“એક દિવસ બપોરના મેઘાણીભાઈ ગુજરાત વિદ્યાસભામાં આવી ચડયા. થોડી વાર પછી ચા માટે સૌ ઉપર ગયા, ચા પીને બધા નીચે ઊતરતા હતા ત્યાં પહેલા માળે સામેના કમરામાં એમ.એ.ના વિદ્યાર્થીઓનો વર્ગ હતો તે બતાવીને મેં એમને વિનંતી કરીઃ અત્યારે મારે વર્ગ લેવાનો છે. આપને જે અગવડ ન હોય તો! વિદ્યાર્થીઓ સાથે વાતો કરશો ?
એમણે સહજભાવે તરત હા પાડી અને વર્ગમાં દાખલ થયા, વિદ્યાર્થીઓ અને અમે બધા રાજીરાજી થઈ ગયા.
લોકસાહિત્યનો ઝોળો એમણે ખોલ્યો. એકમાંથી બીજી વાત નીકળતી આવે. અનેક વિષયો ઉખેળ્યા. પણ એ ઠર્યા સોરઠના સંતોની વાત પર આવીને. એ વખતે સંતવાણીના સંશોધનમાં એ મશગૂલ હતા. પૂરા અઢી કલાક ક્યાં પસાર થઈ ગયા એનો ખ્યાલ પણ રહ્યો નહિં. લોકસાહિત્યની વાત કરતાં એમને કદી શ્રમ જણાતો નહિ.
કાર્યક્રમ પૂરા થયા પછી મેં વિનંતી કરીઃ ‘ચાલો, ઘેર જઈએ.’
“ચાલે,” કહી મેઘાણીભાઈ આગળ ચાલ્યા.
એમનું આતિથ્ય કરવાનો અધિકાર એમણે અમને આપેલો હતો, નરી વત્સલતાથી, કોઈ કોઈ વાર ધેર આવી ચહે અને ખીંટીએ એમની સુંદર ભરત-ગૂંથેલી થેલી ભેરવીને મોટેથી કહે; ‘અહીં જમવાનો છું, હોં!’
આજે ઘેર આવ્યા તે પણ એવા વત્સલ અતિથિરૂપે.
સાંજે જમવા બેઠા ત્યારે કહે, ‘આજે મને પચાસ થયાં.’
મેં કહ્યું, ‘તો તો વિદ્યાર્થીઓ વચ્ચે ટીક ઉજવણી થઈ.’
મને થયુ કે સારસ્વતને શોભે એ રીતે સદભાગ્યે એમની સુવર્ણજયંતીનો દિવસ ઊજવાયો અને તે પણ ઉચ્ચ અભ્યાસ કરનારા નવી પેઢીના યુવકો સમક્ષ એમના પ્રિય વિષય લોકસાહિત્યના જ અનુશીલનથી. મન મૂકીને કેવી એમની વાગ્ધારા રેલાવી રહ્યા હતા !
મેધાણીભાઈની લોકપ્રિયતા એટલી બધી હતી કે એમનો સુવર્ણમહોત્સવ ગુજરાત પૂરા દિલથી જાહોજલાલીપૂરક ઉજવત. પણ મેઘાણીભાઈ આવી બાબતોમાં જુદી રીતે જોનારા હતા તેનું આ પ્રસગમાંથી દર્શન થયું.
એક બીજા મહત્ત્વના પ્રસંગનું સ્મરણ સહેજે થાય એવું હતું. મુંબઈમાં એમણે લગ્ન કર્યું ત્યારે બપોરે તો હું ‘જન્મભૂમિની ઓફિસમાં એમની સાથે હતો. બીજે દિવસે ગયો ત્યારે કહે, એમાં જાહેરાત શી કરવાની હોય. મારે માટે તો જીવનની એ એક સ્વાભાવિક ઘટના હતી.
મારી સમક્ષ મેઘાણીભાઈની એક મૂર્તિ ઊભી થાય છે. તે જાણે કે મને ઉદ્દેશીને કહે છે : જેમ એ દિવસે ખાસ બધાને કહેવાનો પ્રસંગ ન હતો, તેમ આ દિવસે પણ ગુજરાતને કહેવાતો કોઈ પ્રસંગ ન હતો.
જમતાં જમતાં એ દિવસે એમણે કહેલું : ‘આજે શ્રાવણ વદ પાંચમ.?’
-એટલે કે એમને જન્મદિવસ.
પૃથ્વીના ઇતિહાસમાં કોઈ માનવીના જન્મદિનનું મહત્ત્વ શું ? જે પુરુષાર્થીઓ જીવનકાર્ય દ્વારા જગતને જરીક પણ ઉજમાળુ બનાવે છે – જરીક પણ વધુ મધુર બતાવે છે -તેઓનો જન્મદિન આપોઆપ જાણે કે એમને પ્રસવનારી ધરતીનો પોતાનો જન્મદિન બની રહે છે.
ધરતીના એક સાચા સુપુત્રનો અંતિમ જન્મદિન કેવી રીતે ઊજવાયો હતો તેની વાત એમના જન્મદિનઉત્સવ – પ્રસંગે આજે સાંભરીને આપણે એમના પુણ્યસ્મરણમાંથી પ્રેરણા મેળવીએ.
ઉમાશંકર જોશી
(મેઘાણી જન્મદિન પ્રસંગે : ઓગસ્ટ ૧૯૬૪ના રોજ સંસ્કૃતિમાં પ્રકાશિત)