“યુ લવ રંજન. યુ ટ્રસ્ટ હર એન્ડ રિસ્પેક્ટ હર વેરી મચ. વેરી રેર કપલ્સ હેવ ધીસ થિંગ્સ નાઉ અ ડેઝ. આઇ એમ વેરી પ્રાઉડ ફોર બોથ ઑફ યુ. આ શબ્દો મારી એક સ્કૂલ-મિત્રના છે. મારા જન્મદિનના સંદેશા રૂપે તેણે આ લખેલું. કેટલા સાચા અને સુંદર શબ્દો છે આ! શ્રી જાની તરફથી મને જીવનભર પ્રેમ, વિશ્ર્વાસ અને આદર મળ્યા છે. તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
તેઓ સ્વભાવથી જ પ્રેમાળ. અનુજને પણ ખૂબ પ્રેમ કરે. તેને પાસે બેસાડી, મોબાઇલમાંથી સારાં ગીતો અને રસપ્રદ ક્લિપ્સ બતાવે. અનુજની માંદગી વખતે તેઓ હૉસ્પિટલમાં સતત મારી સાથે રહ્યા.
મિષ્ટાન્ન તેમને અતિ પ્રિય, એમાં પણ સુખડી તો તેમને ખૂબ ભાવતી વાનગી. જો ઘરે સુખડી બનાવી હોય અને હું તેમને આપું તો, સૌથી પહેલાં અમારી દરકાર કરે. મને પૂછે કે, અનુજને સુખડી આપી? તેં લીધી?હું ‘હા’ પાડું પછી, પ્રેમથી ખાય. ‘સરસ બની છે’ એવું કહીને,મારી મહેનતની કદર કરવાનું પણ ચૂકે નહીં.
એમનાં પ્રેમ અને હૂંફ આજે પણ અમારી સાથે છે. એમનાં સંસ્મરણો મને બળ આપે છે. ગીત-સંગીત એમને ખૂબ ગમતાં. મને એમનું આ પ્રિય ગીત સારી રીતે યાદ છે, તેઓ આ ગીત અવારનવાર સાંભળતા:
“રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી,
બનકે સબા, બાગે વફા મેં.. રહેં ના રહેં હમ… એમની મહેક અમારા બાગમાં, ઘરમાં, દિલમાં સદાય રહેશે.
– રંજન જાની