ઇન્દુભાઈ વિશે સાથીઓ…ભાગ-૫

પારકી છઠ્ઠીનો જાગતલ, નામે ઇન્દુભાઈ જાની


આપણા સમાજવાદી રાજપુરુષ સ્વ. રામ મનોહર લોહિયાએ ગાંધી-વાદીઓને ચાર પ્રકારમાં વિભાજિત કર્યા છે:

૧. દાર્શનિક ગાંધીવાદીઓ

૨. રાજશ્રી ગાંધીવાદીઓ

૩. કર્મશીલ ગાંધીવાદીઓ અને

૪. કજાત ગાંધીવાદીઓ.

મહાજનીય પરંપરાના જમણેરી અને મધ્યમવર્ગીય માનસિકતા ધરાવતા ગુજરાતમાં દાર્શનિક ગાંધીવાદીઓ, રાજશ્રી ગાંધીવાદીઓ તેમ જ કર્મશીલ ગાંધીવાદીઓ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ કજાત ગાંધીવાદીઓ એટલે કે પારકી છઠ્ઠીના જાગતલ ગાંધીવાદીઓનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. આઝાદીનાં ફળોથી વંચિત રહી ગયેલા શોષિત-દલિત-ગરીબ વર્ગોના સામાજિક તથા આર્થિક ન્યાયના અધિકાર માટે સંઘર્ષ કરનારા તેમ જ રચના અને સંઘર્ષનું સમન્વિત જાહેર જીવન જીવનારા ગાંધીવાદીઓનું પ્રમાણ આંગળીના વેઢે ગણી શકાય એટલું ઓછું છે. “ઇન્દુભાઈ જાની એટલે પારકાના તકદીર માટે લડનારો, પારકી છઠ્ઠીનો જાગતલ કજાત ગાંધીવાદી.

તમે ગુજરાતમાં ધારો તો ખૂબ જ સહજ રીતે ધર્મને નામે ઢોંગ કરીને ધર્મપુરુષ બની શકો. અરે ! થોડી વધુ સારી કારીગરી કરતા આવડે તો તમે અવતારી પુરુષ પણ બની શકો. ઇન્દુભાઈ જાની અકસ્માતે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, તેમણે ધાર્યું હોત તો બ્રાહ્મણવાદી બનીને મનુવાદી સમાજ-વ્યવસ્થાના વિશેષાધિકારો ભોગવી શક્યા હોત, પરંતુ આ પારકી છઠ્ઠીના જાગતલ પ્રગતિશીલ બ્રાહ્મણના દીકરા, મનુસ્મૃતિના જાતિવાદી અધિકારો, ધર્મશ્રદ્ધાના અને અંધશ્રદ્ધાના વિશેષાધિકારો, એક્કી ઝાટકે પોતાના મન અને હૃદયમાંથી ખેંચી કાઢીને, વિવેક બુદ્ધિવાદી બનીને વૈશ્ર્વિક માનવવાદને સમર્પિત થઈ ચૂક્યા.

ઝીણાભાઈ દરજી જ્યારે જમીન વિકાસ બૅંકના પ્રમુખ હતા તે દરમિયાન ઇન્દુભાઈ જાની બૅંક કર્મચારીઓના પ્રશ્ર્ને ધરણાં કરી રહ્યા હતા.  ઝીણાભાઈ ઇન્દુભાઈમાં બીજાના અધિકારો માટે લડવાના વિદ્રોહને અને સંવેદનાને પામી ગયા. ઝીણાભાઈ ઇન્દુભાઈ જાનીને લઈને ગુજરાતના આદિવાસી પટ્ટા પર ફરી વળ્યા અને કહ્યું, “ભાઈ ઇન્દુકુમાર, બૅંકના સંગઠિત કર્મચારીઓ માટે લડનારા તો ઘણા નીકળશે, પરંતુ આ અસંગઠિત, શોષિત, વંચિત આદિવાસીઓ માટે કોણ લડશે? ઝીણાભાઈની આ વાત સાંભળીને ઇન્દુકુમાર જાનીના હૃદયમાં બેઠેલો પારકી છઠ્ઠીનો જાગતલ સોળે કળાએ ખીલી ઊઠ્યો…. અને ઇન્દુકુમારે લખ્યું, લો ત્યારે આ બૅંકની નોકરી છોડી અને હવે ગુજરાતના આદિવાસીઓ દલિતો, શ્રમિકો, મહિલાઓ અને બાળમજૂરોના આર્થિક-સામાજિક-શૈક્ષણિક અને રાજકીય અધિકારોના સશક્તિકરણ માટે અને સંઘર્ષ માટે ઇન્દુકુમાર જાની સમર્પિત છે.

તે દિવસથી લઈને ઇન્દુકુમાર જાનીએ કોરોના વાઇરસને પોતાનું જીવન સમર્પિત કર્યું ત્યાં સુધી અવિરત પારકી છઠ્ઠીના જાગતલ બનીને ગુજરાતના આદિવાસીઓ, દલિતો, શ્રમિકો, કારીગરો, ગણોતિયા, હળપતિઓ, મહિલાઓ, અલ્પસંખ્યકો તથા બાળમજૂરોના સશક્તિકરણ અને સામાજિક ન્યાય માટે પોતાનું જીવન ઊર્જાપૂર્વક અને વિદ્રોહ સાથે જીવી બતાવ્યું.

ગુજરાતના સાહિત્યજગતમાં, સમજણપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદમાં દલિત તથા આદિવાસી સાહિત્યને ઉપેક્ષિત રાખવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને આત્મસાત્ કરીને ઇન્દુભાઈ જાનીએ ‘નયામાર્ગ’માં દલિત સાહિત્ય અને આદિવાસી સાહિત્યને અગ્રતા આપીને અનેક દલિત સાહિત્યકારોને મુખ્યધારામાં પ્રવેશ કરાવ્યો છે. આદરણીય ઇન્દુભાઈનું આપણી વચ્ચેથી અલવિદા થઈ જવું, એ ગુજરાતના જાહેર જીવનમાં ખૂબ મોટો શૂન્યાવકાશ છે. ઝીણાભાઈ દરજી, અરવિંદ દેસાઈ પછી ઇન્દુભાઈના જવાને કારણે ગુજરાતના જાહેર જીવનમાંથી કજાત ગાંધીવાદીઓનો વંશવેલો સંકેલાઈ ગયો છે.

આઝાદીનાં ફળોથી જે લોકો વંચિત રહી ગયા છે તેવા આપણી આજુબાજુમાં વસતા છેવાડાના માનવીઓના આર્થિક-સામાજિક-શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણ માટે તથા સંઘર્ષ માટે આપણી જાતને સમર્પિત કરીએ, એ જ ઇન્દુભાઈને સાચી સ્મરણાંજલિ હશે.

 – ઉત્તમ પરમાર

હમસફરના દોસ્તાના અંદાજથી રાહબર


હમસફરના દોસ્તાના અંદાજથી આગળ વધીને રાહબરના આદરભાવ સાથે ઇન્દુભાઈનાં સ્મરણોની વણઝાર છે. ભાનુભાઈ અધ્વર્યુની આગેવાનીમાં નેવુંના દાયકાના અંતભાગમાં હાથમતી જળાશયની ખાલી થતી જમીન, એક સાલી માટે ભૂમિવિહોણાને ખેતી માટે અપાવવાનો સંઘર્ષ ચાલતો હતો. ત્યારે આ લડાઈનાં સ્થાપિત હિતોના પ્રભુત્વને પડકારવાના આશયથી, તેઓ દ્વારા અંકુશિત ભવનાથ મંદિરમાં સામૂહિક પ્રવેશ – સત્યાગ્રહ યોજાયો હતો. તેમાં ઇન્દુભાઈ સાથે પહેલી મુલાકાત યાદ આવે છે. ત્યારથી શરૂ કરીને હજી હમણાં જ બે માસ પહેલાં ‘ઓએસિસ’ની યુવા ટીમે યોજેલા પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં મંચ ઉપર ઇન્દુભાઈ સાથે હોવાની આખરી તક મળી હતી.

મારા વ્યવસાયિક જીવનને મેં સંકેલવાનું શરૂ કર્યું હતું તે સમય-ગાળામાં ગુજરાતમાં વંચિતોની ચળવળોમાં ‘લોકાયન’ની ભૂમિકા અગ્રસ્થાને હતી. લોકકલ્યાણની સ્થાપિત કામગીરીઓના વાતાવરણમાં અધિકારો અને સશક્તિકરણની વાતો પડઘાતી હતી, જેથી સ્વાભાવિક રીતે જ સંઘર્ષ અને ઘર્ષણના બનાવો બનતા હતા. તેમાં કર્મશીલો વચ્ચે બિરાદરીની ભાવના મજબૂત કરવાની તેમ જ આંદોલનોના પ્રત્યાઘાતરૂપે થતા અત્યાચારોને ખાળવાની જરૂર હતી. તેમાં વિવિધ સંગઠનોના સંકલન માટે ‘જનપથ વિચાર’નું બીજ વાવવામાં અને તેને અંકુરિત કરવાની મથામણોમાં ઇન્દુભાઈ સાથેની નિકટતાથી ઘણું-ઘણું શીખવાનું થયું છે.

‘જનપથ’ની રચના પૂર્વે મધુસૂદનભાઈએ હિંમતનગરમાં બોલાવેલી બે દિવસની બેઠકમાં ઇન્દુભાઈ સાથે એક રૂમમાં રહેવાનો મોકો મળ્યો હતો. રાત્રીનિવાસ દરમ્યાનની પરિચય- વાર્તાઓથી શરૂ કરીને ‘જનપથ’ના પ્રમુખપદેથી મુક્ત થઈને ઇન્દુભાઈને તે નેતૃત્વ સંભાળવા માટે મનાવવા સુધીનાં પ્રેમસભર દબાણોની અનેક ઘટનાઓ અમારી વચ્ચેનાં સાંકળ-સ્મરણોથી ભરપૂર છે.

ગમે તેવા મજબૂત કાર્યક્રમ કે આંદોલન, એકલદોકલ હોય તો તેની સફળતા પછી પણ કાયમી અસર ઊભી કરનાર બનતાં નથી. પરિવર્તન લાંબાગાળાની પ્રક્રિયા છે, તેમાં સહઅસ્તિત્વ અને સમાન વિચારધર્મીઓ વચ્ચે સંકલન જેટલું સરળ અને સઘન હોય તેટલું સારું. આ સમજણે મેં ‘ગણતર’ની સ્થાપના પહેલાંનું એક વર્ષ સિનિયર કર્મશીલોની મદદમાં વીતાવ્યું હતું. બાળઅધિકારો અને શિક્ષણમાં ક્રાંતિના ઉદ્દેશથી ‘ગણતર’ની  શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ મદદ મેળવી આપવામાં ઇન્દુભાઈ જ નિમિત્ત બન્યા હતા.

અમદાવાદની આજુબાજુમાં આવેલા ઈંટભઠ્ઠામાં મજૂરોનાં શિક્ષણવંચિત બાળકો માટે નાણાંકીય મદદ, ભીખુભાઈ અને કોકીબહેન તરફથી મળી હતી. તેઓને ‘ગણતર’ના કાર્યક્રમથી માહિતગાર કરીને ઇન્દુભાઈએ નવા અને નાના પ્રયાસોમાં હૂંફાળો વિશ્ર્વાસ આપ્યો હતો. સ્થળાંતરિત અને અસંગઠિત મજૂરોનાં બાળકોના શિક્ષણવંચિત જીવનને નજીકથી સમજવાનો લાભ ઇન્દુભાઈ સાથે તે દિવસોના કરેલા લાંબા પ્રવાસોમાં મળ્યો છે. જેથી વ્યક્તિગત રીતે મારી આવડત કેળવવામાં અને ‘ગણતર’ની શરૂઆતમાં વ્યૂહરચનાની સ્પષ્ટતાનો ફાયદો મળ્યો હતો. ‘ગણતર’ના નાના-મોટા તમામ કાર્યક્રમોમાં તેઓની સક્રિય હાજરી કાયમ માટે તાકાત આપનારી રહી છે.

ધરતીકંપ સમયે રાહત અને પુનર્વસનનાં ભગીરથ કામોમાં ખેત-વિકાસ પરિષદની સીધી ભાગીદારીથી કચ્છના ખાવડામાં અસરગ્રસ્તોને સહાય કે રાજણસરને કેન્દ્ર બનાવીને થયેલાં સામૂહિક કામો, ધરતીકંપ પછી તરત જ રાહતકામોમાં હરીફાઈના વાતાવરણમાં જમણેરી પરિબળો સાથેના સંઘર્ષો અને ભેદભાવ સાથે મક્કમ સંકલનની અકળાવનારી કામગીરીઓ દરમ્યાન ઉત્તમ સાથીદાર અને માર્ગદર્શક ઇન્દુભાઈની છબી ક્યારેય વિસરાય તેમ નથી. આદિવાસીનો રણટંકાર કરતી રેલીઓમાં કે દલિત અત્યાચારો સામેના ટકરાવમાં ઇન્દુભાઈને મજબૂતીથી ખીલેલા જોયા છે. થકવી દેનારા લાંબા પ્રવાસો, અડધા પડધા ભોજન ભેગા થયા પછી પણ મોડી રાતે અમદાવાદ પાછા ફરતી વખતે ઇન્દુભાઈના મધુર કંઠે ગવાતાં ગીતોનો લહાવો ભલભલાને તાજાંમાજાં ઘરે પહોંચાડવાની જડીબુટ્ટી જેવો અનુભવ્યો છે.

તો ક્યારેક ઇન્દુભાઈ જેમને આદર આપતા તેવા મહાનુભાવો અને સાથીમિત્રોની સંકુચિત વર્તણૂકો અને નબળાં વલણોથી તેમને દુ:ખી થતા પણ જોયા છે. અજાતશત્રુ બની રહેલા ઇન્દુભાઈ સ્પષ્ટવક્તા હોવા છતાં ઘણી વાર સમસમીને પીડાતા જોયા છે, જેની અસર તેમના શરીરે આખરી સમયે વસૂલ કરી હોય તેમ લાગે છે. જો આવી વિટંબણાઓ સમજીને સહપંથીઓ તેને નિવારવામાં ઉપયોગી થયા હોત તો ઇન્દુભાઈના પ્રદાનનો ઇતિહાસ અપ્રતિમ બની શકે તેમ હતો. તેમની આખરી વેદનાઓ આપણી સામૂહિક મર્યાદાઓને ઢંઢોળે છે.

તેમની ‘રચના અને સંઘર્ષ’ કોલમમાં કે ‘નયામાર્ગ’ની સફરમાં તેમણે જેમનો સંગાથ કર્યો, તે સૌ ઇન્દુભાઈનાં કુટુંબીજનો બની ગયાં હતાં. ધબકતા હૃદયે સંવેદનશીલ ઇન્દુભાઈએ ગુજરાતમાં ખૂણેખૂણે આદરથી પ્રેમભર્યું સ્થાન મેળવ્યું હતું. રંજનબહેન અને અનુજ ઉપરાંત તેમનો કુટુંબ-વડલો કેટલાય કર્મશીલોમાં વિસ્તરેલો છે. વ્યક્તિગત રીતે મારા કુટુંબના વડીલ તરીકેની પ્રેરક યાદ ૨૦૦૫માં ભાવનગર ખાતે યોજાયેલા ‘મનુભાઈ પંચોળી દર્શક ઍવૉર્ડ’ કાર્યક્રમમાં છે.

કૉલેજના દિવસોમાં સંપૂર્ણ ક્રાંતિના ખેંચાણે ભણ્યા વગર પાસ થઈને હું ગ્રૅજ્યુએટ થઈ ગયો હતો. યુનિવર્સિટીની ડિગ્રી ક્યારેય જરૂરી લાગી ન હતી. વંચિત બાળકોને શિક્ષણની સમાન તકનાં કામોથી મળેલા ‘દર્શક શિક્ષણ ઍવૉર્ડ’નો સમારંભ મારા માટે પદવીદાન સમારંભ હતો. તેમાં ઇન્દુભાઈએ મારો પરિચય આપ્યો હતો. પદવીદાન સમારંભમાં પરંપરાગત રીતે માતાપિતાની પ્રેરક હાજરી હોય છે. ઇન્દુભાઈની આ પ્રસંગની ભૂમિકા મારા કૌટુંબિક વડીલના સ્થાનને શોભાવતી હતી, જેની ચિરંજીવિતાથી ઇન્દુભાઈની યાદ મારા દિલમાં કાયમ છે.

– સુખદેવ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s