ઇન્દુભાઈની સાથે, છેલ્લા પાંચ દાયકાના લોક-સંઘર્ષના ઘણા બનાવો અને કર્મશીલ વ્યક્તિઓની યાદ સ્મૃતિપટ પર આવે છે. મેં ઇન્દુભાઈને અને ‘નયામાર્ગ’ને એકબીજાના પર્યાય તરીકે, વંચિતોના અવાજમાં જોયા છે. તેઓ સિત્તેરના દાયકામાં બૅન્કની નોકરી છોડી ઝીણાભાઈ દરજી સાથે જાહેર જીવનમાં સક્રિય થયા, ત્યારે ગુજરાતના મુખ્ય ધારાના રાજકીય પ્રવાહમાં પહેલી વખત અનુકંપાથી આગળ જઈ શોષિત-પીડિત જનતાના શોષણ વિરુદ્ધ, સમાનતા અને અધિકાર માટેનો અવાજ સંભળાયો.
કેટલાક લોકો ‘ગરીબના સ્વરાજ્ય’ની વાત કહેવા લાગ્યા. બારિયા, ધારાલા, પાટણવાડિયા, પગી, ઠાકરડા વગેરે પોતાની જમીન પાછી મેળવવા વર્ષોથી જે સંઘર્ષ કરતા હતા તેણે નવું સ્વરૂપ લીધું હતું. હળપતિઓ લઘુતમ વેતન અને જમીનમાલિકોના રોજબરોજના શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. આદિવાસીઓ પોતાની જમીન પાછી મેળવવા સંઘર્ષ વેગીલો બનાવી રહ્યા હતા, દલિત પૅન્થર દલિતોના જમીનના હક્ક માટે, મજૂરીના લઘુતમ વેતન માટે, સ્વમાન માટે આંદોલન કરતા, સંગઠિત થઈ રહ્યા હતા. દલિત યુવાનો ચતુરવર્ણની શોષિત વ્યવસ્થા સામે આક્રોશ કરતા.
આ બધા અવાજોને કચડી નાખવા સત્તાધારી વર્ગ બધા જ દાવ ખેલી રહ્યો હતો. આ માહોલમાં શોષિતના અવાજને સંગઠિત કરી, અસરકારક વાચા આપવાના એક માધ્યમ તરીકે અને દલિત-શોષિત પક્ષે કામ કરતા કાર્યકરોનું વૈચારિક ઘડતર કરવા ઝીણાભાઈ દરજીની પ્રેરણાથી ૧૯૭૧-૭૨માં ‘નયામાર્ગ’નો જન્મ થયો હતો. શરૂઆત થઈ સુરત જિલ્લા (નવી) કૉંગ્રેસના મુખપત્ર તરીકે. ભીખુભાઈ વ્યાસ એના તંત્રી હતા. અઢી-ત્રણ વર્ષ પછી તે બંધ થયું. ફરી સનત મહેતાએ વડોદરાથી એમના ‘સાધના ટ્રસ્ટ’ દ્વારા શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી, ઝીણાભાઈની રાહબરી નીચે ‘ખેત વિકાસ’ની સ્થાપના થતાં ‘નયામાર્ગ’ તેના પત્ર તરીકે ૧૯૮૧માં ઇન્દુભાઈ અને અરુણાબહેન મહેતાના તંત્રીપદ હેઠળ ફરી શરૂ થયું. વાસ્તવિકતામાં ઇન્દુભાઈએ જ એને ઘડ્યું, ચલાવ્યું.
૧૯૮૧માં જ્યારે ‘નયામાર્ગ’ ફરી વાર શરૂ થયું ત્યારે વધતા જતા દલિતોના અવાજને દબાવવા, અમદાવાદ નજીક જેતલપુરમાં પોતાના હક્ક માટે સંઘર્ષ કરી રહેલા યુવાન દલિત શકરાભાઈને પંચાયતની ઑફિસમાં ગામના વર્ચસ્વ ધરાવતા ખેડૂત-યુવાનોએ લટકાવીને મારી નાખ્યા. પછી મેડિકલ કૉલેજના સવર્ણ છોકરાઓએ અનામત વિરોધી આંદોલન શરૂ કર્યું, તેમાં બીજા સવર્ણ જોડાયા. એમની સામે સરકાર ઝૂકી. એમની માગણીઓનો સ્વીકાર થયો. સરકાર કૉંગ્રેસની હતી. મુખ્ય પ્રધાન પછાત વર્ગના હતા. પ્રધાન-મંડળમાં મોટાભાગના પછાત જ્ઞાતિના હતા. ઝીણાભાઈની રાજકીય વગ હોવા છતાં તે નિ:સહાય હતા, વ્યથિત હતા.
ઇન્દુભાઈની રાહબરીમાં નયામાર્ગે એ વ્યથાને વાચા આપી. દલિત કવિઓના આક્રોશને સ્પેશ આપી, મંચ આપ્યો. જોસેફ મેકવાન નોંધે છે કે, “ગુજરાત ખેત વિકાસ પરિષદના ગામડાગામી વરણ અને ગરીબો-શોષિતોની તરફેણ કરતા ઝોકે, એના મુખપત્રમાં પ્રગટીકરણ પામતાં ‘સાહિત્ય’ને લીધે એને જેબ આપી છે. શોષિતોની વાચાને વેગ આપતું ‘નયામાર્ગ’ એક મહત્ત્વનું પરિબળ પુરવાર થઈ રહ્યું છે.
આ સાથે ઇન્દુભાઈના પ્રયત્ન અને રાહબરી સાથે ‘ખેત વિકાસ પરિષદે’ પુસ્તક પ્રકાશન શરૂ કર્યું. સૌથી પહેલાં અનામત અને અનામત આંદોલન અંગે બે પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી. દલિત કવિતાઓનો સંગ્રહ ‘અસ્મિતા’ પ્રકાશિત થયો. તેનું સંપાદન ચંદુ મહેરિયાએ કર્યું. ભાનુભાઈ અધ્વર્યુના લેખોનો સંગ્રહ ‘રુદ્રવીણાનો ઝંકાર’, ‘નયા માર્ગ’માં પ્રકાશિત લેખોની ઇન્દુભાઈ સંપાદિત પુસ્તિકા ‘આંસુભીનાં રે હરિનાં લોચનિયાં’ વગેરે તેમનાં મહત્ત્વનાં પ્રકાશનો છે.
૧૯૮૫માં બીજું અનામતવિરોધી આંદોલન શરૂ થયું. આ વખતે પછાત વર્ગો, દલિતો, આદિવાસીઓ સામે. આનો પ્રતિકાર કરવા આ વંચિત વર્ગોને સંગઠિત કરવા પ્રયાસ થયા. અનામતવિરોધી સવર્ણ અને અનામતતરફી પછાત વર્ગો વચ્ચે ટકરાવની શક્યતા જોતાં, સ્થાપિત અને હિંદુ રાષ્ટ્ર વિચારના ટેકેદારોએ કુનેહપૂર્વક હિંદુ-મુસ્લિમ કોમવાદી રમખાણોને સળગાવવા આગેવાની લીધી, જેથી પછાત વર્ગો અને મુસ્લિમો લડે અને અનામતની વાત વિસરાઈ જાય. આ માહોલમાં દલિત જાગૃતિને દાબવા ગોલાણામાં ચાર દલિતોની જમીનદાર વર્ગે હત્યા કરી. ઇન્દુભાઈએ ‘નયા- માર્ગ’ દ્વારા આ હત્યાકાંડ સામે લખ્યું અને દલિત આક્રોશને સમર્થન આપ્યું. સરકાર પર હત્યાચારીઓ સામે પગલાં લેવા તેમ જ દલિતોને રક્ષણ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. લગભગ આ અરસામાં આદિવાસીઓના હક્કો માટે લડતા કર્મશીલ મધુસૂદન મિસ્ત્રી પર હિચકારો હુમલો થયો, કારણ કે તેમણે આદિવાસીઓને એમના જંગલ-જમીનના હક્કો માટે સંગઠિત કરવાનું કામ શરૂ કર્યું હતું.
એ વર્ષોમાં ગુજરાત દુષ્કાળ અનુભવી રહ્યું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, ઘાસચારો અને પીવાનાં પાણીની ખૂબ જ તંગી અનુભવી રહ્યાં હતાં. ઇન્દુભાઈએ જાત-માહિતી મેળવી આ અંગે વારંવાર લખ્યું. આ સમયે નર્મદા નદી પર બંધ બનાવવાનું આયોજન ચાલતું હતું. વર્લ્ડ બૅન્ક પાસે મદદ માટેની કાર્યવાહી પૂરજોશમાં ચાલતી હતી. પીવાનાં પાણીને પ્રાથમિકતા આપવા, નર્મદા બંધ જલદી બને તે માટેની માગણી જોર પકડતી હતી. પરંતુ, સાથે જે આદિવાસીઓ જમીન ગુમાવતા હતા તે પ્રશ્ર્ન તથા તેમના પુન:વસવાટની મોટી સમસ્યા સામે આવી. આ પુન:વસવાટ ફક્ત ગુજરાતના જ નહીં, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્થાપિતોનો પણ હતો. પર્યાવરણનો સવાલ પણ સામે આવ્યો. વળી, ગુજરાતનું બંધનું આયોજન ફક્ત પીવાનાં પાણી માટે નહોતું; પણ ખેતી, સિંચાઈ અને ઉદ્યોગો માટે હતું. તે માટે ઉદ્યોગપતિઓ, ધનિક ખેડૂતો અને બિલ્ડરો-કૉન્ટ્રાક્ટરો ઉત્સુક હતા. તેઓ માટે વિસ્થાપિતોનો સવાલ ગૌણ હતો. એટલે બંધ વિરોધી – ‘નર્મદા બચાઓ આંદોલન’ શરૂ થયું, ઊભું થયું.
વિકાસ કેવા પ્રકારનો અને કોના હિતમાં હોય તે સવાલ ઊભો થયો. ઇન્દુભાઈ જેવા દ્વિધામાંથી પસાર થતા હતા. પીવાનાં પાણી અને વારંવાર દુકાળનાં વર્ષો સામે વિસ્થાપિત થતા આદિવાસીઓનો સવાલ. ભૂતકાળના બધા જ અનુભવો કહેતા હતા કે, વિસ્થાપિત થતા આદિવાસીઓ વધુ ને વધુ કંગાળ બને છે. જેમ-જેમ ‘નર્મદા અભિયાન’ પ્રાદેશિકતાને ચગાવતું ગયું, ત્યારે નયામાર્ગે લાલ બત્તી બતાવી કે, આ મોટા બંધથી આદિવાસી વિસ્તારમાં પાણીની સ્થિતિમાં કોઈ જ ફરક પડતો નથી. અને બંધતરફી અભિયાન, અંત્યોદયના સિદ્ધાંતની વિરુદ્ધ જઈ રહ્યું છે તે વાત બંધને સમર્થન આપતા સર્વોદયવાદી કાર્યકરોને યાદ કરાવી, સવાલો કર્યા. ચીમનભાઈના ‘નયા ગુજરાત’ના નારાને પડકાર્યો.
આદિવાસીઓને – જંગલ-જમીન ખેડનારાઓને સંગઠિત કરવા, વનખાતાના અધિકારીઓના જુલમ સામે, જમીનના હક્ક માટે વર્ષોથી સંઘર્ષ ચાલે છે, તેમાં ૧૯૭૦ના દાયકાથી કેટલાંક સ્વૈચ્છિક સંગઠનો (એનજીઓ) – ‘આર્ચ વાહિની’, ‘દિશા’, ‘માનવ કલ્યાણ ટ્રસ્ટ’ વગેરે સક્રિય બન્યાં. ‘નયામાર્ગ’ પહેલેથી આ સંઘર્ષને ટેકો આપતું રહ્યું. ૧૯૯૨માં અમદાવાદમાં, ‘દિશા’ અને બીજાં સંગઠનોએ ‘જંગલ-જમીન નામે કરો’ની માગણી કરતી એક વિશાળ રેલી યોજી. તેમાં ઇન્દુભાઈએ અપ્રગટ – બધાને સાંકળવાની મહત્ત્વની ભૂમિકા ભજવી. એ પછીનાં વર્ષોમાં સંઘર્ષ વ્યાપક બન્યો. પરિણામે, ૨૦૦૬માં ‘આદિવાસી વન અધિકાર કાયદો’ બન્યો. ઇન્દુભાઈએ આ લડત અંગે ૨૦૦૯માં વિગતે પુસ્તિકા લખી.
ત્યારપછીના દાયકામાં તેઓ ધીમે-ધીમે નિવૃત્ત થવા લાગ્યા. પોતાની તબિયત એક કારણ ખરું, પણ સાથે જે રીતે કોમી રાજકારણ સમાજ પર (જેમાં વંચિત-શોષિત વર્ગો પણ) છવાઈ ગયું છે તે, અને તેમાંથી પેદા થતી નિ:સહાયતા પણ એક કારણ હોઈ શકે. કદાચ એટલે ૨૦૧૨માં, નયામાર્ગે ‘ઝીણાભાઈ દરજીની કલમે’ પુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેનું સંપાદન ઇન્દુભાઈએ કર્યું છે. તે દ્વારા તેઓ એવું સૂચવવા માગતા કે, બદલાયેલા સમાજમાં ઘણી બાબતો અને વ્યૂહરચનાનો નવેસરથી વિચાર જરૂરી છે. તેઓ સંપાદકીયમાં લખે છે કે, ‘ઝીણાભાઈ દરજી ખુલ્લા દિમાગના હોવાથી નવા વિચારો, નવા પ્રયોગોને આવકારવા હરદમ તત્પર રહેતા.’ મારી દૃષ્ટિએ ઇન્દુભાઈ પણ….
– ઘનશ્યામ શાહ