા પરોવ્યા ને એના પાણીપેશાબની મિનિટ – મિનિટની હાજતોની સંભાળ, પત્નીની માંદગી, વહેલા ઉઠી ચૂલો ફૂંકવાનો, ધૂંધવાતાં છાણાંનો ધુમાડો આંખોનાં પાણી જાણે કે બરછીઓ મારીમારીને કાઢતો હોય, મારા પોતાના હરસની કાળી વેદના, નાનાં બાળકોનાં હાથધોણા, એમને પખાળવાં ને એમનો ઝાડો ઉપાડવાની પણ ચાલુ સ્થિતિ, રાત્રિના ઉજાગરા, બીજી અને સાણસારીક જંજાળોની હૈયું શોષતી જટિલતા – એની વચ્ચેથી મિનિટો ઝડપી હું ટાગોરની કાવ્યસમૃદ્ધિમાં ઉતર્યો છું ને મને સંતોષે એવા ભાષાંતરો કર્યે જાઉં છું.

ક્યાં પસ- પરું ને વિષ્ટા? ક્યાં રવીન્દ્રનાથનાં કાવ્યોનાં ગુલાબ? બંને પડખોપડખ અને અડોઅડ, પણ મા શારદાએ સૂગ ચઢાવી નથી. એ તો મા જ છે – ગૂમૂતરને ગણકારતી નથી. એ તો સન્માનને માંગે છે – દિલની સચ્ચાઈપૂર્વકના અતૂટ પરિશ્રમને.પરિશ્રમ : હા, એ મેં કર્યો છે કદી પણ દિલચોરી નથી રાખી; સહેલાઈથી અને સસ્તે ભાવે સાહિત્ય સર્જાવી નાખવામાં મેં માન્યું નથી અને એવા સતત પરિશ્રમની વચ્ચે મેં કોઈ પણ બાહ્ય પ્રલોભનને આવવા દીધું નથી.

સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્વાકાંક્ષા, બંધારણો અને વાદોના ઝઘડા, એ બધી સાહિત્યના તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓના રૂપમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે. પરિશ્રમ મને પ્રિય છે. પરસેવો પાડીને મેળવેલું પરિણામ જે આવે તે મીઠું લાગે છે.

એ પરિણામ જાહેર જનતાને સંતોષે કે નહિ, એ પ્રશ્ન પછી ઉઠે છે. હું એક કામ પૂરું કરું છું ત્યારે મારો સંતોષ એ હોય છે કે મારી શક્તિની સમગ્ર મર્યાદા આવી રહ્યા સુધી મેં મહેનત કરી છે. ‘આથી વધારે સારું હું ન જ કરી શક્યો હોત’, એ થઇ મારી શક્તિની મર્યાદા.પણ હું મારી જાતને કદી એમ સમજાવી લેતો નથી કે મારી જાહેરમાં જે પ્રતિષ્ઠા જમા થઇ ગઈ છે તેને આધારે હું જે કંઈ ઘસડીને ફગાવીશ તે લોકો ચલાવી લેશે. ના, હું જાણું છું કે સાહિત્યકાર અને પત્રકારનું ગઈ કાલ સુધીનું કશું જ લોકો શ્રી પુરાંતે રાખતા નથી.

અગાઉ તમે ખૂબ અચ્છી કૃતિઓ આપી છે એટલે એકાદ નબળી લોકો નિભાવી લેશે, એમ કદી ગણશો નહીં. એથી ઉલટું, અગાઉ તમે લોકોને જે આસ્વાદ કરાવ્યો હશે તેનાથી ઉચ્ચ વાચનની લોકો તમારી પાસેથી અપેક્ષા રાખીને બેસશે. માટે બહેતર છે કે કંઈ વધુ ન આપો, પણ જે કંઈ પણ આપો તે તમારા સો ટકાના શ્રમનું જ અને તમારો પોતાનો સંતોષ પ્રાપ્ત કરી શકેલું પરિણામ હોવું જોઈએ.

પછી શક્તિ જે નવા સીમાડા સર નથી કરી શકતી તે માટે વલખાં પણ શાં? તમારો સ્વધર્મ તમારી શક્તિમર્યાદા તેમ જ જે વર્ગને તમે પહોંચવા માંગો છો તેની મર્યાદા નક્કી કરી લેવાનો છે. હું એવી બંને મર્યાદા બાંધી શક્યો છું, એટલે દિલને ધક્કા ખાવાના પ્રસંગો ઓછા આવે છે. છતાં લોકપ્રિયતા જેટલી વિશાળ તેટલા પ્રમાણમાં આપણે લોકદ્રષ્ટિની વેધક રોશનીના ભોગ પણ રહેવાના. જે લેખક વિધ્વ્દ્દવર્ગ અને જનસામાન્ય બેઉનો સન્માનનીય બને તેને માટે બેઉ ઘંટીના બે પડો સમાં બની રહે.

લેખનપ્રવૃતિમાં જબરા વિક્ષેપ પાડતા આંચકા લાગ્યા જ કરે. મારા સુભાગ્યે એ આંચકા મારે હિસ્સે પ્રમાણમાં ઓછા આવ્યા છે. તેમ છતાં એવા ઘાવ ઝીલી લઈને મૌનનું પાલન કરવાથી મારી માનસિક સમતા સચવાઈ શકી છે અને એવી સમતાની રક્ષા એ જ સર્જનકલાને દીર્ઘજીવી બનાવે છે.

– ઝવેરચંદ મેઘાણી


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s