મેઘાણીએ જેમને ‘રઢિયાળી રાતનો’ ભાગ ચોથો અર્પણ કર્યો છે તે ‘બગવદરનાં મેરાણી બહેન ઢેલી’ને થોડાં વર્ષો પહેલાં મળવાનું થયેલું.
‘રઢિયાળી રાત’ તેમને અર્પણ થયાનું સ્મરણ હતું. એટલે મેઘાણી વિશે પૃચ્છા કરી : મેઘાણી અહીં ક્યારે આવેલા? શું બન્યું હતું? વગેરે. ઢેલીઆઈ વાતડાહ્યાં જાજ્વલ્યમાન મેરાણી છે. એમણે આખી વાત માંડીને કહી :
‘મને ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ મારી પાસે આવ્યા. ધોળાં ધોળાં લૂગડાંમાં મોટી મોટી આંખો નીચી ઢાળીને મારે આંગળે ઈ ઊભા હતા. જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ! મેં તો ઓટલીને ગોદડું પાથરી દીધું ને બેસાડયા. હું હેઠે બેસવા જતી’તી ત્યાં પગે પડીને ‘હં… હં… હં… તમે અહીં ઉપર બેસો નહીંતર હું ય નીચે બેસું’ એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં’તાં તેની અર્ધા અર્ધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં.
પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતાં ન આવડે એટલે પોતે હસે. હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં! આજુબાજુનાં ય ભેળાં થઈ ગયાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં.
જમવા બેઠા. પાટલો ઢાળ્યો હતો; પણ પોતે પાટલે ન બેઠા. હું નીચે બેઠી બેઠી રોટલા ઘડતી હતી તે પોતેય નીચે બેઠા! ઘણું કહું તો કહે, “રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચો બેસે ઈ ક્યાંનો ન્યાય ?’ મને તો અમારા ગાર્યવાળા ઘરમાં એનાં લૂગડાં બગડે એનો જ ભે હતો, પણ પોતે એકના બે ન થયા. અને હજી તો પૂરા જમી ન લે એની મોર્ય તો આખું ગામ ઓસરીમાં ભેળું થઈ ગયું. અમારી કોમમાં ગીતો ગાવાં-સાંભળવાં બહુ ગમે.
જમીને એમણે એક ગીત ગાયું – અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં. અમે તો બધા એના મોઢા સામું જોઈ જ રહ્યાં ! અને પછી તો એક પછે એક, રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે જ રાખ્યું. પછી અમારો વારો આવ્યો. અમે આઠ-દસ બાયુંએ ગીત ગાવા માંડયાં પણ બધી બાયું ભેળી થાય તો બેસીને કેમ ગવાય ? થયાં ઊભાં, અને ફળિયામાં જ રાસડા માંડયા ! પોતે તો હમણા ઢગલો એક હસી નાખશે એવા થતા થતા કાગળિયામાં ટપકાવ્યે જાય. જોણાને ને રોણાંને તેડું થોડું હોય ?
ઢગ બાયું ભેગી થઈ અને અંધારું થયા લગી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછાં ભેળાં થયાં તે એક પછી એક નવાં નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાંક મરકડાં કીધાં અને સહુને હસાવ્યાં.
થોડાંક રહી જાતાં’તાં એ ગીત સવારે પણ મેં ગાયાં. અને પોતે તો મારાં વખાણ કરતાં કરતાં નીચી મૂંડકી રાખીને લખ્યે જાય. મનેય ગીતો બઉ મોઢે; સવારો સવાર ગાઉ પણ એકેય ગીત બીજી વાર નો આવે ! અહીંથી પોતાને બખરલા જવું હતું. એટલે શિરામણ કરીને ગાડું જોડ્યું. પણ પોતે કહે, “હું ગાડામાં નહીં બેસું, એક જીવ તાણે ને બીજા જીવથી અમથું અમથું નો બેસાય.’ સંધાયની આંખમાં પાણી આવી ગયા. પોતે લૂગડાં સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને ચાલતા . ઓહોહો ! આવો માણસ મેં કોઈ દી’ જોયો નથી. એની હાજરીનો કોઈ કરતા કોઈ ભાર જ નો લાગે !….’
મેઘાણીભાઈની તસવીર, નેવું વરસ વટાવી ચૂકેલાં ઢેલીઆઇની આંખમાંથી મેં પીધી!
નરોત્તમ પલાણ
મેઘાણીભાઈએ પોતાનાં લોકગીતોના પ્રખ્યાત સંગ્રહ ‘રઢિયાળી રાત’ ઢેલીબહેનને સમર્પિત કરતાં લખ્યું કે – “અર્પણ : અઢાર વર્ષો પહેલાં આ લોકગીતોની પ્રથમ લહાણી આપનાર બગવદરનાં મેરાણી બહેન ઢેલીને.’ ઢેલીબહેન ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન પામ્યાં.