મારા મોટાભાઈ મહેન્દ્રભાઈ અને સૌથી મોટા કનુભાઈના અવસાન બાદ કોઈ પણ પ્રસંગે ઇન્દુભાઈ-રંજનભાભીનાં સલાહ-સૂચનો અમારા માટે ખૂબ જ મહત્ત્વ રાખતાં. હું તો મૅટ્રિક પાસ કરીને રાજકોટથી અમદાવાદ તેમની સાથે રહેવા, (નામ પૂરતું) ભણવા તથા આર્થિક રીતે પગભર થવા આવ્યો. જોકે, મારા બે-ફિકરા સ્વભાવથી પરિચિત એવા ઇંદુભાઈએ પ્રથમ શરત મૂકી હતી કે ભણવું અને કમાવું પડશે. રાજકોટની રખડપટ્ટીને અહીં કોઈ સ્થાન નથી. તેઓ પોતે પણ મૅટ્રિક પાસ કરીને પોતાના અને ભણવાના ખર્ચ સાથે યથાશક્તિ ઘરખર્ચમાં પણ મદદ કરતા એટલે મારે પણ એમના નકશેકદમ પર ચાલવાનું હતું. આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હોવાથી શરૂઆતમાં તેઓનો કૌટુંબિક બહિષ્કાર થયો હતો, પરંતુ પહેલાં મને અને પછી મારાથી નાના પરેશને અમદાવાદ બોલાવી, સાથે રાખી, સેટલ થવામાં મદદ કરીને કુટુંબમાં બધાંનો પ્રેમ સંપાદિત કર્યો.
ઇન્દુભાઈ સૌથી વધારે જાણીતા થયા હોય તો તે તેમના નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવ અને સત્યનિષ્ઠાને કારણે. સાચી વાત હોય તો ગમે તેવા ખમતીધરને પણ દાદ ન આપે. બૅંકમાં હતા ત્યારે સ્ટાફના સાથી મિત્રોના પ્રશ્ર્નો લઈને મૅનેજમેન્ટની સામે થઈ જાય. આમ, આવો વિદ્રોહી સ્વભાવ (ખોટું ન સહન કરવાનો) હોવા છતાં બોલવામાં અને વર્તનમાં એકદમ મૃદુભાષી અને સંસ્કારી. વર્તનમાં ક્યારેય (મારી જેમ) તોછડાઈ ન આવે, અને મને ઠપકો આપે તોય હસતાં-હસતાં, પણ એટલી સચોટતાપૂર્વક કહે કે વાત સોંસરવી ઊતરી જાય.
મારા કૉલેજકાળમાં, જ્યારે મારી પાસે જૉબ નહોતી ત્યારે ખિસ્સા-ખર્ચી માટે હું ઇન્દુભાઈને કહેતાં ડરું (શું કામ જરૂર છે? -નો જવાબ આપતાં). ભાભી પાસેથી આવી જરૂરત આસાનીથી પૂરી થતી. અમારા બંનેના ચહેરા ઘણા મળતા આવે એટલે અવાર-નવાર તેમના મિત્રો પૂછે કે, “હેમંત તમારો ભાઈ થાય? તો સાવધાનીથી ઉત્તર આપે કે : “હા, પણ સારા અર્થમાં… અમારા બંનેના આચાર-વિચારમાં બે ધ્રુવ જેવું અને જેટલું અંતર. એટલે જ કોઈને મારા માટે ખોટી માન્યતા – ઇંદુભાઈનો ભાઈ હોવામાત્રથી જ – બંધાઈ ન જાય તે માટે સાવચેતીપૂર્વક જવાબ આપે (જોકે, આપણા રામને કોઈ ફરક ના પડે). હું તો ઇન્દુભાઈ આટલું અને આવું કહે તોય તેને મોટો શિરપાવ સમજું.
સખત સિદ્ધાંતવાદી. બીજાની વાત જવા દો, મારે માટે પણ ક્યારેય પોતાના સંબંધોનો ઉપયોગ ન કરે તેવા. ક્યારેય કોઈની પાસેથી ખોટી આશા-અપેક્ષા ન રાખે, અને હક્ક માટે લડી જાણે. ગાંધીજીનાં સાદાઈ અને સદ્વિચારને વરેલા. એમનું જીવન એટલે ખળખળ વહેતા ઝરણાની જેમ બધું સાવ સ્વાભાવિક. ભણતર અને ગણતરનો સુંદર સમન્વય. મૂર્તિપૂજા અને વ્યક્તિપૂજાના વિરોધી. કૉલેજકાળ અને લગ્ન પછી સારાં અને સુઘડ કપડાંના શોખીન, પરંતુ રફતે-રફતે ગાંધીજીની ખાદીનાં વસ્ત્રો જ પહેરતા.
ઇન્દુભાઈની આદત મુજબ એક શે’ર સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી વિરમું છું.
“રહેને દો સદા દહર (સંસાર)મેં, આતા નહીં કોઈ,
તુમ જૈસે ગયે, ઐસે ભી જાતા નહીં કોઈ.
– હેમન્તભાઈ જાની