તમારી પત્નીઓ લખે તો

હજી ગઈકાલે જ વિશ્વ મહિલા દિવસ આપણે ઉજવ્યો છે ત્યારે આ લેખ સહજ ધ્યાનાકર્ષક બને. મેઘાણી પ્રસ્તુત લેખમાં સર્જકોની પત્નીઓની વેદના રજૂ કરે છે. સંદર્ભ આમ તો પશ્ચિમનો છે પરંતુ અહીં તેનાથી જુદું હશે તેવું માની શકાતું નથી. આજે તો ઘણા મહિલા સર્જકો છે ઉપરાંત મહિલાઓના વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિને અવકાશ વધ્યો છે. પરંતુ સાહિત્ય અને જીવન વચ્ચે જે વિરોધાભાસની ખાઈ છે તે અંગે શું? સામાજિક ન્યાય અને સમાનતાના જે મૂલ્યોની આપણે સાહિત્યમાં પેરવી કરીએ છીએ તે તરફ જીવવાની આપણી તૈયારી કેટલી છે? આ વેધક પ્રશ્ન આ લેખ વાંચ્યા પછી આપણી સામે ઉભો થાય છે. આપણી કલમ અને જીવનને સતત તપાસતા રહેવાની દિશા આપણને મળે છે.

વળી મેઘાણીએ પોતાના પચાસ વર્ષના જીવનમાં કેટ કેટલું વિવિધ સર્જન તો કર્યું સાથે કેટલો વિવિધ અભ્યાસ કર્યો તેની જાણકારી પણ આપણને મળે છે.

-સંપાદક

મહાપુરુષોની મહત્તા સલામત છે – એમની પત્નીઓ ચુપ બેસે છે ત્યાં સુધી.

સાહિત્ય-જગતના મહાજનો એમની કૃતિઓમાં જ દેવતાઓ. દેખાય છે. એમના સત્ય જીવનની માટી તો એમની સ્ત્રીઓના પગે અફળાય છે.

કલ્પનામૂર્તિઓ અને ભાવનાસૃષ્ટિઓ વચ્ચે જીવનારો સાહિત્યકાર ધરતી. પર પગ મૂકે ત્યારે કેવા છબરડા વાળે છે!

ગુજરાતણોએ, હિન્દવાણીઓએ હજુ સ્વામીઓનાં ચરિત્રો લખવા માંડયાં નથી. આથમણી દુનિયામાં વિધવા પત્નીઓએ. પતિઓના જીવનગ્રંથો આપ્યા છે.

એવી છેલ્લી જીવનકથા તાજેતરમાં જેરસીએ આપી. છેઃ જેરસી એટલે વર્તમાન સદીના શિરોમણિ અંગ્રેજી નવલકાર જોસેફ કોનરેડની વિધવા.

આ વિધવાએ પોતાની વેદનાઓનાં છાજિયાં લેવા માટે પતિનું ચરિત્ર નથી લખ્યું. પૂરાં અઠ્ઠાવીસ વર્ષો સુધીનું જે પરણેતર, તેમાં સાહિત્યમણિ સ્વામીનું પોતે કેવું સર્વાંગી દર્શન કર્યું છે, તેનો એ માર્દવભર્યો, ક્ષમાવંતો સમજણો ને સાફ દિલનો ચિતાર છે.

પોતે તો છે અંગ્રેજ : ને કોનરેડ હતો પોલેન્ડનો વતની. વિધવા પોતાના સ્વામીની સાહિત્ય-સિદ્ધિને વંદન કરે છે. લખે છે કે 1878ના જૂન માસની 18મી તારીખે જોસેફ જ્યારે પ્રથમ પહેલી વાર બ્રિટનને કિનારે ઊતર્યો ત્યારે અંગ્રેજી ભાષાના જૂજ શબ્દો જ તેને આવડતા હતા.

આ શબ્દો એણે વહાણના ખલાસીઓ કનેથી અને ઉગમણી કંઠાળના માછીમારો તેમજ વહાણ મરામત કરનારાઓ કનેથી શીખી લીધેલા. નૌકામાં રહ્યેરહ્યે ત્યાં મળી આવેલી ‘સ્ટાન્ડર્ડ’ પત્રની એક જૂની પ્રત અને એક ચીંથરેહાલ બાઇબલમાંથી મહામહેનતે એણે પાનાં ઉકેલ્યાં હતાં. પોતે નૌકાપતિના હોદ્દા પર હતો.

અંગ્રેજી ભાષાના એક રત્નમણિ બનનાર સાહિત્યસ્વામીનું પ્રથમ બીજારોપણ આ રીતે થયું. અંગ્રેજી જબાનના માધુર્યને, શબ્દઝંકારને એણે. અહીંથી પકડ્યા. પણ શબ્દપ્રયોગોનો ઇલમી ગણાતો એ લેખક મરતાં સુધી શુદ્ધ અંગ્રેજી ઉચ્ચારો નહોતો કરી શક્યો.

એના વાણીપ્રભાવનું ને એના લટ્ટુવેડાનું તો અંગ્રેજ તરુણીઓ પર એક જાદુ જ છંટાઈ ગયું. કદાચ જેરસી પણ એ વશીકરણમાં જ ઝલાઈ ગઈ હશે.

યુવાવસ્થાની શૂન્ય એકલ ઘડીઓમાં, ન ભેદી શકાય તેવી એની અતડી અને એકલમી પ્રકૃતિમાં એને ઊર્મિઓ ઠાલવવાના સાથીઓ કોણ? એની કૃતિઓની હસ્તપ્રતો – એ હસ્તપ્રતો જ એની રહસ્યસંગિનીઓ બની રહેલી.

કેમકે એ તો એક ખલાસી હતો. દરિયાના અનંત એકાંતમાં એને મહિનાઓ સુધી જીવવાનું હતું. પ્રકૃતિથી મિત્રહીન હતો. જગતના તીરે તીર પર એ. ભમ્યો ને ભમતાં ભમતાં એણે પોતાની કથાનાં પાત્રોને આલેખ્યાં, ચાહ્યાં, સ્વજનો બનાવ્યાં. ધરતી પર તો તે પછી એ ઘણે. કાળે ઊતર્યો. દરિયો છોડીને કલમ તો એણે તે પછી પકડી.

આવા તરંગી પતિની પરણેતરને સંસાર-જીવનમાં ઘણું ઘણું વેઠવું પડેલું. પત્નીના જીવનમાં કોનરેડ એક અતિ લાડવેલા, બગડેલા, છેક ગાંડપણની હદે જઈ પહોંચેલા બાલક જેવો બન્યો હતો. કોઈ કોઈ વાર એ. હદ પણ વટાવી જઈ, દિવસોના દિવસો સુધી એ ગાંડો રહેતો.

પત્ની એક પ્રસંગ ટાંકે છેઃ .

હું પથારીવશ હતી. ઘરની દાસી પણ માંદી પડીને દવાખાને ગઈ હતી. મહાન સાહિત્યકાર પત્નીને પડતી મૂકી આ દાસીને મળવા ગયા. તમે કોણ છો? દર્દીનું નામ શું છે? એ પ્રશ્નોના જવાબ આપવાની એણે સાફ ના પાડી. છોકરીને મળ્યા વિના જ ભાઈસાહેબ દૂંઆપૂંઆ થતા ઘેર આવ્યા. છોકરી મરી ગઈ, કોનરેડ મેડી ઉપરના પોતાના ખંડમાં જઈ વીસ દિવસ સુધી પથારીમાં પડયો રહ્યો; ને ત્યાંથી મને કાગળ લખે –

‘ઓ વહાલી! તારાં દર્શન માટે હું ઝૂરું છું.’

કોઈને લાગે કે એ કેટલા જોજન દૂર પડ્યા હશે! ખરી રીતે એ હતા તો એ જ મકાનમાં : મારાથી એક જ માળ ઊંચે. હું તો એના લાડ જાણતી હતી એટલે. ન જ ગઈ.

પત્નીનાં બેઉ ઘૂંટણ પરનાં હાડકાં ભાંગેલાં. વળતા દિવસે જ ઓપરેશન કરાવવાનું ઠરે છે. બીજી બાજુ આ ભાઈસાહેબ કહ્યા-કરાવ્યા વિના તે જ રાતે ત્રીસ નામાંકિત મહેમાનોને વાળુ માટે નિમંત્રી લાવે છે!

ને એ તો વાળુમાં કેવી ઊંઘી ખોપરીના અતિથિઓ! એચ. જી. વેલ્સને તો ક્વીનાઈનના પાણીમાં ધોયેલ સૂકા પાંઉના ટુકડા સિવાય બીજું કશું ખપે જ નહીં; ને ભાઈ બર્નાર્ડ શોને કોપરું તથા સૂકી બિસ્કિટ જ બસ થઈ ગયાં. વાળુ ગેરવલ્લે ગયું. પતિનું ભેજું વીફરી. ગયું.

કોનરેડનો સંધિવા, કોનરેડના મિજાજો, કોનરેડની બેવકૂફીઓ, કોનરેડની ધૂનો ને પ્રતિષ્ઠાઃ એ. બધાના પાને પાને છલોછલ રસપ્રસંગો આલેખીને અંતે પત્ની પતિને ક્ષમા આપે છેઃ “શું કરે એ બાપડા! એ મહા સર્જકનું મન મારા જેવી સામાન્ય ગૃહિણીથી ન સમજાય એવા કોઈ અગમ નિગમમાં રમતું હશે એટલે જ તો!”

ઝવેરચંદ મેઘાણી

પરિભ્રમણ ભાગ – ૨ માંથી

પુસ્તકનો ટૂંક પરિચય

‘પરિભ્રમણ’નું નવસંસ્કરણ. ભાગ-૨ (પૃષ્ઠસંખ્યાઃ ૫૬૦).

સંપાદનઃ જયંત મેઘાણી-અશોક મેઘાણી.

ભાગ-૨

  1. પરભાષાના પ્રદેશમાં- દેશ-વિદેશની સાહિત્યસૃષ્ટિ
  2. પત્રકારની દુનિયામાં- દેશવિદેશનું પત્રકારત્વ
  3. કલાજગત- વિવિધ કળાઓ અને કલા-પ્રવૃત્તિઓ
  4. ઘરદીવડા- ગુજરાતના અને ભારતના સાહિત્યિકોનાં જીવન
  5. વેરાનમાં – દેશવિદેશના સાહિત્યનાં આસ્વાદલક્ષી લખાણો અને અનુવાદો


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s