લખાણો અને વિચારોમાં તેજતર્રાર, છતાં અતિસંવેદનશીલ અને કોમળ : ઇન્દુભાઈ જાની

ઇન્દુભાઈ જાની સાથેનો આમ તો મારો પ્રત્યક્ષ પરિચય ત્રણ દાયકા જૂનો, પરંતુ તેમને ‘નયામાર્ગ’ના માધ્યમથી તે પહેલાંથી હું જાણું. ૧૯૯૦ સુધી કૉંગ્રેસે ૧૯૭૫માં લાદેલી કટોકટીના કારણે મારા મનમાં કૉંગ્રેસ માટેના (અણસમજ પૂર્વકના) પૂર્વગ્રહે ઇન્દુભાઈથી મને છેટો રાખેલો. કારણ કે, તે દિવસોમાં મહદ્ અંશે ઇન્દુભાઈનું ‘નયામાર્ગ’ અને ‘ખેત વિકાસ પરિષદ’ની ઓળખ એ કૉંગ્રેસની વિચારધારાના પ્રસાર અને પ્રચાર માટેની રહી હતી. અત્યારે પાકું સમજાય છે કે, અસલમાં ઇન્દુભાઈનાં આ બંને સંસ્થાનો ગુજરાતના ગરીબોના હક્ક અને ન્યાય માટેનાં બેનમૂન વાજિંત્રો હતાં. એ પહેલાં ૧૯૮૪-૮૫ના અનામત વિરોધી આંદોલનમાં અમારી (ગાંધીજનોની) ભૂમિકા લગભગ અધકચરી હતી. અનામતનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર છતાં ઉજળિયાત અને મધ્યમવર્ગના એ આંદોલનમાં જે પ્રકારની હિંસા આચરવામાં આવેલી તે અંગે મનમાં એક પ્રકારનો ધોખો હતો.

આ હિંસા અંગે રચાયેલા દવે કમિશનમાં જાત તપાસને આધારે જુબાની આપવાનું પણ બનેલું. ઇન્દુભાઈના મેન્ટર એવા કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને સિનિયર ઍડવોકેટ શ્રી હરુભાઈ મહેતાએ જ્યારે કમિશનમાં અમારી ઊલટતપાસ લીધેલી ત્યારે લગભગ આંખે અંધારાં આવી ગયેલાં તેવું થોડું થોડું યાદ છે. હરુભાઈ સહિત કૉંગ્રેસના તમામ નેતાઓ કૉંગ્રેસની વિચારધારાને વરેલા અણનમ યોદ્ધા હોવા છતાં આ સૌ માટેનો અણગમો અમે જાહેરમાં પણ વ્યક્ત કરતા. આ સૌ નેતાઓના ઇન્દુભાઈ ખાસ્સા લાડકા હતા. આજે જ્યારે ૩૦ વર્ષ પાછળ જઈને જોઉં છું ત્યારે મને સ્પષ્ટ રીતે સમજાય છે કે આ સૌને સમજવામાં અને મૂલવવામાં અમે ઠીક ઠીક અન્યાય કરેલો.

એ દિવસોમાં ‘નયામાર્ગ’ એ અનામત વિચારધારાનું એક મજબૂત વાજિંત્ર હતું. ઇન્દુભાઈને પ્રત્યક્ષ નહોતો મળ્યો એટલે ‘નયામાર્ગ’ થકી ઇન્દુભાઈની એક જહાલ લેખક તરીકેની છાપ ઊભી થયેલી. તે જ દિવસોમાં ઇન્દુભાઈ અને ‘નયામાર્ગે’ ગુજરાતના પ્રગતિશીલ અને ડાબેરી ઝોક ધરાવતા કર્મશીલો (રાજકીય-સામાજિક), લેખકો, કવિઓ, વિવેચકોને એકછત્ર નીચે સફળતાપૂર્વક ભેગા કરેલા.

જ્યારે મારે સનત મહેતા સાથે ૧૯૯૦ પછી નિકટથી કામ કરવાનો મોકો ઊભો થયો, ત્યારબાદ તેમને કારણે ઇન્દુભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું. ઇન્દુભાઈને પ્રત્યક્ષ જાણ્યા વગર મેં તેમના વિશે બાંધેલા પૂર્વગ્રહ અંગે પાછળથી મનોમન ખાસ્સો એવો પસ્તાવો થયેલો. લખાણોમાં અને વિચારોમાં તેજોતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિસંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ મને કંઈક જુદી જ વ્યક્તિ લાગ્યા. તે પછી તો અમારી દોસ્તી ઠીક ઠીક જામી.

૧૯૯૫ પછી જ્યારે મેં બનાસકાંઠાના વાવ વિસ્તારનાં ગામોમાં સક્રિય કામગીરી શરૂ કરી ત્યારે ઇન્દુભાઈ મારાં કામોની પ્રત્યક્ષ જાણકારી મેળવવા અમારા અમીરગઢ આશ્રમે સપરિવાર ત્રણ-ચાર દિવસ આવીને રહ્યા. અમારા કાર્યક્ષેત્રનાં ખૂબ ઊંડાણનાં ગામોમાં જઈને સઘળી માહિતી મેળવીને તેમણે ‘નયામાર્ગ’ ઉપરાંત તેમની ‘જનસત્તા’ અને ‘સમકાલીન’ની કટારોમાં અમારા કામને ઠીક ઠીક ઉજાગર કરી હતી. ઇન્દુભાઈનો બનાસકાંઠાનો આ પ્રવાસ ઇન્દુભાઈ સાથેનો મારો હૃદયતંતુ મજબૂત બનાવવામાં નિમિત્ત બન્યો. એમને કારણે જ હું ઝીણાભાઈ દરજીને નજીકથી ઓળખતો થયેલો. તે પહેલાં ઝીણાભાઈ માટે મારા મનમાં કોઈ જ પ્રકારના ગમા-અણગમાનો ભાવ જ નહોતો.

ઇન્દુભાઈએ ઝીણાભાઈ સાથે કરાવેલા પરિચયે મને તેમના રીતસરના પ્રેમમાં પાડી દીધો. એમાંય ઝીણાભાઈના જીવનનાં છેલ્લાં પાંચ-છ વર્ષ દરમ્યાન ઉંમરનો ભેદ છતાં તેમની સાથેનો એ સંબંધ ભરપૂર અંગત મૈત્રીસમો બની રહ્યો. આવી જ રીતે જુદાં જ કારણો અને પરિસ્થિતિને કારણે કૉંગ્રેસના દિગ્ગજ નેતા સદ્ગત અહેમદભાઈ પટેલ સાથેની મારી તદ્દન બિનરાજકીય ગાઢ મૈત્રીના મૂળમાં ઇન્દુભાઈ અને સનત મહેતા હતા. જ્યારે જ્યારે અહેમદભાઈને દિલ્હીમાં મળવાનું થતું ત્યારે તેઓ અતિ સ્નેહપૂર્વક અચૂક રીતે ઇન્દુભાઈને સંભારતા. કોરોના કાળના થોડાક જ સમય પહેલાં અહેમદભાઈને મળવાનું થયેલું ત્યારે તેમણે મને ઇન્દુભાઈને લઈને દિલ્હી આવવાનું અને બે-ત્રણ દિવસ સાથે રહેવાનું આગ્રહપૂર્વક ઇજન આપેલું તે પણ સ્મરણમાં હજી તાજું છે. ઇન્દુભાઈએ આ ઇજન હોંશપૂર્વક સ્વીકારેલું અને અમારા આયોજન પ્રમાણેના દિલ્હી પ્રવાસમાં કોરોનાએ બ્રેક મારી દીધી. અમારી ત્રણેયની, સાથે મળવાની મુરાદ મનમાં જ રહી ગઈ.

૨૦૦૨માં ગોધરાકાંડ પછી થયેલાં તોફાનોમાં મારા વિસ્તારમાં થરાદ પાસેના ગામ સેષણમાં લઘુમતી સમૂહો પર ક્રૂર હુમલો થયેલો. સામાન્ય રીતે આવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં હું સ્વભાવથી જ દોડી જનારો કાર્યકર હોવા છતાં સેષણમાં હિંસા પછીની પરિસ્થિતિમાં રાહતનું કામ કરવાનો જીવનમાં પહેલી વાર મૂંઝારો અનુભવતો હતો. આડે દહાડે આવી ઘટનાઓમાં જે દાતાઓ અને શુભેચ્છકો સામેથી દોડીને મદદ કરતા તેમણે પણ સેષણની ઘટનામાં કોઈ પણ પ્રકારની મદદ કરવામાં ખાસ ઉત્સાહ ન બતાવ્યો. હું ભારે ગડમથલમાં હતો. શું કરવું તે સમજાતું નહોતું. મામલતદાર અને જિલ્લા વહીવટીતંત્ર સેષણમાં રૂબરૂ જઈ કંઈક મદદ કરવા વારે વારે વિનંતી કરતાં, પણ કંઈ મેળ પડતો નહોતો. તેવામાં મને એકાએક ઇન્દુભાઈ યાદ આવ્યા. ઇન્દુભાઈનો સંપર્ક થતાંવેંત તેમણે મને સાંજ સુધીમાં બધી જ રાહતસામગ્રી પહોંચાડવાની હૈયાધારણ આપી, જે તેમણે પાળી પણ બતાવી. દસ ટન કરતાં પણ વધારે તમામ રાહતસામગ્રી તેમણે તાબડતોબ મોકલી આપ્યાનું અને પોલીસ રક્ષણ હેઠળ અમે દસ-બાર કાર્યકરોએ રૂબરૂ સેષણ જઈ વહેંચ્યાનું મને આજે પણ યાદ છે.

આદિવાસીઓ માટે ‘વનવાસી’ શબ્દ એ આર.એસ.એસ. દ્વારા પ્રસારિત હોવા છતાં મને તેની ભૂમિકાની લગીરે ગતાગમ નહોતી તે મારે કબૂલવું જોઈએ. ઇન્દુભાઈએ આ બાબતે મને ખૂબ જ સ્નેહપૂર્વક ટોકીને ‘વનવાસી’ શબ્દ વિશે મારા મનમાં એક નવો જ પ્રકાશ પાથર્યો. અને તે દિવસથી આજ સુધી મેં ક્યારેય આ શબ્દનો આદિવાસીના સંદર્ભમાં ઉપયોગ નથી કર્યો, અને બીજા કોઈ આ શબ્દનો ઉપયોગ કરે તે મને જરાય રુચતું નથી. ભલે દેખીતી રીતે નાની છતાં એક કાર્યકરની સમજ માટે અત્યંત જરૂરી એવી આ બાબતમાં મને નિભ્રાંત કરવા માટે ઇન્દુભાઈનો હું કાયમી આભારી રહીશ.

છેલ્લા દાયકામાં ઇન્દુભાઈ સાથેના મારા અભિન્ન સખ્યની ગાંઠ સાધારણ રીતે મજબૂત બની. દર શનિ-રવિ બનાસકાંઠાથી અમદાવાદ જવાનું થાય ત્યારે ભાઈ સાગર રબારીની હાજરીમાં ઇન્દુભાઈ સાથે બે કલાક ગાળવાનો મારો નિત્યક્રમ હતો. વિદ્વત્તા, સરળતા, કર્મઠતાના તેમના સ્થાઈ ગુણોથી તો હું પ્રભાવિત હતો જ, પરંતુ સંવેદનાથી ભીંજાયેલા તેમના નિસબતપૂર્ણ વ્યક્તિત્વનો મારા પર ઠીક ઠીક પ્રભાવ હતો. મારી વિચારપ્રક્રિયાને પ્રગતિશીલ પાશ આપી તેને માંજવામાં ઇન્દુભાઈનું પ્રભાવી પ્રદાન રહ્યું છે. નાસ્તિક અને રેશનાલિસ્ટ હોવા છતાં તેમની માનવીય ભીનાશ હંમેશાં લીલીછમ હતી. ઇન્દુભાઈની જેમ જ માનવીય સંવેદનાઓથી છલોછલ ઘણા રેશનાલિસ્ટ મિત્રોના પરિચયમાં મને લાવવાનું શ્રેય પણ ઇન્દુભાઈના ખાતે જમા છે.

ગરીબો અને વંચિતોના અવાજને ‘નયામાર્ગ’ દ્વારા બુલંદી આપવાનું ભગીરથ કાર્ય થવા છતાં મધ્યમ વર્ગીય વાચાળતા અને વર્ચસ્વ ધરાવતા ગુજરાતમાં એના પડઘા વીંખાઈ ગયા એ પણ હકીકત છે. સામૂહિક કતૃત્વના ધોરણે ‘ખેત ભવન’ અને ‘નયામાર્ગ’ના માધ્યમથી શરૂ થયેલા વંચિતો પરસ્ત આંદોલનના આ વિખરાવનો અજંપો ઇન્દુભાઈનાં પાછલાં વરસોમાં તેમના મનહૃદય પર સ્પષ્ટપણે વરતાતો હતો. અતિ સંવેદનશીલ હોવાના કારણે સાથીઓની પસંદગીમાં ક્યાંક ચૂક થઈ હોવાનો પણ એમને ધોખો હતો. છેલ્લાં વરસોમાં નિરાશાની આ લકીરો મેં સ્પષ્ટપણે ઇન્દુભાઈના ચહેરા પર અંકાયેલી જોઈ છે. ચાહકો અને મિત્રો, ગણ્યા ગણાય નહીં તેટલા હોવા છતાં તેઓ સાવ નોંધારા થઈ ગયા હોય તેવી તેમની છેલ્લી અવસ્થા હતી.

આ દોરમાં, કહો કે આજીવન, તેમનાં જીવનસંગિની રંજનબહેનનો અપાર સ્નેહ અને પુત્ર અનુજના લાડ એ એમના જાહેર અને આંતરિક અસ્તિત્વને ટકાવી રાખવાના મુખ્ય સ્રોત હતાં તેનો, હું નજીકનો સાક્ષી છું. આવી અવસ્થામાં દુભાવા છતાં, સહેજ પણ આળા થયા વિના તેમણે પોતાની ભીનાશ અકબંધ ટકાવી રાખી તેમાં તેમના પરિવારનો સિંહફાળો હતો. ત્રણ દાયકાના અમારા અકાળે વિલાઈ ગયેલા સખ્યનો અંગત ખાલીપો હજી ઝટ નહીં ભરાય.

ઇન્દુભાઈના વિદાયની કળ હજી વળતી નથી. તેઓ ક્યારેય નહીં વિસરાય. અલવિદા ઇન્દુભાઈ!

– હસમુખ પટેલ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s