ઇન્દુભાઈ જાની : પ્રો-પીપલ એન્ડ પ્રો-પુઅર
પહેલી વાર ૧૯૮૩ના અરસામાં ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાનિંગ’ (હવે ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ’, ગોતા)ની, ન્યુ બ્રહ્મ-ક્ષત્રિય સોસાયટીની ઑફિસમાં ‘ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સંઘ’ની એક મિટિંગમાં ઇન્દુભાઈને સાંભળ્યા હતા. હાજર રહેલા પ્રૌઢો અને વૃદ્ધો વચ્ચે આ યુવાન જુદા જ તરી આવ્યા. વાસરિકા ફેમ નીરૂભાઈ દેસાઈ, સંસ્થાના નિયામક વિમલભાઈ શાહ, નિવૃત્ત સરકારી અધિકારી મગનભાઈ પટેલ તેમ જ ઉત્તર, દક્ષિણ, પૂરબ, પશ્ર્ચિમ દિશાએથી આવેલા ગાંધીવિચારના આધારે કામ કરતી સંસ્થાઓના ખૂબ જાણીતા સંચાલકોની સમક્ષ ઇન્દુભાઈએ કંઈક ધારદાર રજૂઆત કરેલી.
મુદ્દો અત્યારે યાદ નથી, પરંતુ સરકારમાં સંસ્થાઓ વતી રજૂઆતનો કોઈ મુદ્દો હતો તેમ જ સરકાર, સંસ્થાઓ અને લોકોને વધુ અનુકૂળ બને તે અંગેની ચર્ચા હતી. લગભગ ઘણા વક્તાઓએ સરકાર સાથે વિનમ્ર મસલત કરવાની વાત મૂકી. ઇન્દુભાઈએ ગરીબો અને ગરીબીની હાલત વિશે વાત કરી અને જુસ્સાભેર કહ્યું કે, સરકાર લોકાભિમુખ ન હોય ત્યારે, જરૂર જણાયે સંઘર્ષ કરવાની તૈયારી રાખવી જોઈએ.
આ લડાયક મિજાજ મને ગમ્યો અને મારામાં ઈર્ષ્યા પણ જાગી. હું નવો-સવો જોડાયેલો અને જાતને રિસર્ચર સમજતો. વળી, જે.પી. ચળવળમાં બિહારમાં ‘ક્રાંતિ’ કરીને આવેલો! જિજ્ઞાસા થઈ કે આ કોણ? ખબર પડી કે, ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ના મંત્રી અને ‘નયામાર્ગ’ના તંત્રી. આ પહેલો પરિચય. પછી તો ગુજરાતના જાહેર જીવનમાં આવેલા ઘણા પ્રસંગોમાં સાથે રહેવાનું થયું. આમ, તેઓ મારા એક વડીલ મિત્ર.
કુમાશ ભરેલો ચહેરો, સ્મિત સાથે બાળક જેવા લાગે. ક્રોધ પ્રચંડ પણ પ્રકોપ અન્યાય સામે. અધિકારમૂલક લડાઈઓના પ્રણેતા અને પ્રેરણા-દૂત. દલિતોના અધિકારો માટે અને તેમના માનભંગ સામેની લડાઈઓમાં ઇન્દુભાઈ મોખરે જ હોય. ‘નયામાર્ગ’ના તંત્રી-લેખોમાં સણસણતાં શબ્દ-બાણ હોય. આદિવાસીઓના અધિકારો માટે લડાઈ, તથા ઉત્કર્ષ માટે શિક્ષણ સહિત વિકાસ માટેનાં રચનાત્મક કામો હાથ પર લીધેલાં. કોમવાદની સામે આખું જીવન ઝૂઝ્યા.
વંચિતો સિવાય એમના ફલક પર ભાગ્યે જ કોઈ હતા. દલિત, આદિવાસી, મુસલમાન, ખ્રિસ્તી, પીડિત, વંચિત કોમો અને બહેનોના પ્રશ્ર્નો એ જ ‘નયામાર્ગ’ની દરેક અંકની સામગ્રી. ગુજરાતમાં લોકોની એક તાસીર છે, આવા મુદ્દાઓ પર બહુમત એક પ્રકારની ઉપેક્ષા જ સેવે, તેથી ગુજરાતમાં ‘મહાગુજરાત ચળવળ’ પછી વ્યાપક આંદોલનો ભાગ્યે જ થયાં. પરંતુ, એની દરકાર કર્યા વગર ઇન્દુભાઈ આવી લડાઈઓના જૂજ મશાલચીઓમાંના એક. ગુજરાતના કોઈ પણ ખૂણે વંચિતોને નાનો-સૂનો અન્યાય થયો હોય તો, ઊપડી જાય તપાસ કરવા અને દિવસો સુધી એમાં ખૂંપે અને તેના મુદ્દા સમજી સંઘર્ષ ઉપાડે, ‘નયામાર્ગ’માં લખે અને બીજા સાથીઓને નોતરે.
‘નયામાર્ગ’ના અંકો (‘નયામાર્ગ’ કઈ રીતે શરૂ થયું. કોણ કોણ હતા, અને ઇન્દુભાઈના પ્રેરણામૂર્તિઓ તથા માર્ગદર્શકો કોણ તે વિષયે અન્ય વ્યક્તિઓ લખશે તેવું ધારી લઉં છું.) સમાજશાસ્ત્ર અને સમાજ- સેવા વિષયોમાં પારંગત થનારા વિદ્યાર્થીઓ માટે સંદર્ભ-સામગ્રી તરીકે હોવા જ જોઈએ. એમાંથી કેટલાય વિષયો એવા નીકળે, જેના પર અભ્યાસ થઈ શકે અને પીએચ.ડી. કક્ષાનું કામ થઈ શકે તેમ છે. દલિત સાહિત્યમાં રસ હોય તેને પણ પ્રચુર સામગ્રી મળે અને આ તમામ વિષયોને વિચાર-પત્રિકામાં સ્થાન આપનારા તે તંત્રી ઇન્દુભાઈ. જાહેરજીવનની લડાઈઓમાં પડેલા અને ખાસ કરીને વંચિતો માટેની લડાઈમાં પડેલા અકિંચન જ હોય, તો એવા સાથીઓના ઘર-પરિવાર, માંદગી વગેરે અંગે ખબર રાખે, મદદ ગોઠવે અને પોતે પણ છેક સુધી ખપ પૂરતું જ લઈને જીવ્યા.
મૂડીવાદના કટ્ટર વિરોધી, મુક્ત બજારની ખિલાફ, અને સુશાસન કરતી સરકારના તરફદાર. રાજ્ય નિષ્ફળ નીવડે તે સાંખી જ ન લે અને રાજ્ય સામે લડતો ચલાવે. તકવાદી અને ભ્રષ્ટ નેતાઓ સામે પુણ્ય પ્રકોપ દર્શાવે જ; સાથે જ ન્યાયપરસ્ત અધિકારીઓ શોધે, કેળવે અને તેમની સહાય લે. રાજ્યે સફળ થવું જ ઘટે એ એમનો સિદ્ધાંત અને વિશ્ર્વાસ. સ્વતંત્રતા, ન્યાય, સમતા અને બંધુતાનાં મૂલ્યો માટે જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી લડનારા-જીવનારા એ ઇન્દુભાઈ. એક ખૂબી નોંધવા જેવી. કૉંગ્રેસની નજીક હતા, પણ તેનો લાભ સત્તામાં જવા કે મેળવવા માટે ક્યારેય કર્યો નહીં. રાજ્ય અને સમાજમાં એક સ્વયંસેવકની જગ્યા અને ભૂમિકામાંથી તેઓ ક્યારેય ચ્યુત ન થયા. નાગરિક સમાજની જગ્યાના આવા પહેરેગીરને ગુજરાત ભુલાવી ન દે એવી કામના અને વંદન.
– સુદર્શન આયંગાર
મૂઠી ઊંચેરા માનવી નિતાંત સ્મૃતિમાં રહેશે
ગ્રંથાલયમાં અખબારોનું વાંચન પૂરું કર્યા બાદ જુદાં જુદાં સામયિકોનાં પાનાં ફેરવવાની ટેવ. તેમાં ‘નયામાર્ગ’માં પ્રગટ થતી સામગ્રી તેમ જ તેના તંત્રી ઇન્દુકુમાર જાનીના વૈજ્ઞાનિક અભિગમ, તેમની સત્યનિષ્ઠા, નિખાલસતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા, વિષયનિષ્ઠાથી હું આકર્ષાયો. વર્ષ મને યાદ નથી, પણ ૩૦-૪૦ વર્ષ થયાં હશે. તે સમયે રેશનાલિઝમ ક્ષેત્રે પ્રવૃત્તિનો દુષ્કાળ પ્રવર્તતો હતો. અબ્દુલભાઈ વકાણી અને ચતુરભાઈ ચૌહાણનાં નામો ચમત્કાર-પર્દાફાશ પ્રયોગો માટે જાણીતાં થયાં હતાં. મારા વડીલ મિત્ર રસિકલાલ દંગીના સૂચનથી રેશનાલિઝમ પર પુસ્તિકા લખી. તેના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઇન્દુકુમાર જાનીને સાદું પોસ્ટકાર્ડ લખ્યું. અગાઉ ક્યારેય સંપર્ક કે પરિચય થયો ન હતો. કાર્યક્રમના દિવસે તેઓ સમયસર ગોધરા ખાતે હાજર થઈ ગયા.
તેમની સાદગી, સમયની પ્રતિબદ્ધતા અને વિષય નિરૂપણની સૌના પર સારી છાપ ઉત્પન્ન થઈ. ત્યાર પછીનાં વર્ષોમાં ગોધરા અને પાલનપુર ખાતે રેશનાલિઝમ સંબંધી કાર્યક્રમોની હારમાળા સર્જી, પરંતુ કાર્યક્રમ તારીખ નક્કી કરતાં અગાઉ તેમની અનુકૂળ તારીખ જાણી લેતો. સ્વાસ્થ્યના કારણ સિવાય ક્યારેય તેમણે ગોધરા કે પાલનપુર આવવા ઇન્કાર કર્યો નથી. ઊલટું, ઉમળકાભેર અને પ્રેમપૂર્વક હાજરી આપે. આવવા-જવાનો ખર્ચ ક્યારેય તેમણે માગ્યો નથી. અમદાવાદ તેમના ઘેર સપરિવાર આવવાનો તેમનો આગ્રહ હોય જ. એક વાર પરિવારના સભ્યો સાથે તેમના ઘરે ગયા હતા. અમારા આદર-સત્કાર બાદ થોડી વાર પછી તેઓ ઉપર ગયા. નીચે આવી તેમણે કેટલાક રૂપિયા મારા હાથમાં મૂકી અને કહ્યું, “તમારી પ્રવૃત્તિઓ માટે અમારી મદદ સ્વીકારો. અલબત્ત, સવિનય મેં તેનો અસ્વીકાર કર્યો, પરંતુ તેમની લાગણીએ મને ભીંજવી નાખ્યો.
ઘણા ઓછા લોકોને ખબર હશે કે ‘ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ ઍસોસિએશન’ના ઉદ્ભવમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. રેશનાલિસ્ટ સંગઠન નવું રચવા અને મજબૂત બનાવવા સૌ પ્રથમ બિપીનભાઈ શ્રોફને મેં રજૂઆત કરી. તેમના સૂચનથી ગુજરાતભરના રેશનાલિસ્ટ મિત્રોને સંબોધન કરતો મેં લખેલો પત્ર તેમણે ‘વૈશ્ર્વિક માનવવાદ’માં પ્રગટ કર્યો. સમગ્ર ગુજરાતમાંથી ભાવનગરના ઓઘડભાઈ સરવૈયા સિવાય કોઈએ આ બાબતે પ્રતિભાવ પાઠવ્યો નહીં. મને ઘણી નિરાશા ઊપજી. ઇન્દુકુમારને વાત કરતાં, તેમણે કહ્યું કે આપણે રસ ધરાવતા મિત્રોની સભા ‘નયામાર્ગ’માં યોજીએ. ‘ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ ઍસોસિએશન’ નામાભિધાન થયું. તેમણે સંગઠનમાં કોઈ પણ હોદ્દો સ્વીકારવા સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો, પરંતુ સંગઠનમાં છેક સુધી સક્રિય રહી માર્ગદર્શન આપતા રહ્યા.
મારી સતત વિવિધ પ્રવૃત્તિઓના કારણે ગોધરા કૉલેજ મૅનેજમેન્ટે મને ૧૦ વર્ષ હેરાન કર્યો. મારા પર શારીરિક હુમલો પણ થયો. ટ્રિબ્યુનલમાં મેં કરેલા ચારેય કેસોમાં મને સફળતા પ્રાપ્ત થઈ. તો પણ મને એક યા બીજા પ્રકારે હેરાનગતિ ચાલુ રહી. આ ગાળા દરમ્યાન પાલનપુર કૉલેજ મૅનેજમેન્ટના વડા શિરીષકુમાર મોદી તરફથી ત્યાંની લૉ કૉલેજમાં જોડાવા આમંત્રણ મળ્યું. તેમની સલાહ લીધી. તેમણે કહ્યું કે, ગોધરાના વાતાવરણમાંથી મુક્ત થવું તમારા હિતમાં છે. ત્યારબાદ અમે પાલનપુર આવ્યાં. ઇન્દુકુમારને નાના કાર્યકરોના કામની કદર કરી, તેમને પ્રોત્સાહન આપવાની ટેવ હતી.
નવા કાર્યક્રમોમાં મારાં પત્ની રશ્મિબહેન ભોજન-વ્યવસ્થા સુપેરે સંભાળતાં. રસોડામાં જઈ ઇન્દુકુમાર મને ધન્યવાદ આપતા. અમે બધા મિત્રોએ ૨૦૦૨માં રેશનાલિસ્ટોનું રાષ્ટ્રિય સંમેલન યોજવા નિર્ણય કર્યો. સ્વાસ્થ્યના કારણસર ઇન્દુભાઈ હાજર રહી શક્યા ન હતા. પરંતુ આ પ્રસંગે તેમણે ‘રેશનાલિઝમ : નવલાં મુક્તિનાં ગાન’ નામે ‘નયામાર્ગ’નો ખાસ અંક પ્રગટ કર્યો હતો. ૩ દિવસ ચાલેલું આ રાષ્ટ્રિય સંમેલન પૂરું થયાના બીજા જ દિવસે સવારમાં ૭-૩૦ વાગ્યે ફોન પર તેનો અહેવાલ મેળવી ‘નયામાર્ગ’માં પ્રસિદ્ધ કર્યો હતો. આ મૂઠી ઊંચેરા માનવી સ્મૃતિમાં નિતાંત રહેશે. ભાવપૂર્વક સાદરાંજલિ!
– અશ્ર્વિનકુમાર ન. કારીઆ