જન્મ તારીખ : ૧૭, ડિસેમ્બર, ૧૯૪૩ જન્મ સ્થળ : ટંકારા, મોરબી
માતા : સવિતાબહેન, પિતા : અમૃતલાલ જાની (નાટ્ય કલાકાર)
પત્ની : રંજનબહેન
પુત્ર : અનુજ
અભ્યાસ : મૅટ્રિક્યુલેશન સુધી રાજકોટ, પછી નોકરી કરતાં-કરતાં અભ્યાસ. બી.એ. ૧૯૬૫, એલએલ.બી. ૧૯૬૭
વ્યવસાય – કારકિર્દી :
૧૯૬૧ : ‘જમીન વિકાસ બૅન્ક’માં રાજકોટ ખાતે નોકરી શરૂ.
૧૯૬૪ : રાજકોટમાં સાથે નોકરી કરતાં રંજનબહેન સાથે પ્રેમલગ્ન.
૧૯૬૪ : ‘જમીન વિકાસ બૅન્ક’માં અમદાવાદ બદલી.
૧૯૬૫-૧૯૭૮ : બૅન્કના કર્મચારીઓના સંગઠનમાં સક્રિયતાથી શરૂ કરીને અગ્રણી સુધીની ક્રિયાશીલતા. સાથે જ વિવિધ કામદાર સંગઠનો સાથે કામ.
૧૯૭૬-૧૯૭૭ : લોકનેતા ઝીણાભાઈ દરજી ‘જમીન વિકાસ બૅન્ક’ના ઉપપ્રમુખ બન્યા. ઇંદુભાઈની કામદારલક્ષી સક્રિયતાથી ઝીણાભાઈ પ્રભાવિત થયા. એમણે આદિવાસી વિસ્તારોના પ્રવાસોમાં ઇંદુભાઈને સાથે લીધા. એ લંગોટીભેર આદિવાસીઓનાં દર્શને ઇંદુભાઈને વંચિતલક્ષી વિચારક બનાવ્યા.
૧૯૭૮ : ખેત વિકાસ બૅન્કની નોકરી છોડી દીધી અને પોતાની એલ એલ.બી.ની ડિગ્રી વડે વકીલાતનો પ્રયોગ કર્યો. એ માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને કર્મશીલ હરુભાઈ મહેતા સાથે જોડાયા.
૧૯૭૮ : ઝીણાભાઈ દરજીએ ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની સ્થાપના કરવા તૈયારી કરી અને ઇંદુભાઈને એનું બંધારણ ઘડવા બોલાવ્યા. ઇંદુભાઈએ શરત કરી કે મને પરિષદનો એક સ્થાપક સભ્ય બનાવવો. ઝીણાભાઈએ રાજી થઈને હા પાડી. આથી ઇંદુભાઈની વંચિત વર્ગોનાં કામોમાં સક્રિયતા વધી. પરિષદમાં પૂરો સમય સક્રિય.
૧૯૮૧(૨૬જાન્યુઆરી) : ખેત વિકાસ પરિષદના મુખપત્ર ‘નયામાર્ગ’નું તંત્રીપદ સનતભાઈ મહેતાનાં પત્ની અરુણાબહેન મહેતા સાથે સંભાળ્યું. જોકે, થોડા વખતમાં જ અરુણાબહેન વડોદરા ગયાં અને ‘નયામાર્ગ’ના એકાકી તંત્રી ઇંદુભાઈ રહ્યા.
૧૯૮૧-૨૦૨૦ : ચાર દાયકા સુધી ‘નયામાર્ગ’નું તંત્રીપદ સંભાળ્યું. આદિવાસી, દલિત, ખેતમજૂર અને એકંદરે સૌ શોષિત-પીડિત, અન્યાય-ગ્રસ્ત વર્ગોનાં હક, હિત, ગૌરવ અને વિકાસ માટેની નિરંતર સક્રિયતા રહી. પ્રગતિશીલ બળોની સાથે રહ્યા, પરંતુ કોઈ રાજકીય પક્ષની કંઠી બાંધી નહિ.
૨૦૨૦ (માર્ચ) : ‘નયામાર્ગ’નું પ્રકાશન બંધ કર્યું. ખેત વિકાસ પરિષદ, આદિવાસી વિસ્તારોની આશ્રમશાળાઓ વગેરેની કામગીરી ચાલુ રાખી.
૨૦૨૧(૧૮એપ્રિલ) : કોરોના વાઇરસની અસરથી અવસાન.
પુરસ્કાર-સન્માન :
મોરારિબાપુ દ્વારા સદ્ભાવના સન્માન (૨૦૧૫), શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો રાજ્ય પુરસ્કાર (૧૯૯૪), સાવલિયા રિસર્ચ સેન્ટરનો કીર્તિ સુવર્ણ ચન્દ્રક, ગુજરાત પત્રકાર સંઘનું સન્માન વગેરે.
સંકલન: યશવન્ત મહેતા