નિષ્ઠા અને પ્રામાણિકતાનું પ્રતીક એટલે ઇન્દુભાઈ

મને યાદ આવે છે ૧૯૭૫નો એ દિવસ. તારીખ-મહિનો સ્મૃતિમાં નથી. પણ વડોદરામાં સાવ છેવાડાના લોકો માટે કંઈક કરી છૂટવા માટેની મથામણ માટેનું સંમેલન. ખાસ કરીને, ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ ઘણી-બધી ચર્ચાઓ થઈ. આ સંમેલન યોજનારા હતા જૂના સમાજવાદીઓ અને ગરીબો-વંચિતો વચ્ચે કામ કરનારી સંસ્થાઓના અગ્રણીઓ. સંમેલન રંગપુર આશ્રમના હરિવલ્લભભાઈ પરીખ અને ઝીણાભાઈ દરજીની આગેવાનીમાં મળી રહ્યું હતું. ત્યાં સનતભાઈ, અરુણાબહેન મહેતા, માધવસિંહભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, સત્યમ પટેલ ઉપસ્થિત હતા. આ સંમેલનમાં ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ એક વિશાળ રેલી કાઢવાનું નક્કી થયું અને ‘ગુજરાત ખેત-મજદૂર વિકાસ પરિષદ’ એવું સંગઠન ઊભું કરવાની વાત થઈ.

ઇન્દુભાઈને યાદ કરતાં આ ઘટના એટલા માટે યાદ આવી કે, એ જ વર્ષે; પછી ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ સંસ્થાનો પાયો નંખાયો અને એ સંસ્થામાં પછીથી ઇન્દુભાઈ જોડાયા. ‘નયામાર્ગ’ આમ તો વર્ષો પૂર્વે ‘સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ’નું મુખપત્ર હતું, પણ બંધ પડતાં સનતભાઈએ ચલાવ્યું. અને ૧૯૮૧થી ‘નયામાર્ગ’, ઇન્દુભાઈના વડપણ હેઠળ ચાલવા માંડ્યું અને ગુજરાતનું એક નોંધપાત્ર સામયિક બની રહ્યું.

૧૯૭૫ના એ વડોદરા સંમેલનમાં હાજર રહેનારામાંથી માધવસિંહજી અને અમરસિંહ ચૌધરી તો તે પછીના દસકામાં તાકતવર નેતાઓ બન્યા ને ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. સનતભાઈ ગુજરાતના નાણાં પ્રધાન બન્યા. ઝીણાભાઈ દરજી ગુજરાતના ‘વીસ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિ’ના અધ્યક્ષ બન્યા, જે પદ પણ કેબિનટ પ્રધાન કક્ષાનું હતું. આવા સશક્ત નેતાઓના પીઠબળ સાથેની, સત્તાની નજીકની સંસ્થાના આગેવાન તરીકે ઇન્દુભાઈએ સતત ચાર દાયકા લગી કામ કયુર્ં. પણ સત્તા, સંપત્તિ ને હોદ્દાની ઝાકઝમાળ વચ્ચે તેઓ જળકમળવત્ રહ્યા.

ઇતિહાસ એવું કહે છે અને આપણે સૌએ અનુભવ્યું છે કે, સત્તાધારી પક્ષ સાથે જોડાયેલી સંસ્થા કે આગેવાનો ક્યાંક ને ક્યાંક પોતાના ધ્યેયથી ચલિત થઈ જતાં હોય છે તેમ જ સગવડ, સુવિધાઓ અને ભંડોળને લઈ તેમની જીવનશૈલી અને જીવનમૂલ્યો પણ બદલાતાં જોવા મળે છે. પરંતુ, ઇન્દુભાઈ આ ચાર દાયકા આપણી સાથે જીવ્યા છે, હાથમાં પ્રતિબદ્ધ કલમ ને વિવિધ પ્રવૃત્તિઓમાં આપણી સાથે ચાલ્યા છે. તેમના જીવનના અંત સુધી આપણે તેમના વ્યક્તિત્વથી નજદીકી અનુભવી છે. તેમની પાસે ન હતી ભારે સંપત્તિ કે મકાનો કે જમીનો. ખરેખર તો સત્તાધારી પક્ષના નેતાઓ સાથે જોડાયેલી સંસ્થાને કારણે તેમને આ બંને બાજુએથી સતત પીડા-યાતના જ સહન કરવાની આવી.

વંચિતો-શોષિતોની તરફદારીને લઈ, સરકાર સાથે જોડાયેલાં સ્થાપિત હિતોની સામે પડે અને બીજી બાજુથી જ્યારે વંચિતો-શોષિતોના કોઈ મુદ્દે ધાર્યું પરિણામ ન આવે તો ‘તમે તો કૉંગ્રેસી, સરકાર સાથે મેળાપીપણામાં ચાલનારા…. પછી ન્યાય ક્યાંથી અપાવવાના!’ -એવી ગાળો પણ ખાવી પડે, એવું પણ જોયું છે. ૧૯૮૩માં તો ખુદ ઝીણાભાઈને મુખ્ય મંત્રી માધવસિંહજી સામે, ‘તમે મૂડીવાદીઓ માટે કામ કરો છો’ એમ કહીને જાહેરમાં બગાવત કરવી પડેલી.

એ અરસામાં જ શેરડી કામદારો જે મોટેભાગે સ્થળાંતરિત મજૂરો જ હતા, તેમની બદતર હાલત વિશે ‘નયામાર્ગ’માં ઇન્દુભાઈએ લેખ પ્રગટ કર્યો હતો. એ લેખ અને જૉન બ્રેમાનના અભ્યાસકાર્યને લઈને ‘લોક અધિકાર સંઘ’ દ્વારા ગિરીશભાઈ પટેલની આગેવાની હેઠળ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. લઘુતમ વેતન માટેની માગણી સાથેનો આ કેસ ઘણો લાંબો ચાલ્યો. દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ ખેડૂતો દ્વારા ચાલતી શેરડી ઉત્પાદન સહકારી મંડળીઓએ સંગઠિત થઈ, સરકારી તંત્રોને સાધી, આ શેરડી કામદારોનાં શોષણના ચરખા ચાલુ રાખવા તમામ પ્રકારના ખેલ પાડેલા. અમે જ્યારે શેરડી કામદારોના ઇન્ટરવ્યૂ રૅકોર્ડ કરી હાઈકોર્ટમાં મૂકવા માટે કામ કરતા ત્યારે કામદારોને મોટા ખેડૂતોનો ખૂબ ડર લાગતો. ક્યાંક હાટમાં કે દૂર લઈ જઈ તેમની સાથે વાત કરવી પડતી. ઝીણાભાઈ જે સહકારી મંડળીઓ સાથે જોડાયા હોય, એની સામે જ ઇન્દુભાઈ, એ જુલમી શોષણ સામે લેખ છાપે એ એક મોટી વિરલ ઘટના અમને તે સમયે લાગી હતી.

ઇન્દુભાઈનો પરિચય આમ તો ૧૯૮૧માં જ, અનામત સામે થયેલાં તોફાનો વખતે વધુ થયેલો. આમ તો સરકાર ચલાવનારા વંચિતો, તક-વંચિતો ને શોષિતોના મતોથી જ ચૂંટાયેલા હતા. છતાંય અનામત વિરોધીઓ આગળ ઝૂકી રહ્યા હતા. અનામતના સમર્થકોમાં દલિતો તો હોય જ. દલિત પૅંથર સક્રિય હતું. નાગરિક અધિકારો ને લોકશાહી અધિકારો માટે લડનારા અમારા જેવા કાર્યકરો હતા અને ત્રીજા, કેટલાક ગાંધીપંથના અનુયાયીઓ  ને આદિવાસીઓની વચ્ચે ધૂણી ધખાવીને બેઠેલા કર્મશીલો. દલિત પૅંથરના આગેવાનો સાથે તો અમે ૧૯૭૮થી સાથે કામ કરતા હતા ને તેમાં ગાંધીમાર્ગે ચાલનારા ભાનુભાઈ અધ્વર્યુ, ઝીણાભાઈ અને ઇન્દુભાઈની મહત્ત્વની કામગીરીનો ટેકો, ખૂબ જ લઘુમતીમાં હતા એવા અનામત સમર્થકો માટે મૂલ્યવાન બની રહ્યો.

સ્થાનિક છાપાંઓ અનામતના વિરોધીઓની સાથે રહી દલિતો સામે ઝેર ઓકતા જુઠ્ઠા સમાચારો છાપતાં હતાં. દાખલા તરીકે: ‘ગીતામંદિર પર દલિતોનાં ટોળાઓનો હુમલો’. અનામતની તરફેણમાં કામ કરવું કપરું હતું. દલિતોનાં ઘર, ચાલીઓ, ગલ્લાં-રેંકડીઓ ભડકે બળાતાં હતાં, તેવા સમયે ‘નયામાર્ગ’ સામયિકની ભૂમિકા ખૂબ નોંધપાત્ર બની. અનામત વ્યવસ્થાની માહિતી આપતી પુસ્તિકાઓ તેના ઉપક્રમે ઇન્દુભાઈએ પ્રગટ કરાવી અને દલિત-આદિવાસીઓની શિક્ષિત-નોકરિયાત પહેલી પેઢીની અભિવ્યક્તિને ‘નયામાર્ગ’નાં પાનાઓ પર સ્થાન આપવાનું કામ ઇન્દુભાઈએ કર્યું. અને એ પરંપરા ‘નયામાર્ગ’ ચાલ્યું ત્યાં લગી ચાલુ રહી. ઇન્દુભાઈ માત્ર શબ્દોમાં પ્રોત્સાહન આપનારા કે કોરી ચર્ચા કરનારા ન હતા. એ નક્કર કાર્ય કરનારા હતા.

રામજીભાઈ પટેલની આગેવાનીમાં અમે જોડણી સુધારણા આંદોલન પાંચેક વર્ષ ચલાવ્યું. ખાસ કરીને, સંસ્કૃત પર આધારિત આપણી ગુજરાતી ભાષાની જોડણીને લઈ જે નિયમો છે તેમાં, નિયમો કરતાં વિકલ્પ વધારે છે. ખાસ કરીને, હ્રસ્વ-દીર્ઘ-ઇ-ઈ, ઉ-ઊને લઈ. બાળકો જ્યારે ભાષા શીખવાનું શરૂ કરે ત્યાં જ હ્રસ્વ-દીર્ઘ, ઇ-ઈ, ઉ-ઊની ગૂંચવણમાં; ભાષા કેળવણીનો એકડો મંડાય એ પૂર્વે જ તેની મુક્ત અભિવ્યક્તિ રૂંધાય. શિક્ષકો શુદ્ધ-અશુદ્ધ જોડણીના ચક્કરમાં જ લાલ લીટાઓથી તેના ભાષા-રસને છીનવી લે. વળી, આ જોડણીનાં હ્રસ્વ-દીર્ઘને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી; એવા અભ્યાસ પરથી અમે સૌ ગુજરાતી જોડણી સુધારણાની ઝુંબેશમાં સતત મંડ્યા રહ્યા.

ઉંઝામાં ગુજરાતભરના ભાષાશાસ્ત્રીઓ, શિક્ષકો, લેખકો ને ભાષાપ્રેમીઓનું વિશાળ સંમેલન યોજાયું. જ્યાં અગ્રણીઓમાં ઇન્દુભાઈ પણ હાજર હતા. ઠરાવો મંજૂર થયા બાદ સૌથી પહેલાં ઇન્દુભાઈએ જ “હવે ઉંઝા સંમેલનમાં નક્કી થયા મુજબની જોડણીમાં જ ‘નયામાર્ગ’ છપાશે એવી જાહેરાત કરી. એ પછી અન્ય સામયિકો પણ ઉત્સાહભેર તેમાં જોડાયાં. અને એ સંકલ્પ એમણે આજીવન નિભાવ્યો. શરૂઆતમાં એમને આ સંકલ્પ પાર પાડવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. સૌથી પહેલાં તો પ્રિન્ટિંગ પ્રેસમાં જ. લેખકો તો કહેવાતી અન્ય જોડણીમાં જ લેખો લખીને મોકલે. કંપોઝ કરનારા તે પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા. દરેક લેખનું એક ઈ-ઉ પ્રમાણે પ્રૂફ સુધારવાનું ભારે શ્રમભર્યું કામ તો ઇન્દુભાઈના માથે જ આવ્યું!

તેમણે મને ઘણી વાર હસતાં-હસતાં કહેલું કે ‘ફલાણા લેખક ઉંઝા જોડણીથી નારાજ થઈ હવે ‘નયામાર્ગ’માં લખવાની ના પાડે છે…’ પછી ક્યારેક એમ પણ કહે કે, “હવે એ જ લેખક ‘નયામાર્ગ’ને ઉંઝા જોડણીમાં વાંચતાં-વાંચતાં ટેવાઈ ગયા છે, અને હવે ચૂપચાપ પોતાના લેખ ‘નયામાર્ગ’માં પ્રગટ કરવા મોકલી આપે છે.

આ જોડણી સુધારણા આંદોલનને વેગ આપવા અમે ‘ભાષા વિચાર’ નામનું મુખપત્ર શરૂ કર્યું હતું. જેમાં કિરણ ત્રિવેદી અને હું સંપાદક હતા. એકાદ વર્ષ પછી એ મુખપત્ર છપાવવા અને પોસ્ટ કરવા માટેના ખર્ચા પોસાઈ શકે એવા ન રહ્યા ત્યારે મને યાદ છે કે, અમારી એક મિટિંગમાં એમણે તરત જણાવી દીધું કે, ‘નયામાર્ગ’માં આઠ પાનાં હું ભાષાવિચાર માટે આપું છું.’ અને એના પ્રિન્ટિંગનો તમામ ખર્ચ ઉપાડી એમણે પૂરી સ્વતંત્રતા સાથે અમને કામ કરવાની તક આપી. ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે એમણે તેમાં છપાતાં ‘ભાષા વિચાર’નાં આઠ પાનાં માટે ક્યારેય તેમાં શું છાપવાના છો, શું છપાવું જોઈએ એવાં સૂચન પણ નથી કર્યાં. કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરનારા એવા એમના વર્તનથી મને ઇન્દુભાઈ માટે હંમેશાં અનહદ માન રહેતું. એ જ રીતે અમારી રેશનાલિસ્ટ પ્રવૃત્તિમાં પણ ખૂબ જ સક્રિય. પ્રવૃત્તિ લેખો તો ‘નયામાર્ગ’માં છપાય જ પણ ચર્ચા સભા-સંમેલન એ બધાં માટે ખેતભવનનો હૉલ અમારા માટે કાયમ ખુલ્લો રહેતો.

કોરોના કાળ પૂર્વે છેલ્લું રૂબરૂમાં મળવાનું થયું રેશનાલિસ્ટ ડૉ૦ સુજાત વલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી તે સમયે. ડૉ૦ વલીના એક લખાણને લઈ કેટલાક રૂઢિચુસ્ત કટ્ટરવાદી ધાર્મિકોએ તેમની વિરુદ્ધ ગોધરામાં સરઘસ કાઢ્યું હતું, તેમને કસ્ટડીમાં પૂરી દેવડાવી પોલીસ કેસ પણ કરાવ્યો. અને પછીથી ‘ઇન્ટેલિજન્સ’નો એવો એક રિપોર્ટ પણ આવ્યો કે, તેમની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. અગમચેતીમાં શું થઈ શકે એ માટે એક તાત્કાલિક મિટિંગ અમદાવાદમાં યોજાઈ, જેમાં અગ્રણી રેશનાલિસ્ટ સાથીઓ ભેગા થયા હતા. તેમાં ઇન્દુભાઈની સાથે છેલ્લી રૂબરૂ વાત થઈ એવું સ્મરણમાં આવે છે.

તેઓ નિર્ણય લેવામાં, નિશ્ર્ચિત કાર્યના અમલીકરણમાં એકદમ દૃઢ હતા, પણ એવા જ હૃદયથી ઋજુ. મને એક ઘટના કાયમ યાદ રહી ગઈ છે…. ઘણાં વર્ષો પૂર્વે એક વાર અમે અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે આકસ્મિક ભેગા થઈ ગયા. એ વખતે ઇન્દુભાઈ સ્કૂટર પર હતા, ઘર તરફ જઈ રહ્યા હતા. થોડીક વાતો પછી એકાએક મને કહેવા માંડ્યા, ‘આ શ્રેયસ સ્કૂલવાળા પણ કમાલ છે…! મારા દીકરા અનુજ માટે કહે છે, તમે એને અમારે ત્યાંથી ઉઠાવી લો…એ ભણવામાં બરાબર નથી…!’

મને પણ નવાઈ લાગી કે, શ્રેયસ સ્કૂલવાળા ‘ભણવામાં યોગ્ય નથી’ એવી વાતે બાળકને શાળામાંથી ઉઠાડી લેવાનું કહે છે…! ગળગળા થઈ ગયેલા ઇન્દુભાઈએ આગળ કહેવા માંડ્યું… ‘આ તે કેવા સ્કૂલવાળા! હવે હું એને ક્યાં મૂકું?’ એમ કહેતાં-કહેતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. રસ્તાની વચ્ચે એક વડીલમિત્રનું આમ રડવું મારા માટે દિલાસો આપવાય મૂંઝવણભર્યું હતું. એમના જીવનના આદર્શ, માત્ર ઘરબહારની જિંદગી માટે ન હતા. મને આ ઘટનાનું સ્મરણ કરતાં હંમેશાં અનુજનો ઉછેર અને એમના આદર્શ યાદ આવી જ જાય છે. વળી, કાયમ એમને ઇસ્ત્રીવાળાં સુઘડ કપડાં, ક્લિન શૅવ અને વ્યવસ્થિત વાળ સાથે જોઉં ત્યારે મને એમના પિતાજી અમૃતભાઈ જાની પણ યાદ આવી જ જાય. હું ઘણી વાર ઇન્દુભાઈને કહું કે, ‘તમારા કરતાં તમારા પિતાજી મારા પહેલા મિત્ર!’

અમૃતભાઈ નાટકના એક ઉત્તમ કલાકાર, રાજકોટ આકાશવાણી પર એમનો અવાજ ગુંજતો. અમદાવાદમાં દીકરાઓ સાથે રહે. જશવંત ઠાકર દિગ્દર્શિત હીન્કમેનમાં તેમણે યાદગાર અભિનય કર્યો હતો. એ પણ એકદમ વ્યવસ્થિત રહે. અમદાવાદમાં નિવાસ દરમિયાન સાંજ પડે ફરવા નીકળે. ક્યારેક મારા ઘરે આવી પહોંચે. એકદમ ક્લિન શૅવ. વ્યવસ્થિત વાળ ઓળેલા હોય. સરસ ઈનશર્ટ કરેલું શર્ટ-પેન્ટ, સૌમ્ય ચહેરો. ક્યારેક જૂની રંગભૂમિનાં સંવાદો-શાયરી સંભળાવે. ઇન્દુભાઈને જોઉં-સાંભળું ત્યારે મને એમનામાં અમૃતભાઈનાં દર્શન થાય…એ જ સૌમ્ય ચહેરો, વિસ્મિત આંખો અને નિર્દોષ સ્મિત. મને કાયમ થતું રહ્યું છે કે, આવું નિર્દોષ સ્મિત… પ્રામાણિકતા અને નિષ્ઠાને જ વ્યક્ત કરવાનું હોઈ શકે.

– મનીષી જાની

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s