ભાઈ જાનીનો સંપર્ક અનાયાસે જ આજથી લગભગ ચાર દાયકા પૂર્વે થયો. તેનાં મૂળિયાં ધરમપુરની ધરતીમાં ખોડાયેલાં છે. ત્યાંની દારુણ ગરીબીની કથા જાણી લોકસેવક ઝીણાભાઈ હાલી ઊઠ્યા. સેવા અર્થે એમણે તાલુકાને લગભગ દત્તક લીધો.
તે કાળે ગામડામાં નવી રોજગાર આપતી કાર્પેટ વણવાની પ્રવૃત્તિનો આરંભ થઈ ગયેલો. ધરમપુરની બેરોજગારીના નિવારણ માટે એમને આ રામબાણ ઇલાજ હાથવગો દેખાયો અને મંડી પડ્યા. તાલુકાને ખૂણે-ખૂણે કારપેટ સહકારી મંડળીઓ સ્થાપવાનું મસમોટું આંદોલન આરંભાયું. નવી રોજગારી ઝડપથી નિર્માણ થવા લાગી.
દેશ-દેશાવરમાં માર્કેટ પેદા કરનારી ધરમપુરની કળામય કાર્પેટો વણવામાં બાળકોની નાજુક આંગળીઓ મોટો ભાગ ભજવતી. ડોળા ફાડતો સવાલ સામે આવ્યો : આ બધું શિક્ષણના ભોગે થઈ રહ્યું છે. તેમાંથી રસ્તો કાઢ્યો – જ્યાં કાર્પેટ કેન્દ્રોની શાખા ધમધમતી ત્યાં જ બાળકોના શિક્ષણવર્ગો સાંજે/રાતે ચાલે. આ કામ ઝીણાભાઈના સંચાલનમાં ચાલતી પી.ટી.સી. કૉલેજનાં આચાર્યા કોકિલાબહેનને સોંપવામાં આવ્યું. ભાષાનો સવાલ આવ્યો, કારણ ધરમપુરની બોલી મરાઠી-મિશ્રિત. તે કાળે ગુજરાતી કોઈ સમજે નહિ. પી.ટી.સી. કૉલેજની ૨/૩ મરાઠીભાષી તાલીમાર્થી બહેનોને અભ્યાસના ભાગ રૂપે વાલીસંપર્કનું કામ સોંપ્યું. આ કીમિયો સફળ થયો. સમાંતર બાળવર્ગો ધમધમવા લાગ્યા.
જ્યાં ઝીણાભાઈ હોય ત્યાં એમના સાથી અને સચિવ જેવા જાની પણ ખરા જ. આ બાજુ હું પણ ઝીણાભાઈ સાથે વર્ષોથી આવી જ કામગીરી કરતો હતો. ક્રમેક્રમે જાની સાથેની આજીવન મિત્રાચારી જામી પડી. તે ઠેઠ એમની અણધારી વિદાયથી ખંડિત થઈ.
કોણ હતા આ જાની? ઝીણાભાઈ જેના પ્રમુખ હતા તે ‘ગુજરાત જમીન વિકાસ બૅંક’ના એક મામૂલી કારકુન. પણ માણસપારખુ ઝીણાભાઈએ એમનું ચિત્ત જોઈ લીધું. જાની કર્મચારી યુનિયનના આગેવાન. શરૂઆત ઝીણાભાઈ સાથેના સંઘર્ષથી થઈ. તેમાંથી જાનીની નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યકુશળતાનો પરિચય થયો. કાળે કરીને એ જ જાનીએ બૅંકની સલામત નોકરીને તિલાંજલિ આપી દીધી. પોતે ઝીણાભાઈના મિત્ર અને સચિવ બની ગયા.
મધ્યમવર્ગના નોકરિયાતને બદલે ઝીણાભાઈના સંગે સંઘર્ષની નવી દિશા ખોલી આપી, તે છેવાડાના માણસને થતા અન્યાય સામેનો સંઘર્ષ. પણ જોડાજોડ તેમનો વિકાસ તાકતું નવનિર્માણ પણ ખરું. જાની સંઘર્ષની જોડાજોડ નિર્માણની દિશામાં ઝળકી ઊઠ્યા. પછીની ઘટના એ જ્વલંત ઇતિહાસ છે. સમાજસેવા સાથે જેને સ્નાનસૂતકનો સંબંધ નહિ એવા આ શહેરી કારકુનમાંથી પદ-દલિતોના હામી, બિન-સાંપ્રદાયિકતાના પુરસ્કર્તા અને આગળ વધીને એક નીડર પત્રકાર રૂપે એમનો જબરો કાયાકલ્પ થઈ ગયો! ક્યાંથી ક્યાં, કેવી હરણફાળ!
શ્રમજીવીઓ, દલિતો અને ઇતર વંચિતોના વિકાસ અર્થે રચાયેલા સંગઠન ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ના ઝીણાભાઈ પ્રમુખ થયા, તો જાની મહામંત્રી થયા. અમદાવાદની સાંકડી મર્યાદા વચોળી જાની રૂપે ગુજરાતના ગ્રામ-પ્રદેશના પદ-દલિતોને એક હોનહાર આગેવાન મળ્યા. જાની ગુજરાતભરની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રદૂત અને હામી બની ગયા. ઝીણાભાઈના નેતૃત્વ નીચે દુષ્કાળ-નિવારણથી માંડી જે કાંઈ સેવા પ્રવૃત્તિ થઈ તેમાં જાનીનું ઘણું મોટું પ્રદાન. સઘળો બોજો એ હસતે મુખે ઉપાડી લેતા. તેઓ વકીલનું ભણેલા પણ એમણે વકીલાત કરી તો એકમાત્ર અને એકમાત્ર વંચિતોની. પાછા કર્મશીલ એવા કે અનેક આંદોલનોમાં મોખરેે રહ્યા અને સત્યાગ્રહો કરવાનો વારો આવ્યો ત્યારે પાછા ન પડ્યા.
ધરમપુરને માટે ભાઈ જાનીને પહેલેથી જ અનહદ પ્રેમ. અમારો પહેલવહેલો પરિચય પણ ધરમપુરમાં જ થયેલો. ત્રણેક વર્ષ પછી જ્યારે વિધિસર રીતે પ્રોજેક્ટનો એકડો ખાંડા ગામમાં મંડાયો ત્યારે પણ જાનીની હાજરી ખરી. મારે કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવું જોઈએ કે આ પ્રોજેક્ટ માટે સર્વ પ્રથમ દાન, ભાઈ જાનીની ભલામણથી મળ્યું હતું. પ્રોજેક્ટ શરૂ થયા પછી પ્રસંગે-પ્રસંગે ભાઈ જાની હાજર રહેતા અને ‘નયામાર્ગ’માં વિસ્તૃત લેખો લખતા. આવી લેખ-માળાની પછી તો એમણે એક પુસ્તિકા બનાવી, ‘તમે કહો છો તે આઝાદી ક્યાં છે?’
ગુજરાતને ખૂણે ખૂણે ચાલતી આવી પ્રવૃત્તિઓને ભાઈ જાની એમની રોચક અને અભ્યાસપૂર્ણ કલમથી ‘નયામાર્ગ’માં બિરદાવતા. બહુ વાચનપ્રેમી નહિ એવા ઝીણાભાઈ એકમાત્ર ‘નયામાર્ગ’ને આવતાંની વારમાં સાદ્યંત વાંચી જતા. એક વિચાર-પત્ર જ નહિ, વંચિતોની વાણી તરીકે ‘નયામાર્ગ’ની ગુજરાતભરમાં ખ્યાતિ હતી. સામાજિક વિષમતા અને ગુજરાતમાં જોર પકડતાં જતાં કોમી પરિબળો સામે કોઈની સાડાબારી રાખ્યા વિના જાની ખોંખારીને લખતા. એનું અકાળે બંધ થવું એ પ્રબુદ્ધજનો માટે અને ગુજરાતના સાંસ્કૃતિક જગતની મોટી નામોશી છે. જાણે કે આપણે સૌ આ બાળમરણને રોકી શક્યા નહિ.
છેલ્લાં વર્ષોમાં ત્રણ ‘સ’એ એમને ભારે ઉદ્દેગ આપ્યો હતો. સરકારની અમીર તરફી નીતિ, આદર્શોેથી મોં ફેરવતી સંસ્થાઓ અને સામાજિક વિષમતા-ત્યાં થતું નિર્લજ્જ શોષણ – સૌથી મોટો આઘાત એમને ધર્મને નામે થતા ભાગલા (અધર્મ)નો હતો. ગીતાના રચયિતા વ્યાસમુનિની પેઠે જાણે એઓ પોકારી પોકારીને કહેતા ન હોય : ‘મારું કોઈ સાંભળતું નથી.’
ભાઈ જાનીની ભાતીગળ પ્રવૃત્તિઓમાં ‘નયામાર્ગ’ એમનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે. છેલ્લે જ્યારે જાનીભાઈને વિષે કશુંક પ્રકાશન થવું ઘટે એવી વાતો ચાલતી ત્યારે તેઓ ધરાર એની ના પાડતા અને કહેતા, ‘નયામાર્ગ’ એકમાત્ર મારું શ્રેષ્ઠ સ્મારક છે. વાત સાચી છે. એક વિચાર-પત્ર જ નહિ, ક્રાંતિપત્ર તરીકે ગુજરાતમાં ‘નયામાર્ગે’ જબરું કાઠું કાઢ્યું.
જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.
– ભીખુભાઈ વ્યાસ
🙏May Janibhai soul rest in an Eternal peace
LikeLike
🙏May Janibhai soul rest in an Eternal peace
LikeLike