રાષ્ટ્રપ્રેમ અને રાજદ્રોહની ચર્ચા છેલ્લાં દાયકામાં આપણે સતત સંભાળીએ છીએ. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં પણ ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ સામે રાજદ્રોહનો કેસ અંગ્રેજ સરકાર લગાવતી. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ તે કાયદો ખાસ બદલાયો નથી તેમજ સરકારનું વલણ પણ.
આમ તો રાજદ્રોહ એક ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સત્તાધારીઓ પોતાની લાજ બચાવવા કે પછી વિરોધીઓનું મોં દબાવવા માટે કાયદાનો કેવો દુરુપયોગ કરે છે તે આપણે જાણીએ છીએ, પછી તે આદિવાસી વિસ્તારમાં આરોગ્યનું કામ કરતા વિનાયક સેન હોય કે પછી પર્યાવરણ પર કામ કરતી ૨૧ વર્ષીય દિશા રવિ હોય. આવા દુરુપયોગને કારણે માનવ અધિકાર કાર્યકર્તાઓ અંગ્રેજોના જમાનાનો રાજદ્રોહનો કાયદો બદલવાની રજૂઆત વારંવાર કરતા આવ્યા છે. રાજદ્રોહના મામલે દુઃખની વાત એ છે કે આ કાયદો લેખકો, સર્જકો, બૌદ્ધિકો, પત્રકારો અને આંદોલનકારીઓ સામે જેટલો વપરાય છે, એટલો ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ અને ખરા આતંકીઓ જેવા દેશદ્રોહીઓ સામે ભાગ્યે જ લગાવવામાં આવે છે.
નવી સરકાર આવી ત્યારથી રાજદ્રોહના કેસોમાં વિક્રમી વધારો થયો છે. વળી સામે આ આરોપ સાબિત થતો નથી. ટૂંકમાં સમજાય છે એટલું કે આજે પણ સરકારોમાં બેસેલાં લોકો પોતાની સત્તા જાળવવા અને લોકોમાં ભય રહે તે હેતુથી આ કાયદાનો ઉપયોગ કરે છે. વ્યક્તિઓ માટે પોતાને નિર્દોષ સાબિત કરવાની પ્રક્રિયા થકવી દેનારી અને નાહિંમત કરનારી હોય છે.
તેમ છતાં સરકારની નીતો સામે પ્રશ્નો ઉઠાવતા કર્મશીલો, સર્જકો, પત્રકારો અને ખાસ કરીને યુવાનો સરકારની અન્યાયી નીતિઓ સામે સતત અવાજ ઉઠાવતા રહી આપણી લોકશાહીને જીવતી રાખી રહ્યાં છે. તેમનામાંથી ઘણાં સામે રાજદ્રોહના કેસ લગાવવામાં આવે છે. છેલ્લાં છ વર્ષોમાં યુવાનો સામે આ કાયદાનો વિશેષ ઉપયોગ થયો છે. વળી આજે તો રાજદ્રોહ કરતાં પણ વધુ ભયાનક અને નાગરિકોના અવાજને દબાવતો ‘ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિયંત્રણ કાયદો’ (UAPA) અમલમાં આવ્યો છે. ત્યારે….
એ હકીકત ઘણાં ઓછા લોકો જાણતા હશે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પર પણ ખોટી રીતે રાજદ્રોહનો કેસ ઊભો કરાયેલો અને તેમને બે વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. રાજદ્રોહની ચાલુ ચર્ચામાં ઐતિહાસિક ઘટનાની કેટલીક વાતો ધ્યાને લેવા જેવી છે; પ્રેરક છે.
મીઠાના સત્યાગ્રહમાં મેઘાણી પર રાજદ્રોહ

આઝાદી-લડત ચાલી ત્યારે પ્રસંગે પ્રસંગે આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઈ ‘સિંધુડો’ ગાતા રહ્યા. ‘કંકુ ઘોળજો જી કે કેસર રોળજો’ એ સત્યાગ્રહીઓને જાગ્રત કરવા માટેનું ગીત. આ ગીતોએ સૌરાષ્ટ્રના જુવાનોમાં એક પ્રકારની ખુમારી પ્રગટાવી. સત્યાગ્રહીઓ સંગ્રામ દરમિયાન અને કારાવાસમાં એ ગીતો મસ્તીભેર ગાતા રહ્યા. ભયંકર જુલમો ને ભીષણ યાતનાઓ સામે ઝૂઝવાની હિંમત આ ગીતોએ ભરી આપી.
સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે શરુ થયેલી દાંડીકૂચ 6ઠ્ઠી એપ્રિલના રોજ ગાંધીજીએ મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ સાથે સમાપ્ત થઇ. પરંતુ દેશભરમાં સવિનય કાનૂન ભંગ સત્યાગ્રહ શરૂ થયો. 6ઠ્ઠી એપ્રિલે અમૃતલાલ શેઠના નેતૃત્વમાં ગુજરતના ધોલેરા સત્યાગ્રહનો પ્રારંભ થયેલો. લગભગ આજ દિવસોમાં મેઘાણીનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ પ્રસિદ્ધ કરવામાં આવેલો.
પહેલી આવૃત્તિ ને 10,000 નકલ છપાઈ એમાંની મોટા ભાગની નકલ તો ખપી ગવેલી. પણ એની તાકાત જોઈને સરકારે ‘સિંધુડો’ જપ્ત કર્યો. બસ, સત્યાગ્રહીઓએ પડકાર ઉપાડી લીધો. ભાવનગરમાં એક મકાનના ભોંયરામાં, ભાઈ રતુભાઈ અદાણીના સુંદર હસ્તાક્ષરવાળી મૂળ આવૃત્તિની આબેહૂબ પ્રતિકૃતિ જેવી 5,000 નકલો સાયક્લોસ્ટાઇલ થઈને જ્યારે લોકો વચ્ચે ઠેર ઠેર વહેંચાવા માંડી ત્યારે સરકારનો જપ્તી-હુકમ હાંસીપાત્ર બની ગયો.

મેઘાણીનાં શૌર્યગીતોએ સત્યાગ્રહીઓમાં નવી હિમત અને નવું જોમ ભર્યું હતું, સત્યાગ્રહની અસકારકતા વધી અને વ્યાપક બન્યો. પરંતુ ‘સિંધુડો’ના સર્જક મેઘાણી અંગ્રેજ સરકારની નજરમાં આવી ગયેલા. 27મી એપ્રિલે બરવાળાના આગેવાનોને ધંધુકા જેલમાં મળવા ગયેલા મેઘાણીને પોલીસે પકડી લીધા. તેમના પર જુઠ્ઠા આરોપો મૂકીને રાજદ્રોહનો કેસ કરાયો.
બીજા દિવસે મેજિસ્ટ્રેટ ઇસાણીની વિશેષ કોર્ટમાં તેમને હાજર કરાયા ત્યારે હજારો લોકોથી કોર્ટરૂમ છલકાઈ ગયેલો. પોતાનો બચાવ કરવાનો ઇનકાર કરીને મેઘાણીએ પ્રાર્થના ગાવાની મંજૂરી માગી. મેજિસ્ટ્રેટની અનુમતી પછી મેઘાણીએ ‘સિંધુડો’ની એક રચના ‘છેલ્લી પ્રાર્થના’ ગાઈ, જેના શબ્દો હતા, ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ…’ કહેવાય છે કે ગીત સાંભળીને આખો કોર્ટરૂમ હિબકે ચડેલો, એટલું નહિ ખુદ મેજિસ્ટ્રેટની આંખો પણ ભીંજાઈ ગઈ હતી.
‘સૌરાષ્ટ્ર’ના તા 3-5-1930ના અંકમાં પ્રગટ થયેલો ધંધુકાની અદાલતનો અહેવાલ :
શ્રી મેઘાણીએ પોતાનું નિવેદન વાંચ્યું… ત્યારબાદ તેમણે કોર્ટની પરવાનગી માગી કે, ‘મારે એક પ્રાર્થના ગાવી છે, પરવાગી હોય તો ગાઉં’. કોર્ટે રજા આપી. શ્રી મેઘાણીની છાતીના બંધ આજે તૂટી ગયા હતા આર્તસ્વરે એમણે પ્રાર્થના ગાઈ :
હજારો વર્ષની જૂની અમારી વેદના,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ:
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ !
– જેમજેમ પ્રાર્થના આગળ ચાલી, તેમતેમ એ માનવમેદની પૈકીની સેકડો આંખો ભીની થવા માંડી. અને એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ ગવાઈ નહીં પણ શ્રી મેઘાણીનો આર્તનાદ અડધો સંભળાયો, ત્યાં તો સેંકડો ભાઈ-બહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવો નીચે છુપાઈ અને પછી –
પ્રભુજી ! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
એ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાનાં દ્વારોમાં ખડકાવેલાં ને ચોમેર ઓસરીમાં ઊભેલાં ભાઈ-બહેનોનાં ડૂસકાં પથ્થરને પણ ચીસો પડાવે તેવી રીતે હીંબકવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રુદનના સ્વરો ગાજવા માંડ્યાં અને છેલ્લે
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.
એ પંક્તિઓ આવી [એ પછી] શ્રી મેઘાણી… પોતાના આસને બેઠા, ત્યારે તો ખરેખર એ માનવ-મેદની રોતી જ હતી. દસેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું.
મેજિસ્ટ્રેટે ચુકાદો બીજા દિવસ સુધી મુલતવી રાખ્યો. ને બીજે દિવસે મેઘાણીને બે વર્ષની સજા કરવામાં આવી.
‘સિંધુડા’ વિશે મેઘાણી

પુસ્તકના નિવેદનમાં મેઘાણી ‘સિંધુડા’નો પરિચય આપણને આપે છે.
‘આશરે છેલ્લા એક વર્ષથી “સૌરાષ્ટ્ર’ના મુખપૃષ્ઠ ૫૨ જે ગીતો દેખાતાં હતાં તેનો – થોડાંએક બીજાં સહિત – આ નાનો સંગ્રહ ‘સિંધુડો’ નામે પ્રગટ થાય છે. “સિંધુડો’ શબ્દ ગુજરાત-કાઠિયાવાડમાં જાણીતો છે. એ યુદ્ધના અને શૌર્યના સૂરનું સૂચન કરે છે. ગીતો કાવ્યત્વની કસોટીએ તો કાચાં જ છે; પણ પ્રસિદ્ધિ કરવાનો અધિકાર એક જ છે; જેઓએ વાંચ્યાં-સાંભળ્યાં છે તેઓની ચાહના. કેટલેક સ્થળે મોટી મેદિનીઓ વચ્ચે પણ એ ઝિલાયાં છે.
આમાંનાં કેટલાંએક યુરોપી કવિતાનો આધાર લઈ રચાયાં છેઃ બાકીનાં સ્વયં-સ્કુરિત છે. સ્વયં-સ્ફુરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઈ રચેલાંની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું સ્વયં-કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.’
સરકાર ત્યારની કે આજની…..જાણે બધી સરખી!
રાજદ્રોહ શીર્ષક હેઠળ લખાયેલી ‘સિંધુડા’ [કાનૂનભંગ આવૃત્તિ]ની પ્રસ્તાવનામાં સ્વતંત્ર સેનાની વજુભાઈ શાહ તે સમયની સરકારના ચરિત્રનું ચિત્રણ કર્યું છે જે આજે પણ પ્રસ્તુત લાગે છે. વળી સત્યાગ્રહના પ્રયત્નો પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
‘મુંબઈની સરકારે ‘સિંધુડો’ શા માટે જપ્ત કર્યો હશે ! ‘સિંધુડા’ના સંગ્રામ-ગીતો શું એવાં ભયાનક છે? એક વખત ‘નીતિનાશને માર્ગે’ જેવું પુસ્તક જપ્ત કરનાર સરકારની આ પણ એક બેવકૂફી તો ન હોય!
બાકી તો, સરકારની માયા અકળ છે. પોતાની હસ્તી કાયમ રાખવા એ. અનેક રૂપ લે છે. નીચી મૂછ કરતાં પણ આવડે છે. ઘોર વિશ્વાસઘાત પણ અજાણ્યા નથી અને સમય આવ્યે નગ્ન રૂપમાં સંપૂર્ણ પાશવતા પણ પ્રગટ કરે છે. આજે એ છેલ્લું સ્વરૂપ છે.
રાક્ષસી બળ ધરાવતી આ સરકાર સામે આપણે યુદ્ધ આદર્યું છે. સરકારના એકેએક કાયદાના ચૂરા કરવા, સરકારને સરકાર તરીકે કબૂલ ન જ રાખવી, એ આજના યુદ્ધનું રહસ્ય છે અને આ ‘સિંધુડા’ની પ્રસિદ્ધિ એવા જ કાનૂનભંગને આભારી છે.
‘સિંધુડા’નાં સંગ્રામ-ગીતોમાં ખરેખર મડદાંઓમાં પ્રાણ પૂરવાની શક્તિ હો કે ન હો, પણ સરકારના એક જુલ્મી કાયદાનો નાશ કરવાની શક્તિ તો છે જ. 1930ની 6ઠ્ઠી એપ્રિલને પ્રભાતે “સિંધુડા’નો જન્મ થયો. આજે બે વર્ષે એ જ પ્રભાતે, એ જ રણક્ષેત્ર ઉપર ‘સિંધુડો’ ‘રજદ્રોહ’નો અવતાર લઈ જન્મ પામે છે. સરકાર એને નહિ મારી શકે.’
‘સિંધુડો’ અમર છે. મેઘાણી પણ….અને લોકશાહી માટે નાગરિકોની જદ્દોજહદ પણ….
સંકલિત રજૂઆત : પાર્થ ત્રિવેદી